પહેલી જાન્યુઆરી , 2050.Royal heights ના 99 મા માળે રોબોટ ડાઈનીંગ ટેબલ પર પ્લેટ એરેન્જ કરીને તેમા ટેબલેટ્સ પીરસી રહ્યો હતો. બે બેડરૂમ ના નાનકડા ફલેટમાં 'વી' અને 'રૂ' રહેતા હતા .વી એટલે વિહાન અને રૂ એટલે રુવા.હવે ફક્ત એક જ અક્ષરથી લોકોને બોલાવાની સિસ્ટમ હતી.આખુ નામ બોલવામાં પણ લોકોને થાક લાગતો હતો. વી , રૂ નો દીકરો હતો. તેને રૂ , તેની માં છે તેવી ખબર હતી પણ પિતા કોણ તેની ખબર નહોતી. પાનના ગલ્લાની માફક સ્પર્મબેન્કો ખુલી ગઈ હતી . કપલ તો હવે જૂજ જ રહ્યા હતા . કાં' સિંગલ મધર કાં ' તો સિંગલ ફાધર .સરોગેસીનો ધંધો કુટણખાનાની જેમ ફાલ્યો હતો. દરેક જણ પોતાની ઈચ્છા હોય ત્યારે sperm બેન્કમાંથી sperm દ્વારા સંતાન મેળવી લેતા . કોઈને કોઈની જરૂર નહોતી . સાત વાગે વી અને રુ ટેબલ પર આવ્યા .
' ગુડ મોર્નિંગ'
' ગુડ મોર્નિંગ'
ટેબલ પર પડેલી પ્લેટમાંથી ટેબ્લેટ ઉઠાવીને બંને એ ખાધી. એ બ્રેકફાસ્ટ અને પાણીની ટેબ્લેટ હતી .
'બાય રૂ '
કહીને વી પોતાના કામે નીકળી ગયો. માતા-પિતાને નામ લઈને બોલાવવાની ફેશન થઇ ગઈ હતી. વી તેની ફ્લાઇંગ કાર લઈને એર વે થી નીકળી ગયો. ' લી ' એટલે કે રોબોટ ઘરના કામ પતાવતો હતો. રૂ એ લી ને વહાલ કર્યું કારણ કે વી ને કોઇ વહાલ કરે તે ગમતું નહોતું. તેથી રૂ લીને વ્હાલ કરી મન મનાવી લેતી. રૂ પણ તૈયાર થઈને ઓફીસ જવા નીકળી.
ઓફિસમાં એની સાથે જેમ (જૈમીન ) કામ કરતો હતો. બંને સારા ફ્રેન્ડ્સ હતા .છેલ્લા સાત વર્ષથી સાથે કામ કરતા હતા . જેમ ને એક દીકરી હતી શા ( સામ્યા). રૂ આજે ઉદાસ હતી. જેમ એના માટે કોફી લઈ આવ્યો બંને ટેબલ પર બેઠા.
' કેમ રૂ મૂડલેસ છે?'
' કંઈ નહીં એમજ ' ઢીલા અવાજે રૂ બોલી.
'અરે હોય મને ખબર પડી જ જાય કે તારું મૂડ કેવો છે.' આટલા વર્ષોથી ઓળખું છું તને ' જેમ બોલ્યો
' હમ્મ'
'કહેવાય એવું હોય તો કહે '
'બસ ગઈકાલે ૩૧મી ની નાઈટ પાર્ટીમાં થોડું વધારે પીવાઇ ગયું એટલે માથું દુખે છે .હેન્ગ ઓવર યુ નો' રૂ બોલી.
પણ જેમ ને વિશ્વાસ ના આવ્યો
'બસ એટલું જ ? એવું તો તને ઘણી વાર થાય છે, પણ મૂડ આટલો ખરાબ નથી હોતો. ચલ કંઈ નહિં ના કહેવું હોય તો નો પ્રોબ્લેમ , it's your life'.
રૂ ચૂપચાપ બેસી રહી થોડો સમય એમ જ વહી ગયો પછી બોલી
' ગઈકાલે વી ખૂબ જ લેટ આવ્યો અને તેણે ખૂબ જ નશો કર્યો હતો એટલે હું વઢી તો મને કહે તું તારું કામ કર મારાં કામમાં વચ્ચે નહીં બોલવાનું '
મેં કહ્યું ' હું મા છું તારી તને નાનપણથી મેં મોટો કર્યો છે'
તો કહે
' તેં નહીં આ લીએ મને મોટો કર્યો છે અને મેં તો તને નહોતું કહ્યું કે મને લઈ આવ'. બોલતા રૂ ની આંખમાં આંસુ આવી ગયા .
જેમ રૂનાં આ દુઃખને અનુભવી રહ્યો હતો કારણકે , એની દીકરી ' ' ' શા ' પણ એની સાથે આવી રીતે જ વાત કરતી હતી .
'એમાંય મેં તો સરોગેસી પણ કરાવી નથી. મારા પેટમાં નવ મહિના રાખીને મેં જન્મ આપ્યો છે એને.હવે લાગે છે કે મેં મારી જિંદગી વ્યર્થ કરી નાખી ' રૂ હતાશ સ્વરે બોલી.
' અરે આ તો જનરેશન ગેપ છે રૂ ! દરેક પેઢીમાં આ તો રહેવાનું જ પણ એક સ્ત્રી તરીકે તે બહુ મહેનત કરીને ઘર અને કામ સંભાળ્યું છે.અત્યારે તો સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી ગઈ છે પણ સ્ત્રીઓ હંમેશા કોમળ હોય છે એટલે અમુક જગ્યાએ પાછી પડે છે' જેમ તેને સમજાવતા બોલ્યો પછી બંને કામે વળગ્યા.
સાંજે રૂ ઘરે આવીને તેના રૂમમાં આરામથી ટીવી પર કંઈક જોઈ રહી હતી. ત્યાં વી એક બ્યુટીફુલ ગર્લ ને લઈને આવ્યો
' રૂ આ મારી ફ્રેન્ડ છે ક્રિશ (ક્રિસ્ટીના). '
રૂ એ જોયું કે ક્રિશે અડધાં જ કપડાં પહેર્યા હતાં .
' આજે અહીંયા જ રહેવાની છે' વી બોલ્યો .
'ok ' રૂ એ જવાબ આપ્યો . વી અને ક્રિશ ચાલ્યાં ગયાં.
રૂ વિચારતી રહી ક્રિશ અને વી કેટલા નજીક હશે ? આમેય હવે લગ્નપ્રથા તો ક્યાં રહી જ છે?.
' live in relationship ' (લીવ ઇન રીલેશનશીપ)
ફાવે ત્યાં સુધી સાથે રહો પછી છૂટાં. સ્ત્રી અને પુરુષ સમોવડીયા તો થઈ ગયા પણ લાગણીઓ ખતમ થઈ ગઈ. સ્ત્રીઓ એ બધું હાંસિલ કરી લીધું પણ સાચો પ્રેમ ખોઈ બેઠી. પરિવાર એકાંકી બની ગયા . ડિપ્રેશનના કેસ વધવા લાગ્યા. પહેલાના જમાનામાં પુરુષ બહારનાં કામ કરતો ને સ્ત્રી ઘરનાં કામ કરતી .એમાં બધું જ સચવાઈ જતું .એક વ્યવસ્થા હતી.જેના પર સમાજ ટકી રહ્યો હતો. હવે સ્ત્રી બહારનાં કામ કરવા લાગી અને ઘરનાં કામ પ તેનાં શિરે જ રહેતા તેમાં ડબલ બોજના કારણે સ્ત્રી તૂટતી ગઈ , અને પુરુષ પાસેથી કામ કરાવવાની અપેક્ષા એના મનમાં વધતી ગઈ . એમાં મનભેદ અને મતભેદ વધતાં ગયાં. સામાજિક વ્યવસ્થા તૂટતી ગઈ .બધાં કામ મશીનો કરતા થઈ ગયા . સ્ત્રીઓને શારીરિક મહેનત ઓછી થઈ ગઈ પણ માનસિક લાગણીઓ નું શું ? એ તો કોઈ મશીનથી ભરપાઈ ન થઈ શકે. ડોક્ટરો એ એના માટેની પણ ટેબ્લેટ્સ શોધી કાઢી ,પણ એની સાઈડ ઈફેક્ટ પણ એટલી જ. જ્યારે માંદા હોઈએ ત્યારે બધું જ હોય પણ માથે હાથ ફેરવનાર કોઈ ના હોય. સ્વીચ દબાવતા બધા કામ થઈ જાય પણ મગજની સ્વીચ
'ઑફ'
થાય ત્યારે
'ઑન'
કરવા કોઈ નથી પાસે.
સ્ત્રી સ્વતંત્રતા સારી છે પણ એની પાછળ સ્વચ્છંદતા પણ આવે જ છે, અને સ્વતંત્રતા સ્વચ્છંદતાનું રૂપ જ્યારે લે ત્યારે પતન થાય છે.
દરેક જણ એક " મુખવટો " પહેરીને જાણે ફરી રહ્યું છે .
આને " પ્રગતિ " કહેવી કે "અધોગતિ " ?
. . હેતલ પટેલ ( નિજાનંદી )