Dariya nu mithu paani - 21 in Gujarati Classic Stories by Binal Jay Thumbar books and stories PDF | દરિયા નું મીઠું પાણી - 21 - વહુ દિકરી

Featured Books
Categories
Share

દરિયા નું મીઠું પાણી - 21 - વહુ દિકરી


દર્શન એટલે માવતરને દેવ માનતો સંસ્કારી પુત્ર.ક્યારેય એવું નહીં બન્યું હોય કે,એણે માબાપનું પાયલાગણ કર્યા વગર ઘરની બહાર પગ મુક્યો હોય.આ સંસ્કાર એ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો એ વખતથી જ કેળવાયેલ.
ગામડા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી જ 'માબાપને દેવ માન' વાક્ય દર્શનના હ્રદયમાં જડાઈ ગયેલું,બાકી તો એના બાપુજી અમરતભાઈ મજૂરી કરીને પેટીયું રળતા પાંચ ચોપડી ભણેલા સાવ સીધાસાદા માનવી.આખોદા'ડો કાળી મજૂરી કરીને થાકીને લોથપોથ થઈ જતા અમરતભાઈ પાસે દીકરામાં સંસ્કારનાં બીજ રોપવાનો ક્યાં સમય હતો?માતા જશીબેન બિચારાં ગામમાં ગાભાનાં ગોદડાં ભરવામાં અને બીજાં ઘરકામમાંથી આખો દા'ડો ઉંચાં આવતાં નહોતાં.એમને તો દીકરો ભણીગણીને આગળ વધે એટલો જ જીવન અભરખો હતો.
'સખત પરિશ્રમ કરીને હક્કનું લેવું'- એનાથી બીજા મોટા સંસ્કાર ક્યા? એ ગુણ દીકરામાં ઉતર્યા વગર થોડા રહે?આમેય 'પરિસ્થિતિ માનવીને ઘડે છે.' સમજણ આવતાં જ દર્શન પણ પરિસ્થિતિવશ ઘડાઈ ગયો.
ના કોઈ ઝાઝા શોખ,ના મોંઘાં કપડાં,ના ખોટો ખર્ચ..... દર્શન ધૂની બનીને મહેનત કરતો રહ્યો.યુવાનીની પાંખો ફુટી ત્યારે એ કોલેજકાળમાં સહાધ્યાયીઓના મોંઢેથી "સાવ ગામડીયો" મહેણું સહેતો રહ્યો.અભ્યાસમાં એકદમ પારંગત હોવાથી એને આખી કોલેજ ઓળખે.એના લીધે તો એ ઘણીવાર એ કોલેજ કરતી અલ્લડ યુવતીઓની મજાક બની જાય.ખેર, દર્શન બધું જ સમજતો હતો.એ મનોમન વિચારતો હતો કે,મારે આ બધા લોકો સાથે ક્યાં જીંદગી વિતાવવાની છે?ભલે ને જેને જે કહેવું હોય તે કહે.દર્શન માબાપની આર્થિક પરિસ્થિતિને બરાબરની સમજતો હતો.
ઘણીવાર રાત્રીના સમયે વાંચન લેખન કરીને પથારીમાં પડેલ દર્શનની ઉંઘ વેરણ બની જતી.એની સામે અમરતભાઈ અને જશીબેનના પરસેવાથી રેબઝેબ ચહેરા ખડા થઈ જતા. હાથમાં પાવડો પકડીને ધગધગતી ગરમી વચ્ચે ખેશથી મોઢું લુંછતા બાપુજીનો કાળો પડી ગયેલ ચહેરો એની નજર સામે તરવરી ઉઠતો, તો ક્યારેક 'હવે આ બે દોરડા નાખવાના બાકી છે, આટલું પુરું કરીને પછી ઘેર જાઉં' કહેતાં જશીબેનનો થાકેલો ચહેરો ખડો થઈ જતો હતો.દર્શન બરાબરનો વિહ્વળ થઈ ઉઠતો.એ પથારીમાં પડખાં ફેરવતો ફેરવતો મનોમન બબડી ઉઠતો,'ક્યારે નોકરી મેળવું ને ક્યારે માબાપના ઢસરડાનો અંત લાવું?'
અને અંતે દર્શનની મહેનત ફળી.ચોવીસ વર્ષની ઉંમરે એને સરકારી નોકરી મળી ગઈ.નોકરીનો કાગળ લઈને સાંજે સાતેક વાગ્યાના સમયે ઘેર આવ્યો ત્યારે એ અમરતભાઈ અને જશીબેનને રીતસરનાં ઉંચકી લેતાં બોલી ઉઠ્યો,"મા! બાપુજી! આપણી ગરીબીના દિવસો ભોળાનાથની કૃપાથી હવે પુરા થયા છે.મને નોકરી મળી ગઈ છે.ચાલો પ્રથમ ભોળાનાથના મંદિરે જઈએ."- કહેતોકને પાણી પણ પીધા વગર એ માબાપને ખેંચીને શીવાલયે લઈ ગયો.વર્ષમાં એકાદવાર શીવાલયે જતાં અમરતભાઈ અને જશીબેનનની આંખો આજે પ્રથમવાર દર્શન કરતાં કરતાં ઉભરાઈ આવી.
શીવાલયની આગળથી લગભગ દરરોજ પસાર થતાં આ મહેનતુ માવતર બહારથી જ હાથ જોડીને પસાર થઈ જતાં હતાં.એમની પાસે મંદિરે જઈને પ્રભુને મનાવવાનો સમય જ ક્યાં હતો?તેઓ મનોમન જ પ્રાર્થના કરી લેતાં હતાં કે,'હે પ્રભુ!સૌ સારાં વાનાં કરજો.' અને એ મનોમનની પ્રાર્થના આજે ફળી હતી.શીવાલયે આજે આ દંપતીએ કદાચ જીંદગીમાં પ્રથમવાર ભોળાનાથનાં ધરાઈને દર્શન કર્યાં.એ બન્નેની આંખો આજે પ્રથમવાર ખુશી-આનંદનાં આંસુ સારી રહી હતી.
દર્શન તો ખરેખર ભોળાનાથ સામે ભાવવિભોર થઈ ઉઠ્યો.આ એજ પવિત્ર સ્થાન હતું કે,અભ્યાસના સખત પરિશ્રમ વચ્ચેય શ્રાવણ માસમાં એ પૂજારીના આગ્રહથી શીવ મહાપૂરાણનું વગર માઈકે વાંચન કરતો હતો.એની વાંચનની ભાવવાહી શૈલી અને વાક્છટાથી આખું ગામ અભિભૂત હતું અને એટલે જ તો એની નોકરીની જાણ ઘડીભરમાં આ નાનકડા એવા આખા ગામમાં થઈ ચૂકી હતી.
દર્શનેથી ઘેર આવતાંની સાથે જ અમરતભાઈના ઘેર લોકોનો તાંતો લાગ્યો.સૌ ખુશ હતાં.દર્શનના ઘેર લાપસીનાં આંધણ મુકાયાં.ઈષ્ટદેવને પ્રસાદ ધરાયો ને બાળપણ પછી ઘણા વર્ષો બાદ આજે જશીબેને દર્શનના મોંમાં લાપસીનો કોળીયો મુક્યો.જોકે આ આનંદદાયક પળની સેલ્ફી કે ફોટોગ્રાફ લેવા માટે દર્શન પાસે હજી મોબાઈલ ક્યાં હતો!એણે તો આ પળને કાયમ માટે હ્રદયમાં જડી લીધી હતી કે જે ક્યારેય "ડીલીટ" ના થઈ શકે.હા,આ ઘડીને જે આડોશી પાડોશી પાસે મોબાઈલ હતા એ લોકો જરૂર કેદ કરી રહ્યા હતા.
નોકરીનું સ્થળ ગામેથી સો કિલોમીટર જેટલું દૂર હોવાથી પ્રથમ પગારની સાથે જ દર્શન માવતરને એના નોકરીના સ્થળે લઈ ગયો.માવતરના કાળી મજૂરીના ઢસરડાનો અંત આવ્યો.
દર્શનના સંબંધ માટેનો અધ્યાય શરૂ થયો.આમેય સમાજમાં દર્શનની નોકરીની વાત વાયુવેગે પ્રસરી ચૂકી હતી. સીધાસાદા અમરતભાઈ સમાજમાં અમરતલાલથી ઓળખાવાના શરૂ થઈ ગયા હતા.જોકે આ નવા સંબોધનથી અમરતભાઈ મનોમન હસી લેતાં પોતાના બન્ને હાથની હથેળીઓ પર સખત પરિશ્રમથી પડેલ કાળા ડાઘને જોઈ લેતા હતા.
ખુબ સારા સારા ઘરનાં માગાંનો પ્રવાહ શરૂ થયો.બે ત્રણ ઠેકાણે દર્શન જોઈ પણ આવ્યો.જોકે દર્શને એના બાપુજીને સ્પષ્ટ કહી દીધું કે,"બાપુજી! તમારી અને મારી માની પસંદગી પર હું મંજૂરીની મહોર મારીશ.આ મારી જીંદગી આમેય તમારી અમાનત છે.તમારા બન્નેના સખત પરિશ્રમ અને આશિર્વાદથી જ હું અત્યારે આ જગ્યાએ છું.તમારી પસંદગી ક્યારેય ખોટી નહીં હોય એમાં મને કોઈ શંકા નથી.આમેય અભ્યાસ આડે મને સમાજનો કોઈ અનુભવ નથી."
ગામડા ગામનાં આ દંપત્તિની આંખોમાં નવી પેઢીના આ દીકરાનાં વાક્યોએ હરખનાં આંસુ લાવી દીધાં.દીકરાના વાક્યોથી માબાપની જવાબદારી સો ઘણી વધી ગઈ.
એક જ મહિનામાં અમરતભાઈ અને જશીબેને ઠેકાણું શોધી કાઢ્યું.બીએ પુરું કરેલી વિનિતા નામની છોકરી પર અમરતભાઈએ પસંદગીનો કળશ ઢોળ્યો.રવિવારના દિવસે દર્શન મા, બાપુજી સાથે છોકરીના ઘેર ગયો.દર્શનને જોઈને વિનિતા થોડી નર્વસ થઈ ગઈ.
દર્શન અને વિનિતાની મૂલાકાત ગોઠવાઈ.વિનિતા થોડી અતડી અતડી થઈને સંકોચાઈને બેઠી.બે ત્રણ મિનિટના મૌન પછી દર્શન અભ્યાસ,નામ વગેરેની પુછપરછ કરવા લાગ્યો.
અભ્યાસની વિગત સાંભળતાં જ દર્શન બોલી ઉઠ્યો, "ઓહ વિનિતા! આપણે તો એક જ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં.સોરી વિનિતા, હું તમને ઓળખી ના શક્યો.આમેય હું અભ્યાસનો કીડો હતો.મારી પાસે કોઈને ઓળખવાનો સમય જ ક્યાં હતો? જોકે એની પાછળનું ખરું કારણ એ હતું કે, હું ગરીબ માબાપનો છોકરો.ગરીબ માવતર લોહીનું પાણી કરીને મને ભણાવી રહ્યાં હતાં એટલે દિવસ,રાત મારી સામે માત્ર માવતરનો પરસેવાથી નિતરતો ચહેરો અને અભ્યાસ જ દેખાતાં હતાં.એના સિવાય મને કંઈ દેખાતું નહોતું."
વિનિતાની નર્વસતા પળવારમાં દૂર થઈ ગઈ.એણે નક્કી કરી લીધું કે,' હાશ,કોલેજમાં એકબે વાર દર્શનની હાંસી કરી હતી એ વાતની એને ખબર જ નથી.' એ દર્શનનાં વખાણ કરતાં બોલી,"ધન્ય છે દર્શન તમને.તમે ખરેખર ઉતમ માનવી છો. નિખાલસતાથી કહું છું કે,તમે મને પસંદ કરશો તો હું મારી જાતને ભાગ્યશાળી માનીશ.તમારો પડ્યો બોલ ઝીલીશ.તમે મને ખૂબ ગમો છો."
‌ માત્ર પાંચ જ મિનિટમાં પસંદગી? ભોળા મનનો દર્શન મનોમન વિચારતો થઈ ગયો,'હે પ્રભુ! વિનિતા એક સુખી પરિવારની છોકરી છે છતાંય કેટલી વિનમ્રતા!કેટલી નિખાલસતા!"
માબાપની પસંદગી અને હવે તો પોતાને પણ ગમી ગયેલ વિનિતા પર દર્શને મંજૂરીની મહોર મારી દીધી.
પાંચમા મહિને લગ્ન ગોઠવાયાં.દર્શન કે એનાં માબાપને તો કરિયાવરની કોઈ લાલચ નહોતી પરંતુ વિનિતાનાં માબાપે દીકરીને ખાસ્સો એવો કરિયાવર એમ કહીને આપ્યો કે,'આમેય દીકરી માલમિલકતમાં ભાગ માંગતી નથી તો આટલી તો અમારી ફરજ બને જ છે ને!'
વિનિતાનો પરિવાર સમાજમાં સારી એવી નામના ધરાવે છે.એનાં માબાપ તો ખરેખર ભગવાનનાં માણસ.અને દીવા જેવી સ્પષ્ટ વાત છે કે તેમનો ખાધેપીધે સુખી પરિવાર હોવા છતાંય દીકરીને ગરીબ કુટુંબમાં પરણાવી.હા,'જમાઈને નોકરી હોવાથી દીકરી આજીવન સુખી રહેશે.'- એ લાલચ ખરી.જોકે આવું તો મોટાભાગની દીકરીઓનાં માવતર ઈચ્છતાં જ હોય ને!
વિનિતાના કાકા વર્ષોથી શહેરમાં રહે છે તેઓ ત્યાં ધંધા સાથે સંકળાયેલા અને સુખી છે.કાકાના ઘેર રહીને વિનિતાએ કોલેજ કરેલી.એ ત્રણ વરસ દરમ્યાન ગામડામાં ઉછરેલી વિનિતાને શહેરની હવાએ રંગી નાખી.
‌‌. 'તમારો પડ્યો બોલ ઝીલીશ.'- કહેનાર વિનિતા છએક મહિનામાં તો સાસુ સસરાની હાજરીથી કંટાળી ગઈ."માને રીંગણનો ઓળો બહુ ભાવે છે.કાલે સવારે તો ઓળો જ બનાવજે.બાપુજીને માટે તો આજે ઘીની સુખડી જ બનાવજે. આજે રવિવાર છે,મા-બાપુજીની પ્રિય વાનગી શીરો જ બનાવ."- દર્શનની લાગણી વિનિતાને માત્ર હૂકમ જેવી જ લાગવા લાગી. અઠવાડિયામાં મોટાભાગની રસોઈ માત્ર વિનિતાની ઈચ્છા મૂજબ જ બનતી હતી છતાંય વિનિતા અકળાવા લાગી.
'રવિવારનું ભોજન તો હોટલમાં જ હોય.''- કાકાને ઘેર ત્રણ વર્ષ રહીને મજા માણી ચુકેલી વિનિતાનો અસંતોષ ધીમેધીમે વધતો ગયો.એવું નહોતું કે વિનિતા ઘરની રસોયણ બનીને રહી ગઈ હતી!દર્શન એને કેટલાક રવિવાર અને અન્ય તહેવારોના દિવસે ફરવા લઈ જ જતો હતો.ક્યારેક ચલચિત્ર જોવા તો ક્યારેક પર્યટન.અન્ય મનોરંજક સ્થળોએ પણ એ ફરવા લઈ જતો હતો.મહિને બે મહિને દર્શન એનાં માબાપને તિર્થાટન કે સંબંધીઓમાં મહેમાનગતિએ જરૂર મોકલતો.એ દરમિયાન બન્ને પતિપત્ની મોજમસ્તી કરતાં હતાં.બજારમાં ખરીદી પણ વિનિતાના શોખ મૂજબ દર્શન અચૂક કરાવતો હતો.'રવિવારના દિવસે હોટલનું જ જમણ.'વિનિતાના એ ઓરતા અધૂરા જરૂર રહેતા હતા પરંતુ દર્શન વિનિતાની પુરેપુરી કાળજી લેતો હતો.
જોકે દર્શન ઘેર હોય ત્યાં સુધી એનાં મા કે બાપુજી કોઈ કામમાં મદદ કરી શકતાં નહોતાં પરંતુ એ નોકરીએ જાય કે તરત જ જશીબેન વાસણ, પોતું,કચરો વગેરેમાં મદદ કરાવવા મંડી પડતાં.અમરતભાઈ પણ દરણું દળાવવા જવું, શાકભાજી, દુધ-છાશ વગેરે લાવવામાં મદદ કરતા.બપોરના સમયે વિનિતાના આરામમાં અમરતભાઈ કે જશીબેન ક્યારેય ખલેલ નહોતાં પહોંચાડતાં.જશીબેન તો સામેથી જ કહેતાં,'વહુ બેટા! આખો દિવસ કામ કામ ને કામ હોય છે,એટલે બપોરે તો પુરેપુરો આરામ જ કરો.'
પરંતુ આ તે નવી પેઢીના કેવા વિચારો?સાસુ સસરા એટલે વહુની સ્વંત્રતાનાં કટ્ટર દુશ્મન! ધીરેધીરે વિનિતાને સાસુ સસરાની હાજરી જ ખટકવા લાગી.દર્શનની ગેરહાજરીમાં વાતવાતમાં ધમપછાડા શરૂ થયા એ ધીરેધીરે દર્શનની હાજરીમાં પણ પ્રદર્શિત થવા લાગ્યા.એકમાત્ર દર્શન સાથેના પ્રેમમાં કોઈ ઓટ નહોતી આવી.
પત્નીના સતત તરછોડાથી દર્શનની ઉંઘ હરામ થઈ ગઈ.દિવસે નોકરીમાં કામનું ભારણ ને ઘેર આવતાં વગર વાંકે જીવનસાથીના તરછોડા!
‌. દર્શનની સમજાવટ પણ વિનિતા આગળ એળે જવા લાગી. આખરે સમજુએ જ સહન કરવું પડતું હોય છે.જશીબેન અને અમરતભાઈને બધું સમજાઈ ગયું.એમણે અંગત મસલત કરી લીધી.અમરતભાઈએ દર્શનને કહ્યું,"દીકરા દર્શન! એક વરસ થઈ ગયું.ગામની ખુબ જ યાદ આવે છે.થોડા દિવસ ગામડે આંટો મારી આવીએ."
દર્શન બધું સમજી ગયો.એણે આનાકાની ના કરી.બીજા જ દીવસે એણે મહિનો આરામથી ગૂજરાન થઈ શકે એટલા રૂપિયા આપીને માબાપને વતનની બસમાં બેસાડ્યાં.
એક દિવસ જવા દઈને દર્શન વિનિતા આગળ સવાર સવારમાંજ કરગરી પડ્યો.એણે ફરીથી વિનિતા આગળ પોતાની દારુણ ગરીબીનો ભૂતકાળ ખડો કર્યો પરંતુ આ તો સ્ત્રી હઠ! દર્શનની સમજાવટનાં બધાં જ હથિયાર હેઠાં પડ્યાં.અંતમાં દર્શને વિનિતાને પ્રેમથી કહ્યું,"વિનિતા! જા, તું થોડા દિવસ તારા પિયર જઈને થોડી હળવી થઈ આવ."
દર્શનની આ સીધી સાદી લાગણીભરી શીખામણ પણ વિનિતાને ઉલટી જ લાગી.જાણે પરત આવવાનું જ ના હોય તેમ એણે એના થેલા તૈયાર કર્યા અને દર્શનને કહ્યું,"ચાલો,મને બસમાં બેસાડવા આવો.દર્શનને એના સાસુ સસરાના સ્વાભાવની ખબર જ હતી.એણે કંઈ વધારે ના કહ્યું ને બસમાં બેસાડી આવ્યો.
‌. બિચ્ચારો દર્શન પોતાની વ્હાલસોયી પત્નીને દરરોજ ફોન પર રીંગ કરતો હતો પણ વિનિતા ઉપાડે તો ને!અઠવાડિયેય પાછી ના ફરેલ પત્નીને મનાવવા રવિવારના દિવસે દર્શન સાસરીમાં ગયો.ગમે તેવી દીકરી હોય પરંતુ એ માને તો ખુબ વ્હાલી જ હોય છે.વિનિતાએ એની મા આગળ 'આખો દિવસ કામ કામ ને કામ.મારું સ્થાન ઘરની નોકરાણી જેવું છે.'- સાસુ સસરા તો સળી ભાગીને બે કટકાય કરતાં નથી.' રોદણાં રડ્યાં હતાં.
સાસુએ હકીકત દર્શનને કહી સંભળાવી.માબાપ તો એના નોકરીએ ગયા પછી ઘણી જ મદદ કરાવતાં હતાં એ વાતથી અજાણ દર્શને સાસુને કહ્યું,"સાસુમા! હવેથી ઘરકામ માટે અમે લોકો કામવાળી રાખી લઈશું.વિનિતા ઉપર પછી કામનું ભારણ નહીં રહે."
જોકે,વિનિતા સાસુ જમાઈની ચર્ચા વચ્ચે ટપકી પડતાં બોલી,"બા! હું ખુબ થાકી ગઈ છું.મારે મહિના બે મહિના આરામ કરવો છે."
દીકરીની લાગણીનો મા આગળ વિજય થયો.દર્શન પણ કંઈ લાંબુ બોલ્યો નહીં.
દર્શન એ જ દિવસે સાંજે પરત આવ્યો, રાત્રે ઉંઘ તો શાની આવે? એ વિચારે ચડી ગયો,' મારો વાંક શું?મારા માવતરનો પણ કયો ગૂનો?
સમાજ એક રંગમંચ છે.માનવી એના પર નાટક કરતી એક કઠપૂતળી! એ કઠપૂતળી હોવા છતાંય આ તે એનું કેવું નાટક?એ કઠપૂતળીના આ જ છે પ્રેમસંબંધ? એ પ્રેમસંબંધમાં માબાપ, પરિવાર, સમાજનું કોઈ સ્થાન નહીં. શું એ પ્રેમસંબંધ પર માત્ર પતિપત્નીનો જ ઈજારો છે.તો પછી ભગવાને અન્ય સંબંધોનું સર્જન શા માટે કર્યું.'
દર્શન સમસમી ગયો.એણે મનોમન નક્કી કરી લીધું,'વિનિતાને હવે લેવા તો નથી જ જવું.'
પોતાની વાતને જ સાચી કરવા વિનિતા "આરામ" નામના ઉપવાસ પર ઉતરી ગઈ.બે ભાઈ,એક બહેન,માબાપ,એક ભાભી અને દાદા દાદીનો મોટો પરિવાર ધરાવતી વિનિતા ભાભી કરુણા ઉપર હૂકમો છોડવા લાગી.પચ્ચીસ વિઘાની ખેતી સાથે પશુપાલન ધરાવતો પરિવાર સતત વ્યસ્ત તો રહેતો જ હતો તેમાં આ વિનિતાનો આરામ! થાકીને લોથપોથ થઈ જતી ભાભી કરુણાને નણંદના હૂકમ ભાલાની અણીની જેમ કાળજે ભોંકાવા લાગ્યા. એમાંય વિનિતા એનાં ભણતાં બે ભાઈ બહેનને પણ નવરાશના સમયે પોતાની પાસે બેસાડી રાખતી હતી પછી ભાભીના મગજની કમાન ના છટકે તો બીજું થાય પણ શું? એય ગ્રેજ્યુએટ હતી ને સુખવાળું સાસરું શોધીને આવી હતી.જોકે કરુણાના મનમાં કંઈક બીજું પણ સળવળી રહ્યું હતું.
પંદર જ દિવસે કરુણાએ પિયરવાટ પકડી.વિનિતાના મોટાભાઈની ફોન પર સતત સમજાવટ છતાંય એ પાછી ના આવી.મહિના પછીય પાછી ના ફરતાં વિનિતાનાં માબાપ અને વિનિતા પોતે એને મનાવવા એને પિયર ગયાં. ત્યાં કરુણાની માએ સ્પષ્ટ ભાષામાં કહ્યું,"આ તે કોના ઘરનો ન્યાય? દીકરી પગ પર પગ ચડાવીને બેસી રહે અને વહુ ગુલામ! સાસુ સસરા કે પતિનો પડ્યો બોલ ઝીલવાની વહુની ફરજ છે એ તો સાચું છે પરંતુ તમારી આ દીકરી એ જ બહાને પાછી આવી છે એનું શું?"- વેવાણનાં વાક્યો સાંભળીને વિનિતાની મા સમસમી ગઈ.એ વેવાણને કોઈ પ્રત્યુત્તર ના આપી શક્યાં.એમણે વિનિતા બાજુ નજર કરી.જોકે વેવાણનાં વાક્યોથી વિનિતાના બાપુજીની આંખો લાલઘૂમ થઈ ગઈ.એમણે પણ વિનિતા બાજુ ત્રાંસી નજર કરી.પિતાજીની લાલઘૂમ આંખો જોઈને વિનિતા થથરી ગઈ.એક પળનોય વિલંબ કર્યા વગર એ એના પિતાજી સામે હાથ જોડીને વિનંતી કરતાં બોલી," મને માફ કરો બાપુજી! હું તમારા સિંચેલ સંસ્કારોને ભૂલી ગઈ હતી. હું એ પણ ભૂલી ગઈ કે,'દીકરી પારકી થાપણ છે.' એ તો એની સાસરીમાં જ શોભે." વળી પાછી એ કરુણાને ભેટી પડતાં બોલી,"ભાભી! તમે મારી આંખ ઉઘાડી દીધી છે.તમે મારા કુટુંબનો પડ્યો બોલ ઝીલતાં રહ્યાં છો એ હું જાણતી હોવા છતાંય હું મારી સાસરીમાં એ કેમ ના કરી શકી? અરે આ મૂરખીને પડ્યો બોલ પણ ક્યાં ઝીલવાનો હતો! મને તો મારાં સાસુ સસરા દીકરીની જેમ સાચવતાં હતાં તોય હું મારી સ્વતંત્રતા અને સ્વછંદતા માટે કરીને તેમને અન્યાય કરી બેઠી! હું કાલ સવારે જ જાતે પરત જઈશ ને મારાં સાસુ સસરાને વિનંતી કરીને તરત જ પાછાં બોલાવીશ."
વિનિતાનાં વાક્યો સાંભળીતાં જ કરુણાથી ડૂસકું નંખાઈ ગયું.એ ઝડપભેર એના સસરાના પગે પડીને પછી બોલી," બાપુજી! મને માફ કરો.આખો પરિવાર મારા પર હૂકમ છોડે તોય હું ઉંહકારો પણ ના કરું એવા સંસ્કાર અને મળેલ છે,ને એવા જ સંસ્કાર મારા સાસરિયાંના પણ છે પરંતુ એ સંસ્કારનું ભાથું લઈને ગયેલ મારાં નણંદબા એમના સાસરી પક્ષને અન્યાય કરી બેસે એ મારાથી ના ખમાયું.મેં રિસાઈને આવવાનું માત્ર નાટક જ કર્યું છે.મને આનંદ છે કે, શહેરના રંગોથી અભિભૂત થયેલ નણંદને હું સાચે રસ્તે લાવી શકી છું.
ખરેખર તો શહેરોમાં ગામડા કરતાંય વધારે સંસ્કાર સિંચન માટેનાં ધાર્મિક પ્રવચનો અને કાર્યક્રમો યોજાય છે પરંતુ વિશાળ બંધ મકાનોમાં એરક્ન્ડિશનર ઓરડાઓમાં કેદ થયેલ ઘણા માનવીઓને એમાં ભાગ લેવાની ક્યારેય નવરાશ હોતી નથી. એમને તો માત્ર 'એકલા એકલા રહીને કરવાનાં મોજશોખ એટલે જીંદગી.'- આવું મગજમાં ભૂસું ભરાઈ ગયેલ હોય છે.અને એ ભુંસાના છાંટા મારી નણંદ ઉપર કોણ જાણે ક્યાથી ઉડ્યા? આજે હું બહુ ખુશ છું કે વિનિતાબેનને સાચી સમજ કેળવાઈ છે."
વિનિતા સૌની માફી માંગીને થોડીવાર પછી કરુણાભાભીની મા સાથે વાતે વળગી હતી તો કરુણા પોતાનાં કપડાં થેલામાં ભરતાં ભરતાં દર્શન સાથે ફોન પર વાતો કરી રહી હતી,જે કંઈક આવી હતી,' દર્શનકુમાર અમારાં ઘડીભર રસ્તો ભૂલેલ નણંદ હવે મૂળ રસ્તે આવી ગયાં છે.ગઈ ગૂજરી ભૂલીને એમને માફ કરી દેજો.તમારા જેવા સમજુ જમાઈ માટે કરીને મારેય થોડા દિવસ જીંદગીના રંગમંચ પર નાટક ભજવવું પડ્યું અને એમાં હું સફળ રહી.કાલ સવારે જ એ ત્યાં આવવા નિકળી જશે.વધારે તો હું નહીં કહું કારણ કે, તમારાં ધર્મપત્નીના મોંઢેથી બધું સાંભળશો તો એનો આનંદ કંઇક ઓર જ રહેશે...ફોન મુકું છું.જય શ્રી કૃષ્ણ દર્શનકુમાર."
એ આખી રાત દર્શન ઉંઘી ના શક્યો.બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યે તો વિનિતા દર્શન સામે હાજર થઈને ધુ્સકે ધ્રુસકે રડી પડી.દર્શન ચૂપચાપ બેસી જ રહ્યો.કરુણાના ફોન પછી દર્શન તાળો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો એ તાળો થોડો મળતો તો દેખાયો પરંતુ શું હકીકત બની એ હજી સમજી નહોતો શક્યો.એને સાચી હકીકત વિનિતા પાસેથી સાંભળવી હતી.
વિનિતાએ થોડીવાર રડી લઈને પછી ઝડપભેર આંસુ લુંછી નાખતાં એ બોલી,"દર્શન! વિનયભાઈને ફોન કરીને મા બાપુજીને ફોન પર બોલાવો."
દર્શને યંત્રવત્ પોતાના પિતરાઈ ભાઈ વિનયને ફોન જોડીને એના બાપુજીને ફોન પર બોલાવ્યા એ સાથે જ વિનિતાએ ફોન આંચકી લીધો.એ રડમશ અવાજે ફોન પર બોલી રહી હતી, "બાપુજી! મને માફ કરો.મારા હજારો ગુનાઓ બદલ હું દિલથી માફી માંગુ છું.તમે અને મા અબઘડી અહીં આવી જાઓ.તમે નહીં આવો ત્યાં સુધી હું અન્નનો દાણો પણ મોંઢામાં નહીં મૂકું." કહીને એણે ફોન દર્શનના હાથમાં થમાવી દીધો.
"શું વાત છે દર્શન?"- બાપુજીના પ્રશ્નના ઉત્તરમાં દર્શન એટલું જ બોલી શક્યો,"તમારી પુત્રવધૂનો નિર્મળ પ્રેમ બાપુજી!"
જોકે ફોન મુકાયા પછી વિનિતા પાસેથી બધી હકીકત સાંભળીને દર્શન ટગર ટગર એને જોઈ જ રહ્યો.એને વિનિતામાં અત્યારે નિર્મળ પ્રેમની ધારા વહેતી દેખાઈ રહી હતી ને એમાં એ ભાવવિભોર બનીને પલળી રહ્યો હતો.એનાથી ક્યારે એના કાર્યાલયના ઉપરી સાહેબને ફોન જોડાઈ ગયો ને ક્યારે આજની આકસ્મિક રજાનું કહેવાઈ ગયું એય એને ભાન ના રહ્યું.કેટલીય રાતોના ઉજાગરાનો જાણે અંત લાવવાનો હોય એમ એ વિનિતાના ખોળામાં લપાઈ ગયો.
બન્ને પતિપત્નીને પાણી પીવાનુંય ભાન ના રહ્યું.સ્ત્રી હઠના કાળા નકાબમાં છુપાયેલ એક સાચી ભારતિય નારીના પ્રતિબિંબનું અત્યારે દર્શન એના હ્રદય પર દર્શન કરી રહ્યો હતો અને એના પર વિનિતા એના પ્રેમાશ્રુનો અભિષેક કરી રહી હતી.