Tari Sangathe - 3 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 3

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

Categories
Share

તારી સંગાથે - ભાગ 3

ભાગ 3

 

20 જુલાઈ 2018, શુક્રવાર રાતના 11.00 

-------------------------------------------------- 

 

- સાહિરનું પેલું ગીત યાદ આવે છે, મલ્લિકા?

- કયું?

- ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનોં...’ આજે એને ઊલટું કરી દઈએ અને કહીએ, ‘ચલો એક બાર ફિર સે દોસ્ત બન જાયેં હમ દોનોં...’

- આ મારું સૌભાગ્ય હશે, અશ્વિન. એક વાત તો કહેવી પડશે કે તેં મને મારી મનપસંદ ફિલ્મ, ગીત, ગઝલ અને સંગીતની દુનિયામાં પાછી લાવી દીધી!

- ગીત-ગઝલની દુનિયા તને મુબારક હો, મલ્લિકા.

- આજે પણ મારી ડાયરીમાં કેટલીયે કવિતાઓ સચવાયેલી છે. લાગે છે કે હું ભવન્સ કૉલેજના પરિસરમાં ફરી પાછી આવી ગઈ! 

- ભવન્સ કૉલેજના પરિસરથી તો આપણી સફર આગળ વધી શકી હોત, નાદાન છોકરી, જો ડાયરીની એકાદ કવિતા પણ મને ક્યારેક વાંચી સંભળાવી હોત!

- તારી આ વાત પરથી મને નિદા ફાજલીની ગઝલનો એક શેર યાદ આવ્યો- 

 

કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા,

કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા...

 

- સાચી વાત. ગીત-ગઝલના આ શોખે જ મને જીવિત રાખ્યો છે. નહીંતર મરવાનાં હજાર કારણો હતાં.

- એવું ના બોલ અશ્વિન. યુવાનીના ઉંબરે ઉભેલી એ નાદાન છોકરીને તારા શાનદાર વ્યક્તિત્વમાં છુપાયેલ એક સજ્જન માણસ ના દેખાયો!

- હું નથી માનતો કે મારું વ્યક્તિત્વ શાનદાર હતું.

- તું ભલે ન માને, હું તો માનતી હતી. માનસિક રીતે અપરિપક્વ હોવાને કારણે, હું મારી સામે સ્વાગતમાં ઉભેલા સપનાને ઓળખવામાં થાપ ખાઈ ગઈ! તેં તો વાત કરવાની પહેલ કરી યે ખરી, પણ હું ક્યારેય સામેથી બોલી ન શકી. કોઈ સંવાદનો સેતુ બની જ ન શક્યો.

- સેતુ બન્યો હોત તો મંઝિલ પણ મળી જાત, છોકરી!

- પણ ના બન્યો ને! એટલે જ હું તારી સ્મૃતિમાં રહી ન શકી અને તું મારી સ્મૃતિમાંથી જઈ ન શક્યો! તને જીવનસાથી તરીકે ‘સ્મૃતિ’ મળી અને હું સ્મૃતિશેષ થઈ ગઈ! મારી નિયતિ મેં પોતે લખી, પરંતુ એક વાત ચોક્કસ છે, જો મામલો આગળ વધ્યો હોત, તો પાછા જવાનો કોઈ સવાલ જ નહોતો. પછી તો યુધ્ધ એ જ કલ્યાણ હોત, જેવું તારા પ્રેમના કિસ્સામાં બન્યું. તારા પ્રેમસંબંધમાં એક પરિબળ બહુ જ મજબૂત રહ્યું, અશ્વિન. તેં પ્રેમની પરિભાષાને ખરેખર સાર્થક કરી.

- પ્રેમની બાબતમાં તો તું યે અપવાદ રહી, મલ્લિકા! મને બહુ નવાઈ લાગે છે કે કોઈ પણ મને આટલા લાંબા સમય સુધી કેવી રીતે યાદ રાખી શકે, જ્યારે એવું તો કશું બન્યું જ નહોતું?

- તને થોડી ખબર છે કે શું બન્યું હતું? તું જાણે શાશ્વત બનીને સમાઈ ગયો મારી હથેળીની રેખાઓમાં, મારા જીવનમાં! અતીતના સાગરમાં ડૂબકી લગાવીને તને એક સુંદર મોતીની જેમ  શોધી કાઢવાનું ત્યારે તો શક્ય બન્યું!

- અતીતના સાગરમાં હું મોતી બનીને છુપાયો હતો, શું વાત છે?

- અહીં "લૉ ઓફ એટ્રેક્શન"ના સિધ્ધાંતે કામ કર્યું કે જે સાત્વિક શક્તિથી ઉત્પન્ન થાય છે.

- એ શું હોય? જરા વિસ્તારથી સમજાવ તો.

- 'combination of positive thought and positive emotion is believed to allow one to "attract" positive experiences and opportunities by achieving resonance with the proposed energetic "Law".'

- ગુજરાતીમાં શું કહેવાય?

- સકારાત્મક વિચારો અને સકારાત્મક ભાવનાઓનું સંયોજન, સ્થાપિત થયેલ ઉર્જાશીલ ‘કાનૂન’ની સાથે પડઘો પાડતા, સકારાત્મક અનુભવો અને તકોને ‘આકર્ષિત’ કરવાની મંજૂરી આપે છે.

- બાપ રે! જેટલું અઘરું અંગ્રેજી, તેનાથી યે વધુ અઘરું ગુજરાતી! માથું ભમી ગયું મેડમ!

- અનુવાદ બહુ અઘરો લાગ્યો ને? જો તને કંટાળો આવે તો કહી દેજે. તબિયત સાચવજે. કૉલેજના ચાર વર્ષ છોડી દઈએ તો યે એકતાળીસ વર્ષની વાતો બાકી છે, આપણા બંનેની. ચાલ, હું આજે મારી વાત પૂરી કરું. આવતીકાલે તારી વાત સાંભળીશ. બાય.

- ઓકે, બાય.

 

 

 

21 જુલાઈ 2018, શનિવાર સવારના 8.30 

---------------------------------------------------- 

 

- મલ્લિકા, જ્યારથી તેં મારા શાનદાર વ્યક્તિત્વ વિષે વાત કહી, હું વિચારમાં પડી ગયો. પપ્પા અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં કાર્યરત હતા. ત્રણ બહેનો અને બે ભાઈઓ સહિત સાત જણનો પરિવાર હતો. આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. હું સાયકલ પર કૉલેજ આવતો હતો. કેટલીકવાર કોઈ મિત્રની બાઇક લઈને આવતો, તે પણ તેની જ પાસેથી પાંચ રૂપિયાનું પેટ્રોલ ભરાવીને. ક્યારેક મારી પાસે બે રૂપિયા પણ ન હોય! કોઇ છોકરીની સાથે દોસ્તી વિષે તો હું વિચારી પણ નહોતો શકતો.

- અવિશ્વસનીય લાગે છે, આ બધી વાતો!

- મારું વ્યક્તિત્વ મારો દેખાડો હતો. હું ક્યારેક મારા મોટા ભાઈનું શર્ટ પહેરીને આવતો હતો. કૉલેજમાં મને એટલું પોકેટ મની પણ નહોતું મળતું કે હું કેન્ટીનમાં કોઈને ચા પીવડાવી શકું.

- શું વાત કરે છે, અશ્વિન?

- પોકેટ મની મા આપતી, પપ્પા જોડે માંગવાની કદી હિંમત પણ ન થઈ. ગુસ્સો તેમના નાક પર રહેતો. તે અમારા માટે અમિતાભ બચ્ચન હતા, યંગ તો નહીં પણ ‘એંગ્રી મેન’.

- તું તો એટલો ખૂબસૂરત યુવાન હતો કે મને કોઇ ફિલ્મ સ્ટારથી કમ ન લાગતો અને કોઇ અમીર ઘરાનાનો પણ લાગતો. આનો અર્થ એ થયો કે નરી આંખે જોયેલું પણ હંમેશાં સાચું નથી હોતું!

- બિલકુલ, કાને સાંભળેલું પણ હંમેશાં સાચું નથી હોતું! આમ તો હું છોકરો ઘણો શરમાળ હતો. જો તેં એક કવિતા યે સંભળાવી દીધી હોત તો હું મીણ ની જેમ પીગળી ગયો હોત! હું તો ઇચ્છતો હતો કે કોઈ છોકરી મારી સાથે વાત કરે. બીજા છોકરાઓને છોકરીઓ સાથે હળીમળીને વાતો કરતા જોતો તો મનમાં ખૂબ ઈર્ષ્યા થતી.

- ઉફ્ફ! આ સાંભળીને તો લાગે છે બન્ધુ, ‘આખું કોળું શાકમાં ગયું.’

- સાચે જ ગયું. મનમાં જે વાત હોય તે બોલવી પડતી હોય છે. ‘બોલે એનાં બોર વેચાય’, મારી નન્હી પરી!

- અહા..! ‘નન્હી પરી’ નામ મને ખરેખર ગમ્યું. તે વખતે જો આપણી મૈત્રી થઈ હોત તો તું કદાચ મને આ નામથી બોલાવત.

- બેશક, હું હજી પણ તને એ નાદાન કિશોરી તરીકે જોઉં છું. જેની સાથે મેં અન્યાય કર્યો.

- એટલા ઇમોશનલ ના બનો જી. આમ તો ‘અશ્વિન’ પણ ખૂબ પ્યારું નામ છે. અશ્વિન’ શબ્દ સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે તેનો અર્થ છે ‘ઘોડાઓનો માલિક’ અથવા ‘અશ્વારોહી’. ‘અશ્વિન’ પ્રથમ નક્ષત્ર અને બંગાળી કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે. ‘અશ્વિન’ નો અર્થ હિન્દીમાં ‘પ્રકાશ’ પણ છે અને ‘અશ્વિન’ એ રાત્રે આકાશમાં દેખાતો પહેલો તારો છે. 

- વાહ! તેં તો મારા નામ પર રિસર્ચ પેપર બનાવી લીધું!

- જે નામ હૃદયમાંથી ભૂંસી શકાયું નહીં! ચાલ, હવે તારું પણ એક નાનકડું નામ વિચારી લઈએ.

- શું કહું? ઘરના બધા જ મને ‘અશુ’ નામથી બોલાવતા. અમેરિકાના લોકો ‘અશ્વિન’ નું ઉચ્ચારણ બરાબર નથી કરી શકતા. પહેલા “એશ્વિન” કહેતા હવે “ઐશ” બનાવી દીધો. તું મને ‘આશુ’ કે ‘ઐશ’ કહી શકે છે.

- આમ તો બંને નામોના અર્થ સરસ છે. ’આશુ’ એટલે સ્ફૂર્તિલો અથવા શક્તિશાળી અને ‘ઐશ’ નો અર્થ છે- જેનો ઈશ્વર સાથે સંબંધ છે તે- ઈશ્વરીય. હવે તું અમેરિકા નિવાસી છે તો ‘ઐશ’ જ સારું રહેશે. ક્યારેક આશુ પણ કહીશ.

- જેવી તારી ઇચ્છા. એક બીજી મજેદાર વાત કહેવા માંગુ છું.

- કહે. 

- પપ્પાની જોબને લીધે અમે વી.એસ. હૉસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા. ઘરેથી નીકળતા રસ્તામાં નર્સોનાં રહેઠાણો આવતા. માની સૂચના હતી કે ત્યાંથી જતા-આવતા, નર્સો તરફ જોવાનું નહીં.

- કેમ?

- માને લાગતું કે તે વિસ્તારના છોકરાઓ થોડા મોટા થતાં જ નર્સના પ્રેમમાં ગિરફ્તાર થઈ જાય છે. એવા કિસ્સાઓ બન્યા પણ હતા.

- કોઇ નર્સે ઘેર્યો નહીં તને?

- અરે! હું તો ત્યારે કિશોર જ હતો, ચૌદ કે પંદર વર્ષનો. હું જ્યારે સ્કૂલ માટે નીકળતો ત્યારે કોઈક નર્સ મને બારીમાંથી જોતી અને બીજી સહેલીઓ સાથે મને બોલાવતી, ‘એ હીરો, જરા આ બાજુ પણ જો!’

- અહા, તું ત્યારથી જ હીરો હતો!

- ધૂળ હતો! માની આજ્ઞા યાદ આવતાંની સાથે જ હું નર્સો પર કોઈ ધ્યાન આપ્યા વિના ઝડપથી તેમના રહેઠાણવાળો વિસ્તાર પાર કરી લેતો. બની શકે કે આ જ સ્વભાવ કૉલેજમાં પણ જળવાઈ રહ્યો કે છોકરીઓની સામે જોવાથી પણ ડરતો હતો.

- અહા, ઐશ! વાંચતી વખતે એ દ્રશ્ય નજર સામે આવી ગયું. હસવું પણ આવે છે. એ યુગમાં, માની આજ્ઞાનું પાલન કરવા વાળો દીકરો પણ હતો? માએ નર્સોને જોવા માટે મનાઈ કરી હતી પણ હું ક્યાં નર્સ હતી?

- તને તો મેં જોઈ હતી, છોકરી!

- યાદ છે. 

- જરા વિસ્તારથી બતાવ તો મને કંઈ યાદ આવે. 

- એ જ વર્ષે કૉલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી હતી. પરિણામોની ઘોષણા થઈ અને કૉલેજ કેમ્પસમાં એક ઉત્સવનો માહોલ બની ગયો. 

- હવે મને પણ યાદ આવી રહ્યું છે, મલ્લિકા.

- રંગ-બેરંગી ફુગ્ગાઓ ઊડવા લાગ્યા. ગુલાલનો રંગ હવામાં વિખેરાવા લાગ્યો. કોઈએ મ્યુઝીક સિસ્ટમ પર ગીત ચાલુ કરી દીધું, ‘લેકે પહલા-પહલા પ્યાર, ભર કે આંખો મેં ખુમાર, જાદુ નગરી સે આયા હૈ કોઈ જાદુગર...’ એક અદભુત સમા બંધાવા લાગ્યો હતો!

- બધા સ્ટુડન્ટસ મસ્ત થઈને ઝૂમી રહ્યા હતાં. વાતાવરણ કેવું સોહામણું બની ગયું હતું! 

- વરસાદની મોસમ હતી, ઐશ. આકાશ વાદળછાયું હતું. છાંટણાં શરૂ થયાં. મારે બારેજડી ટ્રેનથી જવાનુ હોવાથી હું ભીંજાઈ શકું તેમ નહોતી, વળી ગુલાલથી રમી પણ શકતી નહોતી.

- તું કૉલેજની દીવાલને અઢેલીને ઊભી, વરસાદથી બચવાની કોશિશ કરી રહી હતી.

- હા, અચાનક તું સામેથી આવતો દેખાયો.

- હું તારી પાસેજ આવી રહ્યો હતો, મલ્લિકા. 

- મને આજે પણ યાદ છે. ડરતાં-ડરતાં મેં, મૌસમના પહેલા વરસાદમાં તારા ચમકતા ચહેરા તરફ જોયું! 

- બીજા બધા તો પોતાની મસ્તીમાં મશગૂલ હતા, તું એકલી જ ચુપચાપ ઊભી હાથથી તારા ચહેરા પર પડતા વરસાદના ટીપાંને લૂછવાની કોશિશ કરી રહી હતી.

- હમ્મ....તને બિલકુલ મારી સામે ઉભેલો જોઈને મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ! તારી મુઠ્ઠીમાં ગુલાલ હતો. તેં પોતાનો ગુલાલવાળો હાથ મારી તરફ લંબાવ્યો, મેં ફક્ત ઇશારાથી ‘ના’ કહ્યું.

- છતાં મેં થોડો ગુલાલ તારા ચહેરા પર અને થોડો તારા માથા પર નાખી દીધો. 

- બરાબર યાદ છે. એ સમયે તું મને ફૂલોની જેમ સુગંધિત અબીર લાગી રહ્યો હતો! તારા ચહેરા પર છવાયેલી શબનમી સાંજ સમી લાલિમા કહી રહી હતી, તારા દિલની વાત! તું થોડું હસીને બીજા વિદ્યાર્થીઓ તરફ આગળ વધી ગયો. 

- મેં તને પહેલાં જ કહ્યું છે કે મને છોકરીઓથી ખૂબ ડર લાગતો હતો.

- તો યે ગુલાલ લઈને આવ્યો હતો?

- મેં તારા પર ગુલાલ છાંટીને મારા ડરને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સામેથી કોઈ રિસ્પોન્સ ન મળ્યો.

- ઇલ્ઝામ સર આંખો પર.

- ગુલાલનો રંગ પણ તને મારો સંદેશ ન પહોંચાડી શક્યો, મારો શો વાંક?

- તારો કોઈ વાંક નહોતો, ઐશ. હકીકતમાં તેં મારા ચહેરા પર ગુલાલ છાંટીને મારા હૃદયને સ્પર્શી લીધુ હતું.

- ના તારા ગાલોને સ્પર્શી શક્યો, ના તારો હાથ થામી શક્યો.

- હવે જવા દે એ વાત. તારી પાસેથી નર્સોવાળી વાત સાંભળીને મને ખાતરી થઈ ગઈ કે તું એક શરમાળ વિદ્યાર્થી હતો, પણ હું કદાચ તારા કરતા પણ વધુ શરમાળ હતી.

- વિચાર કર, મને કેટલું દુખ થયું હશે?

- મેં તે સુવર્ણ તક ગુમાવી દીધી. એક ક્ષણ માટે મારા મનમાં વસંત ખીલી ઊઠી હતી! અશ્વિન, મેં ઈચ્છ્યું હોત તો તારી મુઠ્ઠીમાંથી થોડો ગુલાલ લઈને તારા ગાલ પર લગાવી શકી હોત! 

- કેમ ના લગાવ્યો? તેં ધર્મને પ્રેમથી ઉપર રાખ્યો ને? તારી પાસેથી આ વાત સાંભળ્યા પછી હવે આ દુઃખ બમણું થઈ ગયું છે.

- મારી નાદાન ઉંમરે મને છેતરી, ઐશ. કોઈ બીજી વાત કર.

- કાલે તારી લખેલી ભારે ભરખમ અંગ્રેજી પંક્તિઓ જોઈને એક વાત યાદ આવી ગઈ.

- કહે. 

- આજે ભલે હું અંગ્રેજીમાં વાત કરી લઉં છું પણ અંગ્રેજી ક્યારેય મારી પ્રિય ભાષા ના બની શકી. હું મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં ભણતો હતો. પાંચમા ધોરણમાં હું ચોથા નંબરે પાસ થયો તો સારા ભણતરના ઉદ્દેશ્યથી પપ્પાએ, છઠ્ઠા ધોરણમાં મને સેંટ ઝેવિયર્સ પ્રાઇમરી સ્કૂલ, મિરઝાપુરમાં એડમિશન અપાવ્યું કે જ્યાં સાતમા ધોરણ સુધી ભણાવવામાં આવતું. ત્યાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમો હતા. મારું તો ગુજરાતી માધ્યમ જ હતું પણ અંગ્રેજી એક વિષય તરીકે શરૂ થયો. અહીંથી જ મારી ભણવામાં ખરાબ દશા શરૂ થઈ. મનમાં એવો ડર પેસી ગયો કે ભણવું એ મારું કામ નથી! 

- અશ્વિન, અંગ્રેજીને લઈને વત્તા-ઓછા અંશે મારી સાથે પણ એવું જ બન્યું. 

- શું બન્યું? 

- બી.એ. સુધી તો ગુજરાતી માધ્યમ હતું, પછી એમ.એ. માં અંગ્રેજી માધ્યમ. પહેલા છ મહિના સુધી હું દરેક લેક્ચરમાં સામે લાગેલા બોર્ડને તાકતી રહેતી. ક્યારેક નોટબુકના છેલ્લા પેજ પર કંઈક ચિત્ર બનાવતી રહેતી. મને કશુંજ સમજાતું નહીં. ડિમાન્ડ એન્ડ સપ્લાય, ઇનપુટ એન્ડ આઉટપુટ, કોણ જાણે કઈ બલાનું નામ હતું! હું ફક્ત ઈશ્વરને યાદ કરતી. 

- કોઈ મદદ મળી?

- એક ઉપાય મળ્યો. એક બહેનપણીના કહેવાથી ગાંધી રોડ પર આવેલ પુસ્તક બજારમાંથી એક સેકન્ડ હેન્ડ ઓકસફોર્ડની ડિક્શનરી ખરીદી.

- તું તો તારા ઈરાદામાં પાકી હતી મલ્લિકા, એટલે મંઝિલ સુધી પહોંચી ગઈ. મારું મન તો ભણવામાંથી ઊઠી ગયું હતું. આ નવી સ્કૂલમાં અંગ્રેજીના આલ્ફાબેટ જ સમજમાં નહોતા આવતા.

- અશ્વિન, બ્રિટીશ શાસનકાળમાં અંગ્રેજીએ આપણા દેશમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું. પછી તો અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટેના માતાપિતાના આગ્રહે બાળકો પર વિવિધ દબાણ ઊભાં કર્યાં.

- દબાણની શું વાત કરું? પહેલા ત્રણ મહિના તો મસ્તીમાં વીતી ગયા,પણ પહેલી ક્વાર્ટરલી એક્ઝામમાં ગરબડ થઈ. અંગ્રેજીની એક્ઝામના દિવસે હું અને મારો મિત્ર તો પરીક્ષા હૉલ છોડીને, ઘરે ભાગી જવા માટે ગેટ સુધી પહોંચી ગયા. અમારા ટીચરે જોયું અને અમને રોકી લીધા. કહ્યું, ‘જાઓ ક્લાસરૂમમા, તમારે એક્ઝામ તો આપવી પડશે, જેવું આવડે તેવું લખો.’

- એ સમયે દેશમાં એક એવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો કે અંગ્રેજી ન જાણતાં લોકોને બીજા દરજ્જાના નાગરિક માનવામાં આવતા હતા. આજે પણ એવું જ છે.

- મલ્લિકા, અંગ્રેજી ભાષાનું જ્ઞાન આવશ્યક છે પણ ભણવા માટે ફક્ત અંગ્રેજી મીડિયમ જ હોવું, એવું દબાણ વ્યર્થ છે.

- સાચી વાત. મહર્ષિ અરવિંદે કહ્યું છે કે શિક્ષણપધ્ધતિ એવી હોવી જોઇએ, જે બાળકોની સર્જનાત્મક ક્ષમતાનો વિકાસ કરે અને જેનું માધ્યમ માતૃભાષા હોય. 

- ગાંધીજીએ પણ એવું જ કહ્યું છે કે વિદેશી માધ્યમ બાળકોમાં નકલ કરવાની પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપે છે.

- બિલકુલ સાચું, વિદેશી માધ્યમ બાળકોમાં લેક ઓફ ઓરિજિનાલીટી ઉત્પન્ન કરે છે. પછી તેં શું કર્યું અશ્વિન?

- વિચારી જો કે મેં શું કર્યું હશે. 

- બાજુવાળા વિદ્યાર્થીની આન્સર શીટમાંથી નકલ કરવાની કોશિશ કરી હશે.

- ના રે. આખું ને આખું પ્રશ્નપત્ર કૉપી કરી દીધું. પ્રશ્નાર્થ ચિહ્ન લગાવ્યા વગર, જેથી એક્ઝામિનરને ખબર ન પડે કે આ પ્રશ્નપત્રની કૉપી છે.

- શાબાશ, પછી કેટલા માર્ક્સ મળ્યા?

- મને પૂરા બે ઝીરો મળ્યા.

- હું એક્ઝામિનર હોત તો તારી હિંમત માટે એક માર્ક તો આપી જ દેત. સ્કૂલમાં જ કેમ અશ્વિન, તું તો કૉલેજની આન્સર શીટમાં પણ પ્રશ્નપત્ર લખીને આવ્યો હોત, જો બાજુની બેઠક પર હું ન હોત!

- ઓહ માય ગૉડ! તને આ પણ યાદ છે?

- મારા પોતાના અભ્યાસના સમગ્ર સમયગાળા દરમિયાન, મેં કોઈને પણ મારી આન્સર શીટમાંથી કૉપી નથી કરવા દીધી. એકમાત્ર તું એવો હતો, કે જેને હું ‘ના’ નહોતી કહી શકતી. 

- ઓ પરી! એ સમયે પણ તું પોતાના પ્રશ્નપત્ર પર એક કવિતા લખીને આપી શકી હોત!

- ચોક્કસ આપી શકી હોત, ઐશ. મારા જીવનની આ કદાચ પહેલી ભૂલ હતી. તે સમયે હું માત્ર પરીક્ષા વિષે જ વિચારતી. આમ તો તું પણ એક્ઝામ હૉલની બહાર ઊભો રહી શક્યો હોત, આભાર ના બે શબ્દો કહેવા.

- હું માનું છું કે એ મારી ભૂલ હતી, પણ બીજા દિવસની એક્ઝામને લઈને હું ય એટલો જ પરેશાન રહેતો. જો એક વાર ફરીથી મોકો મળે તો મારી ભૂલ જરૂર સુધારી શકું. શું કહે છે તું?

- હું પણ મારી પહેલી ભૂલ સુધારી લઈશ, જો તે ક્ષણોમાં પાછી જઈ શકું તો હું મારા પ્રશ્નપત્ર પર એક પ્રેમ-કવિતા લખીને તને આપીશ. કવિ/લેખક તો આમેય મરતા હોય છે કે કોઈ એમને સાંભળે. હે ભગવાન! તું તો મને રસ્તો બતાવી રહ્યો છે કે તક મળે તો ભૂલો સુધારી લેવી જોઈએ.

- મને લાગતી વળગતી કોઈ ભૂલ હોય તો જરૂર સુધારી લેવી જોઈએ.

- બધી ભૂલો તને લાગતી વળગતી જ છે. સુધારવાનો કોઈ અવકાશ પણ નથી રહ્યો. બસ આજે આટલું જ, તારા ડિનરનો સમય થઈ ગયો છે.

- ઓકે, બાય. 

- બાય.

 

 

 

 

22 જુલાઈ 2018, રવિવાર સવારના 10.15  

-----------------------------------------------------

 

- ઊંઘી તો નથી ગયો ને? 

- જાગું છું. આ તો એવું બન્યું કે કોઈ વ્યક્તિને જમતા જોઈને પૂછવામાં આવે, ‘તમે જમી રહ્યા છો?’

- અરે હીરો, તું ક્યારેક ગ્રીન સિગ્નલ ઓન રાખીને જ સૂઈ જાય છે. 

- અત્યારે તો જાગું જ છું, છોરી!

- પરીમાંથી છોરી બનાવી દીધી? એક રીતે સારું જ થયું. ગઈ કાલે જ્યારે તેં અંગ્રેજી ભાષા વિશે તારા અનુભવો કહ્યા, ત્યારે મને પણ ભાષા સાથે જોડાયેલી કેટલીક વધુ રસપ્રદ બાબતો યાદ આવી રહી છે. 

- લખી નાંખ, હું પણ વાંચી લઉં.

- મારા પપ્પાનું પોસ્ટીંગ જયારે છોટા ઉદેપુર તાલુકાના તેજગઢ રેલ્વે સ્ટેશન પર હતું, ત્યારે મને પહેલા ધોરણ માં એડ્મિશન મળ્યું. ઘરે બંગાળી બોલાતી હતી અને શાળામાં શિક્ષણનું માધ્યમ ગુજરાતી હતું. શાળામાં ગુજરાતી મૂળાક્ષરોનાં અક્ષરો શીખવાડવામાં આવતા – ‘ક’ કમળનો ‘ક’, ‘ખ’ ખડિયાનો ‘ખ’, ‘ગ’ ગધેડાનો ‘ગ’. મને ગુજરાતી શીખવવા માટે પપ્પાએ કાંતિ સરનું ટ્યુશન રખાવ્યું. મારા પ્રથમ શિક્ષક પોતે જ આઠમા ધોરણના વિદ્યાર્થી હતા! 

- અરે વાહ!

- વળી પપ્પાએ મને ઘરે બંગાળી શીખવવાની શરૂઆત કરી, ‘કૉ’ એ કાકાતુઆ, ‘ખૉ’ એ ખૉરગોશ, ‘ગૉ’ એ ગોરુ! 

- તું શું શીખી ?

- હું? હું તો ‘કમળ’ અને ‘કાકાતુઆ’ વચ્ચે ઝૂલવા લાગી, એક છેડેથી બીજા છેડા સુધી!

- બંગાળી આલ્ફાબેટના બ્રૉડ ઉચ્ચારણ શા માટે થાય છે? 

- હું આજ સુધી સમજી શકી નથી, ‘ક’ ને ‘કૉ’ કેમ કહે છે? પછી, ત્રીજા ધોરણમાં આવી ત્યારે પપ્પાએ ઘરે બાંગ્લા નર્સરી જોડકણાં શીખવવાનું શરૂ કર્યું, 'લાલ ઝૂટી કાકાતુઆ, ધોરે છે જે બાયના, ચાઈ તાર લાલ ફિતે, ચિરુની આર આયના!'

- આનો અર્થ?

- લાલ કલગી વાળા કાકાતુઆએ જીદ પકડી કે તેની પાસે લાલ રિબન, કાંસકો અને અરીસો હોવો જોઈએ.

- શાળામાં ટીચર કંઈક બીજું ભણાવતા હશે ને, ગુજરાતીમાં?

- શાળામાં ટીચર શીખવતા ‘ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ; મોર ઉચ્ચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર!’

- વાહ! તેં કઈ શીખી?

- હું ફક્ત 'કાકાતુઆ' અને 'મોર' સમજી શકતી કારણકે મેં બંને પક્ષીઓનાં ચિત્રો જોયાં હતા.

- મલ્લિકા, તારી વાતો સાંભળવી મારા માટે આનંદદાયક અનુભવ છે. મારી પાસે પણ ભાષાનો એક અનુભવ છે, સાંભળીશ?

- કેમ નહીં?

- હું જ્યારે હોસ્પિટલમાં એક ડ્રગ એડીક્ટ પેશન્ટની સંભાળ લેવા જતો ત્યારે બીજો એક મેક્સીકન મેલ નર્સિંગ આસિસ્ટન્ટ પણ આવતો હતો.

- એટલે? મને કશું સમજાયું નહીં.

- હું તને કહેવા માંગુ છું કે મેં અહીં લાંબા સમય સુધી નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે.

- શું વાત કરે છે?

- પહેલાં હોસ્પિટલમાં કામ કર્યું, પછી પ્રાઇવેટ પેશન્ટ્સની સંભાળ લેવાનું કામ કરતો. એ વાત ફરી ક્યારેક કહીશ. અત્યારે તને ભાષા વિશે કહેવા માંગુ છું.

- ઓકે.

- દિવસના બાર કલાકની ડ્યુટી તે મેક્સિકન નર્સિંગ આસિસ્ટન્ટની રહેતી અને સાંજથી બીજા દિવસની સવાર સુધી મારી ડ્યુટી રહેતી. મારા માટે આ કાર્ય સંપૂર્ણપણે નવું હતું. મને વધારે અંગ્રેજી આવડતું નહોતું, બે ચાર લીટીઓ બોલી શકતો, એટલું જ. અમેરિકન અંગ્રેજીના તો ઉચ્ચાર જ વિચિત્ર લાગતા.

- તારી વાત સાચી છે. મારા નણંદ લાસ વેગાસમાં રહે છે, જ્યારે તેમનો પુત્ર ભારત આવ્યો ત્યારે હું પણ તેનું અમેરિકન અંગ્રેજી સમજી શકતી નહીં.

- હા, તે મેક્સિકન બંદો પણ મારા જેવો જ હતો. જતાં જતાં તેણે મેક્સિકન અંગ્રેજીમાં કહ્યું, 'આશીન, વોચ હીમ, હી હેજ સીઝર.' તેણે પોતાની બે આંગળીઓથી કાતર જેવું નિશાન પણ બનાવ્યું. હું સમજી ગયો કે દર્દી પાસે કાતર છે, સાવચેતી રાખવી પડશે. 

- તેં શું સાવચેતી રાખી?

- સાવચેતી? મલ્લિકા, હું તો બીકનો માર્યો આખી રાત તેને તાકતો બેસી રહ્યો. કોણ જાણે ક્યારે જાગી જાય અને કાતર વડે મારી પર હુમલો કરે! તેના હાથ-પગ બાંધેલા રહેતા. જ્યારે તેને વોશરૂમમાં જવું હોય ત્યારે તેના બાંધેલા હાથ-પગ ખોલવા પડતા. વિચાર કે ત્યારે મારા શા હાલ થતા હશે? હું પોતે જ દર્દી બની ગયો.

- ઓહ! પછી?

- પછી ખબર પડી કે ડ્રગ એડીકશન ને કારણે તેને આંચકી આવતી હતી. આવી સ્થિતિમાં, તે પોતાને નુકસાન ન કરી બેસે તેથી તેને બાંધી રાખવામાં આવતો. પેલા મેક્સિકન ભાઈએ દર્દીની તકલીફ બતાવ્યા વિના ટૂંકમાં ફક્ત 'સીઝર' જ કહ્યું હતું!

- ઓહ! માદક દ્રવ્યોનું નિયમિત સેવન કરવાથી મગજની સંવેદનશીલતા ઓછી થાય છે.

- મલ્લિકા, આવા લોકો ડીપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત અન્ય રોગોની ચપેટમાં આવી જાય છે અને તેઓ આ પ્રકારના હુમલાથી પીડાય છે.

- આ બધું પહેલાં સમજી લીધું હોત તો આખી રાત તારે આટલો માનસિક તણાવ સહન ન કરવો પડ્યો હોત! 

- હાસ્તો.

- અશ્વિન, ભાષાના દ્વન્દ્વ ને લગતી બીજી એક ઘટના મને પણ યાદ આવી રહી છે.

- લખી નાંખ. 

- 20 જુલાઈ, 1969 ના રોજ, જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિને ચંદ્ર પર પગ મૂક્યો ત્યારે હું સમલાયા ગામની ‘સરસ્વતી સાર્વજનિક વિદ્યાલય’ માં આઠમા ધોરણની વિદ્યાર્થીની હતી. શાળામાં એક મોટો રેડિયો લાવવામાં આવ્યો અને તમામ વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર મેદાનમાં બેસાડવામાં આવ્યા. બધા શિક્ષકો અને આચાર્ય પણ બેઠા. રેડિયો પર સમાચાર આવતા હતા. વોલ્યુમ વધારવામાં આવ્યું. થોડા સમય પછી આચાર્ય બોલ્યા, ‘બંને અવકાશયાત્રીઓએ ચંદ્ર પર ઉતરાણ કર્યું.’ બધાયે ખૂબ તાળીઓ પાડી.

- સાચે જ, કેટલી રોમાંચક ક્ષણ હતી! 

- શું ધૂળ હતી? અશ્વિન, તેમના કહેવાનો અર્થ એ હતો કે અવકાશયાનમાંથી ઉતરીને બંનેએ ચંદ્રની ધરતી પર પગ મૂક્યો, પણ મારા મગજમાં 'ઉતરાણ' શબ્દે યુદ્ધ છેડ્યું. મને તો એટલી જ ખબર હતી કે ચૌદમી જાન્યુઆરીએ આપણે બધા પતંગ ઉડાવીએ છીએ, તેને 'ઉતરાણ' (ઉત્તરાયણ) નો તહેવાર કહેવામાં આવે છે. મારી જિજ્ઞાસા એ હતી કે આ ધરતી પર આટલી બધી જગ્યા હોવા છતાં, આ બંને 'ઉતરાણ'ના તહેવારની ઉજવણી કરવા માટે ચંદ્ર પર કેમ પહોંચ્યા હશે? પૂછવું ય કોને?

- હા... હા... ગજબ છે તું! આમેય બોલવું તો તારા સ્વભાવમાં જ નહોતું ને? જો હોત તો મને પણ ક્યારેક કંઈ પૂછ્યું હોત! કારણ જાણવા મળ્યું હશે ત્યાં સુધીમાં તો બંને અવકાશયાત્રીઓ પરલોક સિધાવી ગયા હશે! 

- દરેક વખતે ટોણો મારવો જરૂરી છે?

- તને સતાવવાની મઝા આવે છે. ઓકે ડિયર, હું વીકએન્ડમાં ઘરની બહાર છું, પછી વધુ વાત કરીશું.

- ઘરની બહાર ક્યાં છે? ફેમિલી સાથે?

- ના, એકલો જ છું.

- શું? મેં તો સાંભળ્યું છે કે યુ.એસ.ના લોકો વીકએન્ડમાં ફેમિલી સાથે ખૂબ એન્જોય કરે છે.

- મારા નસીબમાં તે એન્જોયમેન્ટ નથી, મલ્લિકા. હું હજી પણ દર વીકએન્ડના બે દિવસ એક ફેમિલીમાં ‘લીવ ઇન કેયર ગીવર’ તરીકે કામ કરું છું. હું તે ફેમિલીના એક વડીલની સંભાળ રાખું છું. અત્યારે હું તેમના ઘરે છું. જો સમય નહીં મળે તો મંડે વાત થશે. 

 

- ઓહ! હું કંઈપણ વિચારી નથી સકતી, ઐશ. 

- ક્યારેક આ વિશે પણ વાત કરીશું. હવે મારો સૂવાનો સમય થયો છે, બાય. 

-  બાય, ગુડ નાઇટ.