પાત્રો:
•સ્મિતા : આશરે પચાસ વર્ષની ઉમર, સ્મિતા કેબ સર્વિસની માલિક, શહેરની સ્ત્રીઓમાં પ્રિય એવું વ્યક્તિવ્ય)
(ભૂતકાળ : સાવ બાવીસ વર્ષની ઉમરે દીકરીને જન્મ આપવા બદલ પતિ, સાસુ અને સસરાએ કાઢી મુકેલ સ્ત્રી. પિતા,માતા અને ભાઈ જેને સાથે રાખવા તૈયાર ન થયાં)
•ઈશાની : સ્મિતની પચીસ વર્ષની દીકરી (બી.એ., એલ.એલ.બી. થઇ વકીલાત કરે છે. એક વર્ષ પહેલાં જ પોતાના શાળાના સહાધ્યાયી – જય સાથે પ્રેમ અને પછી મા ની સહમતીથી લગ્ન)
•જય : ઈશાનીનો પતિ - આઈ.આઈ.એમ. માંથી એમ.બી.એ. થયેલ યુવક. અતિમહત્વાકાંક્ષી
(નાટકમાં તેનો ઉલ્લેખ જ છે, પાત્ર નહિ)
•નેહાબેન : સ્મિતાની જૂની સખી. ઉમરમાં દસ વર્ષે નાની. એસિડ એટેકનો ભોગ બની આવેલ.
•મુન્ની : નેહાબેનની આઠ વર્ષની દીકરી.
•દાદીજી : સ્મિતાને આશરો આપનાર અને તેની કારને ટેક્ષીમાં ફેરવી સ્મિતાને કેબ બિઝનેસ શરુ કરાવનાર સ્ત્રી. .
•શોભના : નવી કેબ ડ્રાઈવર
આ સિવાય કેટલાંક પાત્રો છે જેમનો માત્ર ઉલ્લેખ છે.
આ છે સ્ત્રીની કહાણી, આંસુ નહીં, હિંમતથી લખાણી.
*********
સ્મિતા હાથમાં આરતીની થાળી લઈ, જમણા હાથમાં ઘંટડી રણકાવતી મોટે મોટેથી બોલી રહી છે. સરસ્વતી માત કી જય, લક્ષ્મી માત કી જય, ગાયત્રી માત કી જય, સંતોષી માત કી જય, પાર્વતી માત કી જય...
(એ જ સમયે ઈશાની અકળાઈને તેને જોઈ રહી છે)
ઈશાની (ધીરજ ના રહેતા, વચ્ચે જ): મમ્મી, આજે જયારે હું તારી સાથે વાત કરવા ઊભી છું, ત્યારે તારાં દેવીઓનાં નામનું લીસ્ટ લાંબુ થતું જાય છે!
સ્મિતા (સ્મિત આપતાં, હોઠ ફફડાવતાં ), ઈશાની તરફ આરતી લઈને જાય છે અને ઘંટડી થાળીમાં મૂકી, ઈશાનીને જમણા હાથે આશ્કા આપે છે)
ઈશાની (દીવાને બે હાથ જોડી પછી બેય હથેળી કમરે ટેકવી): તને વાંધો શો છે એ જ સમજાતું નથી. તારે તો તારી કેબ કંપની ચાલતી રહે એની સાથે જ મતલબ છે ને? પછી તે હું ચાલવું કે મારો વર, શો ફરક પડે છે?
સ્મિતા(થાળીને અંદરથી આવેલ નેહાબેનનાં હાથમાં આપતાં) : બેટા, તને મારે સમજાવવું પડશે કે મને શો ફરક પડશે? તું શું નથી જાણતી કે આપણી કેબ કંપની માત્ર અને માત્ર સ્ત્રીઓને જ કેબ ડ્રાયવર રાખે છે અને સંચાલન પણ આજ સુધી હું અને નેહા જ કરતા આવ્યા છીએ?
ઈશાની : પણ તું તો ઈચ્છતી હતી કે, હવે કંપની હું સંભાળું?
સ્મિતા : હા, તે તું સંભાળે તો પછી બીજું જોઈયે પણ શું?
ઈશાની : તો જય મારો ‘બેટર હાફ’ ખરો ને? તે તો મારાંથી પણ સારી રીતે આપણી કેબ કંપની સંભાળશે. અને મમ્મી, એ તો આઈ.આઈ.એમ. માંથી એમ.બી.એ. થયેલો છે.
સ્મિતા : દીકરા, તું ગમે એટલી વકીલાત કરી લે જયની, પણ તે તો નહિ જ.
ઈશાની : એ તો મને ખબર જ છે. હું ભલે અહીં કોર્ટમાં ભલભલા અનુભવી વકીલોને કાયદાકીય શબ્દોની ગૂંચમાં ફસાવીને હરાવી દઉં છું, પણ તારી સાથે તો દલીલબાજીમાં ક્યારેય નથી જીતી શકી.
સ્મિતા : એટલે જ તો હું મા છું, અને તું દીકરી, બરાબર ને?
(ટેબલ ઉપર મુકેલો સ્મિતાનો મોબાઈલ ફોન રણકે છે. તે નજીક જઈ ઉપાડે છે અને વાતચીત ચાલે છે. )
ઈશાની (પ્રેક્ષકો તરફ ફરીને) : આ સ્મિતા તમારી સમજમાં આવે છે? મને તો જરાય સમજાતી નથી. (પછી, થોડી પાછળ જઈને સોફા ઉપર બેસી જાય છે અને બંને હાથે બંને લમણાં પકડીને થોડું માથું નીચે કરીને બેસે છે.)
(તે દરમિયાન સ્મિતાની ફોન ઉપર વાત પુરી થયે તે ફોન કટ કરી ફરી તેને ટેબલ ઉપર મૂકતાં)
સ્મિતા : નેહા, ઓ નેહા, બહાર આવજે તો જરા.
નેહાબેન (બહાર આવતાં): હા, બેન બોલો ને?
સ્મિતા : નેહા, જો આજે ત્રણ બુકિંગ થયાં છે. અનિલાબેન, રેશમા અને કાન્તાકાકી. તેમની મુસાફરી અંગેની ડીટેઈલ તેમણે આપણા એપ્પ ઉપર મૂકી છે. તે પ્રમાણે યોગ્ય ડ્રાઈવરને તેમના માટે બુક કરી દે.
નેહા : (સ્મિતાબેનનો ફોન ટેબલ ઉપરથી ઉપાડીને જોતાં જોતાં) હા બેન, આ અનિલાબેન જોડે મનીષા જશે. તેને સેટેલાઈટ વિસ્તારનો સારો પરિચય છે. રેશમા સાથે મોકલી શકાશે રિયા પારેખને કારણ કે રેશમા ને આખા દિવસ માટે કેબ જોઈએ છે. રિયાને વેઈટિંગમાં વાંધો નહીં આવે. તે એકલી જ છે. જયારે, આપણા જૂનાં અને જાણીતાં કાન્તાકાકી સાથે કોઈ મેચ્યોર યુવતી જોઇશે. હવે તેઓ ચાલી નથી શકતાં અને તેમનાં વોકર ઉપર તેમને હંમેશા ગુસ્સો આવે છે.
સ્મિતા : સમય અને સંજોગો પ્રમાણે શરીરની મર્યાદા સમજીને સ્વીકારવામાં જ ભલાઈ છે. જેમ જેમ ઉંમર વધે, કોઈ ને કોઈ શારીરિક તકલીફ તો થવાની જ.
નેહા : તો બેન, તેમની સાથે આજે સુષ્માને મોકલું. સુષ્મા તેમને સારી રીતે ઓળખે છે અને મા ની જેમ સાચવીને લઇ પણ જશે.
( નેહાનો આ આખો સંવાદ ઈશાની આભી થઇને સાંભળી રહે છે. સ્મિતાબેન તેના તરફ આંખોથી અને હાથથી ઈશારો કરી બતાડે છે કે જો આમ થાય છે અમારી કંપનીમાં કામ.)
ઈશાની (તાળી વગાડતાં) વાહ, નેહાબેન, વાહ! ધન્ય છે તમને. બધાં જ કસ્ટમરની જરૂરિયાત, ખાસિયત તમને બરાબર મોઢે છે ને?
નેહા (થોડું શરમાઈને) : ઈશાની, એ તો તમારી મમ્મી, આશિતા અને મેઘા સાથે રહી રહીને મને પણ આ બધું આવડી ગયું છે. બસ, સ્કુલમાં ઘડિયા મોઢે કરીએ તેવું જ છે. બાકી, હું પણ તો તેર વર્ષથી માત્ર ડ્રાઈવિંગ જ કરતી હતી.
(નેહાની દીકરી, મુન્નીનો અંદરથી સાદ પડે છે.)
મુન્ની : મમ્મી, ઓ મમ્મી. હું સ્કુલથી આવી ગઈ. બહુ ભૂખ લાગી છે, ક્યાં છે તું?
નેહા (સ્મિતાબેન તરફ ફરીને) : બેન, હું આ ત્રણેય ટ્રીપ એપ્પ ઉપર મૂકી દઉં છું, જેથી કસ્ટમર અને ડ્રાઈવર બંનેને દેખાય. હું જાઉં? (સ્મિતાબેનનો ફોન ટે ટેબલ ઉપર પાછો મૂકી દે છે.)
સ્મિતાબેન હાથ વડે તેણે અંદર જવા તરફ ઈશારો કરે છે. અને બોલે છે : ‘નિરાધારનો આધાર જો સ્ત્રી બને, અબળા એને કોણ કહે?’
નેહા (અંદરની તરફ લગભગ દોડતી): હા, બેટા. આ હું આવી. (તે અંદર જતી રહે છે.)
ઈશાની : મમ્મી, આ નેહાબેન હોશિયાર છે, તારા બિઝનેસ માટે ઘડાયેલાં છે, એ બધું બરાબર, પણ જય તો પ્રોફેશનલી ટ્રેઈન થયેલ છે. તે કોઈપણ બિઝનેસને એકદમ નવી જ ઊંચાઈ આપી શકે છે. તું કેમ માનવા તૈયાર નથી? તેં આટઆટલાં વર્ષોમાં માત્ર નામ મેળવ્યું છે, તારી મહેનત, બુદ્ધિ, આયોજનથી તને ઘણાં આશીર્વાદ અને આ બે બેડરૂમનો ફ્લેટ મળ્યાં છે. બીજું છે શું આપણી પાસે?
(સ્મિતા થોડી ભાવુક થઇ જાય છે. નજીક સોફા ઉપર બેસી જાય છે.)
ભલે તેં તેરી આ કર્મચારીઓને રહેવાની, જમવાની, તેમના બાળકોની ભણતરની જવાબદારીઓ પોતાની કંપની ઉપર લઇ રાખી છે, પણ તારી કંપનીની એસેટ શું? અડધા ઉપરની કેબ તો લોન ઉપર છે. દર મહીને આવક-જાવકનો હિસાબ કરતાં તારાં હાથમાં આવે છે શું? જો તું જયને આ જવાબદારી સોંપી દે, તો તેણે ખાતરી આપી છે કે, છ મહિનામાં તો તારો બિઝનેસ અનેકગણો વધારી, ફૂલ નાઈટ શિફ્ટ, લોંગ ડીસ્ટન્ટ સવારીઓ અને ખાલી લેડીઝ સવારીઓ નહિ, બધાંને જ સર્વિસ આપશે તેની કંપની.", ઈશાની બોલી.
સ્મિતા : બેટા, આ શું બોલી ગઈ? તેની કંપની? જયની? એક વાત યાદ રાખજે, આ કેબ કંપની જયની તો શું, તારી કે મારી પણ નથી. આ કંપની છે પાંચસોથીય વધુ લેડીઝ ડ્રાઈવર્સની, તેમનાં બાળકોની. આ બધાંની રોજી-રોટી છે. જેમ તને મેં કેબ ચલાવીને ઉછેરી છે તે જ રીતે આ નેહાની દીકરી, આ નવીસવી આવેલ શોભના અને તેની વૃદ્ધ સાસુ, મૈથિલી અને તેની વિધવા મા, પેલી હંમેશા ચહેકતી નણંદ-ભાભીની જોડી, પેલી સુધા અને તેનો માનસિક રીતે અસ્થિર એવો પતિ અને એવાં કેટલાંય અહી પોતાનાં અને પોતીકાંનાં જીવન ઉજાળી રહ્યા છે. તે બધાંનો પરસેવો અને મહેનત રેડાયેલ છે આ કંપનીના ઉત્કર્ષમાં.
(તે જ વખતે સ્મિત કેબ સર્વિસીસનો બેજ લગાડેલ યુનિફોર્મ પહેરેલ નમણી, મધ્યમ વયની યુવતી, શોભના અંદર આવે છે.)
શોભના (સ્મિતાને ઉદ્દેશીને) : બેન, આજે પહેલી જ વખત એકલાં ડ્યુટી સંભાળી. ખોટું નથી કહેતી, પણ છેલ્લાં ચાર વર્ષથી ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મળી ગયો. તમને ધન્યવાદ કહું એટલાં ઓછાં છે. (અને બે હાથ જોડી તેમની સામે ઝુકી પડે છે.)
સ્મિતા (તેના બેય બાવડાં પકડી) : શોભના, મેં કે આ કેબ કંપનીએ બીજું કાંઈ નથી કર્યું. માત્ર તને યાદ જ કરાવ્યું છે કે તું તારાં શાળાકાળથી બહાદુર અને બાહોશ હોવા ઉપરાંત ઉત્તમ નિર્ણય શક્તિ ધરાવે છે.
યાદ કર એ દિવસ જયારે તેં ગભરાયેલા અવાજે મને ફોન કર્યો હતો.
(બધાં સ્થિર, જૂનો ફોનકોલ સંભળાય છે.)
અવાજ ૧ : બેન, હું શોભના. મારે સ્મિતા કેબ સર્વિસનાં સ્મિતાબેન સાથે વાત કરવી છે.
અવાજ ૨ : બોલ શોભના, હું સ્મિતા જ બોલી રહી છું.
અવાજ ૧ : બેન, મારે તમને મળવું છે. મારી પાસે રહેવા કોઈ આશરો નથી કે નથી કોઈ કામ. હું અને મારી ઘરડી સાસુ ઘર વગરના થઇ ગયા છે. ભૂલ તો અમારી જ છે પણ, હવે અમે કશું કરી શકીએ એમ નથી. બસ, મારી પાસે ફોર વ્હીલનું ડ્રાઈવીંગ લાયસન્સ છે. તમે મને કામ આપશો?
અવાજ ૨ : પહેલાં તો તું તારાં સાસુને લઈને અહીં ઓફિસ આવી જા. તને સરનામું ખબર છે ને?
અવાજ ૧ : હા. બેન. તમારું સરનામું તો શહેરની બધી જ યુવતીઓ અને સ્ત્રીઓને ખબર છે.
અવાજ ૨ : મળું બેન તમને, થોડી જ વારમાં.
(બેય છેડે ફોન મુકાય એવો કટ નો અવાજ)
શોભના (હાલ) : હું કેમ કરી ભૂલું એ દિવસો, બેન? મારા પતિના અવસાન પછી તેનાં મૃત્યુના પ્રમાણપત્ર માટે અરજી કરાવવાના બહાને મારા દિયર અને દેરાણી મળીને મારી અને મારી સાસુ પાસે ઘર, ગામની જમીન બધાના કાગળિયાં ઉપર સહીઓ કરાવી લીધી. પતિનાં અવસાનનાં પંદરમાં દિવસે તો અમને બેયને ઘરની બહાર રીતસર ધક્કા મારી કાઢી મુક્યાં. મારાં અને મારી સાસુનાં બધાં જ સગાઓ, પતિ અને સસરાનાં મિત્રોના દરવાજા ખટખટાવી જોયાં, પણ પરિણામ શૂન્ય. કોઈ કરતા કોઈ જ અમારી પડખે ન ઉભું રહ્યું. અમે બેય સાવ ભિખારી જેવું જીવન જીવવા મજબુર બન્યાં. મારી જ એક બહેનપણીનાં ઘરમાં મને એક ઓરડીમાં આશ્રય મળ્યો અને તે પણ મારા પૂર્વ જીવનની વિષે કોઈ જ કોર્ટ કાર્યવાહી ન કરી શાંતિથી અમને બે સ્ત્રીઓને જીવવા માટે જેથી તેમની પ્રતિષ્ઠા પણ ન ઝંખવાય. હું સાવ જ પડી ભાંગી હતી. ત્યાં જ બાજુમાં રહેતી નીલાએ મને ઘરમાં બોલાવી, અમને બેસાડી, તમને ફોન કરવા કહ્યું.
(પછી, ઈશાની તરફ ફરી) : અને બેન, આ તમારી મમ્મી એ મને જરૂરી સામાન તો ઘરમાંથી અપાવ્યો, અને અહીં જ રહેતાં, આપણી સંસ્થાના વકીલ નીલાબહેનની મદદથી મારી અને મારી સાસુના ભાગની પ્રોપર્ટી પણ પછી અપાવી. તમને ખબર જ હશે એ જ ઘર જ્યાં હું અને બીજી દસ બહેનો રહીએ છે.
સ્મિતા (ઇશાનીને સંબોધીને) : બેટા, અહી રહેતી દરેક સ્ત્રી કોઈ ને કોઈ રીતે સમાજના કુરિવાજ અથવા ક્રૂરતાનો ભોગ બની છે પણ તેમની વિશેષતા એ નથી. તેમની જિંદગીની વિશેષતા એ છે કે, તેમાંથી કોઈએ પણ જીવન સામે કે અત્યાચાર કરનાર સામે શરણાગતિ સ્વીકારી નથી. બધાં જ પગભર છે અને પોતાના માટે લડી લેવાની તાકાત ધરાવે છે. પેલી મેઘાનો તો સંસાર સુખરૂપ ચાલતો હતો. પણ, તેની પડોશમાં રહેતી આશિતાને છાશવારે તેનો વર મારતો. પહેલાં તો મેઘાની કાંઈ પૂછવાની હિંમત ન થઈ. પણ એક દિવસ આશિતાથી અત્યાચાર સહન ન થતાં, તેણે પોતાનાં ઘરનો દરવાજો ખોલી મદદ માટે મેઘાનો દરવાજો ખટખટાવ્યો. મેઘાએ દરવાજો ઉઘાડી તેને અંદર લીધી, પાણી આપ્યું. સાંત્વના આપી.
હજી ઓફિસ ગયેલા પોતાનાં પતિને ફોન કરી તેને મદદ માટે બોલાવે તે પહેલાં તેના પતિનો જ તેની ઉપર ફોન આવી ગયો કે, પેલી આશિતાને તેના પતિને સોંપી દે અને શાંતિથી પોતાનું ઘર સંભાળીને બેસ. તેની વાત સાંભળી મેઘા છક્કડ જ ખાઈ ગઈ. થોડો વિવાદ કરતાં બહુ જ સહજતાથી તેનાં પતિએ તેને આશિતાને લઇ તેનું ઘર છોડી દેવાનો આદેશ આપી દીધો. એને તો ધરમ કરતાં ધાડ પડી. બસ, એ દિવસને આજે પંદર વર્ષ થયાં, મેઘા ઓટોમોબાઇલ એન્જીનિયર છે. તેના હાથ નીચેની ટીમ આપણી બધી જ કેબનું સર્વીસીંગ, ચેકિંગ કરે છે.
અને આશિતાને તો અહી આવી એવો આત્મવિશ્વાસ ખીલ્યો કે તેણે તો કેબ ચલાવવાનું જ શીખી લઈ આખાંય ગુજરાતનાં શહેર અને ગામડાં ખુંદી નાખ્યાં.
સમગ્ર ચિતાર સાંભળતાં સાંભળતાં ઈશાનીના ચહેરાનાં ભાવ બદલાતા રહ્યાં. અને તે સહસા પૂછી બેઠી: મમ્મી, તું અને હું અહી કેવી રીતે આવ્યાં? હું તો આજ સુધી દાદીમા સાથે જ રહી છું. પપ્પા વિષે તેમણે પૂછ્યું ત્યારે ત્યારે તમે બેયે કહ્યું કે તેઓ હવે આ દુનિયામાં નથી. પણ અહીં આ ઘરમાં કે દાદીમાના આખાંયે ઘરમાં ક્યાંય તેમનો એકલો, મારી કે તારી સાથે કોઈ કરતાં કોઈ જ ફોટો નથી, એવું કેમ? ક્યાંક આપણે પણ?
સ્મિતા : હા બેટા, તું મારી કૂખે જન્મેલું પહેલું સંતાન પણ તારી પહેલાંનાં મારાં ત્રણ-ત્રણ સંતાનોને, મારાં સાસરિયાંઓએ દીકરી હોવાની જાણ થતાં જ તેમનાંથી છૂટકારો લઇ લીધેલો. કોઈ કરતાં કોઈ મારી મદદ કરવા તૈયાર ન હતું, મારાં માતા-પિતા પણ નહિ. પહેલાં તો મારાંમાં હિંમત ન હતી, પણ તારાં જન્મ પહેલાં મારાં કોણ જાણે ક્યાંથી શક્તિ પ્રગટી અને હું એક રાત્રે ચૂપચાપ કાર લઈને ભાગી. શહેરથી દૂર-દૂર નીકળી ગઈ. મને ખબર નહોતી કે મારે ક્યાં જવાનું છે. આખરે, લગભગ સવાસો કિલોમીટર કાર હાંક્યાં પછી, હું ભૂખ અને તરસથી બેહાલ થઇ અને એક ઘર પાસે કાર થંભાવી. થોડી વાર કારમાં કોઈ હલનચલન ન દેખાતા એક આધેડ સ્ત્રી-પુરુષ બહાર આવ્યાં અને મને થોડી પૂછપરછ કરી ઘરમાં લઇ ગયાં. જમાડી, આરામ કરવા દીધો. હું થાકની મારી ઘસઘસાટ સુઈ ગઈ. પછી, જયારે ઉઠી, ત્યારે મારી હકીકત કહી સંભળાવી. સદનસીબે હું મારો ફોન ઘરે મુકીને આવી હતી અને જે કાર લાવી હતી એ મારાં પપ્પાએ મારાં લગ્નમાં ભેટ આપી હતી જેથી તે મારા જ નામે રજીસ્ટર્ડ હતી.
ઈશાની : ઓહ! મમ્મી, શું તેમણે જાણ પણ છે કે આપણે ક્યાં રહીએ છીએ અને શું કરીએ છીએ?
સ્મિતા (ખૂબ નિરાશાથી) : હા બેટા.
નેહા (જે આ બધું સાંભળી રહી હતી તેને નજીક આવી અને સ્મિતા બેનના ખભે પોતાની બેય હથેળીઓ મૂકી) : અને પછી તો બેનની ગાડી ચાલી નીકળી. તમારો જન્મ થતાં જ દાદીમાં, જેમણે બેનને આશરો આપેલો તેમણે તમને સાંભળી લીધાં. બેને પોતે પહેલાં પોતાની કારને કેબમાં ફેરવી અને ભાડેથી ફેરવવાનું શરુ કર્યું. ધીમે-ધીમે તેમણે માત્ર સ્ત્રીઓ માટે કેબ ફેરવવા માંડી અને જે સ્ત્રી તેમની કેબમાં બેસે તેને પોતાનો ફોન નંબર આપી ફરી પણ પોતાને જ બોલાવવા કહે. તેનું ભાડું વાજબી, એકદમ મિટર પ્રમાણે એટલે તેમનો બિઝનેસ પુરજોશમાં ચાલી નીકળ્યો. અને એક પછી એક જરૂરિયાતવાળી બહેનોને તેઓ જોડતા ગયા અને આજે આ સ્મિતા કેબ સર્વિસીસ પાંચસો મહિલાઓ દ્વારા ચલાવતું નેટવર્ક છે જે સામાન્યતઃ પુરૂષોના ઈજારાનું ક્ષેત્ર છે. અહી ડ્રાઈવર્સ ઉપરાંત, એકાઉન્ટ, ગાડીઓની મરામત અને સર્વિસ, રસોડું, બાળસંભાળ, વૃદ્ધોનો ખ્યાલ બધું જ આ સ્ત્રીઓ મળીને રાખે છે.
ઈશાની (નજીક આવીને મમ્મીને ભેટી પડતા) : મમ્મી, તારી, સોરી, સોરી, આપણી આ કેબ સર્વિસ આપણે જ ચલાવીશું, જય નહીં. અને હા, આજથી અહી દરેક સ્ત્રીઓને કાયદાકીય સલાહ એકદમ મફત, ખુશ?
સ્મિતાબેન (ઇશાનીને ઉમળકાથી ભેટી પડતાં) : બહુ જ ખુશ, મારી દીકરી.
નેપથ્યમાંથી :
नारी अस्य समाजस्य कुशलवास्तुकारा अस्ति ।
नारीशक्ति शक्तिशाली समाजस्य निर्माणं करोति ।
(નારી જ સમાજની વાસ્તુશાસ્ત્રી છે. શક્તિશાળી નારી જ શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે.)
નેહા, ઈશાની, શોભના અને સ્મિતાનો સમૂહમાં આવાજ આવે છે :
बालिका अहं बालिका नव युग जनिता अहं बालिका ।
नाहमबला दुर्बला आदिशक्ति अहमम्बिका ।।
હું એક આધુનીક યુગની સ્ત્રી છું. હું શક્તિહીન નથી. હું આદિશક્તિ છું, હું અંબિકા છું.
(આ નાટક, એક નાટ્ય પ્રોડ્યુસરે આપેલ વિષય - સ્ત્રી સશક્તિકરણ ઉપર લખાયું હતું મે 2023માં. તેમને મોકલ્યે લગભગ દસ મહિના થયાં, તેની ઉપર કોઈ મંચન ન થયું હોવાથી મારાં આ નાટક ઉપરનાં લેખક તરીકેનાં હકથી તેઓને જાણ કરી પબ્લિશ કરું છું.
આ નાટકની રૂપરેખા, વિચાર અને સંવાદો સંપૂર્ણપણે મારાં પોતાનાં, મૌલિક અને સ્વરચિત છે. )
અલ્પા ભટ્ટ પુરોહિત (વડોદરા)