Savai Mata - 54 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 54

Featured Books
Categories
Share

સવાઈ માતા - ભાગ 54

લેખન તારીખ : ૧૭-૦૨-૨૪

જ્યાં સુધી સુશીલા અને વીસળ મજૂરી કરતાં ત્યાં સુધી તેમને અવારનવાર સવલી મળતી રહેતી. તે બધાં એક જ કોન્ટ્રાક્ટર સાથે સંકળાયેલાં હતાં. પણ સુશીલાનાં બાળકો, ખાસ કરીને શામળ સારી રીતે ભણી જતાં તેમનાં રહેઠાણ અને કામકાજ નોખાં થઈ ગયાં હતાં. તોય સુશીલા વાર-તહેવારે સવલી અને તેના પરિવારને મળી આવતી.

રમીલા સિવાયના સવલીનાં બાળકો હજી સારી તક પામ્યા ન હતાં તેનો સુશીલાને મારે રંજ રહેતો. તે મેવાને ઘણીવાર કહેતી કે થોડું ભણીને શામળની જેમ કામે લાગે પણ મેવાને ગલી-મહોલ્લાના નાકે પાન-બીડીની લારી ઉપર વધુ ફાવટ હતી. તે દા'ડીએ જાય તે દિવસે તો સાવ રાજાપાઠમાં રહેતો. આવેલ રકમમાંથી સમોસા, ઠંડું પીણું ને કુલફી લઈ આવતો પણ જાયારે કામ ન મળે તે દિવસે બીડી ફૂંકતો રહેતો. તે મજૂરવાસની શાળામાં પણ માંડ બે ધોરણ ભણેલો. જ્યારે રૂપિયા સાવ જ ખૂટી પડે ત્યારે પોતાની ઘરવાળી પાસે ઉઘરાણી કરતો અને તે ન આપે તો ઘરબહાર જઈ રાડારાડ કરતો.

રૂપિયાની તંગી મનને અતિશય સતાવે તો નાની-મોટી ચોરી પણ કરી લેતો. મોટા માણસના ખિસ્સે હાથ નાખવાની તેની હિંમત ન થતી પણ બાજુની ગલીનાં ભંગારવાળાઓ ઉપર તેની નજર રહેતી. ભંગારમાં આવેલી તેમની ચીજોમાંથી કાંઈક ઉઠાવીને થોડે દૂરના ભંગારવાળાઓને વેચી આવતો. આમાં તે બે વાર પકડાયો પણ હતો અને પોલીસસ્ટેશનની હવા પણ ખાઈ ચૂક્યો હતો. બેય વખત તેના પિતા, રમીલા અને સમીરભાઈ તેને લોક અપમાંથી છોડાવી ગયાં હતાં.

સમીરભાઈ તેને સારું કામ અપાવવાની ભલામણ કરવા તૈયાર હતાં પણ મેવો પોતે જાણતો કે ભણેલાં લોકોના સંગે તેને કોઈ કામ કરવું નહીં ફાવે. તેને સોસાયટી વોચમેન કે ઘરનોકર બનાવવાની રમીલાની પણ તૈયારી હતી. પણ ઘેરબેઠાં થાળીમાંથી તૈયાર રોટલા જમવા મળતાં હોય અને ગલીને નાકે બેસી ગપાટા મારતાં સમય પસાર થતો હોય તો મેવો આવી કડાકૂટભરી જીંદગીમાં પડવા માંગતો ન હતો. પિતા લાચાર હતો. તે મેવાને સુધારી ન શકતો પણ નાનાં સમુ અને મનુને તેનાથી બને તેટલાં દૂર રાખતો જેથી મોટાભાઈની આદતોની અસર તેમનામાં ન આવે.

એમ ન હતું કે તેણે મેવાને ક્યારેય સુધારવાની કોશિશ પણ કરી ન હતી. તે મેવાને શાળાએ મૂકવા વારંવાર જતો પણ મેવો ત્યાંથી શિક્ષકોની નજર ચૂકવી રસ્તા ઉપર પાનાં રમતાં લોકો આગળ જઈ બેસતો. ત્યાંથી જ બીડી પીતાં શીખ્યો હતો અને જૂઠું બોલવાની કળા રવો અને કાનો શીખવતાં. તેને બંધ ઓરડાની શાળા કરતાં આ ઉઘાડાં આકાશ નીચેની હોમવર્ક વિનાની શાળા વધારે ગમતી.

તેનાં નાનપણમાં માતી ને પારવતી તો વારાફરતી દા'ડીએ જતી અને ઘરકામ તેમજ રસોઈ કરતી. રમીલા ઘણી નાની. તે પણ મા સાથે દાડીએ જતી. કો' ક વાર શાળાએ જતી તો એને ખૂબ મઝા આવતી. સમુ અને મનુ તો મા નાં ખોળે જ હતાં. આ તરફ મેવો સાવ એકલો પડી જતો. હા, ભણવામાં મન પરોવ્યું હોત તો કદાચ તેનેય ભાઈબંધો મળી ગયાં હોત શાળામાંથી. સુશીલાનો દીકરો મેવાને ઘણી વખત શાળાએ લઈ જવાજીદ કરતો પણ મેવો તેના ઉપર હાથ ઉઠાવી લેતો. પાંચ-સાત વખત માર ખાધા પછી તેણે મેવાને તાણવાનો તંત છોડી દીધો હતો.

હજી પત્ની ઉપર હાથ ઉગામવાની મેવાની હિંમત ન હતી. એક તો તેનો પિતા ભલે સ્વભાવે શાંત હોય પણ આ બાબતે તે હંમેશા વહુને ટેકો કરતો વળી મેવાની પત્ની રાજી એ રમીલાની બાળગોઠિયણ. ભલે તેઓ વર્ષોથી સાથે રમ્યા ન હોય કે બેયનાં આચાર-વિચારમાં યોજનોનું અંતર હોય, રમીલા જ્યારે પણ તેને મળે, ખૂબ જ ભાવથી ભેટતી.

ભાઈને તાકીદ કરતી, "જો મારી બહેનપણીને રડાવી તો હું તેને મારી સાથે લઈ જઈશ. પછી તું રહેજે એકલો."

મેવાને રમીલાના નસીબની ભારોભાર ઈર્ષ્યા. સાથે સાથે તેને એ વાતની ખાતરી પણ હતી જ કે જો તેણે રાજીને કાંઈ કર્યું તો રમીલા સાચે જ તેને પોતાની સાથે લઈ જશે.

હવે સવલીને પણ પોતાનાં બાળકો સુશીલાના બાળકોની માફક ભણ્યા હોત તો કેવું સારું રહેત એવો વિચાર આવતો પણ પાકા ઘડે કાંઠા ન ચડે એ કહેવત મેવા ઉપર બંધબેસતી હતી. બાકી, માનવી જો કાંઈ સારું કરવા ધારે તો કેમ ન કરી શકે એ સાવ સાચી વાત છે.

માનવસહજ સ્વભાવે રાજીને રમીલાથી ઈર્ષ્યા તો ખરી જ પણ રમીલા જેવું ભણવાગણવાની તેની કોઈ જ ઈચ્છા નહીં. એટલે મનને મારીને પણ તે રમીલા સાથે હસતીબોલતી જેથી આ સજ્જડ બહેનપણી અને નણંદની ઓથે તેને તેમના સંસારને રાગે ચઢાવી રાખવા આર્થિક અને માનસિક ઓથ મળી રહેતી.

આ તરફ રમીલા હંમેશ વિચારતી, "હું સારી રીતે રહું અને મારો ભાઈ, ભાભી પૈસે-ટકે ઘસાયેલાં અને ઓશિયાળા રહે એ કેમ ચાલે?" એટલે જ એ જ્યારથી સમજણી થઈ, કોઈ ને કોઈ છૂટક ટ્યૂશન કે એવી આવકથી તેને મદદ પણ કરતી રહેતી. અને રમીલાનાં આ જ ઉદાર સ્વભાવ અને મેવાની આળસને જાણતાં તેમના માતા-પિતાએ સમીરભાઈને રમીલાનાં પગાર ઉપર બરાબર ધ્યાન રાખવા કહ્યું હતું.

સમીરભાઈની સમજાવટથી રમીલા પોતે હાથખર્ચીના પૈસા સમીરભાઈ પાસેથી લેતી અને આખો પગાર બેંકના ખાતામાં ભરતી જેમાંથી જ તેણે નવું ઘર ચલાવવાનું હતું.

સવલી અને તેના પતિને મેવાની પરિસ્થિતિ વિશે દુઃખ જરૂર થતું પણ તે બેય ક્યારેય ન ઈચ્છતા કે રમીલા તેની મહેનતનો પૈસો મેવાને આપતી જ રહે. જો કે ઉપરછલ્લી રીતે જોતાં ખોટો લાગતો આવો વિચાર હકીકતમાં તો રમીલાને ખોટાં આર્થિક ભાર અને જવાબદારી હેઠળ દબાઈને આખી જીંદગી ન કાઢવી પડે એવો જ વિચાર તેમનો હતો.

મેવો અને રાજી ઘણુંય ઈચ્છે તો પણ તેઓ કાયમ માટે રમીલાને આશરે જીવી શકવાનાં ન હતાં જ્યાં સુધી તેમનાં માતાપિતા અને મેઘનાબહેન અને સમીરભાઈ તેમની વચ્ચે હોય. એટલે રાજી યેનકેનપ્રકારેણ રમીલાને પોતાની તરફેણમાં રાખવાની બધી જ કોશિશ કરતી રહેતી.

મજૂરીકામ અને મજૂરવાસનું રહેઠાણ છૂટ્યા પછી સુશીલા અને સવલી ઓછું જ મળી શકતાં. આમ પણ સવલીના જીવનમાં આવેલ આમૂલ પરિવર્તનની સુશીલાને જાણ ન હતી તે જ રીતે સુશીલાની આ પરિસ્થિતિ કેવી રીતે થઈ તેનો તો સવલીને અંદાજ પણ ન હતો. તે સુશીલાને જમાડી રહી. તે દરમિયાન મેઘાએ ડૉ. કૃષ્ણકુમારજી પાસેથી જરૂરી દવાઓ સમજી લીધી અને એક ટ્રે લાવી તેમાં બધી દવાઓ ગોઠવી એક રાઈટિંગ પેડ ઉપર કાગળ મૂકી બધું નોંધી તેને પણ ટેબલ ઉપર મૂકી દીધું જેથી પોતે જરાય આમતેમ ગઈ હોય તો બીજું કોઈ પણ સુશીલાને દવાઓ સમયસર આપી શકે.

જમીને દવાઓ લીધી હોવાથી સુશીલા ફરી સૂઈ ગઈ. સવલી પોતાનાં કામે લાગી. આમ પણ આજે તેનું સમયપત્રક થોડું હચમચી ગયું હતું. તે પોતે પણ સુશીલા વિશે જાણવા ઉત્સુક હતી પણ કામકાજ પૂરું કરતાં તેનો ઘરે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો.

સવલીએ વીણાબહેન પાસે જઈને કહ્યું, "બુન, અમણાં તો માર ઘેર જવું જ પડહે. પણ ઉં મોડેથી આંય પાસી આઉં તો રાત રોકાવા દેહો મન આ સુસીલા પાંહેં?"

વીણાબહેન પ્રેમથી બોલ્યાં, "કેમ નહીં? તું જરૂરથી પાછી આવજે. વળી, તારા અહીં હોવાથી સુશીલાને પણ જાણીતું લાગશે. તેને વધુ શાંતિ રહેશે."

સવલી સુશીલા આરામ કરી રહી હતી તે ઓરડામાં ગઈ અને તેને જણાવ્યું," ઉં ચારેક કલ્લાકમાં ઘેર જેઈને પાસી આઉં સું. રાત તારી હારે જ રેવા. ચિંતા ની કરતી બુન. આંય બધ્ધાં જ બોવ હારાં છે. ખાઈ લેજે."

સુશીલાએ હળવા સ્મિત સાથે હોંકારો ભણ્યો.

ત્યાં જ હસતાં હસતાં મેઘા બોલી," કેમ સવલીમાસી, તમને લાગે છે કે આ માસીને હું જમ્યા વિના છટકવા દઈશ?"

"ના, ના, મેઘા. તું તો બેટા. બધાંયને બવ જ પ્રેમ ને તાણથી જમાડે જ સે.", સવલી હેતથી બોલી. તે ઘરે જવા નીકળી.


ક્રમશ:
મિત્રો,
આપને વાર્તા ગમી હોય તો પ્રતિભાવ આપશો, જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.


આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા