ભાગ 17
11 ઓગસ્ટ 2018, શનિવાર સવારના 10.25
-------------------------------------------------------
- સુબહ કી પ્યારી સલામ, હાજિર હૈ આપકા ગુલામ.
- અહા, વારિ જાઉં! તારી ગુડ ઇવનિંગ ડિયર. આજે મોડું થઈ ગયું, હજી નાસ્તો બાકી છે. હું થોડી વાર પછી લખીશ, ત્યાં સુધી તું મારું મૌન વાંચ.
- આખો દિવસ તારું મૌન જ વાંચતો રહ્યો. આરામથી ચા-નાસ્તો લો, પછી વાત કરો. મારાં બધાં કામ પતી ગયાં છે. થોડી વારમાં સૂવાનો ટાઈમ થઈ જશે. વધારે ન તરસાવશો.
- વાહ ભાઈ વાહ! તેં મને તમે કેટલા વર્ષો તરસાવી? હિસાબ ચૂકવવાનો બાકી છે.
- ગામડાની ગોરી, જો તું ભૂતકાળનો બદલો લઈ રહી હો તો પછી ખોટ તને જ જશે.
- પ્રેમનો સોદો મોટે ભાગે ખોટમાં જ પરિણમે છે, ઐશ.
- તે પણ સાચું છે કે ફક્ત અધૂરા પ્રેમને ઇતિહાસમાં સ્થાન મળ્યું છે, જેમ કે રોમિયો-જુલિયટ, શીરીં-ફરહાદ, સલીમ-અનારકલી, લૈલા-મજનુ, હીર-રાંઝા, સોહની-મહિવાલ, જેસલ-તોરલ વગેરે.
- પણ મારો પ્રેમ તો શરૂ જ ન થઈ શક્યો, અશ્વિન. આજે વિચારું છું તો પણ આશ્ચર્ય થાય છે કે તે સમયે મેં તારા વિશે કોઈની સાથે વાત કરી નથી! આપણી વાર્તાને તો ઇતિહાસમાં પણ સ્થાન નહિ મળે. કોઈને ખબર હોય તો લખે ને?
- આપણી વાર્તા કોઈ શા માટે લખે? આપણે જાતે લખીશું. હમારી કહાની, અપની જુબાની.
- ચોક્કસ લખીશું. નોબેલ પારિતોષિક વિજેતા, અમેરિકન નવલકથાકાર ટોની મોરિસને એ જ કહ્યું છે કે જો તમારે એવું પુસ્તક વાંચવું હોય કે જે હજી સુધી લખાયું નથી, તો તમારે તે જાતે લખવું જોઈએ.'
- યે હુઈ ન બાત!
- સાચું કહું તો, તે સમયે મને એવા સાથીની તલાશ હતી જે મારા હૃદયમાં મીઠા ઝરણા જેવો વહેતો હોય. 'સેફ હેન્ડ-સેફ હાર્ટ' બંને મળી ગયા, હવે બીજું શું જોઈએ?
- મારું તો અસ્તિત્વ જ ડામાડોળ થઈ ગયું, તેનું શું? હવે મને તારાથી ડર લાગે છે. શું બોલવું તેની ખબર પડતી નથી! હવે હું સૂવા જાઉં છું.
- આટલા વહેલા? અત્યારે તમારે ત્યાં રાતના માત્ર દસ વાગ્યા છે. એમ કેમ સૂઈ શકશો, જહાંપનાહ?
- આજે કંઈક જુદો મૂડ લાગે છે આપનો, શું વાત છે? ચલિયે, આપકે લિયે મૈં રાતભર જાગ સકતા હૂં, કહિયે.
- તે દિવસે આપ ‘અનારકલી’ના મારા મોનો એક્ટીંગનો ફોટો માંગતા હતા ને? આજે તેના ડાયલોગ મળ્યા.
- પેશ કીજિયે.
- જ્યારે તેને અકબરની સામે રજૂ કરવામાં આવે છે-
‘ગુસ્તાખી માફ હો જહાંપનાહ. મોહબ્બત કે મેરે અંદાઝ-એ-બયાં કો આપ બેખૌફ કહ લીજિયે, પર યહ સચ
હૈ કિ મોહબ્બત રુહ કી ખુરાક હૈ. યહ જિંદગી કી સબસે પાક, સબસે ઊંચી, સબસે મુબારક બરકત હૈ! જબ કિસી સે મોહબ્બત હોતી હૈ તો યહી અંદાઝ બનતા હૈ.’
- વાહ! જબ કિસી સે મોહબ્બત હોતી હૈ તો યહી અંદાઝ બનતા હૈ, પછી?
- પછી જ્યારે સમ્રાટ અકબર કહે છે, ‘સલીમ કો ભૂલના હોગા.’ ત્યારે અનારકલી કહે છે, ‘જહાંપનાહ, યહ કૈસા ઇન્સાફ હૈ? સાહબ-એ-આલમ કો ભૂલના હોગા? ઉન્હેં યકીન દિલાના હોગા કિ મુઝે ઉનસે કભી મોહબ્બત નહીં થી! જો જુબાં ઉનકે સામને મોહબ્બત કા ઈકરાર તક ન કર સકી, વહ ઇનકાર કૈસે કરેગી?’
- અદ્ભુત! કેટલો ચોટદાર ડાયલોગ!
- શું તને ખબર છે? આ ડાયલોગ સાંભળવા માટે મેં કેટલી વાર આ ફિલ્મ જોઈ! આપણી કૉલેજની નજીક જ કેટલા બધા સિનેમા હૉલ્સ હતા, જ્યાં મોર્નિંગ શોમાં આવી લોકપ્રિય ફિલ્મો બતાવવામાં આવતી- એડવાન્સ, રૂપાલી, રિલીફ, કલ્પના, મોડલ ...
- પછી આશ્રમ રોડ પર શ્રી, શિવ, ટ્વીન્સ સિનેમા હૉલ અજંતા-ઇલોરા....
- અરે વાહ! તને હજી સિનેમા હૉલનાં નામ યાદ છે?
- કેમ યાદ ન હોય છોકરી, કૉલેજના ક્લાસ છોડીને અમે દોસ્તો પણ ભેગા મળીને ફિલ્મ જોવા જતા હતા.
- અમે સહેલીઓ પણ એવું જ કરતાં. કાશ, આપકે સાથ મૈં યહ ફિલ્મ દેખ પાતી!
- વાહ, મેરી અનારકલી, ખ્યાલ અચ્છા હૈ! યે ભી એક ખ્વાબ બનકર રહ ગયા કિ આપ મેરે સાથ યહ ફિલ્મ દેખતી! હોતા યહ કિ આપ તો ફિલ્મ દેખતી ઔર મૈં આપકો. ફિર કલ્પના કી ઉડાન ભરને લગા મન!
- મારી દરેક વાતને તું મજાક કેમ બનાવે છે ?
- હું તો મારી જાતને મજાક બનાવું છું ગોરી, સમઝા કરેં. વૈસે ભી ખ્વાબ તો ખ્વાબ હૈ, કબ હકીકત બને?
- હમ્મ...પછી અકબરના પૂછવાથી અનારકલીએ જે અંતિમ ઇચ્છા જાહેર કરી, ‘મરને સે પહલે કનીજ મલિકા બનના ચાહતી હૈ...કનીજ કી મજબૂરી કો આરઝૂ ન સમઝીએ, જિલ્લેઇલાહી. સાહિબ-એ-આલમ ને મુઝસે વાદા કિયા થા કિ વે મુઝે અપની મલિકા બનાયેંગે. મૈં નહીં ચાહતી કિ ઉનકા વાદા ઝૂઠા હો ઔર હિન્દુસ્તાન કા હોનેવાલા બાદશાહ જિંદગીભર એક અદના કનીજ સે શર્મિંદા રહે.'
- વાહ! તેં અનારકલીનું પાત્ર ભજવ્યું? હું આ ડાયલોગ તારા અવાજમાં સાંભળવા માંગુ છું. હું સલીમ બનવા તૈયાર છું.
- અહા, સપનું જોયું તો પણ કેવું! ક્યારેક રેકોર્ડ કરીને મોકલીશ. હવે તારો ઉંઘવાનો સમય થઈ ગયો છે. હું કિચનમાં જાઉં છું, શુભ રાત્રિ.
- હવે મારી ઊંઘ ઉડાડીને, મને સલીમ બનાવીને કિચનમાં જઈશ?
- અનારકલી પણ સલીમ પાસે ક્યાં રોકાઈ શકી હતી? બાય.
- જૈસી આપકી મરજી. હેવ અ નાઇસ ડે, બાય.
11 ઓગસ્ટ 2018, શનિવાર સાંજના 7.40
---------------------------------------------------
- સાંઝ કા સલામ, પ્રિય મલ્લિકા.
- ચલો, સૂરજ ઊગ્યો ખરો તારા દેશમાં. તને સવારની સલામ. શું વાત છે, આજે આટલો જલ્દી ફ્રી થઈ ગયો?
- અહીં શનિવારની સવાર છે મેડમ. બસ, હમણાં જ કામ પર પહોંચ્યો છું. મારા પેશન્ટ અંકલ હજી ઊંઘમાં છે, થોડી વારમાં ઊઠશે. તું શું કરે છે?
- હું સ્મિતા ધ્રુવની ગુજરાતી પુસ્તક 'ભારતની આઝાદીના અનામી શહીદો' માં ક્રાંતિકારી રાજગુરુ પરના લેખનો હિન્દીમાં અનુવાદ કરી રહી છું, હવે થોડું બાકી છે. પછી ડિનર લઈશ.
- તું તો હંમેશાં પોતાના લેખનમાં મસ્ત રહે છે. હું અહીં ખૂબ એકલતા અનુભવું છું.
- ચાલ ત્યારે થોડી વાત કરીએ.
- જે હું તને કૉલેજમાં ન કહી શક્યો, તે આજે કહેવાનું મન થાય છે. તારું પ્રેમાળ વર્તન એ રુહાની એહસાસ છે. તું મારા શુષ્ક જીવનમાં હરિયાળી બનીને આવી છે.
- વાહ! સવારનાં પહોરમાં આટલી મીઠી વાતો! તારી ચા ગળી બની જશે.
- આ કોઈ મજાક નથી, ડિયર. હમણાં જ જગજીત સિંહે ગાયેલી આ ગઝલ સાંભળી. પહેલી લાઇન મારે માટે અને બીજી લાઇન તારે માટે –
વો રુલાકર હંસ ન પાયા દેર તક,
જબ મૈં રોકર મુસ્કુરાયા દેર તક.
- અરેરે! તું આપણા અતીતને કેવી રીતે જોડી રહ્યો છે! બીજી લાઇન નિશ્ચિતરૂપે મારી છે, પણ પહેલી લાઇન તારી છે, એવી ખબર હોત તો તારા સુધી પહોંચવા માટે મરણિયો પ્રયાસ ન કર્યો હોત! હું રડીને હસી જરૂર, પરંતુ મને રડાવીને તું હસી ન શકે એવું મેં ક્યારેય ઇચ્છ્યું નહોતું અશ્વિન, શું કહું?
- પરંતુ મારે માટે આ જ સાચું છે. બીજી લાઇન ચોક્કસ તારી છે, જે રીતે હું તારો છું.
- મારી કોઈ પણ વાતને તું ગંભીરતાથી કેમ નથી લેતો, યાર? દરેક વાતને તું મજાકમાં ફેરવી નાખે છે.
- તારો મૂડ બદલવા માંગતો હતો, ડિયર. તબિયતનું ધ્યાન રાખ. મોડી રાત સુધી જાગવું સારું ન કહેવાય.
- તું મળ્યો ત્યારથી મોડી રાત સુધી જાગવું પડે છે. જ્યારે તારે ત્યાં દિવસ હોય, ત્યારે અહીં રાત હોય છે. હું આ સમયે જ લખવાનું કામ શરૂ કરું છું, હવે એક કામ વધ્યું, તારી સાથે વાત કરવાનું. શું તેં ફેસબુક પર મારા ફોટા જોયા?
- જોયા શું, હું તો ડૂબી ગયો તારી આંખોમાં! તારી આટલી સુંદર બોલતી આંખોને હું કેમ ન વાંચી શક્યો? હવે મને લાગે છે કે અજાણતાં જ ભલે, મેં તને ખૂબ હેરાન કરી છે, તેથી હવે હું તારી સાથે ફક્ત પ્રેમભરી વાતો કરવા માંગુ છું.
- મારો પ્રેમ હારીને પણ જીતી ગયો, ઐશ. મને તારી પાસેથી બીજું કશું જોઈતું નથી. મેં એક અસંભવ સ્વપ્ન જોયું હતું જે તેં સાકાર કરી દીધું.
- તું રાધા બની, પણ હું કિશન ન બની શક્યો. હમણાં જવાબ ન આપીશ. તારું લખવાનું કામ પૂરું કર.
- ઘણી બધી વાતો મનમાં ઊભરે છે એક સાથે! એક બીજી વાત યાદ આવી ગઈ.
- કહી દે.
- માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં ‘કેન્દ્રીય હિન્દી નિદેશાલય’ વિભાગ દ્વારા સંચાલિત 'હિન્દીતર ભાષી હિન્દી લેખક પુરસ્કાર' યોજના હેઠળ મારા હિન્દી કાવ્યસંગ્રહ 'એક બાર ફિર' ને વર્ષ 2016 માટે રૂ. 1,00,000/- નું રોકડ ઇનામ મળ્યું છે.
- અરે વાહ! હૃદયથી શુભેચ્છાઓ. તું આટલી ઇન્ટેલિજન્ટ છે એ ખબર હોત, તો તારાથી દૂર જ રહેત. કેટલું સાચવીને લખવું અને બોલવું પડશે તારી સાથે? હું તો અનાડી છું. એક સ્કૂટરનું પૈડું અને એક ટ્રેક્ટરનું પૈડું, પણ હવે કંઈ થઈ શકે તેમ નથી.
- પહેલાં પણ ક્યાં કંઈ થઈ શકયું? પૈડાં ત્યારે પણ અલગ જ હતાં!
- હવે સૂઈ જા, મોડુ થઈ ગયું છે. દિવસ દરમિયાન તારી પાસે ઘણું કામ હોય છે. બાય ધ વે, હક્કા નૂડલ્સ કેવા બન્યા હતા?
- સારા બન્યા હતા. તને યાદ કરીને ખાધા.
- થેન્ક યૂ. ઘણું ખુશહાલ છે તારું જીવન!
- મેં દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું શીખી લીધું છે, ઐશ. મનમાં ઊઠતી વ્યથાની જ્વાળાઓને હંમેશાં મનમાં જ દફન કરી દઉં છું. હવે અનુવાદનું બાકીનું કામ પૂરું કરવાનું છે. વિશ કરજે, મને રાત્રે સારી ઉંઘ આવે.
- સો જા, રાજકુમારી સો જા...
- હમણાં ન ગા યાર, કમ્પ્યુટર પર કામ કરી રહી છું, અનુવાદનું કામ બાકી છે. ડિનર પણ બાકી છે.
- મેં વિચાર્યું કે એડવાન્સમાં જ ગાઇ લઉ છું, તારા સુધી પહોંચવામાં દોઢ -બે કલાક તો લાગી જ જશે!
- સાચે જ અશ્વિન, ક્યારેક તારા ગાલ પર હળવી થપ્પડ મારવાની ઈચ્છા થાય છે.
- વાહ, થપ્પડ અને તે પણ હળવી! મોકલી આપ. ગાલ ધરીને બેઠો છું.
- ----------------------------
- ઓકે ડિયર, હવે હું વૉક પર જઈશ. ગુસ્સા ઈતના હસીન હૈ તો....
- શુભ રાત્રિ. તારો દિવસ મજાનો વીતે.
- ભારે થપ્પડની રાહ જોઉં છું. અહીં પહોંચતા સુધીમાં હળવી થઈ જશે. શુભ રાત્રિ.
12 ઓગસ્ટ 2018, રવિવાર સવારના 6.20
-----------------------------------------------------
- સૂર્યનાં સોનેરી કિરણો મારા આંગણાને સજાવી રહ્યાં છે, ખુશનુમા સાંજ આવી ગઈ હશે તારે આંગણે.
- ચોક્કસ આવી, તારી મીઠી યાદો લાવી. મારી મશીની જિંદગીમાં તું આવી, મારા મનના આકાશમાં મેઘધનુષી રંગો ફેલાયા!
- અહા! આ તો તારી અંદરનો શાયર બોલી રહ્યો છે.
- હવે હું શાયર જ બની ગયો છું, તેથી હું કોઈની સાથે વાત કરવાની રાહ જોઈ રહ્યો છું.
- ચાલ ત્યારે, જમાનાથી વિરુદ્ધ જઈને તે વિચારોને કાગળ પર જીવી લઈએ.
- તારો પ્રેમ ગહન છે, તેથી જ તું એક ઇન્ટિમેટ ફ્રેન્ડ તરીકે મારી આંખોમાં વસી ગઈ છે.
- અને તું તો પહેલેથી જ મારા હૃદયમાં એવી રીતે વસી ગયો છે કે નથી ક્યારેય ખાલી કર્યું કે નથી ભાડું ચૂકવ્યું! તેથી જ, જ્યાં પણ મેં પ્રેમ શોધવાનો પ્રયત્ન કર્યો ત્યાં વાત જામી નહીં. મારા વર્તન પર હંમેશાં મારા હૃદયનું જ વર્ચસ્વ રહ્યું.
- તું જ કહે, કોઈ પોતાના ઘરમાં રહેવાનું ભાડું ચૂકવે ખરું? હવે આ ભાડુઆત તારો ગુલામ બની ગયો છે.
- તું ખૂબ શરારતી છે અશ્વિન! આવ્યો હતો ભાડુઆત બનીને, પછી દિલમાં કાયમી ડેરો જમાવી દીધો.
- હું ખૂબ એકલવાયો છું.
- વિષય બદલવાનું તો કોઈ તારી પાસેથી શીખે! બધાની વચ્ચે હું આટલાં વર્ષોથી એકલી રહી, તેનું શું?
- તેની સજા હવે આપવા માંગે છે? પિસ્તાળીસ વર્ષ ઓછાં પડ્યાં કે શું? મને બહુ પરેશાન ના કરો, મારું દિલ ખૂબ નાજુક છે.
- પુરાવો આપ, દિલ નાજુક હોવાનો.
- હવે હું સંપૂર્ણપણે 'તું' બની ગયો છું. અરીસામાં જોઉં છું તો પણ તું જ દેખાય છે.
- મજાક છોડ અને આંખો બંધ કર. તારે ત્યાં સાંજ થવા આવી છે અને અહીં સવાર જઈ રહી છે બપોરને મળવા માટે. મારો નાસ્તો હજી બાકી છે.
- ઓ કે. પહેલાં નાસ્તો કરી લે, નહીં તો મને નુકસાન થશે.
- રોકાઈ જા. જતાં-જતાં એક બીજી વાત યાદ આવી જે લખી દઉં છું. હું એક પુસ્તક લખી રહી છું 'લિફાફોં મેં સિમટે અહસાસ’, જેમાં મેં લખેલા એવા પત્રોનો સંગ્રહ છે, જે ક્યારેય સંબંધિત વ્યક્તિને પોસ્ટ કર્યા નથી. આ પત્રોમાં મારા જીવનની જ અનુભૂતિઓ છે. એક રીતે પત્રાત્મક શૈલીમાં વાર્તાઓ જ લખી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાં તને લખેલો એક પણ પત્ર નથી!
- જો મને લખવાની હિંમત હોત બાળા, તો બોલવાનું સાહસ ન બતાવત?
- પરંતુ હવે તને એક પત્ર લખીશ, જેનો હું આ પુસ્તકમાં સમાવેશ કરવા માંગું છું.
- શું લખીશ ?
- જ્યારે લખું ત્યારે વાંચી લેજે. પુસ્તકની પ્રસ્તાવનામાં મેં એક બાળપણની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જે હું તને કહેવા માંગું છું. તારે કારણે મારે સોળ વર્ષની ઉંમરથી પણ પાછળ જવું પડશે. કેટલો જુલમ કરે છે તું મારી ઉપર!
- અચ્છા, હું જુલમ કરું છું? તેં તો જાણે ઝરમરિયાં વરસાવ્યાં હતા!
- સૉરી કહું છું, બસ? મેં નવ વર્ષની ઉંમરે પહેલો પત્ર લખ્યો, તે પણ પ્રેમ-પત્ર!
- શું વાત કરે છે?
- હા, બિલકુલ સાચી વાત છે.
- કોને લખ્યો?
- હું ચોથા ધોરણની વિદ્યાર્થીની હતી. અમારા ઘરે કામ કરતી સ્ત્રીને એક દીકરી હતી. નામ સવિતા હતું. સવિતા આશરે પંદરેક વર્ષની હશે, નવાં-નવાં લગ્ન થયા હતાં. એક દિવસ હું બહાર રમી રહી હતી, તેણીએ મને ઈશારો કર્યો. જ્યારે હું તેની પાસે ગઈ ત્યારે તેણે મારો હાથ પકડ્યો અને મને ઘરની પાછળ આવેલ આંગણામાં લઈ ગઈ અને એક સરનામું લખેલું પોસ્ટકાર્ડ આપ્યું અને પૂછ્યું, 'તમે લખતાં આવડે છે?'
- ‘હા.’ મેં કહ્યું.
તેણીએ કહ્યું, 'મારે મારા ઘરવાળાને લખવું છે. લખી આપ.’
- થેન્ક ગૉડ. હું તો ડરી જ ગયો હતો.
- હું ચુપચાપ મારી રૂમમાંથી સપોર્ટ માટે એક પેન્સિલ અને સ્લેટ લઈ આવી. આમલીના વૃક્ષને છાંયડે બેસીને કાગળ લખી નાંખ્યો. એ વાત તો ઘણા સમય પછી સમજાઈ કે તે અભણ હતી અને તેનો પતિ ભણેલો હતો. પતિએ જ પિયર આવતી વખતે તેણીને તેના સરનામાં વાળું એક પોસ્ટકાર્ડ આપ્યું હતું.
- તેને ખબર જ હશે કે એક છોકરી છે જે તેની પત્નીને મદદ કરશે, ખરું ને?
- બિચારી ભણેલી નહોતી તે શું લખી શકે? મેં મદદ કરી ખરી, પણ શું લખવું તે સમજાતું નહોતું.
- અહા, આજ સુધી પણ ક્યાં સમજાતું હતું? હું મળ્યો ત્યારે કંઈક શીખી. શું લખ્યું પછી?
- નથી કહેવું, તું સૂવા જા.
- અરે, હું તો તને અમસ્તો જ ચીડવતો હતો. સૉરી બાબા, હવે મને કહે.
- તેણીએ માતા-પિતાથી શરૂ કરીને, સાસરાના બધા સભ્યોનાં નામ લખાવ્યાં, અંતે 'બધા મજામાં હશો'. લખ્યું અને પોસ્ટકાર્ડ ભરાઈ ગયું. આજ સુધી તે વ્યક્તિ મને શોધતો હશે, આવો તે કંઈ પ્રેમ-પત્ર હોય? હવે આગળ કંઈ પૂછતો નહિ. ફરી મળીશું કાલે સવારે. આવજો.
- મારી ઊંઘ ઉડાડીને હવે 'આવજો' લખે છે? નવ વર્ષની ઉંમરે પ્રેમ-પત્ર લખ્યો અને સોળ વર્ષની ઉંમરે જ્યાં લખવો જોઈતો હતો ત્યાં ન લખ્યો! તું તો આ દુનિયામાં લેખક બનવા માટે જ આવી છે, તો મને કેમ કોરો છોડી દીધો? આ તો ભારોભાર અન્યાય કહેવાય.
- મને ખબર જ હતી કે તું આવું કંઈક લખીશ. હું જાઉં છું, મને કિચનમાં કામ છે.
- ગૃહિણી, તું તો હવે રસોઈ કરીશ.. અહીં મારવા માટે મચ્છર પણ નથી, હું શું કરું ?
- ઓશો કહે છે, ‘એક સ્ત્રી કાં તો સંપૂર્ણ સ્વસ્થ હોય છે અથવા સંપૂર્ણ પાગલ હોય છે. વચ્ચેની સ્થિતિ સ્ત્રી માટે નથી, પુરુષ પાસે છે.’
- મને ઓશોના નહિ, તારા શબ્દોની પ્યાસ છે.
- ચુપચાપ ઇવનિંગ વૉક માટે નીકળો, જનાબ! ગુડ ઇવનિંગ.
- હવે તો માનવું જ પડશે. તારો દિવસ શુભ હો.