બે વર્ષ પહેલા લક્ષ્મી એ લાગણીમાં તણાઈને અંશને એના જન્મ સમયની ઘટના કહી દીધી હતી. કે કઈ રીતે એમના જુડવા ભાઈને નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. બલરાજ, ચંદ્રશેખર અને અમરજીત સિંહે જે પીડાઓ લક્ષ્મી અને જિતેન્દ્રને આપી હતી એ બધી કહાની લક્ષ્મી એક પછી એક અંશને કહેવા લાગી. પોતાના કહેવાતા સબંધીઓનો અસલી ચહેરો જાણીને અંશને ખૂબ ગુસ્સો આવ્યો. બદલાની આગ ભીતર ભડકી ઉઠી. પરંતુ જ્યારે લક્ષ્મી એ પિતાના મૃત્યુની હકીકત જણાવી ત્યારે અંશ પૂરી રીતે હારી ગયો હતો. જિતેન્દ્ર એ પોતાના સગા સબંધીઓથી હારીને પોતાનો જીવ લીધો હતો. આ હકીકત અંશ સહન ન કરી શક્યો અને આંસુ છુપાવતા એ નદીના પુલ પર જતો રહ્યો.
" આ જ પુલ પરથી મારા ભાઈને ફેંકવા આવ્યો હતો..." પુલ પરથી નીચે નદીમાં જોતા અંશે કહ્યું અને કલ્પના કરવા લાગ્યો. મનથી હારી ગયેલા અંશે નદીમાં કૂદીને મરવાનો વિચાર કર્યો અને જેમ એમણે નદીમાં કૂદવા માટે પગ ઉપર ચડાવ્યા ત્યાં કેશવે આવીને અંશનો હાથ પકડીને પોતાના તરફ ખેંચી લીધો. અને અંશ ધડામ દઈને જમીન પર પડ્યો.
કપડાં સાફ કરતો એ ઉભો થયો અને અંધકારમાં એ કેશવના ચહેરાને જોવાની કોશિશ કરવા લાગ્યો.
" કોણ છે તું?" અંશે પૂછ્યું.
કેશવ પણ અંશને સ્પષ્ટ ન જોઈ શક્યો અને કહ્યું.
" હું કેશવ પણ તું કોણ છે? અને નદીમાં કૂદીને આત્મહત્યા કરવાની શું જરૂર પડી?" કેશવે કહ્યું.
અંશ સામે કોઈ ઉત્તર આપે એ પહેલા જ પાછળથી આવતી કારની હેડ લાઈટ સીધી કેશવના ચહેરા પર પડી અને એ જ સમયે કેશવની પાછળથી પણ કાર આવી અને એની હેડલાઈટ
અંશના ચહેરા સમક્ષ પડી. બન્ને પ્રકાશમાં એકબીજાનો ચહેરો જોવા લાગ્યા.
જાણે ખુદને અરીસામાં નિહાળતા હોય એવું બંનેને પ્રતીત થઈ રહ્યુ હતુ. બન્ને ધીમે ધીમે એકબીજા ને ટગર ટગર જોતા નજદીક આવી રહ્યા હતા અને અંતે બંને એકબીજાની સાવ સામે આવીને ઊભા રહી ગયા.
ગાડીની અવરજવર વધવાને લીધે હોર્નનો અવાજ પણ એમને ખલેલ પહોંચાડી રહ્યો હતો. એટલે બન્ને પુલની પેલે સાઈડ એક બલ્બની નીચે ગયા અને ફરી એકબીજાને જોવા લાગ્યા.
" તું તો એકદમ મારા જેવો જ દેખાય છે!!!" કેશવે કહ્યું.
અંશે કેશવના ચહેરાને હાથથી સ્પર્શ કર્યો અને કહ્યું.
" તું તો એ જ છે જેને સત્ર વર્ષ પહેલાં નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો!..હા યાર...આ તું જ છે!!" અંશના ખુશીનો કોઈ પાર ન રહ્યો.
" આ તું શું બોલે છે??" કેશવે કહ્યું.
" તું મારો ભાઈ છે... પાગલ...આવ ગળે મળ..." અંશ સીધો કેશવને ગળે વળગી ગયો.
કેશવ મનોમન વિચાર કરવા લાગ્યો અને કહ્યું. " તું નંદેશ્વર ગામમાંથી આવ્યો છે ને?"
" હા...પણ તને કોણે કીધું?" અંશે કહ્યું.
" મતલબ મારા મમ્મી સાચું કહેતા હતા કે હું એનો પુત્ર નથી...મને નદીમાંથી ઉઠાવવામાં આવ્યો હતો!!" કેશવે આશ્ચર્ય સાથે કહ્યું.
" મમ્મી? મતલબ તું બીજી મમ્મી સાથે રહે છે??" અંશે ઉત્સાહિત થતાં કહ્યું.
" બીજી મમ્મી?? તો પહેલી મમ્મી કોણ છે?" કેશવ અંશના સવાલથી વધુ મુંજવાયો.
ત્યાર બાદ બન્ને એક બાજુ બેસી ગયા. અંશે જે સતર વર્ષ પહેલાં જે ઘટના બની હતી એ જણાવી અને એ સાંભળીને કેશવે જે એના મમ્મી એ કહાની કીધી હતી એ અંશને કહી દીધી. આ રીતે વર્ષો પહેલા જુદા પડેલા જુડવા ભાઈઓ ફરી મળી ગયા.
" તો તું હિંમત હારીને અહીંયા મરવા આવ્યો હતો?" કેશવે સવાલ કર્યો.
" તો શું કરું હું? મારા મમ્મીનું દુઃખ મારાથી જોવાતું નથી...અને મારા પિતાનો બદલો હું એકલો લઈ શકું એમ નથી...આવી એકલી જિંદગી જીવવા કરતાં તો મોત જ સારું છે.." અંશે દુઃખી થતા કહ્યું.
" કોણે કીધું તું એકલો છે?? હું છું ને તારી સાથે.... આપણે સાથે મળીને આપણા પિતાનો એક એક બદલો વાળીશું..." હિંમત આપતા કેશવે કહ્યું.
" મારો બદલો ત્યારે જ પૂરો થશે કે જ્યારે હું એ દરેક વ્યક્તિઓના ખૂન કરીશ કે જેણે મારા મમ્મી પપ્પાને જીવનભર તડપાવ્યા છે...." અંશના આખા શરીરમાં હિંમત ફરી વળી.
" હું પણ મારા પિતાનો બદલો એવી રીતે જ લઈશ જે રીતે બલરાજે મારા પિતા પર જીવતા જ ટ્રક ચડાવ્યો હતો...બલરાજ તારું મોત તો અમારે હાથે તડપી તડપીને જ થશે..."
ક્રમશઃ