Tari Sangathe - 7 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 7

Featured Books
Categories
Share

તારી સંગાથે - ભાગ 7

ભાગ 7

 

26 જુલાઈ 2018, ગુરુવાર બપોરના 1.30

 ---------------------------------------------------

 

- હું મારા જીવનના તે અંધકારભર્યા દિવસ વિશે લખવા માટે મોડી રાત સુધી વિચારતી રહી. અહીં અત્યારે બપોરનો સમય છે, ત્યાં તું ભર ઊંઘમાં હોઇશ.

હું જાણું છું કે તને બહુ દુઃખ થશે, પણ તું એકમાત્ર એવી વ્યક્તિ છો, જેની સાથે હું આ વાત કરી શકું છું. આ પહેલા કોઈને કહી નથી. આ ભૂતકાળની વાત છે. તેના પર બહુ ધ્યાન ન આપતો. મારા જીવનમાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બની છે જેની મેં કલ્પના સુદ્ધાં નહોતી કરી. તે પણ સાચું છે કે એક અદ્રશ્ય શક્તિ હંમેશાં મારી સાથે રહી છે. મેં તને ગઈકાલે નિલય સાથેની મિત્રતા વિશે કહ્યું હતું. આજે મેં એ ઘટના વિશે લખવાનું વિચાર્યું છે, જેના વિશે ઈશ્વર સિવાય કોઈને ખબર નથી. પાર્થોને પણ આ ઘટના વિશે ક્યારેય કશું કહ્યું નથી. 

એ દિવસ હતો ૨૫ જાન્યુઆરી ૧૯૮૨નો, જે દિવસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ હતું. નિલયને મળ્યાને ઘણા દિવસો વીતી ગયા હતા. મેં તેને લગભગ ચાર-પાંચ દિવસ પહેલા એક પત્ર લખ્યો હતો કે હું ૨૫ જાન્યુઆરીએ તેને મળવા આવીશ. મને યાદ જ ન રહ્યું કે એ દિવસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ હતું. તું પણ જાણે છે કે તે જમાનામાં પત્રો એ કમ્યુનિકેશનનું એક માત્ર સાધન હતું. જ્યારે હું વિદ્યાનગર આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટરની સામેના બગીચામાં પહોંચી, તે ત્યાં ન હતો. અમે મોટે ભાગે અહીં જ મળતા. તે સમયનો ખૂબ પાબંદ હતો. આવું પહેલી વાર બન્યું હતું જ્યારે તે સમયસર પહોંચી શક્યો ન હતો. બની શકે કે મારો પત્ર તેને ન મળ્યો હોય. મેં વિચાર્યું કે તેની હોસ્ટેલ જઈને જોઉં કારણ કે મારે સાંજની ટ્રેનથી બારેજડી પાછા જવાનું હતું. હોસ્ટેલ બહુ દૂર નહોતી, હું ચાલતી ત્યાં પહોંચી અને દરવાજો નૉક કર્યો. તેણે દરવાજો ખોલ્યો, પ્રશ્નાર્થ દ્રષ્ટિથી મારી સામે જોયું. મેં કહ્યું, ‘તને પત્ર લખ્યો હતો, આજે હું તને મળવા આવવાની હતી. તું ગાર્ડનમાં ન દેખાયો તો અહીં આવી. ચાલ, ત્યાં જઈએ.’ મેં તદ્દન સ્વાભાવિક રીતે કહ્યું.

‘મને તારો પત્ર નથી મળ્યો. મારા કેટલાક મિત્રો આજે આવી રહ્યા છે. અમે રૂમની ગેલેરીમાં સૂર્યગ્રહણ જોવા માટે એક પ્રોગ્રામ બનાવ્યો છે. આજે હું ગાર્ડનમાં નહીં આવી શકું. તું જતી રહે.’ તે કદી જૂઠું બોલતો નહોતો. સાચેજ તેને મારો પત્ર નહીં મળ્યો હોય. મેં કહ્યું, ‘ઠીક છે, તો હું પણ સૂર્યગ્રહણ જોઈશ.'

‘ના, તું અહીં રોકાઈ ના શકે.’

‘અરે! હું પણ તારી મિત્ર છું. કેમ ના રોકાઈ શકું? આટલે દૂરથી આવી છું.’

‘મારા મિત્રો તને નથી ઓળખતા.’

‘તો તારા મિત્રો સાથે મારી ઓળખાણ કરાવી દેજે.’ કહી મેં રૂમના ખૂણામાં પડેલી ખુરશી ખેંચી અને બેસી ગઈ. આટલા વર્ષોની મિત્રતા હતી તો એટલો હક તો બનતો જ હતો. મિત્રતા કોઈ છુપાવવા જેવો સંબંધ તો હતો નહીં. હા, હું તેની સ્ત્રી મિત્ર હતી. મિત્રતા નો પ્રસ્તાવ પણ તેણે જ મૂક્યો હતો. બીજાની સામે પણ આ કહેવાની હિંમત હોવી જ જોઈએ ને? પણ આ મારો ભ્રમ હતો ઐશ! તે તેની જીદને વળગી રહ્યો હતો અને હું પણ. તેની સામે આ મારી પહેલી જીદ હતી અને મને અંદાજ જ નહોતો કે આવનારી પળ મારા માટે કેટલી ઘાતક છે! 

થોડી પળોમાં તો તે મારી બિલકુલ નજીક આવીને ઊભો રહી ગયો. બોલ્યો, ‘તું નહીં જાય?’

‘ના.’ મેં શાંતિથી કહ્યું.

અચાનક તેણે મારી ગરદન તેના બંને હાથથી જકડી લીધી. મેં તેનું આટલું ભયંકર રૂપ ક્યારેય જોયું નહોતું! ભયથી મારી આંખો ફાટવા લાગી. મારી ગરદન પર દબાણ વધી રહ્યું હતું. તેનો અવાજ સંભળાઈ રહ્યો હતો, ‘આજે હું તારું ખૂન કરીશ, પછી ભલે જેલ થઈ જાય.’ મારો શ્વાસ રૂંધાતો હતો. હું તેના હાથ દૂર કરવા નિરર્થક કોશિશ કરી રહી હતી. અશ્વિન, આ લખતાં લખતાં આ....જે પણ મારી આંગળીઓ કાંપી રહી છે. તે દિવસે મારું આખું શરીર ધ્રૂજતું હતું. થોડી વારમાં તેની પકડ ઢીલી થઈ ગઈ. તેણે પોતાના હાથ હટાવ્યા અને લગભગ બેહોશીની હાલતમાં જ મારું માથું ટેબલ પર ઢળી પડ્યું! તે તરત જ એક ગ્લાસ પાણી લઈ આવ્યો, હું પાણી પીવાની હાલતમાં પણ નહોતી! તે મને ઢંઢોળીને પૂછવા લાગ્યો, ‘શું થાય છે તને?’ ‘ચક્કર..’ એટલું જ બોલી શકી. મારી આંખો સામે અંધકાર હતો.

દરવાજો ખુલ્લો જ હતો, દરવાજા પર તેના મિત્રો આવી ગયા હતાં. મિત્રોને સંબોધતા તેણે કહ્યું, ‘આ મારી મિત્ર મલ્લિકા છે. અમદાવાદમાં રહે છે. તડકામાં આવી છે તેથી તબિયત ખરાબ થઈ ગઈ છે.’ પાણીનો ગ્લાસ તેના હાથમાં હતો. ગ્લાસ ટેબલ પર મૂકીને તેણે બંને હાથથી મને પકડી, ધીરેથી બોલ્યો, ‘તું મારા બેડ પર થોડો રેસ્ટ લઈ લે. સારું થઈ જશે.’ તેણે ઓશિકા પર મારૂં માથું ટેકવ્યું અને મિત્રોને પાછળની ગેલેરીમાં લઈ ગયો, જ્યાં તડકો આવતો હતો. પ્લાસ્ટિકના એક મોટા ટબમાં પાણી ભરીને રાખ્યું હતું, જેમાં તેઓ ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવાના હતા.

ઐશ, હું માનતી હતી કે પ્રેમ એક શક્તિ છે. આત્માનો વાસ્તવિક ગુણ છે, કોઈના પણ જીવનમાં પરિવર્તન લાવી શકે છે. નિલયે મારી પ્રેમ વિશેની મારી માન્યતાઓનું ગળું દબાવ્યું! એક જ પળમાં તેણે મારી દોસ્તીની ઇમારતને ધ્વસ્ત કરી દીધી, જે શુદ્ધ પ્રેમના પાયા પર રચાઈ હતી. મારી પ્રબળ જિજીવિષા જ હતી કે મારી જાતને સંભાળવામાં મને પાંચ મિનિટથી વધુ સમય ન લાગ્યો. હું ઊભી થઈ. મારા હોઠ સુકાઈ રહ્યા હતા, ટેબલ પર મૂકેલા ગ્લાસમાંથી પાણી પીધું. સામે દીવાલ પર ટાંગેલા આદમકદના અરીસા પર નજર ગઈ. મારી વિસ્ફરિત આંખો, નિસ્તેજ ચહેરો જોઈને હું ડરી ગઈ. જલ્દીથી ઊઠીને હું બહાર આવી ગઈ અને બસ-સ્ટેન્ડ તરફ ચાલવા લાગી. હું ભાગવા માંગતી હતી, પણ મારા પગ લંગડાતા હતા. દર વખતે તે મને આણંદ સ્ટેશન પર મૂકવા આવતો. અમે સ્ટેશનની પાછળ આવેલી તૃપ્તિ રેસ્ટોરન્ટમાં બેસતા, ચા પીતા. આ વખતે આવવાનો કોઈ સવાલ જ નહોતો.

જ્યારે કોઈ સંબંધમાં વિશ્વાસની દોર તૂટે છે ત્યારે તેને સંભાળવું મુશ્કેલ બની જાય છે, પછી તૂટેલા સંબંધોનો ડંખ જીવનભરનો ઘા બની જાય છે. સ્ટેશન પહોંચી ત્યાં સુધીમાં મારી જિજીવિષા દમ તોડવા લાગી. એક ક્ષણ માટે મેં ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરવાનું વિચાર્યું. બીજી જ ક્ષણે પપ્પાનો ચહેરો દેખાયો. જે માણસે મને આટલા લાડકોડમાં ઉછેરી, જે પરિવારે અત્યાર સુધી મારી રક્ષા કરી, તેમને હું દર્દના સાગરમાં કેવી રીતે ધકેલી શકું? મને એ ખ્યાલ હતો કે હું પરિવારનું જયેષ્ઠ સંતાન છું અને મારું એક ખોટું પગલું મારા પરિવાર, મારા ભાઈ- બહેનના જીવન માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ટ્રેન આવવાને ઘણી વાર હતી. હું પ્લેટફોર્મ પર, એક બેંચ પર બેસી રહી. બસ એટલું જ સમજમાં આવી રહ્યું હતું કે હું મુક્ત થઈ ગઈ! તેને પણ મુક્ત કરી દીધો, પણ આ મુક્તિની રીત આટલી ભયાનક હશે, તે ખબર નહોતી. પ્રેમ તો અમૃતરૂપી એવું ઝરણું છે અશ્વિન, જે પથ્થરોમાં પણ ફૂલ ખીલાવી દે છે. શું તે પેલા મિત્રોને પણ પ્રેમ કરતો હશે, જેમનું નામ લઈને તેણે મારી આવું અમાનવીય વર્તન કર્યું?

ઘરે આવી, કોઈને ખબર સુધ્ધાં ના પડી કે આજે મારા પર શું વીત્યું? ઘરના એ નાના રૂમમાં કપડાં બદલવાના બહાને મેં દરવાજો બંધ કર્યો. નિલયે અજાણતા મને ફરીથી તારી તરફ ધકેલી દીધી હતી! મેં બૉક્સમાંથી ‘આકાર’ પત્રિકા કાઢી, તે પેજ ખોલ્યું જેમાં તારી તસવીર હતી. તને જોયો, તારી આંખોમાંથી તો પ્રેમની વર્ષા થઈ રહી હતી! પ્રેમની તે બૂંદોમાં મારી દર્દની બૂંદો એકાકાર થઈ ગઈ અને એક સુંદર ઇન્દ્રધનુષી રંગ ઊભરી આવ્યો, જે મને જીવવા માટે કહી રહ્યો હતો. તારી તસવીરને છાતીસરસી ચાંપીને હું ત્યાં સુધી રડતી રહી, જ્યાં સુધી મારા મમ્મીએ દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, ‘આટલી વાર કેમ લાગે છે કપડાં બદલવામાં?’ 

મમ્મીનું માનવું હતું કે દીકરીનું સાચું ઘર તેનું સાસરું છે, તેથી તે મારા હાયર એજ્યુકેશનની વિરોધી હતી. પપ્પાના વિચારો સાવ જુદા હતા. તેઓ હંમેશાં મહિલાઓના હિતમાં વિચારતા એટલે પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરી. હું પપ્પાની લાડકી દીકરી હતી. તેમણે ક્યારેય મારી પર હાથ ઉગામ્યો નહોતો. ભૂલથી ક્યારેક જો થોડું વઢી લીધું હોય, તો પણ તેમની આંખો છલકાઈ ઉઠતી. એવામાં એ દિવસે મારી ઉપર શું વીત્યું તે હું પપ્પાને કેવી રીતે કહેત? 

પરિવારમાં સતત મારા લગ્નની વાત ચાલતી હતી તેથી મેં પપ્પાને મારી આ મિત્રતા વિષે થોડું ઘણું કહ્યું હતું. પપ્પા મને સમજતા હતા. મને ભરોસો હતો કે હું નિલયનું દિલ જીતી શકીશ, પરંતુ આજે મારા સપનાનો મહેલ પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ ગયો હતો. બીજા દિવસે મેં હિંમત કરીને પપ્પાને એટલું જ કહ્યું કે નિલય સાથેની મારી મિત્રતા પૂરી થઈ ગઈ છે. પપ્પા સમજી ગયા, તેમણે મારા ઉદાસ ચહેરા સામે જોયું અને એટલું જ કહ્યું, ‘તેં તો નથી તોડીને? તેણે તોડી છે, તું કેમ પોતાને દોષી માની રહી છે?’ તેમને હું કહી ન શકી કે મિત્રતા તૂટવાની સાથે બીજું શું શું તૂટી ગયું હતું! 

મારું વિવશ મૌન મારા મનમાં જ સમેટાઈ ગયું. હું નર્વસ બ્રેકડાઉન નો શિકાર થઈ ગઈ. હું ન કંઈ ખાઈ શકતી કે ન કશું બોલી શકતી. હથેળીની આડી-અવળી રેખાઓ હવે વધારે ઊંડી બની મારા ચહેરા પર ઊભરી આવી હતી. હવે જે મુશ્કેલીઓ આવી રહી હતી તે વધુ ખતરનાક હતી. હું ઊંઘી શકતી નહોતી. જેવી આંખો બંધ કરતી મને લાગતું કે કોઇ મારૂં ગળું દબાવી રહ્યું છે. હું ચીસો પાડતી, મારો શ્વાસ રૂંધાવા લાગતો. શ્વાસ લેવામાં થતી મુશ્કેલીને કારણે હું તડપતી રહેતી. દિવસ હોય કે રાત, આવા હુમલાઓ અવારનવાર થવા લાગ્યા. મારા માતાપિતા અને ભાઈબહેન બધાં પરેશાન હતા. હું બધાંની પીડાનું કારણ બની ગઈ. મારી હાલત જોઈને કોઈ મને કશું પૂછવાની હિંમત નહોતાં કરતાં.

હવે ડૉક્ટર્સની મુલાકાતો શરૂ થઈ. ડૉકટરો સમયાંતરે બદલાયા, ઘણાં પરીક્ષણો કરાયાં. રિપોર્ટ્સ નોર્મલ હતા, ડોક્ટર્સ પરેશાન! આ એક મનોવૈજ્ઞાનિક સમસ્યા હતી જેના વિશે ફક્ત હું જ જાણતી હતી, પણ મેં કોઈ પણ ડોક્ટરને કહેવાનું ઉચિત ન માન્યું. અમારા પાડોશમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. મારાં મમ્મીએ મારી આ પરેશાની તે પરિવારની મહિલાને બતાવી. હું તેમને આંટી કહેતી. તેઓ એક દિવસ અમારા ઘરે આવ્યા, મને એક નાની પડીકી આપી અને કહ્યું, ‘મલ્લિકા, આમાં પૂજાનું સિંદૂર છે, જે હું મહેમદાવાદના એક મંદિરના પૂજારી પાસેથી લાવી છું, તું તેને પાણીમાં ઓગાળીને પી લેજે. એકદમ સારું થઈ જશે.’ મેં શ્રધ્ધાથી તે સિંદૂરને પાણીમાં ઓગાળી પી લીધું અને ચમત્કાર થયો! ધીરે ધીરે હું સ્વસ્થ થવા લાગી. પરિવારનો સામનો ન કરવો પડે તેથી મેં ઓફિસ જવાનું શરૂ કર્યું. બહેનપણીઓ મારા વેઇટલોસથી ચકિત હતી. તેઓએ વિચાર્યું કે હું ડાયેટિંગ કરું છું. મમ્મી મારી ચુપકીદીથી વ્યથિત થઈ ગઈ. તેમણે અમદાવાદથી મારાં લેખા માસીને બોલાવી લીધાં. માસી મને તેમના ઘરે લઈ ગયાં. 

મેં નિલયને બેનકાબ કરવાનું ક્યારેય નહોતું ઇચ્છ્યું, ઐશ. આટલાં વર્ષો પછી હું તને જ આ વાત કહી રહી છું. આ રીતે કોઈ મારું અપમાન કેવી રીતે કરી શકે? તેના મિત્રો સાથે મારો પરિચય કરાવવાનું પણ તેને જરૂરી ન લાગ્યું. જે સન્માનની હું હકદાર હતી, તે તો મને મળવું જ જોઈતું હતું. મારી આ એક નાનકડી જીદે તેની અંદરના પુરુષને એવી રીતે છંછેડ્યો કે મને મારવા પર ઉતરી આવ્યો! તે દિવસે મેં તેનામાં પુરુષસત્તાત્મક સમાજનું ડરામણું પ્રતિબિંબ જોયું! તે મારો મિત્ર પણ કેવી રીતે રહી શકે? 

આ ઘટના આશરે ચાલીસ વર્ષ પહેલાની છે. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે, પરંતુ દરેક યુગમાં મારા જેવી યુવતીઓ હશે જે પ્રેમમાં માનતી હશે. હવે મને સમજાય છે કે પ્રેમ દરેક સંબંધોમાં અનિવાર્ય છે. આપણે પ્રેમ વિનાના સંબંધો જાળવવા ન જોઈએ કે ક્યારેય શરતી સંબંધોમાં અટવાઈ જવું જોઈએ નહીં. આવા સંબંધોમાં ફક્ત દિશાહીન માર્ગો હોય છે જે આપણા હૃદયમાં આશા તો જગાડે છે પણ છેવટે વિખેરાયા સિવાય કશું જ મળતું નથી.

કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ નારીનું સન્માન કરવાની નૈતિક જવાબદારી શું પુરુષોની નથી? પુરુષ સંસ્કારી હોય તો જ એક સારા સમાજનું નિર્માણ થઈ શકે ને? ચેરિટી બીગિન્સ એટ હોમ. દરેક પરિસ્થિતિમાં મહિલાઓ પ્રત્યે આદરની ભાવના જાળવી રાખવાની શીખ, બાળકોને તેમના પરિવારમાંથી જ મળવી જોઈએ ને?

હવે વધારે નહીં લખી શકું. તારે ત્યાં સવાર થવામાં છે. મને થોડો વિરામ જોઈશે.

 

 

26 જુલાઈ 2018, ગુરુવાર રાતના 10.45 

--------------------------------------------------

 

- સવાર-સવારમાં તારી આ પોસ્ટ વાંચ્યા પછી હું કોઈ પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી, ડિયર. તારા જેવી મિલનસાર અને ઉદારદિલ છોકરીએ આવા એક હાર્ટલેસ અને રફ વ્યક્તિની સાથે મિત્રતા નિભાવતા પોતાનું અસ્તિત્વ જ મિટાવી દીધું! જેને સમજવો અઘરો હોય, જ્યાં આટલો મોટો કમ્યુનિકેશન ગેપ હોય, એવા પથ્થરદિલ માણસ માટે તેં તારા જીવનના આટલા વર્ષો કેમ બરબાદ કર્યા, મલ્લિકા? મને ઘણું દુખ થાય છે અને ગુસ્સો પણ બહુ જ આવે છે. ક્યારેક તારી પર, ક્યારેક મારી પર.

- ઐશ, ગમે તેવો ગુસ્સો કરી લે. હું એને જ લાયક છું. 

- જ્યારે તું પહેલી વાર તેની સાથે ફિલ્મ જોવા ગઈ અને હૉલની બહાર નીકળીને તેણે કહ્યું કે તે પ્રેમમાં નથી માનતો, ત્યારે જ તારે સમજી લેવું જોઈતું હતું.

- જ્યારે તેણે કહ્યું કે તે પ્રેમમાં નથી માનતો પણ મિત્ર જરૂર બનવા માંગે છે, ત્યારે થોડી ઉમ્મીદ મારા મનમાં જાગી હતી, ઐશ.

- આ જ વાત તે તને ક્લાસરૂમમાં, લાઇબ્રેરીમાં, અરે રસ્તા પર રોકીને પણ કહી શક્યો હોત. ફિલ્મ જોવા જવાની શું જરૂર હતી?

- મેં અહીં ભૂલ કરી. સાથે મળીને ફિલ્મ જોવાના એના આમંત્રણ ને હું પ્રેમનો એકરાર સમજી બેઠી. 

- મિત્રતામાં પણ પ્રેમ હોવો અનિવાર્ય છે મલ્લિકા, પ્રેમ વિનાની મિત્રતા તેં કેવી રીતે સ્વીકારી? તું પોતે લખે છે કે જે સંબંધો પ્રેમ અને લાગણીથી પર હોય તેવા સંબંધોને તુરંત છોડી દેવા જોઈએ. 

- કદાચ હું તેને પ્રેમની પરિભાષા સમજાવવા માંગતી હતી! 

- હવે શું કહું?

- તે સ્ત્રીથી હારેલો પુરુષ હતો, અશ્વિન. પુરુષપ્રધાન સમાજમાં, જ્યારે પણ પુરુષ કોઈ સ્ત્રી સામે હારે છે, ત્યારે એ પુરુષ માટે એનાથી મોટી કોઈ હાર નથી હોતી. જ્યાં સુધી હું માનું છું, આ વાત સ્ત્રીઓને લાગુ નથી પડતી. સ્ત્રી પ્રેમમાં હારે છે તો પણ તે પ્રેમની તલાશમાં જ રહે છે! મને પણ પ્રેમની જ તલાશ હતી અને તેને આપવા માટે, મારી પાસે પ્રેમ સિવાય બીજું કશું નહોતું.

- તારો જવાબ નથી, મલ્લિકા! જે રીતે તે તને રૂમમાં એકલી મૂકીને તે તેના મિત્રો સાથે સૂર્યગ્રહણ જોવામાં વ્યસ્ત થઈ ગયો, તારી સાથે તેણે કરેલા વર્તન અંગે તેને કોઈ અફસોસ નહોતો. શું તેં ક્યારેય વિચાર્યું છે કે તેના મિત્રોએ તારા વિષે શું ધારણા બાંધી હશે?

- ના, એ રીતે તો ક્યારેય નથી વિચાર્યું. 

- તને એકાએક જોઈને ખરેખર તો તેણે ખુશ થવું જોઈતું હતું. આટલે દૂરથી તું તેને મળવા ગઈ, તો તને એક ગ્લાસ પાણી આપીને ખુરશી પર બેસવા માટે કહેવું જોઈતું હતું. પછી પ્રેમથી તારો હાથ પોતાના હાથોમાં લઈને કહ્યું હોત, ‘ડિયર ફ્રેંડ, આજે તને ટાઇમ આપવો ખરેખર મુશ્કેલ છે. મારા કેટલાક મિત્રો આજે અહીં સૂર્યગ્રહણ આવવાના છે. કદાચ તેઓ આપણી મિત્રતા માટે કંઈક જુદું વિચારે. શક્ય હશે તો આપણે આવતા અઠવાડિયે મળીશું.’ 

- કાશ, તે આટલું મીઠું બોલી શક્યો હોત! પ્રેમની ભાષા તો બધાને ઝુકાવી દે છે.

- આ પુરુષનો ‘મેઇલ ઇગો’ છે, પુરુષને જ સમાજમાં સર્વશ્રેષ્ઠ સમજવાના વિચારને કારણે ઉદભવ્યો છે.

- તું સાચું કહી રહ્યો છે, ઐશ. માણસનું બિહેવિયર મોટાભાગે તેના પારિવારિક માહોલને દર્શાવે છે. તે જ આગળ જતાં સમાજનું દર્પણ બની જાય છે.

- એક છોકરી સાથે આવું બિહેવ કરવાવાળો વ્યક્તિ, શું ક્યારેય એક સારો ભાઈ, સારો પતિ કે સારો પિતા બની શકે?

- ખબર નથી. એક રીતે નિલયના અમાનવીય વર્તનથી મારું જીવન સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું. એ ઘટના પછી, હું મારી કલ્પનાનાં ખુશહાલ જીવન સુધી ક્યારેય પહોંચી શકી નહીં! ગીત અને ગઝલ મારા જીવનમાંથી ગાયબ થઈ ગયાં. વર્ષો સુધી હું સાહિત્યથી પણ અલિપ્ત રહી. હું ફિલ્મો જોવાનું લગભગ ભૂલી ગઈ. આ બધાં જ માધ્યમોમાં, મૂળ તત્વ તો પ્રેમ જ હોય છે ને? જે સાંભળીને, વાંચીને અને જોઈને હું પીડાના સાગરમાં ડૂબવા લાગતી. મને ‘પ્રેમ’ શબ્દનો જાણે ફોબિયા થઈ ગયો!

- આથી જ કહું છું મલ્લિકા, જીવન એટલું સસ્તું ન થવું જોઈએ કે કોઈ આપણી સાથે ઈચ્છે તે પ્રમાણે વર્તે.

- અશ્વિન, હું ભાવનાઓના પ્રવાહમાં વહી રહી હતી. આજે તેં મારી સામે આયનો ધરી દીધો! મારા જીવનની સૌથી પીડાદાયક ક્ષણો વિશે તારી સાથે વાત કરતાં, મારી અંદર સળગતો પીડાનો ધગધગતો જ્વાળામુખી જાણે શાંત થવા લાગ્યો. 

- તારું મન શુદ્ધ છે અને માર્ગ સત્યનો છે, તેથી ઈશ્વરકૃપાથી તારા માટે જે સારું હતું તે થયું.

- તારા કરતા વધુ સારો મિત્ર મને કોણ મળત, જેને હું જીવનની બધી જ વાતો કહી શકું?

- આભાર તારો. તેં મને એ લાયક માન્યો. 

- વાતો વાતોમાં જ તું મારા હૃદયના અતળ ઊંડાણ સુધી પહોંચી ગયો અને હું તને એ વાત કહી શકી, જેનો બોજ ઉઠાવી હું અત્યાર સુધી દર્દની અનંત ઊંડાઈમાં ડૂબી રહી હતી. તું એક ગાઢ મિત્ર તરીકે મારા જીવનમાં આવ્યો અને મને મારી ખોવાયેલી દુનિયા શોધી આપી.

- તારી નજરોએ મને મોટો બનાવી દીધો, સખી!

- અશ્વિન, મારા હૃદયમાં તારું ખાસ સ્થાન છે. 

- હું તો એક ‘આમ’ ઇન્સાન છું, મારી શું વિસાત?

- તું ભલે પોતાને ‘આમ’ માનતો હોય, પણ મારી નજરોમાં તો તું ‘ખાસ’ જ હતો, એટલે જ તો આટલા લાંબા સમય સુધી હું તને મારી યાદોમાં સાચવી શકી!

- તે મારું સૌભાગ્ય છે, મલ્લિકા. 

- મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું તારી સાથે વાત કરી શકીશ. તારા શબ્દોના સ્પર્શથી મારા હૃદયના બધા જ ઘા રુઝાઈ ગયા. મારા અસ્તિત્વની ભૂમિમાં પડેલી અસંખ્ય તિરાડો, તારા સ્નેહની ભીનાશ પામીને જોડાઈ ગઈ.

- તેં પણ બતાવી દીધું કે પ્રેમની તાકાત શી છે.

- અશ્વિન, પ્રથમ પ્રેમ એ જીવનની સૌથી સુંદર અનુભૂતિ છે. જો તે ન મળે તો પણ, તેનું મહત્વ ઓછું થતું નથી. આજે અહીં જ થોભું છું, હવે ઊંઘ આવી રહી છે. ગુડ નાઇટ. 

- હેવ એ નાઇસ સ્લીપ, ડિયર. ગુડ નાઇટ.