પ્રેમ સમાધિ
પ્રકરણ-52
કલરવ ટેબલ પર આવીને ગોઠવાયો. કાવ્યાએ કહ્યું “કલરવ હવે શાંતિથી જમી લે, મને ખબર છે એવી કહેવત છે કે પિયરનાં ગામનું કૂતરું પણ મળેને તો એય પોતીકું લાગે આ બધી સંબંધોની ભીનાશ મને ઘણીવાર નથી સમજાતી...”.
સુમન પાંઉભાજી ખાવામાંજ પડેલો એણે બીજી બે ત્રણ વાર ઝાપટી લીધી. કલરવે પણ ધરાઇને ખાધી કાવ્યાએ કહ્યું “આ તીખા પર કંઇક ગળ્યું ઠડું થઇ જાય આપણે આઇસ્ક્રીમ ખાઇને આવીએ. “
ભાઉએ સાંભળતાંજ કહ્યું “કાવ્યા બેટા બહાર નથી જવાનું રાત્રીના 9 વાગી ગયાં છે તારાં પાપા અહીં ઘરે આવી જાય પછી એમની પરમીશનથી તમારે જ્યાં જવું હોય જઇ શકો છો. તમારે આઇસ્ક્રીમ ખાવો છે ને બોલો ક્યો ખાવો છે ? હમણાં મંગાવી આપું છું...” એમણે છોકરાઓ જવાબ આપે પહેલાં ભુપતને બૂમ પાડી.
કલરવે કહ્યું “જે મંગાવવો હોય એ મને તો આઇસ્ક્રીમ નામેય ભાવે.” સુમને કહ્યું “ મારે તો ચોકલેટ...” કાવ્યાએ કહ્યું “મારે ચોકલેટ ઓરેંજ કોમ્બીનેશન અને કલરવ તારે ?” કલરવે કહ્યું “મને કોઇપણ ચાલે.... પણ જો કોફી આઇસ્ક્રીમ કે કોફી બદામ જે મળે એ ચાલશે.”
કાવ્યાએ કહ્યું “કોફી ? વાહ કંઇક જુદીજ ફલેવર... કોફી મને ભાવે... પણ ચોકલેટ બહુ ભાવે.” કલરવે કહ્યું “કોફી ચોકલેટ જોડે ખાઇ જોજો ખૂબ મજા આવશે” ત્યાં ભૂપતે સાંભળી લીધું બોલ્યો “હું ચોકલેટ, ચોકલેટ ઓંરેજ કોફી - કોફી બદામ જે મળે બધાં લઇ આવું છું.” પછી ભાઉને પૂછ્યું “ભાઉ તમે ક્યો ખાશો ? એને રેખા તું ?...” એમ કહી રેખા સામે તીચ્છી નજરે જોયું....
રેખાએ કહ્યું “મને તો વેનીલા ચોકલેટ..”. ભાઉએ કહ્યું “મને કશું ના જોઈએ હું મારું કરી લઇશ” એમ કહી હસતાં હસતાં અંદર જતાં રહ્યાં.
ભૂપત નીકળી ગયો. કાવ્યાની નજર રેખા પર પડી એણે રેખાને કહ્યું “તમે અહીં કેટલાં સમયથી કામ પર છો ? તમે તો રસોઇ બનાવતાં નથી તો શું કામ કરો છો ?” રેખાએ થોડાં ખચકાઇને કહ્યું" હું રસોઇનુ ધ્યાન રાખું છું બધાની સંભાળ, કંઇ ખૂટતું વધતું મંગાવવું હોય કોઇ મહેમાન આવે... આમ જોવા જઇએ તો આખું ઘર હુંજ સંભાળું છું... મને અહીં આવે હજી બે મહીના પણ નથી થયાં હું પણ શીપ પર નોકરીએ હતી” એમ બોલી ચૂપ થઇ ગઇ.. ભાઉ અંદરનાં રૂમમાં રહી આલોકોનો બધાં વાર્તાલાપ સાંભળી રહ્યા હતાં. ભાઉ રેખાનું બોલવું સાંભળી વિચારમાં પડી ગયાં હતાં.
ભાઉ વિચારે ચઢી ગયાં કે વિજય શેઠ જેવો સારો માણસ આ બધી જંજાળમાં શા માટે પડતો હશે ? ધંધામાં એ સારું ખોટું બધુ કરે છે ખૂન કરે છે એનાં હરીફોને હંફાવે છે ખૂબ ચાલાક ચતુર છે પણ જ્યાં સ્ત્રીની વાત આવે... કેમ આમ લપસી પડે છે ? એની પોતાની સ્ત્રીતો ગુમાવી ચૂક્યો છે હમણાં થોડાં સમય પહેલાં અગ્નિદાહ... એય નસીબમાં નહોતો... આમેય વરસોથી ક્યાં એને સંબધજ હતાં ? હાં એની છોકરી પાછળ જીવ આપી દે છે... આ માણસને સમજવો અઘરો છે આ રેખા...
ભાઉ વધુ વિચારે ચઢે પહેલાં ભાઉનાં મોબાઇલ પર રીંગ આવી... ભૂપત હતો ભૂપતે કહ્યું “ભાઉ આઇસ્ક્રીમ બીજાં વધારે લાવું છું.. તમે.”. ભાઉએ એને અટકાવીને કહ્યું “એનાં માટે ફોન કર્યો ?”
ભૂપતે કહ્યું “ના ભાઉ અસલી વાત સમજોને.. આ છોકરાઓ આઇસ્ક્રીમ ખાવા ઉપરજ જશે પેલી રેખાડી એનાં રૂમમાં આપણે ગાર્ડનમાં ડ્રીંક પાર્ટી કરીશું.. કાલે તો કદાચ બોસ આવી જાય પછી તો..”. ભાઉએ કહ્યું “ઠીક છે તું આવ બધું લઇને આમાં નવાઇ શું છે ?” એમ કહી ફોન કટ કર્યો.
ભાઉએ રેખાને કહ્યું “દિનેશ મહારાજને કહો ગાર્ડનમાં ટેબલ પર થોડો નાસ્તો -ગ્લાસ સોડા બધુ મૂકી દે પછી સૂવા જાય અમે ત્યાં બેસવાનાં છીએ”. રેખાએ મીઠું મલકતાં કહ્યું... “વાહ તો તો ..”. પછી બોલતી બંધ થઇ ગઇ ભાઉનો ચહેરો જોઇ આગળ બોલવા હિંમતના થઇ.....
થોડીવારમાં ભૂપત આવી ગયો. ભાઉનાં ધાર્યા પ્રમાણેજ થયું... કાવ્યાએ કહ્યું “અમારો આઇસ્ક્રીમ ઉપર આપી જજો અમે ઉપર જઇએ છીએ.”
રેખાએ કહ્યું “હાં તમે લોકો જાવ હું બધું મોકલાવું છું” પછી ભાઉની સામે જોયું... એ બોલી “ભાઉ એમને ફોન જોડી આપોને મારે વાત કરવી છે મને નવો નંબરજ નથી આપ્યો અહીં તો જરૂરના પડે.. પણ આજે મને”.. ભાઉએ કહ્યું “ખાસ કામ વિના ફોન નહીં થાય એમનો આવશેજ ત્યારે વાત કરાવીશ.. તું છોકરાઓને આઇસ્ક્રીમ પહોંચાડ.” એમ કહીએ ગાર્ડનમાં જવા નીકળ્યાં.
રેખા બોલ્યા વિના આઇસ્ક્રીમ મોકલવાની વ્યવસ્થા કરવા લાગી..આઇસ્ક્રીમ બધાં ચાકર જોડે ઉપર મોકલ્યાં પોતાનો લઇને રૂમમાં બેઠી.
ભૂપત અંદરનાં રૂમમાંથી બોટલ લઇને ગાર્ડનમાં ગયો જ્યાં ભાઉ કોઇ સાથે ફોન પર વાત કરતાં હતાં. ભૂપત થોડો અટક્યો.. પણ ભાઉએ એને જેઓ ઇશારાથી આવવા કીધું ભૂપત ટેબલ પર જઇને બેઠો એણે બધી વ્યવસ્થા જોઇ અને ગ્લાસમાં વ્હીસ્કી રેડી પેગ બનાવવા ચાલુ કર્યો... ભાઉની નજર ભૂપત ઉપર પણ ધ્યાન ફોનમાં હતું..
*****************
વિજય બેઠો હતો ત્યાં દોડતો એક હોટલનો માણસ આવ્યો એણે કહ્યું “બોસ પેલો છોકરો અહીં આવેલો એનું શું નામ... આપણાં મેનેજર બાબુભાઇ.. એમણે તમારાં બંગલે મોકલી આપેલો.. એનાં બાપા... જેની શોધ બધાં કરી રહેલાં... એમને મેં અહીં ડુમ્મસમાં જોયેલાં... કદાચ એજ હતાં...”.
વિજય આશ્ચર્ય આધાતથી ઉભો થઇ ગયો એણે કહ્યું “ તું એમને ઓળખે છે ? તે કેવી રીતે જાણ્યું એ કલરવનાં બાપા શંકરનાથ છે ? ક્યારે જોયાં ? ડુમ્મસમાં ક્યાં ? અત્યાર સુધી કોઇને કહ્યું કેમ નહીં ? એમણે શું પૂછ્યું ? પણ તું ઓળખે કેવી રીતે ?”
વિજયની બાજુમાં નારણ દોડી આવ્યો પેલાં વેઇટરને બોલતો આશ્ચર્યથી સાંભળી રહેલાં... પેલાએ કહ્યું “સર બાબુભાઇને હોસ્પીટલ લઇ ગયાં....બીજા દિવસે સવારે લાંબી દાઢીવાળા એક ભાઇ આવેલાં એમણે મને પૂછેલું બાબુ ક્યાં છે ? બાબુએ પેલાં છોકરાને ક્યાં મોકલ્યો છે ? હજી એ પૂછે ક્યાં પાછળથી કોઇ એમને.....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-53