નિતુ 3. નિતુની મૂંઝવણ
નિતુએ બહુ ભારે દિવસ પસાર કર્યો. રાત્રે ઘરે જતા સમયે અનુરાધાની નજર તેના પર જ હતી. તે દરવાજે ઉભેલી અને પાછળથી ભાર્ગવે આવીને પૂછ્યું, "અરે અનુરાધા! કેમ અહીં ઉભી છે?"
તે બોલી, "ભાર્ગવભાઈ, તમને નિતુ માટે કેવું લાગે છે?"
"એમાં લાગવાનું શું હોય? આ વાત તો આખી ઓફિસ જાણે છે કે નિતુ મજબૂરીને કારણે નોકરી કરે છે અને આપણા મેડમ તેનો ફાયદો ઉઠાવે છે."
"સાચે હો ભાર્ગવભાઈ! મને તો તેના પર ખુબ દયા આવે છે. કેટલું કામ કરે છે! અને એ પણ એકલા હાથે. છતાં મેડમ તેની પાસે એક્સટ્રા કામ કરાવે છે."
"હા એ તો છે જ, પણ હવે જો ને..." ભાર્ગવ પોતાની વાત કરી રહ્યો હતો એટલામાં નિતુ ત્યાંથી નીકળી અને રોડ તરફ જવા લાગી. ભાર્ગવે તેને સાદ કર્યો, "અરે નિતુ!... સાંભળ."
તેણે પાછળ ફરીને જોયું તો બંને ઉભેલા, તે ત્યાં પાછી આવી.
"હા બોલો ભાર્ગવભાઈ."
"મારી સાથે ચાલ હું તને ડ્રોપ કરી દઉં છું."
"ના, હું જતી રઈશ." નિતુએ તેને સહજતાથી જવાબ આપી દીધો.
તે ફરી કહેવા લાગ્યો, "શું નિતુ, અત્યારે ક્યાં તું કોઈ રીક્ષા ગોતવા બેસીશ? ક્યારે તને રીક્ષા મળે અને ક્યારે તું ઘેર પહોંચીશ! તેના કરતા મારી સાથે ચાલ હું ફટાફટ તને ડ્રોપ કરી દઈશ."
"થેંક્યુ ભાર્ગવભાઈ. પણ મારૂ ઘર ઇસ્ટમાં છે અને તમારે બહાર નાકા તરફ જવાનું છે. તમે તદ્દન ઊલટ દિશામાં મને ડ્રોપ કરવા આવો એના કરતા હું ચાલી જઈશ. બાકી મારા ચક્કરમાં તમને પણ લેટ થઈ જશે."
"ઠીક છે તો પછી જેવી તારી મરજી, બીજું શું!"
"ઓકે, ગુડ નાઈટ." કહેતી તે ત્યાંથી ચાલી અને સામેના રોડ પર રિક્ષાને ઊંચા હાથ કરી રોકવા લાગી અને તેના ઘર તરફ જતી રીક્ષા શોધવા લાગી.
ભાર્ગવ અને અનુરાધા તેને ઊંચા હાથ કરતા જોઈ રહ્યા હતા. ભાર્ગવ બોલ્યો, "જોયું અનુરાધા. નિતુએ જાતે જીવન જીવતા શીખી લીધું છે. એને જોઈને મને લાગે છે કે એ નરમ દિલની છે પણ ગમે તેવી પરિસ્થિતિમાં અડીખમ ઉભા રહેવાની આવડત તેનામાં છે અને એ આવડતથી તે ક્યારેય પાછી નહિ હઠે."
તેણે રીક્ષા પકડી અને સીધી ઘેર આવતી રહી. ઓફિસના તેના સહકાર્યકારોને એ વાતની જાણ નહોતી કે તે એક ડિવોર્સી છોકરી છે. તેઓની સહાનુભૂતિ તેની સાથે હતી પરંતુ વાસ્તવિકતાથી અજાણ. ઓફિસથી થાકેલી તે ઘરે આવી ઘરનું પણ બધું કામ કરતી. તેની સાથે તો બીજું હતું પણ કોણ? એકલી હતી, એટલે જાતે જ બધું સંભાળવાનું. થાકી જાય, મન ઉદાસ થઈ જાય. શરીરના એક એક અંગમાં કામ કરવાની શક્તિ ખતમ થઈ જાય છતાં જાતે બધું કરવાનું. ઓફિસથી ઘેર આવે એટલે પોતાના માટે પહેલા જમવાનું બનાવે. ઘરકામ કરે, સવારે વહેલા ઓફિસ માટે નીકળવાનું, બીજો સમય રહે નહિ. એટલે રાત્રે બધું કામ પતાવ્યા પછી કપડાં ધોવાનું કામ શરુ કરવાનું. સવારે વધારે જહેમત ના થાય એટલા માટે સૂકો નાસ્તો રાખે, રાંધવાની જંઝટ જ નહિ. આરામ તો માત્ર કહેવા પૂરતો બાકી આરામનો સમય જ ના મળે.
એમાં આજે તો હદ થઈ ગયેલી. આજે ઓફિસમાં જે કંઈ થયું તેના પછી તેના મનમાં પણ એટલો થાક લાગેલો. ઘર આવતાની સાથે તેના ઉદાસ મન અને થાકેલા શરીરે હાથમાં રહેલું પર્સ એકબાજુ મૂક્યું અને સોફા પર આરામથી બેસી ગઈ. ફોરેનમાં રહેતા એક પરિવારનું ઘર તેને ભાડેથી મળી ગયેલું. તેઓને પૈસા કરતા ઘરનું બરાબર ધ્યાન રાખે તેવા માણસની જરૂર હતી અને નિતુને એક એવા સારા ઘરની કે જ્યાં ગયા પછી કોઈ તેને ટોક્યા ના કરે અને શાંતિથી રહેવા દે. અંતે તેને આ ઘર મળી જ ગયું અને તે વિના કોઈ રોક ટોક એના પરિવારને અહીં લાવી શકતી હતી. બસ આ એક વાતની જ તેને નિરાંત હતી. તે માથું ઢાળીને આરામથી બેઠી કે તેની આંખો ઘેરાવા લાગી. જાણે બંધ કરતાંની સાથે જ ઊંઘ આવી જશે. પણ હજુ તો તે ઘેર પહોંચી જ હતી, પોતાના માટે જમવાનું બનાવવાનું બાકી હતું. તે ઉભી થઈ અને રસોડા તરફ જવાની તૈય્યારી કરવા લાગી. દરવાજાની બેલ વાગી કે રસોડા તરફ જતા તેના પગલાં મેઈન દરવાજા તરફ ચાલવા લાગ્યા. દરવાજો ખોલ્યો તો સામે તેની બાજુમાં રહેતો હરેશ હાથમાં થાળી લઈને ઉભેલો.
"ગુડ ઇવનિંગ નિતુ." કહેતો તે સીધો અંદર આવી ગયો.
"હરેશ! તું?"
"હા, હું."
"આ શું છે?" તેણે થાળી સામે જોતા પૂછ્યું.
"મમ્મીએ મોકલાવ્યું છે. તારા માટે. શું છે કે આજે અમારી ઈચ્છા કંઈક ચટાકેદાર વસ્તુ ખાવાની થયેલી અને મમ્મીએ પહેલીવાર આ પનીર ચટાકેદાર બનાવ્યું. અમે તારી જ રાહ જોતા હતા. અમે લોકોએ જમી લીધું, થયું તું આવી જાય એટલે તને પણ ચાખવા આપીએ."
"થેન્ક યુ." કહેતા તેણે ઢાંકેલી થાળી ખોલી તો આખું ડિનર હતું.
"અરે આ તો કમ્પ્લીટ ડિનર છે!"
"હા... સબ્જી તો આવી ગઈ પછી પરોઠા માટે શું બાકી રાખવું. મમ્મીએ કહ્યું કે ક્યારે તું આવે અને એકલા એકલા બનાવે, એના કરતા તારા માટે પણ બનાવી નાખ્યું."
"થેન્ક્સ અગેઇન. ગીતા આંટી કેટલા સારા છે."
"હવે ફટાફટ જમી લે નહિ તો ઠંડુ થઈ જશે."
તેણે સ્માઈલ આપી અને થાળી લીધી કે હરેશ જતો રહ્યો અને તેણે પોતાનું ડિનર પતાવ્યું. બાજુમાં રહેતી ગીતા વારંવાર તેના માટે ભોજન બનાવી રાખતી અને આવે એટલે હરેશ સાથે મોકલાવી આપે. આજે પણ તેણે આ કર્યું અને થાકેલી નિતુને એટલી રાહત મળી. રાત્રે પોતાના ઘેર એકલી બેસીને નિતુ સતત વિદ્યાના વિચાર કરતી હતી. તેને તે પળો યાદ આવી જ્યારે આજે ફરી વિદ્યાએ પોતાની ઓફર માની લેવાનો તેને ફોર્સ કરેલો.
બેડ પર ખોળામાં ઓશીકું રાખીને બેઠેલી નિતુ મનોમન કહેવા લાગી; "તમારી ઓફર માત્ર તમારી ઈચ્છા પુરી કરશે. પણ તમારા લીધે થઈને જુકી જાવ એટલી સસ્તી હું નથી મેડમ. ભલે તમે તમારી વાત મનવવા મને મનફાવે એટલું કામ આપો! છતાં હું કામ કરીશ, પણ તમારી ઓફરનો સ્વીકાર તો નહિ જ કરું."
મનને શાંત કરવા તેણે શારદાને ફોન કર્યો.
"કેમ છો મમ્મી?"
"બેટા, મને શુ થાવાનું? પણ આટલી રાતે તારો ફોન! બધું બરોબર છેને?"
"હા મમ્મી. બધું બરાબર જ છે. બસ અત્યારે નવરી થઈ તો થયું કે તારી સાથે વાત કરી લઉં."
"તો અતારે મોડે હૂધી તું કામ કરતી 'તી?"
"બસ થોડા કપડાં ધોવાના બાકી રહી ગયેલા, એ કામ પત્યું તો થયું કે લાવ તને ફોન કરું."
"ઠીક તારે, પણ જો કાંય ચિન્તયા હોય તો આજુ બાજુમાં કામ કરનારને કેજે પાછી. એકલી એકલી સહન નો કરતી ને થોડા દિ' ની તો વાર છે. પછી તું તારે અમી ન્યાં આવી જાહુ. એટલે તારે કાંય બળતરા નય રે'."
"હા મમ્મી એ તો મને ખબર છે."
"બૌ ઉપાદી નો કરતી. હુઈ જાજે વેલાહર."
"હા મમ્મી, હું મુકું?"
"હા, ઠીક છે. મૂક."
ફોન મુક્તા તેના મનમાં માની કહેલી વાતે વિચાર આવ્યો. તે મનમાં નક્કી કરવા લાગી; " મમ્મીની વાત વ્યાજબી છે. વિદ્યા દ્વારા આપવામાં આવેલ ઓફરની વાત કોઈને કરવી જોઈએ. જો હું એકલી આમ જ તેની વાત ચુપાવ્યા કરીશ તો ક્યાં સુધી ચાલશે? અનુરાધાને કહું? ના તેને નહિ. જો હું તેને વાત કરીશ તો તેના પેટમાં વાત નહિ ટકે અને આખી ઓફિસને ખબર પડી જશે. તો કરુણાને કહું? તે તો આમેય બાજુની સોસાયટીમાં જ રહે છે! હું એને જ્યારે ચાહું ત્યારે મળી શકું. પણ તે તેના પતિથી એટલી અલગી જ નથી રહેતી! ટાઈમ્સ માર્કેટિંગમાં એવું કોઈ છે ખરું? કે જેને હું મારી વાત કરી શકું. કોણ મદદ કરશે મને? મેડમ સામે જઈને એટલું સાહસ તો કોઈ કરી શકવાનું નથી. હે ભગવાન, શું કરવું હવે? તું જ કોઈ સારો રસ્તો બતાવજે. મને તો હાલ કોઈ રસ્તો દેખાતો નથી."
બે હાથ જોડી પ્રાર્થના કરીને તે સુઈ ગઈ. તેને કોઈ પણ જાતનો રસ્તો ના દેખાયો અને દરેક જગ્યાએ કોઈને કોઈ વાત આડી આવી ગઈ. તેના વિશ્વાસમાં કોઈને સાબિતી ના મળી અને તે મદદહીન બની. તેની ઓફિસની વાત જ એટલી ખાસ હતી કે તેમાં થોડું પણ નામ આમ તેમ થાય તો તેની વાત આખા શહેરમાં ફેલાય જાય અને ટોપ પર રહેલી ટાઈમ્સ માર્કેટિંગ સીધી નીચે આવે. આ પણ એક કારણ હતું કે ઓફિસના કોઈ પણ સ્ટાફ સાથે વાત કરતા પહેલા તેને વિચાર કરવો પડતો હતો.