Tari Sangathe - 21 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 21

Featured Books
Categories
Share

તારી સંગાથે - ભાગ 21

ભાગ 21

 

18 ઓગસ્ટ 2018, શનિવાર સવારના 10.20

------------------------------------------------------

- શું કરે છે, અશ્વિન?

- તારી રાહ જોઉં છું.

- વાહ એટલે કે ફ્રી છે?

- ફક્ત તારે માટે જ!

- ક્યારેક તો સિરિયસ બન, યાર!

- ઓકે. કહો મલ્લિકા જી, શું કહેવું છે?

- આજે સવારથી એટલો વરસાદ વરસી રહ્યો છે, તારી યાદ મારા દિલને ભીંજવી રહી છે. કાશ, ક્યારેક વરસાદમાં સાથે ભીંજાવાની તક મળી હોત!

- વાહ, શું બ્યુટીફૂલ વિચાર છે!

- હું બસ સ્ટોપની છત નીચે ઊભી રહી ગઈ, તું ખબર નહિ કયા વૃક્ષ નીચે ઉભો રહ્યો!

- તેં તક જ ક્યારે આપી માનિની કે હું વરસાદમાં તારી સાથે ભીંજાઉં?

- અચ્છા, હવે મારા માથા પર દોષનો ટોપલો ઢોળે છે?

- મને છત્રી કે રેઈનકોટ લઈ જવાની ટેવ નહોતી. વરસાદી મોસમમાં હું કૉલેજથી લાલ દરવાજા બસ સ્ટેન્ડ સુધી પહોંચતાં ઘણું ખરું ભીંજાઈ જતો.

- અને ભીંજાતી જતી છોકરીઓને જોયા કરતો!

- બીજું શું કરત? મારી સામેથી જે પસાર થતી તેને જોતો રહેતો. તું પણ એક છોકરી હતી ને, ક્યારેય સામે આવી નહીં! જો પાસે આવીને મારા હૃદયની સ્થિતિ વિશે પૂછ્યું હોત, તો મેં તે કહ્યું હોત! એ કહે કે કેમ મારાથી દૂર રહી? 

- હવે મારે બ્રેક લેવો પડશે, કિચનમાં કામ છે.

- જોયું? આજે પણ તું ભાગવાની ફિરાકમાં છે.

- એવું નથી યાર. સાચે જ કામ છે, હું થોડી વારમાં આવું છું.

- ઓકે ડિયર, હું કમ્પ્યુટર પર જ તારી રાહ જોઉં છું. તારે ત્યાં દિવસ છે, પરંતુ અહીં રાત છે ને?

- તો શું રાત્રે જાગવાનો ઈરાદો છે?

- તારી સાથે વાત કરતાં કરતાં રાત્રે જાગવાનો ઈરાદો છે.

- ઈરાદો નેક છે. હવે હું જાઉં છું. 

- અહીં એટલી ગરમી છે અને હું એકલો પ્રવાસી વરસાદને ઝંખું છું.

- ----------------------

- તારી જીવન કથાનો હું એક કિસ્સો બનું, એક હિસ્સો બનું, તેથી વધુ ખુશી શું હોઈ શકે?

તું એક વહાલનો દરિયો છે,

તું મારી ખુશીઓનો સાગર છે!

તું મારું જીવવાનું કારણ છે,

તું મારી કવિતા, ગીત છે, સંગીત છે. 

દિલની સિતારનો રણકતો તાર છે!

હમણાં જ એક આનંદની લહેર ઊડી તારી યાદોની!

- --------------------------

- --------------------------

- અરે! આટલું બધું શું લખી નાંખ્યું? દીવાનગી તો ઠીક છે અશ્વિન, આ તો પાગલપણાની નિશાની છે!

- હવે તું મારી ફીલિંગ્સને પાગલપણું કહે છે, તો તેં કૉલેજના દિવસોમાં શું કર્યું હતું? મને ન જોતાં ઘેર જઈને રડવું, દિનેશ હૉલથી રાતનાં ત્રણ વાગે અમદાવાદ રેલ્વે સ્ટેશન તરફ એકલા ચાલતા જવું, હું તેને શું કહું?

- વળી તેં મારું પાગલપણું યાદ અપાવ્યું! ઉપર તેં કવિતામાં જે કંઈ લખ્યું છે, તે તો તું મારી નજરમાં હતો જ, તેં તેને પિસ્તાળીસ વર્ષ પછી અનુભવ્યું!

- પિસ્તાળીસ વર્ષ પછી, મને પણ કૉલેજના તે ચાર વર્ષ જીવી લેવા દે ને! હું મારા વિચારોમાં હરિયાળી સજાવી શકું ને? મારા દિલ સાથે કોઈને શું લેવા-દેવા?

- સારું સારું બસ? મેં મારા પાગલપણાનાં બધા સ્ટેજીસ પાર કરી લીધા છે. હવે તારો વારો છે.

- કોણ જાણે પિસ્તાળીસ વર્ષ પછી, એ જ ઘા મારા દિલ પર વાગ્યા! મારાં કર્મોની સજા મારે આ ધરતી પર જ ભોગવવી પડશે. તેં આ બધાની મને યાદ અપાવી, તેમાં જ કોઈ દૈવી સંકેત છે, જે મને તારી માફી માંગવા માટે કહે છે.

- હે ભગવાન! મેં તો મજાક કરી હતી. તેં મારી વાતને આટલી સિરિયસલી લીધી? તું તો આજે પણ મારી જિંદગી છે યાર!

- જોજે હોં, તારા સાંસારિક જીવનમાં કોઈ ખળભળાટ ન મચી જાય.

- જ્યારે તું મળ્યો, મેં તો હાર-જીત વિના જ આખો ખેલ સમેટી લીધો! એવામાં શું ખળભળાટ મચશે, કહે?

- મેં તો તારા પાર્થોને પણ મારા હૃદયમાં વસાવ્યા છે. કારણ કે, તે જ તને પ્રેમથી સંભાળે છે. તેનું દિલ વિશાળ છે, તેણે સાચા દિલથી તને ચાહી છે.

- તારી વાત સોળ આની સાચી છે, ઐશ. મારી જિંદગી દાવ પર લાગી ત્યારે પાર્થોએ જ મને બચાવી.

- તારી દિલદારી પર જ પાર્થો ફિદા થયો. આ જ દિલદારી મને પ્રેમના સમુદ્રમાં ડુબાડે છે, યાર! પછી જો હું કંઈક લખીશ તો તું મને પાગલનું લેબલ આપીશ. શું કરું? જે હું કૉલેજમાં તને કહી શક્યો હોત, તે હવે કહેવાનું મન થાય છે, તેથી હું કંઈ પણ લખું છું.

દીવાનોં સે યે મત પૂછો, દીવાનોં પે ક્યા ગુજરી હૈ,

હાં, ઉનકે દિલોં સે યે પૂછો, અરમાનોં પે ક્યા ગુજરી હૈ!

- ઓહ, હું કંઈક લખી રહી છું ને તું કંઈક લખી રહ્યો છે! બાપા, હજી જમવાનું બાકી છે. ચાલો, પછી વાત કરીશું.

- ઠીક છે મારી મા, હવે હું વૉક પર જઈ રહ્યો છું. વાતોનો દોર ફરી પકડીશું.

- થોડી વાર રોકાઈ જા! મારા ઘરની સામે વરસાદનું પાણી જામી ગયું, એક ફોટો મોકલું છું.

- વાહ! સુંદર ફોટો. મને વરસાદ જોવાની પણ મજા આવે છે, ભલે ભીંજાઉ કે ન ભીંજાઉ. કવિ રમેશ પારેખની બે પંક્તિઓ વાંચ –

આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ,

  એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા! 

- આ પણ સાચું છે. અશ્વિન, તે દિવસોમાં, વર્ષા ઋતુમાં જયારે કાળા ડિબાંગ વાદળો ઊમટી આવતા અને ઝરમર વરસાદ વરસતો ત્યારે હું મારા રૂમની બારી પાસે બેસતી. વર્ષાની બુંદો ને મારી હથેળીમાં ઝીલી એમાં તારી યાદોને ભેળવીને સજાવવાનો પ્રયત્ન કરતી!

- વરસાદ તો દર વર્ષે પડતો હતો, છોકરી! આપણે જ ક્યારેય ન ભીંજાયા. 

- હું મારી ભૂલ સ્વીકારું છું.

- જો, હવે વધુ બે પંક્તિઓ લખું છું. કોની છે તે યાદ નથી આવતું. તે જમાનામાં, હું મારી પસંદગીની પંક્તિઓ ડાયરીમાં નોંધી રાખતો. 

 એક વરસાદી સાંજે મન લઈ ગયું એની ડેલી સુધી.

   બારણે કોઈનાં સ્મરણોની સાંકળ હતી, વાત પૂરી થઈ!

- હું જાણું છું કે આપણી વાર્તા પૂરી થઈ ગઈ છે. હવે આપણે, આપણા પોતાના પુસ્તકનાં પૃષ્ઠો પલટાવી રહ્યા છીએ, જેમાં તે સમયે કંઈ જ લખાયું નહોતું! 

- ચાલ, તારી લાગણી જ મારે માટે પૂરતી છે. હું જ્યાં સુધી છું ત્યાં સુધી મને આમ જ સ્નેહ કરતી રહેજે. કાલનો શો ભરોસો?

- આવું ન લખતો ક્યારેય. પાંપણ પર રોકાયેલાં આંસુઓ ફરીથી વહેવા લાગે છે. ફરી એકવાર મને ગુમાવેલી તે ક્ષણોને નવેસરથી જીવી લેવા દે. 

- તું પંખીની જેમ કલરવ કરતી રહેજે, ફૂલોની જેમ મહેકતી રહેજે !

- તું પણ, મારા બન્ધુ. આવજો, ફરી કાલે મળીશું.

- આવજો.

 

 

 

 

18 ઓગસ્ટ 2018, શનિવાર રાતના 9.35

--------------------------------------------------- 

-  સુપ્રભાત, અશ્વિન. તું શું કરે છે? 

- હું હમણાં જ કામ પર આવ્યો છું. મારા પેશન્ટ અંકલ ટીવી જોઈ રહ્યા છે, હું ગઈ કાલની વાતો યાદ કરી રહ્યો છું. તેં ડિનર લીધું?

-  હમણાં જ લીધું.

-  ઓકે, મને યાદ કરીને ખાધું કે નહિ?

-  ચોક્કસ, તને યાદ કરીને ખાધું. એ પણ યાદ કર્યું કે હૃદયમાં રહેવાનું ભાડું બાકી છે.

- એ જ તો ચૂકવી રહ્યો છું છોકરી! હપ્તે હપ્તે, ક્યારેક હસીને અને ક્યારેક રડીને. એક વાત યાદ અપાવવી જરૂરી છે કે હવે મારા હૃદયમાં સ્થાન જમાવવા બદલ હું પણ એક દિવસ ભાડું માંગીશ.

- તો પછી હિસાબ બરાબર. એક બીજાના હૃદયમાં રહીશું. કોણ જાણે કેમ તારી સાથે વાત કરું છું ત્યારે હું ફરીથી તે કિશોરી બની જાઉં છું. મને કહે જોઉં, તારામાં એવું તે શું છે?

- એ તો તને ખબર, પણ તું તે જ કૉલેજિયન બની રહે જેથી હું તારી સાથે એવી મસ્તી કરી શકું, જે તે સમયે તારી સાથે કરી શકયો નહીં. ક્યારેક મને લાગે છે કે તું હજી પણ તે જ મૂંગી છોકરી છે, જે મારાથી ડરે છે!

- તારી સામે જ્યારે પણ એ નાદાન કિશોરી બનીને આવું છું, ત્યારે તે જ ડર મનમાં છવાઈ જાય છે, જે તે સમયે છવાયેલો રહેતો હતો.

- તે સમયે પણ મને ખૂબ પ્રેમ કરે તેવી, રમતિયાળ, તોફાની અને પાગલ છોકરીની દોસ્તી જોઈતી હતી. હવે શું કરું, તું જ કહે.

-  એકવાર તને મળું ત્યારે પ્રેમથી ભેટી લેજે, બસ?

- તું મને વાતોમાં મૂંઝવી દે છે અને હું પહોંચી જાઉં છું, ભવન્સ કૉલેજ-કેમ્પસમાં! ભૂલી જાઉં છું કે આપણા પોતપોતાનાં પરિવાર છે.

-  ભવન્સ કૉલેજ-કેમ્પસમાં હોઈએ ત્યારે પરિવાર ક્યાંથી હોય?

-  અચ્છા, તો હવે જીભ ચાલવા લાગી!

- ક્યાં સુધી મૂંગી રહું? આજે મારી સખી વિદ્યાએ ફિલ્મ 'બૉબી' નું સોળમાં વર્ષનું ગીત ફેસબુક પર શેયર કર્યું છે. ખૂબ જ સુંદર ગીત.

- જો તું તે વખતે મને મળી હોત, તો તને મારી સાયકલ પર બેસાડીને મેં પણ 'બોબી' નું તે જ ગીત ગાયું હોત. મારી નજરથી તું બચી કેવી રીતે ગઈ?

-  અહા! તે સમયે તું મને શું કહેત, તેનો નમૂનો પેશ કર, મોગરાના ફૂલ સિવાય.

- મોકો ... માત્ર એક મોકો મને આપ્યો હોત! જો આમ જ બોલતી હોત તો કહેત, 'એક તેરે બોલ બસ મીઠે લાગતે હૈં....' થોડીક ભૂલ મારી હતી, ઘણી વધારે ભૂલ તારી હતી.

-  કેવી રીતે?

- તું જેવી દેખાતી હતી તેવી હતી નહીં! હરણાં જેવી ચંચળ, ઝરણાં જેવી ખળખળતી, મસ્તીખોર હતી, એ તો હવે ખબર પડી!

-  ત્યારે પણ ખબર પડી હોત, જો ધ્યાનથી જોયું હોત.

- ત્યારે હું તને નિર્દોષ ન કહેત, પાગલ કહેત. આ બંગાળી છોકરીને ક્લાસમાંથી બંક મારીને મૂવી જોવા લઈ જાત. 

- અહા! તારા આવા નિર્દોષ પ્રેમથી મને મારા હોવાનો એહસાસ અનુભવાય છે!

- તું મને સપનામાં ક્યાં ક્યાં લઈ જાય છે, છોકરી? જ્યારે હું નીચે પડીશ, ત્યારે કેટલું વાગશે એનો કોઈ ખ્યાલ છે તને? આવું કેમ કરે છે તું?

- ખૂબ જ ગમે છે, યુવાન વયનો તારો સાથ અનુભવવામાં. તે જ તો મેં તારી પાસેથી માંગ્યું છે, ભૂલી ગયો ? કૉલેજના એ ચાર વર્ષો જે મેં માત્ર તને જોઈને વિતાવ્યા! હું હજી પણ માની શકતી નથી કે હું એ હીરો સાથે ફ્લર્ટ કરી રહી છું, જેને દૂરથી જોઈને હું ભાગી જતી હતી.

-  કારણ કે તારો પ્રેમ મૂંગો હતો!

- શું કહું, ઐશ. સમય જતાં, કૉલેજની એ મૂંગી છોકરીનું બોલવું જ તેના વ્યક્તિત્વનું સૌથી સકારાત્મક પાસું બની ગયું! હાયર સેકેન્ડરી સ્કૂલમાં અધ્યાપન કાર્ય હોય, એ.જી. ઓફિસનું કાર્યાલય હોય, રંગમંચ પર અભિનય હોય કે કોઈ જાહેર કાર્યક્રમ હોય, મારી દરેક વાતને હું અસરકારક રીતે રજૂ કરી શકતી. મારી વાતચીતની કુશળતાએ મને સૌની પ્રિય બનાવી. આત્મવિશ્વાસ સાથે બોલવાની ક્ષમતાએ મારું જીવન બદલી નાખ્યું. 

-  તો પછી તારી ઇમ્પ્રેસિવ સ્પીચથી મને કેમ વંચિત રાખ્યો ?

- વિધિની વિડંબણા જ કહીશ, હવે હું આટલું બધું બકબક કરું છું, ત્યારે કરત તો તું પાગલ ન થઈ ગયો હોત?

-  થઈ ગયો હોત તો પણ એમ જ લખત, 'તું પ્રેમનો પર્યાય છે.'

- ખૂબ સરસ. મારી એક કવિતાનો અંશ તારે માટે –

   તવારીખ બદલ ગઈ, બદલા જમાના,

   આયા ન હમકો તુમ્હેં ભૂલ પાના.

   તરાશતે ચલે ગયે તુમ્હેં તહરીર મેં,

   તલાશતે ચલે ગયે અપની તકદીરમેં!

-  એ જ તો કર્યું તેં. એક શેર છે - 

    કબ મિલી થી, કહાં બિછડી થી, હમેં યાદ નહીં,

    જિંદગી તુઝકો તો બસ ખ્વાબ મેં દેખા હમને.

 

- પાછા આપણે દર્દની રાહ પર ચાલી નીકળ્યાં, આશુ! આજે સવારથી કંઈક ઠીક લાગતું નથી, માથું દુઃખે છે.

- મને તારી તબિયતની ચિંતા થાય છે. તું મોડી રાત સુધી કેમ જાગે છે ? મારે એવી વાર્તા નથી જોઈતી જેને કારણે તારે તકલીફ સહેવી પડે.

-  બસ, હવે કમ્પ્યુટર બંધ જ કરું છું. 

-  ગુડ નાઇટ. વિલ ટૉક ટૂ યૂ લેટર.

-  આવજો. 

 

 

19 ઓગસ્ટ 2018, રવિવાર સવારના 10.00

------------------------------------------------------

 

- તારે ત્યાં શનિવારની રાત છે. તું હવે તારા કામથી ફ્રી થયો હશે અને સૂવાની તૈયારી કરી રહ્યો હશે. પહેલી ચા પી લીધી. બીજી વારની ચા અને નાસ્તો હજી બાકી છે. પહેલા તને વાંચવાનું મન થયું.

- હવે પેશન્ટ અંકલ સૂઈ ગયા છે, એટલે ફ્રી છું, પહેલાં ચા પી લે છોકરી, પછી તારી સાથે ચાહ પીશ. કાલે હું સાવ ચૂપ રહ્યો તેથી ઊંઘ સારી આવી હશે.

- પાછી મસ્તી! મને તો તારી ચુપ્પી પણ સંભળાય છે, સમજ્યો?

- તેથી જ તો તું મને શોધી શકી. સમય હજી પણ આપણી સાથે નથી ચાલી રહ્યો. આપણો ઊંઘવાનો સમય જુદો જુદો હોય છે તેથી સપના પણ એક સાથે જોઈ શકાતાં નથી! મજાક કરું છું, સિરિયસલી ન લેતી.

- તું ક્યારેય સિરિયસ ન હતો. નહીં તો આ નૌબત થોડી આવત?

- તું વળી ક્યાં સીરિયસ હતી, ડિયર?

- હું થોડું ઘરનું કામ પતાવી લઉં ?

- જોયું? વાત કેવી બદલી નાંખી! ઠીક છે, પહેલાં તારું કામ પતાવ, પછી મને પતાવજે.

- તને એવું લાગે છે કે હું તને પતાવું છું? તું મારી કેવી મજાક ઉડાવી રહ્યો છે!

- જો ડિયર, મારું ગુજરાતી એટલું સારું નથી કે મેં તારી જેમ એમ.એ. નથી કર્યું. મેં પતાવવાનો અર્થ 'મારી સાથે વાત કરવાની' એવો કર્યો. આ બાબતમાં હું દેશી છું, જરા સમજ. તારી સાથે મસ્તી નહીં કરું તો કોની સાથે કરીશ, મારી મા!

- કંઈ વાંધો નહિ મારા તોફાની બચ્ચા, પહેલાં ગુજરાતી શીખ.

- જો આ વૃદ્ધ વિદ્યાર્થીને પ્રેમથી શીખવીશ, તો તે શીખશે. બાય ધ વે, ચા સાથે નાસ્તો શું લીધો ?

- મારી નોકરીને કારણે મને ચા સાથે નાસ્તો કરવાનો ક્યારેય સમય નથી મળ્યો. હવે ફ્રી છું અને તું પણ મળ્યો છે, તેથી હું ચા સાથે તારા વિશે વિચારું છું.

- એટલે મને નાસ્તો સમજીને ચાવે છે ?

- જે સમજવું હોય તે સમજ.

- માત્ર સમજવાથી કામ નહિ ચાલે, કંઈક સ્વીટ લખ, પ્લીઝ.

- ઐશ, સ્વીટ છે ક્યાં? હવે તો સમાજની સામે, મારા મનમાં ધરબાયેલી ઇચ્છાઓ બળવો કરી રહી છે. સમાજના નિયંત્રણમાંથી મુક્ત થઈને હું તારી સામે, મારા મનના મૂળ ભાવોને વ્યક્ત કરી રહી છું.

- મલ્લિકા, આપણે બંને પોતપોતાના જીવનમાં બનેલી ઘટનાઓ લખીને સેલ્ફ એનાલિસિસ કરી રહ્યાં છીએ.

- મારા મનના ગહન વિષાદને અભિવ્યક્ત કરવા માટે, તારા કરતાં વધુ યોગ્ય કોણ હોઈ શકે?

- મને પણ મારા જીવનમાં વ્યાપેલી એકલતાની પીડાને વ્યક્ત કરવા માટે તારાથી સારું બીજું કોણ મળ્યું હોત? એક રીતે આપણને ઈમોશનલ સેટિસ્ફેક્શન મળી રહ્યું છે.

- ઐશ, ઘણી વખત આપણે પ્રેમને ઓળખી જ શકતા નથી, ભલે પછી એ કોઈ પણ સંબંધમાં હોય.

- સાચી વાત, મારા પિતા ખૂબ ગુસ્સાવાળા હતા પણ મને તેમના ક્રોધની પાછળ છુપાયેલ પ્રેમ દેખાતો ન હતો. બાળપણમાં હું તેમને ઘરમાં દાખલ થતાં જોઈને જ બાજુ પર ખસી જતો. તેમની સાથે વાત ન કરવી પડે, એટલે તેમનો સામનો કરવાનું ટાળતો.

- માતાપિતાનો પ્રેમ હંમેશાં નિશ્છલ હોય છે. પણ કેટલીકવાર તેઓ તેને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતાં નથી.

- મલ્લિકા, મને યાદ છે કે તેઓ બપોરના જમવા બેઠા હોય અને જો મા કહે કે અમારા કોઈ ભાઈ કે બહેન સ્કૂલમાં ટિફિન બોક્સ લઈ જવાનું ભૂલી ગયા છે, તો તેઓ પોતાના બાળકને ટિફિન બોક્સ પહોંચાડવા માટે પીરસેલી થાળી મૂકીને ઊભા થઈ જતા!

- એ જ કહ્યું મેં. પિતા તેમનાં બાળકો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકતા નથી. બાળકોએ પિતાના વર્તન દ્વારા તે પ્રેમનો અનુભવ કરવો પડે છે.

- નાની ઉંમરે, હું આ સમજી શક્યો નહીં. જ્યારે હું યુવાન થયો, ત્યારે મારા પ્રત્યેનું તેમનું વલણ મિત્રતામાં પરિણમ્યું. ત્યારે મને સમજાયું કે તેઓ જે કાંઈ કહેતા હતા અમારા ભલા માટે કહેતા હતા. પરિવારની ખુશીઓ માટે જ તેઓએ પોતાનું જીવન ન્યોછાવર કર્યું.

- અશ્વિન, મોડે મોડે પણ તને સમજાયું એ પૂરતું છે.

- મારા એલ.એ. આવ્યા પછી, તેઓ મને દર અઠવાડિયે એક કાગળ લખતા અને હું સમયસર તેમને જવાબ આપતો. 1988 માં જ્યારે હું અમદાવાદ આવ્યો ત્યારે મેં તેમના મોતિયાના ઓપરેશનની વ્યવસ્થા કરી. ઇન્સ્ટોલમેન્ટમાં તેમના માટે એક કલર ટીવી પણ ખરીદ્યું. તેમને પોસ્ટ ડેટેડ ચેક આપીને આવ્યો. 

- ખૂબ સારું કર્યું. માતાપિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. જનરેશન ગેપને કારણે તેમની સાથે મતભેદ હોઈ શકે છે, પરંતુ મનભેદ ક્યારેય હોવો જોઈએ નહિ.

- તેમની ક્ષમતા પ્રમાણે તેઓએ આપણા માટે જે કર્યું તેનો તો આપણે હિસાબ પણ ન માંડી શકીએ. હું તેમને અહીં લઈ આવ્યો, મલ્લિકા. અમારું એપાર્ટમેન્ટ નાનું હતું તેથી અમે નજીકમાં એક અલગ એપાર્ટમેન્ટ લઈ લીધું. તેઓ અહીં આવીને ખૂબ જ ખુશ થયા, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં.

- કેમ?

- તેઓ અહીં બે વર્ષ રહ્યાં, પછી સંજોગોવશાત અમારે એક નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવું પડ્યું. મમ્મી-પપ્પા અહીંયાં જ રહી ગયાં. નવું એપાર્ટમેન્ટ ખૂબ દૂર હતું અને ત્યાં તેમને સાથે લઈ જવા માટે પૂરતી સુવિધાઓ નહોતી.

- તેં કેવી રીતે મેનેજ કર્યું ?

- હું તેમના વિશે સતત ચિંતિત હતો. બંને વૃદ્ધ હતાં, તેમને અંગ્રેજી ભાષા સમજવામાં પણ તકલીફ હતી. જો તેમને કંઈ થઈ ગયું તો? તે સમયે હું અઠવાડિયામાં સાતેય દિવસ કામ કરતો હતો. દિવસની ડ્યૂટી કરીને રાત્રે લગભગ દસ વાગ્યે મમ્મી-પપ્પાને મળવા જતો. બીજા દિવસે વહેલી સવારે મારે ડ્યુટી પર પહોંચવાનું હોય તેથી ક્યારેક હું ત્યાં જ રોકાઈ જતો.

- તેઓ કેટલો સમય રહી શક્યાં?

- મલ્લિકા, આ મારા જીવનનો ખૂબ જ મુશ્કેલ સમય હતો. તેઓ અમારા પરિવાર સાથે રહેવા આવ્યા હતા, પરંતુ એ જ શક્ય ન બન્યું. તેમનો આ રીતે એકલા રહેવાનો કોઈ અર્થ નહોતો, મેં તેમને મારી બહેનને ત્યાં મોકલી આપ્યાં, જેઓ અહીંથી ચાલીસ કિ.મી. દૂર ઓરેન્જ કાઉન્ટીમાં રહે છે.

- જ્યારે સમય અનુકૂળ ન હોય ત્યારે બધું વિપરીત દિશામાં જતું હોય તેવું લાગે છે. તું વિદેશમાં રહીને, ઘણા સંઘર્ષો વચ્ચે પણ તારાં માતાપિતાને તારી સાથે રાખવા માંગતો હતો, એ એક મોટી વાત છે. શું ત્યાંના લોકોમાં પરિવારનો કોઈ કૉન્સેપ્ટ છે?

- અહીં પરિવાર તો છે, પરંતુ એકલ પરિવાર. આવા પરિવારમાં પણ દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે કરવાનું અને એકલા રહેવાનું પસંદ કરે છે. એકલા હોય તોય ખુશ રહે છે. તેં વાંચ્યું જ હશે, ઈન્ડિવિડૂઅલિજમને અહીં નકારાત્મક રીતે જોવામાં આવતું નથી.

- વાંચ્યું છે અને સાંભળ્યું પણ છે. સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને મહત્વ આપવામાં આવે છે. અહીં વ્યક્તિ સામાજિક તકલીફો સામે એકલી જ લડે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિની ભલાઈ માટે પોતાને સમર્પિત કરતી નથી.

- સાચી વાત. મલ્લિકા, અહીંની વ્યક્તિ સોશિયલ બોન્ડ્સ અને નોર્મ્સથી મુક્ત છે, જ્યારે આપણા દેશમાં સોશિયલ લાઈફ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું આ કલ્ચરમાં પોતાને ઢાળી શક્યો નહિ. માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની, બાળકો, મિત્રો, સંબંધીઓ, આ બધાં મારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હતા. અહીંયાં બધું મિકેનિકલ છે. હું આખી જિંદગી સંબંધોમાં આત્મીયતાને તરસતો રહ્યો!

- શું કહું? તેં ત્યાં નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. તારું આ કામ સંપૂર્ણ સેવાનું કામ છે, તેની સામે મને કોઈ વાંધો નથી. દુઃખ એ વાતનું છે કે તને એ જીવન કેમ ન મળ્યું, જેનો તું હકદાર હતો? તારે માટે ગીતો હતાં, સંગીત હતું, થિયેટર હતું, ટેલિવિઝન હતું, મૂવીઝ હતી! 

- હું તો ઇસરોમાં મારું મનપસંદ કામ જ કરી રહ્યો હતો. મને અહીં આવવાની કોઈ ઇચ્છા નહોતી. સત્ય તો એ છે કે અન્ય દેશોમાંથી અહીં આવતા લોકોને ભાગ્યે જ તેમની પસંદગીનું કામ મળે છે. જવા દે, હવે બીજી કોઈ વાત કર. 

- ચાલ, હું તને પશ્ચિમ બંગાળના કલ્યાણી નગરમાં રહેતાં મારા 85 વર્ષના અંકલ અનિલચંદ્ર અને 75 વર્ષીય આંટી તરુલતાના અદ્ભુત પ્રેમ વિશે વાત કરું. 

- વાહ!

- સંયુક્ત કુટુંબ હતું. એકવાર અમે તેમના મહેમાન બન્યાં ત્યારે આંટીએ મને કહ્યું, ‘મૉલી, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તારા અંકલ મારી પહેલાં જતા રહે.’ એક સૌભાગ્યવતી સ્ત્રી પહેલાં તેના પતિનું મૃત્યુ ઈચ્છતી હતી! હું અવાક હતી, 

- કારણ?

- 'આવું કેમ કહો છો, આંટી?' મેં પૂછ્યું હતું અને તેમનો જવાબ હતો, ‘તારા અંકલને મારી જેમ કોણ સંભાળી શકશે?' તેમની પ્રાર્થનામાં છુપાયેલા અસીમ પ્રેમને કોણ વાંચી શકે, ઈશ્વર સિવાય?

- શું એવું થયું?

- એવું જ થયું. અંકલ પહેલાં ચાલ્યા ગયા.

- તારી પ્રેમ કથાઓને સલામ કરું છું.

- એક નવા જમાનાની પ્રેમ કથા પણ છે, જે હું પછીથી કહીશ. હવે સૂઈ જા, તારે ત્યાં રાત બહુ વીતી ગઈ છે. શુભ રાત્રિ.

- હવે સૂવું પડશે. અંકલ હમણાં સૂતા છે, ક્યારે ઊઠી જાય તે કહેવાય નહિ. ગુડ ડે.