Tari Sangathe - 4 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 4

Featured Books
Categories
Share

તારી સંગાથે - ભાગ 4

ભાગ 4

 

22 જુલાઈ 2018, રવિવાર સાંજના 7.00 

--------------------------------------------------

 

- કેમ છો?

- હું મજામાં છું ઐશ, તું કહે. 

- અત્યારે સવાર થઈ છે, મારા પેશન્ટ અન્કલ હજી ઉંઘે છે, તેથી થોડો ફ્રી છું. હું જૉબ પર મારી ડાયરી અને ટૈબ્લેટ સાથે રાખું છું જેથી હું ફુરસદની ક્ષણોમાં કંઈક લખી શકું. મારી લખેલી એક કવિતા તને મોકલી રહ્યો છું. મને છંદો વિશે કોઈ જાણકારી નથી. વાંચીને કહે કેવી લાગી?

 

ઉડ્ડયન

 

ભલો હતો હું એકલો.

આઝાદ હતુ દિલ 

ને મસ્તી ભરી મજા હતી.

અચાનક આવી ચડ્યાં તમે 

મારા નભની ક્ષિતિજ પર!

નજર મળી ને મળ્યાં દિલ,

હાથમાં પરોવી હાથ 

આકાશે ઊડયાં આપણે,

ઝૂમી ઉઠ્યો પ્રેમનો પતંગ 

લહેરાતી હવાને સંગ!

પણ, સંચાર ક્યાં હતો 

આપણા હાથમાં?

ગૂંચવાઈ દોરી એવી કે

સમતુલા ખોઈ આપણે,

ઉપાધિઓની ગાંઠો પડતાં 

રચાતી ગઈ બંધનોની સાંકળો!

વાંચ્યા હતા જે ધર્મ ગ્રંથો,

સપ્તપદીના ફેરે સમજાયા

તેના ગૂઢ  અર્થો!

પ્રેમનું એક તીર વીંધી ખુદને અર્જુન સમજી બેઠો,

નવ્વાણું તીર વીંધશે  છાતી, એ કેમ વિસરી બેઠો?

 

- સરસ! મહાન કવિ સૂર્યકાંત ત્રિપાઠી 'નિરાલા' હિન્દી કવિતામાં મુક્ત છંદ લાવ્યા. તારી મુક્ત છંદમાં લખાયેલી આ કવિતાની ભાષા સહજ અને સરળ છે. કવિતામાં તીવ્ર લાગણી છે, એક લય છે. કવિતા સંપૂર્ણ પ્રામાણિકતા સાથે લખાઈ છે. તું હજી ગુજરાતી ભાષાને ભૂલ્યો નથી!

- કેવી રીતે ભૂલું? મારી નાટકની પ્રવૃત્તિઓને કારણે, હું ગુજરાતી અને હિન્દી સાથે જોડાયેલો રહ્યો છું. જે થોડું ભૂલી ગયો હતો તે તારા કારણે સુધરી રહ્યું છે.

- ઐશ, આ કવિતામાં તારા પરિણયમાં આવેલી મુશ્કેલીઓ અને તે સમયની તારી અનુભૂતિઓનું ને લગતું કટાક્ષભર્યું અને માર્મિક નિરૂપણ છે. ‘પરિણય’ શબ્દ પરથી યાદ આવ્યું, આ નામની ફિલ્મના એક દ્રશ્યમાં, બસમાં અન્ય મુસાફરો સાથે મુસાફરી કરતાં મેં તને જોયો હતો. 

- સાચી વાત. મેં ‘પરિણય’ ફિલ્મના એક સીનમાં એક્સ્ટ્રા આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. હું ખરેખર ફિલ્મમાં કરિયર બનાવવા માંગતો હતો, પરંતુ તે શક્ય ન બન્યું

- અહીં મને મહર્ષિ અરવિન્દની શિક્ષણ પ્રણાલીની અવધારણાની યાદ આવે છે. તેઓ કહે છે, "દરેક બાળકને તેની વ્યક્તિગત ક્ષમતા અનુસાર શિક્ષણ આપવું જોઈએ."

- એજ તો નથી થતું ને, મલ્લિકા! એક તો આપણી પાસે પહેલેથી જ સારી શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ નથી, ઉપરથી માતાપિતા તેમની પસંદગીનું શિક્ષણ તેમના બાળકો પર લાદી દે છે. 

-  સાચું કહ્યું તેં. શ્રી અરવિન્દ તેમના પુસ્તક 'એસેજ ઓન દ ગીતા’માં લખે છે કે બાળકનું શિક્ષણ તેના સ્વભાવમાં જે શ્રેષ્ઠ છે તેને વ્યક્ત કરતું હોવું જોઈએ. 

- કાશ, એવું બન્યું હોત! હું દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા કે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયની તાલીમ લઈ શક્યો હોત. મનમાં વિશ્વાસ અને કંઈક અલગ કરવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં, મારું આ સ્વપ્ન અધૂરું રહ્યું. 

- અશ્વિન, આજે મને ગુજરાતી સાહિત્યકાર વિનેશ અંતાણીએ બાળકો વિશે કહેલી વાત યાદ આવે છે. 

- કહે, હું પણ જાણવા માંગુ છું.

- તેઓ કહે છે, ‘આપણાં બાળકો ફક્ત ઉમરમાં જ મોટાં થતાં નથી, મોટા થવાની સાથે સાથે કંઈક બની રહ્યા હોય છે. આપણને ખબર નથી હોતી કે આપણાં બાળકો મોટા થઈને શું બનશે, એ તો ઠીક પરંતુ આજે તેમના દિલમાં શું ચાલી રહ્યું છે, તેનાથી પણ આપણે અજાણ હોઈએ છીએ.

- સો ટકા સાચી વાત.

- તેમણે વધુમાં કહ્યું કે આપણું પુખ્ત વર્તમાન અને સંતાનોનું બાળ વર્તમાન, એક સાથે આગળ વધી રહ્યું હોય છે, તેમ છતાં બે અલગ અલગ સમય બની જાય છે. આપણે આપણા વર્તમાનમાં એવી રીતે ખોવાઈ જઈએ છીએ કે આપણે તેની સમાંતર વહેતા સંતાનના વર્તમાનને જોઈ શકતા નથી. અશ્વિન, જો તને સાચો બ્રેક મળ્યો હોત તેં પણ જીવનમાં ઘણી સફળતા હાંસલ કરી હોત અને સારી નામના પણ મેળવી હોત.

- આપણા સમાજમાં બાળ મનોવિજ્ઞાનને ક્યારેય મહત્વ આપવામાં આવ્યું નથી. મેં ગુજરાત કૉલેજના નાટક વિભાગમાંથી બે વર્ષનો ડિપ્લોમા કર્યો. મને દિલ્હીના સંગીત નાટક અકાદમી તરફથી ડ્રામા વિભાગના સ્ટુડન્ટ તરીકે બે વર્ષની સ્કોલરશીપ પણ મળી હતી

- વાહ!

- મેં તો અમદાવાદની ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાંથી સંગીતની ડિગ્રી પણ મેળવી હોત.

- શું વાત કરે છે? તેં સંગીતનો અભ્યાસ પણ કર્યો છે?

- ત્રણ વર્ષ પછી છોડી દેવું પડ્યું, ડિગ્રી ન મેળવી શક્યો. ગીત-સંગીત હજી પણ મારા ખંડેર સમા દિલમાં ધડકે છે. 

- જે દિલમાં સંગીત વસે છે તેને ખંડેર ન કહેવાય, ડિયર. 

- બીજું શું કહું? મને કવિ અને કલાકાર પ્રત્યે ખૂબ માન છે. ક્યારેય જો કોઈ નાટક કે સંગીતના કાર્યક્રમમાં જવાનું થાય, ત્યારે કાર્યક્રમના અંતે સ્ટેજ પર જઈને તે કલાકારોની પ્રશંસા કરવાનું હું ભૂલતો નથી.

- ગીત અને સંગીત તારી રગોમાં વહે છે, અશ્વિન.. 

- જો તારી કોઈ હિન્દી અથવા ગુજરાતી રચના હોય તો મને વાંચવી ગમશે. બાંગ્લા સમજાતી નથી. તે માટે કદાચ તને ગુરુ બનાવી શકું! 

- જરૂર મોકલીશ. હાલ તો બાંગ્લાની જે એક પંક્તિ સમજાઈ છે તે જ પૂરતી છે. 

- કઈ?

- આટલી જલ્દી ભૂલી ગયો? ફિલ્મ 'આનંદ' માં રાજેશ ખન્નાની તે પંક્તિ - 'આમિ તોમાય ભાલોબાસિ!'

- તારી પાસેથી જાણવા માંગતો હતો. 

- હવે હું થોડી સોળ વર્ષની છું? બાય ધ વે, કબીરે પણ કહ્યું છે - “ઢાઇ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.” બસ, આજે આટલું જ, ઘરનું કામ પણ પૂરું કરવાનું છે.

- ઓકે ગૃહિણી, બાય. 

- બાય.

 

 

 

 

 

23 જુલાઈ 2018, સોમવાર સવારના 9.30  

----------------------------------------------------

 

- ગઈકાલે તારી કવિતા વાંચ્યા પછી મને લાગ્યું કે તારી સાથે સાથે સ્મૃતિએ પણ એટલું જ દુઃખ સહન કર્યું હશે.

- મારા કરતાં સ્મૃતિએ ઘણું વધારે સહન કર્યું છે. મેં તને સ્મૃતિ વિષે અગાઉ કહ્યું હતું કે તે ગુજરાત કૉલેજની પાસેની ગવર્નમેન્ટ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. તેને મળવામાં કોઈ મુશ્કેલી નહોતી પણ મારી પાસે એટલું પોકેટમની જ ન હોય કે અમે કોઈ રેસ્ટોરન્ટમાં જઈને બેસી શકીએ. ક્યારેક રેસ્ટોરન્ટમાં જતાં ત્યારે સ્મૃતિ પણ બિલનું પેમેન્ટ કરતી. અમે કોલ્ડ ડ્રીંક લેતાં જેથી વધુ સમય સુધી સાથે બેસી શકાય. ત્યાર બાદ અમે લૉ ગાર્ડનમાં જઈને બેસવાનું વિચાર્યું. શરૂ શરૂમાં ત્યાં બેસતાં તો એટલું અજીબ લાગતું! ડર પણ લાગતો કે કોઈ જોઈ ન લે. 

- પછી?

- લગ્ન પછી જ્યારે સ્મૃતિ મારા ઘરે આવી ત્યારે મારી પાસે કોઈ કામ નહોતું અને વી.એસ. હૉસ્પિટલનું પપ્પાનું ક્વાર્ટર પણ નાનું હતું. એક સપ્તાહની અંદર જ માએ અમને જીવરાજપાર્ક વાળા અમારા હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી આપી.

- ઓહ! પછી?

- ઈશ્વરકૃપાથી, થોડા દિવસોમાં, નાટકના બેકગ્રાઉન્ડ ને કારણે મને ઇસરોના ટીવી સ્ટુડિયોમાં જોબ મળી ગઈ. નવ થી પાંચની જૉબ હતી. મારા સુપરવિઝનમાં પાંચ લોકો કામ કરતાં હતાં. સ્મૃતિને પણ મારી ઓળખાણથી બી. એમ. ઇન્સ્ટિટ્યૂટ માં રીસેપ્શનિસ્ટની જોબ મળી ગઈ. જીવનને થોડી રાહત અનુભવાઈ કે મુશ્કેલીઓનો સૈલાબ ભારે વિનાશ લાવ્યો.

- હવે શું થયું?

- સ્મૃતિના ભાઈ અમેરિકાથી આવ્યા હતા અને તેને લઈ જવાની તમામ વ્યવસ્થા કરી હતી. ભાઈએ ખાતરી આપી કે તેની પાસે વિઝિટિંગ વિઝા છે અને તે છ મહિનામાં પાછી આવી જશે.

- તું પણ સંમત થયો હશે

- મારે રોકવી હતી પણ સ્મૃતિને જવું હતું. તેને તેના પિતા અને ભાઈઓ સાથે રહેવાની તક મળી નહોતી. મને થયું કે છ મહિનામાં તો આવી જશે. વર્ષ ૧૯૮૦માં તે અમારી સવા વર્ષની દીકરી હીરવા સાથે ન્યૂયોર્ક ગઈ. છ મહિના વીતી ગયા, પણ તે ઇન્ડિયા પાછી આવી નહીં. ઓવર સ્ટેયલ થઈ ગયું! દિવસો વીતતા ચાલ્યા. 

- ઓહ, પછી?

- મારી મૂંઝવણ વધતી જ ચાલી. પિતાને ત્યાં લગભગ ત્રણ વર્ષ રહ્યા પછી, સ્મૃતિ દીકરી સાથે એલ.એ. માં મારા મોટા ભાઈના ઘરે આવી ગઈ. હવે મારે અમેરિકા જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. વર્ષ ૧૯૮૪માં ચાર વર્ષ પછી હું અહીં આવી શક્યો ત્યારે દીકરી પાંચ વર્ષની થઈ ગઈ હતી! 

- તેનો અર્થ કે બંને તરફ એકસરખી પીડા રહી. સ્મૃતિએ પણ એક દૂરના દેશમાં તારા વિના, નાની દીકરી સાથે, ઘણા દિવસો વિતાવ્યા! તેની વ્યથા હું અનુભવી શકું છું. તું ભાગ્યશાળી રહ્યો કે જીવનસાગરની લહેરોમાં તને તારી પસંદગીની સાથી સાથે તરવાનો અવસર મળ્યો.

- મલ્લિકા, જો સરળતાથી એક સાથે તરી શક્યા હોત, તો જીવન ખુશહાલ વીત્યું હોત. હું ઇન્ડિયાનું સુંદર જીવન છોડીને અહીં આવ્યો હતો. પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનો સંઘર્ષ નરકની યાતનાથી ઓછો નહોતો. અમે જીવનસાગરના શક્તિશાળી વમળમાં એવા ફસાઈ ગયા કે ઊંડે ને ઊંડે ખૂંપતા ગયા. વોર્ટેક્સ શબ્દ ઉચિત નથી, એને મેલ સ્ટ્રોમ્સ કહી શકાય. ઘણી મુશ્કેલીઓ વેઠીને બહાર નીકળી શક્યા છીએ. જીવનના બધા જ સપના સ્વાહા થઈ ગયા.

- મારા દોસ્ત, મારો ઇરાદો તને દુખ પહોંચાડવાનો જરા પણ નહોતો. તારી દાસ્તાન લખવાનું હવે નક્કી છે મારા માટે.

- તું લેખક છે એ જાણીને મેં મારા જીવનની વાર્તા લખવાની વાત કરી હતી. મારી જિંદગીમાં એટલી ઉલઝનો છે કે વાંચકોને એટલી રસપ્રદ ના પણ લાગે.

- રસપ્રદ? આ તો એકવીસમી સદીની અદભુત પ્રેમકહાની હશે!

- જો તને એવું લાગે છે તો લખી શકે છે, બીજું શું કહું?

- ઘણું બધું કહી શકે છે.

- તું પૂછ.

- અચ્છા એ બતાવ કે તેં ગ્રેજ્યુએશન ક્યારે કમ્પલીટ કર્યું?

- મારે આર્ટ્સમાં જ ભણવું હતું, પરંતુ મારા પરિવારે મને કૉમર્સ ભણવા માટે દબાણ કર્યું. ઇકોનૉમિક્સ અને એકાઉન્ટન્સીમાં કોઈ જ સમજ પડતી નહોતી. 

- એ તો મને ખબર છે, એટલેજ તો તારે કૉમર્સથી આર્ટ્સમાં આવવું પડ્યું.

- તો તો પછી તને એ પણ ખબર હશે મલ્લિકા કે કૉલેજનું પહેલું લેકચર સવારે પોણા સાત વાગે શરૂ થતું અને હું ક્યારેય સમયસર પહોંચી નહોતો શકતો.

- કેમ નહીં? એ પણ ખબર છે, જે દિવસે તુ દેખાતો નહીં, મારું કૉલેજ આવવું જ વ્યર્થ લાગતું.

- એ મને થોડી ખબર હતી? નહીં તો ક્લાસ થોડા છૂટતા? જો તેં અહીં મારો હાથ પકડ્યો હોત તો હું લાઇનમાં રહેત!

- હાથ ધર્યો હોત તો કાયમ માટે પકડી ન લેત?

- ખૈર, જે થવાનું હોય તે રોકી શકાતું નથી. પછીની વાતો હજી વધારે ઇન્ટરેસ્ટીંગ છે. સેકન્ડ યર બી.એ.માં ઇકોનૉમિક્સમાં ફેઇલ થયો, પણ એ.ટી.કે.ટી. મળી અને હું થર્ડ યર બી.એ.માં આવ્યો. એક્ઝામ આપી પણ રીઝલ્ટ પેન્ડિંગ રહ્યું.

- આ બધી બાબતો તો હવે ખબર પડી રહી છે. ઐશ, તું કૉલેજમાં તું આવતો. હું તને જોતી રહેતી, બસ એટલું જ. અભ્યાસનાં આ બધા રહસ્યો વિશે મને ખરેખર ખબર નહોતી, નહીંતર હાથ તો શું ગળામાં જ ચેઇન નાંખી તને બાંધી રાખત.

- બાંધીને ક્યાં રાખત?

- કૉલેજ કેમ્પસમાં, બીજે ક્યાં?

- ઓહ, મૈં તો કુછ ઔર હી સોચ રહા થા! 

- સોચ કો સોચ હી રહને દો.

- કોઇ નામ ન દો...હમને દેખી હૈ ઉન આંખો કી મહકતી ખુશ્બુ...

- શરારત છોડ, હવે એ કહે, તેં પેન્ડિંગ રીઝલ્ટને મેળવ્યું કેવી રીતે?

- ઇસરોમાં, ગુજરાત સરકારના સ્ટેટ એજ્યુકેશનલ ટીવી હેઠળ ડેપ્યુટેશન પોસ્ટ પર પ્રોડક્શન આસિસ્ટન્ટની નિમણૂક માટે જાહેરાત આવી. મેં એપ્લાય કરવાનું વિચાર્યું, ત્યારે મને ખબર પડી કે આ પોસ્ટ માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી હતું!

- અચ્છા, પેન્ડિંગ રીઝલ્ટ ત્યારે યાદ આવ્યું?

- હું ઇસરોમાં જોબ કરતો જ હતો એટલે જરૂર નહોતી લાગી. જ્યારે મેં ગુજરાત યુનિવર્સિટીમાં તપાસ કરી ત્યારે મને જાણવા મળ્યું કે હું બી.એ. ત્રીજા વર્ષમાં પાસ થયો છું, ફક્ત ઇકોનૉમિક્સનું સેકન્ડ યરનું પેપર ક્લિયર કરવાનું બાકી હતું.

- વળી પાછું ઇકોનૉમિક્સ? ‘જેખાને બાઘેર ભય સેખાનેઇ સંધ્યા હોય!’

- મતલબ?

- આ એક બાંગ્લા કહેવત છે. ‘જ્યાં વાઘનો સામનો થવાની બીક હોય, ત્યાં જ સાંજ ઢળવા માંડે.’ મતલબ કે જે વાતથી આપણે બચવા માંગતા હોઈએ, તે જ વાત સમસ્યા બની સામે આવી ઉભી રહે! 

- શું કહું મલ્લિકા? મને ખરેખર આશ્ચર્ય થાય છે કે આજે તારી સાથે સંવાદ કરતાં હું કેટલું બધું લખી રહ્યો છું? ત્યારે મને ન વાંચવામાં ઇન્ટરેસ્ટ હતો કે ન લખવામાં!

- ચાલ, હવે લખીશ તો મારી જેમ લેખક બની જઈશ. તેં ઇકોનૉમિક્સનું પેપર કેવી રીતે ક્લિયર કર્યું?

- એની વળી બીજી ઇન્ટરેસ્ટીંગ વાત છે.

- જાણવા માંગું છું. 

- તું તો જાણે છે કે કૉલેજની એક્ઝામ્સમાં, ઇકોનૉમિક્સના પેપરમાં તારી આન્સર શીટમાંથી કૉપી કરી ચલાવતો રહ્યો. રેફરન્સ બુક્સમાંથી નોટ બનાવી ભણવાનું મારા વશમાં નહોતું. બી. એ. થર્ડ યરની એક્ઝામ માટે પણ સ્મૃતિ અને તેની એક ફ્રેન્ડ જ્યોતિએ મળીને ઇકોનૉમિક્સની નોટ્સ તૈયાર કરી આપી, ત્યારે આપી શક્યો હતો.

- શાબાશ! આમ તો તું ખુશકિસ્મત રહ્યો ભણવાની બાબતમાં.

- ઇનકાર નહીં કરું. સ્મૃતિએ બી.એ. ઓનર્સ અંગ્રેજી વિષય સાથે કર્યું હતું તો પણ તેણીએ ઇકોનૉમિક્સ જાણતા બીજા મિત્રો પાસેથી અને ગાઇડમાંથી રેફરન્સ લઈને મારા માટે નોટ્સ તૈયાર કરી.

- અહીં હું સ્મૃતિને પ્રેમભરી સલામ મોકલું છું. તેણીએ સાચા હૃદયથી તને ચાહ્યો છે અશ્વિન. હું તારી સાથે હોત તો હું પણ તને હેલ્પ કરત. મારો તો વિષય જ ઇકોનૉમિક્સ હતો, પણ સાવ અજાણ્યા વિષય પર તારા માટે નોટ્સ બનાવવાનું કામ પ્રેમ વિના સંભવ ન હતું.

- સહમત છું. અરે, સ્મૃતિ તો દરેક પેજ પર પહેલાં “શ્રીરામ” લખીને નોટ્સ લખવાનું શરૂ કરતી અને તેની બહેનપણી જ્યોતિ “જય મા અંબે” લખીને નોટ્સ લખવાનું શરૂ કરતી!

- વાહ! મતલબ જિસસની સાથે શ્રીરામ અને મા અંબે પણ જોડાયાં, તને ડિગ્રી અપાવવામાં. આનાથી વધુ ઇન્ટરેસ્ટીંગ વાત શું હોઈ શકે?

- હવે મૂળ વાત પર આવીએ. મેં પહેલાં જે તને કહ્યું કે પ્રોડક્શન આસિસ્ટન્ટની ડેપ્યુટેશન પોસ્ટ માટે ગ્રેજ્યુએટ થવું જરૂરી હતું અને મારું સેકન્ડ યરનું ઇકોનૉમિક્સનું એક પેપર ક્લિયર કરવાનું બાકી હતું. હવે કોઈ પણ પરીક્ષા આપવી મારા માટે શક્ય નહોતી. મેં બીજા ઉપાય વિશે વિચાર્યું.

- કયો?

- અમારા નાટ્યગ્રુપમાં એક આર્ટીસ્ટ હતો જે ભણવામાં હોશિયાર હતો. મેં એને કન્વીન્સ કર્યો કે તે મારા બદલે જઈને તે આ વિષયની એક્ઝામ આપે. શરૂમાં તો તે માની પણ ગયો, પણ પછી ડરથી બીમાર થઈ ગયો. મારી સામે હાથ જોડી દીધા. મને પણ બહુ દુખ થયું. મજબૂરી મને શું શું શીખવી રહી હતી!

- ઓહ માય ગૉડ! તને આખરે કેવી રીતે મળ્યું બી.એ.નું સર્ટીફીકેટ?

- હવે મેં જાતે જ ભણવાનું શરૂ કર્યું. છેવટે વર્ષ ૧૯૮૦માં મેં સેકન્ડ યર બી.એ.નું ઇકોનૉમિક્સનું પેપર ક્લિયર કર્યું. મને મારું બી.એ.નું સર્ટીફીકેટ મળી ગયું. હાશ! હવે કૉલેજને સદાને માટે રામ રામ કરી દીધા. 

- અભિનંદન ઐશ, તને અને વ્હાલી સ્મૃતિને પણ. એણે તને ગ્રેજ્યુએશન કરાવવામાં દિલોજાનથી સહાયતા કરી. આટલાં વર્ષો પછી તેં પણ ગુજરાત યુનિવર્સિટી પર અહેસાન તો કર્યો! હજી વધુ સમય લેત તો તને બી.એ. ની માનદ પદવી આપવી પડત. એ કહીને કે જાઓ બાબા, હવે દફા થઈ જાઓ. ઇચ્છતા હો તો એમ.એ.ની પદવી પણ લેતા જાઓ.

- તો તો પછી મારી અને તારી ડીગ્રી એક જેવી થઈ જાત!

- અહા! વિચારવામાં તો તું માસ્ટર જ છે.

- કેમ ન વિચારું? ક્યારેક આ ઇકોનૉમિક્સે તો મને તારી નજીક આવવાનો મોકો આપ્યો હતો! તું સાથે હોત તો આ વિષય પર નોબેલ પ્રાઇઝ અમર્ત્ય સેનને થોડું મળ્યું હોત? મને મળત કે આપણને સહિયારું મળત.

- વિચાર ઉત્તમ છે.

- બીજો એક વિચાર મનમાં આવ્યો છે, કદાચ તને પસંદ આવે.

- કયો?

- નૉવેલનું ફોર્મેટ તારા ને મારા સંવાદના રૂપમાં હોય તો કેવું રહેશે? ફક્ત એક વિચાર છે. તું લેખક છે, તું જ નક્કી કરજે.

- આશુ, આના પરથી સાબિત થાય છે કે તેં તારી વાર્તા લખવાની અનુમતિ આપી દીધી, વિચાર જરૂર કરીશ. તારો દિલથી આભાર. 

- અરે, હું તો એક સામાન્ય વ્યક્તિ છું, તને કોઈ તકલીફ આપવા માંગતો નહોતો.

- તો પછી આ એક સામાન્ય માનવીની અસામાન્ય વાર્તા હશે.

- થેંક યુ, ડાર્લિંગ ફ્રેન્ડ.

- ડાર્લિંગ તો તું બની ગયો છું. અરે! હવે યાદ આવ્યું કે આજે તારો જન્મદિવસ છે. અમદાવાદમાં અમે તમારાથી 11.30 કલાક આગળ છીએ ને, તેમાં જ બધી ગરબડ થાય છે. અત્યારે અમદાવાદમાં 23 જુલાઈ, સવારના દસ વાગ્યા છે તો એલ.એ.માં 22 જુલાઈ, રાતના સાડા નવ વાગ્યા હશે. જન્મદિન મુબારક હો ડિયર.

- ધન્યવાદ. આમ તો દર વર્ષે પરિવારનાં બધાં ભેગાં થઈને બહાર ડિનર માટે જતા હોઈએ છીએ. આજે હજી કંઈ નક્કી નથી થયું.

- ઓકે. પછી જણાવજે. આજે વાતને અહીં જ વિરામ આપું છું. કિચનમાં કામ છે, બાય.

- બાય, ગૃહિણી.