Tari Sangathe - 23 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 23

Featured Books
Categories
Share

તારી સંગાથે - ભાગ 23

ભાગ 23

 

21 ઓગસ્ટ 2018, મંગળવાર સવારના 10.10

--------------------------------------------------------- 

 

- હેલો અશ્વિન, તું કેમ છે ?

- ડિયર, મેં કહ્યું હતું ને કે થોડા દિવસ વાત નહીં કરીએ?

- કહ્યું હતું, પણ મને લાગ્યું કે વાત કરવાથી જ સારું લાગશે.

- હમણાં જ ડિનર લીધું, બોલ.

- તું કહે.

- તું મારા માટે મનને ઠંડક આપતી પવનની લહેરખી છે. રણમાં વહેતું ઝરણું છે, જે મનની તરસ છીપાવે છે.

- મારી સાથે વાત જ નહોતી કરવી, તો પછી આ શાયરાના અંદાઝ ક્યાંથી આવ્યો ?

- હું શાયર નથી, પણ મારી પાસે શાયરનું દિલ તો છે ને?

- તું એક કલાકાર પણ છે. આજે તારા કાર્યક્ષેત્રની આગળની વાર્તા સાંભળવાનો મૂડ છે.

- ચાલ ત્યારે, સૂતા પહેલા તે જ સાંભળવી દઉં છું તો. મેં તને અગાઉ કહ્યું હતું કે જે મહિલાની હું સંભાળ રાખતો હતો, 2007 માં તેમનું મૃત્યુ થયું.

- હા, કહ્યું હતું.

- પછી મને એજન્સી થ્રૂ જ, એક અતિ ધનિક વ્યક્તિની સંભાળ લેવાનું કામ મળી ગયું. મેં 2007 થી લગભગ સાડા પાંચ વર્ષ ત્યાં કામ કર્યું.

- તેમની ઉંમર કેટલી હતી?

- લગભગ એંસી વર્ષ. તેમની પાસે શહેરની ત્રણ પ્રખ્યાત ક્લબોની મેમ્બરશિપ હતી. તેઓ દરરોજ ત્યાં જ જમતા. ઘરે ફક્ત નાસ્તો કરતા. તેમનું જેટલું લક્ઝરી રહેઠાણ એલ.એ.માં હતું, તેટલું જ લક્ઝરી રહેઠાણ પામ સ્પ્રિંગ્સ શહેરમાં પણ હતું.

- આ શહેર વિશે કંઈક કહે.

- પામ સ્પ્રિંગ્સ, કેલિફોર્નિયાના રિવરસાઇડ કાઉન્ટીમાં રણ વિસ્તારનું એક રિસોર્ટ શહેર છે. એલ.એ.થી એકસો સાત માઇલ દૂર છે. ગોલ્ફ, સ્વિમિંગ, ટેનિસ, બાઇકિંગ, હાઇકિંગ માટે પ્રખ્યાત છે.

- વાહ!

- લોકો નજીકના રણ અને પર્વતીય વિસ્તારોમાં હોર્સ રાઇડિંગની મજા પણ લઈ શકે છે.

- રણમાં આટલું બધું?

- આ એરિયામાં એટલી બધી ગ્રીનરી છે કે ખબર જ ન પડે કે આ રણ વિસ્તાર છે. દર વર્ષે ઠંડીની મોસમમાં જ્યારે ત્યાં સિત્તેર ડિગ્રી ફેરનહિટનું તાપમાન હોય, ત્યારે અમે ત્યાં જતાં. તેમનો ડ્રાઈવર લિમોઝિન કારમાં દસ માઇલના અંતરે આવેલા એરપોર્ટ સુધી મૂકી જતો. ત્યાંથી અમે પ્રાઇવેટ જેટ દ્વારા પામ સ્પ્રિંગ્સ પહોંચતા.

- પ્રાઇવેટ જેટથી?

- યાહ ...આ વિમાન 6 સીટર, 8 સીટર અથવા 10 સીટર પણ હોય છે. તેનું ભાડું પણ ઘણું વધારે હોય છે. અમે ફક્ત પંદર મિનિટમાં પામ સ્પ્રિંગ્સ પહોંચી જતા!

- હમ્મ....એક માણસ આટલો શ્રીમંત કેવી રીતે બને છે, ઐશ?

- બિઝનેસ ડિયર, બિઝનેસ. શરૂઆતમાં તેમણે જૂની કારના ખરીદ-વેચાણનો બિઝનેસ શરૂ કર્યો હતો. પછી શેયર સ્ટોકથી આગળ વધી બીજા ઘણા બિઝનેસમાં જોડાયા. ઇન્સ્યોરન્સ એજન્સી ખોલી. લોયડ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોડાયા અને હૉલીવુડ સ્ટાર્સના ઇન્સ્યોરન્સ લેતા. યુ નો, તેમના ઇન્સ્યોરન્સની રકમ ખૂબ મોટી હોય છે.

- સાચી વાત. પામ સ્પ્રિંગ્સમાં તમારા લોકોની દિનચર્યા શું રહેતી?

- અમે લગભગ બારથી પંદર દિવસ રોકાતા. ગોલ્ફ ક્લબની અંદર જ તેમનું લક્ઝરી રહેઠાણ હતું. વિશાળ સ્લાઇડિંગ ડોર અને પડદાઓથી લદાયેલી સંપૂર્ણ કાચની દિવાલો! પાણીનાં વહેતાં ઝરણાં, પક્ષીઓનો કલરવ, પડદો હટાવતાં જ દૂર માઉન્ટન પર સ્નો દેખાતો.

- વાહ! આંખો સામે મનમોહક નજારો છવાઈ ગયો!

- અમે સવારે ચાલવા જતા. બ્રેકફાસ્ટ હું બનાવતો. લંચ માટે અમે ક્લબની રેસ્ટોરન્ટમાં જતા. ઘણીવાર તેમને કંપની આપવા માટે કોઈ ગેસ્ટ પણ આવતા. તેઓ મોંઘામાં મોંઘા ભોજનનો ઓર્ડર આપતા અને અઢારથી વીસ પરસન્ટ ટિપ પણ આપતા. ડિનર બહુ લાઇટ લેતા, પણ ડ્રિંક્સ છોડતા ન હતા. મિલ્ક સાથે ત્રણથી ચાર ગ્લાસ સ્કૉચ લેતા.

- તું એમને રોકતો નહીં?

- હું તેમને રોકવાનો પ્રયાસ કરતો, પરંતુ તેઓ સાંભળતા નહિ. તેમની ઈન્ક્મ મિલિયન્સમાં હતી, તો ખર્ચની કોઈ લિમિટ નહોતી. એ જમાનામાં તેમની પાસે સેટેલાઇટ ફોન હતો.

- એમ? તેમના પરિવારમાં બીજું કોણ હતું?

- તેમની પત્ની હતી. આ તેમની ત્રીજી પત્ની હતી, જે લગભગ સિત્તેર વર્ષની હતી. પ્રથમ બે પત્નીથી તેમને એક દીકરી અને ત્રણ દીકરા હતા. તેમની એક દત્તક દીકરી પણ હતી જેનો ઉછેર તેમણે પોતાની દીકરીની જેમ જ કર્યો હતો.

- પોતાનાબાળકો હોવા છતાં બાળકને દત્તક લીધું?

- યસ, અહીં એવા પરિવારો છે. આ અંકલ તો હોમલેસ બાળકો માટે પણ મોટી અમાઉન્ટ ડોનેટ કરતા. તેઓએ ડાઉનટાઉનમાં એક મોટી હોસ્પિટલ પણ બનાવડાવી હતી.

- વાહ, એટલે કે સારાં કાર્યો પાછળ પણ પૈસા ખર્ચ્યા. 

- ચોક્કસ, એરિઝોના સ્ટેટના એક શહેરમાં જમીન ખરીદીને એક બગીચો બનાવડાવ્યો અને પછી તે જ શહેરને ડોનેટ કરી દીધો.

- અદ્ભુત! તેમનાં પત્ની પણ સાથે આવતાં? 

- તેમનાં પત્ની પણ સાથે આવતાં પરંતુ તેઓ ઊંઘવાની ગોળી લઈને પોતાના રૂમમાં સૂઈ રહેતાં. અંકલના

બેડરૂમમાં બે બેડ હતા, હું તેમના રૂમમાં જ સૂતો હતો. અંકલને ફરવાનો ખૂબ શોખ હતો. એકવાર તેમણે યુરોપની ટૂરનો પ્રોગ્રામ બનાવ્યો. દસ દિવસ માટે એક લક્ઝરી બોટ હાયર કરી.

- લક્ઝરી બોટ?

- હા, ત્રણ ફ્લોરની લક્ઝરી બોટ, તેમાં બોટ કંપની તરફથી કેટલોક સ્ટાફ, પત્ની અને બે બાળકો સાથે તેમના ફેમિલી ડોક્ટર, કુલ મળીને સોળ લોકો હતા.

- એલ.એ. થી તમે લોકો પહેલાં ક્યાં ગયા?

- પહેલા ઇટલી, પછી રોમ, રોમ થઈને પેરિસ. એક બીજી વાત, અંકલ ખૂબ અય્યાશ હતા. શરાબ, સ્ત્રીઓ અને હાઇ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, તેમના શોખ હતા. તેમની બે ગર્લફ્રેન્ડ્સ હતી. તેઓ સ્પષ્ટ કહેતા હતા, 'સેક્સ ઈજ માય નીડ, ઇન રિટર્ન આઇ પે.' ખરેખર, તેઓ તેમને મોટી અમાઉન્ટ આપતા.

- ------------------

- તને સાંભળવું નથી ગમતું ને ?

- હું વિચારું છું, શ્રીમંત લોકો પોતાની સંપત્તિ ક્યાં અને કેવી રીતે ખર્ચ કરે છે!

- મલ્લિકા, આપણા સમાજના લોકો સેક્સ વિશે વાત કરવામાં શરમ અનુભવે છે, જ્યારે અહીંના લોકો સેક્સને સૂવા, ખાવા જેટલું જ મહત્વ આપે છે. ધનિક લોકો પ્લિજિંગ સેક્સ લાઇફ માટે આવા ઓપશન્સ પણ શોધી લે છે. તેઓ જુવાન રહેવા માટે વિવિધ પ્રકારની દવાઓ લે છે.

- વાંચ્યું તો છે આવું.

- મને વેટિકન સિટી જોવાની ખૂબ ઇચ્છા હતી, મોકો મળ્યો તો જોવા ગયો.

- વાહ! વેટિકન સિટી ઇટલીના રોમ શહેરમાં વસેલો એક સ્વતંત્ર દેશ છે ને ?

- સાચું કહ્યું તેં. વિશ્વનો સૌથી નાનો આ દેશ રોમન કૈથલિક ચર્ચનું હેડક્વાર્ટર્સ છે. 

- સર્વોચ્ચ ધર્મગુરુ પોપનું નિવાસસ્થાન પણ અહીં છે ને?

- હા, સેન્ટ પીટર ચર્ચ, વેટિકન પેલેસ, વેટિકન ગાર્ડન, મ્યુઝિયમ અને લાઇબ્રેરી અહીં જોવા લાયક સ્થળો છે.

- વાહ!

- રોમથી અમે પેરિસ પહોંચ્યા. અમે બધે ફાઇવ સ્ટાર હોટલમાં રોકાતા. ભોજન પણ એટલું જ લકઝુરિયસ લેતા. પર હેડ 150 ડોલરનો બ્રેકફાસ્ટ, 350 ડોલરનું જમવાનું, 100 ડોલર તો ટિપ માં જ આપી દેતા. પેરિસમાં અમે રિટ્ઝ હોટેલમાં રોકાયા જે ફાઇવ સ્ટાર હોટલ છે. સાંભળ્યું છે કે નહેરુજીનાં કપડાં અહીં ધોવા માટે આવતાં હતાં.

- મેં પણ વાંચ્યું છે કે તેમનાં કપડાં ધોવા માટે પેરિસ જતા હતા.

- અંકલની એક ગર્લફ્રેન્ડ સેન ડિએગોમાં રહેતી હતી જે એલ.એ. થી લગભગ એકસો એકવીસ માઇલ દૂર છે. જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે તેઓ તેણીને મળવા નીકળી પડતા. અમે લિમોઝિન કારથી જતા. ત્યાં જઈને એક મોટી હોટલમાં લંચ લેતા અને પછી તેઓ ગર્લફ્રેન્ડ સાથે સમય વિતાવતા. હું અને તેમનો ડ્રાઈવર બહાર બેસીને વાતો કરતા રહેતા. થોડું આમતેમ ફરતા, પછી સાંજે તેમને લઈને પાછા ફરતા.

- શું તેમની પત્નીને આ વિશે ખબર હતી?

- ખબર તો હશે જ મલ્લિકા, પરંતુ તેમણે ક્યારેય કોઈ વિરોધ નહોતો કર્યો. 

- ઐશ, વિશ્વના કોઈ પણ દેશમાં, સ્ત્રીઓ જ હંમેશાં જીવનમાં સમાધાન કરતી જોવા મળે છે. તેમને બાળપણથી જ એવું શીખવવામાં આવે છે.

- કડવું છે, પણ સત્ય છે. એક ગર્લફ્રેન્ડની માતા એકલાં રહેતાં હતાં. અંકલે તેણી માટે વર્લ્ડ ટૂરની અરેન્જમેન્ટ કરી આપી હતી. ટિકિટની સાથે હોટલો પણ બુક કરાવી આપી હતી. તેઓ તેમની ગર્લફ્રેન્ડ સાથે જોડાયેલા બધા લોકોની ખુશીઓનું ધ્યાન રાખતા હતા.

- દરેક વ્યક્તિમાં કંઈક તો સારાઈ હોય જ છે.

- જ્યારે તેમણે પોતાની પ્રોપર્ટીનું વિલ બનાવ્યું, ત્યારે પહેલી બે પત્નીઓના બાળકોને ટુ થર્ડ પ્રોપર્ટી આપી અને વન થર્ડ પ્રોપર્ટી પોતાની પાસે રાખી. બંને ગર્લફ્રેન્ડને પાંચ-પાંચ મિલિયન ડોલર આપ્યા. એક ગર્લફ્રેન્ડને તો મોટું હાઉસ પણ લઈ આપ્યું.

- અતિ ધનિક લોકોનું વૈભવી જીવન કેવું હોય છે, તેં ખૂબ નજીકથી જોયું.

- યાહ... એક વાત જરૂર કહેવી પડશે મલ્લિકા, તેઓ પોતાના બિઝનેસના કામમાં ખૂબ પર્ટિક્યુલર હતા. તેઓ મોડી રાત સુધી શરાબ પીતા રહેતા, પરંતુ સવારે સાત વાગ્યે તેમની ઓફિસે પહોંચી જતા. પોતાના તમામ કર્મચારીઓનું ધ્યાન રાખતા.

- આ તેમનું એક સકારાત્મક પાસું કહી શકાય. 

- યુવાનીમાં, તેમની પાસે પોતાની એક હાઉસબોટ હતી, જેમાં તેમણે આખા વર્લ્ડની મુસાફરી કરી હતી. એકવાર તો રાત્રે બે વાગે તેમણે મને જગાડ્યો અને પૂછ્યું, 'ઐશ, હાઉ કેન આઇ સેલ માય મની?' મને આશ્ચર્ય થતું કે જીવનના એંસી વર્ષ પાર કરી ચુકેલો માણસ હજી પણ તેની પ્રોપર્ટી વધારવા વિશે વિચારી રહ્યો છે! 

- એટલે કે ધન કમાવું એ તેમનું એક લક્ષ્ય હતું.

- સાચે જ. 2008 ની સાલમાં અંકલે મેક્સિકો ટૂરનો પ્રોગ્રામ બનાવ્યો. 

- વાહ! આ દેશ વિશે કંઈક કહે.

- મેક્સિકોની નેચરલ બ્યુટી અદ્ભૂત છે, તેથી દેશ-વિદેશના પર્યટકો અહીં આવે છે.

- અમેરિકા અને મેક્સિકો લગભગ બે હજાર માઇલની બોર્ડર દ્વારા જોડાયેલા છે, તેથી જ યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટાભાગની ગેરકાયદેસર ઘૂસણખોરી મેક્સિકોથી થાય છે. 

- મેં પણ આ સાંભળ્યું છે. તમે લોકો ક્યાં-ક્યાં ગયા?

- અંકલને પેસિફિક ઓશનથી જ જર્ની કરવી હતી, તો એલ.એ.થી નીકળતા પહેલાં, તેમણે મેક્સિકોથી રીટર્ન જર્ની માટે લક્ઝરી બોટ હાયર કરી લીધી હતી, જે બાર દિવસની હતી. 

- વાહ! ફરીથી લક્ઝરી બોટ?

- હા, ત્રણ ફ્લોરવાળી લક્ઝરી બોટ, જેમાં એક આલીશાન રેસિડન્સ જેવી બધી સુવિધાઓ અવેલેબલ હોય છે.

- વાહ! આ ટૂર વિશે કંઈક કહે.

- અમે હવાઈ માર્ગે એલ.એ.થી મેક્સિકોના નુએવો વાલાર્ટા સિટી પહોંચ્યાં. એયરપોર્ટથી અમારે સડક માર્ગે પુરતો વાલાર્ટા સિટી પહોંચવાનું હતું, જ્યાં પોર્ટ પર અમારી બોટ ઉભી હતી. રસ્તાની બંને બાજુ નેચરનો મનમોહક નજારો જોવા મળ્યો. અમે ખૂબ વિશાળ મેંગો ફાર્મ જોયા.

- મેક્સિકોમાં પણ મેંગો ફાર્મ છે?

- મલ્લિકા, જ્યારે અમારા ડ્રાઇવરે કહ્યું કે આ કેરીના છોડ ઇન્ડિયાથી લાવવામાં આવ્યા છે, સાંભળીને મને ખૂબ આનંદ થયો. કેલિફોર્નિયામાં જે કેરી મળે છે, તે અહીંથી આવે છે.

- મને પણ આ સાંભળીને બહુ સારું લાગ્યું. અશ્વિન, ઇન્ડિયા તારા દિલ દિમાગમાં છવાયેલું છે.

- તું મારા મનને વાંચી શકે છે.

- હું તારી પીડાને પણ અનુભવી શકું છું. પુરતો વાલાર્ટા સિટી પહોંચ્યા પછીનો કાર્યક્રમ શું હતો?

- પુરતો વાલાર્ટા પહોંચીને, ફ્રેશ થઈને અમે મંજાનિલ્યો શહેર માટે નીકળ્યા. ત્યાંથી ફરીને, અમે પુરતો વાલાર્ટા પાછા આવ્યા, અહીં ત્રણ દિવસ રોકાયા. આ એક રિસોર્ટ સિટી છે, અમે દરરોજ જુદા જુદા રિસોર્ટમાં ફરવા જતા અને રાત્રે અમારી લક્ઝરી બોટમાં પાછા આવી જતાં. કારણકે અમારી બોટમાં રહેવાની વ્યવસ્થા હોટલ જેવી જ હતી. લક્ઝરી બોટમાં, નાની બોટ પણ રાખવામાં આવે છે. જ્યાં કિનારે પહોંચવા માટે પાણીની ઊંડાઈ ઓછી હોય, ત્યાં નાની બોટ દ્વારા પહોંચી શકાય છે.

- વાહ! આ તો ખૂબ જ મનોરંજક યાત્રા થઈ!

- હું એમ કહી શકું કે, મારા સંઘર્ષપૂર્ણ જીવનમાં આ એકમાત્ર સારો સમય હતો. દરરોજ સવારે બોટનો શેફ તેનું મેનૂ લાવતો અને અમે અમારા મનપસંદ નાસ્તા અને ભોજનનો ઓર્ડર આપતા.

- સરસ. અહીંથી આગળની જર્ની ક્યાંની હતી? 

- હવે અમારે પેસિફિક ઓશનથી જ બોટમાં જર્ની કરતાં સાઉથ થી નોર્થ, સૈન ડિએગો પહોંચવાનું હતું.

- એટલે કે મહાસાગરની સુંદરતાનો આનંદ માણતા આગળ વધવાનું હતું.

- સાચેજ મહાસાગરની સુંદરતા અદ્ભુત હોય છે, મલ્લિકા. રાત્રે અમારો સાથી મિકેનિક થોડા સમય માટે બોટના તળિયાની લાઈટો ચાલુ કરતો અને અમે પાણીમાં તરતી માછલીઓનું સુંદર દ્રશ્ય જોઈ શકતા!

- વાહ! એ દ્રશ્ય આંખો સમક્ષ તાદ્રશ થઈ રહ્યું છે!

- ખરેખર, આવા મનોરમ દ્રશ્યો જોતાં આપણે એક અલગ વિશ્વ સાથે સંપર્કમાં આવીએ છીએ. સાગર ના સૌંદર્યને માણતાં અમે મઝાતલાન પહોંચ્યા. અહીંના બીચ ખૂબ જ સુંદર છે. અહીં મેં બાઈક રાઇડ પણ કરી. ત્યાંથી અમે તિજુઆના પહોંચ્યા. બોટ દ્વારા અમારું છેલ્લું સ્ટેશન તો સૈન ડિએગો જ હતું, ત્યાંથી જ અમે ફ્લાઇટમાં એલ.એ. પાછા ફર્યા.

- તેં આ સમુદ્રી યાત્રાને ખૂબ એન્જોય કરી !

- ખરેખર, હું તેમની સાથે પાંચ વર્ષમાં દસ વાર હવાઈ આઇલેન્ડ ગયો. અમે લોકો વર્ષમાં બે વાર ત્યાં જતા.

- શું વાત કરે છે !

- યાહ ...મલ્લિકા, સાંભળ્યું છે કે યંગ એજમાં તેઓ દર વર્ષે હવાઈ જતા હતા. તેમની સાથે પાંત્રીસથી ચાલીસ લોકોનો કાફલો રહેતો. તે બધાની જર્નીના તમામ ખર્ચ તેઓ જ ઉઠાવતા, આમાં ભોજન, સહેલગાહ, ખરીદી અને મસાજ સુવિધા સહિતના તમામ ખર્ચનો સમાવેશ થતો. બે અઠવાડિયાં સુધી માહોલ મસ્તીભર્યો બની રહેતો. જ્યારથી હું તેમની સાથે જોડાયો ત્યારથી, તેઓ વર્ષમાં બે વાર હવાઈ જવા લાગ્યા. દર વર્ષે થૅન્ક્સ ગિવિંગ ફેસ્ટિવલ ત્યાં સેલિબ્રેટ કરતા.

- હવાઈ ​​અમેરિકાનું પચાસમું સ્ટેટ છે ને ?

- હા, તે અમેરિકાનું ઓનલી સ્ટેટ છે જે સંપૂર્ણ રીતે આઇલેન્ડથી જ બનેલું છે. હવાઈ અમેરિકાનું સૌથી મોટું આઇલેન્ડ પણ છે.

- હવાઈમાં કેટલા આઇલેન્ડ છે? માફ કરજે, મને જીયોગ્રાફીમાં ક્યારેય વધારે ઇન્ટરેસ્ટ નહોતો.

- મારી સાથે દોસ્તી કરી છે તો હવે આખા વિશ્વના નકશાનો અભ્યાસ કરીશું.

- જી, સર.

- હવાઈમાં મુખ્ય આઠ આઇલેન્ડ્સ છે, પરંતુ ટુરિઝમ માટે ચાર આઇલેન્ડ્સ છે. હવાઈ, ઓઆહૂ, માઉઇ અને કાઉઆઇ. તેમાં હવાઈ સૌથી મોટું છે. હવાઈની રાજધાની હોનોલૂલૂ ઓઆહૂ આઇલેન્ડ પર આવેલું છે.

- વાહ! આવા અઘરા નામ!

- હજી છે. મોલોકઈ, લનાઈ, નિહાઉ અને કહૂલાવ. આ ચાર નજીકના નાના આઇલેન્ડ્સ છે. અંકલ, લનાઈ આઇલેન્ડ પર થેંક્સગિવિંગ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા. 2012 ની સાલમાં તો અમે પ્રાઇવેટ પ્લેન દ્વારા સીધા હવાઈ પહોંચ્યા હતા!

- શું વાત છે! લાગે છે કે હું પણ હવાઈ પહોંચી ગઈ! આજે તારી સાથે મેં પણ આજે આખા યુરોપનો પ્રવાસ કરી લીધો.

- મેં પણ ફરીથી આ સુંદર પ્રવાસ કરી લીધો. જીવનના આખરી સમયમાં અલ્સરને કારણે અંકલનું મૃત્યુ થયું.

- ઓહ! આજે તેં તારા જીવનની ઘણી વાતો શેયર કરી, ઐશ. બપોરના બાર વાગવા આવ્યા છે, લંચ ટાઈમ થયો છે, તારે ત્યાં રાતનાં સાડા અગિયાર થયા હશે. હવે સૂઈ જા.

- હવે તો સૂવું જ પડશે ડિયર, તારો દિવસ શુભ રહે.

- ગુડ નાઇટ, દોસ્ત.