વન દિવસ…
૨૧મી માર્ચને સમગ્ર વિશ્વમાં વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ સૌને આંતરરાષ્ટ્રીય વન દિવસની શુભકામનાઓ.
આ દિવસે વનદિવસ અને ગુજરાતના વન વિષે થોડું જાણવું આવશ્યક છે.
જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના કરી શકાતી નથી, તેથી જંગલોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. તેથી જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે 21 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જંગલોના આડેધડ કાપને કારણે હવે જંગલોના ઘરો અને તેમાં રહેતા પ્રાણીઓ સંકોચાઈ રહ્યા છે.
જંગલોની જાળવણી માટે, વર્ષ 1971 માં, યુરોપિયન કૃષિ સંગઠનની 23મી સામાન્ય સભામાં, દર વર્ષે 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને પણ જંગલોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે 21 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવા સંમતિ આપી હતી, ત્યારથી 21 માર્ચે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. .
જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. ઓક્સિજનની ઉણપ માનવ જીવન માટે જોખમ સમાન છે, તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે.
વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમો અને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
પર્યાવરણની જાળવણી માં વૃક્ષો, જંગલો અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ શોષીને પ્રાણવાયુ આપે છે. વૃક્ષારોપણ માત્ર ચોમાસામાં જ થાય એ ખ્યાલમાંથી બહાર આવીને વધુમાં વધુ વૃક્ષોનું રોપણ કરવું આવશ્યક છે. જ્યાં ઈલેક્ટ્રોનિક તાર પસાર થતા હોય બરાબર તેની વચ્ચે વૃક્ષો ન વાવવા જોઈએ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.
50 વર્ષોમાં એક ઝાડ કુલ 17.50 લાખ ઓકિસજનનું ઉત્પાદન કરે છે, 35 રૂપિયાના પ્રદુષણનું નિયંત્રણ, 3 કિલો કાર્બનડાયોક્સાઈડનું શોષણ, 41 લાખ રૂપિયાના પાણીનું રીસાયકલીંગ, 3% તાપમાનમાં ઘટાડો કરે છે. એક વયસ્ક વ્યક્તિ દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદુષણ ને 300 ઝાડ મળીને શોષી શકે છે. વન દિવસથી જ વન અને વન્યજીવો પ્રત્યે સૌમાં કરુણા ઉત્પન્ન થાય તેમજ પર્યાવરણીય સંપત્તિની જાળવણી થઈ શકે જેથી પૃથ્વી પરના સર્વે જીવો સુખેથી જીવન જીવી શકે.
આપણું ગુજરાત રાજ્ય અને વન
—————————————
ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ વિભાગને એનવાયરમેન્ટ વિંગ અને ફોરેસ્ટ વિંગ છે. ગુજરાત રાજ્યમાં પર્યાવરણ સંબંધિત તમામ બાબતોના અમલીકરણ માટેની સર્વોચ્ચ સંસ્થા વિભાગની એનવાયરમેન્ટ વિંગ જ છે. પર્યાવરણ સંરક્ષણને લગતા એન્વાયરમેન્ટ એક્ટનું અમલીકરણ કરાવે છે. તેની જવાબદારી રાજ્યમાં સાતત્યપૂર્ણ વિકાસ અને સુદ્રઢ પર્યાવરણીય વ્યવસ્થાપન કાર્યપ્રણાલિનો અમલ કરવાની છે. વિભાગ અમલીકરણ તેના વિવિધ કાર્યોને પાર પાડવા માટે ચાર એજન્સીઓ ધરાવે છે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત ઇકોલોજી કમિશન, ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી એન્ડ ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ.
ગુજરાતનો વનવિસ્તાર ૧૮,૮૪,૬૦૦ હેકટરનો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો વનવિસ્તાર ઘણો ઓછો છે. ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં રાજ્યનો આશરે ૪૦ ટકા વનવિસ્તાર આવેલો છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના ડુંગરાળ પ્રદેશમાં ગીચ જંગલો આવેલા છે.
ભેજવાળા પાનખર જંગલો (Moist deciduous forests):
૧૨૫ સેમી કરતા વધુ વરસાદ વાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે. આ જંગલો માં સાગ, સાલ, વાંસ, સીસમ, હળદરવો, શીરસ, ટીમરુ, શીમળો, રાયણ, આમળા, બહેડા, મહુડો, ખાખરો, ભાંગરો, ધાવડો, ઘમન, કેલઈ, કાકડા, ખેર વગેરે વૃક્ષો થાય છે.
સુકા પાનખર જંગલો (Dry deciduous forests):
મધ્યમ વરસાદવાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે. આ જંગલો માં સાગ, સાલ, વાંસ, હળદરવો, શીરસ, ટીમરુ, આમળા, બહેડા, મહુડો, બાવળ, કેસુડો, લીમડો વગેરે વૃક્ષો થાય છે. આ જંગલોમાં ઘાસ પણ થાય છે.
સુકા ઝાંખરા વાળા જંગલો (Dry forests with Thorns):
ઓછા વરસાદ વાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે. આ જંગલોમાં બાવળ, મોદળ, થોર, બોરડી, સાજડ, ધાવડો, ખાખરો, ટીમરુ, ઉમરડો, ગરમાળો, રાયણ, લીમડો વગેરે વૃક્ષો થાય છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવે છે.
વૃક્ષમ શરણં ગચ્છામી.
લેખન-સંકલનઃ પ્રા. રાજેશ કારિયા