છપ્પર પગી ( પ્રકરણ - ૬૨ )
———————————
‘ સારું… કહો શું ઈચ્છો છો તમે મારી પાસે..?’
લક્ષ્મીએ કહ્યુ, ‘બસ બીજું તો કંઈ જ નહીં પણ તારે હવે આ એનજીઓનું સંચાલન કરવાનું થશે તો તને ગમશે ? હું અને પ્રવિણ બન્ને એક વરસ સ્કૂલ્સ માટે બહુ વ્યસ્ત રહેવાના છીએ… પ્રવિણ તો આમ પણ એનજીઓ માટે સમય નથી આપી શકતો, મારે હરિદ્વાર હોસ્પિટલ માટે પણ વધારે કામ રહેવાનું, તો તું મદદ કરે તો….!’
જિનલે એમને વચ્ચે જ અટકાવીને જવાબ વાળ્યો, ‘દીદી, પ્રવિણ…આ મારું નવજીવન છે, જે મને અહીંથી જ મળ્યુ છે, હવે આ જ મારો પરીવાર છે અને મને ખૂબ આત્મિયતા પણ બંધાઈ છે… બસ મારે મારી માનું ધ્યાન રાખવાનું છે, જે અહીં જ સરસ રીતે રહેશે… તમે બન્ને નચિંત બનીને મને જે આદેશ કરવો હોય તે કરો. મારે તમારા બન્ને પ્રત્યે અને આ એનજીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આથી વિશેષ અવસર અને તક નહીં મળે.’
લક્ષ્મીને જિનલની સાંભળી એક ઉંડા રાહતની લાગણી અનુભવાય છે, એટલે એણે એનજીઓ અંગે જે પણ જરૂરી સૂચનાઓ, કામગીરી અને ભાવિ આયોજનો હતા તે સમજાવી અને જિનલને વિશેષ જવાબદારી સોંપી ઘરે જવા પરત ફરે છે.
એ બન્ને જેવા કારમાં બેસીને જવા નીકળી રહ્યા હતા ત્યારે એનજીઓના કેમ્પસના બગીચામાં ગાર્ડનિંગ કરી રહેલ હીરાકાકીને જૂએ છે એટલે લક્ષ્મી પોતાની કાર રોકીને મળવા જાય છે. પ્રવિણ અને લક્ષ્મી બન્ને એમને વંદન કરે છે તો તરત હીરાકાકી બોલ્યા, ‘બેટા માત્ર ઉંમરથી જ કોઈ મોટા અને સન્માનનિય નથી બની શકતા… પ્રણામ તો મારે તમને કરવા ઘટે’ એમ કહી સામે બે હાથ જોડે છે તો પ્રવિણ એમને રોકી લે છે.
પ્રવિણ અને લક્ષ્મી હીરાકાકી બદલાયેલી સ્પષ્ટ ભાષાની પણ નોંધ લે છે અને અનુભવે છે કે દરરોજ આ એનજીઓ પર આવી જિજ્ઞાસાબેન જે રીતે આ બધાને ભાષા, રહેણીકરણી, વાતચીતની કલા અને સામાન્ય અને આધ્યાત્મિક જ્ઞાન આપી રહ્યા છે તેમની અસર બધા પર સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી.
પ્રવિણે જતાં જતાં કહ્યુ, ‘ કાકી.. આ બધુ જ તમારું છે એમ જ સમજજો… અને કંઈ પણ જરૂરિયાત કે કામકાજ હોય તો વિના સંકોચે જણાવજો… હું તમારો દિકરો જ છું અને તમારો તો સવિશેષ અધિકાર પણ છે.’
હીરાકાકી કંઈ જવાબ નથી વાળતા.. બન્ને આંખમાંથી દડદડ આંસુઓ સરે છે અને એ બન્ને માટે પોતાના હાથ આશિષ આપતા હોય તેમ ફેલાવે છે… એમનાં આ આંસુઓ ભૂતકાળ બાબતે ઘણું કહી જતા હતા અને એ પોતે પણ સમજતા હતા પણ હવે એ અહીં બિલકુલ સલામત અને સુખી છે, એ આશ્વાસન એમના્ માટે પુરતુ હતું.
લક્ષ્મીએ કારમાં બેસીને તરત જિજ્ઞાષાબહેનને ફોન કર્યો..
‘જય શ્રી કૃષ્ણ…પ્રોફેસર બહેન…’
‘અરે લક્ષ્મીબહેન તમે.. જય શ્રી કૃષ્ણ…આજે તો તમારો ફોન સામેથી આવ્યો..!’
‘ અરે હા… કરવો જ પડે તેમ હતો, ખાસ તો તમને અભિનંદન આપવા માટે જ..!’
‘કેમ બહેન… મને શાનાં અભિનંદન..?’
‘તમે જ્યારથી એનજીઓ પર દરરોજ એક કલાક સેવાઓ આપો છો, ત્યારથી મેં જોયું છે કે દરેક જોડાયેલ સભ્યોમાં એક જબરદસ્ત ફેરફાર જણાય છે.. દરેકની એટિકેટ, મેનર, વાતચીત કરવાની પદ્ધતિ, વાતોમાં કોન્ફિડેન્સ વિગરે બાબતે બહુ જ સરસ કામ દેખાય છે. ખાસ તો એક વર્ષમાં અમારાં હીરાકાકીમાં જે ચેંજ આવ્યું છે તે અને જિનલનો કેસ તમે અને સાયકીયાટ્રિસ્ટે જે રીતે હેન્ડલ કર્યો છે તે માટે તમને જેટલાં પણ અભિનંદન આપીએ એટલાં ઓછાં કહેવાય..!’
જિજ્ઞાષાબહેને જવાબ વાળ્યો, ‘સમાજને પરત આપવાની આપણી પણ ફરજ છે જ ને ? એમાં હું કંઈ નવાઈ નથી કરતી..’
‘મને ખબર જ હતી કે તમે કોઈ ક્રેડિટ લેવા તૈયાર નહીં જ થાઓ… દાદાગીરી તો તમારી જોડેથી શીખવી પડે હો..સારું તમે મારી એક વાત માનશો ? હું આશા રાખુ છું કે તમે મને નિરાશ નહીં કરો..!’
‘સારું… જણાવો.. શક્ય હશે તો ના નહી કહું.’
લક્ષ્મીએ કહ્યું કે આ લાભપાંચમે દરેક એનજીઓને મોટા શેઠ અને શેઠાણી બે બે કાર ગીફ્ટ કરે છે… તો પછીથી તમે ઓટોમાં નહીં આવો અને અહીંથી જ તમને કાર લેવા અને મુકવા આવશે… અને સારી વાત એ છે કે એનજીઓની બહેનો જ એ કાર ચલાવશે એટલે તમારે તો જતા ને આવતા પણ તમારુ થોડું કામ થતું રહેશે..’
‘વાહ બહુ સારો નિર્ણય છે કે બહેનો જ એ વ્હીકલ મેનેજ કરશે…. સારું હું એ બાબતે ના નહીં કહું બસ’ જિજ્ઞાષાબહેને એમનું સન્માન જાળવતા જવાબ વાળ્યો અને ફોન પર વાત પુરી કરી.
બે દિવસ પછી પ્રવિણ, લક્ષ્મી, આર્કિટેક્ટ બધા વતન જઈ આવે છે. બન્ને સ્કૂલના પ્રોગ્રેસથી બહુ જ ખુશ થઈ જાય છે.. બધુ જ પ્લાનિંગ મુજબ જતુ હોવાથી હવે સ્કૂલનાં નિર્માણ પછી જે ફર્નિચર, ટીચીંગ એઈડ વિગરે બધી લિસ્ટ મુજબની જરૂરીયાતોનો ઓર્ડર આપી દે છે. બન્ને સ્કૂલ્સની ઓફિસીયલ પરમીશન પણ હવે એક વિઝીટ પછી મળી જવાની છે. અધિકૃત વ્યક્તિઓ આવીને મુલાકાત કરશે અને બધુ જ બરોબર છે એટલે એ છેલ્લી ફોર્માલિટીઝ પણ પુરી થઈ જશે.
પણ આ મુલાકાતમાં લક્ષ્મીને એક નવો જ વિચાર આવે છે અને બહુ જ જરૂરી અને મહત્વનો મુદ્દો હતો.. લક્ષ્મીએ પ્રવિણને જણાવ્યું કે આપણાં ગામડામાં શિક્ષકો ક્યાંથી મળશે..? સારો એવો સેલેરી આપીએ તો આવશે પણ ખરા પણ અહીં ટકશે કે કેમ ? એ યક્ષ પ્રશ્ન છે. એટલે લક્ષ્મીએ પ્રવિણને કહ્યું કે આપણે બન્ને જગ્યાએ બહુ જ સરસ સ્ટાફ ક્વાટર્સ બનાવીએ જે શિક્ષકોને માત્ર ટોકન રેન્ટ પર આપીએ જેમકે મહીને માત્ર સો રૂપિયા જેવી નજીવી રકમ લઈએ અને જોડે જોડે મેડીકલ આસિસ્ટન્સ, લેપટોપ, ઈન્ટરનેટ, ઈલેક્ટ્રીસીટી વિગરે જરુરિયાત પણ ફ્રી જ આપીએ. એનાથી શિક્ષકોને બચત પણ થશે અને ઉત્સાહ પણ વધશે.
પ્રવિણને આ વાત બિલકુલ અનિવાર્ય લાગી એટલે તરત જ એમણે સ્કૂલ એડવાઈઝરી કમિટીના મેમ્બર્સ પ્રો.ચાવડા સાહેબ અને પ્રો.શાહ સાહેબને ફોન કરી વાત કરી. એ બન્ને મિત્રો તો આ વાત પહેલેથી સમજતાં જ હતા કે આ પ્રકારે સવલતો આપવી જ જોઈએ એટલે એમની શિક્ષકોની અપોઈન્ટમેંટ વખતે આ બધી તૈયારીઓ હતી જ પણ સ્ટાફ ક્વાટર્સની વાત થઈ તો બન્ને મિત્રો ખૂબ રાજી થઈ ગયા… એટલે એ અંગે પ્રવિણને કહી જ દીધું કે તમે ક્વાટર્સની તૈયારીઓ કરાવી દો અને જોડે જોડે એક નાનકડું ગેસ્ટ હાઉસ પણ બન્ને સ્કૂલ કેમ્પસમાં બનાવવું જોઈએ તે સજેશન પણ આવ્યું અને પ્રવિણ અને લક્ષ્મીએ સહર્ષ સ્વીકારી પણ લીધું. આર્ટિટેક્ટ મૌલિકભાઈ તથા કોન્ટેરાક્ટરને ફોલોઅપ માટે જણાવી પણ દીધું.
આજે એક પીઆરઓ ની નિમણુંક પણ કરી દીધી કે જેથી તે આગામિ સત્રથી વિદ્યાર્થીઓનાં એડમિશન માટે પ્રસાર -પ્રચારની કામગીરી શરૂ કરી દે, જેથી આગામી ૧૫ જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ શકે… બધી ચર્ચાઓ કરી, કામગીરીની સોંપણી કરીને લક્ષ્મી સ્વામીજીને ફોન કરે છે અને ૧૫ જૂને બન્ને શાળાઓનાં લોકાર્પણ માટે માહીતગાર કરે છે.. સ્વામીજીએ એ દિવસે આવવાની હા પાડે છે એટલે લોકાર્પણની તારીખ પણ નક્કી કરી દે છે અને ફરી મુંબઈ જવા પરત ફરે છે.
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા.