ઘરમાં લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે અને તૈય્યારી પૂર જોશમાં ચાલી રહી છે. સૌને અલગ અલગ કામ સોંપી દેવાયું અને સૌ પોત-પોતાના કામમાં માંડી વળ્યાં. સવાર સવારમાં અહમ કાર્ડવાળાને લઈને આવ્યો. બંને ચા પિતા પિતા એક પછી એક કાર્ડ જોઈ રહ્યા હતા. એમાંથી એક ગુલાબી રંગનું કાર્ડ ઊંચકી અહમ કહેવા લાગ્યો, "સર, આ જુઓતો. સરસ લાગે છેને!"
"ના. રહેવા દે. કોઈ એક સારું કાર્ડ પસંદ કર. એવું કે જેને બહારથી જોતા જ લોકોને ખબર પડે કે અવનીના લગ્નનું કાર્ડ છે." તેઓએ ઘણા કાર્ડ જોયા, છતાં એમાંથી એક પણ પસંદ ના થયું. કાર્ડવાળો તેને કહેવા લાગ્યો, "સર! આ અમારા સ્પેશ્યલ કાર્ડ છે. ફક્ત વી.આઈ.પી. લોકો જ પસંદ કરે છે. આપ આ જુઓ." તેણે ફોનમાં ફોટા ખોલી ફોન તેના હાથમાં આપ્યો. તો અહમ બોલ્યો, "તો અત્યાર સુધી ક્યાં હતા? તમને ના સમજાયું કે આ રાકેશ સર છે. પહેલેથી જ આ ફોટા બતાવાય ને!"
"સોરી સર." કાર્ડવાળો બોલ્યો.
"અહમ" રાકેશે અહમનું નામ લીધું તો તે પણ બોલ્યો, "અ.. સોરી સર."
ફોટામાંથી એક ઉત્તમ કાર્ડ શોધી તેણે ફોન અહમને બતાવતા કહ્યું, "આ સરસ છે, કેમ?"
"હા, છે તો સરસ. જોવામાં પણ યુનિક લાગશે. આ ફાઇનલ છેને?"
"હા" રાકેશની હા કહેતા અહમે ફોન કાર્ડવાળાને પરત આપ્યો અને કહ્યું, "આ કાર્ડ ફાઈનલ છે. કઈ રીતે પ્રિન્ટ કરવાનું છે તે અને મહેમાનોનું લિસ્ટ તમને મળી જશે. કોઈ પણ વ્યક્તિનું નામ પ્રિન્ટીંગમાં બાકી ના રહેવું જોઈએ."
"ઠીક છે સર. અમારા તરફથી પૂરો પ્રયત્ન થશે કે અમે વર્લ્ડનું બેસ્ટ કામ કરીને આપીયે. તો હું નીકળું સર."
"હા ઠીક છે. જાઓ" અહમ બોલ્યો.
અવની ફોન પર વાત કરતા બહાર આવી તેઓથી થોડે દૂર પડેલા સોફા પર બેસી ગઈ. ચાનો કપ નીચે મૂકી, સિગારેટ કાઢી મોમાં મૂકી, સળગાવીને અહમને પૂછ્યું, "બીજી બધી તૈય્યારી કેમ ચાલે છે?"
"બાકી પણ બધું બરાબર ચાલે છે. તમે કોઈ વાતનું ટેંશન નઈ લ્યો."
"ટેંશન આમેય મારે નથી લેવાનું, જો કોઈ કામ બરાબર નથી થયું તો ટેંશન તમારે બધાએ લેવાનું છે."
"શું સર તમે પણ, સવાર સવારમાં ડરાવો છો..." તેની નજર સામેથી બે-ત્રણ લોકો સાથે આવતા નિરવ પર પડી, "...મોટાભાઈ!" અહમે રાકેશને અચાનક કહ્યું તો તેના હાથમાં રહેલી સિગારેટ બાજુમાં રહેલા ફુલદાનીમાં જતી રહી અને મોઢું સાફ કરવા લાગ્યો. અવની આ તમામ દ્રશ્ય જોતી હતી અને ફોન પર કાર્તિકને જણાવતી હતી.
નિરવ ઘરમાં અંદર આવ્યો અને કહેવા લાગ્યો, "રાકેશ, આ લોકોને ઇવેન્ટ મેનેજરે મોકલ્યા છે. તે ઘર જોવા માટે આવ્યા છે જેથી સજાવટ કઈ રીતે કરવી તેનો નિર્ણંય લઈ શકે."
"હેલ્લો સર. ગુડ મોર્નિંગ."
"ગુડ મોર્નિંગ. આવો હું તમને બધું બતાવું છું." કહેતા તે તેને બહાર ગાર્ડનમાં લઈ ગયો.
"આ જુઓ, લગનની તમામ વિધિ અહીં ઘરમાં જ થશે. ફંકશનનો કોઈ પાર્ટ કે ઈવેન્ટ બહાર નથી. માટે કોઈ કસર નથી છોડવાની."
"ઠીક છે સર. તો અમે તમામ ઘરને સજાવવાનો પ્લાન કરિયેને?" તેમાંથી એક બોલ્યો.
"અરે હા. ઘરના એક એક ખૂણાને સજાવી દેવાના છે. આ ગાર્ડનની ચારેય બાજુ જોઈ લ્યો અને પછી અંદર પણ આખું ઘર જોઈ લ્યો."
"ઠીક છે સર."
એટલામાં અહમે તેના હાથમાં ફોન આપતા કહ્યું, "સર, જ્વેલર્સવાળા નો ફોન છે."
રાકેશે ફોન હાથમાં લેતા તેઓને કહ્યું, "તમે લોકો જુઓ, હું બીજા કામથી જાઉં છું." તો તેઓને સાથે લઈ જતા નિરવ બોલ્યો, "આવો, હું તમને બધું સમજાવી દઉં."
ઘરમાં અંદર આવી તેણે અવનીને કહ્યું, "અવની! તૈય્યાર થઈ જજે, આપણે જ્વેલરી અને કપડાં સિલેક્ટ કરવા જવાનું છે. કાર્તિકને પણ ફોન કરી દેજે, આપણે સાથે જઈશું તો એક-બીજાની પસંદ પ્રમાણે સિલેક્ટ કરી શકીશું."
"હા ભાઈ, હું એને જણાવી દઉં છું."
"તો સર હું પણ જાઉં? તમે લગ્નની ખરીદીમાં હશો તો ઓફિસ મારે સાંભળવી પડશેને!" રાકેશના અનુમતિ આપતા ઈશારા સાથે એ રવાના થયો. કહ્યા પ્રમાણે કાર્તિક પોતાની મમ્મી વર્ષાને લઈને ત્યાં આવી ગયો અને રાકેશ અને અવની સાથે તેઓ નીકળી પડ્યા. કહેવામાં તો બધું બરોબર લાગતું હતું પણ અવનીની ત્રાંસી નજર સદા પોતાના ભાઈ તરફ રહેતી હતી. જ્યારથી અવનીના લગ્ન કાર્તિક સાથે નક્કી કરવામાં આવ્યા ત્યારથી અવનીના મનમાં ડર બેઠેલો હતો જેને તે કોઈ સામે પ્રગટ કરી શકે તેમ ન હતી.
જ્વેલરીના શો-રૂમમાં પહોંચી તેઓ અંદર ગયા તો રાકેશે બહાર ગાડીમાં બેઠા બેઠા કહ્યું, "તમે લોકો જાઓ, હું જરા એક ફોન કરીને આવું છું."
"ઠીક છે. ચાલો આપણે જઈએ" કહેતા કાર્તિક વર્ષા અને અવનીને લઈને નીકળી ગયો. પણ અવનીના મનમાં એક વણકહ્યો વ્હેમ જન્મ્યો. શો-રૂમના દરવાજે પહોંચી અવનીએ પાછળ જોયું તો તેનો રાકેશભાઈ તેની સામે જોઈને હસતો હતો. તે હસીને અંદર ચાલી ગઈ. પણ અંદર ગયા પછી એને શું સુજ્યું કે તે પાછી આવી અને જોયું તો રાકેશ ગાડીમાં બેસીને સિગારેટ પીતો હતો. તે એને કશું કહ્યા વિના અંદર પરત જતી રહી.
"ક્યાં ગઈતી અવની?" કાર્તિકે પૂછ્યું.
"ના, બસ એમજ."
"અચ્છા, જો મમ્મીએ તારા માટે એક નેકલેસ પસંદ કર્યું છે." કહેતા તે તેને અંદર લઈ ગયો. તેઓએ જે કંઈ લેવાનું હતું એ બધીજ ખરીદી કરી લીધી. અવની રાકેશની બહેન, એટલે એ જ્વેલર્સવાળાએ થનારા દંપતિ પર ખાસ ધ્યાન આપેલું. અવનીનું મન બહાર ગાડીમાં બેઠેલા ભાઈ પાસે હતું. તેને બેચેન જોઈ શો-રૂમના મેનેજરે તેની ઘણી મહેમાન નવાજી કરી. પણ અવનીને કોઈ રસ ના જાગ્યો. બધી ખરીદી થઈ ગયા છતાં ભાઈ હજુ અંદર ના આવ્યો! એવા આશ્વર્ય સાથે અવની ઉભી થઈ કે સામે રાકેશ ઉભેલો.
"ખરીદી થઈ ગઈ?" તેણે પૂછ્યું.
"હા."
"તમારે માટે કશું લેવાનું છે?" વર્ષાએ રાકેશને પૂછ્યું.
"ના, મારે શું લેવાનું હોય? લગન તો મારી બહેનના છે." કહી હસીને મેનેજર પાસે ગયો, "લાવો ભૈ! બીલ આપો." તેની આ હરકત જોઈ વર્ષા કહેવા લાગી, "સાચે જ, રાકેશ બહુ ઉદાર મનનો છે હો."
અહીંનુ દરેક કામ પતાવી તેઓ કપડાં માટે અલગ અલગ મોલ અને દુકાનોમાં ગયા. એકબીજાની પસંદ કે નાપસંદ પૂછીને અવની અને કાર્તિક એક પછી એક વસ્તુ લેતા ગયા. એક ડ્રેસ જોઈ અવની તેને ઘુરવા લાગી. કાર્તિકે કહ્યું, "અવની! એ ડ્રેસ સામે આમ શું જુએ છે?"
"કાર્તિક આ ડ્રેસનો કલર બ્રાઉન છે."
"તો?"
"ભાઈનો ફેવરિટ કલર છે, એક ડ્રેસ એની પસંદનો લઈ લઉં?"
"એમાં પૂછવાનું હોય? ઓફકર્સ"
"એને નહિ ગમે તો?"
"તો તું એક કામ કર. આ ડ્રેસ પહેરીને જ એને બતાવ. એ ખુશ થઈ જશે."
અવનીએ એ તરકીબ આજમાવવાનો નિર્ણય કર્યો. તે ડ્રેસ પહેરી બહાર પોતાના ભાઈને બતાવવા આવી તો જોયું કે વર્ષા એકલી બેઠી છે. કાર્તિકે પૂછ્યું, "મમ્મી, રાકેશભાઈ ક્યાં છે?"
"તે કપડાં જોતો જોતો આ બાજુ ગયો." તેના હાથના ઇશારાને અનુસરતી અવની આગળ વધી. સરપ્રાઈઝ આપવા માટે તે ચુપચાપ આગળ વધતી હતી. એક હેન્ગરની પાછળથી હળવેથી તેણે ડોકિયું કર્યું તો જોયું કે ભાઈ કપડાં જોવાને બદલે પોતાની પાસે સંતાડીને રાખેલી નાની બોટલમાંથી શરાબની ઘૂંટ ભરી રહ્યો છે. તેનું મન ભાંગી ગયું અને આંખોમાં પાણી આવી ગયું. એ ત્યાંથી જ પાછી જતી રહી.
"શું થયું?" કાર્તિકે પૂછ્યું.
"સરસ છે. ગમ્યો ભાઈને." અવનીએ આમજ જવાબ આપી દીધો.
"હવે શું શું લેવાનું છે?" વર્ષાએ પૂછ્યું.
"બસ જે શુકન કરવા માટે લેવાનું હોય તે લઈએ. ભાઈએ કહ્યું છે કે લગન માટેના કપડાં અને બાકી રહેતી વસ્તુઓ માટે તે ઘરે જ વ્યવસ્થા કરશે."
"એટલે?" વર્ષાએ પૂછ્યું.
કાર્તિકે કહ્યું, "એટલે મમ્મી, જે રીત રિવાજ કરવા લેવાનું હોય એ લઈલે એમ. બાકી અમારા લગ્ન માટે પહેરવાના કપડાં અને સાજ-શણગાર, એ માટે દુકાનવાળા આપણે ઘરે આવી જશે."
વર્ષા બોલી; "હા ઠીક, લેવામાં તો સાસરા પક્ષ તરફથી મંગળસૂત્ર અને પાનેતરની ચૂંદડી, એ બંને લેવાઈ ગયા છે."
"તો ચાલો ઘરે જઈએ?" કાર્તિકે કહ્યું.
"કાર્તિક,..." અવની એને રોકતા બોલી.
"હા અવની બોલ."
"કાર્તિક, શું આજે સાંજે તું મારા ઘેર આવીશ? એક અગત્યની વાત કરવી છે."
"શેના વિશે વાત કરવી છે અવની?"
"એ હું સાંજે જણાવીશ. તું આવીશને?"
"અરે આવશે બેટા, હું મોકલીશ." વર્ષા કહેવા લાગી.
"પણ મમ્મી?!"
"બસ. પણ બણ કાંઈ નય. એને કામ હશે, તારી થનાર પત્ની છે. સવાલ જવાબ શું કામ કરે છે? તું ચિંતા નય કર."
"થેન્કયુ મમ્મી." અવનીએ વર્ષાને કહ્યું. આ સાંભળી તેણે અવનીના ગાલ પર હાથ ફેરવતા કહ્યું, "અમે સાચે મોટી ભૂલ કરેત જો તને ના પડી હોત તો. તારા મોઢેથી મમ્મી સાંભળીને બહુ આનંદ થયો." તે અવની સામે જોઈ હસીને કહેવા લાગી તો અવનીને પણ કાર્તિકનો પરિવાર પોતાનો લાગવા લાગ્યો. આજે એને એ વાતનો આનંદ થયો કે કાર્તિકના પરિવાર તરફ પોતાનું મંગલ પ્રયાણ થયું. આ ક્ષણ એ વાતની પણ સાક્ષી હતી કે અઢળક મત-ભેદ અને વર્ષોના તકરાર વચ્ચે રાકેશ અને રાધિકાના પરિવાર કાર્તિક અને અવનીના પરિણયથી એકબીજાના સંબંધી બની વિરોધી નીતિને મિલનના મંગલ તરફ પ્રયાણ કરી રહ્યા હતા.