No Girls Allowed - 37 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 37

Featured Books
Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 37



મુંબઈના રસ્તાઓની ભીડમાં આદિત્ય એમની કાર લઈને કવિતા એ આપેલા એડ્રેસ તરફ નીકળી ગયો. અનન્યા અને કાવ્યા પણ એ જ કારની અંદર બેસ્યા હતા. ગાડી જેમ એડ્રેસ પર પહોંચી આદિત્યના ચહેરાના હાવભાવ જ બદલાય ગયા.
કાવ્યા સૌ પ્રથમ નીચે ઉતરી અને બંગલા તરફ જવા રવાના થઈ. ત્યાં જ કવિતા અંત્યત સુંદર ચોળી પહેરીને સામેથી આવતી દેખાઈ. કવિતા એ સૌ પ્રથમ કાવ્યા સાથે હાથ મિલાવ્યો. ત્યાર બાદ જ્યારે આદિત્ય એમની પાસે આવ્યો તો આદિત્યે દૂરથી જ હાથ જોડીને નમસ્તે કહી દીધું. અનન્યા તો જાણે વર્ષોની દોસ્તી હોય એમ ખુશી ખુશી એના ગળે મળી.

" આવો બેસો...." કવિતા એ બંગલા નજીક એક ગાર્ડનમાં બેસવા માટે કહ્યું. પાંચ છ આરામ દાયક ખુરશીઓ અને એની વચ્ચે મોટું ગોળ ટેબલ રાખેલું હતું. જેમાં ફળ અને ફૂલો સરસ રીતે ગોઠવેલા હતા. ઘરની આસપાસ કામ કરતા નોકરોને જોઈને એમની અમીરી વિશે અંદાજો લગાડી શકાય એમ હતો. એક નોકર કવિતા પાસે આવ્યો અને કવિતા એ ફ્રૂટ જ્યુસનો ઓર્ડર આપ્યો. વાતની શરૂઆત કાવ્યા એ મુંબઈના રસ્તાઓથી કરી. ત્યાર બાદ બંગલો અને અમુક વાતોની ફોર્માલિટી બાદ મૂળ મુદ્દાની વાત બહાર નીકળી. આદિત્ય કવિતાને નજર અંદાજ કરીને પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરી રહ્યો હતો. કવિતા એ જીજક્યા વિના જ પોતાની મજબૂરી લોકો સમક્ષ રજૂ કરી.

" જ્યારે હું પાર્ટીને એન્જોય કરીને પોતાના ઘરે ગઈ ત્યારે..."

*****

" કવિતા કમ કમ....બેસ...આજ તારા માટે મારી પાસે ખૂશખબરી છે..." ધનજીભાઈ એ વહાલ કરતા કહ્યું.

" ખુશખબરી? કેવી ખુશખબરી પપ્પા..." કવિતા એના પપ્પા પાસે આવીને બેસી.

" અમે તારા માટે એક છોકરો શોધી લીધો છે...."

" શું?" આશ્ચર્ય સાથે કવિતાએ કહ્યું.

" હા, કાલ સવારે જ એ તને મળવા આવાનો છે..તું કાલ વહેલી સવારે જલ્દી તૈયાર થઈ જજે હો...મારો તો હરખ નથી સમાતો કે એ છોકરો આપણા ઘરનો જમાઈ બનશે..."

" પપ્પા તમે આ શું વાત કરો છો? મેં તમને કહ્યું હતું ને કે મારે હમણાં લગ્ન નથી કરવા તો પણ...."

" હા બેટા પણ એ છોકરો તારા માટે એકદમ પરફેક્ટ છે તું એની સાથે ખુશ રહીશ મને વિશ્વાસ છે..."

" પપ્પા આઈ એમ સોરી હું એ છોકરાને મળવા નહી જાવ..."

" બેટા તારી લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે, આ ઉંમરમાં જીવનસાથીનું હોવું ખૂબ જરૂરી છે..."

" હા તો મેં જાતે જ મારા માટે જીવનસાથી શોધી લીધો છે..."

" કોણ છે એ છોકરો? જોબ કરે છે કે ખુદનો બિઝનેસ છે? બંગલો તો છે ને એની પાસે કે ગરીબ ઘરમાં રહે છે? બોલ કોણ છે એ?" ધનજીભાઈ એ એકસાથે સવાલોનો વરસાદ કરી નાખ્યો.

" આદિત્ય ખન્ના..." આત્મવિશ્વાસ સાથે કવિતાએ જવાબ આપ્યો.

" ઓહ, પેલો ગરીબ...." ધનજીભાઈ જોર જોરથી હસવા લાગ્યા. પપ્પાને આમ હસતા જોઈને કવિતાને ઘણું વિચિત્ર લાગ્યું.

" તું એને પ્રેમ કરે છે?" અચાનક ગંભીર સ્વરમાં ધનજીભાઈ બોલ્યા. કવિતા એ આંખ મિલાવીને વિશ્વાસ સાથે હા કહ્યું. હા સાંભળતા જ ધનજીભાઈ એ જોરથી એક તમાચો કવિતાના ગાલે લગાવી દીધો. કવિતાના મમ્મી દૂર ઉભા બસ તમાશો જોઈ રહ્યા હતા.

" કવિતા...આજ સુધી મેં તારી દરેક જીદ પૂરી કરી છે..અને આગળ પણ કરીશ પણ આ લગ્નની બાબતમાં હું જરા પણ કસર નહિ ચલાવું.." આંગળી ચીંધતા ધનજીભાઈ એ કહ્યું.

" એક વાતનો જવાબ આપશો પપ્પા, એ આદિત્યમાં આખરે ખામી શું છે?"

" ખામી! અરે ખૂબી શું છે એ તો તું કહે મને...ભાડે કોઈના મકાનમાં રહે છે..નથી જોબ કે નથી કોઈ બિઝનેસ..તું એની સાથે ખુશ રહીશ કઈ રીતે?"

" પપ્પા અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકસાથે સંઘર્ષ કરીને અમે અમારું ગુજરાન ચલાવી લઈશું.."

" કઈ રીતે ચલાવશો? તને તો હરવા ફરવાનો ખૂબ શોખ છે ને! મહિનામાં તું એકાદ ટ્રીપ તો કરે જ છે, શું એ તને ગુજરાતથી બહાર દર મહિને ફરવા લઈ જઈ શકશે?"

કવિતા બે ઘડી વિચાર કરવા લાગી. એ ખુદને સારી રીતે જાણતી હતી કે હર્યા ફર્યા વિના તો એને બિલકુલ નહિ ચાલે.

" ચલ એ ભૂલી જા એ તો તારો પ્રેમ તને ત્યાગના બહાને હરવા ફરવાનું છોડાવી દેશે...પણ સામાન્ય જરૂરિયાતોનું શું? તને લાગે છે એ તારી મૂળ જરૂરિયાતો પણ પૂરી કરી શકશે? નથી જોબ કે નથી કોઈ મિલકત. બાપના સહારે એ પોતાના ખર્ચા પૂરા કરે છે એ શું તારા સપના પુરા કરવાનો? જેણે ખુદ ક્યારેય પોતાનાં સપનાઓ નથી જોયા એ બીજાના સપનાઓ ક્યારેય સાકાર કરી શકતો નથી....કવિતા, મારી વાત ધ્યાનથી સાંભળ, સ્વભાવે એ છોકરો બેસ્ટ હશે અને મને વિશ્વાસ છે કે તે જે છોકરો પસંદ કર્યો છે એ નિસ્વાર્થ ભાવે તને પ્રેમ કરતો હશે પણ માત્ર પ્રેમથી શું ઘર ચાલી શકે? આજના જમાનામાં પૈસો જ ખુશી આપે છે દીકરા...પૈસા વિના પ્રેમનું કોઈ મૂલ્ય નથી... ડિસીઝન તારો છે...અને મને વિશ્વાસ છે કે મારી દીકરી કદી પણ કોઈ ખોટો નિર્ણય નહિ લેય..."

પપ્પાની વાત સાંભળીને જાણે કવિતાની બંધ પડેલી આંખો જ ખુલી ગઈ. તેણે આદિત્ય વિશે વિચાર કરવાનું શરૂ કર્યું. ખુદને અરીસામાં જોયું અને વિચાર્યું કે શું એ આ બંગલાને છોડીને પેલી ચાર દીવાલોની વચ્ચે રહી શકશે? આદિત્ય પાસે જોબ પણ નથી કે નથી કોઈ ફેમીલી બિઝનેસ. ખુશ રહેવા માટે સામાન્ય જરૂરિયાતો પણ પૂરી શકે એવી હાલત આદિત્યની નથી. આદિત્ય વિશે ઘણો વિચાર કર્યા બાદ કવિતા અંતિમ નિર્ણયે પહોંચી. આગલી સવારમાં જ કવિતા પેલા છોકરા સાથે મળી. જેનો ખુદનો બિઝનેસ હતો. દેખાવે હેન્ડસમ અને સ્વભાવે પણ સારો લાગ્યો. ત્યાર બાદ કવિતા એ એની સાથે સગાઇ કરવાનું નક્કી કરી નાખ્યું.

કવિતાની આ કહાની સાંભળી આદિત્યનો ચહેરો ગુસ્સેથી લાલચોળ થઈ ગયો.

" તે મને મારી ખરાબ હાલત જોઈને છોડ્યો? આ હતું તારું રીઝન??" આદિત્યે ઉંચા અવાજે તીખો સવાલ કરતા કહ્યું.

" ના આદિત્ય તું ગલત સમજે છે... મેં તને તારી હાલત જોઈને નથી છોડ્યો...જો આદિત્ય, મારે તને તારી હાલત જોઈને જ છોડવો હોત તો હું તને ક્યારેય પ્રેમ કરત જ નહિ..તારી સાથે સબંધ જ ન રાખત..."

" તો શું મજબૂરી હતી તારી?"

" કદાચ મજબૂરી આપણો પ્રેમ હતો...."

" મતલબ?"

" મતલબ જ્યારથી આપણે રિલેશનશિપમાં આવ્યા ત્યારથી તારો સ્વભાવ અને આદતો બદલાવા લાગી. ચોવીસે કલાક તું બસ મને જ સમય આપતો. મારી સાર સંભાળ લેતો. મારી કેર કરતો અને આ બઘું મને ખૂબ ગમતું. પણ જ્યારે હું કોલેજની એ સરપ્રાઈઝ ટ્રીપમાં ગઈ ત્યારે મેં નોટિસ કર્યું કે તું પરિવારને છોડીને બસ મને જ સમય આપે છે. જે સમય તારે તારા પપ્પા અને પરિવારને આપવો જોઈએ. તારું કરિયર, તારું ડ્રીમ એના વિશે તો જાણે તને ચિંતા જ ન હતી. આદિત્ય તું મારા માટે આખી દુનિયા સામે લડી શકે છે. એ મને પસંદ છે. પણ જો તું મારા માટે તું તારા પરિવાર સામે લડે તો એ મને જરા પણ મંજૂર નથી.."

કવિતાની મજબૂરી શું આદિત્ય સમજી શકશે? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ. વાર્તા પસંદ આવે તો સ્ટીકર આપીને પ્રોત્સાહન આપવાનું ન ચૂકતા.

ક્રમશઃ