Tari Sangathe - 18 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 18

Featured Books
Categories
Share

તારી સંગાથે - ભાગ 18

ભાગ 18

 

13 ઓગસ્ટ 2018, સોમવાર સવારના 9.40

 ----------------------------------------------------

- ઘૂંટી ડૂબ્યા સુધીની જ ગહરાઈ છે,

જિંદગી તો ય કેવી દરિયાઈ છે!

- સવાર થઈ ગઈ તમારી?

- જી સર. ચા પીતા-પીતાં ડાયરી વાંચું છું, તેમાં ઉપર લખેલી બે ગુજરાતી પંક્તિઓ મળી.

- કાલે રાત્રે ઊંઘ સારી આવી લાગે છે.

- ઊંઘ ક્યાં છે, માય ડિયર અશ્વિન?

- જાતે હાલરડું ગાઈએ તો ક્યારેય ઊંઘ ન આવે. પાર્થોની મદદ લે. તે હરઘડી હાજર રહે છે, તારી સેવામાં.

- ખરેખર રહે છે જી, પણ ઊંઘ વેરી થઈ ગઈ છે.

- મને તો ક્યારેક કલ્પનાની પરીની મદદ મળે છે. હરઘડી તો ન આવી શકે, તે પણ પોતાનો સંસાર લઈને બેઠી છે. સવારે અને સાંજે એકવાર આવી જાય તો યે ઘણું છે. આમ પણ ડોક્ટરે કહ્યું છે કે તમારી દવાઓ સમયસર લેવાનું ચાલુ રાખો.

- અચ્છા જી, ચાલો કોઈને માટે દવા જ બની જાઉં.

- તકલીફ એ છે કે દૂરથી દવાની અસર ઓછી થાય છે.

- જો સંભવ હોત તો, ચોક્કસ તારી પાસે આવત. હવે તું મને એ કહે કે ‘સાધારણ બાંધો’ એ ગુજરાતી શબ્દનો હિન્દીમાં શું અર્થ થાય?

- શું...? આ તે કેવો પ્રશ્ન છે?

- જ્યારે મેં ગુગલ ટ્રાન્સલેશનમાં શોધ્યું, ત્યારે ‘સાધારણ બાંધો’ નો અંગ્રેજી અર્થ ‘નોર્મલ બાઈન્ડીંગ’ બતાવે છે.

- યાર, આટલે દૂરથી વાત કરી રહ્યો છું. ખબર નથી પડતી કે તું શું પૂછી રહી છો?

- ચા-નાસ્તો કરી લીધો, હવે થોડી વાર માટે કમ્પ્યુટર પર બેઠી છું. તને તો ખબર છે કે હું મારી લેખક મિત્ર સ્મિતા ધ્રુવના ગુજરાતી પુસ્તક 'ભારતની આઝાદીના અનામી શહીદો' નું હિન્દીમાં ભાષાંતર કરી રહી છું. તેમાં, એક ક્રાંતિવીર 'શિવરામ હરિ રાજગુરુ' પરના લેખનો અનુવાદ પૂરો થઈ શકયો નથી, તારે કારણે.

- મેં શું કર્યું ?

- ભૂલી ગયો? પરમ દિવસે થપ્પડની રાહ જોતાં જોતાં ગુડ નાઇટ કહ્યું હતું.

- મોકલી હતો કે નહિ ? મને તો નથી મળી. 

- હવે મને એવી ઇચ્છા થઈ રહી છે કે તારું માથું ફોડું.

- આટલી આક્રમક ન બન, મને તારી બીક લાગે છે.

- ---------------------- 

- છોડો કલ કી બાતેં, આજનો તારો સવાલ શું હતો?

- ક્રાંતિવીર 'શિવરામ હરિ રાજગુરુ' ના વ્યક્તિત્વ વિશે લખ્યું છે કે 'લાંબો ચહેરો અને સાધારણ બાંધો.'

- ઓહ, તું પણ કમાલ છે યાર! હે ઈશ્વર, મને માફ કરો. તેં 'સાધારણ બાંધો' નો જ અર્થ પૂછ્યો હતો.

- વાહ! તારી યાદશક્તિ તો ખૂબ તેજ છે, હીરો.

- હવે થઈ રહી છે. આ શબ્દનો અર્થ કદાચ એ થાય કે જેનું શરીર પાતળું હોય, મતલબ કે હૃષ્ટપુષ્ટ ન હોય.

- શું તેને માટે કોઈ એક શબ્દ નથી?

- છે ને, આપણા ગાંધીજી જેવા.

- ધત્ત! એવું થોડું લખાય? તું દરેક વાતને મજાકમાં કેમ લે છે?

- સમજી લે આપણા ગુજરાતી એટલે ફાફડા જેવા. દાળ-ભાત અને રોટલી-ખાખરા ખાવાથી બોડી થોડું બને? તેને માટે માંસ-મચ્છી ખાવા પડે.

- તો પછી 'બંગાળી' જેવા કહેવા માંગે છે?

- ના ના, બંગાળી પણ સાધારણ બાંધાનો જ હોય છે. 

- તું તો ગુજરાતી હોવા છતાં પણ એવો ન હતો. પંજાબી યુવાન લાગતો હતો. છ ફૂટની તારી હાઈટ, બૉડી બિલ્ડર જેવું શરીર અને રંગ પણ ગોરો.

- હાઈટ મારી પાંચ ફૂટ અગિયાર ઈંચ હતી. શૂઝ સાથે છ ફૂટ થઈ જતી હશે. હવે થોડી ઓછી થઈ છે.

- ગજબની સેન્સ ઓફ હ્યુમર છે તારી પાસે! હવે શૂઝ નથી પહેરતો કે શું? આપણો વિષય ફરીથી બદલાઈ ગયો. જવા દે, હું શોધી લઈશ ‘સાધારણ બાંધો’ નો અર્થ. હવે મને એ કહે કે તમારે ત્યાં ભારતની ચેનલ્સ આવે છે જેવી કે ‘ઝી ટીવી’ અથવા ‘સ્ટાર પ્લસ’?

- મારા ટૈબ્લેટમાં આવે છે. કેટલાંક કનેક્શન જોડવાં પડે છે.

- ઐશ, હવે કેટલાક સારા પ્રોગ્રામ્સ પણ આવે છે જેમ કે 'ઇન્ડિયન આઇડલ'. ગીતોનો તારો મનગમતો પ્રોગ્રામ, તું જોઈ શકે છે.

- મારું ટૈબ્લેટ થોડું બગડ્યું છે. બધું ઊંધું દેખાય છે.

- એટલે ?

- એટલે કે જો અરીસાની સામે રાખીને જોઉં તો બધું સીધું દેખાય.

- શું તું સીધી રીતે વાત નથી કરી શકતો, અશ્વિન?

- હું સીધી રીતે જ વાત કરું છું, ડિયર. આ ટૈબ્લેટ 'મેડ ઇન ચાઇના' છે, તેની કોઈ ગેરંટી હોતી નથી.

- 'મેડ ઇન ચાઇના' કહ્યું, તો મને પણ એક વાત યાદ આવી ગઈ.

- કહે.

- તું તો જાણે છે, અહીં વર્ષાઋતુમાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. અહીં 'મેડ ઇન ચાઇના' નું ઇલેક્ટ્રોનિક રેકેટ મળે છે જેનાથી ઊડતા મચ્છરોને મારી શકાય છે.

- તો?

- પાર્થો આનંદનગર રોડની એક દુકાનમાંથી 150 રૂપિયામાં એક રેકેટ લઈ આવ્યા, ખુશી-ખુશી પહેલા એક ઊડતા મચ્છરને માર્યું અને સાથે જ રેકેટ પણ મરી ગયું! તેઓ તો ઉપડ્યા તેને બદલવા. દુકાનદારે સ્પષ્ટ જવાબ આપ્યો, ‘સાહેબ, આ તો મેડ ઇન ચાઇના છે, આની કોઈ ગેરંટી નથી.’

- એટલે એક મચ્છરને મારવાની કિંમત 150 રૂપિયા?

- હા, ભારતના માર્કેટ આવી વસ્તુઓથી ભરેલા છે.

- આવતીકાલે હું લૈપટોપ અને ટૈબ્લેટ લઈને સાથે મારા ભાણેજ પાસે જવાનો છું.

- લૈપટોપમાં શું થયું?

- તેમાં દરરોજ કંઈ ને કંઈ ઇન્સ્ટ્રક્શન્સ આવ્યા કરે છે. સમજાતું નથી કે શું કરું? હું તો હજી એક વર્ષ પહેલા જ કમ્પ્યુટર શીખ્યો છું. ફેસબુક પર પણ થોડા સમયથી જ આવ્યો છું.

- સારું થયું કે તું ફેસબુક પર આવ્યો, નહીં તો હું તને કેવી રીતે શોધી શકી હોત?

- સાચે જ, તેં મને શોધ્યો એ કોઈ મિરેકલથી ઓછું નથી, છોકરી!

- શું તને ખબર છે, કૉલેજ જવા માટે મારે સવારે પાંચ વાગ્યાની ટ્રેન પકડવી પડતી?

- તો કેટલા વાગે ઉઠતી હતી?

- પોણા ચાર વાગ્યે, ત્યારે ઊંઘ જ પૂરી નહોતી થતી. કેટલીક વાર તો વખત હું મારા પપ્પાને ખોટું કહેતી કે આજે કૉલેજમાં કોઈ ખાસ ક્લાસ નથી અને કૉલેજ નહોતી જતી, પણ પછી ખૂબ અફસોસ થતો કે હું તે વ્યક્તિને જોઈ શકીશ નહિ .

- કઈ વ્યક્તિને?

- તને, બીજા કોને વળી?

- તારા મોંમાંથી એમ&એમ કેન્ડી જેવી મીઠી વાતો સાંભળવી બહુ ગમે છે.

- મને સોળ વર્ષની કિશોરી સમજીને તેં આપેલું આ નામ ખૂબ જ મીઠું છે. 

- હવે તું કિશોરી નથી રહી. મારી સાથે વાત કરીને થોડી મોટી થઈ ગઈ છે. તારી વિચારસરણી, વાત કરવાની રીત, બધું બદલાવા લાગ્યું છે પણ હું તો ઇચ્છું છું કે તું એવી જ રહે, જેવી કૉલેજમાં હતી.

- સમયને ક્યાં છેતરી શકાય છે, અશ્વિન?

- મારા જીવનમાં તારી હાજરી મને જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. વાસ્તવિક જીવનમાં, હું એવા પાત્રની ભૂમિકા નિભાવુ છું જે હું નથી, પણ તારી નવલકથામાં, હું મારા ખરા સ્વરૂપમાં રજૂ થઈશ.

- ચોક્કસ. હવે સૂઈ જા, તું તારી જૉબ પર છે અને ઘણીવાર પેશન્ટ અંકલ માટે તારે રાત્રે પણ ઊઠવું પડે છે.

- સાચી વાત, હમણાં તેઓ સૂઈ ગયા છે. સવારે વાત કરીશું ડિયર, તારો દિવસ શુભ હો.

- ગુડ નાઇટ, માય ચૉકલેટ ક્રીમ સોલ્જર!

 

 

 

13 ઓગસ્ટ 2018, સોમવાર રાતના 8.35 

----------------------------------------------------

 

- સુનહરી સુબહ મુબારક હો, ઐશ. કામ પરથી ઘરે પહોંચી ગયો હોઈશ. એક સખીએ ગુજરાતી પોસ્ટ મોકલી છે. 

જે મળે તેને ચાહવું તે સમજૂતી છે, 

જેને ચાહો તેને મેળવવું તે સફળતા છે. 

પણ જયારે ખબર હોય કે 

એ નથી મળવાનું 

છતાં તેને ચાહો, તે સાચો પ્રેમ છે. 

 

- એ જ તો કરી રહ્યો છું, સાચો પ્રેમ!

- હદ છે યાર! સાચા પ્રેમની ક્રેડિટ તને કેવી રીતે મળી શકે? એ તો મને લાગુ પડે છે, પિતાશ્રી. 

- સમજી ગયો મારી માતાશ્રી! હવે આપણે એકબીજાને માતા-પિતા કહેવા લાગ્યાં છીએ, તો આપણા પુસ્તકનું નામ 'મા-બાપનો પ્રેમ, જેઓ ક્યારેય બન્યા જ નહિ' એવું રાખીએ તો? હા...હા...હા... 

- વાહ! એક જ વિષય પર, એક જ સમયે આપણને એક સરખા વિચારો આવે છે! જો કે પુસ્તકના નામ માટેનો મારો વિચાર થોડો જુદો છે. મારી એક યુવા કવયિત્રી મિત્ર છે વિનીતા એ. કુમાર. તેણીએ મને હિન્દી સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ લેખક સૂરજ પ્રકાશજી ની હિન્દી ચેટ નવલકથા 'નૉટ ઇક્વલ ટૂ લવ' વિશે કહ્યું. માર્ગદર્શન માટે હું આ ચેટ નવલકથાને વાંચી શકું છું.

- વિનીતાએ સાચું કહ્યું. સોશિયલ મીડિયાના યુગમાં, લોકો ઓનલાઇન જ કનેક્ટેડ રહે છે અને તે જ કમ્યુનિકેશનનું પ્રચલિત માધ્યમ છે.

- જો આપણી આ ચેટ નવલકથા બની જાય, તો હું આ પુસ્તકનું નામ 'લવ એટ સિકસ્ટીન' જેવું કંઈક રાખીશ. તારો નહિ હોં, મારો. હા...હા...હા...

- ઓહ, માય ડિયર! વાર્તાની લેખક તું હોય, તો મુખ્ય નાયિકા પણ તું જ રહેશે. બસ એક રિક્વેસ્ટ છે, મને વિલન ન બનાવતી. જો બનાવીશ તો હું તને જોઈ લઈશ અને મારી વાર્તા હું જાતે લખીશ, યાદ રાખજે.

- કેવી મજાની વાત! બળવાની વાસ આવે છે. વાર્તાનો નાયક તું છે અશ્વિન. હકીકતમાં મેં પુસ્તકનું નામ આ વિચાર્યું છે -

 તારી સંગાથે

...ટહુક્યું મૌન ને ખીલ્યું પ્રભાત 

- તું એક ગજબની સ્ત્રી છે અને નામ પણ ગજબ રાખી લીધું ! બાય ધ વે, મને ગમ્યું. હવે 'નૉટ ઈક્વલ ટૂ લવ' વિશે કહે.

- હિન્દીની પહેલી ચેટ નવલકથા છે, જેમાં બે પાત્રો આપણી જેમ જ ફેસબુક મેસેન્જર પર વાત કરે છે. હું સોશિયલ મીડિયા પર હમણાંથી જ વધુ એક્ટિવ થઈ છું, ઓફિસમાં અધિકારી પદ પર અતિ વ્યસ્તતાને કારણે ઘણાં વર્ષો સુધી સાહિત્યથી દૂર રહી. હાલમાં જે લખવામાં આવી રહ્યું છે તેનાથી પણ મોટા ભાગે હું અજાણ છું. હું 'અમેઝોન' પરથી આ પુસ્તક મંગાવીશ. આવશે ત્યારે કહીશ.

- ઓકે.

- હવે વિરામ લેવો પડશે. ઘરનાં કેટલાંક કામ બાકી છે.

- તારી પ્રાયોરિટી મારી પ્રાયોરિટી કારણ કે હું તારા પુસ્તકમાં કેદ છું, ડાર્લિંગ. તારી સાથે મારે સારું વર્તન રાખવું પડશે, નહિ તો મારું પાત્ર વિલન બનતાં વાર નહિ લાગે, સ્વીટી પાઈ!

- ઉફ્ફ! તારા હૃદયમાં ચંદનવન ઊગ્યું છે કે શું? આટલા બધા અમેરિકન તખલ્લુસ! યાદ પણ નથી રાખી શકતી. 

- શું કરું ડિયર, તને ગુમાવવાના અફસોસને ભરપાઈ કરવાની કોશિશ કરું છું.

- ફરી એકવાર મારે સ્મૃતિને યાદ કરવી પડશે, એ જ મને તારા ઈમોશનલ સકંજામાંથી છોડાવી શકશે.

- તે પણ મારા ઇમોશનલ સકંજામાં છે, સમજી? વક્તને કિયા ક્યા હંસી સિતમ...

- હું ફરી એકવાર સ્મૃતિને સલામ કરું છું, મારા તરફથી તેને ખૂબ ખૂબ વહાલ. 

- આપી દઈશ. 

- યાદ આવ્યું.

- શું?

- 15 ઓગસ્ટ, 2018 ના રોજ આપણી મુલાકાત અને સંવાદને પિસ્તાળીસ દિવસ પૂરા થશે. 2 જુલાઈ, 2018 ના રોજ મેં તને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આપણે આ પુસ્તકના સંદર્ભમાં શક્ય તેટલું વહેલું થોભવું પડશે.

- ઓહ માય ગૉડ! એટલે કે હવે હું ફક્ત વાર્તાનું પાત્ર બનીને રહી જઈશ? બરાબર જોજે, મને યાદ છે કે વચ્ચે થોડા દિવસો છૂટી ગયા છે. વળી જેમ જેમ આપણી વાતચીત આગળ વધતી ગઈ તેમ તેમ મારી વાર્તા સાથે તારી વાર્તા પણ જોડાતી ગઈ. હવે પિસ્તાળીસ દિવસમાં પિસ્તાળીસ વર્ષની વાર્તા કેવી રીતે પૂરી થશે?

- જાણું છું અશ્વિન, હજી ઘણી વાતો કરવાની બાકી છે. થોડું ઍક્સટેંશન લઈ લઈશું, પરંતુ હવે આપણે જીવનના અંતિમ છેવાડે ઊભાં છીએ, યાદ છે ને?

- મને યાદ ન કરાવ છોકરી, હું અતીતની એ સુવર્ણ ક્ષણોને ફરીથી જીવંત કરવા માંગું છું અને દિલથી જીવી લેવા માંગુ છું.

- મારી શુભેચ્છાઓ હંમેશાં તારી સાથે છે. ગુડ ડે.

- બિસ્કીટ... મજાક કરું છું. આવજો ત્યારે.

 

 

 

14 ઓગસ્ટ 2018, મંગળવાર સાંજના 7.30

------------------------------------------------------

 

- ગુડ મૉર્નિંગ, ડિયર અશ્વિન. હમણાં જ 'અર્થ' ફિલ્મની આ ગઝલ સાંભળી, 'હૈ યે જન્મ કા રિશ્તા તો બદલતા ક્યોં હૈ?'

- તારી ગુડ ઇવનિંગ. જીવનમાં એવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ નથી હોતા. ફિલ્મ 'આનંદ' નો ડાયલોગ છે ને, ‘બાબુમોશાય, જિંદગી ઔર મૌત તો ઉપરવાલે કે હાથ મેં હૈ જહાંપનાહ, જિસે ન આપ બદલ સકતે હૈં ન મૈં. હમ સબ તો રંગમંચ કી કઠપુતલિયાં હૈં, જિનકી ડોર ઉસ ઉપરવાલે કી ઉંગલિયોં મેં બંધી હૈ. કબ, કૌન, કૈસે ઉઠેગા યે કોઈ નહિ જાનતા...’ હું પણ જવાબ શોધી રહ્યો છું, જો તને મળે તો કહેજે.

- કોઈ જવાબ નથી મળતો, ઐશ. આજે ફરીથી રસોઈ દાઝી જતાં બચી. 

- મને લાગે છે કે તને બળેલી વાનગીઓ વધારે ભાવે છે. 

- સર, તમે મળ્યા ત્યારથી મારી રસોઈ દાઝવા લાગી, સમજ્યા? 

- હા...હા...તે પણ એકતાળીસ વર્ષ પછી! કૉલેજનાં ચાર વર્ષ જવા દીધાં. ચાલો, રસોઈ બાળીને પણ મને યાદ તો કરે છે. પરંતુ શું આ સાચું છે? એવું તો નથીને કે ટીવી જોવામાં ધ્યાન આપવાથી રસોઈ બળી જાય છે? ટીવી જોતી વખતે સ્મૃતિએ પણ ઘણી વાર રસોઈ બાળી છે. બળવાની વાસ આવે ત્યારે મારે કહેવું પડે છે.

- ખરેખર? અમારા ઘરમાં તો પાર્થો કિચનમાં ઊભા હોય અને કંઈક બળી રહ્યું હોય તો પણ જોયા કરે. જ્યારે હું પૂછું કે, ‘અહીં ઊભા હતા તો ધ્યાન કેમ ન આપ્યું? બધું બળીને ખાખ થઈ ગયું.’ તેમનો જવાબ હોય છે, ‘તેં મને ધ્યાન રાખવાનું થોડું કહ્યું હતું?’

- હવે પાર્થોને રસોઈ બનાવતાં શીખવી દે. બળી ગયેલી વાનગી કોને ભાવે?

- આહા... તેમની સ્વાદની સમજ તો ઝીરો છે! બળેલું, ઝળેલું જેવું આપો તેવું ખાઈ લે.

- વાહ, આ તો તારા માટે રાહતની વાત છે. અહીં તો મારી રાંધેલી વાનગી હું જ ખાઉં છું, કોઈને ભાવતું નથી.

- કેવી બનાવતો હશે તું? જો કે હું તારી બનાવેલી કોઈ પણ વાનગી ખાઈ લેત, હોં. 

- યે હુઈ ન બાત! આમ તો હું ય તારી બનાવેલી બળેલી વાનગી ખાઈ લેત. 

- પછી મોઢુંય મચકોડ્યું હોત, નહીં?

- ના રે... સિત્તેર એમ.એમ.ની સ્માઇલ આપી હોત! 

- એમ? પાર્થોને થોડું ઘણું રાંધતાં આવડે છે. તેનો શ્રેય મારી ઓફિસને જાય છે.

- કેવી રીતે?

- ઓફિસે ફિલ્ડ ઓડિટમાં મારું પોસ્ટિંગ એ આધારે કર્યું હતું કે મારો પુત્ર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, એટલે હવે મારે કોઈ પારિવારિક જવાબદારી રહી નથી.

- આ આધાર જ પાયાવિહોણો છે.

- તે પુરુષ અધિકારીઓને એટલી સમજણ નહોતી કે સ્ત્રીઓની પારિવારિક જવાબદારીઓ ક્યારેય સમાપ્ત થતી નથી. 

- હું પણ એ જ કહેવા માંગુ છું.

- જો કે મેં ક્યારેય મારી ઓફિસમાં મહિલા હોવાની મજબૂરી વ્યક્ત કરી નથી. ઊલટાનું મેં આ ફિલ્ડ પોસ્ટીંગને પણ સકારાત્મક રૂપે લીધું. ફોન પર સૂચનાઓ આપી આપીને પાર્થોને રસોઈ બનાવતાં શીખવાડી દીધું. 

- વાહ! તારા સ્વભાવનું આ સૌથી શ્રેષ્ઠ પાસું છે, મલ્લિકા. દરેક પરિસ્થિતિમાં તું સકારાત્મક બાજુ શોધી લે છે.

- તો જ જીવન જીવી શકાય ને ?

- સાચી વાત, હું ઘરમાં ખીચડી-શાક સિવાય વિશેષ કશું બનાવતો નથી, જો કે મને બધું જ બનાવતા આવડે છે.

- કેવી રીતે?

- મેં અહીં દોઢ વર્ષ સુધી એક રેસ્ટોરન્ટમાં કામ કર્યું હતું.

- રેસ્ટોરન્ટમાં?

- વિઝિટિંગ વિઝા પર આવ્યો હતો, ઓવરસ્ટે થવાને કારણે મામલો ગૂંચવાઈ ગયો. વર્ક પરમિટ ન હોવાથી કોઈ ચોઈસ નહોતી. અમારા જેવા લોકોને ફક્ત ઇન્ડિયન સ્ટોર્સ અથવા ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જ કામ મળતું. સ્મૃતિ જે રેસ્ટોરન્ટમાં કામ કરતી, હું પણ ત્યાં જવા માંડ્યો. થોડું કામ શીખવાનું શરૂ કર્યું.

- ઓહ માય ગૉડ! તું શું શીખ્યો?

- સ્મૃતિ ‘કરી’ વગેરે બનાવતી. હું તંદૂરની ભઠ્ઠી પર કામ કરતો. આમ તો પકોડા, સમોસા વગેરે પણ તળી શકું છું.

- શું વાત કરે છે? હું માની જ નથી શકતી, ઐશ.

- ન જ માને ને. તેં મને એક કલાકાર, એક એક્ટર તરીકે જોયો છે. સ્મૃતિ પાંચ વાગ્યે કામ પરથી ઘરે જતી રહેતી. હું સવારે આઠ વાગ્યાથી રાતના સાડા દસ વાગ્યા સુધી કામ કરતો રહેતો, ક્યારેક અગિયાર વાગ્યા સુધી. ઘડીક બેસવાનો પણ સમય નહોતો મળતો.

- અશ્વિન, તું આ કામ માટે બિલકુલ બન્યો નહોતો.

- આગળની વાત સાંભળીશ, તો શું કહીશ? તેં તંદૂરની ભઠ્ઠી તો જોઈ છે ને? 

- દૂરથી જ જોઈ છે. દિલ્હીમાં, એક ઢાબા પર.

- તંદૂરમાં લાકડા અથવા કોલસાની આગ કલાકો સુધી સળગાવીને રાખવામાં આવે છે. 600 થી 700 ડિગ્રી ફેરનહિટ ટેમ્પરેચર હોય છે. સત્તરથી વીસ સ્ટીકમાં ચિકનને પરોવીને, તંદૂરમાં પકવવાનું કામ હું કરતો. ચાલીસ ચિકન ફક્ત પંદરથી વીસ મિનિટમાં રંધાઈ જતાં હતાં. તે જ ટેમ્પરેચરમાં જ્યારે હું નાનને દિવાલ ઉપર ચોંટાડતો, મારા હાથનાં રૂંવાડાં બળી જતાં.

- ઓહ માય ગૉડ! અશ્વિન, આ તું શું કહે છે? મને એવું લાગે છે, જાણે મારા હાથનાં રૂંવાડાં બળી રહ્યાં છે!

- શરૂઆતમાં મને રેસ્ટોરન્ટનું બીજું કોઈ કામ આવડતું નહોતું, તેથી મને સમોસા અને પકોડા તળવાનું કામ મળ્યું. મહેનતાણું પણ ખૂબ ઓછું હતું. રેસ્ટોરન્ટમાં એક સરદારજી તંદૂરની ભઠ્ઠી પર કામ કરતા. તેઓ પહેલાં આર્મીમાં હતા, અમે તેને ફૌજી કહેતા હતા. મેં વિચાર્યું કે જો હું તેમની પાસેથી તંદૂરનું કામ શીખી જાઉં તો મને વધુ પગાર મળશે. તેઓ મને શીખવવા સંમત થયા.

- ક્યાં થિયેટરમાં અભિનય કરવો અને ક્યાં તંદૂરમાં નાન શેકવા! તું આ કામ શીખ્યો, અશ્વિન?

- હા, ડિયર. ભઠ્ઠીની દિવાલ પર નાનને ચોંટાડવા માટે કાપડથી બનેલી ગોળ ગાદીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી હથેળી બળી ન જાય; પરંતુ સરદારજી ગાદીનો ઉપયોગ કર્યા વિના હાથથી જ ભઠ્ઠીની દીવાલ પર નાનને ચોંટાડતા. તેમણે મને પણ તે જ પેટર્ન શીખવી. 

- ---------------------------

- તે તો ફૌજી હતા, તેમની હથેળી મજબૂત હતી. મારી હથેળીએ ક્યારેય આવી આગનો સામનો નહોતો કર્યો. નાનને ચોંટાડતી વખતે ક્યારેક મારી કોઈ આંગળી પણ પેલી આગ ઓકતી દીવાલને ટચ થઈ જતી,! 

- મારાથી હવે આગળ નહીં વંચાય, ઐશ. હાર્મોનિયમની ચાંપો પર ફરતી તારી નાજુક આંગળીઓએ તંદૂરની દીવાલનો સામનો કેવી રીતે કર્યો હશે? 

- વાર્તા હજી બાકી છે દોસ્ત! તેવા ટેમ્પરેચરમાં કામ કરતા, ક્યારેક મારા નાકમાંથી લોહી વહેવા લાગતું.

- હું તને ભઠ્ઠીની આગમાં બળતો નથી જોઈ શકતી, ડિયર!

- બાર કલાક સતત આ રીતે કામ કરવાના પરિણામે, આજે પણ મારી જમણી હથેળીમાં ક્યારેક ઘણી પીડા થાય છે. લોન્ગ ડ્રાઈવ કરતા ક્યારેક હથેળી બેન્ડ થઈ જાય છે, જેને ડાબા હાથથી ખેંચીને સીધી કરવી પડે છે.

- ઉફ્ફ! સ્મૃતિએ પણ આ બધું કેવી રીતે સહન કર્યું હશે?

- તેને પણ ઘણું સહન કરવું પડ્યું. અમારા અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ અમારા બંનેનો કોમન સંઘર્ષ હતો. દીકરી એટલી નાની હતી કે ક્યારેક તેને ભાઈના ઘરે મૂકી આવતાં. પછી બેબી સીટિંગમાં પણ મૂકી. ત્યારે મને લાગતું કે અમદાવાદનું આટલું સુંદર જીવન છોડીને હું જાણે નરકમાં આવી ગયો. રડવું પણ ખૂબ આવતું.

- હવે હું રડવું રોકી શકતી નથી.

- રડીશ તો વાર્તા કેવી રીતે લખીશ ?

- સૉરી અશ્વિન.

- આવી સ્થિતિમાં, ઇસરોના એક પ્રોડ્યૂસર/ડાયરેક્ટર અને મારા ખાસ મિત્ર અહીં આવ્યા હતા, કદાચ ડાયરેક્શનનો કોર્સ કરવા માટે. તેઓએ મારો સંપર્ક કર્યો. તેઓ મને મળવા માંગતા હતા.

- તું મળ્યો તેમને?

- કેવી રીતે મળું? મને મારી હાલત પર દયા આવતી હતી. એક તો હું ઇસરોની જોબમાંથી રજા લઈને અહીં આવ્યો હતો. હું નહોતો ઇચ્છતો કે તેઓ મને આવી હાલતમાં જુએ અને અમદાવાદ જઈને મારા વિશે સ્ટાફને કંઈ કહે. મેં તેમને કોઈ રિસ્પોન્સ ન આપ્યો, તેઓ હજી પણ મારા પર નારાજ છે. ફેસબુક પર મારા મિત્ર છે પણ મારી કોઈ કૉમેન્ટનો જવાબ આપતા નથી.

- વિષય બદલો, ઐશ. હવે વધારે નહિ વાંચી શકું.

- તમે લોકો નૉન-વેજ ખાઓ છો? સાંભળ્યું છે કે બંગાળી લોકો માછલી વગેરે ખાય છે. અમસ્તું જ પૂછ્યું, જિજ્ઞાસા થઈ.

- હા, અમે નૉન-વેજ ખાઈએ છીએ, પરંતુ આજે નથી બન્યું.

- ચાલ, તે મારા માટે સારું છે, જ્યારે હું ઇન્ડિયા આવીશ ત્યારે મને તારા હાથે બનેલી નૉન-વેજ ડીશ ખાવા મળશે.

- મોસ્ટ વેલકમ, માય ફ્રેન્ડ. 

- જ્યારે હું પાર્ટીમાં જાઉં છું, ત્યારે નૉન-વેજ ડીશ ખાઉં છું. ઘરે બનતું નથી. શરૂઆતમાં સ્મૃતિ બનાવતી હતી, પણ મેં જ ના પાડી કે ફક્ત મારા માટે બનાવવાની જરૂર નથી. ક્યારેક મારી બહેનના ત્યાં જાઉં છું ત્યારે ત્યાં ખાઈ લઉં છું. 

- અમદાવાદ આવીશ ત્યારે ચોક્કસ તને બંગાળી ફિશ કરી બનાવીને ખવડાવીશ.

- અમદાવાદમાં અમારા ઘરમાં તો કોઈ ફિશ ખાતું ન હતું, પણ મારી ભાભીને ફિશ ખૂબ પસંદ હતી. હું પાંચકુઆની દુકાનમાંથી લાવતો, ભાભી બનાવતી. એકવાર ઇસરોની અમારી ટીમ ગુજરાત ફિશરીઝ પર એક ડોક્યુમેન્ટરી શૂટ કરવા ગઈ હતી, તે સમયે આ ઉદ્યોગ નવો નવો શરૂ થયો હતો. તળાવો માછીમારી માટે લીઝ પર લેવામાં આવતા હતા. હું ત્યાંથી ગીફ્ટમાં મળેલી બે મોટી ફિશ લઈ આવ્યો હતો.

- વાહ! ભાભીએ બનાવી હશે.

- ક્યાંથી? અમારે તો છાનામાના બનાવવું પડતું, તેથી ખૂબ મુશ્કેલી થતી. માએ પાડોશમાં મોકલાવી આપી, કહ્યું , ‘ઘરમાં ક્યારેય ન લાવતો.’ મને ખૂબ જ દુઃખ થયું હતું. મેં સાંભળ્યું છે કે ઇન્ડિયામાં હવે નવી પેઢીના ઘણા બધા લોકો નૉન-વેજ ખાવા લાગ્યા છે. 

- હા. યુવા પેઢી, ઘરમાં તો નહિ પણ બહાર ખાવા લાગી છે. હવે અમદાવાદની ઘણી હોટલો અને રેસ્ટોરન્ટમાં પણ નૉન-વેજ ઉપલબ્ધ છે.

- અચ્છા, એક મજાક સૂઝી છે, મલ્લિકા. જો તારા નામનો સંધિ વિચ્છેદ કરીએ, તો શું થશે?

- 'મલ્લિકા' શબ્દનો સંધિ વિચ્છેદ થઈ શકે? મને ખબર નથી, તું કહે.

- હું નહીં કહું, મેં તને પૂછ્યું છે. જેમ કે, Ashwin નામનો સંધિ વિચ્છેદ કરો, તો Ash+win એટલે કે અંતે જીત રૂપે રાખ જ નસીબમાં આવશે, રાઇટ?

- આવી મજાક ફરી મારી સાથે ક્યારેય ન કરતો. મારા મનની વાત તને કહેવામાં મેં કેટલો લાંબો સમય તારી રાહ જોઈ! જો તું ન મળ્યો હોત તો પણ હું શું કરી શકત?

- એટલે જ તો મળ્યો ને, યાર!

- તારી કહાની સાંભળીને મારું હૃદય હજી બળી રહ્યું છે. ‘મલ્લિકા’ એટલે મોગરાનું ફૂલ. હું તારા જીવનમાં મિત્રતાની ખુશ્બૂ બનીને છવાઈ જવા માંગું છું.

- ખરેખર તું મારા જીવનમાં ખુશ્બૂ બનીને જ આવી છે.

- બીજી એક વાત ધ્યાનમાં આવી. 

- ચોક્કસ કોઈ મીઠી વાત હશે. 

- તને કેવી રીતે ખબર?

- મોગરાના ફૂલની વાત કરી ને હમણાં.

- વાહ! સહી પકડે. બારેજડીમાં અમારા રેલવે ક્વાર્ટરમાં એક બગીચો પણ હતો જેમાં મોગરાની વેલ હતી. સીઝનમાં તે સફેદ સુગંધિત ફૂલોથી લદાચેલી રહેતી. હું તે ફૂલોનો એક ગુચ્છો બનાવીને મારા વાળમાં લગાવતી. એક વાર કૉલેજના દાદરા ચડી રહી હતી ત્યારે એક વિદ્યાર્થી જે નીચે આવી રહ્યો હતો, મારા માથા પરથી એ ફૂલો ખેંચીને ચાલ્યો ગયો. તે કદાચ મજાક હતી, પણ હું એટલી ડરી ગઈ કે ઝડપથી દાદરો ચડી ગઈ, પછી બે દિવસ સુધી કૉલેજ જ ના ગઈ.

- કાશ, હું એવું કરી શક્યો હોત! મને મોગરાનું ફૂલ ખૂબ ગમે છે. હું તો મોગરા સહિત તને લઈ ઉડ્યો હોત, તને બારેજડી જવા જ ના દેત.

- ગજબ નો રમુજી છે તું, અશ્વિન! જો કે, છેવટે તો તેં એ જ કર્યું તેં. પરોક્ષ રીતે મને જીવનભર બાંધી રાખી. મારું દુઃખ તો અનુભવો જી.

- અનુભવી રહ્યો છું, તેથી જ તો કહું છું કે એક અંતરંગ મિત્ર બની મહેકતી રહેજે મારા જીવનમાં.

- અત્યારે તો આવજો કહી દઉં છું. અમારો ડિનર નો સમય પણ થવા આવ્યો છે. ફોન પણ ચાર્જિંગમાં મૂકવાનો છે. કાલે સવારે એટલે કે તારી સાંજે લખજે.

- ગુડ નાઇટ ડિયર.

- તારો દિવસ મજાનો વીતે.