HUN ANE AME - 33 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 33

Featured Books
Categories
Share

હું અને અમે - પ્રકરણ 33

રાતે રાધિકાના ઘરમાં પણ શાંતિ નહોતી. હકુકાકા અને મહેશ બંને ભેગા થઈને વિચારી રહ્યા હતા કે આ મુદ્દાનું હવે શું કરવું? તેઓની પ્રથા એવી કે સ્ત્રીએ કોઈ પણ વિષયમાં વધારે ડહાપણ નહિ કરવું. ઘરના બધા લોકો હાજર હતા અને હકુ ચિંતામાં આમ-તેમ ચક્કર લગાવતો હતો. કાર્તિક તેની સાથે ન આવ્યો એ વાતથી ચિડાઈને તે પોતાની પત્ની વર્ષા પર બધો ગુસ્સો ઉતારતો હતો. "ઘરમાં હું તો ન્હોતો રહેતો પણ મારી ગેર હાજરીમાં આવા સંસ્કાર આપ્યા છે તે તારા દીકરાને? જોયું... જોયુંને તે? પેલી બે કોડીની છોડી હાટુ થઈને તે રાધિકાના ઘેર રહ્યો. હું સાદ કરું છું તો સામુય નથી જોતો."

ફઈ તેને રોકતા વચ્ચે બોલ્યા; "બસ હકુ, એમાં વર્ષાને શું કામ ખીજાય છે?"

"તો શું કરું ફઈ? હું દરવાજે ઉભો ઉભો સાદ કરતો રહ્યો અને એણે એકવાર પણ મારી સામે ન જોયું!"

મહેશ કહેવા લાગ્યો, "કાર્તિક તો નાનો સમજો એનાથી ભૂલ થાય. પણ મને તો સતત એક જ વિચાર આવે છે કે રાધિકા રાકેશની સાથે!..., અરે એના જ ઘરમાં રહે છે! આપણને તો એમ હતું કે એ બધું ભૂલી ગઈ છે અને પેલો એનાથી બહુ દૂર ક્યાંક ખૂણામાં પડ્યો હશે. આટલું બધું થયા પછી પણ રાધિકાએ એને સાથે રાખ્યો."

હકુ કહે; "રાધિકા પાસેથી આવી આશા જ ન્હોતી!"

ફઈ બોલ્યા; "હકુ, મહેશ તમે લોકો હજુ એને ખોટી સમજો છો?"

વનિતા કહેવા લાગી, "તો શું કરવું ફઈ? હકુભાઈ અને મહેશ સાચું જ તો કહે છે. રાધિકાને માટે આપણે શું વિચારતા હતા અને આજે હકીકત શું નીકળી? એની પાસેથી આવી આશા આપણે તો ન્હોતી જ રાખી."

ગુસ્સે થઈ શાન્તા ફઈ એકાએક ઉભા થઈ ગયા અને તેઓને કહેવા લાગ્યા, "આ શું માંડ્યું છે ક્યારનું? આટલા સમય સુધી રાધિકા ચૂપ રહી તો કોઈને ના સમજાયું! પણ આજે એણે બધાની સામે હિંમત કરી બોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને સમજાયું કે સાચું શું છે ને ખોટું શું છે?"

મહેશે આશ્વર્ય સાથે પૂછ્યું; "એટલે તમે શું કહેવા માંગો છો ફઈ?"

"એ જ જે સાચું છે. તને તારી બહેન જુઠ્ઠી લાગે છેને મહેશ! એકવાર જોઇજો પોતાને, તે કેવા કામ કર્યા છે એ બધાને ખબર છે. શું એ બધું બરાબર હતું?"

હકુ કહેવા લાગ્યો, "એ વાત જુદી છે ફઈ અને કાર્તિકની વાત જુદી છે."

"મને તો કશો ફેર નથી લાગતો કે ના કોઈ ખોટું દેખાતું."

"કદાચ એ તમારો વ્હેમ હશે ફઈ પણ તમે હજુ સમજ્યા નથી." હકુની આ વાતથી ચિડાઈ ફઈનો ગુસ્સો વધ્યો અને મનોમન એણે બધાને ભાનમાં લાવવાનું નક્કી કર્યું. ઘરના બધા સભ્યોની જેમ ફઈ પણ વિચારી રહ્યા હતા કે રાધિકા ખોટું બોલે છે. પણ રાધિકાએ આજે જ્યારે બધો ખુલાસો કર્યો ત્યારે તેને સમજાય ગયું કે હવે શું કરવું જોઈએ? એટલે જ તેણે મનોમન આ વાતનો નિર્ણય કરી લીધો.

તેણે હકુને પૂછ્યું, "હા, છે. એ મારો વ્હેમ છે. તો તું કેને એવું શું છે જે વ્હેમ વગરનું છે? માન્યુ કે રાધડી ખોટી છે. તો સાચું શું છે? એ તું કેને. તું ક્હે મઈલા."

બેમાંથી કોઈ કશું ના બોલ્યા. હકુએ બોલવાની હિંમત કરી પણ ફઈને શું જવાબ આપવો એમ વિચારી તે શાંત થઈ ગયો. તેણે ફરી કહ્યું, "બેમાંથી કોઈ પાસે જવાબ નથી. મને ખબર છે કે તમને શું તકલીફ છે? અવની ને જોઈ ત્યારથી તને કાર્તિકની ખબર હતી, પણ તે રાકેશની બહેન છે એટલે જ તમે વિરોધ કરો છોને?"

મહેશે કહ્યું, "હા, હા ફઈ એટલે જ."

બાજીને બગડતા જોઈ વનિતા વચ્ચે કૂદી અને તેઓને સમજાવવા લાગી, "મહેશ, આ શું માંડ્યું છે તે? ફઇની સામે આ રીતે વાત કરે છે! આ વાતનો જે નિર્ણય થાય તે. આમ અંદરો અંદર તમે બધા તો ના ઝઘડો."

હકુએ પણ એની હા માં હા ભેળવી, "હા મહેશ, આમ તકરાર કરવાનો કોઈ મતલબ નથી. ફોન કર અને પૂછ રાધિકાને કે કાર્તિક ભાનમાં આવ્યો હોય તો અહીં આવી જાય. આમેય એનું કંઈ થવાનું નથી. જુઠા સપના મેલી દે અને ઘર ભેગો થાય."

મહેશ ફોન કરે એ પહેલા એના ફોનમાં રિંગ વાગી. ફોન હાથમાં લઈ નામ જોયું અને બધાને કેહવા લાગ્યો, "મયુર કુમારનો ફોન છે!"

હકુએ કહ્યું, "ઉપાડ અને વાત કર."

ફોન લઈ તે મયુર સાથે વાત કરવા લાગ્યો, "હેલ્લો!"

"અરે મહેશભાઈ, મારી તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. એટલા માટે ફોન કર્યો."

"હા બોલો કુમાર!"

"તમારા લોકોના ગયા પછી કાર્તિકની જિદ્દે અમે રાકેશસરને મળવા ગયેલા..."

"તો શું કહ્યું એણે?"

"અમે એની સાથે અવની માટે વાત તો કરી છે. પણ એમણે કાલે તમને બધાને મળવા બોલાવ્યા છે. એમનો પૂરો પરિવાર પણ આવવાનો છે. તો તમને બોલાવવા માટે એવોએ મને કહ્યું છે, તો તમારા લોકો વતી શું જવાબ આપું?"

"હું તમને ફોન કરીને જવાબ આપું."

"ઠીક છે." કહેતા મયુરે ફોન મુક્યો. આ સમાચાર તેમણે બધાને સંભળાવ્યા. ફઈએ તરત જવાબ આપ્યો, "તો એમાં વિચારવાનું શું હોય? ચાલો કાલે જઈએ અને વાત કરી બધું નક્કી કરીયે. આમેય લલ્લુભાઈ ક્યાં આડા પડવાવાળા માણસ છે!"

મહેશ બોલ્યો, "ઈ વાત તમારી સાચી છે. પણ મને તો લાગે છે કે એણે જાણી જોઈને આપણને લોકોને બોલાવ્યા છે. જેથી આપણું એની સામે નીચા જોયું થાય."

હકુએ સાથ પુરાવતા કહ્યું, "તારી વાત મને પણ બરોબર લાગે છે. મયૂરકુમાર એની પાસે વાત લઈને ગયા હશે! એક દિ' ના સમયે આપણે એની સાથે જે કર્યું એ હવે કાર્તિકના લીધે એ આપણી સાથે કરશે. હશે! વાંક મારા દીકરાનો છે તો સહન તો મારે કરવું પડશે જ ને! ક્યાં જઈશ. ખોટો સિક્કો પણ રાખવો તો પડશે જ ને! ગરજ સારી છે પેલા રાકેશે. જાણી જોઈને તીર ચલાવ્યું છે. હવે આપણે એની પાસે જઈને હાથ લાંબો કરવાનો? સાચું જ કહ્યું છે, વખત આવ્યે ગધેડાને પણ બાપ કહેવો પડે."

ફઈ કહેવા લાગ્યા, "બસ, તમારા બધાની આજ વાર્તા છે. આ બધી હકીકત જાણ્યા પછી પણ તમને એ બીક છે કે કાલે એ તમે કર્યું એવું કરશે. પણ મને રાકેશ ઉપર ભરોસો છે. ખાનદાની માણસ છે, આટલો મોટો બિઝનેસમેન થઈને તમારી જેવું હલકું કામ નહિ કરે."

હકુ બોલ્યો, "ઠીક છે ફઈ. તમે કહ્યું એટલું માન્યું. પણ મને એ સમજાવો કે લલ્લુભાઈને કોઈ દીકરી નથી! નિરવ ને રાકેશ બે જ છે, તો એની બહેન અચાનક ક્યાંથી પ્રગટ થઈ?"

"એ બધું ત્યાં જઈને વાત કરીશું એટલે સમજાય જશે. ને જો એના માટે નહિ તો કાર્તિકને લેવા તો જવું જ પડશે. મહેશ તું કુમારને ફોન કર અને કહીદે કે કાલે અમે આવીશું."

ફઈને આજે રાકેશના વિષયમાં એવો અહેસાસ થયો કે એ એક સારો વ્યક્તિ છે કે પછી રાધિકામાં એને કોઈ ખોટ ન્હોતી દેખાતી એ ન સમજાયું. પણ જેમ કાર્તિકની કરેલી જિદ્દે રાધિકાને પીગાળી દીધી અને રાકેશ સાથે વાત કરવા મજબુર કરી એમ ઘરમાં ફઇની કરેલી જિદ્દે બધાને રાકેશ સુધી જવા મજબુર કરી દીધા. મહેશે મયુરને ફોન પર જાણ કરી કે તેઓ કાલે આવશે અને આ સમાચાર સાંભળી રાધિકા અને કાર્તિક બંને ખુશ થઈ ગયા. આ બાજુ રાકેશને પણ પોતાના પરિવારમાં આ અંગેની જાણ કરવાની હતી. પરંતુ આટલા વર્ષો સુધીમાં એકવાર પણ એની હિંમત ન ચાલી કે તે પોતાના પપ્પાને ફોન કરે, તો આવડી મોટી વાત એ કઈ રીતે કરે?

તેના ઘરમાં તો નિરવ સિવાય કોઈને એ પણ જાણ નથી કે અવની જેવી કોઈ વ્યક્તિ છે. પહેલા તેણે વિચારેલું કે અહમને મોકલે. પણ આવા કામ માટે તે યોગ્ય નથી. આ વાતનો રસ્તો કાઢવા અંતે તેને પોતાની શિવાની દીદી અને સાગર પટેલની યાદ આવી. તેણે નક્કી કર્યું કે વાત શિવાનીદીદી અને સાગર પટેલના થકી પહોંચાડવી અને જો પપ્પા માને તો તેને લેવા માટે અહમને મોકલવો. મહેશના ઘરમાં જ્યારે આ બધી ધમાલ અને મંથનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સામે લલ્લુભાઈના ઘેર શિવાની અને સાગર બંને રાકેશનો સન્દેશો લઈને પહોંચ્યા.

ગીતાએ દરવાજો ખોલ્યો તો રાતના સમયે તેઓને જોઈને વિસ્મિત રહી ગઈ.

"સાગર પટેલ તમે આટલી રાતે?"

તો પાછળથી તેઓના આવવાનો અવાજ સાંભળી નિરવ અને લલ્લુકાકા બંને બહાર આવ્યા. નિરવ પૂછવા લાગ્યો; "કોણ છે મમ્મી?"

"અરે સાગર પટેલ અને શિવાની છે, ... આવો, આવો!" કહેતા તે તેને અંદર લઈ આવી.

બેસીને થોડીવાર સારા સમાચારની વાતો કર્યા બાદ લલ્લુકાકાએ તેઓના આવવાનું કારણ પૂછ્યું. ઉત્તર કોણ આપશે એવા આશ્રયથી તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા. અંતે સાગરે માથું ધુણાવી પોતે વાત કરશે એવો ઈશારો કર્યો. આ જોઈ લલ્લુએ ફરી પૂછ્યું, "શું વાત છે બેટા? તમે લોકો આમ ચૂપ કેમ થઈ ગયા? બધું બરાબર તો છેને?"

"મામા, અમે તમારી બધા પાસે એક ખાસ વાત લઈને આવ્યા છીયે."

"ખાસ વાત! શું વાત છે?" લલ્લુ એ ફરી પૂછ્યું.

સાગરે જવાબ આપતા કહ્યું, "નિરવ ભાઈ, તમે તો જાણો જ છો કે રાકેશ આજકાલ અહીં સુરતમાં જ રહે છે."

"હા, મને ખબર છે. ઈનફેક્ટ, અમને બધાને ખબર છે."

"તો તો એ પણ જાણતા હશોને કે તે એકલો નથી?"

ઘરમાં નિરવ સિવાય બધાજ અજાણ હતા. સાગરના આવા સવાલની સામે લલ્લુએ સવાલ કર્યો, "એટલે? તમે કહેવા શું માંગો છો?"

"મામા, નિરવ અને હિતેશ એકવાર રાકેશને મળવા ગયેલા. એટલે એને બધી જાણ હશે. પણ તમને કદાચ તેઓએ કહ્યું નહિ હોય કે રાકેશ જ્યારે અહીં પાછો આવ્યો ત્યારે એની સાથે અવની નામની એક છોકરી પણ આવેલી. એ અવનીને પોતાની બહેન માને છે."

"તો?!" નિરવે પૂછ્યું.

"અચાનક કેવી રીતે ને શું થયું? એ અમને વધારે ખબર નથી. પણ અમે રાકેશનો સંદેશો લઈને આવ્યા છીએ."

"કેવો સંદેશો?" લલ્લુકાકાએ પૂછ્યું.

"મામા! અવનીના લગન માટે કોઈ વાત ચાલી છે. આવતીકાલે મહેમાન આવે છે. એટલે એણે તમને બધાને ત્યાં હાજરી આપવા આવવાની વિનંતી કરી છે. એણે કહ્યું કે આ અંગેનો નિર્ણય તમે બધા લ્યો. એ બહાને અવની સાથે પણ તમારી મુલાકાત થઈ જશે. જો આપ આવવા તૈય્યાર હોય તો કાલે એનો કોઈ માણસ તમને લેવા માટે આવશે."

આ સાંભળી બધા સુનમુન થઈ ગયા. સાગરે નિરવને ઉત્તર આપવા કહ્યું. પણ તેણે પોતાના પપ્પા સામે જોતા કહ્યું, "સાગર કુમાર, તમે તો ખાલી એની વાત લઈને આવ્યા છો. એટલે વધારે તો શું કહેવું? પણ અમારા બધા વતી જે નિર્ણય કરવાનો છે, તે પપ્પા કરશે. અમે પણ એજ કરીશું જે એ કહેશે."

ગીતા સામે જોતા તેણે બંનેને કહ્યું, "હું સવારે તમને ફોન કરી જણાવી દઈશ." અને ઉભો થઈ પોતાની રૂમમાં જતો રહ્યો. બીજા લોકો સાથે વાતો કરી અને મામાને મનાવવાના પ્રયત્ન કરજો એવી સલાહ આપી શિવાની અને સાગર પણ પોતાનું કામ પતાવી ચાલતા થયા. બહાર જઈ ઘરમાં જે કઁઇ બન્યું એની વિગતના સમાચાર તેણે રાકેશ સુધી પહોંચાડી દીધા.

પોતાની રૂમમાં એકલા બારી પાસે ઉભા ઉભા લલ્લુભાઈ આ બધી ઘટના અંગે વિચાર કરી રહ્યા હતા કે ગીતાએ અંદર પ્રવેશ કર્યો. તેને એ રીતે ઉભેલો જોઈ તેની પાસે ગઈ. " કેમ અહીં ઉભા છો?"

તે થોડું હસતા ભરેલા ગળાથી બોલ્યા, "ગીતા! આપણા છોકરાંઓ એટલા મોટા થઈ ગયા છે ગીતા?"

તેણે પણ એવા જ સ્વરમાં જવાબ આપ્યો, "સમય બધાને ચાલતા શીખવાડી દે છે, નીરવના બાપુ."

"શું લાગે છે તને?"

"મને મારા દીકરામાં કોઈ દિવસ દોષ નથી દેખાયો. તે જ્યારે આપણે ઘેર પાછો આવ્યો, ત્યારે મારુ મન તો રાકેશને સદાયને માટે રોકી લેવા કહેતું હતું. એણે અત્યાર સુધી શું કર્યું? અને શું નહિ? એ મને ખબર નથી. પણ એણે અવનીને રાખી છે તો જરૂર કોઈ કારણ હશે!"

"પણ આ વાત નિરવ જાણતો હતો. ગીતા, એણે પણ આપણને બેમાંથી કોઈને ના કહ્યું! શું કામ? આટલું બધું થયા છતાં એણે આ વાત કેમ ચૂપાવી હશે?"

"ડર, કદાચ ડરને લીધે!"

"પણ એ એના બાપથી શું કામ ડરે? એવી તે શું હરકત? કે આપણા છોકરાઓ આટલી મોટી વાત આપણને કહેતા ડરે છે."

"એનો જવાબ તો એને જ ખબર. એણે વાત કરી કે ન કરી, એ આપણાથી વાત કરતા કેમ અચકાય છે? આ બધું હવે જવા દ્યો. પણ મને ખુશી છે કે આપણા દીકરાઓ એના દરેક કામ એના માં-બાપને પૂછીને કરે છે. એણે આપણી સલાહ માંગી છે. એને હા કહો અને એના કામને યોગ્ય દિશામાં લઈ જવા એને સાથ આપો. આમેય, રાકેશ જ્યારે આવેલો ત્યારે તમે એની સાથે સરખી રીતે વાત પણ ન્હોતી કરી. આજે એના કામમાં એનો સાથ આપો. જે આવી છે એને એણે જો બહેન કરી હોય, તો આપણે પણ એના માં-બાપ થવું પડશેને?"

"તારી વાત સાચી છે ગીતા. રાકેશ માટે નહિ, તો પણ અવની માટે આપણે જવું પડશે." તેનાથી આટલું જ બોલાયું ને પછી તે ચોધાર આંસુએ રડી પડ્યો. પોતાના દિકરાથી આટલા વર્ષો વેગળા રહેવું સહેલું થોડું છે? અને ઈચ્છા ન હોવા છતાં પોતાના દીકરાને જાકારો આપવો પડે તો આનાથી મોટો હૃદયનો ભાર એક બાપ માટે બીજો શું હોય શકે? સવાર પડતાં જ આ વાત રાકેશ અને મયુરના ઘરમાં પહોંચી ગઈ કે આજે સાંજે બંને પરિવાર ભેગા થવા જઈ રહ્યા છે.

વાત સાંભળી રાકેશને મન પોતાનો વિચાર સાકાર થતો જણાયો. તેણે કરેલા ઠરાવ પર આખરે પોતીકાઓનો સાથ મળતો જણાયો. પણ અવની કોણ છે એ પ્રશ્ન હજુ હકુકાકાના પરિવાર માટે ઉભો છે. બધી વાત જાણી શું પ્રતિક્રિયા આવશે એના આગવા અનુમાન રાકેશના મનમાં અશાંતિ પેદા કરતા હતા. પણ પોતાની બહેનના મનગમતા માટે એને પણ પાર પાડવાનો અડીખમ નિર્ણંય કર્યો. પરંતુ તે પોતાના પરિવારને એકવાર મનાવી શકે, કાર્તિકના પરિવારને કઈ રીતે મનાવે? ઉભા થયેલા વમળમાં રાકેશ પણ એટલો જ ખુંપેલો હતો. બધા ભેગા થઈ આખરે કયો ઠરાવ મંજુર કરશે?