કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા ગયેલા અમુક મિત્રો જ્યારે મેકઅપ રૂમમાં જ રોમાન્સ કરવા લાગ્યા ત્યારે, બહાર સ્ટેજ ઉપર ચાલુ ગેમમાં સુનીલ અને આશા બંને એકસાથે બ્લાસ્ટ થઈ જાય છે અને તેમનું લોહી આસપાસ બધે ફરી વળે છે.
ધમાકો થતાની સાથે જ બાકીના બધા દોસ્તો એકદમ ગભરાઈ જાય છે. છોકરીઓ એટલી હદે ડરી ગઈ હતી કે એકસાથે ચિલ્લાવા લાગી. આખા હોલમાં ચીસાચીસ અને દોડાદોડ થઈ ગઈ. કોઈને કંઈ સૂઝતું નહોતું કે હવે શું કરવું, ક્યાં જવું..?
રજત બને એટલી જલ્દીથી દોડીને જે બારણે થી તેઓ આવ્યા તે બાજુ દોડ્યો. તેની પાછળ બાકીના મિત્રો પણ દોડવા લાગ્યા. તેઓએ ઘણી કોશિશ કરી પરંતુ એકવાર બંધ થયેલું બારણું ખૂલવાનું નામ ન્હોતું લેતું.
તરત જ બધા તે જ દિવાલે રહેલા બીજા બારણાને ખોલવા માટે દોડ્યા. બીજા બારણે પણ તેઓને નિરાશા જ મળી. તે બારણું પણ જાણે બહારથી બંધ કર્યું હોય તેમ એકદમ જામ થઈ ગયેલું હતું.
હવે મોટા હૉલની અંદર ચીસાચીસ એકદમ વધી ગઈ. થોડી વારમાં જ તેમની સામે રહેલી એક મોટી લાઈટ ધડાકાભેર તૂટી ગઈ. તે લોકો એક ધમાકામાંથી હજી બહાર નહોતા આવ્યા ત્યાં આ બીજો ધમાકો સાંભળીને બધા વધારે ડરી ગયા.
વિરાટે તે સમયે એકદમ સૂઝબૂઝ વાપરી અને બધાને શાંત કર્યા. બધા એકસાથે એક બંધ હોલમાં એક જગ્યા એ ઊભા હતા. હવે શું કરવું અને કેવી રીતે બહાર નીકળવું તેના જ વિચારો અત્યારે બધાના દિમાગમાં ચાલી રહ્યા હતા. તેમ છતાં કોઈને કંઈ પણ સૂઝતું ન્હોતું.
અચાનક જ પેલા વાગી રહેલા માઈકમાં જોરથી તીણો અને કર્કશ અવાજ આવ્યો. એવું લાગ્યું જાણે કોઈએ દર્દમાં ચીસ પાડી હોય. તરત જ થોડીવાર માટે માઈકમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો. વળી પાછું ધીમું પણ આ વખતે વધારે ડરામણું મ્યુઝિક વાગવા લાગ્યું.
પેલી લાઈટો ફૂટવા ના કારણે આખા હોલમાં અંધારું પ્રસરી ગયું હતું. પણ આ અંધારામાં અચાનક કંઇક નેગેટિવ ઊર્જા વધવા લાગી. વિરાટ સમેત બધાને આ નેગેટિવ ઊર્જા મેહસૂસ થઈ રહી હતી. જેમ જેમ આ નેગેટિવ ઊર્જા મેહસૂસ થઈ રહી હતી તેમ બધાનો ડર વધી રહ્યો હતો. બધા એકબીજાની નજીક નજીક ઊભા હતા પણ કોઈના મોઢેથી કોઈપણ પ્રકારનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો. બધાએ એકબીજાના હાથ પકડી રાખેલા હતા.
એકાએક આખા હોલમાં એક ઠંડી હવાની લહેર પ્રસરી વળી. ઠંડી હવાની લહેર આવી કે પછી તરત એક અત્યંત ગંદી વાસ, ગરમ હવા સાથે ફેલાઈ ગઈ. આ વાસ એટલી ભયાનક રીતે ગંદી હતી કે ત્યાં ઉપસ્થિત દરેકના માથામાં ભયંકર દુખાવો થવા લાગ્યો. એવું લાગ્યું જાણે કોઈ મરેલી અને સડી ગયેલી લાશ તે રૂમની અંદર મૂકી દેવામાં આવી હોય. કોઈને કંઈ જ સમજાઈ ન્હોતું રહ્યું કે ક્યાં જાય અને શું કરે. બધા ગભરાઈને એક ખૂણામાં ભેગા થયા હતા. આમ તેમ ક્યાંય જવાય એવું ન્હોતું એટલે ત્યાં જ બધા બેસી ગયા.
અચાનક જ અરૂણને કંઇક અજીબ મેહસૂસ થયું. તેને લાગ્યું કે તેની પાછળ કોઈ ઊભું છે અને એકદમ ધીમા અવાજે તેના કાનમાં કંઈક કહી રહ્યું છે. ધીમે ધીમે અરુણે પાછળ ફરીને જોવાની કોશિશ કરી. પાછળ ફરતાની સાથે જ તેના મોં માંથી એક ચિખ નીકળી ગઈ.
અરુણ જે જગ્યાએ ઊભો હતો તેની પાછળ ઊભી દિવાલ ઉપર કોઈ ચાલી રહ્યું હતું. કોણ છે એ દેખાઈ તો ન્હોતું રહ્યું પણ જે પગલાં પડી રહ્યા હતા તે કંકુ પગલાંની જેમ લોહીના લાલ પગલાં પાડી રહ્યું હતું.
આ લાલ પગલાં જોઇને તો અરુણ એટલો નહોતો ગભરાયો પણ જ્યારે તેનું ધ્યાન દિવાલ અને છત બંને એકબીજાને મળતા હતા ત્યાં સુધી લાલ પગલાં પાછળ ગયું, ત્યારે ત્યાંથી તે પગલાં આગળ વધવાના બંધ થઈ ગયા. પગલાં બંધ થવાની સાથે જ કોઈ સફેદ ધુમ્મસ જેવો પડછાયો ત્યાંથી અરુણ ઉપર કૂદી પડ્યો. જેના લીધે અરુણ એકદમ ડરી ગયો અને ચીસો પાડવા લાગ્યો. પણ થોડી જ વારમાં તેની ચીસો એકદમ શાંત થઈ ગઈ. અરુણ બીજી જ ક્ષણે ડઘાઈ ગયો અને વધારે પડતો ડરી જવાથી ત્યાં જ તેનું મૃત્યુ થયું.
અરૂણની લાશ પોતાની સામે જોઈ દિવ્યા જોર જોરથી રડવા લાગી. ત્યાં હાજર દરેક જણ ખુબ જ ડરી ગયા હતા પણ કોઈ કંઈ સમજી ન્હોતું શકતું કે તેમણે શું કરવું જોઇએ. બધા ચીસો પાડવા અને રડવા સિવાય કંઈ જ કરી નહોતા શકતા. વિરાટ અને વિનય બંને તેઓને પોતાની સાથે લઈને બીજી તરફ જવા લાગ્યા. તેઓ સમજી ગયા હતા કે નક્કી કંઇક તો છે જે અત્યારે તેમના ત્રણ મિત્રોને મોત ને ઘાટ ઉતારી ચૂક્યું હતું. જેના વિશે તેઓ કંઈ પણ જાણતા નહોતા.
બધા અરુણની લાશ જ્યાં હતી ત્યાંથી દૂર દરવાજા તરફ જવા લાગ્યા, પણ દિવ્યા અરૂણને છોડીને જવા ન્હોતી માગતી. તે ત્યાં જ અરુણની લાશ પાસે જ બેસી રહી. તેને શીતલ અને બાકીના બધા દોસ્તોએ ખુબ સમજાવી પણ તે એકની બે ન થઈ.
વિરાટ જાણતો હતો કે આ જે શક્તિ છે તે હજી સુધી ભૂખી જ છે, અને તે હજી વધારે બલી લેશે જરૂર. છેવટે તેણે દિવ્યાને ત્યાંથી ખેંચી અને પોતાની સાથે લઈ જવા લાગ્યો. જય તરત જ વિરાટની મદદ કરવા લાગ્યો. દિવ્યા પોતાના હાથ વડે અરૂણનો હાથ છોડી ન્હોતી રહી, એટલે જ્યારે વિરાટ અને જય તેને લઈ જવા લાગ્યા તો અરુણની લાશ થોડીવાર તેની સાથે ઢસડાઈ, પણ દિવ્યાના હાથમાં વધારે તાકાત ન્હોતી રહી. દુઃખ અને દર્દ ના લીધે તેના હાથ કંપી રહ્યા હતા.
એક તરફ દિવ્યા એ જે મેકઅપ કરેલો હતો તે ડરામણો હતો અને બીજી તરફ તે ચિખી ચિખીને રડી રહી તેના જે બંધ હોલમાં પડઘા પડી રહ્યા હતા તે ડરાવી રહ્યા હતા. તેમ છતાં તેઓ પોતાની દોસ્ત ને એકલી છોડીને જવા નહોતા માગતાં. એટલે પોતાની સાથે દિવ્યાને લઈને તેઓ અરુણની લાશ થી દુર પેલા બારણાં પાસે આવી ગયા.
જેવા તેઓ હોલમાં બારણાં પાસે પહોંચ્યા કે તરત જ એકદમ ઝડપથી બારણું ખૂલ્યું. બધા બારણાં તરફ જોઈ જ રહ્યા હતા. ખુલેલા બારણાંમાંથી એક સફેદ પડછાયો આવ્યો અને તરત જ દિવ્યાને પોતાની સાથે ખેંચી ગયો. દિવ્યાની ચીસ તેઓને તેમનાથી દૂર જતી સંભળાઈ. ચીસ અને દિવ્યા બંને તેમની આંખોથી પળવારમાં દૂર થઈ ગયા. જ્યારે દિવ્યા તેમનાથી દૂર ગઈ કે તરત જ પેલું બારણું બંધ થઈ ગયું. વળી પાછા હતા એમને એમ બધા હોલમાં બંધ થઈ ગયા.
હમણાં જે સફેદ પડછાયો દેખાયો હતો તે માત્ર અરુણને જ દેખાયો હતો પણ અત્યારે જે પડછાયો આવ્યો તેને ત્યાં ઉભેલા દરેક જણે જોયો હતો. તે પડછાયો નક્કી કોઈ ચુડેલનો જ હતો. ચમકતી આંખો, સફેદ વાળ, વધી ગયેલા મોટા મોટા નખ, સફેદ પડી ગયેલી ચામડી, ગંધાઈ રહેલી વાસને પોતાની સાથે લઈને ફરી રહેલી ચુડેલ તેમણે પોતાની આંખે જોઈ હતી.
વિરાટ અને જય બંને એકબીજા સામે જોતા જ રહી ગયા. તેઓ પોતાની આંખોની સામે જ પોતાના મિત્રોને મરતા જોઈ રહ્યા હતા અને તેમને બચાવવા માટે કંઈ જ કરી નહોતા શકતા. તેઓ તો બસ અહીં આવ્યાનો મનમાં અફસોસ કરી રહ્યા હતા અને રડી રહ્યા હતા. અમુક ચીસો પાડી રહ્યા હતા. તેઓ બસ એ સમજી નહોતા રહ્યા કે આ બધું ચાલી શું રહ્યું છે..!
કોઈ જાણતા નહોતા કે આ ગેમ છે કે સાચે જ તેમના મિત્રો મરી રહ્યા હતા. ન તો તેઓ બહાર જઈ શકતા હતા કે ન તો કોઈને આ બાબત વિશે કંઈ પુછી શકતા હતા.. એક તરફ અંધારું અને ડર તેમના ઉપર હાવી થઈ ગયા હતા જેના કારણે દરેક જણ પરસેવે રેબઝેબ થઈ ગયેલા હતા.
તેઓ એકદમ સુન્ન દિમાગ સાથે બારણાં પાસે ઊભા હતા. અચાનક જ પાસેનું બારણું કોઈએ ખટખટાવ્યું.
ટક ટક ટક...
બારણું કોણે ખટખટાવ્યું હતું?
શું તેઓ જીવતા આ હોટલમાંથી બહાર જઈ શકશે?
આખરે કોણ હતું કે જેણે તેમના આટલા મિત્રોના જીવ લીધા હતા અને શા માટે..?
આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
'પ્રેત સાથે પ્રીત: રોમેન્ટિક ગેમ..'
ક્રમશ:
Dr Dipak Kamejaliya
'શિલ્પી'