પ્રકરણ ૨૦
કવિતા હજી બોલતી હતી, " એમ જોઈએ તો પરમ આ મારી ખાલીપો ભરવાની કોશિશ માત્ર હતી. પણ હું પોતાને સંભાળી ન શકી."
"આ ખાલીપો શબ્દ સોશિયલ મીડિયા પર બહુ પ્રચલિત શબ્દ છે. ઘડી ઘડી નજરમાં આવતાં આ શબ્દએ જબરજસ્તીનો ખાલીપો ઉજાગર કરી નાખ્યો છે! અને તમારાં જેવા મન અને લાગણીઓ લઈને નીકળી પડે છે, એની હરાજીમાં હાજરી પુરાવવા…" પરમનો ગુસ્સો હવે બરોબર ભડક્યો હતો.
"અમારાં જેવા એટલે શું પરમ? બોલો બોલો"
"તમારાં જેવા એટલે વધારે પડતાં સંવેદના સભર લોકો જે અમુક સમય પૂરતો સારાં નરસાંનો ભેદ ભૂલી જાય છે. પોતાની વ્યક્તિગત નૈતિકતા અને ઘર તરફની જવાબદારીઓ નેવે મૂકી દે છે. બહુ આઘાત જનક તો એ કે…હું સમજતો હતો કે તું મ્યુઝિક ક્લાસમાં જાય છે એટલે ઘરનું રહ્યું સહ્યું કામ અને સોનુને પણ ઘણી વખત સંભાળી લેતો હતો…ઓહ..હું આટલો બેવકૂફ કઈ રીતે હોઈ શકું! ડેમ.. ફૂલિશ.." પરમ લગભગ બરાડી ઉઠ્યો.
કવિતા આ વાતે પૂર્ણપણે દોષી હતી, એવું પોતે મનોમન સ્વીકારી ચૂકી હતી એટલે ચૂપચાપ સાંભળતી હતી.
"તું કહેતી હતીને કે તારી ફરિયાદ હું લાઈટલી લેતો હતો, એનું કારણ એ કે તું છેક આવું કરશે એવું મેં સપને પણ નહોતું વિચાર્યું. તારાં કહેવા મુજબ હું જ જવાબદાર છું ને તારી આ સ્થિતિ માટે? તે ઈનડિરેકટલિ એમ જ કહ્યું ને? અને બીજું તું શું શું બોલી હતી ? તને મારી જેલસી થાય..વાહ આવી પત્ની પામી હું ધન્ય થઈ ગયો. જે પત્ની જેલસી કરે, સો સારી વાત છોડી એક વાત પકડી અસંતોષ ઉભો કરે અને પછી કોઈનાં પણ કહેવાથી ખોટે રસ્તે જાય ..અને એનાથી વધીને એ બધાં માટે પતિને જવાબદાર ઠેરવે વાહ વાહ…રિયલી હું બહુ લકી છું કવિ મને તું મળી! હવે…" પરમને રોકતા કવિતાએ રાડ પાડી…"નાઉ, ઈનફ પરમ…એને માટે મને પસ્તાવો છે જ અને માફી પણ માંગી ચૂકી છું."
"ઓહ..હા..પણ મારે આ વાતે તને માફ કરવું અઘરું પડશે." કહી પરમ રૂમની બહાર નીકળી ગયો.
કવિતા ધીમે રહીને સૂતી અને વિચારવા લાગી, પુરુષ ગમે તેટલો સમજદાર હોય પણ એનો મેલ ઇગો ઘવાય એટલે પોતાના મૂળભૂત ગુણો બતાવી તો દે છે. પરમ એટલો ઈર્ષ્યા કરવા જેટલો પણ સારો નથી!
પરમ બહાર એની ડાયરી અને સોફાને સથવારે આડો પડ્યો હતો. થોડું વાંચ્યા બાદ એને વિચાર આવ્યો થોડો ઘણો વાંક મારો પણ છે તો ખરો જ..જોઈએ સવારે કવિતાનું મગજ પણ શાંત થાય પછી કદાચ નોર્મલ રહી શકાય. એમ વિચારી ફરી વાંચવા તરફ વળ્યો, વાંચતાં વાંચતાં એની નજર એણે ટપકાવેલા ગમતાં શેર પર અટકી..
આંખમાં જામી ગયો છે ભેજ, કારણ એટલું -
ધુમ્મસી યાદોના દૃશ્યો ત્યાં ઘણા હાજર હતાં.
દોષ કોઈનો હતો નહિ, આજ એ સમજાય છે,
હું ને તું તો એ જ પણ સંજોગ સૌ બદતર હતાં.
- મેધાવિની રાવલ 'હેલી'
સાચી જ વાતને..જે થયું એ સંજોગોનો જ ખેલ હતો.
બીજા દિવસની નવી સવારે, નવી આશાએ ડાઇનિંગ ટેબલ પર સૌ સાથે ચા-નાસ્તો કરવા બેઠાં હતાં. સોનુ હજી નિંદ્રારાણીને ખોળે હતી. રવિવારની રજાની મજા લેતી હતી. ત્યાં બેલ વાગ્યો, મિતેષ અને હેમા મસ્ત ગરમા ગરમ સમોસા જલેબી અને ફાફડા લઈને આવ્યાં, "કવિતા…સરપ્રાઈઝ.. તારી ફેવરિટ શોપનાં સમોસા લાવી.." કહી હેમાએ કવિતા પાસે જઈ સમોસા પ્લેટમાં કાઢયાં. મીનાબેન બોલ્યાં, "સવાર સવારમાં સમોસા..!" કવિતાની નજર પરમ પર અને પરમની નજર કવિતા પર અજાણતાં જ પડી અને બંને સમોસા માટે થતી જૂની મસ્તીની લડાઈની વાત યાદ આવતાં મીઠું મલકી પડ્યાં. હેમાએ મિતેષ સામે આંખ મિચકારી. મીનાબેન અને વસંતભાઈની નજરથી પણ એ છુપૂ ન રહ્યું. મીનાબેન મનોમન મિતેષ અને હેમાનો આભાર માનતા વિચારી રહ્યાં હતાં કે, આવા મિત્રો હોય તો અડધી તકલીફો ઓછી થઈ જાય. મિતેષ અને હેમાએ હસી મજાકનો દોર હાથમાં લીધો સાથે વસંતભાઈ પણ જોડાયા. વાતાવરણ થોડું હળવું થયું.
હજી પરમ અને કવિતા કોઈ બોજ હેઠળ હોય એમ જ હતાં. વચ્ચે વચ્ચે નાનકડાં ઔપચારિક મરકલા આપવા સિવાય કંઈ બોલતાં નહોતાં. મીનાબેને વિચાર્યું આજે તો જે હોય એ અહીં જાહેરમાં એ લોકોનું સમાધાન કરાવવું છે. એ બોલ્યાં, " પરમકુમાર, કવિતા તમને બેને મારે કંઈ કહેવું છે." મિતેષ અને હેમા ઉભા થતાં હતાં એટલે એમને રોકતાં બોલ્યાં, " અરે..અરે.. અહીં જ બેસો. આપણે એક પરિવાર તો છીએ. જુઓ, હું તમારાં બંને માટેની જ વાત કરું છું. જે થયું એ એક દુઃસ્વપ્ન સમજી આગળ વધવું જરૂરી છે. જે થયું એ કેમ થયું? આનો વાંક તેનો વાંક જેવી પળોજણમાં ખુંપતા રહેશો એટલું દુઃખ વધતું રહેશે. કદાચ, ગ્રહો એવા હોય અને એવું બધું થયું હોય એમ વિચારી સારી રીતે આગળ વધવાનો પ્રયત્ન ચોક્કસ કરવો રહ્યો. બંને આ વિશે વિચારી જોજો.
હવે કવિતાએ બોલવું શરૂ કર્યું, " પરમ, હું આ બધાની સામે તમારી માફી માંગુ છું. મારી આ ભૂલ જીવનભર ભૂલી શકાય એમ નથી. મારે ગળે વાગેલા ઘા અને ખભાનો દુઃખાવો હંમેશા એ મૃગજળી વાટે લગાડેલી મારી દોડનો ડંખ બની મને ડંખ્યાં કરશે. તમે મને રાખી શકો તો રાખજો નહિ તો હું તમને છૂટા કરવા પણ તૈયાર છું. હા, આ વાત મેં બહુ વિચારીને કરી છે. હું તમારી નજરમાં તમારાં પ્રેમને લાયક હવે ક્યારેય ન બની શકું એ મારી સજા છે." એણે ઝળઝળિયાં સાથે વાત પૂરી કરી.
થોડીવાર એકદમ સન્નાટો છવાઈ ગયો. બધાંની નજર પરમ તરફ હતી. "જો કવિતા, આ તે ઉઘાડી આંખે જ વ્યથા પાળી છે, ભોગવ્યે છૂટકો! તારી સાથે હું અગ્નિસાક્ષીએ જોડાયો છું. તું જ મારો પ્રથમ અને અંતિમ પડાવ છે, હું એમ તને નહિ છોડી શકું .પણ હા, આ વણદેખ્યો મૃગજળી ડંખ રુઝાતા વાર તો લાગશે." કવિતા નીચી નજરે થોડા અહોભાવથી અને થોડી હીનભાવનાથી રડી રહી હતી. હેમાએ પાણી આપ્યું. થોડી ક્ષણો સુધી કોઈ કંઈ બોલ્યું નહિ.
મિતેષ એ મૌન તોડવાની કોશિશમાં બોલ્યો, " એક જનરલ વાત કરું તો આ સોશિયલ મીડિયામાં દરેક સંબંધ દુઃખ આપવા જ હોય એમ જરૂરી નથી હોતું. એ ઝાંઝવા ઘણાં વિવેકપૂર્ણ નિભાવાતા સંબંધોથી, મરણતોલ થયેલ લાગણીઓને નવજીવન પણ આપે છે. બસ, જરૂર છે ફકત અમુક મર્યાદાઓ સમજવાની. બાકી મને મારાં દોસ્ત પર પૂરો વિશ્વાસ છે કે એ આ ડંખનો સચોટ ઉપાય ટૂંક સમયમાં જ શોધી લેશે." આ સાંભળતાં જ પરમને ચહેરે સકારાત્મક ભાવ દેખાયાં.
વસંતભાઈ બોલ્યા, " સમય જતાં સૌ સારાં વાનાં થશે. ધીરજ રાખજો અને ફરી કોઈ વાસ્તવિક્તાથી ભાગવાના અખતરામાં આવી આભાસી જળ તરફની દોડ ન લગાવતાં."
હેમા બોલી, "સાચી વાત અંકલ, થોડાં સમયની ખુશી મેળવવાના હવાતિયાંમાં ઉઠાવાતું એક ખોટું પગલું જીવનભરનાં દર્દનું કારણ બની શકે છે. વળી, જીવનમાં એકધારાપણું જ તો ચોક્કસ સંબંધને સ્થિરતા આપે છે. તહેવારો, નાની-મોટી ટૂર, પિકનિક, ફેમિલી ગેધરિંગ, દોસ્તો સાથેનું આઉટિંગ વગેરે પણ વિવિધતા આપે જ છે, ફકત દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. નહિ તો આવી જીવનસાથીથી દૂર થઈ લગાવેલી આંધળી દોડ, જીવનભર ન રૂઝાય એવા ડંખ વગર કંઈ નહિ આપે. જે છે એને જ સર્વસ્વ માની સંતોષથી જીવી લેવામાં જ જીવનની સફળતા છે."
સૌ જીવનસફરનો આ એક આકરો પડાવ છોડી, આગળનાં પડાવે જવા આગળ વધ્યાં.
અસ્તુ.