Tari Sangathe - 28 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 28

Featured Books
Categories
Share

તારી સંગાથે - ભાગ 28

ભાગ 28

30 ઓગસ્ટ 2018, ગુરુવાર સવારના 10.25

-----------------------------------------------------

 

- સવારની સલામ, ગુડ્ડુ.

- સલામ બાલા. શું વાત છે, આજે નવું નામ!

- તું એટલો ગુડ-ગુડ છો કે આ નામ જ ગમી ગયું. અત્યારે શું કરી રહ્યો છે?

- આજે, બુધવારે સાંજે સાતથી નવ બાઇબલ સ્ટડીમાં ગયો હતો. ત્યાં જ જમી લીધું. આરામ કરી રહ્યો છું. તું કહે, કેવું રહ્યું વિવાનનું બર્થડે સેલિબ્રેશન?

- ખૂબ સરસ. તેના બધા મિત્રોને સપરિવાર આમંત્રણ આપ્યું હતું. બાળકોએ ખૂબ મસ્તી કરી. 

- દીકરા-વહુ સાથે તારો ખૂબ જ પ્રેમાળ સંબંધ છે.

- સાચે જ છે. તેમનું કાર્યક્ષેત્ર સંપૂર્ણપણે અલગ છે. જ્યાં કામના સમયની કોઈ સીમા નથી. તેઓ પ્રથમ માળ પર અને અમે બંને ગ્રાઉન્ડ ફ્લોર પર રહીએ છીએ. સાથે પણ છીએ અને સ્વતંત્ર પણ. અમે તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. અમારા સંબંધોમાં કોઈ પેચ નથી.

- સંબંધોનું જતન કરતાં તને આવડે છે મલ્લિકા. 

- સંબંધોનું મહત્વ હું જાણું છું, ઐશ. પુત્રવધૂ આકાંક્ષા સાથે મારો સંબંધ મિત્રતા ભર્યો છે. અમારા સંબંધોમાં સૌથી સકારાત્મક પાસું એ છે કે અમે કોઈ પણ વિષય પર સરળતાથી ચર્ચા કરીએ છીએ.

- દરેક વિષય પર નવી પેઢી પાસે માહિતીનું ક્ષેત્ર વિશાળ છે. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે. 

- સાચું, અમે મિત્રોની જેમ વર્તીએ છીએ. ઉંમરનો ભેદ અમને નડતો નથી. અમે પીરિયડ્સ, મેનોપોઝ, સરોગસી, આઈવીએફ ટેક્નિક્સ, પ્રેમ, વૈવાહિક સંબંધો, સેક્સ, હોમો સેક્સ, લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયો પર પણ ચર્ચા કરી શકીએ છીએ. એક સમયે, હું આવા વિષયો પર વિચાર કરતાં પણ ડરતી હતી!

- નવી પેઢીના બાળકો આપણા કરતાં હોંશિયાર છે. તેમની સાથે વાતચીત કરવાનો ફાયદો એ છે કે દરેક વિષય પર સચોટ માહિતી મળી શકે છે. 

- સાચી વાત.

- તેં સવારનો ચા- નાસ્તો કરી લીધો?

- કરી લીધો. હવે થોડી વાર તારી સાથે વાત કરીશ, પછી મારું ગૃહકાર્ય.

- ઓકે, ગૃહિણી. આજનો વિષય?

- ઐશ, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું તારી વાર્તાનું પાત્ર બનીશ!

- ખરેખર, મેં પણ નહોતું વિચાર્યું હું કોઈ નવલકથાકાર બનીશ. લેખક સાથે મિત્રતા કરવાનો આ જ લાભ છે, તેં મને લખતાં શીખવાડી દીધું! 

 

- અશ્વિન, દરેક વ્યક્તિની અંદર એક લેખક છુપાયેલ હોય છે, જો તક મળે તો તે ઘણું લખી શકે છે. તું હવે મારા કરતાં ઘણું સારું લખી રહ્યો છે. 

- જો કલાકારને કોઈ સારો દિગ્દર્શક મળે, તો તે ખીલે છે. વળી તારો જાદુ પણ હોઈ શકે છે. 

- રૂબરૂ મળીશું ત્યારે હું તારી વાતો સાંભળીશ.

- ક્યા રંગ લાયેગી મહફિલ, જબ મિલ બૈઠેંગે દીવાને દો! 

- વિચારી લે, હીરો. એવું ન બને કે કંઈ બોલી જ ન શકાય! 

- એ તો સમય જ બતાવશે, છોરી. જો કંઈ નહીં બોલાય તો મૌન બોલશે.

સદમા તો હૈ મુઝે ભી કિ તુઝસે જુદા હૂં મૈં,

લેકિન યે સોચતા હૂં કિ અબ તેરા ક્યા હૂં મૈં?

- મેરે પ્યારે દોસ્ત, જ્યારે પ્રેમ સિવાય બીજું કંઈ મહત્વનું ન હતું, તે સમય જ મારા હાથમાંથી રેતીની જેમ સરકી ગયો! 

- મલ્લિકા, તે સમય સરકી ગયો, પણ તેં વર્ષો સુધી મારા પ્રત્યેની પ્રેમની લાગણી અકબંધ રાખી. ફક્ત એક સ્ત્રી જ આવું કરી શકે. 

- આ વાંચીને આનંદ થયો. ઈશ્વર સિવાય મારા આ પ્રેમની કોઈને ખબર નહોતી. કોઈ મારા આ પ્રેમને જાણતો ન હતો. જો તું ન મળ્યો હોત, તો આ અનુભૂતિ રહસ્ય જ બની રહેત.

- અગાઉ પણ મેં પૂછ્યું હતું, આજે ફરીથી પૂછું છું, ‘કિસ મિટ્ટી સે બની હો તુમ?’

- હું એક ખૂબ જ સીધી સાદી સ્ત્રી છું જે ફક્ત પ્રેમને જાણે છે.

- તું એક પ્રેમની ગુડિયા છે જેને હૃદયમાં સમાવવાની ઇચ્છા થાય છે. હું કાચી માટી નો માણસ છું. આટલા વર્ષો સુધી હું આવા પ્રેમને ન સંભાળી શકયો હોત! મને મળ્યા પછી તું કદાચ નિરાશ થઈશ. હવે તને મળવામાં મને ડર લાગી રહ્યો છે.

- ડરવું શા માટે? શું તારી આંખોમાં જોયેલ પ્રેમનો એ મહાસાગર નહીં દેખાય? 

- કાશ! તેં મારી આંખોમાંથી ટપકતાં આંસુ પણ જોયાં હોત!

- જો મેં તે જોયાં હોત, તો મેં તે આંસુ પી લીધાં હોત, તારી પલકોને પ્રેમથી સહલાવી હોત અને તારી આંખોને ચૂમી લીધી હોત. 

- મને ખબર હતી કે તું આવું જ કહીશ. 

ઉમ્ર બીત ગઈ લેકિન સફર ખત્મ ન હુઆ,

ઇન અજનબી સી રાહોં મેં જો ખુદકો ઢુંઢને નિકલા!

- તેં પોતાને શોધી લીધો, અશ્વિન! હું એક વખત તારો હાથ મારા હાથમાં લેવા માંગું છું અને તેને પ્રેમથી પંપાળવા માગું છું. મિત્રતાનો આટલો હક તો મળશે ને મને? 

- કેમ નહિ? શરીર વૃદ્ધ થઈ શકે છે, લાગણીઓ નહીં. બધી સરહદોની સીમાઓને મિટાવીને, એક યુગ પછી જો આપણે મળીએ તો તારો મિત્રતાનો અધિકાર હું કેવી રીતે છીનવી શકું?

- સાચું કહું તો, હું તારા હાથને ચૂમવા માંગુ છું, જે હાથથી તેં લાચાર વડીલોની સંભાળ લીધી, તેમને પ્રેમથી જમાડ્યાં. જે હાથે આગ ઓકતી ભઠ્ઠીની દિવાલ પર નાન ચોંટાડતી વખતે પોતાની રુંવાટી બાળી, પોતાની હથેળી જલાવી. હાર્મોનિયમની કુંજી પર ફરવા માટે બનેલી જે આંગળીઓ ભઠ્ઠીની આગ સાથે રમતી રહી!

- મલ્લિકા, તનહાઈઓ સિવાય મારી હથેળીની રેખાઓમાં કાંઈ લખાયું નહોતું, પણ આ હથેળી પર તેં મને મળવા માટેની એક ઝાંખી રેખા દોરી દીધી!

- ઐશ, જ્યારે કોઈ અચાનક આપણા જીવનમાં પાછું આવે છે, તે માત્ર એક સંયોગ નથી હોતો, પણ કોઈ અલૌકિક શક્તિ તેને નિયંત્રિત કરતી હોય છે.

- મને પણ એવું જ લાગે છે.

- જીવન સંઘ્યાએ આપણે આ રીતે મળીશું અને સાથે મળીને એક પુસ્તક લખીશું, ક્યારેય વિચાર્યું હતું?

- ક્યારેય નહીં. 

- તું મારા જીવનમાં આવ્યો, પ્રેમ સાથે મારો પરિચય કરાવ્યો. લેખનમાં સાથ આપીને, લેખનની દુનિયામાં મને એક પગલું આગળ વધારી.

- તું મને ખૂબ નજીકની વ્યક્તિ તરીકે મળી.

- તું પણ. કાલે કોઈ નવા વિષય પર વાત કરીશું. હવે કિચન બોલાવી રહ્યું છે.

- ખૂબ જ વ્યસ્ત છોકરી સાથે પનારો પડ્યો છે! મજાક કરું છું. આમેય રાત ઘણી વીતી, મારો સૂવાનો ટાઇમ થઈ ગયો. 

- હવે નિરાંતે સૂઈ જા, છોકરા.

- હું તારી સલામતી માટે પ્રાર્થના કરું છું. કિચનમાં જઈ રહી છો ને? કોણ જાણે આજે કઈ વાનગી બળી જશે! 

- જે પણ બળશે એના માટે તું જ જવાબદાર ગણાશે, બાય.

 

 

 

 

 

 

31 ઓગસ્ટ 2018, શુક્રવાર સાંજના 5.30

--------------------------------------------------

- તારા દેશમાં થોડી વારમાં શુક્રવારની સવાર થશે. તું જાગે એ પહેલાં આજે મેં તને એક પત્ર લખવાનું નક્કી કર્યું છે. પહેલો પત્ર સોળ વર્ષની ઉંમરની લાગણી સાથે લખાયો હતો, જે તને પિસ્તાળીસ વર્ષ પછી મળ્યો, પણ હવે હું જે લખીશ તે તું જાગીશ ત્યારે તને મળી જશે. મને ખાતરી છે કે આ પત્રનો સાચો જવાબ મળશે. વધુ વાત કર્યા વિના સીધો પત્ર લખી નાખું છું.

મારા પ્રિય, 

મુગ્ધાવસ્થામાં પ્રવેશતાની સાથે જ છોકરીના મનની ધરતી પર પ્રેમનું બીજ પાંગરવા લાગે છે, પછી ભલે તે રાજકુમારી હોય કે ખૂબ સામાન્ય ઘરની છોકરી હોય. તેણી તેના સપનાનો રાજકુમાર શોધે છે, જે તેના જીવનમાં આવે, તેને પ્રેમ કરે. તેણીને એક એવી રોમેન્ટિક દુનિયામાં લઈ જાય જ્યાં ફક્ત ખુશીઓ જ હોય. કિશોર વયે, મેં પણ એવું જ સપનું જોયું હતું. સોળ વર્ષની ઉંમરે મેં કૉલેજમાં એડમિશન લીધું. એક દિવસ મેં તને કૉલેજ કેમ્પસમાં જોયો. આહા! આવો આકર્ષક અને સુંદર યુવાન દરેક છોકરીના સપનામાં હોય છે! મારા જેવી ગામ થી આવેલી, સીધી સાદી છોકરીની શી હિમ્મત કે તારી સાથે નજર પણ મિલાવી શકે? 

મારો ક્લાસમેટ હોવાને કારણે મને તારી સાથે વાત કરવાની ઘણી તકો મળી અને તેં પણ મને કંઈક કહેવાની ઘણી તકો આપી. પણ ક્યાં? અબોધ મનમાં અસ્વીકારનો ભય અને સૌથી અગત્યની વાત, તારો જુદો ધર્મ! ઘણી વાર પ્રયત્ન કર્યો, ધર્મની દીવાલ એક અવરોધ બનીને આડે આવી, જેને પાર કરવાની હિમ્મત હું ક્યારેય ન કરી શકી. આ મૂંઝવણમાં જ કૉલેજના ચાર વર્ષ વીતી ગયા અને એક દિવસ તું મારી નજરોથી અને મારા જીવનમાંથી દૂર ચાલ્યો ગયો.

તું એક કલાકાર હતો. ગીત-સંગીત અને અભિનય એ તારું જીવન હતું. આ મારા પણ પ્રિય શોખ હતા. મારી પાસે આપણી કૉલેજની પત્રિકા હતી ‘આકાર’, જેમાં તારી તસવીર હતી. તેને જ મેં હૃદયમાં વસાવી લીધી. જીવન ચાલતું રહ્યું, બદલાતું રહ્યું. સમય જતાં, મને સમજાયું કે મારું તારા પ્રત્યેનું મારું આકર્ષણ ફક્ત શરીરનું જ નહીં, આત્માનું હતું. જો આત્માનું ન હોત, તો તારા માટેનો મારો પ્રેમ સમય જતાં ઓછો થઈ ગયો હોત, પરંતુ તે સમયની સાથે શાશ્વતતા તરફ આગળ વધતો ગયો. જેનો ન કોઈ આરંભ હતો કે નહોતો કોઈ અંત. બસ પથ્થરની લકીર બનીને મારા હૃદયમાં વસી ગયો તું!

તું પ્રકાશની જેમ ચમકતો રહ્યો અને મને તે પ્રકાશની હૂંફ અનુભવાતી રહી! નિયતિએ આપણને સાથે ચાલવા ન દીધાં, પરંતુ આપણા સંબંધોને મરવા પણ ન દીધા! તું મારો પહેલો પ્રેમ હતો અને તેની અનુભૂતિ અકબંધ રહી. ફક્ત એક તસવીરને સહારે તું મારી સાથે ચાલતો રહ્યો, કોઈએ ન જાણ્યું. મારા મનમાં એક અફસોસ હતો કે એકવાર તને એટલું જ કહી શકી હોત કે તું મને બહુ ગમે છે. મારી મૌન સંવેદનાઓથી જન્મેલા શબ્દો કાગળ પર પ્રગટ થવા લાગ્યા. મેં જે પણ લખ્યું, સાચા હૃદયથી લખ્યું. તને મળવાની આશા સાથે લખ્યું –

 

 

 સૃષ્ટિ ના કણ-કણમાં સંભળાયો મને 

    તારા પ્રેમનો પ્રતિસાદ.

    તારા હોવાની ભ્રાંતિ, 

 તારા સાન્નિધ્ય ની કાંતિ; 

 મારું પ્રણય નિવેદન

 અને પ્રેમની અનશ્વરતાનું આશ્વાસન!

 કહે,

 ક્યાં-ક્યાંથી મિટાવત હું તારી યાદ?

 કંઈ જ શેષ ન રહેત

 તને મિટાવ્યા બાદ!

 

આ લખેલા શબ્દો મારી શક્તિ બની ગયા અને તું મને ફેસબુક પર મળી ગયો! તું મારી આત્મિક પ્યાસ હતો, જે તને મળવાથી જ બુઝાઈ શકે તેમ હતી. તું મળ્યો એટલું જ નહીં, હું તને કહી શકી કે તું મને બહુ ગમતો હતો અને હજી પણ મને ગમે છે. હિંમત ભેગી કરીને મેં એમ પણ કહી દીધું કે હું તને પ્રેમ કરતી હતી અને હજી પણ કરું છું. જો આજે પણ ના કહી શકત, તો પછી ક્યારે કહી શકત? તારી આ નન્હી પરીને હવે કોઈનો ડર નથી. ન ઘરનો, ન પરિવારનો કે ન સમાજનો. દુનિયા ભલે અવિવેકી કહે કે નિર્લજ્જ, આજે તેને પરવા નથી. વળી આથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે કે તેં પ્રેમના અસ્તિત્વને નકાર્યું નહિ. આટલા વર્ષો પછી, અતીતની તે ક્ષણોમાં પાછા જઈને, તેં મારા પ્રેમને સ્વીકાર્યો. પ્રેમ વિશેની મારી ધારણાને બદલતાં બચાવી લીધી- ‘પ્રેમ બધાથી ઉપર છે અને પ્રેમથી ઉપર કંઈપણ નથી.’

સમય જતાં ઘણું બદલાઈ ગયું. આજે આપણે બંને પરિણીત છીએ. આપણું જીવન, આપણાં રસ્તાઓ, આપણી મંઝિલ સઘળું જુદું છે. આપણી વચ્ચે 13500 કિ.મી.નું અંતર છે અને જો હું કૉલેજના ચાર વર્ષ બાદ કરું, તો તને જોયે એકતાળીસ વર્ષનો સમય વીતી ગયો છે. જો આપણે એકબીજા માટે બન્યાં હતાં, તો આપણી વચ્ચે એવી કઈ શક્તિઓ દીવાલ બનીને ઉભી હતી જે પિસ્તાળીસ વર્ષ પછી પણ તૂટવાની હતી અને સમયના પ્રચંડ પ્રવાહમાં તે તૂટેલી દીવાલનો તમામ કાટમાળ વહી જવાનો હતો? 

ગુજરાતી ગઝલકાર બરકત વિરાણી 'બેફામ' ની ગઝલ 'મારી અસવારી હતી ' ના બે શેર જાણે આપણે માટે જ ન લખાયા હોય?

  મારા માટે લખાયું – 

   આપણી વચ્ચે ચણાઈ ગઈ હતી દીવાલ જે,

મેં પછી તારી છબીથી એને શણગારી હતી!

આપણી વચ્ચે ઊભેલી ધર્મની ઊંચી દીવાલની પેલી બાજુ તું હતો અને આ બાજુ હું તે જ દીવાલ પર તારી તસવીર ટાંગીને ઉભી રહી ગઈ! 

  તારા માટે લખાયું -

     પ્રેમની હદ એટલી તો એણે સ્વીકારી હતી,

બંધ દરવાજા હતા કિન્તુ ખુલ્લી બારી હતી!

તારા હૃદયની બારી પણ ખુલ્લી રહી ગઈ હતી, જ્યાંથી મને ફરી એક વખત ડોકિયું કરવાની સુવર્ણ તક મળી. અંતે ઈશ્વરે મને સાંભળી. આવા હીરો દરેકના જીવનમાં આવતા નથી, અશ્વિન! હું ભાગ્યશાળી છું કે તું મારો હીરો હતો અને મારા જીવનમાં આવ્યો. વીતી ગયેલા સમયની હદને વટાવીને, આપણે ફરી એકવાર એ કૉલેજના પરિસરમાં આવી પહોંચ્યાં, ફક્ત એક વખત એ સ્વપ્નમય જીવનની અનુભૂતિ કરવા માટે! 

આપણે એકબીજા સાથે વાતોમાં, સમયના એક પછી એક પડ ઉકેલતાં ગયાં. ક્યારેક ટીનેજર બનીને ખૂબ મસ્તીભરી વાતો કરી, ક્યારેક આપણા જુદા જુદા વીતેલા જીવન વિશે વાત કરી, તો ક્યારેક એકદમ વડીલની જેમ જીવનની ફિલસૂફી વિશે વાત કરી. થોડા દિવસની વાતચીતમાં આપણે જાણે પિસ્તાળીસ વર્ષનું જીવન જીવી લીધું! આપણે એકબીજાને લખેલી દરેક પંક્તિને વાંચી, સમજી, અનુભવી. અને લખીને પ્રતિસાદ પણ આપ્યો. આપણે આપણા જીવનની બધી નકારાત્મક લાગણીઓ જેવી કે સંઘર્ષ, વેદના, અપમાન, ઉપેક્ષા, નિરાશા લખી અને પછી પ્રેમના મહાસાગરમાં ઉત્સર્જિત કરી દીધી!

દુન્યવી બંધનોની બધી સીમાઓ તોડીને મેં તને મારો પ્રેમ બતાવવાની હિંમત કરી. તું મારા જીવનનું સત્ય હતો, તેથી પ્રામાણિકપણે જીવનના બધા સંબંધો, બધી જવાબદારીઓ નિભાવતાં હું તારી રાધા બની શકી. આપણો પ્રેમ હવે કોઈ સંબંધની અપેક્ષા નથી રાખતો. આપણે આપણી જ દુનિયામાં વ્યસ્ત છીએ. ત્રણ મહિના પહેલા તારું કોલોન કેન્સરનું ઓપરેશન થયું છે. સાત સમુદ્ર પાર તારું રહેઠાણ છે. આટલે દૂર હોવાં છતાં, તેં ફક્ત સંવાદો દ્વારા મને પ્રેમની તે સઘળી લાગણીઓનો અનુભવ કરાવ્યો જે કદાચ તારી નજીક રહેવાથી પણ મળી શકત નહિ. હું નથી ઇચ્છતી કે જીવનની ઢળતી સાંજે તું કોઈ પણ પ્રકારનો અપરાધ ભાવ અનુભવે. હું તને હર હાલમાં ખુશ જોવા માંગુ છું. મેં તને કંઈ પણ કહેવાનો અધિકાર આપ્યો છે. હું વાંધો નહીં લઉં.

તને શું લખું, કેટલું લખું? જે દેશની ખાટી-મીઠી યાદો આજે પણ તમારા હૃદયમાં ધબકે છે, ભલે માત્ર એક જ વાર, તું આ દેશમાં આવી શકે. આ દેશની ધરતીને સ્પર્શી શકે. અહીંની હવા તારા શ્વાસમાં ભરી શકે. મને ખબર નથી કે આ જીવનમાં આપણે ક્યારેય મળીશું કે નહીં, પણ જો મળીશું તો તે સમય અને વયની સીમા-પારનું મિલન હશે. હું સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ જીવનમાં હું તને એક વાર મળી શકું. એ જ મારા પ્રેમની પરાકાષ્ઠા છે.

  તારી વહાલી સખી