છપ્પર પગી ( પ્રકરણ -૬૪ )
———————————
હવે, હોસ્પીટલનો પહેલો ફેઝનું મોટેભાગે બધુ જ બાંધકામ તો લગભગ પુરૂ થવા આવ્યું હતુ એટલે બાકીનું બધું સેટઅપ માટે ડોક્ટર્સ ટીમે અન્ય તૈયારીઓ જોડે જોડે શરૂ કરી દેવાનું આયોજન ગોઠવી નાખ્યું અને એ દિશામાં પણ કામગીરી ચાલુ કરી દેવી એવુ નક્કી કરી અને કોન્ફરન્સ મિટીંગ પુરી કરી.
બન્ને સ્કૂલ્સ અને હોસ્પીટલનુ કામ બનતી ત્વરાથી વેગવંતુ છે, એટલે બધા જ સંલગ્ન લોકો પુરા આશ્વસ્થ છે. પરંતુ જીવનમાં બધુ જ બરોબર ચાલતુ રહેતુ હોય તેવુ ભાગ્યે જ બનતું હોય ને..! પલ ના જન્મ પછી તો લક્ષ્મી અને પ્રવિણને ખાસ કોઈ જ તકલીફનો સામનો કરવો પડ્યો ન હતો.
આજે એ દિવસ હતો જેની કદાચ કોઈએ કલ્પના પણ કરી ન હતી. આજે સા્જે પાંચ વાગે પ્રવિણની દિલ્હી ખાકે ઈન્ડીયન એક્સપોર્ટર્સ ગ્રુપની મિટીંગ હતી. એ મિટીંગમા પ્રવિણને એક મોટી જવાબદારી સોંપવાની હતી તેવુ પણ નક્કી હતું. પહેલા ટેલિફોનિક ટોક પર તો સેક્રેટરી તરીકે પ્રવિણ ભારતીયનુ નામ સર્વ સ્વીકૃત હતું જ પરંતુ પ્રવિણ હવે નિવૃત્ત થવાના ઈરાદે હતો એટલે સ્પષ્ટ ના કહી હતી, તેમ છતાં વર્તમાન કમિટી ઈચ્છતી હતી કે દેશનું આગળ પડતું નામ ‘પ્રવિણ ભારતીય’ની સેવાઓની જરૂર છે તો એક ટર્મ માટે પણ હા કહે.. પણ ખૂબ આગ્રહ હોવા છતાં પ્રવિણની સક્રિય જવાબદારી માટે ના હોવાથી છેવટે એડવાઈઝરી બોર્ડના અધ્યક્ષ પદે એક ટર્મ માટે અનુમતિ આપવી પડી એટલે પ્રવિણને દિલ્હી પહોંચવાનું હતું.
આગલા દિવસે રાત્રે લક્ષ્મીએ પ્રવિણને ખાસ આગ્રહ કર્યો હતો કે તે આ મિટીંગ એટેન્ડ કરવા ન જાય પરંતુ પ્રોટોકોલ મુજબ જવું પડે જ અને ઈન પર્સન સાઈન કરી મિટીંગમાં ઠરાવ અને મિનટ્સ બુકમાં સહી કરવી જરુરી હોવાથી પ્રવિણે કહ્યુ હતું કે જવુ જરૂરી છે જ એટલે અનિચ્છા હોવાં છતાં લક્ષ્મીએ અનુમતિ આપવી પડી.
મુંબઈથી ત્રણ ડેલિગેટ્સને જવાનું હતું એટલે એ લોકોએ શાંતાક્રુઝ એરપોર્ટ પર સવારે દસ વાગે મળવાનું નક્કી કર્યું હતું. સાડા દસ વાગે એક ચાર્ટર્ડ પ્લેન આ ત્રણેય બિઝનેશમેનને લઈ ઉપડવાનું હતું જે આગળ જયપુર લંચ કરીને ત્યાંથી બપોરે બે વાગે, બીજા બે રાજસ્થાનના ડેલિગેટ્સને લઈ દિલ્હી જવાનું હતુ એવો પ્લાન ગોઠવાયેલ હતો. દિલ્હી ત્રણ વાગે એરપોર્ટ પરથી ડેલિગેટ્સ માટે પર્સનલ કાર લેવા આવે અને પછી હોટેલ પર પહોંચી ફ્રેશ થઈ સાડાચાર વાગે મિટીંગ પોઈન્ટ પર પહોંચવાનું બધુ જ આયોજન ગોઠવાયેલ હતું.
લક્ષ્મીએ ડ્રાઈવર ભરતભાઈને બોલાવવાની ના પાડી હતી અને પ્રવિણને કહ્યુ હતુ કે એ પોતે જ એરપોર્ટ પર મુકવા આવશે એટલે હવે સાડા આઠ વાગ્યા હોવાથી ઘરેથી નિકળી જવું પડે તેમ હતું. પ્રવિણતો સવારની પૂજા કરી તૈયાર હતો પણ લક્ષ્મી હજુ બહાર ન આવી એટલે પ્રવિણ જોવા માટે ગયો કે એકદમ સમયની પાક્કી લક્ષ્મી દસ મિનિટ પહેલાં તૈયાર હોય જ , આજે કેમ નિરુત્સાહી છે..! એટલે એમણે અવાજ કર્યો … ‘લક્ષ્મીજી ક્યાં ખોવાઈ ગયા..?’ પણ સામે પ્રત્યુત્તર ન મળ્યો એટલે પ્રવિણ ઘરમાં જોવા ગયો.. બેડરૂમમાં ન હતી, કિચનમાં પણ નહી, પલ ની જોડે પણ ન હતી.. એટલે મંદીર જ એકમાત્ર જગ્યા હતી અને લક્ષ્મી ત્યાં જ હતી.
એકદમ ધ્યાનસ્થ લક્ષ્મીના ખભે પ્રવિણે હાથ મુકી કહ્યુ, ‘ચાલો… નિકળવું પડશે ને..! તારી ઈચ્છા નથી પણ કર્તવ્ય પાલન પણ કરવું જ પડશે ને..! ચિંતા ન કર, મોડી રાતે તો પાછા પહોંચી પણ જઈશુ.’
લક્ષ્મી એકદમ સજાગ બની જાય છે અને કહે છે, ‘હા.. તમે તમારાં કર્તવ્યનું પાલન કરો.. મારે મારા કર્તવ્યનું પાલન કરવાનું હતું એટલે પ્રાર્થના કરવા બેસી હતી..મારી ચિંતા મેં મા હરસિદ્ધીને સોંપી… ચાલો એરપોર્ટ જવા નિકળીએ..’
લક્ષ્મીએ પ્રવિણે ગિફ્ટ આપેલી મર્સિડીઝ કારની ચાવી લીધી. બન્ને એરપોર્ટ જવા નિકળી ગયા. પર્સનલ ચાર્ટર્ડ પ્લેન હતુ એટલે સ્પેશિયલ વીઆઈપી એન્ટ્રીથી કાર સીધી જ એલોડેટ સ્લોટ પાસે પહોંચી જાય છે.
બાકીનાં બન્ને ડેલિગેટ્સ પણ આવી ગયા હોવાથી, લક્ષ્મીને વિદાઈ આપી પ્રવિણ પ્લેનમાં અંદર ગોઠવાઈ જાય છે. સમયસર પ્લેન ટેઈકઓફ કરે છે. લક્ષ્મી તરત પોતાની કાર લક્ષ્મી નારાયણ મંદીર તરફ હંકારી જાય છે.મંદીર પર પહોંચી પૂજારીને મળી પૂજાવિધી સંપન્ન કરાવીને ઘરે પહોંચે છે.
ઘરે પહોંચે છે કે તરત પ્રવિણનો જયપુર પહોંચવાનો ફોન પણ આવી જાય છે અને જણાવે છે કે લંચ પછી અહીંથી ફરી નીકળીશું એટલે દિલ્હી પહોંચીને પાછો ફોન કરશે.
બન્યું પણ એવું જ સુખરૂપ દિલ્હી એરપોર્ટ પર બધા પહોંચી જાય છે. હોટેલ પર પહોંચી ફ્રેશ થઈ સમયસર મિટીંગ એટેન્ડ કરવા બધા જ ડેલિગેટ્સ એકત્ર થયા એટલે મિટીંગની કામગીરી શરૂ થઈ ગઈ.
બધાની હાજરીમાં ફરી એકવાર પ્રવિણને એક્સપોર્ટ એસોસિએશનના સેક્રટરી તરીકે રહેવા ખૂબ આગ્રહ કર્યો પરંતુ પ્રવિણે પોતાનો પક્ષ મુકયો અને સ્કૂલ્સ, હોસ્પીટલ પ્રોજેક્ટની વાત સૌને જણાવી અને કહ્યું કે આગામી બે ત્રણ વર્ષો તો મારે શક્ય હોય તેટલું આ પ્રોજેક્ટમાં જ ધ્યાન આપવું છે પછી એ બધુ રેગ્યુલર થઈ જાય પછી પોતે બિઝનેશથી પણ સંપૂર્ણ અલિપ્ત થઈ જવા માંગે છે.
પ્રવિણની આ વાતને સૌએ સન્માનપૂર્વક વધાવી લીધી, ખાસ તો પ્રવિણની હરીફ કંપનીઓ હતી તેના માલિકો પણ પ્રવીણને જે હરીફ તરીકે જોતાં હતા તે લોકોને પણ સન્માન થયું. જો કે પ્રવિણ પોતે તો અજાતશત્રુ હોય તેવું જ વ્યક્તિત્વ હતું અને ક્યારેય કોઈને તકલીફ ન થાય તેવું જ વર્તન સતત રહેતું પણ જાણ્યે અજાણ્યે કે અનિચ્છાએ પણ આપણે કોઈની ઈર્ષાના ભોગ બની જ જતાં હોઈએ છીએ… પણ પ્રવિણના આ ભાવિ આયોજન વિશે સાંભળ્યા પછી તો સૌ કોઈ એને વિશેષ સન્માનથી જોવા લાગ્યા હતા.
એ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રીમાન યજ્ઞેશભાઈ ત્રિવેદી સેક્રેટરી શ્રીમતી નયનાબેન પટેલ બન્ને ખૂબ જ અનુભવી બાહોશ વહિવટકર્તાઓ હતા. એ બન્ને જોડે જ બેઠા હતા એટલે પરસ્પર કંઈ ધીમેથી વાત કરી અને પછી નયનાબહેને કહ્યુ, ‘પ્રવિણભાઈ આપ પાંચ મિનીટ માટે બહાર જઈ શકો ? અમારે આપની અનુપસ્થિતિમાં એક જરૂરી ચર્ચા કરવી છે.’
ખૂબ સરળતાથી પ્રવિણે એ વાત સ્વિકારીને મિટીંગ હોલની બહાર નીકળી જાય છે. બહાર નિકળીને પલ અને લક્ષ્મી સાથે વાત પણ કરી લે છે. ચારેક મિનીટમાં તો યજ્ઞેશભાઈનો ફોન આવી જાય છે અને પ્રવિણને અંદર બોલાવી લે છે.
પ્રવિણ અંદર આવે છે એટલે સેક્રેટરી શ્રીમતી નયનાબહેને સૌની ઉપસ્થિતીમાં વાત મૂકી, ‘પ્રવિણભાઈ… સોરી આપને થોડી વાર માટે બહાર જવાનુ કહ્યું પણ એ દરમ્યાન કોઈને પણ ખૂલીને જે કહેવું હોય તે કહી શકે અને એની અસર પરસ્પર બિઝનેશ પર ન પડે એટલે આપને બહાર મોકલ્યા હતા… આપની અનુપસ્થિતિમાં અમે નક્કી કર્યું કે તમે એડવાઈઝરી બોર્ડના અધ્યક્ષ તરીકે તો સર્વાનુમતે સ્વીકાર્ય છો જ પણ આ બોર્ડ આપનાં બન્ને પ્રોજેક્ટ માટે બોર્ડના ભંડોળમાંથી અગિયાર કરોડ રૂપિયા ડોનેટ કરવાનુ ઠરાવે છે.. જે આપની હોસ્પીટલ માટે ગમે તે હેતુ માટે ઉપયોગમાં લઈ શકશો.’
પ્રવિણે કહ્યુ,
‘અમારી જોડે પુરતું ભંડોળ છે જ અને કોઈ વધારે જરૂરિયાત નહી રહે..આપ આ રકમ બોર્ડના અન્ય કોઈ વેલફેર પ્રોજેક્ટ માટે રાખો તો સારું…’
પણ યજ્ઞેશભાઈએ કહ્યુ… ‘ પ્રવિણ શેઠ… આનાંથી વધારે ઉત્તમ કયો પ્રોજેક્ટ હોઈ શકે …! હોસ્પીટલ બહુ મોટો પ્રોજેક્ટ છે ગમે તેટલાં રુપિયા હશે ખપ લાગી જ જશે..’
પ્રવિણે કહ્યુ, ‘સારું.. હું આપ સૌની લાગણી સ્વીકારું છું પણ તમારે પણ મારી એક વાત સ્વીકારવાની રહેશે.. આપણા એસોસિએશનના જે પણ પ્રમુખ હોય તે જે તે વખતે હોદ્દાની રૂએ એ હોસ્પીટલ ટ્રસ્ટના સભ્ય તરીકે પણ સેવાઓ આપશે… આ વાત સ્વીકારો તો હું એ રકમ પણ સહમત થઈશ..’
પરસ્પર બધા સહમત થાય છે. મિટીંગમાં જરૂરી ચર્ચાઓ અને નિર્ણયો લેવાય છે… હકારાત્મક રીતે સંપૂર્ણ મિટીંગ પુરી થઈ અને બધા જ પોતપોતાની રીતે પરત જવા નિકળી જાય છે.
હોટેલ પર પહોંચી ફરીથી આ પાંચેય મિત્રો એરપોર્ટ પર પોતાના ચાર્ટર્ડ પ્લેનથી પરત જવા બેસવાની તૈયારી જ કરતા હોય છે એવાં મા પ્રવિણ પર એક ફોન આવે છે…
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા