વાર્તા:- કોઈ દિવસ આવો પણ હોય.....રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવિચારો થોડું! તમારે ઘણું બધું કરવું છે. ઘણાં બધાં સપનાં જોયા છે - આમ કરીશ, તેમ કરીશ, હું તો આમ બનીશ. પરંતુ પરિસ્થિતિ એવા વળાંક પર આવીને ઊભી રહે કે તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી રહે, જેની તમે કલ્પના ય ન કરી હોય!
આવી જ એક ઘટના ઈવા સાથે બની. નાનપણથી એણે જોયેલાં તમામ સપનાંઓ પૂરા કરવામાં એનાં માતા પિતાએ ક્યાંય પણ પીછેહઠ ન કરી. એનું જ પરિણામ હતું કે ઈવા એક સફળ એરોનૉટીકલ ઈજનેર બની શકી. બહુ ઓછાં એવા નસીબદાર વિદ્યાર્થીઓ હોય છે કે જેમની પાસે આ ઈજનેર બનવાની તક સાંપડે છે. તક મળ્યા પછી પણ એમાં ટકી જનાર બહુ ઓછાં વિદ્યાર્થીઓ હોય છે. ઈવા આમાંની એક હતી.
એનું સુવર્ણ પદક સાથેનું સ્નાતકનું સર્ટિફિકેટ એને સીધું ભારતીય વાયુસેના સુધી લઈ ગયું. એને વાયુસેનામાં ઈજનેર તરીકે કામ કરવાની તક મળી. એ અને એનાં ઘરનાં સૌ કોઈ ખુશીના માર્યા ફુલ્યા નહોતાં સમાઈ રહ્યાં. એક દિવસ એવો આવી પહોંચ્યો કે ઈવા નોકરી માટે ઘરથી ઘણી દૂર જતી રહી. ક્યારેક ત્રણ ચાર મહિને તો ક્યારેક છ આઠ મહિને એકાદ વાર ઘરે આવતી. જો આનાથી પણ વધારે સમય નીકળી જવાનો હોય તો એ ઘરે ફોન કરીને જાણ કરી દેતી. આથી એનાં મમ્મી પપ્પા ત્યાં જઈને એની સાથે થોડો સમય રહી આવતાં. નોકરી કરતાં કરતાં જ એને એક સાથી પાયલોટ જીવનસાથી તરીકે મળી ગયો. બંને ઘરનાં લોકોએ એમનાં પ્રેમને રાજીખુશીથી સહમતિ આપી.
સુખેથી બધાનું જીવન વીતી રહ્યું હતું. પણ કહેવાય છે ને કે 'બધાં દિવસો સરખાં નથી હોતાં' - આ જ ઉક્તિ મુજબ ઈવાનાં જીવનમાં પણ અચાનક એક બ્રેક લાગી. લગ્નનાં ચાર ચાર વર્ષ વીતવા છતાં હજુ એ માતા બની ન હતી. ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવી ત્યારે ખબર પડી કે વધારે પડતાં શ્રમને કારણે એ માતા બનવાની ક્ષમતા ગુમાવી ચૂકી હતી. એને ડર લાગ્યો કે હવે એનાં પતિ અને સાસરે એને સારી રીતે નહીં રાખશે. એ બધાંથી નજર છુપાવવા લાગી.
એનાં આવા વર્તનથી ઘરનાં સૌ પરેશાન હતાં. આખરે એનાં પતિએ એને સમજાવી કે એ માતૃત્વ મેળવી શકે એમ નથી એનો અર્થ એ નથી થતો કે ઘરનાં લોકોનો એનાં પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો. ઈવાએ સહેજ પણ નાનમ અનુભવવાની જરુર નથી. ત્યાં સુધી કે એનાં પતિએ એને એ પણ સમજાવ્યું કે એઓ એક બાળકને દત્તક લઈ લેશે. ઈવાને થોડી રાહત મળી.
થોડો વખત આમ જ ચાલ્યું. પણ એક દિવસ અચાનક જ ઈવા એવું બોલી ગઈ કે ઘરનાં સૌ ચોંકી ગયા, પણ સાથે સાથે ખુશ પણ થઈ ગયાં. ઈવાએ અનાથઆશ્રમ ખોલવાનું નક્કી કર્યું. ઈવાએ પોતાની નોકરી છોડી દીધી અને એક અનાથ આશ્રમ ખોલ્યો. હવે એ ઘણાં બધાં બાળકોની માતા બની ગઈ છે. જ્યાં પણ કોઈ માસુમ બાળક તરછોડી દેવાયું એવી ખબર પડે કે ઈવા પાસે એ બાળક આવી જાય. બાળકોનાં ભણતરની પણ તકેદારી રાખવામાં આવતી. એનાં આખાય કુટુંબનો એને પૂરેપૂરો સહકાર મળ્યો. ધીમે ધીમે અન્ય સામાજિક સંસ્થાઓ અને કાર્યકર્તાઓ મદદે આવતાં ગયાં. હવે એને આર્થિક રીતે પણ સમસ્યા રહી નહોતી.
આજે ઈવા પોતાની જાત અને કુટુંબ પર ગર્વ કરે છે અને દુનિયા એની વાહ વાહ કરે છે. એનાં એક જ નિર્ણયથી કેટલાંય અનાથ બાળકોનાં જીવન બચી ગયા. ખરેખર, જીવનમાં આવેલી તકલીફને તકમાં ફેરવી શકે એ કંઈ પણ કરી શકે.
આભાર.
સ્નેહલ જાની.