અદભુત શક્તિ ની મદદથી અને જુડવા ભોલુની મદદથી આપણો ભોલુ રાજકુમારીનું કામ કરવા માટે તૈયાર થઈ ગયો. રાજકુમારીએ ભોલુ ને કહ્યું સૌ પ્રથમ તારે તને આપવામાં આવેલ શક્તિનો ઉપયોગ કરીને પહેલા અદૃશ્ય થવાનું છે અને ત્યારબાદ અમારા ગ્રહ ઉપર જવાનું છે. ત્યાં જઈને સૌ પહેલા હું તને જે નકશો આપું છું એ પ્રમાણે આગળ વધીને અમારી એક ખાનગી જગ્યાએ પહોંચવાનું છે એ જગ્યા પહાડ ઉપર આવેલી છે પરંતુ ત્યાં પહોંચવા માટે શક્તિનો ઉપયોગ કરવાનો નથી કારણ કે એ ત્યાં કામ નહીં કરે. ત્યાં પહોંચવા માટે ચાર કિલોમીટર જેવું ચાલીને જવું પડશે અને ત્યાં ત્યાં જવામાં રસ્તામાં બની શકે કે તારી પરીક્ષા પણ થાય. ત્યાં અમારા વિરોધીઓ એટલે કે દુશ્મનો જઈ શકે તેમ નથી પરંતુ જો તું પરીક્ષામા પાસ થશે તો તને ત્યાં જવા દેવામાં આવશે.
એ જગ્યા અમારા રાજ પરિવારનું એક ગુરુકુળ જેવું સ્થળ છે જ્યાં અમારા પરિવારજનો તથા સુરક્ષા દળોને પ્રશિક્ષણ આપવામાં આવે છે અને અમારા રાજ્યના ભાવિ સાથે ઉભા રહી શકે એ માટે તૈયાર કરવામાં આવે છે.
રાજકુમારીએ ભોલું ને શિખામણ પણ આપી કે એ પોતાનું ધ્યાન રાખે અને દિલથી બીજાની મદદ કરવા તત્પર રહે. ત્યાં અમારા લોકો ઉપર થઈ રહેલા અત્યાચાર સામે લડવા માટે પણ તૈયાર રહેવું પડશે.
ભોલુ આવનારી પરિસ્થિતિ માટે તૈયાર થઈને ભગવાનનું નામ લઈને પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. સૌ પ્રથમ એ અદ્રશ્ય થાય છે અને ત્યારબાદ ગ્રહને મનમાં યાદ કરીને તેની સફરે એક ચપટી વગાડતામાં પહોંચી જાય છે.
અદભુત ગ્રહ ઉપર ભોલુ આવી પહોંચે છે તેનું શરીર અદ્રશ્ય છે જેથી કોઈ તેને જોઈ શકે એમ નથી. એ જે જગ્યાએ પહોંચે છે એ જગ્યા ખુલ્લુ મેદાન જેવું છે અને નજીકમાં જ એક ઝાડ અને તળાવ છે. આજુબાજુનું વાતાવરણ પણ એકદમ શાંત છે અને મંદ મંદ પવનની લહેરખી આવી રહી છે.
આજુબાજુ નું અવલોકન કરતા ભોલુના ધ્યાનમાં આવે છે કે અહીં આ શાંતિ કુદરતી નથી પરંતુ કૃત્રિમ છે. કારણ કે એ જોવે છે કે થોડે આગળ જતા આજુબાજુ ઘણા બધા ઘર છે પરંતુ એક પણ ઘરમાંથી અવાજ નથી આવી રહ્યો. જાણે કોઈ રહેતું જ નથી. ભોલુ ધીમે ધીમે આગળ વધે છે ત્યાં એક ઘર બાજુ એનું ધ્યાન જાય છે ત્યાં એક નાનકડી છોકરી શાંતિથી એક પલંગમાં સૂતી છે.
સુમસાન જગ્યાએ આ એક છોકરી કેમ એકલી સૂતી હશે એ વિચારી એ તેની નજીક જાય છે. જ્યારે એની નજીક પહોચીને છે તો જુએ છે કે એની બાજુમાં બીજો પલંગ પણ છે અને એમાં કોઈ સુતું છે પરંતુ એ એક પ્રકારનું પુતળું હોય એમ છે. એટલે એને ખ્યાલ આવી જાય છે એના પરિવારનું જ કોઈ હશે જેને મૂર્તિ સ્વરૂપ આપીને પેલા આક્રમણકારોએ નિર્જીવ બનાવી દીધું છે.
પરંતુ પેલી છોકરી હજુ પણ આરામથી સુતી છે અને એ કેવી રીતે બચી ગઈ હશે એ જોવું રહ્યું એમ વિચારી એ ફરીથી આજુ બાજુનું નિરિક્ષણ કરવા લાગે છે અને બધું જ ધ્યાનથી જુએ છે. થોડી વાર પછી એ છોકરી ઉઠવાની હોય એવું લાગતા ભોલુ તેની નજીક જાય છે અને જુએ છે કે એ શું કરે છે. એ છોકરી ઉઠીને પહેલા તો કોઈ મંત્ર જેવું મનમાં બોલીને હાથ હવામાં ઉછાળે છે અને તરત જ આજુ બાજુનું વાતાવરણ જીવંત થઇ જાય છે. બધા જ આજુ બાજુના ઘરમાંથી નાનો મોટો અવાજ આવવા લાગે છે અને જાણે લોકો ગામમાં આવી ગયા હોય એવું વાતાવરણ ઉભું થાય છે.
ભોલુ ને તો ખુબ જ આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બન્યું. એની જાણકારી એને પેલી છોકરી જ આપી શકે એમ છે કારણ કે એના દ્વારા જ આ બધું બન્યું હોય એવું ભોલુંને લાગે છે. એ ધીમેથી એ છોકરી જે ઘરમાં હતી ત્યાં જાય છે અને એની આશ્ચર્ય વચ્ચે જ પેલી છોકરી એને જોઈ જાય છે અને કહે છે આવી ગયા તમેં?
ભોલુ ફરીથી અસમંજસમાં પડી જાય છે કારણ કે એ હજુ અદ્રશ્ય જ હતો છતાં પેલી છોકરી એને જોઈ શકે છે અને પાછુ વાત એવી રીતે કરે છે જાણે એ તેની રાહ જ જોતી હોય. ભોલુ એની નજીક જાય છે અને પૂછે છે , શું તું મને જોઈ શકે છે? પેલી છોકરીએ કહ્યું,. હા હું જોઈ શકું છું જોતા જોતામાં છોકરી થોડી મોટી ઉમરની હોય એમ તેનું રૂપ બદલાય છે અને તે લગભગ ૨૮-૨૯ વર્ષની કોઈ સ્ત્રી હોય તેવી બની જાય છે અને પછી ભોલુંને જોઇને કહે છે, અમારા ઉપર જેમણે આક્રમણ કર્યું છે તે લોકો નાના છોકરાઓને કાઈ કરતા નથી અને બધા જ મોટા ઉમરના લોકોને એમણે મૂર્તિ બનાવી દીધા છે.
નાના બાળકો એટલે કે લગભગ ભોલુ જેવડા અથવા એનાથી નાની ઉમરના લોકોને એ લોકો કાઈ કરતા નથી પરંતુ તેમના આવ્યા પછી એક અજબનું પરીવર્તન અમારા પ્રદેશમાં થયું છે. કોઈની ઉમર વધતી નથી અને જેવડા હતા એવડા જ રહે છે. એ લોકો દરરોજ કોઈને કોઈ મૂર્તિને જીવંત બનાવે છે અને એના ઉપર કોઈ શક્તિનો ઉપયોગ કરીને તેને દૂર આકાશમાં ફેકીને અદ્રશ્ય કરી દે છે. પછી એનું શું થાય છે ખબર નથી.
ભોલુ પૂછે છે, “તો પછી તમે અને આ બધા લોકો કેવી રીતે બચી ગયા?” પેલી છોકરી કહે છે, “મારું નામ કલાવતી છે. હું આ રાજ્યની રાજકુમારીની સહેલી છું. જ્યારે પેલા લોકોએ અમારી ઉપર આક્રમણ કર્યું ત્યારે અમારા રાજમાંહેલમાં જેટલા લોકો હતા એમાની સાથે હું પણ હતી. પરંતુ કોઈ કામ અર્થે થોડી વાર પહેલા જ બહાર જંગલ તરફ કેટલાક લોકો સાથે ગઈ હતી. એટલે અમે બચી ગયા. પરંતુ જ્યારે પાછા આવ્યા ત્યારે ખબર પડી કે અહિયાં રાજકુમારી સહીત આખો મહેલ ગાયબ થઇ ગયો હતો.”
ભોલુએ પૂછ્યું, “પછી તમે શું કર્યું? “ કલાવતી કહે, “અમે જ્યારે પાછા આવ્યા ત્યારે આક્રમણકારીઓ ને અમારા મહેલની જગ્યાએ જોયા. ત્યાં એ લોકો અમારા આખા પ્રદેશ ઉપર કેવી રીતે કબજો કરવો અને હવે આગળ શું કરવું એની ચર્ચા કરી રહ્યા હતા. આમ તો એ લોકો માનવી જેવા જ છે પરંતુ અમારા કરતા એ લોકોની ઉચાઈ અને તાકાત વધારે છે અને તે લોકો જાદુ જાણે છે કારણ કે એ લોકો જ્યારે પણ અમારા લોકોને જુએ કે તરત જ પહેલા એને પુતળું અથવા મૂર્તિ જેવા બનાવી દે છે જેથી કોઈ એમનો વિરોધ જ કરી શકતા નથી.” ભોલુ એ પૂછ્યું,” તો તમે કેવી રીતે બચી ગયા?”
કલાવતીએ આગળ વાત કરી, “ અમે જ્યારે પાછા આવ્યા અને અમને જાણ થઇ કે આ લોકો આખો પ્રદેશ કબજે કરવાના છે. એટલે અમે તરત જ રાજકુમારીએ શિખવાડેલ વિદ્યાથી અદ્રશ્ય થઇ ગયા. અને અમે લગભગ ૨૫ જણા જેમ તેમ દિવસો પસાર કરીએ છીએ. એ લોકોનો સામનો કરવા માટે ગમે તેટલી તાકાત પણ ઓછી પડે છે. પરંતુ એ લોકો નાના બાળકો ઉપર કાઈ નથી કરતા એટલે નક્કી એમાં કોઈક રહસ્ય હોવું જોઈએ. પરંતુ અમે બધા જ મોટી ઉમરના છીએ અને એની સામે જઈ શકીએ તેમ નથી. એટલે હું આ બધા લોકોનું ધ્યાન રાખું છું અને રાતના સમયે નાની છોકરીનું રુપ લઈને અદ્રશ્ય થઇ જાઉં છું. પરંતુ જે લોકો અદ્રશ્ય થવાની વિદ્યા જાણે છે એ મને જોઈ શકે છે.”
રાત્રીના સમયે હું બધાને અદ્રશ્ય કરી દઉ છું અને હું એક જ નાની છોકરીનું રૂપ લઈને બધાનું ધ્યાન રાખું છું. અમારા દેશના રાજગુરુ પાસેથી એક વખત સંદેશો આવ્યો હતો કે કોઈ નાની ઉમરનો છોકરો અમને લોકોને આ આક્રમણકારીઓથી બચાવવા માટે આવવાનો છે એટલે જ અમે લોકો તમારી આતુરતાથી રાહ જોતા હતા.