Tari Sangathe - 8 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 8

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

તારી સંગાથે - ભાગ 8

ભાગ 8

27 જુલાઈ 2018, શુક્રવાર સાંજના 5.00 

--------------------------------------------------

- ભારતની સોનેરી સાંજ, ડાર્લિંગ ફ્રેન્ડ. તારા દેશમાં સૂરજ ધીરે ધીરે ઊગી રહ્યો હશે. તું હજી ઊંઘતો હોઈશ. આજે મારાં લગ્ન વિશે પણ લખી દઉં છું.

1980 માં, પાર્થો બંગાળની પીયરલેસ ફાઇનાન્સ કંપનીની મુંબઈ શાખામાંથી અમદાવાદ શાખામાં ટ્રાન્સફર લઈને આવ્યા. તેઓ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક બંગાળી પરિવાર સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. મારાં લેખા માસી પણ તે વિસ્તારમાં રહે છે. 

પાર્થોની મૈત્રી મારા માસીના પરિવાર સાથે પણ થઈ. તેઓ ઘણી વાર માસીના ઘરે આવતા. તે જ વર્ષે મેં મહેસાણા જિલ્લાના ખેરવા ગામની હાયર સેકન્ડરી સ્કૂલમાંથી અધ્યાપન કાર્ય છોડ્યું અને ઓડીટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં જોડાઈ. હું ક્યારેક અમદાવાદ માસીના ઘરે રોકાઈ જતી. એકવાર જ્યારે હું માસીના ઘરે રોકાઈ હતી ત્યારે માસીએ કહ્યું, ‘મૉલી, મુંબઈથી એક બંગાળી છોકરો અહીં આવ્યો છે, ખૂબ જ હેન્ડસમ યુવાન છે. 

જીજાજીને તારી સાથે તેના લગ્ન વિશે વાત કરી શકાય, પણ જીજાજી તારા માટે ઉચ્ચ શિક્ષિત અને સારી પોસ્ટ પર હોય તેવો છોકરો ઇચ્છે છે. આ છોકરો એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે, તેથી જીજાજી કદાચ સંમત નહીં થાય.’ મેં આ વાત પર કોઈ ધ્યાન ન આપ્યું, કારણ કે તે વખતે હું એક ઉમ્મીદ સાથે નિલયની મૈત્રી નિભાવી રહી હતી. ક્યારેક મેં માસીના ઘરે પાર્થોને જોયા હતા પણ કોઈ વાત નહોતી થઈ. 

આ વખતે ફરીથી હું માસીના ઘરે હતી. મારાં સપનાં જીવનના ઢાળ પર રેતીની જેમ લપસી રહ્યા હતા. મારી હાલત સુધરી રહી હતી, પરંતુ હું હજી પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. તે દિવસે પાર્થો આવ્યા, તેમને દૂરથી આવતા જોતાંની સાથે જ હું ઊઠીને અંદરના રૂમમાં ચાલી ગઈ. કોને ખબર કે માસીએ તેમને મારા અને નિલય વિશે કહી દીધુ હોય. 

મારી આશંકા સાચી હતી, માસીએ પાર્થોને અમારા વિશે જણાવી દીધું હતું. માસીએ વળી મને સમજાવવાનું કામ પણ તેમને સોંપ્યું હતું. હવે તેઓ રોજ આવવા લાગ્યા અને મારી સાથે વાત કરવાની કોશિશ કરવા લાગ્યા. મેં ક્યારેય બે-ત્રણ વાક્યોથી વધુ કહ્યું નહીં. તેઓ મારી પીડા અનુભવી રહ્યા હતા, પણ હું જે ભયાનક ઘટનાને ભૂલવાનો પ્રયત્ન કરી રહી હતી, તેનાથી તેઓ અજાણ હતા. અહીં પણ, કોઈ અદ્રશ્ય શક્તિએ કામ કર્યું. ચોથા કે પાંચમા દિવસે તેમણે મારી સામે સીધો લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. મેં સ્પષ્ટ ના પાડી, કારણ કે હું દૂર દૂર સુધી લગ્ન વિશે કંઈ પણ વિચારવાની સ્થિતિમાં નહોતી.

તેમના ગયા પછી હું આખી રાત વિચારતી રહી. મને બહુ આશ્ચર્ય થઈ રહ્યું હતું કે ક્યાં હું ગામની એક સીધીસાદી છોકરી, ક્યાં મુંબઈ જેવા શહેરથી આવેલો આટલો આકર્ષક યુવાન! તેણે મારામાં શું જોયું? બીજા દિવસે તેઓ આવ્યા અને મારી સામે બેસી ગયા. મેં કહ્યું, ‘હું ખૂબ સામાન્ય છોકરી છું. તમે મારામાં એવું તે શું જોયું કે મારા અતીતને જાણ્યા પછી પણ મારી સાથે લગ્ન કરવા માંગો છો?’ તેમનો જવાબ હતો, ‘હું તમને પ્રેમ કરું છું.’ હું તો જાણે એક હરતી ફરતી લાશ બની ગઈ હતી. મારો બીજો સવાલ હતો, ‘શું તમે એક લાશ સાથે લગ્ન કરવાનું પસંદ કરશો? બની શકે કે હું તમને જિંદગીભર ક્યારેય પ્રેમ ન કરી શકું અને આ લગ્ન ફક્ત એક સમાધાન બનીને રહે.’ તેમનો જવાબ હતો, ‘હું તમને પ્રેમ કરૂં છું, તમારા અતીતથી મારે શું લેવાદેવા?” 

વિવશતાની પરાકાષ્ઠા હતી. મેં તેમની પાસે થોડો સમય માંગ્યો. મને એ વાતનો પણ ખ્યાલ હતો કે મારાં માતાપિતા મારી આ હાલતથી ખૂબ જ દુખી હતાં. મેં કહ્યું, ‘મારે મારાં માતાપિતાને જણાવવું પડશે. મને સમય જોઈએ.’ તેઓ રાહ જોવા માટે તૈયાર હતા. હું બારેજડી પાછી જતી રહી અને મારી નાની બહેન માલાને વાત કરી. માલાએ મમ્મી-પપ્પાને કહ્યું. પહેલા તો તેઓ બંને નિરાશ થયા કારણ કે પપ્પા જમાઈ તરીકે ઉચ્ચશિક્ષિત, સરકારમાં ઊંચા હોદ્દા પર હોય એવા યુવકની શોધમાં હતા.

પાર્થો વિશે જાણ્યા પછી પપ્પા તેમને મળ્યા, તેમના વર્તનથી પ્રભાવિત થયા. તેમના પિતા સાથે પત્રવ્યવહાર કર્યો અને લગ્નની વાત નક્કી થઈ. માર્ચ 1982 માં મેં મારો મત આપ્યો પણ લગ્ન ડિસેમ્બર 1982 માં થયા! આટલો લાંબો સમય મેં પોતાને સમજાવવામાં લીધો.

મારા પપ્પા મારા રોલ મોડેલ હતા. હું હંમેશાં ઈચ્છતી કે મારો જીવનસાથી મારા પિતા જેવો હોવો જોઈએ, જે સ્ત્રીઓનો આદર કરે. નિલય તો એવો હતો જ નહીં. તે મારા જીવનમાં એક દુસ્વપ્નની જેમ આવ્યો. મારું જીવન વિનાશની અણી પર હતું ત્યારે કોઈ અદ્રશ્ય શક્તિએ મને બચાવી લીધી. જો પાર્થો મારા જીવનમાં ન આવ્યા હોત તો મેં કદાચ કોઈની સાથે લગ્ન ન કર્યું હોત. મારા અતીતને જાણ્યા પછી મને અપનાવે, એવી વ્યક્તિ હું ક્યાં શોધત?

અશ્વિન, સ્ત્રીને માટે પ્રેમ એક ઘર હોય છે. એક પરિવાર હોય છે. એક સુગંધિત આંગણું. મને તે બધું મળ્યું પણ જ્યારે ઇચ્છ્યું, જ્યાંથી ઇચ્છ્યું, ત્યાંથી ન મળ્યું!

આજે મારી વાત અહીં સમાપ્ત કરું છું.

 

 

28 જુલાઈ 2018, શનિવાર સવારના 10.25 

-----------------------------------------------------

- સવારે ઊઠીને ચા પીતાં પીતાં જ તારી પોસ્ટ વાંચી લીધી હતી. આખો દિવસ વિચારતો રહ્યો, શું કહું?

- પાર્થોએ હું જેવી છું તેવી જ મને સ્વીકારી. ક્યારેય મારા અતીત વિષે નથી પૂછ્યું અને સાચા અર્થમાં મને જીવનસંગીની માની. મહિનાઓ સુધી હું રડતી રહી અને તેઓ મારા આંસુ લૂછતા રહ્યા.

- ઈશ્વર તારી મદદે આવ્યા મલ્લિકા. જે થયું તે સારું જ થયું. તારો પાર્થો એક ઉત્તમ માણસ છે.

- તારી વાત સાથે સહમત છું. વીતેલાં વર્ષોના મારા આ બધા અનુભવોને શબ્દોમાં ઢાળવાનું કામ ખૂબ અઘરું હતું, અશ્વિન. તારી આત્મીયતા ને કારણે જ હું મારા જીવનનો સૌથી પીડાદાયક સમય અને તે સમયની મારા અંતરની પીડા તારી સમક્ષ રજૂ કરી શકી.

- ભલે પ્રેમની મૂર્તિ એવી તું મને ન મળી, છતાં સારું થયું કે તને પાર્થો જેવા નેકદિલ ઇન્સાન મળ્યા. ઘેરા દુઃખનાં વાદળો વિખેરાઈ ગયાં અને સૂર્યનાં સુવર્ણ કિરણો ચમકી ઉઠ્યાં. જે લોકોએ તારી ઉપેક્ષા કરી, તને અસુંદર કહી, તે સૌ તારી સફળતા જોતા રહી ગયા!

- સુંદરતા એ વ્યક્તિત્વના ઘણાં માપદંડોમાંથી એક છે, મને બહુ મોડેથી સમજાયું. મેં મારા વ્યક્તિત્વનાં સકારાત્મક પાસાં શોધી કાઢ્યાં. મારી પોતાની નબળાઈઓને જાણી, મારી શક્તિઓને ઓળખી. મનમાંથી હીન ભાવનાઓને દૂર કરી. મેં મારી આસપાસનો સંકુચિત ઘેરો તોડ્યો અને રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત થઈ ગઈ.

- અને તેં એક સ્માર્ટ અને સફળ સ્ત્રી તરીકે તારી ઓળખ બનાવી, મલ્લિકા.

- ચહેરા ઉપર ચહેરો લગાવવાનુ શીખતાં જ હું નાદાન છોકરીમાંથી એક સમજદાર સ્ત્રી બની ગઈ! જે લોકો મને નીડર સ્ત્રી તરીકે ઓળખે છે, તેઓ જાણતા નથી કે હું આજે પણ એટલી જ ડરપોક છું. જે લોકો મને સફળ સ્ત્રી માને છે તેઓ જાણતા નથી કે મેં જીવનમાં ક્યાં ક્યાં હાર પચાવી છે.

- કેટલીકવાર કોઈ માણસ માટે તેની હાર જ તેની સફળતાની સીડી બની જાય છે!

- અશ્વિન, તું મારો ખોવાયેલો, વણકહ્યો પ્રેમ હતો. તું મળી ગયો, મેં કહી દીધું. એ પળ મારા માટે એક યુગથીય ન્યારી હતી. જીવન સામે હવે કોઈ ફરિયાદ નથી. 

- મેં તો એક બહુ જ વહાલી, સુંદર નજરો વાળી દીવાની છોકરી ગુમાવી દીધી!

- એ વિશે તેં હવે જાણ્યું, પરંતુ હું વર્ષોથી જાણું છું કે મેં મારા જીવનનું સંગીત ગુમાવ્યું હતું. એકલતા જેમ જેમ એકાંતમાં ફેરવાતી ગઈ, મેં મારી સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું. પોતાનું કામ કરતી ગઈ. મારી ફરજો નિભાવતી રહી. મારું જીવન જ સાધના બની ગયું, પણ એક સંબંધ પરનો મારો વિશ્વાસ ટકી રહ્યો, પ્રેમ-સંબંધ!

- બધા સ્વાર્થી સંબંધોથી અલગ સંબંધ! તું મારી કિસ્મતમાં હોવા છતાં પણ નહોતી. પાર્થો મહાશય, બાબુમોશાય મારી મિષ્ટીને લઈ ગયા!

- તે સમયે હું આવી જ મીઠી વાતો સાંભળવા તરસતી હતી, ઐશ! ઘટના જ એવી બની કે પાર્થોએ હંમેશાં મારા પ્રત્યે પ્રેમ દાખવ્યો, પણ હું તેમની સાથે આવા પ્રેમાળ સંવાદ ક્યારેય સ્થાપિત કરી શકી નહીં. ‘પ્રેમ’ શબ્દ જ જાણે જીવનમાંથી ગાયબ થઈ ગયો!

- આટલું સાચું કેવી રીતે લખી શકે છે તું?

- જેમ તું લખે છે, બસ એવી જ રીતે. સત્ય એ છે કે પાર્થો મારા જીવન કિતાબનાં દરેક પૃષ્ઠને જાણે છે. હવે આ પુસ્તક દ્વારા જે વણકહ્યા પૃષ્ઠો હતાં, તે પણ જાણી લેશે. 

- તારી જેમ પાર્થોનું જીવન પણ પારદર્શક છે. 

- તદ્દન સાચી વાત, જ્યારે મેં તને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી, ત્યારે પહેલાં તેમને જણાવ્યું. જ્યારે તારા ઓપરેશન વિશે જાણ્યું, ત્યારે પણ પહેલાં તેમને જણાવ્યું. ક્યારેક હું તારી પોસ્ટ તેમને વાંચી સંભળાવું છું, ક્યારેક મોઢે કહું છું. તેમને એ પણ ખબર છે કે આપણે આ ચેટ પર કોઈ પુસ્તક લખવા જઈ રહ્યા છીએ.

- પાર્થો તારા જીવનનું રક્ષા કવચ છે. મલ્લિકા. તું લેખક છે તેથી સત્ય લખવાની હિંમત કરી શકે છે.

- ઐશ, હવે તો તું પણ લેખક છે! લેખકનું જીવન સાર્વજનિક હોય છે. લેખક એકમાત્ર એવી વ્યક્તિ છે જે તેના પુસ્તકના દરેક પાત્રને જીવે છે. અહીં તો આપણે જ પાત્રો છીએ, જીવતાં જાગતાં, વળી આપણી પોતાની વાર્તા લખી રહ્યાં છીએ, તેથી સત્ય સિવાય બીજું શું લખી શકાવાનું છે?

- તારી સાથે મારા જીવનની ઘટનાઓ લખતી વખતે હું પણ એવું જ અનુભવું છું. આપણે આપણા પોતાના જીવનના અનુભવો લખીને એક અદ્ભુત શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ.

- ચોક્કસ, તણાવથી મુક્તિ મેળવવાનો એક ઉપાય છે લેખન.

- મલ્લિકા, જ્યાં સુધી લેખકની રચના તેની પાસે હોય, તેની કહેવાય. જેવી પ્રકાશિત થાય કે તે વાચકોની થઈ જાય છે. આપણી વાતો પણ પુસ્તકના રૂપમાં પ્રકાશિત થશે ત્યારે સાર્વજનિક થઈ જશે. બની શકે કે આપણા જીવનના અનુભવો લોકોને વિચારતા કરી મૂકે. 

- કદાચ આપણી નિંદા પણ થાય. આ સંદર્ભે એક વાત કહેવા માંગીશ.

- કહે.

- મારી એક સહેલી છે વિનીતા એ. કુમાર, લેખક છે. ઉંમરમાં મારા કરતા ઘણી નાની છે, મને ભાભી કહે છે. અમારા ઘરની નજીકમાં જ તેનું ઘર છે. જે દિવસે તેં તારી હેલ્થ વિષે લખ્યું, મારું હૃદય જાણે ડૂબી રહ્યું હતું, આંસુ રોકાઈ નહોતાં રહ્યાં. હું તેને મળવા ગઈ. મેં તેણીને તારા વિશે કહ્યું. પછી વાત આગળ વધી. જયારે આપણી વાર્તા લખવાની વાત કહી ત્યારે તો તેણીએ કહ્યું, ‘પરિવારમાં મુશ્કેલી આવી શકે છે, તમે વિચારીને લખજો.’

- તેં શું કહ્યું?

- સામાજિક દ્રષ્ટિકોણથી તેણી બિલકુલ સાચી હતી. મેં કહ્યું, ‘પાર્થોને બધી જ ખબર છે.’ તેણીએ મારો હાથ પકડી લીધો. મને દિલાસો આપવાની સાથે સાથે એ પણ કહ્યું, ‘તો પછી આ વાર્તાના અસલી હીરો દાદા છે.’

- વિનીતાની વાત હંડ્રેડ પર્સન્ટ સાચી છે. પાર્થો જ તારો અસલી હીરો છે. સાચું કહું તો, હું તો કોઈ જ નથી. 

- મારા જીવનમાં તારું પ્રથમ સ્થાન છે, અશ્વિન. તું મારો પહેલો પ્રેમ છે, કેવી રીતે ભૂલી ગયો?

- એવું પણ બની શકે કે તારી વાર્તા પૂરી થયા પછી હું ફરીથી એ ગુમનામ ગલીઓમાં ખોવાઈ જાઉં. 

- આજ દિન સુધી તું મારી યાદોમાંથી ખોવાયો નથી તો હવે કેવી રીતે ખોવાઈ શકે?

- જે પણ થાય, હું તારો આભારી રહીશ. તેં મને જે માનસિક શાંતિ આપી છે, તે મારા જીવવાનો સહારો બનશે અને મારા ગુનાઓ માટે માફી માંગવાનું કારણ પણ.

- અરે! કંઈક સારું બોલો ને.

- મેં એક માસૂમ છોકરીનું દિલ દુભાવ્યું, તેને રડાવી. ઈશ્વરની કૃપા છે કે તેં ઘર વસાવી લીધુ. તને પાર્થો જેવો પતિ મળ્યો. જો તું જીવનમાં એકલી રહી ગઈ હોત તો મારી પાસે મોત સિવાય બીજો કોઈ ઉપાય ન રહ્યો હોત. 

- ઉફ! તું તો હદથી વધારે ઇમોશનલ થઈ રહ્યો છે. હવે મને રડવું આવી રહ્યું છે.

- રડ નહીં ડિયર. જૂના ઘાને ઉકેલવાથી દર્દ જ થાય છે. કેટલાંક દર્દ એવા હોય છે કે જેને લખીને પણ રાહત થતી નથી. સારું લાગે છે, તેં મારા મનમાં જૂની ખાટી મીઠી યાદોનો ખજાનો ભરી દીધો. જયારે કોઈ વાત કરવાવાળું ન હોય ત્યારે હું મારી જાત સાથે વાતો કરતો રહેતો.

- વાત કરવા માટે જ તો હું તને મળી! સાંભળ, ઓસ્ટ્રેલિયાની બ્રોની વેયરે ઘણાં વર્ષો સુધી એક હોસ્પિટલની પેલિયેટીવ કેર યુનિટમાં કામ કર્યું. દર્દીઓની કાઉન્સિલિંગ કરતી વખતે તેણે જાણ્યું કે મૃત્યુની નજીક પહોંચેલા લોકોના મનમાં કોઈ ને કોઈ પસ્તાવો જરૂર હતો. 

- સાચું કહું તો, મેં પણ જીવનમાં ઘણી ભૂલો કરી છે, મારા મનમાં પણ રીગ્રેટ્સ છે.

- તેમાંથી મોટાભાગની તેં મારી સાથે શેયર કરી છે અને આગળ પણ કરતો રહીશ.

- તને કહેવામાં હવે મને કોઈ સંકોચ પણ નથી થતો. 

- થવો પણ ના જોઈએ, ઐશ.

- બ્રોની વેયરની વાત બતાવ.

- તેમણે પાંચ કૉમન પસ્તાવાઓ વિશે પુસ્તક “ધ ટોપ ફાઇવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ” પુસ્તક લખ્યું. તેમાંથી એક પસ્તાવો છે - કાશ, મેં મારી લાગણીઓને વ્યક્ત કરવાની હિંમત કરી હોત! 

- તું શું કહેવા માંગે છે, તે હું સમજી ગયો.

- મારી લાગણીઓને વ્યક્ત કરવાની હિંમત ન કરી શકવાના કારણે મારે આટલા વર્ષો સુધી એ પસ્તાવાનો બોજ ઉઠાવવો પડ્યો. જો તું મને ન મળ્યો હોત તો હું એ પસ્તાવા સાથે જ મરી જાત. તેં મને બચાવી લીધી.

- તારા શબ્દોમાં ફક્ત પ્રેમ છલકે છે, મલ્લિકા!

- હું તને ખોવા નથી માંગતી, ઐશ. મૃત્યુ પછી પણ આપણે આ વાર્તામાં જીવતા રહીશું.

- હું તને મળ્યા વિના મરીશ નહીં. તને પ્રોમિસ કરું છું. 

- આવું કંઈક લખતો રહેજે. આ દેશમાં તારું સ્વાગત છે, મારા દોસ્ત. તેં તારું ડિનર લીધું?

- લીધું, હવે સૂવાની તૈયારી કરી રહ્યો છું. 

- તને સુખ ભરી ઊંઘ આવે તે જ મનોકામના છે. હવે વધારે નહીં લખી શકું.

- ઓકે, તને આરામની જરૂર છે. તારો દિવસ શુભ રહે.

- વિલ ટૉક ટુ યુ લેટર. બાય ડિયર.

 

29 જુલાઈ 2018, રવિવાર સવારના 10.15

-----------------------------------------------------

 

- સવારની સલામ, મૈમ.

- આદાબ, તારો દિવસ કેવો રહ્યો? આજે રવિવારની સવારે ચા પીતાં પીતાં એક બાંગ્લા પ્રેમ ગીત સાંભળ્યું.

 

કૉતો જે તોમાયે બેસેછિ ભાલો, એ કૉથા તુમિ જોદી જાનતે.

એઇ હૃદય ચિરે જોદી દેખાનો જેતો, આમિ જે તોમાર તુમિ માનતે!

 

- આ પંક્તિઓનો અર્થ શું છે?

- અર્થ કંઈક આવો થશે – 

 

કાશ! હું તને કેટલો પ્રેમ કરું છું, એ જો તને કહી શકી હોત. 

  હું તારી જ છું, મારું હૃદય ચીરીને તને બતાવી શકી હોત!

 

- બહુ જ ટચી પ્રેમ ગીત છે.

- હવે તું તારી વાત લખ, અશ્વિન.

- એક્ચ્યુલી અત્યારે ડ્યુટી પર છું. શનિવારની રાત છે, પેશંટ અંકલ સૂઈ ગયા છે. મેં જમી લીધું છે. એક ગીત ગુનગુનાવી રહ્યો છું.

- કયું?

 

તુમ મિલે, દિલ ખિલે ઔર જીને કો ક્યા ચાહિયે?

ના હો તુ ઉદાસ, તેરે પાસ પાસ મૈં રહૂંગા જિંદગીભર... 

 

- તેં તો મારી દુઃખતી નસને દબાવી! વર્ષો પહેલાં તારી પાસેથી આવા જ પ્રેમની અપેક્ષા હતી. કેટલા અવસર મળ્યા તારી સાથે વાત કરવાના! બોલવાનું તો દૂર, મેં તારા પ્રત્યેના પ્રેમને મારી આંખોમાં સુદ્ધાં દેખાવા દીધો નહીં. પોતાના પર આટલો અત્યાચાર કેવી રીતે કરી શકી હું? કોણ જાણે મારા કિશોર મનમાં ધર્મનો વાડો આટલો હાવી કેમ બની ગયો હતો? મારા પપ્પા તો ધર્મનિરપેક્ષતાના પક્ષમાં હતા. જો તેં મારો પ્રેમ સ્વીકાર્યો હોત, પપ્પા તો માની જ જાત.

- પરિવારના માની લેવાથી વાત પૂરી નથી થતી ને? આગળ સગાંવહાલાં અને સમાજ ઊભો રહી જાય છે નોનકન્સેંટનો ઝંડો લઈને. 

- આ જ ડર કદાચ હાવી થયો હશે. તેમ છતાંય આજ દિન સુધી હું કૉલેજની એ “આકાર” પત્રિકા ને ફાડી ન શકી! દિલમાં સાચવી રાખ્યું એ પૃષ્ઠ, જેમાં તારી તસવીરો હતી. જીવન પથ ક્યારેક જો તું મને મળી જાય તો હું તારી સાથે મારી લાગણીઓ વહેંચી શકું!

- અને જો, તેં શોધી લીધો મને.

- શોધી તો લીધો પણ પહોંચની બહાર! તો યે મારે જે કહેવાનું હતું તે તો બાકી હતું. મેં ફ્રેંડ રીક્વેસ્ટ સાથે મારો પરિચય પણ લખ્યો જેથી તું મને ઓળખી શકે.

- સાચું કહ્યું મલ્લિકા, આજકાલ ઘણા લોકો ફેસબુક પર ફ્રેંડ રિક્વેસ્ટ મોકલે છે જેને આપણે કોઈ રેફરન્સ વગર સ્વીકારતા નથી.

- આભાર ઐશ, તું મને ઓળખી શક્યો. મારી પાસે ભવન્સ કૉલેજ સિવાય બીજો કોઈ રેફરન્સ પણ નહોતો.

- ભવન્સ કૉલેજ વાંચતા જ કેટલું બધું યાદ આવી ગયું? તારી ફ્રેંડ રીક્વેસ્ટ સાથે મેસેંજર પર તારો બે લાઇનનો પરિચય વાંચ્યા પછી પણ, મને ખ્યાલ ન હતો કે જીવનના અંતિમ છેડે તું એક ઇંટિમેટ ફ્રેંડ તરીકે મારા જીવનનો હિસ્સો બની જઈશ.

- મને પણ નહોતો જનાબ!

- તને ખબર નથી મલ્લિકા, હું અહીં કેટલી એકલતા ફીલ કરી રહ્યો હતો. તું મારા જીવનમાં એક એવા મિત્ર તરીકે આવી, જે મારી લાગણીઓને ખૂબ સારી રીતે સમજે છે. મારા હૃદયમાં જે શાંતિ અનુભવાય છે તે અમૂલ્ય છે.

- આપણે આપણા જીવનમાં લાંબી મજલ કાપી ચૂક્યા છીએ. કૉલેજના ચાર વર્ષ છોડી દઈએ તો પણ આપણી વચ્ચે એકતાળીસ વર્ષનો સમય હિમાલય બનીને ઊભો છે.

- હું તારા પ્રેમને સલામ કરું છું. તું જ કહે, મારે શું કરવું જોઈએ જેનાથી તને ખુશી મળે.

- મારી કૉલેજના એ ચાર વર્ષ મને પાછાં આપી દે, જે ફક્ત મેં તને જોઈને જ વિતાવ્યા. નવેસરથી જીવી લેવા દે એ વર્ષોને. બે પ્રેમાળ યુવાન હૈયાં કેવી બાલિશ વાતો કરતાં હશે, તે અનુભવથી હું વંચિત રહી ગઈ! તું મારી સાથે મીઠી વાતો કર. હું સાચે જ તે ક્ષણોનો આનંદ માણવા માંગું છું. 

- ક્રેઝી છોકરી! હવે કોઈનો ડર નથી લાગતો? 

- ના, હવે હું સમાજ સામે એક પડકાર સ્વરૂપે ઊભી છું. ડરવાનું કારણ જ ક્યાં રહ્યું? 

- શું વાત છે! તારી અંતરની ખ્વાહિશ એવી હતી કે જો આપણે સાથે મળીને જીવનના માર્ગ પર ચાલી શક્યાં હોત, એમ આઈ રાઇટ?

- યૂ એન્ડ મી....ધ અલ્ટિમેટ ડ્રીમ ઓફ લવ!

- શું કહું? તેં આટલી નાની ઉંમરે મને નિખાલસ પ્રેમ કર્યો, એટલું જ નહીં તેને આજ દિન સુધી સુરક્ષિત રાખ્યો. તારી એ સમયની પીડા અનુભવતાં, હું ખૂબ રડ્યો છું. પરંતુ આજે વાસ્તવિકતા એ છે કે આપણે બંને આપણી જ દુનિયામાં વ્યસ્ત છીએ. તને ખબર જ હશે કે કામદેવને બે પત્નીઓ હતી, રતિ અને પ્રીતિ. રતિ શારીરિક સ્વરૂપમાં હતી અને પ્રીતિ આત્મિક સ્વરૂપમાં. હું પહેલાં એક કામ કરું છું, એ સમયમાં પાછો જઈને તને આત્મિક રૂપે પ્રીતિ તરીકે સ્વીકારું છું. 

- હે મારા પ્રેમ અને આકર્ષણના દેવતા, તેં મને પ્રેમના મહાસાગરમાં ડુબાડી દીધી! હકીકતમાં તું કામદેવ જેવો જ આકર્ષક હતો, કૉલેજનો ચમકતો સિતારો!

- મારો દેખાવ જ મારો દુશ્મન બન્યો! એ સમયે હું તરસી રહ્યો હતો કે કોઈ છોકરી મારી સાથે વાત કરે. સાચું કહું છું, મને થોડો પણ સંકેત મળ્યો હોત તો હું તને રાજકુમારીની જેમ મારી પલકો પર બેસાડત. કોઈ વ્યક્તિ માટેનો પ્રેમ આટલા વર્ષો સુધી કેવી રીતે અખંડ રાખી શકાય? તે સમયે તો સંભવ નહોતું, અત્યારે પણ સંભવ નથી. તેં અસંભવને કેવી રીતે સંભવ બનાવ્યું? 

- હકીકતમાં પણ સંભવ બન્યું હોત, મારા હીરો! કૉલેજના ઇલેક્શનના દિવસે તેં મારા માથા પર ગુલાલ તો નાખી જ દીધો હતો, ચહેરા પર લગાવવાના બહાને મને સ્પર્શ્યો હોત, તો મારામાં થોડી હિંમત આવી હોત. 

- હવે તેં મારી દુખતી નસ દબાવી દીધી! થોડો શરારતી કે નટખટ હોત તો વાત બની જાત ને?

- હવે તો બની ગયો ને? પણ હવે હું એ સીધી સાદી ભોળી છોકરી ક્યાં છું? 

- થોડી રહી હવે જિંદગી, દુનિયામાં શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાનું?

- એવું ન બોલ ઐશ, શું તને ખબર છે? કામદેવના પુષ્પાયુધના પંચબાણ પ્રખ્યાત છે. નીલકમલ, મલ્લિકા, આમ્રમૌર, ચમ્પક અને શિરીષ કુસુમ. ક્યાંક તો મારું નામ છે, ‘મલ્લિકા’.

- એટલે તો તને ‘પ્રીતિ’ કહું છું.

- તારું હિન્દુ શાસ્ત્રોનું જ્ઞાન જાણીને હું હેરાન છું.

- મારો ઉછેર હિન્દુ ઇલાકામાં થયો છે. મારા બધા મિત્રો હિન્દુ હતા, હજી પણ છે. ઇસરોનો એક બંગાળી ફોટોગ્રાફર દોસ્ત હતો, મિસ્ટર પૉલ. તે ખૂબ જ નિખાલસ વ્યક્તિ હતો.

- બંગાળી છોકરી સાથે જ દોસ્તી ના કરી શક્યો!

- બંગાળી યુવતીઓ, જે પણ જોઈ તે ફિલ્મનાં પડદા પર જોઈ. તેમની નજીક જવાનો મોકો જ ન મળ્યો અને એક જે હકીકતમાં મળી, તે ડરપોક નીકળી. બસ ચૂપ જ રહી, પણ હું ખુશ છું કે તે મને ફેસબુક પર તો મળી. તેની સફળતા વિશે જાણ્યું. નિદા ફાજલીની ગઝલનો એક શેર છે-

 

વો સિતારા હૈ, ચમકને દો યૂં હી આંખો મેં.

ક્યા જરૂરી હૈ, ઉસે જીસ્મ બના કર દેખો!

 

- તું ત્યારે પણ પાગલ હતો, આજે પણ પાગલ છે.

- આજથી હું એવો જ બેફિકરો કૉલેજીયન યુવાન બની જાઉં છું અને તું પાછી એ જ સોળ વર્ષની ભોળી છોકરી બની જા. ચાલ, વીતી ગયેલા સમયની શેરીઓમાં એક આંટો મારી આવીએ. 

- તો પછી કંઈક રોમેન્ટિક લખ.

- હું લેખક નથી, કવિ પણ નથી; તો શું લખું? ‘આખિરી દાંવ’ ફિલ્મનું આ ગીત જ લખી દઉં છું.

તુઝે ક્યા સુનાઉં મૈં દિલરૂબા,

તેરે સામને મેરા હાલ હૈ.

તેરી ઇક નિગાહ કી બાત હૈ,

મેરી જિંદગી કા સવાલ હૈ.....

- અહા! મારી કેટલીયે નિગાહેં તારા સુંદર ચહેરા સાથે ટકરાઈ ને પાછી આવી! હવે લખે છે કે તેરી ઇક નિગાહ કી બાત હૈ.?

- ત્યારે ના કહી શક્યો એટલે તો હવે કહું છું, છોકરી. મારી ઘોર એકલતાની સૂકી ડાળીઓ પર તેં લાગણીના ફૂલ ખીલાવ્યાં. મારા માટે તું વૃક્ષની એવી છાયા છે કે જ્યાં જીવનથી થાકેલો હારેલો યાત્રી, હું રાહત અનુભવું છું. 

- આ ઉંમરે તારે આટલું મુશ્કેલ કામ કરવું પડે છે, જાણીને મારું હૈયું ચિરાઈ જાય છે. આજે તું આરામ કર. કાલે આપણે ભવન્સ કૉલેજને યાદ કરતાં કરતાં મજાક મસ્તીની વાત કરીશું. 

- થેન્ક યૂ, ડિયર. તારો દિવસ શુભ રહે.

- ગુડ નાઇટ.