Eternal Traditions… Temple in Gujarati Spiritual Stories by Rajesh Kariya books and stories PDF | સનાતન પરંપરાઓ… મંદિર

Featured Books
Categories
Share

સનાતન પરંપરાઓ… મંદિર

સનાતન પરંપરાઓ…… મંદિર
————————————
मन्दिरे स्थितासु मूर्तिषु ईश्वरः निवसति इति कथ्यते अतः मन्दिरस्य दर्शनं करणीयम् ।

ભારતમાં મંદિર-સ્થાપત્યની ઘણી દીર્ઘ પરંપરા છે. આ હજારો વર્ષ જૂની પરંપરા અદ્યાપિ પર્યંત અવિચ્છિન્નપણે ચાલુ રહી છે અને તેના પ્રમાણરૂપે સેંકડો પ્રાચીન-અર્વાચીન મંદિરો, દેશના બધા ભાગોમાં, ગામેગામ અને શહેરેશહેરમાં ઊભાં છે.
ભારતીય મંદિરની પ્રાચીનતા અંગે ભારે મતભેદો પ્રવર્તે છે. કેટલાક વિદ્વાનો એને ગ્રીક અને ઘણું કરીને ચૈત્યમંદિરના બૌદ્ધ નમૂનાને આધારે ઉદગમ પામેલું હોવાનું ગણાવે છે. એમનું માનવું છે કે ઈ. પૂર્વેનાં મંદિરોના અવશેષો મળતા નથી, જ્યારે એ પૂર્વેના ખડકોમાંથી કોરેલાં બૌદ્ધ ચૈત્યમંદિરોના અવશેષો પ્રાપ્ત થાય છે. કેટલાંક આરંભિક મંદિરો એ ચૈત્ય મંદિરોને મળતાં આવે છે તે પરથી પ્રતીત થાય છે કે એમાંથી પ્રેરણા મેળવીને મંદિરનો સ્થાપત્યકીય વિકાસ થયો હોય. આ વિદ્વાનોની સહુથી મોટી દલીલ એ છે કે પ્રાચીન હિંદમાં પ્રચલિત વૈદિક પરંપરામાં દેવોની ઉપાસના યાજ્ઞિક કર્મકાંડો વડે થતી હતી અને એમાં મૂર્તિપૂજાને સ્થાન નહોતું. તેથી મૂર્તિપૂજાપરક મંદિરને એમાં અવકાશ નહિ હોવાથી એ પરંપરા તે વખતે પ્રચારમાં નહોતી.
આ મુદ્દાની તલસ્પર્શી છણાવટ કરીને ડૉ. આનંદ કુમારસ્વામીએ પ્રતિપાદિત કર્યું છે કે વૈદિક કર્મકાંડોમાં મૂર્તિ કે મંદિરની જરૂરિયાત નહોતી એ ખરું, પણ તત્કાલીન વૈદિકેતર સંપ્રદાયો જેવા કે નાગ, યક્ષ અને દેવીઓને લગતા સંપ્રદાયોમાં મૂર્તિઓ ધરાવતાં લાકડાંનાં મંદિરો હતાં. લાકડાંનાં હોવાને લઈને એ મંદિરો કાળબળે નષ્ટ થઈ જવાથી તેમના અવશેષો ઉપલબ્ધ થતા નથી.
અલ્લાહાબાદ યુનિવર્સિટીના પ્રા. ગોવર્ધનદાસ શર્માએ બાગોર નામના સ્થળે કરેલા પુરાતત્વીય ઉત્ખનનને લઈને, ભારતમાં છેક ઈસુની 7,000–8,000 વર્ષ પહેલાં મૂર્તિપૂજા તેમજ મંદિર-પરંપરા પ્રચલિત હોવાનું પ્રમાણિત થયું છે. એ ઉત્ખનનને આધારે ડૉ. હસમુખ સાંકળિયાએ પ્રતિપાદિત કર્યું છે કે એ કાળના આદિમાનવોએ ટીંબાકાર કરી તેના પર ત્રિકોણાકાર લાલ પથ્થર મૂકેલો. તે મંદિર હતું. વિશિષ્ટ પથ્થરો પર સિંદૂર ચોપડવાની પ્રથા આજે પણ પ્રચલિત છે ને તે જૂની પરંપરાનું સાતત્ય સૂચવે છે.
ઉપલબ્ધ આભિલેખિક અને સાહિત્યિક પ્રમાણો પરથી જણાય છે કે બૌદ્ધો અને ગ્રીકોનાં સ્થાપત્યોનો ભારતમાં પ્રચાર થયો તે પૂર્વે પણ મંદિરો અસ્તિત્વ ધરાવતાં હતાં. ઈ. પૂ. બીજી સદીના બેસનગરના ગરુડ-સ્તંભ-લેખમાં વાસુદેવ(કૃષ્ણ)નું મંદિર ત્યાં હોવાનો ઉલ્લેખ થયો છે. એનાં ચાર સો વર્ષ પહેલાં પાણિનિએ વાસુદેવની પૂજા થતી હોવાનો નિર્દેશ કર્યો છે. તે પરથી પાણિનિના સમયે (ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદીમાં) મંદિરો અસ્તિત્વમાં હોવાનું સંભવે છે. મહાભારતના આદિપર્વમાં અર્જુન એક વર્ષ બ્રહ્મચર્ય પાળતો પશ્ચિમ-સમુદ્રતટનાં તીર્થો અને આયતનો(મંદિરો)ની યાત્રા પતાવી પ્રભાસપાટણ પહોંચ્યો હોવાનો ઉલ્લેખ થયો છે. આ આયતનોમાં મૂર્તિઓનાં પૂજન-અર્ચન થતાં હતાં. વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં જે પ્રાચીન વાસ્તુ-આચાર્યોના ઉલ્લેખ થયા છે તેમાં ભૃગુ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ વગેરે નિ:સંદેહ પ્રાગ્બુદ્ધકાલીન હોવાનું પ્રતીત થાય છે.
આ પરથી કહી શકાય કે દેવી-દેવતાઓની ઉપાસના માટે પ્રાચીન ભારતમાં સંભવત: એકસાથે બે પદ્ધતિઓ પ્રચારમાં હતી : એક વૈદિક યજ્ઞયાગાદિની અને બીજી વૈદિકેતર મૂર્તિપૂજા અને તે માટેના મંદિરની. આમાંની વૈદિક પદ્ધતિ ઉચ્ચ વર્ણવિશેષ પૂરતી સીમિત હતી, જ્યારે મૂર્તિપૂજા-પદ્ધતિ સાર્વત્રિક હતી. આમાં વૈદિક કર્મકાંડો સામે જેમ જેમ બૌદ્ધો, જૈનો અને અન્યોનો વિરોધ વધતો ગયો તેમ તેમ એ પદ્ધતિનું બળ ઘટતું ગયું. પણ તેની સાથે મૂર્તિપૂજાનું બળ વધતું ગયું. ધીમે ધીમે વૈદિક પરંપરાનાં કેટલાંક તત્ત્વો બીજી પરંપરામાં અપનાવાયાં; દા.ત., વિશિષ્ટ પ્રસંગોએ મંદિરોમાં યજ્ઞયાગ કરવાની પરંપરા પ્રચલિત થઈ, જે અદ્યાપિ પર્યંત ચાલુ રહી છે.
સમય જતાં ધીમે ધીમે ઘણાં મંદિરો માત્ર ઉપાસના-કેન્દ્રો બની ન રહેતાં પ્રજાનું કલ્યાણ સાધનારી સેવાભાવી સંસ્થારૂપ બન્યાં. આજે પણ દેશના ઘણા ભાગોમાં સાર્વજનિક હિતની ઘણી પ્રવૃત્તિઓ મંદિરો દ્વારા ચલાવાતી જોવામાં આવે છે. તિરુપતિનું મંદિર આનું જ્વલંત ઉદાહરણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની દેશવિદેશમાં ચાલતી પ્રવૃત્તિ પણ આનું દ્રષ્ટાંત છે. આવી સાર્વજનિક પ્રવૃત્તિઓને કારણે મંદિરની લોકપ્રિયતા વધી છે. દેશના ઘણા ધર્મ-સંપ્રદાયોએ પણ મંદિર-પરંપરા અપનાવીને પોતાનાં મંદિરો બાંધ્યાં.

મંદિર જવું એટલા માટે જરૂરી છે કે ત્યાં જઈને તમે એવું સિદ્ધ કરો છો કે તમે દેવી શક્તિઓમાં વિશ્વાસ રાખો છો, તો દેવી શક્તિઓ પણ તમારામાં વિશ્વાસ રાખશે. જો તમે મંદિરમાં નથી જતા તો તમે કેવી રીતે વ્યક્ત કરી શકશો કે તમે પરમેશ્વર અથવા દેવતાઓમાં વિશ્વાસ ધરાવો છો? જો તમે દેવતાઓ તરફ ધ્યાન આપશો તો દેવતાઓ પણ તમારી તરફ ધ્યાન આપશે.
ઘરે થી શાંતચિત્તે નીકળી ઈશ્વર ના દર્શને જાઉં છું કે જે આ સમગ્ર સૃષ્ટિ નો સર્જક અને માલિક છે, એ રીતે એ મારો પણ માલિક છે એવો ભાવ મન માં ઘૂંટાતો રહે એ રીતે જઇ ને પ્રતિમા સમક્ષ બે હાથ જોડી સાક્ષાત પ્રભુ સામે ઊભો છું એવી લાગણી થી, પ્રાર્થના કરે અને મારા મન માં ઉદભવતી શ્રદ્ધા ને પણ મારો ઈશ્વર જાણે છે, મારી તકલીફો, સમસ્યાઓ વિશે પણ તે સુપેરે જાણે છે,મારા ભક્તિભાવ ને સમજે છે, મારી માનવીય મર્યાદાઓ ની તેને ખબર છે એટલી શ્રધ્ધા રાખે અને પ્રભુ ની સ્તુતિ કરે, પોતાની ભૂલો ને સ્મરી ને ક્ષમા માંગે, પોતાના માટે,માબાપ માટે,પત્ની, સંતાનો, ઘર પરિવાર માટે સ્વસ્થ જીવન માંગે. સદમાર્ગે ચાલવા ની સમજ અને શક્તિ આપે એવું પરમેશ્વર પાસે ઈચ્છે.
સારા મનોભાવથી મંદિરમાં જનાર વ્યક્તિની બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. મંદિરમાં જવાથી મનમાં દૃઢ વિશ્વાસ અને આશાની ઊર્જાનો સંચાર થાય છે. વિશ્વાસની શક્તિથી જ ધન, સમૃદ્ધિ, પુત્ર-પુત્રી ની પ્રાપ્તિ થાય છે.
જો તમે કોઈ એવો અપરાધ કર્યો છે, જેને ફક્ત તમે જાણો છો તો તમારા માટે પ્રાયશ્ચિત નો સમય છે. તમે ક્ષમા પ્રાર્થના કરીને પોતાનું મન હળવું કરી શકો છો. તેનાથી તમારા મનની બેચેની સમાપ્ત થઈ જાય છે અને તમારું જીવન ફરીથી પાટા પર ચડી જાય છે.
મંદિરના વાસ્તુ અને વાતાવરણને કારણે ત્યાં સકારાત્મક ઉર્જા વધારે હોય છે. પ્રાચીન મંદિર ઉર્જા અને પ્રાર્થનાનાં કેન્દ્ર હતા. ધરતીનાં બે છેડા છે – એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. ઉત્તરમાં મુખ રાખીને પુજા અથવા પ્રાર્થના કરવામાં આવે છે, એટલા માટે પ્રાચીન કાળમાં બધા મંદિરોનાં દ્વાર ઉત્તર માં હતા. આપણા પ્રાચીન મંદિર વાસ્તુશાસ્ત્રીઓએ શોધી શોધીને ધરતી પર ઊર્જાના સકારાત્મક કેન્દ્ર શોધી કાઢ્યા અને ત્યાં મંદિર બનાવ્યા.
મંદિરમાં શિખર હોય છે. શિખરની અંદરની સપાટી સાથે ટકરાઈને ઉર્જા તરંગો તથા ધ્વનિ તરંગો વ્યક્તિ ઉપર પડે છે. આ પરાવર્તિત કિરણ તરંગો માનવ શરીર આવૃત્તિ જાળવી રાખવામાં સહાયક હોય છે. વ્યક્તિનું શરીર આવી રીતે ધીરે-ધીરે મંદિરની અંદરનાં વાતાવરણ સાથે સામંજસ્ય સ્થાપિત કરી લેતું હોય છે. આવી રીતે મનુષ્યને અસીમ સુખનો અનુભવ કરાવે છે. મંદિરનું ભવ્ય હોવું જરૂરી છે. ભવ્યતાથી જ દિવ્યતાનું અવતરણ થાય છે. મંદિર વાસ્તુનું ધ્યાન રાખવું પણ જરૂરી છે

બૂટ ચંપલ માં ધૂળ, બેક્ટેરિયા, ગંદગી હોય છે. અને મંદિર પવિત્ર સ્થાન છે. આવી પવિત્ર જગ્યા એ આપડે ગંદગી લઈને કેવી રીતે જઈ શકીયે. ઘણા મંદિર માં તો હાથ પગ ધોઈને ને જવાની વ્યવસ્થા પણ હોય છે.
અને આપડે કોઈ ના ઘરે જઈ તો પણ બુટ ચપ્પલ બહાર ઉતારી ને જાતાં હોઈ છી. તો પછી મંદિરે શું કામ નહીં!!

આપણે મંદિરમાં જઈએ છીએ તો સૌ પહેલા બહાર લટકાવેલ ઘંટ વગાડીને અંદર પ્રવેશ કરીએ છીએ.
ઘંટ વગાડવા પાછળનું ધાર્મિક કારણ એ છે કે ઘંટ વગાડવા સાથે લોકોની એક આસ્થા જોડાયેલી રહે છે. એક માન્યતા મુજબ મંદિરમાં જઈને ઘંટ વગાડવાથી ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ ઘંટ વગાડવાથી દેવી દેવતાઓ સામે આપણી હાજરી નોંધાય છે. ઘંટ વગાડવાથી મંદિરમાં જે દેવી દેવતાઓની પ્રતિમા હોય તેમાં ચેતના જાગૃત થાય છે. ઘંટના નાદથી વ્યક્તિનું ધ્યાન આસપાસ ભટકતું નથી પરંતુ દરેક તેનું મન ભગવાનમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે.

મંદિરમાં જઈ ઘંટ વગાડતી વેળાએ આપણું મસ્તક બરોબર ઘંટની નીચે હોવું જોઈએ અને જ્યાં સુધી વગાડેલ ઘંટનો નાદ ( મધુર ધ્વનિ તરંગો ) શાંત ન થાય ત્યાં સુધી આપણું મસ્તક બરોબર ઘંટ નીચે રાખવુ અને એ મધુર ધ્વનિ નાદ જીલવો જોઈએ તો જ ઘંટનાદ નો વૈજ્ઞાનિક રીતે ફાયદો આપણને થાય અને આ પવિત્ર પ્રક્રિયા સંપૂર્ણપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવે છે. આપણે માત્ર ઘંટારવ કરીને તરત ત્યાંથી હટી જઈએ છીએ ત્યારે એ વૈજ્ઞાનિક અભિગમ સિદ્ધ થતો નથી.. હા એ ઘંટારવનો માનસિક ફાયદો તો ચોક્કસ થાય જ છે. આમ આપણી દરેક સનાતન પરંપરાઓ ચોક્કસ પણે અધ્યાત્મ સાથે વૈજ્ઞાનિક પણ છે પરંતુ આપણે સૌ આ ઝડપી યુગમાં યંત્રવત બની રહ્યા છીએ ત્યારે દરેક પરંપરાઓ સાથે જોડાયેલ ગૂઢ મર્મ અને ફાયદાઓ ચૂકી જઈએ છીએ.

પ્રાચીન સમયથી દેવાલયો, મંદિરોની બહાર ઘંટ લગાડવાની શરૂઆત થઇ હતી. એની પાછળનું કારણ એ છે કે જે જગ્ચા પર ઘંટનો અવાજ નિયમિત રીતે આવે ત્યાં વાતાવરણ સુખમય અને પવિત્ર બને છે. ઘંટનો રણકાર નકારાત્મક કે ખરાબ શક્તિઓને વાતવરણમાંથી મુક્ત કરે છે. ઘંટ વગાડવાથી તેમાંથી એક સુંદર ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ખૂબ મંગળદાયક હોય છે. તેમાંથી પરમાત્માનો પરમ મંત્ર ૐ પ્રગટ થાય છે. ભક્ત મંદિરમાં જાય ત્યારે તેના મનમાં કોઈપણ પ્રકારના અશુભ કે ખરાબ વિચારો ચાલતા હોય તે ઘંટના મંગલમય અવાજથી ભંગ થઈને તૂટી જાય છે અને ભક્ત ભગવાનના વિચારોમાં ડૂબી જાય છે.
ઘરમાં પણ જ્યારે આરતી કરીએ ત્યારે ઘંટ નહી તો નાનકડી ઘંટડી અવશ્ય વગાડવી જોઈએ. પૂજા સમયે વગાડવામાં આવતી નાની ઘંટડીઓનાં તાલ અને તંરગોથી વ્યક્તિનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. અને વ્યક્તિનું ચિત્ત ભગવાનમાં સ્થિર થાય છે અને મન શાંત રહે છે. ઘંટનો અવાજ મન, મગજ અને શરીરને એક પોઝિટિવ એનર્જી આપે છે. આમ મોહક અને કર્ણપ્રિય ઘંટનો ધ્વનિ આધ્યાત્મિક ભાવ તરફ લઈ જાય છે.
મદિરોમાં ઘંટ લગાડવા પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે, જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે વાતાવરણમાં એક કંપન ઉત્પન્ન થાય છે જે વાયુમંડળનાં કારણે દૂર સુધી જાય છે. આ કંપનસીમામાં આવતાં જીવાણુઓ, વિષાણુઓનો નાશ થાય છે.
આજકાલ લોકો ઘરની બહાર ગેલેરીમાં ફેંગશુઈ બેલ લટકાવે છે. જેની માન્યતા મુજબ જ્યારે તે હવાથી લહેરાઈને કંપન કરે છે તો વાતાવરણમાં રહેલ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને તે ઘરમાં પ્રવેશતી નથી.

સાથે જ મંદિરના પગથિયામાં બેસીને ભગવાનનું સ્મરણ કરતી વખતે આ શ્લોકનું પઠન કરવું જોઈએ.
अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्।
देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।
હે પ્રભુ, મારુ મોત કોઈ પણ પ્રકારના દુખ કે કષ્ટમાં ન થાય રોગથી પીડિત થઈને પથારીમાં પડીને મરવા કરતાં હરતા-ફરતા મારા પ્રાણ જાય તેવું સુનિશ્ચિત કરજે.
આપણે માંગવું જ હોય તો એવું પણ માંગવું, કે “પ્રભુ, તારા પ્રેમને ઓળખવાની શક્તિ, સમજણ અને ભાવ આપ. તારા કર્તાપણાનો સ્વીકાર થાય તેવી દૃષ્ટિ આપ. તારા બળે અર્જુનની જેમ લડી શકું એવી કર્તૃત્વશક્તિ આપ. મારો આત્મવિશ્વાસ તેમજ તારા પરની મારી શ્રદ્ધા વધારે દૃઢ બનાવ જેથી જીવનના સંઘર્ષો સામે લડી શકું અને મારું જીવનપુષ્પ ખીલવી શકું. હે ઈશ્વર, મને એવી વૃત્તિ આપ જેથી મારું જીવન સુંદર, સમાજને ઉપયોગી, તારા વિચારોની પ્રતિષ્ઠા વધારનારું, તારી આબરુ તેમજ લોકોનો તારા પર વિશ્વાસ વધારનારું તેમજ તારા દિકરાઓ સુધરે એ માટે પ્રયત્ન કરનારું બને.
ગામમાં વ્યવહાર કરતી વખતે કોઈ નાનો છે તો કોઈ મોટો છે. પરંતુ ભગવાનના મંદિરમાં સહુ સમાન છે. કોઈ બ્રાહ્મણ હોય તો કોઈ શૂદ્ર, સમાજમાં તેઓની પ્રતિષ્ઠા અલગ-અલગ. પરંતુ સૌ ભગવાનના દિકરા તરીકે એક સરખા. જેમ મંદિરમાં પ્રવેશતા પહેલા ચપ્પલ ઉતારીએ છીએ તેમ અહમરુપી વસ્ત્રો ઉતારીને પ્રવેશવાની જગ્યા એટલે મંદિર. સહુ ત્યાં ભેદભાવ ભુલીને એકબીજાને પ્રેમથી મળે, ભેટે, એકબીજાના કુશળ પૂછે. આ રીતે પરસ્પર જીવવાનું બળ આપે. દિવસ દરમિયાન સફાઈ કાર્યમાં વ્યસ્ત હોવાથી જેના શરીર પર અશુદ્ધિ લાગી છે એવા સફાઈ કામદારને ન અડાય. પરંતુ નાહી-ધોઈને સ્વચ્છ થઈને એ મંદિરે આવે એટલે સમાજના તમામ વર્ગના લોકો કોઈ ભેદભાવ રાખ્યા વિના એને પ્રેમથી મળે. આ રીતે મંદિર સામાજિક તેમજ ધાર્મિક એકતા વધારનારું, દ્રઢ કરનારું મહત્વનું પરિબળ છે.

લેખન-સંકલનઃ રાજેશ કારિયા