રમણીકભાઈ રાજકોટથી થાકીને આવ્યા હતા. કડવીબેને આવતા પાણીનો ગ્લાસ એમને આપ્યો. હાશકારો અનુભવતા રમણીકભાઈ બોલ્યા. " અનુ ક્યાં છે?" કડવીબેન કઈક બોલે એ પહેલા જ અનન્યા પોતાના રૂમમાંથી આવીને બોલી." પપ્પા....તમે આવી ગયા...!" અનન્યા સીધી એના પપ્પાને ગળે મળી.
" કેમ છે મારી લાડકી દીકરીને, મારી ગેરહાજરીમાં મમ્મી એ વધારે પરેશાન તો નથી કરી ને..." રમણીકભાઈની સાથે અનન્યા પણ હસી પડી.
થોડી આસપાસની વાતો કરીને અનન્યા એ મૂળ મુદ્દાની વાત કરતા કહ્યું. " પપ્પા મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે..."
" હા બોલ..શું વાત છે?" પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકતા બોલ્યા.
" પપ્પા...મને એક છોકરો પસંદ આવી ગયો છે..."
" શું?? મારી દીકરી એ છોકરો પણ પસંદ કરી લીધો! સાંભળ્યું કડવી, આપણી દીકરી હવે મોટી થઈ ગઈ છે...હાથ પીળા કરાવાનો સમય આવી ગયો છે એમનો.." રમણીકભાઈ હસી મઝાક કરતા બોલ્યા. માહોલને હળવો જોતા અનન્યા એ આગળ કહ્યું. " પપ્પા હું તમારીથી કોઈ વાત છુપાવા નથી માંગતી..એટલે જ જે મારા મનમાં છે એ કહી રહી છું...અને તમે કહેશો તો જ હું એની સાથે લગ્ન કરીશ..."
" અરે હું લગ્નની શા માટે ના પાડું? તે છોકરો પસંદ કર્યો છે તો કઈક સમજી વિચારીને જ પસંદ કર્યો હશે ને...બોલ બોલ કોણ છે મારો થનારો જમાઈ રાજા?"
" એ આદિત્ય ખન્ના છે...."
રમણીકભાઈ સોફા પરથી ઉભા જ થઈ ગયા. " શું આદિત્ય ખન્ના...?"
" હા..કેમ શું થયું પપ્પા?"
" અરે કઈ નહિ કંઈ... એ તો અચાનક તે આટલા મોટા બિઝનેસમેનનું નામ કહ્યું એટલે હું જરા ચોંકી ગયો..."
" તો તમારો શું વિચાર છે?"
" પહેલા તારી મા ને તો પૂછી લઈએ નહિતર કહેશે કે મારું ઘરમાં તો કઈ ચાલતું જ નથી...બોલ કડવી છોકરો પસંદ છે?"
" પપ્પા, મમ્મીની હા જ છે..."
" ઓહ મતલબ મારા પહેલા તારી મા પાસેથી હા મેળવી જ લીધી... સરસ ખૂબ સરસ..." રમણીકભાઈનો ચહેરો થોડોક ઉતરી ગયો હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું.
" તો પપ્પા તમારો જવાબ શું છે?"
" સાંભળ... અનુ..તારી નાનપણથી તારી દરેક જરૂરિયાતો અમે પૂરી કરતા આવ્યા છે...તારા પર કોઈ પ્રકારની પાબંદી અમે લગાવી જ નથી...તને હંમેશા અમે આઝાદ પંછીની જેમ ઉડાન ભરવા દીધી છે...અને આગળ પણ અમે એ જ ચાહીશું કે તું હંમેશા નવી નવી ઉડાન ભરતી જ રહે..રસ્તામાં કોઈ રૂકાવટ ન આવે... તારા પંખ કોઈ કાપી ન નાખે...તારી આઝાદી કોઈ છીનવી ન લે... પરંતુ આજે તે જે છોકરો પસંદ કર્યો છે એ તો સ્ત્રીને જાણે નફરત જ કરે છે...નો ગર્લ્સ અલાઉના બોર્ડ પોતાના કંપની અને ઓફિસમાં ઠેર ઠેર લગાવી રાખ્યા છે તો પછી એ તને જીવનમાં ખુશ કઈ રીતે રાખશે?"
" પપ્પા એ બોર્ડ હટાવી નાખવામાં આવ્યા છે, એના મનમાં જે સ્ત્રી પ્રત્યે ગલત ફેહ્મી હતી એ પણ દૂર થઈ ગઈ છે અને તમે માનશો નહિ, હાલમાં એની કંપનીમાં ત્રણ ગર્લ્સને જોબ પર પણ રાખી દેવામાં આવી છે...પપ્પા આદિત્ય હવે બિલકુલ બદલાઈ ગયો છે.. અને એ પણ મને ખૂબ પ્રેમ કરે છે...."
" બદલાઈ ગયો છે એ તો સમસ્યા છે દીકરી...."
" મતલબ?"
" આદિત્યના વિચારો ક્યારે બદલી જાય એનું નક્કી જ નથી રહેતું..પહેલા સ્ત્રીને આટલી ઈજ્જત અને પ્રેમ કરતો ત્યાર પછી એકાદ ઘટના બાદ એના પ્રત્યે નફરત કરવા લાગ્યો અને હવે ફરી સ્ત્રીને ઈજ્જત આપવા લાગ્યો, એમને સ્વીકારવા લાગ્યો..આદિત્યનું મન મને ઠીક નથી લાગતું..."
" પપ્પા હું ગેરંટી આપુ છું, સ્ત્રીને લઈને આદિત્યના વિચારોમાં હવે પરિવર્તન નહિ આવે... હું રહીશ એમની સાથે, જરૂર પડી તો એમને સમજાવીશ...અને મારું દિલ કહે છે કે આદિત્યને સમજાવાની જરૂર પણ નહિ પડે..."
" હવે તે મન બનાવી જ લીઘું છે અને તને આદિત્ય પર એટલો ભરોસો છે તો પછી હું કોણ છું તને રોકવાવાળો..."
" પપ્પા મારો કહેવાનો અર્થ એ નહતો..."
" અનુ..દીકરા...મારા તરફથી હા છે...પણ હા અહીંયા હું એક શરત રાખવા ઈચ્છું છું..."
" કેવી શરત?"
" ડરવાની જરૂર નથી...સામાન્ય શરત છે... જો તું આદિત્ય સાથે લગ્ન કરવા માંગતી હોય તો લગ્ન પછી ચાહે ગમે તે થઈ જાય, પરિસ્થિતિ ગમે એટલી વિકટ પણ કેમ ન આવે પણ તું આદિત્યને ડિવોર્સ નહિ આપી શકે...તારે કોઈ પણ સંજોગે પોતાની આખી લાઈફ એની સાથે જ ગુજારવી પડશે..જો તને આદિત્ય પર આટલો જ વિશ્વાસ હોય તો હું ખુશી ખુશી આ સબંધનો સ્વીકાર કરી લઈશ.."
અનન્યા એ બે ઘડી વિચાર કર્યો. આદિત્ય સાથે થયેલી પહેલી મુલાકાતથી લઈને અત્યાર સુધી બનેલી બધી ઘટનાઓ, એમના વિચારો, એમની જીવન સ્ટાઇલને ફરી યાદ કરવા લાગી અને અંતે અનન્યા એક નિર્ણય ઉપર પહોંચી.
" પપ્પા મને આ શરત મંજૂર છે....હું પણ કોઈ સંજોગે આદિત્યને ડિવોર્સ નહિ આપું... પરિસ્થિતિ ગમે એટલી વિકટ કેમ ન આવે હું હંમેશા આદિત્યની સાથે જ રહીશ.."
" તો વાર શેની જોવો છો..વગાડો ઢોલ, નગારા, શરણાઈ..." રમણીકભાઈ એ ઉંચા અવાજે હસતા મુખે કહ્યું.
આદિત્યની ફેમિલી તો પહેલેથી જ આ સબંધથી રાજી હતી અને હવે અનન્યાની ફેમિલી પણ માની જતા બંને ઘરોમાં ખુશીનો માહોલ ગરમાયો હતો. આદિત્ય અને અનન્યાની ફેમિલી એ એક દિવસ મળીને આ સબંધ વિશે વધુ ચર્ચા કરી. બંનેની જોડી યોગ્ય લાગતા સગાઈની તારીખ પણ નક્કી કરી નાખવામાં આવી. અનન્યા અને આદિત્યની સગાઈની વાત ધીરે ધીરે ચારેકોર ફેલાવા લાગી. સૌ આ જોડી જોઈને ખૂબ રાજી થયા.
સગાઈના દિવસે અમુક ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું. બન્ને ફેમિલીના વ્યક્તિઓ એકબીજા સાથે ખૂબ સરસ રીતે હળીમળી રહ્યા હતા. અનન્યાની ફ્રેન્ડ કિંજલે તો આદિત્ય અને અનન્યાને ચીડવાનું પણ શરૂ કરી દીધું.
" જો જો હું જીજુ એમ ન સમજતા કે તમારી કોઈ સાળી નથી એટલે તમે જૂતા ચૂરાઈની રસમથી બચી ગયા... હું અનન્યાની બહેન સમાન જ છું...અને તમે થયા મારા જીજુ...તો લગ્ન મંડપે જરા પોતાની મોજડી સંતાડીને રાખજો નહિતર આ મોજડીની જોડી તમને હજારોમાં પડશે...."
સગાઈ ખૂબ ધામધૂમથી થઈ. ડાન્સ મ્યુઝિકની સાથે આ સગાઈ બંને પરિવારો માટે યાદગાર બની ગઈ. અનન્યા અને આદિત્યનો સાથે ડાન્સ તો વાઇરલ વિડિયોની જેમ વાઇરલ થઈ ગયો. આવા ખુશીના માહોલમાં બધા ખૂબ એન્જોય કરી રહ્યા હતા. પરંતુ એક વ્યક્તિ દૂર ઊભો ખૂદને કોઈ વાતથી કોસી રહ્યો હતો.
" તમે અનન્યાને પ્રેમ કરતા હતા ને?" પ્રિયા એ ચાલુ સગાઈમાં બાજુમાં ઊભેલા આકાશને કહ્યું.
" શું ફેર પડે છે? એની તો સગાઈ થઈ ગઈ છે ને આદિત્ય ખન્ના સાથે..." આદિત્યનું નામ આકાશે જોર દઈને કહ્યું.
" હા...હવે જે થઈ ગયું છે એને તો આપણે ન બદલી શકીએ પરંતુ એક નવી શરૂઆત તો આપણે કરી જ શકીએ છે ને..." પ્રિયાની વાણી મધુર મધ જેવી હતી અને આ વાણીને સાંભળીને આકાશ મંત્રમુગ્ધ થઇ જતો હતો.
" વોટ ડુ યુ મીન?"
" અહીંયા આ શોરમાં વાત કરવાની મઝા નહિ આવે, કાલે હું ખુદ પર્સનલી તમારા ઘરે આવીશ..એક નવી શરૂઆત કરવા માટે.." પ્રિયા એ કહ્યું.
આકાશ પ્રિયાના ઇશારાને સમજી ન શક્યો. એના મનમાં બસ એ જ સવાલ ઘૂમી રહ્યો હતો કે પ્રિયા એવી તે કઈ નવી શરૂઆત કરવાની વાત કરે છે?'
જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.
ક્રમશઃ