ભાગ 26
26 ઓગસ્ટ 2018, રવિવાર સવારના 9.40
-----------------------------------------------------
- હેલો સુંદરી, સવારનો ચા-નાસ્તો થયો કે નહીં?
‘વાલમનું નામ એ તો મધમીઠું નામ, એને બોલું તો ક્યમ કરી બોલું?’
- આટલા મીઠાં મીઠાં ગીત ક્યાંથી શોધી લાવે છે, દોસ્ત?
- મને ખબર નથી, જ્યારે હું તને ભવન્સ કૉલેજના કેમ્પસમાં જોઉ છું, એની મેળે જ જુબાન પર આવી જાય છે.
- અને તું મને પણ ત્યાં લઈ જાય છે!
- અહીંની એક હસીન સાંજ આજ તારે નામ! ડયુટી પર છું. પેશન્ટ અંકલ અને તેમની પત્નીને ક્લબમાં લઈ ગયો હતો, થોડી વાર પહેલાં પાછો ફર્યો છું. તેમને દવા આપી, બ્લડ પ્રેશર માપ્યું ને હવે તેઓ સૂઈ ગયા છે, તેથી ફ્રી છું. તારું કામ પત્યું કે નહીં?
- ચા-નાસ્તો પૂરો થયો. આજે દરેક કામમાં મોડું થઈ ગયું. તારી વાત કર.
- મને એક ગુજરાતી ગીત યાદ આવ્યું.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોર્યું ને તમે યાદ આવ્યા!
- અહા! હરીન્દ્ર દવેનું ગીત. અશ્વિન, ગીત અને સંગીત હજુ પણ તારી નસોમાં વહે છે, તારા શ્વાસોમાં ધડકે છે. થોભ જરા, શાકભાજીવાળી બહેન આવી છે.
- અરે છોકરી, ગીત અને સંગીતની વચ્ચે તું શાકભાજીને લાવે છે? જા, તારી બધી શાકભાજી સડી જશે.
- --------------------------
- ઉફ્ફ! તારો જવાબ નથી. ફ્રીજમાં રાખીશ તો કેવી રીતે સડશે? પરિવારનું દાયિત્વ છે અશ્વિન. એ સમયે તો તારી સાથે વાત કરવાનો પણ ડર લાગતો હતો, પણ એક ઇચ્છા સલામત હતી.
- કઈ ઇચ્છા?
- તારી સાથે વાત કરવાની.
- હવે પૂરી થઈ ગઈ ને?
- જોને, કેટલું બોલું છું. નથી ઉંમર આડે આવતી કે નથી ધર્મ.
- મને પણ એવું જ લાગે છે. મલ્લિકા, જ્યારે સાતેય દિવસ, બાર કલાક કામ કરતો ત્યારે એકલતા સામે ઝઝૂમતો. આજે ઓલમોસ્ટ રિટાયર્ડ છું ત્યારે પણ એજ હાલ છે. આખું વીક સ્મૃતિ અને દીકરીઓ તેમના કામમાં બિઝી હોય અને વીકએન્ડમાં હું બહાર હોઉં.
- તારા કોઈ મિત્રો સાથે વાત કરી શકે.
- અહીં એવા કોઈ મિત્રો પણ નથી કે જેમની સાથે ફોન પર લાંબી વાત કરી શકું કે ક્યાંક બહાર જઈ શકું. થોડા એવા મિત્રો કે સંબંધીઓ છે, પણ તેઓ દૂર રહે છે અને ટ્રાફિકની પણ ભારે સમસ્યા હોય છે. ઉંમરના આ
પડાવે તું મારા દિલને મળતી રાહત બનીને આવી છું.
- હું એને દૈવી સંકેત માનું છું. આજે અહીં રક્ષાબંધન છે એટલે તારી સાથે વાત કરતાં મેં ફેસબુક પર બંને ભાઈઓને રાખી સાથે શુભેચ્છા પાઠવી દીધી.
- અરે હા, યાદ આવ્યું. આજે તમારે ત્યાં રક્ષાબંધન છે. શું તેઓ દૂર રહે છે?
- હા, તેથી હું તેમને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવું છું. આજે મારા લેખા માસીએ મને બોલાવી છે. તેઓ અમારા ઘરની બિલકુલ નજીક રહે છે. તેમનો નાનો દીકરો અમિત, પત્ની પૂનમ સાથે કેનેડા રહે છે. મોટો દીકરો સુમિત તેના પરિવાર સાથે માસી-માસાની સાથે રહે છે. જો તું અહીં હોત તો હું તને તારી રક્ષા માટે રાખડી બાંધત.
- તો હું રાખડી મારા માથે બંધાવત, રક્ષા તો માથાની થવી જોઈએ ને?
- ડરી ગયા ગુરુ, ક્યાંક ભાઈ ન બનાવી લઉં?
- તું તો સાચે જ બહુ જાલિમ છે. મેં તને ડિયર, ડાર્લિંગ, સ્વીટહાર્ટ, સ્વીટીપાઇ, પ્રીતિ, પરી, એમ&એમ, મિષ્ટી, વહાલી, મીઠડી, સુંદરી કહી, અને તેં?
- મેં તને મિત્ર, ડાર્લિંગ, ડિયર, જનાબ, હૂજૂર, કવિ, ગુરુ ,પ્રિય, હીરો અને ચોકલેટ ક્રીમ સોલ્જર કહ્યો.
- તેં મને બચ્ચા, બેટા, પિતા, ભાઈ, બન્ધુ પાછું દુશ્મન, દિવાના, પાગલ, બદમાશ, અને શૈતાન પણ કહ્યો.
- તેં શું કર્યું? મને મિત્ર, મા, દાદી, ગૃહિણી, ઘરેલુ મહિલા, મૂંગી, બેજુબાન, ભૂત અને બુદ્ધુ પણ કહી.
- યાદ કર છોકરી, મેં તને પ્યારી ગુડિયા, ગામની ગોરી અને છોરી યે કહી. મોડે મોડે મળવાનો આ જ તો આનંદ છે પગલી! હવે આપણી વચ્ચે સંબંધોનું કોઈ મહત્વ જ ન રહ્યું! આપણે બધા સંબંધોની સીમા ઓળંગી, બહાર આવી ગયા.
- જોયું? ‘પગલી’ પણ કહ્યું. તેં તો મને આત્મિક પત્ની પણ બનાવી દીધી, ઐશ!
- ઓહ! બારેજડીની બાળા, તેં મારી પાસે કૉલેજના એ ચાર વર્ષ માંગ્યાં, કેવી રીતે આપત? હું એક માણસ છું અને મારા શરીરમાં પણ એક દિલ ધડકે છે.
- ઓહો! તું તો હદથી વધારે ઇમોશનલ બની રહ્યો છે. રિલેક્સ બચ્ચા, આ આપણા સંસ્કાર છે જે દર વખતે આપણા પર હાવી થઈ જાય છે.
- બહુત ગઈ ઔર થોડી રહી. આજે થોડો ડર પણ લાગી રહ્યો છે કે આપણી મૈત્રીને કોઈની નજર ના લાગી જાય.
- ડર કેમ લાગે છે? હું તો યુગોથી તારી સાથે છું અને રહીશ. તું ભૂલી જાય તો અલગ વાત છે.
- હું તને ભૂલીને ક્યાં જવાનો? મારી સાથે આવા પ્રેમથી કોણ વાત કરશે? જ્યારે પણ હું તારી સાથે વાત કરું છું, મારા દિલને ઘણી ખુશી મળે છે.
- જે તારા દિલ સુધી પહોંચી શકે, તે તને અવગણી શકે નહીં, ઐશ.
- શું તેં મને આટલા વર્ષો સુધી એટલે જ યાદ રાખ્યો?
- હું તો તને જાણ્યા વિના જ તારા દિલ સુધી પહોંચી ગઈ હતી. આજે લાગે છે કે હું ખોટી પણ નહોતી.
- તું બધાથી અલગ છે, મલ્લિકા. કોઈને જાણ્યા વિના આટલા વર્ષો સુધી કોણ યાદ રાખે?
- અહા, આજે તારા પર એટલો પ્રેમ ઊભરાઈ રહ્યો છે કે તને થપથપાવીને સુવડાવી દઉં.
- તારી થપથપાટની રાહ જોતાં હું સુવા જાઉં છું. તું રક્ષાબંધનના તહેવારને એન્જોય કરજે.
- આવજો.
26 ઓગસ્ટ 2018, રવિવાર રાતના 11.30
----------------------------------------------------
- તું શું કરે છે? માસીના ઘરેથી આવી ગઈ? જમવાનું પતાવ્યું કે નહીં?
- માસીના ઘરે જ ખાધું. ત્યાંથી આવતા વાર થઈ. પછી આવીને ઊંઘી ગઈ. ડિનર કરી લીધું, હવે કમ્પ્યુટર પર કામ કરી રહી છું. તું શું કરે છે?
- હું ગાઈ રહ્યો છું-
સંસાર હૈ ઇક નદિયા, દુઃખ-સુખ દો કિનારે હૈં,
ન જાને કહાં જાયેં, હમ બહેતે ધારે હૈં........
- આ તો ફિલ્મ ‘રફ્તાર’ નું ગીત છે.
- જીવન પણ એક રફ્તાર જ છે ને?
- શું આમ લખીને જ બધાં ગીતો પૂરાં કરી દઈશ કે પછી ઇન્ડિયા માટે કંઈ બચાવીને રાખીશ?
- ત્યાં તો બધા ગીતો તને ગાઈને સંભળાવીશ. તું ખુશ થઈ જઈશ.
- વારિ જાઉં! તું માનીશ કે મેં ક્યારેય કોઈની સાથે આવી રોમેન્ટિક વાતચીત નથી કરી કે નથી સાંભળી! તારી પાસેથી સાંભળીને કંઈક અજીબ ફીલ થાય છે.
- ફીલ કેવા પ્રકારનું? સારું કે ખોટું? ‘અજીબ ફીલ’ નો મતલબ શું?
- ઉફ્ફ! અશ્વિન, તારી સાથે વાત કરવી એટલે પોતાનું માથું ફોડવું. ‘અજીબ ફીલ’નો અર્થ છે ‘અનોખી અનુભૂતિ’. હવે ‘અનોખી અનુભૂતિ’ નો અર્થ ના પૂછીશ. આ બાબતે હું ખરેખર ગંવાર હતી. તું મળી ગયો હોત તો કંઈક વાંચ્યું અને લખ્યું હોત.
- કયા વિષય પર?
- રોમાન્સના વિષય પર.
- મેં તો સાંભળ્યું છે કે આ વિષયમાં ગામડાની ગોરીઓ તો વધારે હોંશિયાર હોય છે.
- અચ્છા? સમજ કે હું અપવાદ હતી. મેં તને પહેલાં પણ કહ્યું હતું કે મારા જીવનનું કોઈ પણ પાસું ક્યારેય રોમેન્ટિક નથી રહ્યું. તેં જ મારામાં એક નવો અહેસાસ જગાવ્યો. તને મેળવવા કરતાં, મારા મનની વાત તને કહી શકવાની અસમર્થતા મને વધારે દુઃખ પહોંચાડતી રહી. તેથી જ તારે પાછા આવવું પડ્યું. હવે તારા મનમાં જે આવે, તે કહેવાની તને છૂટ છે.
- ગામમાં રહેતી સોળ વર્ષની એક મૂંગી, પાગલ છોકરી જે પ્રેમને સારી રીતે સમજતી હતી પણ કહેતાં ડરતી હતી. કૉલેજથી ઘરે પહોંચીને છાનીમાની રડતી હતી. બંગાળી હોઈને પણ ગુજરાતી હતી. તેની આંખોમાં નજાકત હતી, પણ તેની જીભ લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. મોડી રાત્રે દિનેશ હૉલથી એકલા અમદાવાદ રેલવે સ્ટેશન સુધી ચાલતા જવાનું પાગલપન કર્યું, પણ જેને તે ચાહતી હતી એ છોકરા સાથે ક્યારેય વાત કરવાનો પ્રયાસ કર્યો નહીં. ડરપોક નહીં તો! એ નાદાન છોકરી હવે એક સફળ ગૃહિણી તેમજ સફળ સ્ત્રી પણ બની ગઈ છે, તો યે એટલી જ પાગલ છે. મને તે ગમે છે.
- થઈ ગઈ?
- શું?
- તારી વાત પૂરી થઈ ગઈ?
- સૉરી, બારેજડીની બાળા, હું ચૂપ થઈ જાઉં છું બસ? પેશંટ અંકલ તેમની વાઇફ સાથે બેઠા છે અને ટીવી જોઈ રહ્યા છે.
- તું પણ ટીવી જો, હવે હું મેગી ખાઈશ. રાતના બાર વાગ્યા છે, તેથી મને ભૂખ લાગી છે.
- અહા! અડધી રાતે ખાવાનું! તેં મને માણેક ચૉકની યાદ અપાવી, બાનુ.
- માણેક ચૉક યાદ આવી ગયું ને?
- તારી સાથે ગપસપ કરતાં હું તો અમદાવાદની બધી ગલીઓમાં ફરવા લાગ્યો છું, ત્યાં વિતાવેલી સોનેરી ક્ષણો સાથે! વી. એસ. હોસ્પિટલના ગેટની બહાર એક મહેતા રેસ્ટોરન્ટ હતી. રાતના બે વાગ્યા સુધી ચાલુ રહેતી અને પરોઢિયે ચાર વાગ્યે પાછી ખૂલી જતી.
- એ રેસ્ટોરન્ટ આજે પણ એમ જ ચાલી રહી છે, ઐશ. આપણે ત્યાં પણ જઈશું.
- ત્યાં એક ટેબલ પર અમારી ડ્રામા ગ્રુપના મેમ્બર્સની અને બીજા ટેબલ પર શહેરના લેખકો/કવિઓની મહેફિલ જામતી. અમે પણ કવિતા પઠનનો કાર્યક્રમ દિલથી સાંભળતાં.
- બસ, તો હવે અહીં આવવા માટે તારા બોરિયા બિસ્તર તૈયાર કર.
- આપ તૈયાર રહેજો મેડમ, મને તમારા શહેરમાં ફરવા માટે એક ગાઇડની જરૂર પડશે.
- બિલકુલ, આવો તો ખરા જનાબ.
- વતનની ધરતી પર ફરીથી પગ મૂક્વાની ખ્વાહિશ હજી પણ બચી છે.
- અશ્વિન, તારા સ્વાગતમાં, મારા મનના નીલા કેનવાસ પર સપ્તરંગી ચિત્રો ઉપસી આવ્યા!
- હાલમાં તો પેશંટ અંકલ સાથે ટીવી જોઈ રહ્યો છું, આપને ગુડ નાઇટ કહું છું.
- સમજી ગઈ, કામ આવી ગયું. તારો દિવસ શુભ રહે, ડિયર.
27 ઓગસ્ટ 2018, સોમવાર સાંજના 7.35
---------------------------------------------------
- ગીત ગાતા હૂં મૈં, ગુનગુનાતા હૂં મૈં,
મૈંને હંસને કા વાદા કિયા થા કભી
ઇસલિયે અબ સદા મુસ્કુરાતા હું મૈં...
- ‘લાલ પત્થર’ નું ગીત, વાહ! એક સમયે, હું મારી ડાયરીમાં આવા પ્રેમ ગીતો પણ લખતી. પછી એ જ ગીતો ગણગણતી રહેતી. ત્યારે અમારા ઘરે રેડિયો પણ નહોતો. પાડોશી આંટીના ઘરે અમીન સયાનીના બુલંદ અવાજ સાથે બિનાકા ગીતમાલા સાંભળવાનો રોમાંચ હું આજે પણ અનુભવી શકું છું. ફરીથી ગીત સાંભળવાનું અને ગણગણવાનું ગમવા લાગ્યું છે, કહેવાનો અર્થ એ કે આપ આયે બહાર આઈ!
- સદભાગ્ય મારું, જો તને હું કોઈ ખુશી આપી શકું. બોલ બીજા શું સમાચાર છે?
- અરે હા, તેં કહયુ હતું કે જો આપણી વાર્તા સંવાદ સ્વરૂપે લખવામાં આવે તો કેવું રહેશે, યાદ છે?
- યાદ છે, તારો શું વિચાર છે?
- મેં અગાઉ તને વાત કરી હતી. માર્ગદર્શન મેળવવાના હેતુથી મેં આદરણીય સૂરજ પ્રકાશ ની ચેટ નવલકથા ‘નૉટ ઇક્વલ ટુ લવ’ નો એમેઝોનથી ઓર્ડર આપ્યો હતો.
- પુસ્તક મળી ગયું?
- ગઈ કાલે જ મળ્યું. સારું થયું કે પુસ્તક વિશેનો આપણો વાર્તાલાપ સમાપ્ત થવામાં છે અને મને આ પુસ્તક મળી ગયું. મેં તેને એકી શ્વાસે વાંચી લીધું. ખૂબ જ રસપ્રદ રીતે લખાયેલું છે.
- વાહ! મને પુસ્તક વિષે કંઈક કહે.
- ‘નૉટ ઇક્વલ ટુ લવ’ હિન્દીની પહેલી ચેટ નવલકથા છે. નવલકથાની શરૂઆત પુરુષ પાત્ર અને સ્ત્રી પાત્રની ફેસબુક ચેટથી થાય છે. ચેટની શરૂઆત ઔપચારિક વાતચીતથી થાય છે. વાતચીત જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેઓ મિત્રો બની જાય છે. પોતાના નવા નામ પણ શોધી લે છે, દેવ અને છવિ.
- આપણે પણ મિત્રો બની ગયાં ને?
- આપણે શું બન્યા એ તો સંશોધનનો વિષય છે, અશ્વિન.
- તો પછી તારું કામ વધી ગયું.
- કેવી રીતે?
- રીસર્ચ પેપર તો તારે જ તૈયાર કરવું પડશે.
- કેમ? તું ન કરી શકે? સૌથી વધારે તો તેં જ મને ઉલઝાવી છે. મેં કયા રૂપમાં તને ચાહ્યો હતો, એ જ ભૂલી ગઈ.
- હું યાદ અપાવી દઉં છું, તું રાધા બની છે.
- આવ્યો મોટો, કૃષ્ણ!
- મજાક નથી ડિયર. આગળ બતાવ.
- છવિ એક ઉચ્ચ શિક્ષિત મહિલા છે. એક અમીર પરિવારની વહુ છે, જ્યાં બધી જ સુખ સુવિધા હોવા છતાં તે ખુશ નથી.
- અને દેવ?
- દેવ લેખક છે, સાથે સાથે એક ઓનલાઈન સામયિકના સંપાદક પણ છે.
- યુ નો મલ્લિકા, હ્યુમન તો સોશિયલ એનિમલ છે. તે હંમેશા પોતાની ફીલિંગ્સ કોઈક ની સાથે શેયર કરવા માંગે છે. મને લાગે છે કે સોશિયલ મીડિયા તેમાં થોડું ઘણું મદદરૂપ થાય છે.
- સોશિયલ મીડિયા આમ તો માયાવી દુનિયા છે. તેમ છતાં, એકલતાનો સામનો કરવા માટેનું એક સારું માધ્યમ મનાય છે. આ પુસ્તકમાં તેઓ તેમની વાતચીત દરમ્યાન જીવનનાં એવાં પાસાંઓને સામે લાવે છે જેની સાથે તેઓ સતત ઝઝૂમી રહ્યાં છે.
- તેમની ચેટ ક્યાં સુધી ચાલે છે?
- 18 મે, 2014 થી 5 ઓગસ્ટ, 2015 સુધી; એટલે કે વીસ મહિના સુધી.
- જોયું? તું પિસ્તાળીસ દિવસમાં આપણી વાતો પૂરી કરવા માટે કહી રહી હતી.
- ઐશ, તેઓ દરરોજ વાત નથી કરતાં, જ્યારે આપણે થોડા દિવસો બાદ કરતાં લગભગ દરરોજ વાત કરીએ છીએ. મેં તો પુસ્તક પૂરતું જ વાતોને વિરામ આપવા કહ્યું હતું. તું કહે તો આપણે થોડા દિવસ લંબાવીશું.
- ઓકે, પછી?
- 11 ઓગસ્ટ, 2015 ના રોજ છવિએ દેવને લખેલા એક પત્ર સાથે નોવેલ પૂરી થઈ જાય છે.
- તેં પણ કહ્યું છે કે તું હજી મને એક પત્ર લખવાની છું. શું તેમની વાર્તાને આપણી વાર્તા સાથે બીજો કોઈ સંબંધ છે?
- છે પણ અને નથી પણ. એમની વાર્તામાં છવિ અને દેવ ફેસબુક પર જ મળે છે, જ્યારે આપણે બંને એક જ સમયે એક જ કૉલેજમાં ભણતાં હતાં. આપણી વચ્ચે પહેલેથી જ ઔપચારિક સંબંધ હતો. એકતાળીસ વર્ષ પછી તું મને ફેસબુક પર મળ્યો.
- સાચી વાત,પછી?
- આદરણીય સૂરજ પ્રકાશજીએ આ નવલકથામાં પાત્રોનાં નામ, વ્યવસાય, સ્થાન, ઘટનાઓનું વર્ણન કાલ્પનિક ગણાવ્યું છે, જ્યારે આપણી નવલકથા આપણા જીવનમાં બનેલી સો ટકા સાચી ઘટનાઓ પર આધારિત છે. આપણે બંને વાર્તાના નાયક- નાયિકા તેમ જ લેખક પણ છીએ.
- બિલકુલ, આ આપણું જોઇન્ટ વેન્ચર છે.
- આ આપણી ડેરિંગ છે, અશ્વિન! એક અજીબ સામ્યતા એ છે કે આ પુસ્તકનો નાયક લેખક છે અને આપણા પુસ્તકમાં નાયિકા લેખક છે. જેમ તેં મને તારા જીવન પર એક નવલકથા લખવાનું કહ્યું હતું, તેમ આ પુસ્તકની
છવિ પણ દેવને તેના જીવન પર નવલકથા લખવા કહે છે.
- વાઉ! ધેટ્સ ગ્રેટ.
- છવિ અને દેવ ભારતનાં જુદાં જુદાં શહેરોમાં રહે છે અને આપણે જુદાં જુદાં દેશોમાં રહીએ છીએ. હું ભારતમાં અને તું અમેરિકામાં.
- કારણ તને ખબર છે.
- હા, આપણી ચર્ચાના કેટલાક વિષયો તેમની નવલકથામાં પણ છે જેમ કે, ગીત-ગઝલ, સંગીત, સાહિત્ય, પ્રેમની વાતો, કૌટુંબિક વાતો, ઓશોની વાત, સામાજિક અસમાનતા પર ચર્ચા વગેરે.
- આપણે બંનેએ આ પુસ્તકમાં જ એક જિંદગી જીવી લીધી, મલ્લિકા.
- ઈશ્વરે આપણને એક તક આપી. વાસ્તવિક જીવનમાં મને તારો સાથ ન મળ્યો, પરંતુ તું મારા લેખન જગતમાં મારો ભાગીદાર બન્યો.
- તારે આ પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરવું જોઈએ જેથી સમગ્ર વિશ્વના લોકો તેને વાંચી શકે.
- જરૂર. હું તો આ પુસ્તકનું બાંગ્લામાં પણ ભાષાંતર કરવા માંગું છું. બાંગ્લા પણ ગુજરાતીની જેમ ખૂબ જ મીઠી ભાષા છે. જ્યારે જ્યારે તેં મને ‘મારી વહાલી સખી’ કે ‘મારી મીઠડી’ કહ્યું, હું ખરેખર એક નાની બાળકી બની ગઈ. આ શબ્દોનો અનુવાદ શક્ય નથી, ઐશ. મને મારા પપ્પા યાદ આવી ગયા.
- કેમ?
- મારા પપ્પા મને વહાલથી ‘આમાર સોના મેયે’ કે ‘આમાર મિષ્ટી સોના’ કહેતા જેનો અર્થ કંઈક આવો જ થાય. છે, ‘મારી વહાલી દીકરી’ અને મારી મીઠી દીકરી’
- સાચે?
- એટલે તો હું તને કહું છું ને કે ક્યારેક તું મને મારા પપ્પા જેવો લાગે છે.
- હા, પણ આગળ એવું તો નહીં થાય ને કે હું ફક્ત વાર્તાનું પાત્ર બનીને રહી જાઉં?
- ના રે, આપણી વાતો તો થતી રહેશે.
- તો ઠીક. આગળ સંભળાવ.
- જેમ તેં મને તારા જીવન પર એક નવલકથા લખવાનો પ્રસ્તાવ મૂકતાં કહ્યું, ‘મારા જીવનમાં એટલા ઉતાર-ચઢાવ છે કે વાચકને રસપ્રદ ના પણ લાગે.’ તે જ રીતે, છવિ દેવને તેના જીવન વિષે લખવાની દરખાસ્ત કરે છે અને કહે છે, ‘મારી વાર્તા એટલી અલગ છે કે દેવ તમે વિચારી પણ ન શકો. પોતાની વાત વિશે વિચારતાં ખુદ મારી રૂહ કાંપે છે.’
- મારી વાર્તા પણ એવી જ છે ને?
- કદાચ, છવિને ડર છે કે તેનું જીવન કાગળ પર ઉતારી નહીં શકાય. ગમે તેટલી કોશિશ કરવામાં આવે છતાં પણ ઘણું બધું વણકહ્યું રહી જશે.
- બની શકે ડિયર, મારી વાતોમાં પણ કહેવાનું ઘણું બાકી રહી જશે, પણ મને ભરોસો છે કે તું એ પણ લખી દઈશ. કારણ કે તારા હૃદયમાં પણ આંખો છે.
- અહા!
- સાચું કહું છું. શું આપણી નૉવેલ હિંદી સાહિત્ય જગતની બીજી ચેટ નૉવેલ બનશે?
- લાગે છે તો એવું જ. હવે તું પાર્ક તરફ પ્રસ્થાન કર. મારા ડિનરનો સમય થઈ ગયો છે.
- શું બનાવ્યું આજે?
- ફિશ કરી અને રાઇસ.
- તું તો ભણેલી ગણેલી ફિશ છે કે જે બહુ મીઠું બોલે છે! મજાકમાં લખ્યું છે. બાય.
- બાય.