' નિજ ' રચીત એક સુંદર વારતા :
ડૉક્ટર કેશા
' કેશુ, કેશુ ,ક્યાં છે બેટા? '
' અહીં જ છું મમ્મી, શું છે ? '
' કેશુ , તારે માટે યુએસથી માંગુ આવ્યું છે, છોકરો નામે કૌસ્તુભ .અમેરિકામાં સુપર સ્પેશિયાલીસ્ટ થયેલો છે. મહિના દોઢ બે કરોડ કમાય છે. એને MBBS કે એની ઉપર ભણેલી અને રૂપાળી હોય તેવી છોકરી જોઈએ છે બેટા. એણે તારો બાયો જોયો અને એને ખૂબ પસંદ પડ્યો છે. વચ્ચે કાનાભાઈ છે એટલે વાંધો નહીં આવે.'
કેશા એટલે કેશા વસંતલાલ શાહ. મમ્મીનું નામ માલતી વસંતલાલ શાહ. એમનું એક માત્ર સંતાન એટલે આ કેશા. ડોક્ટર કેશા. બ્રિલિયન્ટ છોકરી. હરણી જેવી ચપળ, નિલી આંખોમાં ગાઢ ઉંડાણ અને દેખાતા સપના. આધુનિક પરિધાન , સંસ્કાર પણ આધુનિક ,પણ જરાય છીછરાપણું નહીં, બોલવામાં મીતભાષી પણ સ્પષ્ટ વક્તા. અવાજ નમ પણ જરૂર પડે તો મોટો ય થાય. પાછું એવું પણ નહીં કે ભણવામાં જ હોંશિયાર હોય. એને વીણા બહુ પસંદ.શાસ્ત્રીય સંગીતમાં પારંગત.એના અવાજમાં ગવાયેલું ગીત તમને કોકિલ કંઠી લતાની યાદ લાવી દે.
સમજોને કે સરસ્વતીમાતાજીની પૂરી કૃપા એની પર ઉતરેલી.
12 પછી MBBS માં જવાનો એનો જ નિર્ણય. કેશાને જાતે પોતાની કારકિર્દી કંડારવી હતી. MBBS, MD ગાયનેક,, પોતાની હોસ્પિટલ, ટ્રસ્ટની હોસ્પિટલમાં રોજ બે કલાક આપી લોકોની સેવા, સામાજિક નામ . સાથે સાથે શાસ્ત્રીય સંગીત માં પણ નામ કાઢવું હતું.આટલું એના માઈન્ડમાં સ્પષ્ટ હતું.એ પણ સ્પષ્ટ હતું કે મારે કેવો છોકરો પસંદ કરવો.
અને આજે મમ્મીએ આ વાત કાઢી.
' મમ્મી, બધી વાત સાચી પણ તને અને પપ્પાને તો મારે કેવું પાત્ર જોઈએ છે એ તો ખબર જ છે ને? '
' હા બેટા , આ એવુંજ પાત્ર લાગે છે '
' લાગે છે? એટલે મમ્મી?'
' જો બેટા બધી તો તપાસ ન જ થાય ને, છોકરો અમેરિકા છે એટલે જેટલી તપાસ થાય એટલી કરેલી છે.વાંધો નહીં આવે અને તું પણ બહુ વાંધા વચકા નહીં કાઢીશ તો સારું.અને સાંભળ બેટા રાત્રે વિડિયો કોલ થી વાત કરી શકીશ ? '
' શ્યોર મમ્મી '
રાત્રે વાતચીત ચાલુ થઈ. મમ્મી જરા દૂર બેઠેલા હતા.પપ્પા એમના રૂમમાં સૂતેલા હતા.screen પર કૌસ્તુભનો હેન્ડસમ ચહેરો દેખાયો. અમેરિકન છાંટ સાથે ગુજરાતીમાં સંવાદો ચાલુ કર્યા:
' હાય, ગુડ મો્નિંગ '
' ઓ હાય, જોકે મારાથી ગુડ મોર્નિંગ નહીં બોલાય. અહીં રાત પડી ગઈ છે '
' ઓહ યા,સ્માર્ટ આન્સર, કેમ છો?, મજામાં?'
' હા, આપણે સીધા પોઈન્ટ પર આવી જઈએ? '
' ઓહ, મને ગમ્યું, નો ફોરમાલિટિસ, ગુડ ગુડ, તો સીધા પોઈન્ટ પર જ આવી જાઉં છું. તમારો બાયો મેં જોયો. મને ખૂબ જ ગમ્યો છે. શું આપણે આગળ વધી શકીએ?'
કેશા થોડું વિચારી રહી.
' ઓકે નો પ્રોબ્લેમ, પણ તમારા એક્સપેટેશન શું હશે, છે? '
' ઓ યા, હું પર્સનલી એવી ઈચ્છા રાખું છું કે હું પોતે સુપર સ્પેશિયાલિસ્ટ છું તો મારી લાઈફ પાર્ટનર એટલિસ્ટ MBBS તો હોવી જ જોઈએ , અને હાં એને આગળ ગમે તેટલું ભણવું હોય MD,DNB ,MCH, કે Phd, ગમે તેટલું ભણવું હોય તો ભણી શકે છે એ પણ ખર્ચાની ચિંતા કર્યા વગર. '
હવે કેશા થોડી વિચારમાં પડી ગઈ. થોડી ક્ષણો સ્ક્રીન સામે જોયા કર્યું. :
' ઓકે, ધારોકે આપણે આગળ વધીએ છીએ તો અમેરિકામાં મારી જોબ તમારી હોસ્પિટલમાં થઈ જશે કે પછી બીજી કોઈ.......?
એણે વાક્ય અધૂરું મૂક્યું, ટગર ટગર કૌસ્તુભ સામે જોયું.
' નો,નો,નો , એક વાતની ચોખવટ કરી લઉં '.
કેશાએ પ્રશ્નાર્થ ચહેરે કૌસ્તુભ સામે જોયું.
' ચોખવટ એ જ કે મેરેજ પછી તમે અમેરિકા આવો, તો તમારે અહીં ઘરે જ રહેવાનું રહેશે. કોઈ જોબ કે બિઝનેસ કશું એટલે કશું જ કરવાની જરૂર નથી .કોઈ શોખ હોય તો એ પણ ઇન્ડિયામાં જ છોડી ને આવવું પડશે. '
ધીમે ધીમે કેશાના મનમાં અજવાળું થવા માંડ્યું. આ હિરોને પોતે મેડિસિનમાં સુપર સ્પેશિયાલિસ્ટ છે એનું અભિમાન છે અને એને ડૉક્ટર ગર્લ જોઈએ છે એ પણ રૂપાળી ,એટલે જ મારો બાયો પસંદ પડ્યો છે.
કેશા પહેલા સંયત સ્વરે બોલી :
' જુઓ મિસ્ટર કૌસ્તુભ, મતલબ તમારે ભણેલી ઢીંગલી જોઈએ છે.બરાબર? તો આ છે તમારા વિચારો? બહુ પુઅર થોટ છે તમારા.ભલે તમે મહિને દોઢ બે કરોડ કમાઓ છો પણ એ કરોડો રૂપિયા તમને મુબારક... તમને ડૉક્ટર છોકરી એટલે જ જોઈએ છે ને કે એ તમારા સ્ટેટસ ને અનુરૂપ હોય ને તમને પાર્ટીઓમાં સાથ આપી શકે '...
અને પછી ધ્રુજારી પૂર્ણ આક્રોશથી:
' શું સમજો છો તમે તમારા મગજમાં, અમે સ્ત્રીઓ કાંઈ તમારા ગુલામ છીએ.તમે ફક્ત મારું જ નહીં સમગ્ર નારીત્વ નું અપમાન કર્યું છે. સો ગુડ બાય મિસ્ટર કૌસ્તુભ. મને તમારા જેવા ગરીબ વિચારવાળા સાથે વાત કરવામાં પણ શરમ આવે છે.'
કહી વિડિયો કોલ ઓફ કર્યો.
માલતીબેનની નજર અનાયસે કેલેન્ડર તરફ ગઈ. તારીખ હતી 8 માર્ચ.
લખેલું હતું :
international women's day
.
.
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995
jatinbhatt67@gmail.com