Tari Sangathe - 20 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 20

Featured Books
Categories
Share

તારી સંગાથે - ભાગ 20

ભાગ 20

 

17 ઓગસ્ટ 2018, શુક્રવાર સવારના 10.00

-----------------------------------------------------

- ગુડ મોર્નિંગ ડિયર. ઊંઘ આવી કે નહીં?

- ઊંઘ પણ ઉંમર સાથે દૂર જવા લાગી છે, દોસ્ત. કમ્પ્યુટર પર વ્યસ્ત હોઉં છું, ત્યારે કિચનમાં શાક દાઝવા લાગે છે.

- ગેસ પર શાક મૂક્યું હોય તો મને પહેલા કહી દેવું. તબિયતનું ધ્યાન રાખ મલ્લિકા અને શાકનું પણ, નહીં તો પાર્થોએ બળેલું શાક ખાવું પડશે. આટલા પાક ઇન્સાનને દુઃખી ન કરતી.

- બળેલું શાક થોડું ખાઈ શકાય? જો કે પાર્થો બળેલું શાક પણ ખાઈ લે છે.

- હું તેમનો ખૂબ આદર કરું છું. તારા અને પાર્થો વચ્ચે જેટલી ક્રિસ્ટલ ક્લિયર વાતો થાય છે તેટલી સ્પષ્ટ વાતો અમારી, પતિ-પત્ની વચ્ચે નથી થતી. કદાચ ઈન્ટ્રોવર્ટ હોવાને કારણે જ હું ખુલ્લા મનથી વાત નથી કરી શકતો.

- અશ્વિન, વિચારોમાં મતભેદ હોય તો પણ વાતચીત બંધ ન થવી જોઈએ. વાતચીત બંધ થવાથી સમાધાનના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે.

- તદ્દન સાચું કહ્યું. હું આ બાબતમાં પોતાને જ દોષી માનું છું.

- અમારા પતિ-પત્નીના વિચારોમાં પણ અંતર છે, પરંતુ અમે તેને વધારે મહત્વ આપતાં નથી. ઝઘડો થાય છે, પછી સમાધાન પણ થઈ જાય છે. ગઈકાલે મેં પાર્થોને આપણી વાતચીત વિશે કહ્યું. તેઓ સાંભળતા રહ્યા. સાંજે તેમણે મને સારેગામાની ગઝલો ફોરવર્ડ કરી. કારણ કે તેઓ જોઈ રહ્યા છે કે હું તારી મોકલેલી ગઝલ સાંભળું છું.

- તું ભાગ્યશાળી છો મલ્લિકા, તને પાર્થો જેવો પતિ મળ્યો.

- તને પણ સ્મૃતિ જેવી પ્રેમાળ પત્ની મળી.

- સાવ સાચી વાત, પણ યુ.એસ.એ. આવવાની ચાહતમાં અમે ઘણું ગુમાવ્યું. મેં અગાઉ લખ્યું હતું કે મારા લગ્ન જીવનનું શરૂઆતનું દોઢ વર્ષ ખુશીથી પસાર થયું, પછી જાણે દુઃખોનું પૂર આવ્યું. હું કોઈને દોષ નથી દેતો. ઈશ્વર સામે પણ મને કોઈ ફરિયાદ નથી. ક્યારેક હું મારી જાતને પૂછું છું કે મારી ક્યાં ભૂલ થઈ?

- ભાગવદ ગીતામાં મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનની દુવિધાને શાંત કરવા માટે શ્રી કૃષ્ણએ મુશ્કેલ સમયમાં યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો તે અંગે ઉપદેશ આપ્યો હતો.

- મલ્લિકા, હું જાણું છું કે આપણું ભવિષ્ય આપણા નિર્ણય પર આધારિત છે, પરંતુ યોગ્ય નિર્ણય લેવા માટે મનનું શાંત હોવું ખૂબ જ જરૂરી છે. મુશ્કેલ સમયમાં મન બહુ કન્ફ્યૂજ્ડ રહે છે.

- સાચું કહ્યું તેં. હું તને કૃષ્ણના ઉપદેશ વિશે કહી રહી છું, પરંતુ મેં પોતે જીવનમાં ઘણાં ખોટા નિર્ણયો લીધાં છે, તેના પરિણામો પણ ભોગવ્યાં છે. હું કોઈને દોષ નથી દેતી.

- અહીં આવીને વિશ્વના તમામ દેશોના લોકો સાથે મુલાકાત થઈ, પણ મનમાં વતન છોડવાની પીડા આજે પણ એવી જ છે. મારું શહેર, મારા મિત્રો, મારું વર્કપ્લેસ, ઇસરો, મારાં નાટકો, મારાં ગીતો, મારું સંગીત બધું ખોવાઈ ગયું. એ માહોલ જ મારી પહોંચથી બહાર નીકળી ગયો!

- અશ્વિન, હું તારા વિસ્થાપનની પીડા અનુભવી શકું છું.

- સ્મૃતિના વિઝિટિંગ વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી, ઓવરસ્ટેને કારણે તે ઇન્ડિયા પરત ફરી શકી નહીં.. જો તે પરત ગઈ હોત તો ફરીથી અમેરિકા આવી શકત નહિ. હું મલ્ટીપલ વિઝિટિંગ વિઝા પર આવ્યો હતો, જે પાંચ વર્ષનો હતો, પરંતુ અમેરિકા આવતા પહેલું લેન્ડિંગ ‘હવાઇ’ આઇલેન્ડના કેપિટલ હોનોલૂલૂમાં થયું, ત્યાં મારા પાસપોર્ટ પર ત્રણ મહિનાની વિઝીટનો સ્ટેમ્પ લાગ્યો! ત્યાંથી બીજા આઠ કલાકની જર્ની કરીને હું એલ.એ. આવ્યો.

- પછી?

- મારે ત્રણ મહિના પછી ભારત પરત આવવું પડ્યું. ફરી અહીં આવ્યો, પણ મારી પાસે વર્ક પરમિટ તો હતી જ નહીં. જે મોટેલમાં અમે રહેતા હતા, ત્યાં વાતાવરણ સારું નહોતું. તમામ પ્રકારના લોકો આવતા જતા હતા. બીજે મહિને અમે એક નાનકડું એપાર્ટમેન્ટ ભાડે લીધું.

- હા, તેં આ વિશે વાત કરી હતી.

- મારું ખુશહાલ જીવન હું ઇન્ડિયા છોડીને આવ્યો હતો, પણ પત્ની અને નાની દીકરીને છોડીને હું કેવી રીતે ઇન્ડિયા પાછો ફરી શકું? ​​મારી પાસે ટાઈમ પાસ કરવા માટે ન રેડિયો હતો કે ન કેસેટ પ્લેયર. ન ફોન હતો કે ન ટીવી! બારી બહાર જોતો રહેતો, મને અમદાવાદ યાદ આવતું અને આંખોમાંથી આંસુ વહેવા લાગતાં. મારું પણ ઓવરસ્ટેયલ થયું અને હવે મારી પાસે પણ પાછા ફરવાનો વિકલ્પ જ ન રહ્યો. જો હું અમદાવાદ ગયો હોત તો અમેરિકા પાછો આવી શકત નહીં. સ્મૃતિ અને હીરવા ને ફરીથી ક્યારેય મળી શકત નહીં. 

- તારા પ્રેમને સલામ કરું છું, અશ્વિન. તેં લગભગ ચાર વર્ષની જુદાઈ સહી, પત્ની અને પુત્રી સાથે રહી શકે તે માટે તારી કરિયરને તિલાંજલી આપી. તારી અંગત ખુશીઓનું ગળું ઘોંટી દીધું!

- મલ્લિકા, હું નહોતો ઇચ્છતો કે મારો પરિવાર તૂટી જાય. મને આ રીતે બેસી રહેલો જોઈને અપાર્ટમેન્ટના મેનેજરે મને હૉલ-વે માં પાથરેલી કાર્પેટને વેક્યુમ ક્લીન કરવા અને લોનમાં પાણીનો છંટકાવ કરવાનું કામ સોંપ્યું, તે પણ મહિનાના ફક્ત પાંત્રીસ ડોલરમાં! કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઉઠીને મારે પાણી છાંટવું પડતું, ઠંડીમાં મારા હાથ જામી જતા.

- ઓહ માય ગૉડ!

- જેમ મેં અગાઉ લખ્યું છે કે સ્મૃતિ એક રેસ્ટોરન્ટમાં શેફ તરીકે કામ કરતી હતી, મેં પણ ત્યાં જવાની શરૂઆત કરી. થોડું ઘણું કામ મળ્યું, પછી તંદૂરની ભઠ્ઠી પર કામ કરવાનું શીખ્યો. થોડા સમય પછી, અમે જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા તેના મેનેજરે તેમની જૉબ છોડી દીધી અને લંડન જતા રહ્યા. તે ઇન્ડિયન હતા. તેમની ભલામણથી મને તેમની જગ્યાએ જૉબ મળી. આ જૉબમાં કોઈ પગાર નહોતો, પરંતુ અમારે એપાર્ટમેન્ટનું ભાડું ચૂકવવું પડતું નહોતું, વળી વીજળી અને ગેસ પણ ફ્રી હતાં. 

- બીજા ખર્ચા પણ હોય ને?

- હાસ્તો. બે કલાકમાં મેનેજર તરીકેનું કામ પતી જતું. મેં તંદૂરનું કામ ચાલુ રાખ્યું. 1986 માં પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગને 'ઇમિગ્રેશન રિફોર્મ એન્ડ કંટ્રોલ એક્ટ' પર હસ્તાક્ષર કર્યા અને તમામ અન-ઓથોરાઇજ્ડ ઇમિગ્રન્ટ્સને ટેમ્પરરી રેસિડેન્ટ્સના વિઝા આપ્યા, જે અમને પણ મળી ગયા. હવે મેં બીજું કોઈ કામ કરવાનું વિચાર્યું.

- કયું કામ?

- મલ્લિકા, આપણે જીવનમાં જે કામથી ભાગીએ છીએ, તે જ કામ આપણો પીછો કરે છે. અમદાવાદના વી.એસ. હૉસ્પિટલમાં થોડા સમય માટે કામ કરતી વખતે મેં અનુભવ્યું હતું કે હું પેશન્ટની પીડા સહન કરી શકતો નથી, તેથી હૉસ્પિટલને લગતું કોઈ કામ કરીશ નહિ, પણ મારા ભાગે તે જ કામ આવ્યું.

- એટલે? 

- અહીં કોઈ પણ જૉબ મેળવવા માટે, પ્રથમ પોતાની એલિજિબિલિટી સાબિત કરવી પડે છે. 1988 માં, મેં નર્સિંગ આસિસ્ટન્ટનો કોર્સ કર્યો.

- આ કોર્સ શું શીખવે છે ?

- પેશન્ટની પૂરેપૂરી સંભાળ લેવી પડે છે. જેમ કે બ્લડ પ્રેશર માપવું, પલ્સ રીડ કરવી, દવાઓ આપવી, ખવડાવવું, ઈજા હોય તો ડ્રેસિંગ બદલવું, વગેરે. ટેસ્ટ અને ઇન્ટરવ્યુ પછી હોસ્પિટલમાં જોબ મળે છે.

- ક્યાંથી ક્યાં પહોંચ્યો તું, અશ્વિન!

- મરતા ક્યા ન કરતા! મારી પહેલી જૉબ કન્વલ્સેન્ટ હોમમાં હતી.

- કન્વલ્સેન્ટ હોમ શું હોય છે?

- પેમેન્ટ લઈને વૃદ્ધ લોકોને ત્યાં રાખવામાં આવે છે. તેમને રહેવાની વ્યવસ્થા સાથે ભોજન, દવા અને નર્સિંગ સર્વિસ આપવામાં આવે છે આકસ્મિક ઈજાઓ અથવા પોસ્ટ-ઓપરેટિવ રિકવરી કેયર માટે પણ તેઓ રહી શકે છે. એક રીતે હોસ્પિટલમાં અપાતી કેયરનું જ ઍક્સટેંશન છે.

- તારી પસંદગીથી તદ્દન વિરુદ્ધ જૉબમાં તું જોડાઈ ગયો, ઐશ!

- હું બપોરના ત્રણ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યાની શિફ્ટમાં કામ કરતો હતો. બાર થી પંદર પેશન્ટને જોવાના રહેતા, અડધા કલાકનો બ્રેક મળતો, તેમાં ખાવું, પીવું અને આરામ કરવો; બધું. આરામ કરવાનો સમય જ ન રહેતો. કેટલીકવાર પાંચથી છ પેશન્ટ્સ એવા હોય જેમને ખવડાવવું પણ પડતું હતું. કોઈ વાત કરવાવાળું તો ક્યાંથી હોય? પોતાની જાત સાથે જ વાત કરતો. જો સમય મળે તો ક્યારેક ડાયરી લખતો. કવિતા જેવું કંઈક, ક્યારેક અંગ્રેજીમાં, ક્યારેક હિન્દીમાં, તો ક્યારેક ગુજરાતીમાં.

- અશ્વિન, હું વિચારી પણ શકતી નથી કે તને જીવન નિર્વાહ માટે કઈ રાહ મળી! ડાયરી સાથે દોસ્તી કરી તે સારું કર્યું. લેખનથી માનસિક શાંતિ મળે છે, આપણે પોતાની નજીક જઈએ છીએ. હું તારી કવિતાઓ સાંભળવા

માંગુ છું.

- ગઈકાલે જ એક ડાયરી મળી છે. ક્યારેક ફુરસદમાં સંભળાવીશ. હું તારા જેવું તો નથી લખી શકતો, પણ તું સુધારીને વાંચી લેજે .

- જરૂર, તેં આ કામ કેટલો સમય કર્યું? 

- બે વર્ષ સુધી કર્યું, પરંતુ આ થકવી નાંખે તેવું કામ હતું. સવારે સાડા સાત વાગ્યે સ્મૃતિ કામ પર જાય પછી હું દીકરી હીરવાને સ્કૂલે મૂકવા જતો. બપોરે બે વાગ્યે તેને સ્કૂલેથી લઈને રેસ્ટોરન્ટમાં મૂકવા જતો. તે ત્યાં રમતી રહેતી અને સાંજે પાંચ વાગ્યે સ્મૃતિ સાથે ઘરે પરત ફરતી. મારી જોબ ત્રણ વાગ્યાની હતી, હું રાત્રે અગિયાર વાગ્યે ડ્યૂટી પૂરી કરીને ઘરે આવતો. હું પરિવારને સમય જ આપી શકતો નહીં. એટલું જ નહીં, ધીમે ધીમે પરિવારથી દૂર જવા લાગ્યો. પત્ની સાથે મારી દીકરીએ પણ ઘણું સહન કરવું પડ્યું. 

- હું તારી પીડા અનુભવી શકું છું.

- આ અરસામાં એક દિવસ અમારી કાર ચોરાઈ ગઈ. પોલીસમાં રિપોર્ટ લખાવ્યો. અહીં વાહન વિના ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે. બસ બદલીને આવવામાં રાતના બાર વાગી જતા. સારું હતું કે તે સમયે મારો મિત્ર સંજીવ અમારા અપાર્ટમેન્ટની નજીક રહેતો હતો. રાત્રે અગિયાર વાગ્યે તે મને લેવા આવી જતો.

- પછી કાર મળી?

- પંદર દિવસ પછી, સહીસલામત મળી, પરંતુ ત્યાં સુધીમાં 3000 માઇલ ચાલી ચૂકી હતી! અહીં લોકો જોય રાઇડિંગ માટે કારની ચોરી કરે છે. થોડા દિવસો ફેરવે છે અને પછી તેને રસ્તા પર ક્યાંક મૂકી જતા રહે છે.

-  ઓહ! એ જાણીને સારું લાગ્યું કે સંજીવ જેવા દોસ્ત છે તારી પાસે,.

- મલ્લિકા, આજે પણ અમારી દોસ્તી અકબંધ છે. મેં બે વર્ષ કન્વલ્સેન્ટ હોમમાં કામ કર્યું, પછી એજન્સી થ્રુ જ એક હોસ્પિટલમાં, એક ડ્રગ એડિક્ટ માણસની સંભાળ રાખવાનું કામ મળ્યું.

- જ્યારે આપણે ભાષા વિશે વાત કરતા હતા ત્યારે કદાચ તેં આ પેશન્ટ વિશે વાત કરી હતી. 

- હા, એ જ.

- શું તને અહીં પહેલી જૉબ કરતાં સારું લાગ્યું ?

- શું કહું ? તેને રિસ્ટ્રેન કરવા માટે બાંધી રાખવો પડતો હતો. તે મને છોડી મૂકવા માટે વિનંતી કરતો રહેતો. કહેતો, 'આય હેવ અ લૉટ ઓફ મની, આય વિલ પે યુ અ લૉટ, લેટ મી ગો.' મારી ડ્યુટી સાંજના સાતથી સવારના સાત વાગ્યા સુધી રહેતી. એક રાત્રે લગભગ અગિયાર વાગે વોર્ડની ઇન્ચાર્જ નર્સ આવી અને કહેવા લાગી, ‘તમે અહીં હાજર હોવ ત્યારે તેને બાંધી ન રાખો.’ તેણીએ પેશન્ટના બંધન ખોલી નાખ્યા. દીધા. બંધન ખોલતાંની સાથે જ તે મારી ઉપર ધસી આવ્યો. હું ખસી ગયો, તો સામેની દીવાલ સાથે અફળાયો. તેણે મને ફરીથી પલટવાર કર્યો તો પોતાના બેડ સાથે અથડાયો, અને તેને માથામાં મોટી ઈજા થઈ. ટવેલ્વ સ્ટિચીઝ આવ્યા. ગભરાઈને મેં તે જૉબ છોડી દીધી.

- ઓહ માય ગૉડ! પછી?

- પછી મેં એજન્સીને જાણ કરી. તેમણે મને રેસિડેન્સિયલ કેયર હેઠળ એક જર્મન વૃદ્ધ પેશન્ટની સંભાળ લેવાનું કામ આપ્યું. તે પાર્કિન્સનનો દર્દી હતો. આ પ્રકારનું મારું આ પહેલું કામ હતું, જ્યાં મારે પેશન્ટના ઘરે રહીને તેની સંભાળ રાખવાની હતી. મારી નાઈટ ડ્યુટી રહેતી.

- શું લખું અશ્વિન ?

- વાંચતી રહે. હું તારી ભીની પાંપણો જોઈ શકું છું, પરંતુ આ સત્ય છે, મલ્લિકા. એક વાર તો અડધી રાતે ઊઠીને તેઓ જોર-જોરથી ચીસો પાડવા લાગ્યા. મને એટલો ડર લાગ્યો કે મેં ગુજરાતીમાં જ બોલવાનું શરૂ કર્યું. ખૂબ જ મુશ્કેલીથી તેમને સુવાડ્યા. સવારે જાગ્યા ત્યારે મને પૂછવા લાગ્યા, 'વ્હોટ લેન્ગવેજ વેર યુ ટોકિંગ અબાઉટ યસ્ટરડે?' એટલે કે, તેમને એટલું તો યાદ હતું કે હું કોઈ અલગ લેંગ્વેજમાં બોલી રહ્યો હતો. તેમની પત્નીએ કહ્યું કે તેમને અવારનવાર આવા હુમલા આવે છે. જાણીને થોડી રાહત થઈ. 

- ત્યાં કેટલો સમય કામ કર્યું?

- મેં 1992 થી 1997 સુધી છ વર્ષ ત્યાં કામ કર્યું. 1997 માં તેમનું મૃત્યુ થયું.

- ઓહ! પછી તેં શું કર્યું?

- ત્યારબાદ થોડા-થોડા સમય માટે બે-ત્રણ ફેમીલીમાં કામ કર્યું. 1999 માં, મને ફરીથી એક સજ્જનની સંભાળ લેવાનું કામ મળ્યું. ધનિક પરિવાર હતો. થોડા સમય પછી તેમનું પણ મૃત્યુ થયું. મારા કામથી સંતુષ્ટ, તેમના દીકરાએ મને તેની માતાની દેખરેખ રાખવા નું કામ સોંપ્યું. તેઓ અલ્ઝાઇમરના પેશન્ટ હતા. એઇટી પ્લસની ઉંમરે પણ તેઓ ખૂબ જ સુંદર દેખાતા હતાં. દિવસ દરમિયાન તેમને બધું યાદ રહેતું. રાત પડતાંની સાથે જ તેઓ બધું ભૂલી જતા. આલ્કોહોલિક પણ હતા. 

- આ વૃદ્ધ મહિલાની સંભાળ રાખવામાં કોઈ મુશ્કેલી આવી?

- મુશ્કેલી તો મારી સાથે જ ચાલી રહી હતી મલ્લિકા! જેવો હું તેમને પહેલા માળે તેમના રૂમમાં સુવડાવીને ગ્રાઉન્ડફ્લોર પર મારા રૂમ પર જવા માટે સીડી ઊતરતો કે તરત જ તેઓ મારી પાછળ પાછળ સીડી ઊતરવા લાગતા અને કહેતાં, ‘આઇ લવ યુ.’ 

- શું વાત કરે છે?

- સાચું કહું છું. તેમની મેમરી બરાબર નહોતી ને!

- એક વાત તો કહેવી પડે ઐશ, કોઈ પણ સંજોગોમાં માણસ તેના પ્રત્યેના પ્રેમાળ વ્યવહારને ભૂલતો નથી. તેમને એટલું તો સમજાયું જ હશે કે તું તેમની સંભાળ લઈ રહ્યો છે. રાત્રે તેમનો રૂમ બંધ કરી શકાય તેમ નહોતું ?

- ના. આવા પેશન્ટનો રૂમ બંધ કરી શકાય નહિ. જો તેઓ કોઈ આડુંઅવળું પગલું ભરી લે તો? અહીં તો દરેક ક્ષણે નોકરી બચાવવાનો ભય રહે છે.

- સાચી વાત. તેમનો દીકરો શું કરતો હતો ?

- તેમના દીકરાએ આખી જિંદગી કોઈ કામ કર્યું ન હતું. અનમૈરીડ હતો, આશરે સાઠ વર્ષની ઉંમર હશે. તે આલ્કોહોલિક હતો અને ડ્રગ એડિક્ટ પણ. તેની એક ગર્લ ફ્રેન્ડ હતી, પણ લગ્ન કર્યાં નહોતાં. રાતે તે પોતાના રૂમમાં બેસીને એડલ્ટ મૂવીઝ જોતો. ક્યારેક તે દારૂના નશામાં ધૂત, મારા પહોંચવાના ટાઈમે હાથમાં ચાકુ લઇને ગેટ પર ઊભો રહેતો.

- હાથમાં ચાકુ લઈને ?

- તેની પાસે ગન પણ હતી. અહીં સેલ્ફ-ડિફેન્સ માટે કોઈપણ એડલ્ટને ગન રાખવા માટેનું લાઇસન્સ મળી શકે છે. તે મને અંદર જતા રોકતો અને કહેતો, 'ધિસ ઇસ માય હાઉસ. આઈ વિલ નોટ અલાઉ યૂ ટુ એન્ટર. '

- તું શું કરતો ?

- હું હિંમત કરીને તેની પાસે જતો, એને સમજાવતો, ' આઈ હેવ કમ હિયર ટુ ટેક કેયર ઓફ યોર એઈલિંગ મધર.' ત્યારે માંડ તે મને જવા દેતો. એક દિવસ જ્યારે મેં તેને કહ્યું કે એની માતા રાતે ઊંઘમાંથી ઉઠીને ચાલવા લાગે છે, ત્યારે તેણે મને તેની માતાના બેડરૂમમાં સૂવાની સલાહ આપી જેથી મારે વારે-વારે સીડીનો ઉપયોગ ન કરવો પડે.

- પછી?

- તેમનો બેડરૂમ આલીશાન હતો. એક બેડ તેમના પતિનો હતો જે હવે ખાલી પડ્યો હતો.

- ------------------

- આંસુ લૂછી નાંખ મલ્લિકા. આગળની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, એટલે કે હમણાં લખતી વખતે રસપ્રદ લાગે છે. ત્યારે તો હું ખૂબ જ ગભરાઈ ગયો હતો. 

- શું થયું હતું?

- રાત્રે જ્યારે મેં મૈમના બેડરૂમની ડીમ લાઈટ ઓન કરી અને એમના પતિના બેડ પર સૂઈ ગયો, ત્યારે શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. ત્યાં એક અજબ સન્નાટો હતો.

- તને ડર લાગતો હતો ને?

- સાચું કહું તો નાનપણથી જ હું ભૂત-પ્રેતનાં નામથી ખૂબ ડરતો હતો. મારા ડરને દૂર કરવા માટે મેં છત તરફ જોવા માંડ્યું. ઈશ્વરનું નામ લેતા આંખ મળી ગઈ. ઊંઘમાં મેં પડખું ફેરવ્યું કે અચાનક હું બેડ પરથી નીચે પડી ગયો.

- બાપ રે! પછી?

- પછી શું? મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મને એવું લાગ્યું કે તેણીના પતિના ભૂતે મને જમીન પર પાડી દીધો! કદાચ એવું પણ બન્યું હોય કે પડખું ફરતાં હું સાવ કિનારે આવી ગયો અને પથારીની સ્પ્રિંગ દબાવાને કારણે પડી ગયો.

- જે હોય તે ઐશ, મને સાંભળીને પણ ડર લાગી રહ્યો છે. તું આ જૉબ બદલી શક્યો હોત.

- એટલું સહેલું નહોતું, ડિયર. અહીં કોઈ પણ ફીલ્ડમાં નોકરી મેળવવા માટે વિશેષ લાયકાત હોવી જરૂરી છે. એ માટે મારે મારું કામ છોડીને બીજો કોઈ કોર્સ કરવો પડ્યો હોત, જે હું કોઈ પણ સંજોગોમાં અફોર્ડ કરી શકું એમ ન હતો.

- હવે શું કહું! પછી શું થયું?

- મેં તેમના દીકરાને વાત કરી. તેમની માતાને કન્વલ્સેન્ટ હોમમાં ટ્રાન્સફર કરવામાં આવી. દરિયા કિનારે મોટું આલીશાન હોમ હતું. ત્યાં બધી સુવિધાઓ અવેલેબલ હતી, તેમ છતાં તેમના દીકરાએ મને કંટીન્યૂ કર્યો.

- તેણે તારી સર્વિસ પર વિશ્વાસ મૂક્યો. પછી?

- તે સમયે, મારાં માતાપિતા પણ અમદાવાદથી આવ્યાં હતાં. મેં ત્યાં એક વીકમાં બાર કલાકની કુલ નવ શિફ્ટ માં કામ કરવાનું શરૂ કર્યું. મન્ડે ટુ ફ્રાઈડે બાર કલાકની પાંચ નાઇટ શિફ્ટ અને વીક એન્ડમાં સેટરડે-સન્ડેની ચારેય શિફ્ટ એટલે ટવેન્ટી ફોર અવર્સ. મારી ફેમિલી લાઈફ લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. 

- અશ્વિન....!

- જો તું આ રીતે રડીશ તો હું મારી વાર્તા કેવી રીતે લખીશ?

- હું મારા આંસુને રોકી શકતી નથી, તારા ચહેરાનું નૂર હજી પણ મારી આંખોમાં કેદ છે! જ્યારે તું કલાસરૂમમાં પ્રવેશ કરતો ત્યારે એવું લાગતું કે આખા રૂમમાં અજવાળું થઈ ગયું !

- તે સમય જ મારા હાથમાંથી સરકી ગયો.

- તારી તસ્વીરને મેં છાતી સરસી ચાંપી રાખી, અશ્વિન!

- મલ્લિકા, તેં મને ક્યારેય સ્પર્શ કર્યો નથી, પરંતુ આજે તારો પ્રેમ મારા હૃદયને સ્પર્શી રહ્યો છે. મારા હૃદયમાં વર્ષોથી કેટલી બધી વાતો સંગ્રહાયેલી હતી. હું ક્યારેય કોઈની સાથે શેયર કરી શક્યો નહિ.

- તું લખતો જા, ઐશ. એ બહાને તારું મન થોડું હળવું થશે.

- તને લખું છું ત્યારે એવું જ અનુભવાય છે.

- તારી ખુશી એ મારું અંતિમ લક્ષ્ય છે.

- લખતી વખતે, હું ક્યારેક ભૂલી જાઉં છું કે તું પરિણીતા છે. મેં તારા પ્રત્યેનો મારો સ્નેહ વ્યક્ત કર્યો છે અને તારી પર વિશ્વાસ પણ મૂક્યો છે, તેથી હું મારા હૃદયની પ્રત્યેક ફીલિંગ તારી સામે રજૂ કરી શકું છું.

- હવે હું તારી અંતરંગ મિત્ર બની ગઈ છું. તારી સમક્ષ મેં મારી સંવેદનાઓને ઉલેચી ન હોત, તો તું આ બધું કહી શક્યો હોત? મારા પર વિશ્વાસ મૂકી શક્યો હોત? હકીકતમાં, આપણે તે ગુમાવેલો સમય, ખોવાયેલા સંજોગો શોધી રહ્યાં છીએ. જો આમ બન્યું હોત તો? એવું ન થયું હોત તો? તેથી જ આપણે આટલી સચોટ રીતે લખી શકીએ છીએ.

- હું તારો આભારી છું, મલ્લિકા. આ દુનિયામાં કોઈ તો એવું છે કે જેની સાથે હું મારી પીડા શેયર કરી શકું છું.

-  એવું ન કહે, ઐશ. મારી શોધ સાર્થક થઈ. હવે તું સૂઈ જા. તારે ત્યાં ઘણી રાત વીતી.

-  ઓકે, આ બે પંક્તિઓની સાથે વાત પૂરી કરું છું. બાકી વાતો મન્ડે થશે.

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,

આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે...

 

- ચિનુ મોદીની પંક્તિઓ, અનુભવી શકું છું દોસ્ત. ગુડ નાઇટ.