પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૧૬
‘કંપની બંધ છે કે બંધ થઈ ગઈ?’ રચનાએ પોતાની ખુશી દિલમાં છુપાવીને ચહેરા પર ચિંતાના ભાવ લીંપી પૂછ્યું.
‘તું ઘરમાં આવીને બેસ તો ખરી. કંપનીની ચિંતા ના કરીશ. તારી તબિયત કેમ છે? એ કહે.’ આરવ એ માંદી હોય એમ એનો હાથ પકડી દોરીને દીવાનખંડના સોફા પર બેસાડી પૂછવા લાગ્યો.
‘હું બિલકુલ ફિટ છું. તું જોઈ શકે છે.’ કહી હસીને એણે પૂછ્યું અને બંગલામાં નજર ઘુમાવી આશ્ચર્યથી પૂછ્યું:‘ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? ક્યાં ગયા બધાં?’
‘બધાં જ એક સંબંધીના પ્રસંગમાં ગયા છે. હવે આવતા જ હશે. તું બેસ. બીમારીએ તારી કેવી હાલત કરી નાખી છે?’ આરવ એના ગાલ પર હાથ ફેરવતા કહેવા લાગ્યો.
રચનાને ખુદને હવે એવું લાગવા માંડયું કે એના પર એબોર્શન થયું એની અસર થઈ છે કે શું? ચહેરો ખરેખર લેવાઈ ગયો છે? સવારે તો એવું લાગ્યું નહીં. હમણાં પોતાનો ચહેરો જોવાની કોઈ તક ન હતી. એ બોલી:‘ના-ના હું સારી જ છું.’
‘તું થોડીવાર આરામ કર. હમણાં ઘરમાં કોઈ નથી. શરીરને સારું લાગશે. કોઈ દવા લેવાની હોય તો લઈ લે. બીમારીમાં બહુ દોડધામ સારી નહીં. પહેલાં શક્તિ સંચિત કર. હું તારા માટે ફ્રૂટ જ્યુસ લાવું છું.’ આરવ એને બેડરૂમ તરફ દોરી જતાં કહેવા લાગ્યો.
રચના જબરદસ્તી એની સાથે દોરાતી કહેવા લાગી:‘ના-ના, આરવ, હું ઠીક છું. મારે અત્યારે આરામની કોઈ જરૂર નથી. મમ્મીને ત્યાં આરામ જ કર્યો છે.’ રચનાને થયું કે આરવ એની તબિયતથી ચિંતિત છે. પણ એને સત્ય કહેવાય એમ ન હતું. ગર્ભના બાળકને પડાવીને સત્યને છુપાવી દીધું હતું. હવે એની સામે બીમાર હતી એનું નાટક ચાલુ રાખવું પડશે.
‘પિયર જેવો આરામ સાસરીમાં પણ મળવો જ જોઈએ. કેમકે મારો પરિવાર તને પુત્રવધૂ નહીં પુત્રી માને છે.’ આરવ લાગણી નીતરતા સ્વરે એને બેડ પર સુવડાવતા બોલ્યો.
રચના આડી પડી અને આરવ એને જોઈ જ રહ્યો. આરવની પ્રેમભરી નજરનો પોતાની અંદર રહેલી આગને કારણે સામનો કરી શકતી ના હોય એમ એણે નાટકના ભાગરૂપે જ આંખો બંધ કરી દીધી.
થોડી પળોમાં એને પોતાના હોઠ પર આરવના ગરમ હોઠ ચંપાયા. એના તનમનમાં ખળભળાટ મચી ગયો. આરવ મધુરસ પીવામાં તલ્લીન થઈ ગયો હતો. એના બંને હાથમાં રચનાનો ચહેરો હતો. રચનાને એનો પ્રેમ દિલમાં અજીબ લાગણી ઊભી કરી રહ્યો હતો. એને ગમવા લાગ્યું હતું. ત્યાં અચાનક કોઈ વિચાર સાપની જેમ ફેણ કાઢીને ઊભો થયો અને એણે આરવને સહેજ પાછો ધકેલી એના હોઠની પકડમાંથી પોતાના હોઠને છોડાવી કહ્યું:‘શ્વાસ તો લેવા દે.’
‘તું મારા શ્વાસમાં તો વસી છે.’ આરવ એના ગળા અને છાતી સુધી મોં લઈ જઈ ચુંબનો કરતા બોલ્યો.
‘હું માંદી છું અને તું મારા શ્વાસ લઈ રહ્યો છે! પણ એ બતાવ કે કંપનીનું શું થયું? સિક્યુરીટી ગાર્ડ પાસેથી મેં જાણ્યું એમાં સચ્ચાઈ કેટલી છે? એણે કહ્યું કે કંપની કાયમ માટે બંધ થઈ ગઈ છે. રાતોરાત શું થયું? આવું કેવી રીતે બની શકે? તેં મને કંઇ કહ્યું જ નહીં!’ એનાથી છૂટવા રચનાએ મીઠી ફરિયાદ કરતી હોય એમ કહ્યું.
‘તું અત્યારે તારી તબિયત પર ધ્યાન આપ. કંપનીનું અમે સંભાળી લઈશું.’ આરવ સહજ રીતે પણ જાણે આદેશાત્મક સ્વરે બોલી ગયો.
રચના મનોમન આંચકો અનુભવવા સાથે ચમકી ગઈ હતી. આરવ કંપની વિષે મગનું નામ મારી પાડવા તૈયાર થઈ રહ્યો ન હતો. એ મારાથી કોઈ વાત છુપાવી રહ્યો છે. આખરે આટલી મોટી કંપની બંધ કરી દીધી હશે કે થઈ ગઈ છે? જ્યાં સુધી હું એની વાત નહીં જાણું ત્યાં સુધી મને ચેન પડશે નહીં. કોઈ વિચાર કરીને એણે કહ્યું:‘મારા માટે કોફી બનાવી લાવીશ?’
‘હા-હા, તારા માટે તો જાન હાજર છે.’ કહી આરવ સીધો રસોડા તરફ જતો રહ્યો.
રચનાને થયું કે આજે એક નવો આરવ જોવા મળી રહ્યો છે. એણે એના પર વધારે વિચાર કર્યા વગર આરવ કોફી લઈને આવે એ પહેલાં મોબાઈલ હાથમાં લીધો અને એક નંબર ડાયલ કર્યો.
ક્રમશ: