Eternal Traditions… Tilak in Gujarati Spiritual Stories by Rajesh Kariya books and stories PDF | સનાતન પરંપરાઓ… તિલક

Featured Books
Categories
Share

સનાતન પરંપરાઓ… તિલક

સનાતન પરંપરાઓ… “તિલકનું મહત્વ”

—————————————-

कस्तूरी तिलकं ललाट पटले वक्ष: स्थले कौस्तुभं।
नासाग्रे वरमौक्तिकं करतले वेणु: करे कंकणं॥


ललाटे केशवं ध्यायेन्नारायणमथोदरे । वक्षःस्थले माधवं तु गोविन्दं कण्ठकूपके ।। विष्णुं च दक्षिणे कुक्षौ बाहु च मधुसूदनम्


ત્રીજી આંખ અથવા મનની આંખોનું પ્રતીક છે તિલક, જે ઘણા હિન્દુ દેવો અને ધ્યાન તથા આધ્યાત્મિક પ્રબુદ્ધતાના વિચાર સાથે સંકળાયેલું છે ભૂતકાળમાં સામાન્ય રીતે તિલક માત્ર દેવો, પુરોહિતો, તપસ્વીઓ અથવા ઉપાસકો કરતા હતા, પણ હવેના સમયમાં મોટા ભાગના હિન્દુઓ માટે આ સામાન્ય પ્રથા છે. તિલક કરતી વેળાએ અને કર્યા પછી એનો વિશેષ પ્રભાવ રહે છે અને કપાળે તિલક કરીએ ત્યારે એની શરૂઆત જ્ઞાનેન્દ્રિયના જાગૃત થવાથી થાય છે.

હિન્દુ ધર્મમાં તિલક અથવા તિલકા કે ટીકો કપાળ પર અને શરીરના અન્ય ભાગો પર કરવામાં આવે છે. વિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. માન્યતા માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. આથી આ પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવે છે કેમ કે પહેલાં સાઘ્ય એટલે ઈશ્વર-પૂજન અને ત્યાર પછી સાધન એટલે બુદ્ધિનું પૂજન. એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં, પૂજન-અર્ચનમાં મસ્તક પર તિલક અથવા ટીલું કરવામાં આવે છે. બહેન દ્વારા ભાઈના કપાળે તિલક કરવામાં આવે છે. એનું વિશેષ મહત્ત્વ છે. ભાઈને આ તિલક ‘ત્રિલોચન’ બનાવે છે અને ત્રીજી આંખમાં કામ-દહનની શકિત છે. જગતની સ્ત્રીજાતિ તરફ કામ-દૃષ્ટિથી ન જોતાં ભાવદૃષ્ટિથી, બહેનની ભાવનાથી જોવાનું હૃદયંગમ સૂચન તિલકમાં સમાયેલું છે.

તિલક સૌભાગ્યનું પ્રતીક પણ છે. વિવાહ ઉપરાંત સ્ત્રી પોતાનું જીવન પતિને સમર્પિત કરે છે એટલા માટે તે પતિના નામનું તિલક (બિંદી) કરે છે. જયારે પતિનું અવસાન થાય છે ત્યારે તિલક દૂર કરવામાં આવે છે.તિલક એક નિશાની છે, જે કપાળની ઉપર પાઉડરના નિશાન અથવા લૂગદી વડે બનાવવામાં આવે છે. પ્રસંગોપાત્ત તેને કપાળના મોટા ભાગમાં ઊભું અને આડું વિસ્તારિત કરવામાં આવે છે અને તે ઘણી વખત નાકને પણ આવરી લઈ શકે છે. વૈષ્ણવો અથવા ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો, મુખ્યત્વે ભગવાન કૃષ્ણના અનુયાયીઓ, જે તિલક કરે છે તે તરત નજરે પડતું અને વિસ્તૃત રૂપે જોવા મળે છે. આ તિલક વાળની નીચેથી એક લાંબી રેખા શરૂ થઈને છેક નાકની શરૂઆત સુધી ખેંચવામાં આવે છે. તે મધ્યમાં અંતઃખંડિત કરીને Uમાં વિસ્તારવામાં આવે છે. મંદિરો પર પણ તેની બે નિશાનીઓ આંકેલી હોઈ શકે છે. આ તિલક પરંપરાગત રીતે સુખડના લાકડાની લૂગદીમાંથી કરવામાં આવે છે, સુખડના લાકડાની શુદ્ધતા અને ઠંડકની પ્રકૃતિ માટે હિન્દુ ગ્રંથોમાં તેની સ્તુતિ કરવામાં આવી છે.

અન્ય તિલકની મુખ્ય ભિન્નતા, મોટા ભાગે ભગવાન શિવના અને દેવી શક્તિનાં વિવિધ સ્વરૂપોના અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે તે છે. આ તિલકમાં કપાળમાં ત્રણ આડી રેખાઓ અને મધ્યમાં એક ઊભી રેખા અથવા વર્તુળ જોવા મળે છે. પરંપરાગત રીતે ભગવાન શિવ અને દેવી શક્તિને રીઝવવા માટે કરવામાં આવતા યજ્ઞોમાં વાપરવામાં આવતા લાકડાની ભસ્મ અથવા રાખમાંથી આ તિલક કરવામાં આવે છે. તિલકની બે મુખ્ય ભિન્નતાઓમાંથી આ અન્ય કરતાં વધુ પ્રાચીન છે અને સમગ્ર દુનિયામાં ધારણ કરવામાં આવતાં ચિહ્નોમાંથી તેમાં ઘણી બાબતો મળતી આવે છે. દેવી શક્તિના ઘણા પૂજકો કપાળની ઉપર કંકુથી ચતુર્ભુજ જેવું નિશાન કરશે, ખાસ કરીને દક્ષિણ ભારતીયો અથવા દક્ષિણ ભારતીયોના વંશજો.

હવેના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં સાથે અનુરૂપ લાગતી નથી, પણ ઘણી મહિલાઓ બિંદી કરે છે. મોટા ભાગે તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન બાદ કરવામાં આવે છે.

પહેલા જ્યારે જ્ઞાતિ આધારિત ઓળખ વ્યવસ્થા પ્રબળ હતી તે વખતે લોકો અલગ અલગ પ્રકારના તિલક કરતાં જેથી દૂર થી ઓળખાઈ જતા., જેમકે

બ્રાહ્મણ તિલક – ઊર્ધ્વપુંડ્ર

કપાળની ઉપર બે લંબરૂપ રેખાઓ બનાવવી (હવેના સમયમાં તે મોટા ભાગે U આકારનું તિલક બની ગયું છે), U આકારનો તિલક.

ક્ષત્રિય તિલક- ત્રિપુંડ્ર

કપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની - ત્રણ કમાનો.

વૈશ્ય તિલક – અર્ધચંદ્ર

અર્ધ વર્તુળ સાથે મધ્યમાં બિંદી અથવા ગોળાકાર નિશાન.

શૂદ્ર તિલક – પર્તાલ

કપાળની ઉપર મોટું વર્તુળાકાર નિશાન કરે પરંતુ હવે જ્યારે મહદ્ અંશે આ ભેદભાવો મટ્યા છે ત્યારે જેને જે યોગ્ય લાગે તે મુજબ અને પંથ કે સંપ્રદાય આધારે બતાવવામાં આવેલ તિલક કરે છે… જેમ કે કોઈપણ વર્ણ નો વ્યક્તિ સ્વામીનારાયણ હોય તો તે સૌ એક જ પ્રકારનું તિલક કરે છે.. આ એક સારો પ્રયાસ થયો કે જેમા વર્ણભેદ હવે રહેતો નથી અને એ રીતે સમરસતા બધે જ પ્રસરે એ જ સનાતન ધર્મ માટે અને સૌ માટે હિતકારી છે.. સામાજિક સમરસતા એ આજના અને આવતીકાલનાં યુગની સૌથી મોટી જરૂરિયાત છે, જે સૌ કોઈના હિત માં પણ છે.

વિવિધ હિન્દુ પરંપરાઓ તિલક કરવા માટે વિવિધ વસ્તુઓ અને આકારોનો ઉપયોગ કરે છે.

  • શૈવો લાક્ષણિકપણે સમગ્ર કપાળ પર ત્રણ આડી રેખાઓ ભસ્મથી બનાવે છે. વિભૂતિની સાથે મોટા ભાગે મધ્યમાં કંકુની સાથે સુખડના લાકડાની લૂગદીનું ટપકું કરવામાં આવે છે. (ત્રિપુંડ્ર ).
  • વૈષ્ણવો તિલક માટે પવિત્ર નદી અથવા સ્થળની માટી નો ઉપયોગ કરે છે, જેમાં ઘણી વખત સુખડનું લાકડું ભેળવવામાં આવે છે. તેઓ બે લંબરૂપ રેખાના આકારમાં લૂગદી લગાવે છે, જે નીચેના ભાગમાં એકબીજા સાથે જોડાઈ શકે છે, તેનાથી કાં તો U આકાર બનાવે છે અથવા તુલસી પાદડાનો એક વધારાનો આકાર બનાવે છે. તેમનું તિલક ઊર્ધ્વપુન્ડ્ર તિલક કહેવાય છે.
  • ગણપત્ય લાલ સુખડની લૂગદીનો ઉપયોગ કરે છે (રક્ત ચંદન).
  • શાક્તો કંકુ અથવા લાલ હળદરના પાઉડરનો ઉપયોગ કરે છે. તેઓ એક લંબરૂપ રેખા અથવા બિંદુનો ઉપયોગ કરે છે. તેઓ એક ઊભી રેખા અથવા બિંદુ દોરે છે.
  • સન્માનદર્શક તિલકો (રાજ તિલક અને વીર તિલક): સામાન્ય રીતે તેમાં એક લંબરૂપ લાલ રેખા કરવામાં આવે છે. રાજ તિલકનો ઉપયોગ જ્યારે રાજાને ગાદી પર બેસાડવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિને આમંત્રણ આપવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે. યુદ્ધ અથવા રમત બાદ વિજેતાઓ અથવા નેતાઓને અભિકૃત કરવા માટે વીર તિલકનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સ્વામિનારાયણ તિલક: તે કપાળની મધ્યમાં U- આકારનું તિલક હોય છે. U આકારની મધ્યમાં લાલ રંગની બિંદી હોય છે.

તિલકના ઓગણીસ પ્રકારો છે એવુ કહેવાય છે જેમાં ત્રણ મુખ્યત્વે ઓળખાતા પૈકી

વિજયશ્રી- સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્ર સાથે મધ્યમાં સફેદ રેખા. જયપુરના સ્વામી બાલઆનંદે આ તિલકની શોધ કરી હતી.

બેન્દી તિલક- સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્ર ની સાથે મધ્યમાં એક ગોળ નિશાન, જેની શોધ બડાસ્થાન અયોધ્યાના સ્વામી રામપ્રસાદ આચાર્ય દ્વારા કરવામાં આવી હતી.

ચતુર્ભુજી તિલક- સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્રની સાથે ઉપરનો ભાગ વિરુદ્ધ દિશામાં ૯૦ અંશના ખૂણે આવેલો હોય છે. તેની મધ્યમાં શ્રી હોતું નથી. તેની શોધ બિહારના નારાયણદાસજી દ્વારા કરવામાં આવી હતી. સ્વર્ગ દ્વાર અયોધ્યાના તપસ્વીઓ તેનું અનુસરણ કરે છે.

અન્ય તિલકો પણ છે, જેમાં ૧૨ જેટલા શ્રી તિલકોનો સમાવેશ થાય છે.રામચંદ્રદાસ તિલક,શ્રીજીવરમનું તિલક,

શ્રી જનકરાજ કિશોરી શરણ અલીજીનું તિલક,શ્રી રૂપકલાજીનું તિલક,રૂપસારસજીનું તિલક

રામસાખીજીનું તિલક,કામનેન્દુ મણિનું તિલક,કરુણસિંધુજીનું તિલક,સ્વામિનારાયણ તિલક,નિમ્બાર્કનું તિલક,માધવનું તિલક નો સમાવેશ થાય છે.

આપણે ત્યાં અલગ અલગ આંગળીથી તિલક કરવાની પરંપરા છે, જેમકે અનામિકા આંગળીથી તિલક કરવાથી મનની શાંતિ મળે છે. મધ્યમાં આંગળીથી તિલક કરવાથી આયુષ્ય વધે છે. તો અંગુઠાથી તિલક કરવું પુષ્ટિ દાયક કહેવાય છે અને તર્જની આંગળીથી તિલક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થવાની માન્યતા છે. દેવ કાર્યમાં અનામિકા, પિતૃ કાર્યમાં મધ્યમાં, ઋષિકાર્યમાં કનિષ્ઠિકા અને તાંત્રિક કાર્યમાં પ્રથમ આંગળીથી તિલક કરવામાં આવે છે.

તિલક માટે અલગ અલગ પદાર્થો વપરાય છે જેમાં, ચંદનનું તિલક મનને શાંતિ આપે છે. એવી જ રીતે કેસર-ચંદનનું તિલક વિચક્ષણ બુદ્ધિ અને હળદરનું તિલક સ્વાસ્થ્ય સારુ રાખે છે. તો ભસ્મનું તિલક નિર્મોહીપણું અને કંકુનું તિલક આત્મબળ આપે છે. હળદર-કંકુનું તિલક ગૌરવ આપે છે. જ્યારે સિંદૂરનું તિલક શક્તિ આપે છે. કંકુ ચંદનનું તિલક આત્મ વિશ્વાસ આપે છે.


-લેખન અને સંકલનઃ રાજેશ કારિયા