Sapnana Vavetar - 53 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 53

Featured Books
Categories
Share

સપનાનાં વાવેતર - 53

સપનાનાં વાવેતર પ્રકરણ 53

અનિકેત હોસ્પિટલમાં રણવીરને મળીને એને નોર્મલ કરીને ગ્રાન્ડ ઠાકર હોટલમાં આવી ગયો. જમીને એણે શ્રુતિ સાથે વાત કરી. હવે સાંજે તો શ્રુતિના ઘરે જવું જ પડશે !

રાત્રે લગભગ સવા આઠ વાગે શ્રુતિ એના રૂમમાં દાખલ થઈ અને સામે બેઠી.

"વેલકમ શ્રુતિ. હોટલનો આટલો સુંદર રૂમ છે. સરસ મજાની એસીની ઠંડક છે. નરમ નરમ બેડ છે. હું તું અને આ એકાંત ! આવા નશીલા વાતાવરણમાં મારું મન ચંચળ બન્યું છે. બોલ છે કોઈ ઈચ્છા બાલિકે ? " અનિકેત શરારતી અંદાજમાં બોલ્યો.

" નશામાંથી બહાર આવી જાઓ સ્વામી. આ સાસરું નથી મારું પિયર છે. બાલિકાની ઈચ્છા તમને ઘરે લઈ જવાની છે. ઘરે પહોંચતાં સાડા આઠ વાગી જશે. ઊઠો. " કહીને શ્રુતિ પોતે જ ઊભી થઈ ગઈ.

અનિકેત પણ હસતો હસતો ઊભો થયો અને શ્રુતિની પાછળ ને પાછળ બહાર આવ્યો અને રૂમને લૉક કર્યો.

ઘરે પહોંચ્યા ત્યારે ખરેખર સાડા આઠ વાગી ગયા હતા. અનિકેતે વિચાર્યું હતું એમ મનોજભાઈએ સીધા ડાઈનિંગ ટેબલ ઉપર જવાનું જ સૂચન કર્યું.

શ્રુતિના સૂચનથી આજે જમવાનું સાદું જ બનાવ્યું હતું. ભાખરી, ફ્લાવર બટેટાનું શાક, ખીચડી અને છાશ ! સવારે ગ્રાન્ડ ઠાકરમાં ભારે જમણ જમ્યો હતો એટલે અત્યારે હળવા ભોજનથી એને મજા આવી ગઈ.

જમ્યા પછી દસેક મિનિટ બેસીને એ ઉભો થયો.

" ચાલો હવે હું જાઉં. કાલે સારું મુહૂર્ત છે એટલે સવારે છ વાગ્યે શ્રુતિને ગ્રાન્ડ ઠાકર હોટલ મોકલી દેજો. ત્યાંથી એ જ ગાડીમાં અમે એરપોર્ટ જવા નીકળી જઈશું. " અનિકેત બોલ્યો.

એ પછી રાત્રે લગભગ સાડા નવ વાગે રઘુ અનિકેતને ગ્રાન્ડ ઠાકર હોટલ મૂકી આવ્યો. રાત્રે જ એણે કાઉન્ટર ઉપર બધો હિસાબ ચૂકવી દીધો તેથી વહેલી સવારે ટાઈમ ના બગડે.

બીજા દિવસે એકાદશીના પવિત્ર દિવસે સવારે સાડા સાત વાગ્યાના ફ્લાઈટમાં અનિકેત અને શ્રુતિ મુંબઈ જવા માટે નીકળી ગયાં.

મુંબઈ આવ્યાને એકાદ અઠવાડિયું થયું ત્યાં એક ઘટના બની. શ્રુતિના શોરૂમમાં સોના દાસગુપ્તા નામની એક સેલ્સ ગર્લ જોબ કરતી હતી.

સોના મધ્યમ વર્ગની બંગાળી છોકરી હતી પરંતુ એના માથે જવાબદારીઓ ઘણી હતી. એનો નાનો ભાઈ મેડિકલ લાઈનમાં ભણતો હતો. એના પિતા બિમાર રહેતા હતા. આ બધી જ જવાબદારીઓ એ પોતે એકલી સંભાળતી હતી એટલે શ્રુતિના ત્યાં સારો પગાર મળતો હોવા છતાં પણ પૈસાની ઘરમાં હંમેશાં તૂટ રહેતી.

પોતે ખૂબ જ સૌંદર્યવાન હતી અને પોતાના આ રૂપને ક્યારેક ક્યારેક એ કેશ કરી લેતી હતી. આમ તો એનું ચારિત્ર ખરાબ ન હતું. પરંતુ સારી એવી રકમ કદાચ કોઈ મોટી પાર્ટી પાસેથી મળતી હોય તો એને હોટલમાં મળવા એ જતી.

એક દિવસ એક પંજાબી યુવાનની અચાનક એની સાથે મુલાકાત થઈ. સોનાની જ કોઈ ફ્રેન્ડે એણે એનો મોબાઈલ નંબર આપ્યો. સોના મીરા રોડ રહેતી હતી.

ફોન ઉપર સમય નક્કી કર્યા પછી વસઈની કોઈ હોટલમાં રાત્રે મળવાનું નક્કી થયું. આ હોટલમાં એ યુવાનનું લગભગ કાયમી સેટીંગ હતું. રાત્રે ૧૦ વાગે સોના આપેલા રૂમ નંબરમાં પહોંચી ગઈ. પેલો યુવાન એને મળ્યો. એ પણ દેખાવડો અને હેન્ડસમ હતો. એણે નવા બંડલમાંથી સોનાને ૨૫૦૦૦ રોકડા એ જ વખતે એડવાન્સ આપી દીધા. બાકીના ૨૫૦૦૦ સવારે આપવાનું પ્રોમિસ આપ્યું.

" દેખો સોના. મૈં તુમકો લાઈક કરતા હું. તુમ બેહદ ખૂબસૂરત હો. તુમ બુરા મત માનના લેકિન ડ્રગ્સકા મેરા બડા કારોબાર હૈ. અગર તુમ મેરા સાથ દેતી હો તો માલામાલ હો જાઓગી. જિંદગીભર ઐશ કરોગી. તુમકો કુછ કરના નહી હૈ. બસ મૈં જો પેકેટ તુમકો દે દુ વો તુમકો રોજ કહીં ના કહીં પહોંચાના હોગા ઔર બદલેમેં તુમ્હારી લાઈફ મૈં બના દુંગા. " પેલો યુવાન બોલ્યો. એનું નામ સોહન હતું.

" નહીં નહીં. મુઝે ડ્રગ્સકે ધંધેમેં નહીં પડના હૈ. અપને કામસે મતલબ રખ્ખો. મૈં અચ્છે ઘરકી લડકી હું. તુમ્હારે પાસ આના મેરી મજબૂરી હૈ. યે મેરા પેશા નહીં હૈ, ના મૈં કૉલ ગર્લ હું. " સોના થોડી નારાજ થઈને બોલી.

એ યુવાન પછી કંઈ બોલ્યો નહીં. એ સમજી ગયો કે અહીં દાળ ગળે એવી નથી. રાત્રે લગભગ દોઢ બે વાગ્યા સુધી એ લોકોએ યુવાનીની મસ્તી માણી અને પછી બંને જણાં સૂઈ ગયાં.

વહેલી સવારે છ વાગે રિસેપ્શન ઉપરથી સોહનના મોબાઈલ ઉપર ફોન આવ્યો.

" સરજી પોલીસકી રેડ પડી હૈ. અબ બાહર નિકલ નહીં પાઓગે લેકિન અપને આપકો સંભાલ લેના. " રિસેપ્શનિસ્ટ બોલ્યો.

" થૅન્ક યુ જૉન. " સોહન બોલ્યો અને એ ઉભો થયો. એણે ફટાફટ પોતાની પાસે રાખેલું ડ્રગ્સનું પેકેટ સોનાની પર્સમાં સરકાવી દીધું અને સૂઈ જવાનો ડોળ કર્યો.

દસ જ મિનિટમાં દરવાજો ખખડ્યો. જાણે ઊંઘમાંથી ઉઠ્યો હોય એમ સોહન દરવાજો ખોલવા માટે ગયો. ઘણી વખત આ હોટલમાં એ આવતો હોવાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને ઓળખતો હતો. પહેલાં પણ એણે સોહનનો તોડ કર્યો હતો.

સોના માટે આ અનુભવ નવો હતો. દરવાજો ખખડવાનો અવાજ સાંભળીને એ પણ જાગી ગઈ હતી અને પોલીસને જોઈને એ હક્કા બકકા થઈ ગઈ હતી.

" ચલા ચલા... દોનોંકો પોલીસ ચોકી ચલના પડેગા. " પેલો ઇન્સ્પેક્ટર બોલ્યો.

" અરે ભાઈ સમઝા કરો ના. કહાં હમ દોનોં કો પોલીસ ચોકી લે જા રહે હો ? અચ્છે ઘરકી લડકી હૈ બેચારી બદનામ હો જાયેગી. " સોહન બોલ્યો.

" ચલો દોનોંકી તલાશી લે લો. આજ કલ ડ્રગ્સ સરદર્દ બન ગયા હૈ. કિસીકા ભી ભરોસા નહીં કિયા જા સકતા. " પેલા ઇન્સ્પેક્ટરે એના બંને કોન્સ્ટેબલને તલાશી લેવાનું કહ્યું.

સોહનની બેગ ખોલવામાં આવી. એમાંથી ત્રણ લાખની નોટોનાં બંડલો અને ૨૫૦૦૦ નું એક છુટ્ટું પેકેટ હતું. એ સિવાય બીજું કંઈ ખાસ હતું નહીં.

એ પછી એક કોન્સ્ટેબલે સોનાનું પર્સ ખોલ્યું તો એમાંથી ડ્રગ્સનું મોટું પેકેટ અને ૨૫૦૦૦ રોકડા નીકળ્યા.

" યે ક્યા હૈ ? ઈતના સારા ડ્રગ્સ ઈસ લડકીકી પર્સ મેં ? અરે મૈં તો સોચ ભી નહીં સકતા. આજ તો લોટરી હી લગ ગઈ ગાવલે. " પેલો સબ ઇન્સ્પેક્ટર ડ્રગ્સ જોઈને ખુશ ખુશ થઈ ગયો.

" અરે તુ ડ્રગ્સકા ધંધા કરતી હે સોના ? ઈસી લિયે રાતકો મુજે ડ્રગ્સ બેચને કી બાત કર રહી થી ? અબ મૈં સમઝા. દીખને મેં તો એકદમ સીધીસાદી ઓર ભોલીભાલી લગતી હો ઔર ડ્રગ્સકા કારોબાર કરતી હો ?" સોહન એ રીતે ગુસ્સે થઈને સોનાને બોલવા લાગ્યો જાણે કે પોતે નિર્દોષ હોય !

સોનાની હાલત તો કાપો તો લોહી પણ ના નીકળે એવી ફિક્કી થઈ ગઈ. એને તો બિચારીને જેલના સળિયા જ દેખાયા. પિતાની બિમાર હાલત અને ભાઈની ભણવા માટેની ફી માટે પોતે એક જ કમાનાર હતી. શું બોલવું એ જ એને ખબર પડતી ન હતી. અને પોતાની જ પર્સમાંથી ડ્રગ્સ પકડાયું હતું.

પોલીસ એ બંનેને પોલીસવાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. બંનેને લોકઅપમાં પૂરી દીધાં. બંનેના મોબાઈલ પણ જપ્ત કર્યા. દસ વાગ્યા પછી મોટા સાહેબ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર આવે ત્યાં સુધીમાં બંનેનાં સ્ટેટમેન્ટ લઈ લીધાં.

બરાબર સાડા દસ વાગે પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન આવી ગયો એટલે સબ ઇન્સ્પેક્ટરે મોટા સાહેબને બધો ફીડબેક આપ્યો અને જે ફાઈલ બનાવી હતી એ એમની આગળ મૂકી.

ઇન્સ્પેક્ટર સાહેબે બંનેને પોતાની સામે બોલાવ્યાં અને કડક પૂછપરછ કરી.

"દેખો ડ્રગ્સ તો તેરી પર્સમેં સે પકડા ગયા હૈ ઈસી લિયે કેસ તો બનતા હી હૈ. તુમકો કોર્ટમેં તો લે જાના પડેગા. મીનીમમ છહ મહિનેકી સજા તો હોગી હી હોગી. અબ મુજે અપને સારે રેકેટ કે બારેમે બતા દે. માલ કૌન દેતા હૈ ઔર કિસકો તુમ બેચતી હો. પૂરા લીસ્ટ મુજે દે દો. " પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યો.

"સર મૈં નિર્દોષ હું. ઈસ આદમીને મુજે ફસાયા હૈ. મુઝે પૈસો કી જરૂરત થી તો ઉસકે સાથ હોટલ ગઈ થી. ઔર પતા નહીં રાતમેં કબ ઉસને ડ્રગ્સ મેરી પર્સમેં રખ દિયા. મૈં સચ બોલ રહી હું. વો ખુદ મુઝે ડ્રગ્સકા ધંધા કરને બોલ રહા થા. " બોલતાં બોલતાં સોના રડી પડી.

"સર યે લડકી ડ્રામા કર રહી હૈ. ઉસકી બાતોં મેં મત આઓ. જબ ઉસને રાત કો મુજે ડ્રગ્સકી બાત કી થી તબ હી મુઝે સમઝ જાના ચાહિયે થા. " સોહન બોલ્યો.

" અરે રોહિણી... યે લડકીસે જરા ઉગલવાઓ. " ઇન્સ્પેક્ટરે એની લેડી કોન્સ્ટેબલને ઓર્ડર કર્યો.

કોન્સ્ટેબલ રોહિણીએ સોનાને ગાલ ઉપર બે જોરદાર તમાચા ઠોકી દીધા. સોના રાડ પાડી ગઈ. આવો માર એણે જિંદગીમાં કદી પણ ખાધો ન હતો. એની આંખે તમ્મર આવી ગયા. એ ખૂબ રડી. અજાણ્યા યુવાન સાથે આ રીતે રાત્રે હોટલમાં આવવા માટે એને ખૂબ જ પસ્તાવો થયો. પોતે નિર્દોષ હોવા છતાં ખૂબ ખરાબ રીતે દંડાઈ રહી હતી !

"સર મૈં સચ મેં ડ્રગ્સકે બારેમેં કુછ ભી નહી જાનતી. મૈં બાંદ્રામેં લેડીઝ ડ્રેસીઝ કે એક બડે શો રૂમ મેં સેલ્સ ગર્લ હું. આપ હમારી શ્રુતિ મેડમસે બાત કરકે મેરે બારેમેં ઇન્કવાયરી કર સકતે હૈં. મેરા ભાઈ ડોક્ટરીકા પઢ રહા હૈ. મેરે પાપા બિમાર હૈં. કુછ પૈસોં કે લિયે મૈં ઐસે લોગોં કે સાથ કભી કભી જાતી હું. ડ્રગ્સ સે મેરા કોઈ વાસ્તા નહીં હૈ. મૈં મેરે બીમાર પાપાકી કસમ ખાતી હું સર. ઉસને રાતકો જો મુઝે પચીસ હજાર દિયે થે વો ભી મેરી પર્સ મેં હૈં. " થોડીવાર પછી સ્વસ્થ થઈને સોના બોલી.

પોલીસ ઇન્સ્પેક્ટરે સોનાનું પર્સ એના હાથમાં લીધું અને એમાંથી ૨૫૦૦૦ નું રબ્બરની બે રીંગો ભરાવેલું બંડલ બહાર કાઢ્યું. તમામ નવી નોટો એક જ સિરીઝની હતી. ઇન્સ્પેક્ટરને એક વિચાર આવ્યો અને એણે સોહનની બેગ પણ ખોલી. એ જ સિરીઝની બીજી પચાસ નોટો સોહન પાસે પણ હતી.

એનો મતલબ એ હતો કે આ છોકરી સાચું બોલતી હતી. સોહને જ એને રાત્રે ૨૫૦૦૦ આપ્યા હોવા જોઈએ. ઇન્સ્પેક્ટરે દુનિયા જોયેલી હતી અને આવા તો ઘણા કેસ એની પાસે આવતા હતા. એ વ્યક્તિને જોઈને ઘણીવાર ઓળખી જતો હતો.

" અબ તુમ તો ગયા. મૈં તેરા સારા ખેલ સમજ ગયા. તુ હી ઉસકો ફસાના ચાહતા હૈ. ડ્રગ્સ કા ધંધા તુ હી કરતા હૈ. મૈં તેરે નામ સે હી એફઆરઆઈ કરતા હું. કોર્ટ મેં જો ભી ફૈસલા હોગા. મૈં અબ કુછ સુનને વાલા નહીં હું. ઔર તેરે યે તીન લાખ પચીસ હજાર ભૂલ જા.... અરે ગાવલે કોર્ટ કે લિયે કેસ પેપર તૈયાર કર. " પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યો.

" ઔર સુન લડકી. તેરે યે ૨૫૦૦૦ વાપસ નહીં મિલેંગે. મૈં તુમકો છોડ રહા હું લેકિન ઐસે નહીં છોડુંગા. ઔર તીન લાખ તુમકો મુઝે કલ શામ તક દેને પડેંગે. તો હી તેરા નામ કટ જાયેગા વરના કમ સે કમ છહ મહિનેકી જેલ લગેગી. તેરા પૂરા પતા મુઝે ચાહિયે. પોલીસ તેરે સાથ આયેગી ઔર તેરા ઘર દેખેગી. " ઇન્સ્પેક્ટર બોલ્યો.

પોલીસ સ્ટેશનમાંથી છુટકારો મળી રહ્યો હતો એટલે સોનાને થોડી રાહત તો થઈ પરંતુ ત્રણ લાખ બહુ જ મોટી રકમ એના માટે હતી !

એ પછી સોનાને એનો મોબાઈલ પાછો મળ્યો અને પોલીસવાનમાં જ પોલીસ એને એના ઘર સુધી મૂકી આવી અને નીચેથી જ એનું ઘર જોઈ લીધું. એનો ફ્લેટ નંબર પણ નોંધી લીધો.

સોના ઘરે તો આવી ગઈ. બંને ગાલ લાલચોળ થઈ ગયા હતા. હજુ પણ કાનમાં દુઃખતું હતું. ઘરે આવીને એણે નાહી લીધું અને જમ્યા વગર જ એ શો રૂમ જવા માટે નીકળી ગઈ.

" મેડમ મને અર્જન્ટ ત્રણ લાખ રૂપિયા ની જરૂર છે. મને મોડામાં મોડા કાલ સવારે જોઈએ. પ્લીઝ. તમે મારા પગારમાંથી દર મહિને કાપી લેજો." સોના દાસગુપ્તા શ્રુતિને રિક્વેસ્ટ કરી રહી હતી.

" અરે પણ આટલી મોટી રકમની તારે શું જરૂર પડી ? અને આટલી મોટી રકમ એડવાન્સ પેટે હું ન આપી શકું. બહુ બહુ તો એક લાખ આપી શકું. " શ્રુતિ બોલી.

સોનાને સમજાતું ન હતું કે શ્રુતિ મેડમને કઈ રીતે સમજાવવું અને શું કારણ આપવું ?

" પ્લીઝ મેડમ હું બે હાથ જોડું છું તમે મને એક પણ સવાલ ના પૂછશો. અત્યારે તમે મને ત્રણ લાખ કરી આપો. એવું હોય તો હું બીજે ગમે ત્યાંથી ઊંચા વ્યાજે લઈને પણ તમને એક જ મહિનામાં રિટર્ન કરી દઈશ. પણ આવતી કાલે સવારે મને આપો." સોના બોલી. એનો અવાજ થોડો ભારે થઈ ગયો.

શ્રુતિને લાગ્યું કે કોઈની પર્સનલ બાબતોમાં મારે પડવું નથી. સોનાને કોઈ ભારે જરૂરિયાત લાગે છે. છેવટે એ ત્રણ લાખ આપવા માટે તૈયાર થઈ ગઈ અને બીજા દિવસે બપોરે એણે ત્રણ લાખ રૂપિયા એને કેશ આપી દીધા.

સોના સાંજે ચાર વાગે શો રૂમમાંથી થોડી વહેલી નીકળી ગઈ અને પોલીસ સ્ટેશને જઈ ઇન્સ્પેક્ટરના હાથમાં ત્રણ લાખનું પેકેટ આપી દીધું.

" યે કામ તો તુમને અચ્છા કર દિયા લેકિન ડ્રગ્સકા મામલા હૈ ઔર બડે સાહબકો ભી આજ સુબહ પતા ચલ ગયા હૈ. ઉનકો ભી દો લાખ ઔર દેને પડેંગે તભી તુમ્હારી ફાઈલ બંધ હોગી. અબ મેરે હાથ મેં કુછ નહી હૈ. કલ શામ તક કા વક્ત દેતા હું. દો લાખ દે જાઓ ઔર ઐશ કરો. " ઇન્સ્પેક્ટર ખંધુ હસ્યો.

હવે !!! સોના માટે તો ફરી પાછી નવી મુસીબત ઊભી થઈ ગઈ. શ્રુતિ મેડમને ગમે તેમ સમજાવીને ત્રણ લાખ તો ઉછીના લીધા પરંતુ હવે ક્યાંયથી એક રૂપિયો પણ મળે એમ ન હતો.

બીજા દિવસે સવારે ફરીથી એ શો રૂમમાં જોબ માટે ગઈ પરંતુ આજે એનું ધ્યાન વેચાણમાં બિલકુલ ન હતું. વારંવાર એ ખોવાઈ જતી હતી. બે થી ત્રણ વાર શ્રુતિએ એને કસ્ટમર ઉપર ધ્યાન આપવાનું સૂચન કર્યું પરંતુ એ ભયંકર ટેન્શનમાં આવી ગઈ હોવાથી વારંવાર ભૂલો કરતી હતી.

"અરે સોના તારું ધ્યાન ક્યાં છે ? કસ્ટમર કયો ડ્રેસ માંગે છે અને તું કયો બતાવે છે ? તારી તબિયત તો બરાબર છે ને ? " શ્રુતિ બોલી.

" સોરી મેડમ. " સોના બોલી અને એણે કસ્ટમરમાં ધ્યાન પરોવ્યું.

કસ્ટમર ગયા પછી બપોરના લગભગ એક વાગે જમવાના ટાઈમે એણે ફરી શ્રુતિ મેડમને વિનંતી કરી.

" મેડમ મને તત્કાલ બીજા બે લાખ રૂપિયા જોઈએ. પ્લીઝ મેડમ આ લાસ્ટ વાર આટલી મદદ કરો. હું મારી જાત વેચીને પણ પાછા આપી દઈશ. " બોલતાં બોલતાં સોનાની આંખો ભીની થઈ ગઈ.

" અરે પણ તને કાલે બપોરે જ ત્રણ લાખ આપ્યા છે. હજુ બીજા બે લાખ તું માગી રહી છે. આટલી મોટી રકમની તને શું કામ જરૂર પડી ? અને તું કઈ રીતે મને પાછા આપવાની છે ? કોણ તને આટલા પૈસા એક મહિનામાં આપશે ?" શ્રુતિ બોલી.

" મને કંઈ જ ખબર નથી મેડમ. જો મને આ બે લાખ રૂપિયા નહીં મળે તો ખરેખર મારે આત્મહત્યા કરવી પડશે. હું તમને કંઈ જ કહી શકતી નથી. આજે પ્લીઝ છેલ્લી વાર મને મદદ કરો." સોના બોલી.

" હું તને મદદ ચોક્કસ કરીશ પરંતુ આ રીતે તો નહીં જ. તારે મને બધી જ વાત વિગતવાર સાચે સાચી કહી દેવી પડશે. પછી એ વાત ગમે તેવી પર્સનલ હોય. પાંચ લાખ રૂપિયા એ નાની રકમ નથી અને મને ખબર છે કે તું એ પાછા આપી નહીં શકે. તું જો ખરેખર મુસીબતમાં હોઈશ તો હું તને મદદ કરીશ. " શ્રુતિ બોલી.

સોના માટે હવે બીજો કોઈ જ રસ્તો ન હતો. એને ખ્યાલ આવી ગયો કે સાચી વાત જાણ્યા વગર હવે શ્રુતિ મેડમ એક પણ રૂપિયો નહીં આપે. અને જો એ પૈસા નહીં આપે તો પોલીસ ઘરે આવીને બેસી જશે, ડ્રગ્સના કેસમાં ઇન્સ્પેક્ટર મારું નામ પણ લખી દેશે અને ઈજ્જતના ફાલુદા થશે.

એણે લગભગ રડતાં રડતાં શ્રુતિ મેડમ ને બધી જ વાત વિગતવાર કહી. એટલું જ નહીં ક્યારેક ક્યારેક પોતે આ રીતે પૈસા માટે થઈને કોઈની સાથે હોટલમાં જતી એ પણ કબુલ કરી લીધું.

શ્રુતિએ એની બધી વાત ધ્યાનથી સાંભળી અને એણે તરત જ અનિકેતને ફોન જોડ્યો.

" અનિકેત મારી ઓફિસમાં જોબ કરતી મારી આસિસ્ટન્ટ સોનાને આજે સાંજે ઘરે લઈને આવું છું. તમે એની પાસેથી આખો કેસ વિગતવાર સાંભળી લો. પોલીસે એને એક ખોટા કેસમાં ફસાવી દીધી છે. આપણે એને બચાવવી છે. " શ્રુતિ બોલી અને એણે ફોન કટ કર્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)