Agnisanskar - 35 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 35

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 35



પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સંજીવે કહ્યું. " સર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ચંદ્રશેખરને ટ્રેક્ટરથી બાંધ્યા પહેલા સામાન્ય એવી બેહોશીની દવા સુંઘાડવામાં આવી હતી..."

" પહેલા ચંદ્રશેખરને બેહોશ કર્યો, પછી ટ્રેકટરની પાછળ દોરીથી બાંધ્યો અને પછી આખા ખેતરમાં ક્રૂરતાથી ખેંચવામાં આવ્યો.." વિજયે કહ્યું.

" સર, મેં ચંદ્રશેખર વિશે થોડી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે ગામની અડધી જમીન તો માત્ર એના નામે જ છે! કેટલીય જમીન તેમણે બળપૂર્વક લોકો પાસેથી છીનવીને પોતાના નામે કરી છે...અને જે કોઈ વ્યક્તિ એના ખેતરે કામ કરવા આવતા એની મજૂરી પણ ચંદ્રશેખર પૂરી આપતો ન હતો.. હિ વોઝ નોટ અ ગુડ મેન..." આરોહી એ કહ્યું.

" ચંદ્રશેખર નું ખૂન માત્રને માત્ર પોતાનો બદલો પૂરો કરવા માટે જ કર્યું છે...." આર્યને કહ્યું.

" તો પછી એમણે હરપ્રીત, અમરજીત અને નાનુ અંકલનું ખૂન શા માટે કર્યું?" સંજીવે કહ્યું.

વિજય કઈક વિચાર કરતા બોલ્યો. " આરોહી, ચંદ્રશેખર કેટલા વીઘા જમીનનો માલિક છે?"

" સર, પચાસ વીઘા..." આરોહી એ ઉત્તર આપ્યો.

" અને જે ખેતરમાં એમને ટ્રેકટર વડે ફેરવવા આવ્યો એ જમીન પહેલા કોના નામે હતી?"

" એ જમીન તો કોઈ જિતેન્દ્રના નામે હતી..."

" અને જીતેન્દ્ર કોણ છે??"

" એ એનો નાનો ભાઈ છે! જેણે વર્ષો પહેલા આત્મહત્યા કરી હતી.."

" એક્ઝેટલી! તો હોઈ શકે કોઈ જીતેન્દ્રનો બદલો જ લઈ રહ્યો હોય..."

ત્યાં જ પ્રિશા આવી અને બોલી. " સર, હેન્ડરાઇટિંગ મેચ થઈ ગઈ!"

" મતલબ અપરાધી આપણને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો છે..."

" યસ સર..."

" જીતેન્દ્રના પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ છે જે બદલો લઈ શકવાની તાકાત ધરાવે છે.."

" તમે અંશની વાત કરો છો?" પ્રિશા એ કહ્યું.

" હા પ્રિશા..."

" પણ દશેરાની રાતે તો એ મેદાનમાં જ હતો, મારી નજર એના પર જ હતી.." પ્રિશા એ કહ્યું.

" અંશ વિચિત્ર છોકરો છે તે જ કહ્યું હતું ને અને અંશ જેવી બુદ્ધિશાળી છોકરો આ ગામમાં તો શું આસપાસના એકપણ ગામમાં નથી...."

" તો આગળનો શું પ્લાન છે?" સંજીવે કહ્યું.

વિજયે બે ઘડી વિચાર કર્યો અને પછી કહ્યું. " ચલ સંજીવ મારી સાથે..."

" ક્યાં સર..."

" તું ચલ ને....અને પ્રિશા તું એક કામ કર...હવે કરીનાને લોકઅપમાંથી છોડી દે..."

" રીયલી!!.."

" વધારે ચોંકવાની જરૂર નથી...હું કહું છું બસ એ કર..." વિજયે કહ્યું.

કરીનાને લોક અપમાંથી અચાનક છોડી દેવામાં આવી. કરીના ખુશ થતી પોતાના ઘરે જતી રહી અને અહીંયા વિજય સંજીવ સાથે સ્કૂલ તરફ નીકળી ગયો.

સ્કૂલેથી વિપુલને સાથે લઈને તેઓ અંશના ઘરે પહોંચ્યા.

" સાહેબ તમે અહીંયા...આવો બેસો...અરે અંશ દીકરા સાહેબ માટે પાણી લેતો આવજે...." લક્ષ્મી એ કહ્યું.

અંશે પાણીનો ગ્લાસ લઈને વિજય સરને આપ્યું. પાણી પીયને વિજયે કહ્યું. " માજી તમને અહીંયા હું એક ખુશ ખબરી આપવા આપવા આવ્યો છું..."

" ખુશ ખબરી?" લક્ષ્મી એ પૂછ્યું.

" આ સ્કૂલના સાહેબ છે...જે અંશને ભણાવે છે..."

" નમસ્તે માજી , મારું નામ વિપુલ છે અને અમારી શાળા એ નક્કી કર્યું છે કે દરેક હોશિયાર બાળકોને ગામની નજદીક રહેલી સરકારી મિલકતો વિશે જાણકારી આપવામાં આવે. , મોટા મોટા અફસરો સાથે મુલાકાત કરાવામાં આવે કે જેથી બાળકોમાં ઉત્સાહ વધે અને આગળ ભણવા માટે એમને પ્રેરણા પણ મળે...એટલે અમે તમારા છોકરા અંશને થોડાક દિવસ માટે અમારી સાથે લઈ જવા માટે મંજૂરી લેવા આવ્યા છીએ.." વિપુલે કહ્યું.

" હા હા મારો અંશ જરૂર આવશે...મોટા અફસરો સાથે મળવાનો મોકો મળતો હોય તો થોડી જવા દેવાય..." લક્ષ્મી એ હરખાતાં કહ્યું.

" એકદમ સાચું કહ્યું આપે...તો અંશ બેટા બે જોડી કપડાં પેક કરી લે આપણે સાથે જ નીકળી જઈએ..." વિજય બોલ્યો.

" અત્યારે જ અંશને આવવું પડશે?" લક્ષ્મી એ સવાલ કર્યો.

" હવે સારા કામમાં મોડું શું કરવું હે ને મા જી...જેટલી જલ્દી જશું એટલો વહેલો તમારો દીકરો તમારી પાસે આવશે ને..."

" ઠીક છે, અંશ હું બે જોડી કપડાં પેક કરી દવ છું..તારે બીજું કંઈ સાથે લેવું હોય એ લઈ લેજે...."

" પણ મમ્મી..." અંશે નારાજ થતાં કહ્યું.

" હું તારી એક પણ વાત સાંભળવાની નથી...ચલ મને જવા દે..." લક્ષ્મી કપડાં લેવા બીજા રૂમમાં જતી રહી અને અંશ પરેશાન થતો ઊભો રહ્યો.

ક્રમશઃ