Agnisanskar - 40 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 40

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 40



" હું આજ રાતે જ ગામ છોડીને ચાલ્યો જાવ છું..." બલરાજે પોતાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો.

" પણ પોલીસને ખબર પડશે કે તમે ભાગી ગયા તો...?" બલરાજનો આદમી બોલ્યો.

" પોલીસને જણાવશે કોણ? હું અચાનક ગાયબ થઈ જઈશ તો પોલીસ એવું જ સમજશે કે ક્રિમીનલે મને કીડનાપ કરી લીધો છે...અને હું ક્રિમીનલથી પણ બચી જઈશ અને પોલીસથી પણ..." બલરાજ ખુદના બનાવેલા પ્લાનથી ખુશ થતો બોલ્યો.

રાતના બે વાગ્યે જ્યારે ગામમાં પરમ શાંતિ છવાઈ હતી. ત્યારે બલરાજ પોતાની જીપ લઈને જંગલના રસ્તે જવા નીકળી ગયો. બલરાજે અંતિમ વખત મુલાકાત એના આદમી સાથે જ કરી હતી.

ગાડી જંગલના કાચા રસ્તે ચલાવતા બલરાજ ખુશ થતો બોલ્યો. " હમમ....ક્રિમીનલ ખુદને ખૂબ સ્માર્ટ સમજે છે ને..જ્યારે એમને ખબર પડશે કે હું તો ગામમાં છું જ નહિ તો એની બધી હોશિયારી છુમંતર થઇ જશે...આવ્યો મારી સાથે બદલો લેવા..." ગાડી ખરબચડા રસ્તેથી ચાલતી જંગલમાં પ્રવેશી ચૂકી હતી.

થોડાક સમય બાદ ગાડીની પાછળની ટાયરમાં પંચર પડી ગયું અને ગાડી જંગલની વચ્ચો વચ્ચ ઊભી રહી ગઈ. આખુ જંગલ વૃક્ષોથી ભરાવદાર હતું. આસપાસના લોકો અહીંયાના વૃક્ષો કાપીને લાકડાઓ વેચતા હતા. જેથી જંગલની વચ્ચે એકદમ ખુલ્લી જગ્યા હતા. અને એની આસપાસ એક પણ વૃક્ષ ન હતું. એના બદલે કાપેલા વૃક્ષોના લાકડા ત્યાં પડ્યા હતા.

ગાડી અચાનક બંધ પડી જતાં બલરાજ ગાડીથી બહાર આવ્યો અને પાછળના ટાયરમાં જોયું. ટાયરની હાલત એકદમ ખરાબ થઈ ચૂકી હતી.

" ટાયર બદલ્યા વિના ગાડી આગળ ચાલશે નહિ....અને રાતના સમયે અહીંયા એકલું રોકાવું પણ ઠીક નથી.." બલરાજે પહેલા આસપાસ જોયું અને પછી ઉપર આકાશ પર નજર કરી.

" સારું છે પૂનમ છે...આવા ગાઢ જંગલમાં પણ થોડું ઘણું અજવાળું તો છે..." ત્યાં જ જંગલમાંથી કોઈ જાનવરનો અવાજ આવ્યો. બલરાજ ડરતો ડરતો ફટાફટ જીપમાં જઈને બેસી ગયો.

" એક મુશ્કેલીથી ભાગ્યો તો બીજી મુશ્કેલી આવી ગઈ... મારી તો કિસ્મત જ ખરાબ છે.."

એકદમ શાંત વાતાવરણમાં પાછળની સિટ પરથી કઈક હલનચલનનો અવાજ આવ્યો. બલરાજે ધીમેથી પાછળ ફરીને જોયું તો કેશવે લોખંડની પાઈપ એના માથા પર મારી દીધી. અને ત્યાં જ બલરાજ બેહોશ થઈ ગયો.

બલરાજના આદમીની રાતની નીંદર જ ઉડી ગઈ હતી.

" પોલીસને ખબર પડશે કે મેં બલરાજને ભગાડવામાં સાથ આપ્યો છે... તો પોલીસ મને ગિરફ્તાર કરી લેશે..ના ના હું જેલમાં નથી જવા માંગતો....એક કામ કરું પોલીસને બલરાજ વિશે જણાવી દવ છું પછી મારું જે થવું હશે એ થશે..."

બલરાજનો આદમી દોડતો દોડતો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પાટીલે બલરાજની જાણ સીધી વિજયને કરી. અને આની સાથે વિજયની ટીમ એક્શનમાં આવી ગઈ.

વિજય અને સંજીવ પોતાની જીપમાં બેસી પોલીસ સ્ટેશને જવા નીકળી ગયા. જ્યારે આરોહી, પ્રિશા અને આર્યન પોત પોતાના ઘરેથી પોલીસ સ્ટેશને પહોંચવા નીકળ્યા હતા.

પ્રિશા જ્યારે ગામમાંથી નીકળી રહી હતી ત્યારે અંશના ઘરની અંદરથી દરવાજો ઠપકારવાનો અવાજ આવ્યો. પ્રિશા ઘરની નજદીક ગઈ અને કહ્યું.

" લક્ષ્મી આંટી તમે છો?" કાન દરવાજાની પાસે રાખીને કહ્યું.

" તું પ્રિશા છે ને ..પ્લીઝ બહારથી દરવાજો ખોલી નાખ..." લક્ષ્મી એ કહ્યું.

પ્રિશા એ દરવાજો ખોલ્યો અને લક્ષ્મી ઘરની અંદરથી બહાર આવી.

" આંટી શું થઈ ગયું? તમે આમ ગભરાયેલા કેમ લાગો છો?" પ્રિશા એ લક્ષ્મીને સંભાળતાં કહ્યું.

" મારો દીકરો ગાયબ છે..."

" અંશ ગાયબ છે ??"

" હા..ખબર નહિ એકલો ક્યાં જતો રહ્યો? અને કોઈએ બહારથી દરવાજો પણ બંધ કરી દીધો..."

" મા જી તમે ખુદને સંભાળો, હું આસપાસ જોઈને આવું છું અંશ અહીંયા ક્યાંક જ હશે..." દિલાસો આપતી પ્રિશા બોલી.

અંશ રાતના સમયે ક્યાં જઈ શકે? મનમાં પ્રિશા એ વિચાર કર્યો અને અચાનક જ એણે ખ્યાલ આવ્યો કે " બલરાજ પણ ગાયબ છે અને અંશ પણ....જરૂર અંશ બલરાજ સાથે જ હશે... મારે જલ્દી વિજય સરને જાણ કરવી પડશે.."

અહીંયા કેશવે બલરાજને જીપની સીટ વડે બાંધી દીધો. હાથ સીટની પાછળ બાંધી દીધા હતા. મોં પર એ જ કાળી પટ્ટી બાંધીને મોં બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગાડીને બંધ કરીને ડીઝલથી ભરેલો ડબ્બો જીપની અંદર અને બહાર છાંટી દીધો. જેથી આખી જીપ ડીઝલથી રેલમછેલ થઈ ગઈ.

ક્રમશઃ