Sapnana Vavetar - 54 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 54

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સપનાનાં વાવેતર - 54

સપનાનાં વાવેતર પ્રકરણ 54

શ્રુતિ સોના દાસગુપ્તાને રાત્રે શોરૂમ વધાવીને પોતાની જ ગાડીમાં ઘરે લઈ ગઈ. અનિકેત ત્યારે ઘરે આવી ગયો હતો.

"અનિકેત આ સોના ... જેના વિશે મેં તમને ફોન ઉપર વાત કરી હતી. તમે એની આખી વાત સાંભળો. તમારે કાલે એને મદદ કરવાની છે." શ્રુતિ બોલી.

" નમસ્તે સર. " સોના અનિકેત વિરાણીને બે હાથ જોડીને બોલી.

"સોના તું જરા પણ ચિંતા ન કરીશ. તું શાંતિથી અનિકેતની સામે સોફા ઉપર બેસ અને બધી જ વાત વિગતવાર જરા પણ સંકોચ વગર કહી દે. તું ગમે તે રસ્તે ગઈ હોય એનાથી અમને કોઈ ફરક પડતો નથી. દરેકની પોતાની પર્સનલ લાઈફ હોય છે માટે તું ચિંતા કરીશ નહીં. હું અંદર કપડાં બદલીને આવું છું. અને તને ચા ફાવશે કે જ્યુસ ? કંઈક તો લેવું જ પડશે. " શ્રુતિ બોલી.

"ઠીક છે મેડમ કોઈપણ જ્યુસ ચાલશે." સોના બોલી અને અનિકેતની સામે નાના સોફા ઉપર બેઠી.

એણે શરૂઆતથી અત્યાર સુધીની બધી જ વાત જરા પણ સંકોચ રાખ્યા વગર વિગતવાર અનિકેતને કહી. એણે ત્રણ લાખ રૂપિયા શ્રુતિ મેડમ પાસેથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટરને આપ્યા એ પણ વાત કરી અને બીજા બે લાખ માગે છે એ પણ વાત કરી.

"હમ્... કયું પોલીસ સ્ટેશન છે ? " અનિકેતે પૂછ્યું.

સોનાએ પોલીસ સ્ટેશનનું નામ આપ્યું.

" ઠીક છે. હવે તું મારા ઘરેથી જ્યુસ પીને તારા ઘરે જઈને સૂઈ જા. તારે બે લાખ રૂપિયા આપવાની કોઈ જરૂર નથી. એ હું જ આપી દઈશ. આજ પછી તારા ઘરે કોઈ જ પોલીસ નહીં આવે એ મારી ગેરંટી. મારા ઉપર ભરોસો રાખજે. પૈસાની જરૂર હોય તો શ્રુતિ પાસેથી માંગી લેજે પરંતુ આજ પછી આ રીતે શરીરના સોદા કરીશ નહીં. " અનિકેત બોલ્યો.

એ પછી જ્યુસ પીને સોના પોતાના ઘરે જવા નીકળી ગઈ. અનિકેતે સાવંત અંકલને ફોન લગાવ્યો. એ એના પપ્પાના ખાસ મિત્ર હતા અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર હતા. અનિકેતે એમના દ્વારા જ ડ્રગ્સના કેસમાં સુનિલ શાહને પકડાવ્યો હતો.

" અંકલ ફરી તમારું થોડું કામ પડ્યું હતું. લોકોને બ્લેકમેઈલ કરતા એક પોલીસ ઇન્સ્પેક્ટરને પકડાવવો છે. એન્ટી કરપ્શન વિભાગમાં વાત કરીને જરા કાલે છટકું ગોઠવી દો ને ! મારે બે લાખ રૂપિયા રોકડા એ પોલીસ ઇન્સ્પેક્ટરને આપવા જવાનું છે. " અનિકેત બોલ્યો.

" તને એ બ્લેકમેઈલ કરે છે કે શું ? " અંકલ હસીને બોલ્યા.

" કોઈની તાકાત નથી અંકલ. આ તો સેવાનું કામ છે. " અનિકેત પણ હસીને બોલ્યો.

" ઠીક છે. તું મને પોલીસ સ્ટેશનનું નામ મેસેજ કરી દે. હું બધું સેટિંગ કરીને તને કાલે સવારે અગિયાર વાગ્યા સુધીમાં જણાવું છું. " અંકલ બોલ્યા.

અને પછી બીજા દિવસે સવારે સાડા અગિયાર વાગે સાવંત અંકલનો ફોન આવી ગયો.

" તારી વાત સાચી છે. તેં જે પોલીસ સ્ટેશનનું નામ આપ્યું છે એની ઘણી ફરિયાદો લોકોમાં છે. ઇન્સ્પેક્ટર કરપ્ટેડ છે. બપોરે ૧૨:૩૦ વાગે મ્હાત્રે કરીને એસીબી નો એક ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ તને એ પોલીસ સ્ટેશનની આજુબાજુ મળી જશે. હું તને એમનો નંબર મોકલું છું. બે લાખનું બંડલ એમને આપી દેજે. ઇન્સ્પેક્ટર નોટો ઉપર ફિલેંથીન પાઉડર લગાડી દેશે અને અમુક નોટો પર સહી પણ કરશે." સાવંત અંકલ બોલ્યા.

અનિકેત બે લાખની નવી નોટોનું બંડલ લઈને ૧૨:૩૦ વાગે પોલીસ સ્ટેશન પાસે પહોંચી ગયો. એણે ત્યાં પહોંચીને મ્હાત્રે સાહેબને ફોન કર્યો.

" સર મૈં અનિકેત વિરાણી. વો દો લાખ લે કે આ ગયા હું. મૈં યહાં પોલીસ સ્ટેશન સે થોડે દૂર જો બેંક ઑફ મહારાષ્ટ્ર હૈ વહાં ખડા હું. " અનિકેત બોલ્યો.

" જી ઠીક હૈ. હમ લોગ વહાં આતે હૈં." મ્હાત્રે સાહેબ બોલ્યા અને પાંચ જ મિનિટમાં એમની ગાડી અનિકેત પાસે પહોંચી ગઈ. આખો સ્ટાફ સિવિલ ડ્રેસમાં હતો. એમણે અનિકેત પાસેથી નોટોનું બંડલ હાથમાં લઈને પાવડર છાંટી દીધો. અંદર ત્રણ-ચાર નોટો ઉપર સહી પણ કરી દીધી.

" હમ લોગ ભી આપકે પીછે પીછે આતે હૈ લેકિન હમ પોલીસ સ્ટેશનકે બહાર હી ખડે રહેંગે. પૈસે દે કર આપ તુરંત બહાર નિકલ જાના ઓર બહાર હી ખડે રહેના. હમ અંદર જાયેંગે ઔર બાદ મેં આપકો અંદર બુલાયેંગે સ્ટેટમેન્ટ લેને કે લિયે. " મ્હાત્રે બોલ્યા.

એ પછી બે લાખ રૂપિયાનું પેકેટ લઈને અનિકેત પોલીસ સ્ટેશનમાં ગયો. એ અત્યારે શૂટના બદલે શર્ટ પેન્ટ પહેરીને સાવ નોર્મલ ડ્રેસમાં આવ્યો હતો.

ઇન્સ્પેક્ટર અત્યારે એની ચેમ્બરમાં એકલો જ બેઠો હતો.

"મૈં અંદર આ સકતા હું સર ?" અનિકેત બોલ્યો.

" હા આ જાઓ. " ઇન્સ્પેક્ટર બોલ્યો.

"અરે સર વો સોના દાસગુપ્તાને આપકે લિયે દો લાખ રૂપિયે ભેજે હૈં. અબ તો ટેન્શન કી કોઈ બાત નહીં હૈ ના ? બેચારી બહોત ડર ગઈ હે તો મુઝે ભેજા. ઉસકા નામ ડ્રગ્સકી ફાઈલ સે નિકાલ દેના સર. " અનિકેત બે હાથ જોડીને બોલ્યો અને બે લાખનું પેકેટ ઇન્સ્પેક્ટરના હાથમાં આપ્યું.

" અચ્છા ઠીક હૈ ઠીક હૈ. બોલ દેના કામ હો જાયેગા. તુ ભી ઉસકા આશિક લગ રહા હૈ. " ઇન્સ્પેક્ટર ખંધુ હસીને બોલ્યો.

અનિકેત તરત જ ઝડપથી બહાર નીકળી ગયો અને મ્હાત્રે સાહેબને ઈશારો કરી દીધો. મ્હાત્રે પોતાના બે કોન્સ્ટેબલને લઈને ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં ધસી ગયા અને પેલો નોટો ગણતો હતો ત્યાં જ એને રંગે હાથ પકડી લીધો. ત્યાં સુધીમાં તો અનિકેત પણ ચેમ્બરમાં પાછો આવી ગયો.

આખું પોલીસ સ્ટેશન ભેગું થઈ ગયું. પંચનામુ થયું. સોના પાસેથી સવા ત્રણ લાખ અને સોહન પાસેથી પણ સવા ત્રણ લાખ રૂપિયા લીધા છે તથા સોના પાસે આજે બીજા બે લાખ મંગાવ્યા છે એવું વિગતવાર સ્ટેટમેન્ટ આપ્યું. મ્હાત્રે એક ન્યૂઝ ચેનલવાળાને પણ લઈને આવ્યા હતા એટલે પોલીસ સ્ટેશનનું શૂટિંગ પણ કર્યું.

ઇન્સ્પેક્ટરનો બરાબરનો વરઘોડો નીકળ્યો. કાપો તો લોહી પણ ના નીકળે એવી એની હાલત થઈ ગઈ હતી. ઇન્સ્પેકટર સસ્પેન્ડ પણ થઈ ગયો અને ન્યૂઝ ચેનલો અને પેપરોએ એની આબરૂ ધૂળધાણી કરી નાખી.

આ ઘટનાને ૧૫ દિવસ વીતી ગયા પછી એક રવિવારે અનિકેતની ઓશન વ્યુ સોસાયટીમાં સાંજના ૭ વાગે એક સિંધી ફેમિલી તરફથી એક મોટું ફંક્શન રાખવામાં આવ્યું હતું. એ પણ કરોડોપતિ પાર્ટી હતી. એનું નામ હતું વિશાલ અભિચંદાની. એના એકના એક દીકરાનો જન્મદિવસ હતો એ નિમિત્તે ઓશન વ્યુનાં તમામ ટાવરના રહીશોને ફંકશનમાં હાજર રહેવાનું અને જમવાનું આમંત્રણ હતું.

સાંજે સાત વાગે એક મ્યુઝિકલ પાર્ટી બોલાવી હતી અને ફરમાઈશ પ્રમાણે સ્ટેજ ઉપર બે જાણીતાં મેલ ફિમેલ સિંગર્સ બે કલાક સુધી ગીતો ગાવાનાં હતાં. એ પછી નવ વાગે જમણવાર હતો. શ્રુતિ અને અનિકેતને પણ ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું એટલે એ લોકો પણ પ્રોગ્રામમાં હાજર થઈ ગયાં હતાં.

ચારેક યુગલ ગીતો ગવાઈ ગયા પછી એનાઉન્સરે જાહેર કર્યું કે સોસાયટીના તમામ હાજર શ્રોતાઓમાંથી કોઈને પણ મ્યુઝિક સાથે અહીં સ્ટેજ ઉપર ગીત ગાવાની ઈચ્છા હોય તો આવી શકે છે. તમામ શ્રોતાઓ વચ્ચે ગણગણાટ ચાલુ થયો.

દસેક મિનિટના વિરામ પછી અચાનક શ્રુતિ ઊભી થઈ અને સ્ટેજ ઉપર ગઈ. પોતે જે ગીત ગાવાની હતી એની વાત પાછળ બેઠેલા ઑરચેસ્ટ્રાને કરી. એ પછી એણે માઈક હાથમાં લીધું.

"શ્રોતા મિત્રો હું છું શ્રુતિ અનિકેત વિરાણી. આજે અત્યારે હું જે ગીત ગાવાની છું તે આમ તો યુગલ ગીત છે છતાં મારું એ પ્રિય ગીત છે એટલે મારા પોતાના સોલો અવાજમાં જ આ ગીતને હું ગાઈશ." શ્રુતિ બોલી.

અનિકેત શ્રુતિને સ્ટેજ ઉપર જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો. એને કલ્પના પણ ન હતી કે શ્રુતિ આ રીતે સ્ટેજ ઉપર જઈને ગાવાની કોશિશ કરશે. કારણ કે એને શ્રુતિ સારું ગાય છે એવો કોઈ અંદાજ ન હતો. હા કૃતિનો કંઠ સારો હતો એ એને ખબર હતી પણ શ્રુતિ માટે ક્યારેય પણ એના કંઠની ચર્ચા થઈ ન હતી.

શ્રુતિએ ગીત ગાવાનું ચાલુ કર્યું. "

अभी ना जाओ छोड़कर कि दिल अभी भरा नहीं । अभी ना जाओ छोड़कर कि दिल अभी भरा नहीं ।।
अभी अभी तो आई हो, अभी अभी तो... अभी अभी तो आई हो बहार बन के छाई हो... हवा ज़रा महक तो ले नजर ज़रा बहक तो ले.... ये शाम ढल तो ले ज़रा... ये दिल संभल तो ले ज़रा... मैं थोड़ी देर जी तो लूँ ...नशे के घूँट पी तो लूँ.... अभी तो कुछ कहा नहीं अभी तो कुछ सूना नहीं.... अभी ना जाओ छोड़कर कि दिल अभी भरा नहीं ।।

આ ગીતને શ્રુતિએ પોતાના અંદાજમાં એટલી સરસ રીતે ગાયું કે તમામ શ્રોતાઓ પોતાની બેઠક ઉપરથી ઊભા થઈ ગયા અને તાળીઓથી વધાવીને "વન્સ મોર વન્સ મોર" કરવા લાગ્યા.

શ્રોતાઓના આટલા બધા આગ્રહને જોઈને શ્રુતિને ખૂબ જ આનંદ થયો. એણે એનું એ ગીત તો રીપીટ ના કર્યું પણ બીજું એનું પ્રિય ગીત એણે શરૂ કર્યું.

" लग जा गले कि फिर ये हसीं रात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो... लग जा गले से...
हमको मिली है आज, ये घड़ियाँ नसीब से । जी भर के देख लीजिये हमको क़रीब से
फिर आपके नसीब में ये बात हो न हो
लग जा गले .....

શ્રુતિ સ્ટેજ ઉપર છવાઈ ગઈ. એણે તો સ્ટેજ ઉપર જે ફીમેલ સિંગર આવી હતી એને પણ ઝાંખી પાડી દીધી. એ ગાયિકાએ એને દિલથી અભિનંદન આપ્યા.

"યુ હેવ આ બ્યુટીફુલ નેચરલ વોઇસ. કોંગ્રેટ્સ!! " ફીમેલ સિંગર બોલી.

શ્રોતાઓની તાળીઓના ગડગડાટ વચ્ચે શ્રુતિ પછી સ્ટેજ ઉપરથી નીચે ઉતરી અને અનિકેતની બાજુમાં જઈને બેસી ગઈ.

" અદભુત અદભુત ! શ્રુતિ તું આટલું બધું સરસ ગાય છે એની તો હું કલ્પના પણ નથી કરી શકતો. સુંદર કંઠ છે તારો. આઈ મસ્ટ એપ્રેસિયેટ !! " અનિકેત બોલ્યો.

" હા અનિકેત હું કોલેજમાં પણ દરેક પ્રોગ્રામમાં ગાતી હતી. દીદી પણ મારા જેટલું જ સરસ ગાતી હતી. આજે મને ફરી તક મળી એટલે ઝડપી લીધી." શ્રુતિ હસીને બોલી.

પ્રોગ્રામ લગભગ સાડા નવ વાગ્યા સુધી ચાલ્યો. એ પછી બધા બુફેની લાઈનમાં ઊભા રહ્યા. બે કાઉન્ટર બનાવેલાં હતાં.

જમતાં જમતાં અચાનક અનિકેતને અંદરથી એક ફ્લેશ આવ્યો. એની સામે ગાડીનો એક નંબર ફ્લેશ થયો ૭૨૫૬. એણે એક દ્રશ્ય જોયું. આ ગાડી કોની હશે ? એ એક મિનિટ માટે અંદર ઊંડો ઉતરી ગયો તો મેલ સિંગર મુખ્તારનો ચહેરો દેખાયો. અનિકેત મુખ્તાર જ્યાં થાળી લઈને ઊભો હતો એની પાસે નજીક ગયો. ડીનર લઈ રહેલા મુખ્તારને એણે કહ્યું.

" મુખ્તારભાઈ ગાડી ચલાવો છો ? " અચાનક અનિકેતનો આવો સવાલ સાંભળીને મુખ્તાર હસી પડ્યો.

" જી બિલકુલ. મારી ગાડીમાં જ આવ્યો છું. " મુખ્તાર બોલ્યો.

" મને ખ્યાલ છે. એટલા માટે જ મેં પૂછ્યું. તમારી ગાડીનો નંબર ૭૨૫૬ છે ? " અનિકેત બોલ્યો.

" હા. " મુખ્તાર બોલ્યો. એને આ યુવાનનો પ્રશ્ન સમજાતો ન હતો.

" તમે આવતી કાલે એક દિવસ માટે ગાડી બિલકુલ ચલાવતા નહીં. બની શકે તો બહાર ક્યાંય જતા જ નહીં. " અનિકેત બોલ્યો.

" નામ શું તમારું સર ? " મુખ્તાર બોલ્યો.

" મારું નામ અનિકેત વિરાણી. આ ઓશન વ્યુ ની સ્કીમ મારી પોતાની છે. સ્ટેજ ઉપર હમણાં જે ગાતી હતી શ્રુતિ વિરાણી એ મારી વાઈફ છે. " અનિકેત બોલ્યો.

" ઓહ નાઈસ ટુ મીટ યુ સર. તમે મને કાલે ગાડી નહીં ચલાવવાનું કેમ કહ્યું ? કારણ કે ગાડી વગર તો હું બહાર જતો જ નથી. " મુખ્તાર બોલ્યો.

" તમારી ગાડીને આવતીકાલે એક્સિડન્ટ થવાની પૂરી સંભાવના છે. મારી સલાહ માનો તો કાલે આખો દિવસ ઘરે આરામ કરો. " અનિકેત બોલ્યો.

" એ શક્ય જ નથી સર. અને આ બધી બાબતોમાં હું વધારે બીલીવ નથી કરતો. છતાં તમારા રિસ્પેક્ટ ખાતર કાલનો દિવસ ગાડી નહીં ચલાવવાની પૂરી કોશિશ કરીશ. " મુખ્તાર બોલ્યો.

" હું તો તમારા હિત માટે જ કહું છું મુખ્તારભાઈ. કાલે તમારી ગાડીને એક્સિડન્ટ થવાના યોગો છે એટલા માટે જ મેં તમને આ વાત કરી. " અનિકેત બોલ્યો અને ત્યાંથી છૂટો પડી એ શ્રુતિ પાસે આવી ગયો.

" કેમ પેલા સિંગર પાસે ગયા હતા ?" શ્રુતિ બોલી.

" બસ એને અભિનંદન આપવા. એણે પણ સરસ ગીતો ગાયાં હતાં. ખાસ કરીને રફી સાથે એનો અવાજ બહુ મેચ થાય છે." અનિકેત બોલ્યો.

વિધિના વિધાનને કોઈ ટાળી શકતું નથી. મુખ્તાર તો રાત્રે ૧૧ વાગે ઘરે જવા માટે રવાના થઈ ગયો. અને બીજા દિવસે અનિકેતની સલાહ પ્રમાણે ગાડી લઈને ક્યાંય ના જવાનો એણે નિર્ણય પણ કર્યો. પરંતુ એના ૨૦ વર્ષના દીકરા અલ્તાફને આ સલાહ આપવાનું એ ભૂલી ગયો.

આજે અબ્બા આરામ કરતા હતા અને ગાડી ઘરે જ પડી હતી એટલે અલ્તાફ અમ્મીને કહીને ગાડી લઈ કોલેજ જવા માટે નીકળી ગયો. મુખ્તારને ખબર જ ન હતી કે અલ્તાફ આજે ગાડી લઈ ગયો છે !

બપોરે દોઢ વાગે પોલીસનો ફોન મુખ્તાર ઉપર આવ્યો ત્યારે એને ખબર પડી કે અલ્તાફની ગાડી એક ટ્રકની પાછળ અથડાઈ ગઈ છે અને અલ્તાફ બેહોશ થઈ જવાથી એને નજીકની સાંતાક્રુઝ આશા પારેખ હોસ્પિટલમાં એડમીટ કર્યો છે. મુખ્તાર પાર્લામાં રહેતો હતો. અલ્તાફને કોલેજથી ઘરે પાછા આવતી વખતે અકસ્માત થયો હતો.

મુખ્તારને ગઈકાલના અનિકેતના શબ્દો યાદ આવ્યા. એ માણસે ગજબની આગાહી કરી હતી. પોતે આવી વાતોમાં માનતો ન હતો છતાં પણ એની સલાહને માનીને એ ઘરે જ રહ્યો હતો પરંતુ એણે દીકરાને જાણ કેમ ના કરી ? એને ખૂબ જ દુઃખ થયું. એણે એની પત્ની જાહિદાને પણ ખૂબ જ ઠપકો આપ્યો.

મુખ્તાર અને એની પત્ની તરત જ રીક્ષા કરીને હોસ્પિટલ પહોંચી ગયાં. અકસ્માત ખરેખર ખૂબ જ સિરિયસ હતો. છાતીના ભાગે ગાડીનું સ્ટિયરિંગ દબાઈ ગયું હતું અને માથામાં પણ સારું એવું વાગ્યું હતું. કેસ સિરિયસ હતો એવું ડોક્ટરે કહ્યું.

શું કરવું એ એને સમજાતું ન હતું જાહિદા તો રડવા જ લાગી હતી. અલ્તાફ બેહોશ હતો. મુખ્તારને તરત જ અનિકેત સાથે વાત કરવાની ઈચ્છા થઈ પરંતુ એની પાસે અનિકેતનો નંબર ન હતો. એણે એની પાર્ટીના આયોજક સલીમભાઈને ફોન કર્યો અને વિશાલ અભિચંદાનીનો નંબર લીધો.

"સર મૈં કલ વાલા સિંગર મુખ્તાર બોલતા હું . આપકે ઓશન વ્યુ ફ્લેટ કે બિલ્ડર અનિકેત વિરાણી જો આપકી સોસાયટી મેં હી રહેતે હૈ ઉનકા મુજે અર્જન્ટ નંબર ચાહિયે થા. મેરી ગાડીકા એક્સિડન્ટ હુઆ હૈ ઔર મેરા બેટા સિરિયસ હૈ. ઉન્હોને હી કલ મુઝે બતાયા થા કિ મેરી ગાડીકો આજ એકસીડન્ટ હોને વાલા હૈ. " મુખ્તાર બોલ્યો.

" ક્યા બાત કરતે હો ? અનિકેત વિરાણીને તુમકો એક્સિડન્ટ કે બારેમે એડવાન્સમે બતા દિયા થા ? " વિશાલ અભિચંદાની બોલ્યા.

" જી સર. મુજે બોલા થા કિ આજ ગાડી લેકર કહીં ભી બહાર મત જાના લેકિન મેં અપને બેટે કો બતાના ભૂલ ગયા થા. વો ગાડી લેકર કોલેજ ગયા થા ઔર ઈતના બડા એક્સિડન્ટ હો ગયા. " મુખ્તાર બોલ્યો.

" ઠીક હૈ ઠીક હૈ. મુઝે ૧૦ મિનિટ કા વક્ત દો. મૈં તો અપને શો રૂમમેં હું લેકિન મેરે નોકર કો ભેજ કર મે નંબર મંગવાતા હું. મૈં સામને સે ફોન કરુંગા" અભિચંદાની બોલ્યા.

અને દસ મિનિટમાં જ અભિચંદાનીનો ફોન આવી ગયો અને એમણે નંબર પણ આપ્યો.

મુખ્તારે નંબર મળતાં જ અનિકેતને ફોન જોડ્યો.

" અરે સર તમારી આગાહી એકદમ સાચી પડી. તમારી સલાહને માન આપીને હું આજે આખો દિવસ આરામ કરતો હતો. પરંતુ મારી જાણ બહાર મારો એકનો એક દીકરો અલ્તાફ એ જ ગાડીમાં એક્સિડન્ટનો ભોગ બન્યો અને તાત્કાલિક એને પોલીસે સાન્તાક્રુઝ આશા પારેખ હોસ્પિટલમાં એડમીટ કર્યો છે. એ ખૂબ જ સિરિયસ છે તમે એકવાર એને જોવા આવો તો તમારી મોટી મહેરબાની. કારણકે તમારામાં મને હવે વિશ્વાસ વધી ગયો છે. " મુખ્તાર અનિકેતને વિનંતી કરી રહ્યો હતો. એ અનિકેત સાથે ગુજરાતીમાં જ વાત કરતો હતો.

"અરે મુખ્તારભાઈ તમારે આટલી બધી વિનંતી કરવાની ના હોય. હું હમણાં જ નીકળું છું અને આઇસીયુ વોર્ડ માં પહોંચું છું. " અનિકેત બોલ્યો અને પાંચ જ મિનિટમાં એ બહાર નીકળ્યો અને ડ્રાઇવર દેવજીને આશા પારેખ હોસ્પિટલ જવાની સૂચના આપી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)