"એક હતા વકીલ"( ભાગ -૪)
રમા બહેન રસોઈ ઘરમાં ગયા.
જલ્દીથી ચા અને નાસ્તો લેતા આવ્યા.
વકીલ સાહેબે જોયું તો બે કપ ચા અને નાસ્તાની એક ડીશ હતી.
નાસ્તાની ડીશમાં પાર્લે જી બિસ્કીટ મુક્યા હતા.
વકીલ સાહેબ મનમાં હસી પડ્યા.
બોલ્યા:-' ચાલો મને પણ ભૂખ લાગી છે.એ સારું છે કે તું મને ચા અને નાસ્તામાં સાથ આપવા માંગે છે.પણ તારો ફેવરિટ નાસ્તો સેવમમરા લાવી નથી તેમજ સક્કરપાલા તને બહુ ભાવે છે.'
રમા બહેન:-' નાસ્તો તમારા માટે છે. તમે બિસ્કીટ ને પણ નાસ્તો કહો છો એટલે સાથે બીજું નામ લાવી.કહેતા હો તો સેવમમરા અને સક્કરપાલા લાવું. હું ચા પીશ. વિનોદ વગર નાસ્તો ખવાશે નહીં.'
વકીલ સાહેબ:-' સારું પણ પછી કહીશ નહિ કે મને ચક્કર આવે છે.અશક્તિ છે. દવાખાને લઈ જાવ. આજે હું ફ્રી નથી. મારે બહુ કામ છે. હું પણ વિનોદ સાથે જ નાસ્તાને ન્યાય આપીશ.બિસ્કીટથી ચલાવીશ.'
થોડીવારમાં વકીલ ચંદ્રકાંતે ચા અને નાસ્તાને ન્યાય આપ્યો.
રમા બહેને ચા પીધી
રમા બહેનની નજર પતિ ચંદ્રકાંત પર અને સાથે સાથે ટેલિફોન પર હતી.
વકીલની નજર વારંવાર ટેલિફોન પર રહેતી હતી.
રમાબેન મનમાં.. લાગે છે કે વિનોદનો ફોન આવશે એટલે પહેલા હું જ ઉપાડીશ નૈ એને કહીશ કે કહીને જવું જોઈએ.મને એની કેટલી ચિંતા થાય છે...
રમા બહેન:-' આ વિનોદ પણ આળસુ છે. હજુ સુધી ફોન પણ કરતો નથી. મને કેટલી ચિંતા થાય છે. એને ફોન કરો.'
વકીલ:-' પણ એને ક્યાં ફોન કરું. તને ખબર છે કે ફોન બહુ ઓછાની પાસે હોય છે.'
રમા બહેન:-' તો પછી તમારી ઓળખાણ શું કામની. તમે વિનોદને જ્યાં મોકલ્યો છે એ વિસ્તારના પોલીસ સ્ટેશને ફોન કરો. તમે એને અગત્યના કામે મોકલ્યો છે એટલે નજીક પોલીસ સ્ટેશન હોવું જોઈએ અને તમે પોલીસ સ્ટેશન પર ફોન કરીને મદદ માંગી જ હશે.'
વકીલ ચંદ્રકાંત:-' અરે વાહ..તારે તો જાસૂસ બનવા જેવું હતું. વકીલની જેમ મારી પુછપરછ કરે છે. મેં અગત્યના કામે! ના..ના..એક સામાન્ય કારણસર જ.'
રમા બહેન:-' તે કરું જ ને. વકીલની પત્ની છું એટલે ચકોર અને ચાલાક બનવું પડે.પણ વિનોદ ક્યાં ગયો છે એ કહો એટલે મને હાશ થશે.'
વકીલ ચંદ્રકાંતે ચા નાસ્તો કરી લીધો હતો એટલે એમના શરીરમાં સ્ફૂર્તિ આવી.
બોલ્યા:-' આ તારી બનાવેલી ચા માં એવા સરસ ગુણ છે કે શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. તારા સિવાય બીજી ચા ફીક્કી લાગે છે. કોર્ટમાં ચાર પાંચ વખત ચા પીવું છું પણ મજા આવતી નથી.હવે મારે તને કહ્યા વગર છુટકો જ નથી.'
રમા બહેન સાંભળવા માટે આતુર બની ગયા.
બોલ્યા:-'હવે ખોટા ખોટા વખાણ ના કરો.બહાર જાવ ત્યારે પાંચ છ વખત ચા પીવો છો ને પાછી લકીની ચા પીવા માટે છેક પારેખ્સ જાવ છો.હશે જેવી તમારી મરજી.તમને વધુ કહેવું જોઈએ નહીં.આ ઉંમરે તમને વ્હાલા પણ કેવી રીતે કહું. કોઈ આવી જાય તો કેટલું ખરાબ લાગે. પણ મનાવવું ગમતું નથી પણ તમે કહી દો એમ છો જ કારણકે તમે મને પ્રેમ કરો છો. મારી ચિંતાની તમને ખબર છે.હવે કહો તો ફરીથી ચા બનાવું.'
ચંદ્રકાંત વકીલ:-' ના..ના.. હમણાં નહીં.વિનોદના સમાચાર આવે એ પછી લાગશે કે ચા પીવી પડશે તો બનાવજે પણ તું નાસ્તો કરી લેજે. વિનોદને એક કામ માટે મોકલ્યો છે.વિનોદ ચંડોળા તળાવ બાજુ ગયો છે. થોડીવારમાં સમાચાર આવશે એટલે ટેલિફોનની રાહ જોઉં છું.
રમા બહેન:-' હાય હાય.. તમે વહેલી સવારે વિનોદને છેક દૂર ચંડોળા તળાવ મોકલી દીધો! એ આટલે દૂર કેવી રીતે ગયો હશે?'
- કૌશિક દવે