શીર્ષક : મૂલ્યવાન શ્રદ્ધાંજલિ
લેખક : કમલેશ જોષી
એક પરિચિતની સળગતી ચિતાથી થોડે દૂર અમે સૌ મિત્રો બેઠા હતા ત્યાં અમારા સોશિયલ ઓબ્ઝર્વર મિત્રે ગંભીર સ્વરે કહ્યું, "હાથી જીવે તો લાખનો અને મરે પછી સવા લાખનો એ કહેવત મુજબ માણસની જો વાત કરીએ તો માણસ જીવે ત્યાં સુધી બે કોડીનો અને મરે પછી લાખોનો એવું લાગ્યા વિના રહેતું નથી." અમે સૌ પ્રશ્નાર્થ નજરે એની સામે તાકી રહ્યા એટલે એણે થોડી વધુ છણાવટ કરતાં કહ્યું, “તમને અત્યાર સુધીમાં એવું અનેક પરિચિતોએ કહ્યું હશે અથવા અહેસાસ કરાવ્યો હશે કે ‘યુ આર નથીંગ’ અથવા ‘તમારામાં કંઈ દમ નથી’ અથવા ‘યુ આર રોંગ’ અથવા ‘તમારી હૈસિયત કંઈ જ નથી’ અથવા ‘આઈ એમ નોટ એગ્રી વિથ યુ’ અથવા ‘તમારા વિચારો નેગેટીવ છે’ અથવા ‘તમારાથી કાચો પાપડ પણ ભાંગે એમ નથી’ વગેરે, વગેરે, વગેરે..." એક શ્વાસે આટલું બોલી સહેજ અટકી, અમારી સૌની આંખો સાથે વારાફરતી આંખો મિલાવતા એણે પૂછ્યું, “પણ આજ સુધીમાં કદી કોઈએ એવું કહ્યું છે ખરું કે ‘તમે દિવ્ય આત્મા છો’ કે ‘તમે ફેમિલી માટે, ઓફિસ માટે ઘસાઓ છો ઘણાં પણ તમારી કદર નથી થતી’ કે ‘તમે સાચા માણસ છો, છતાં તમારા જીવનમાં સંઘર્ષ ઘણો છે’ કે ‘અમે તમને સમજવામાં ભૂલ કરી’ કે ‘જિંદગી સાચી રીતે જીવતાં તમને આવડે છે’ કે ‘અમારે તમારા માટે ઘણું કરવું જોઈએ પણ અમે કશું જ નથી કર્યું’ વગેરે વગેરે કદી તમને કોઈએ કહ્યું છે ખરું?" એ અટક્યો. અમે સૌ એકબીજા સામે તાકી રહ્યા.
અમે ભણતાં ત્યારે અમારા એક સાહેબ એક મસ્ત વાત કરતા. કેટલીક વાતો એવી હોય છે જે દરેકને માટે હંમેશા સાચી જ ઠરે. જેમ કે તમને પોતાને જ જો કોઈ કહે કે ‘તમને તમારા અંગત લોકો સાચા અર્થમાં સમજી શકતા નથી’ કે ‘તમને તમારી જેટલી મહેનત, ઈમાનદારી અને ક્વોલોફિકેશન છે એટલું ઊંચું પદ, પ્રતિષ્ઠા કે પૈસા મળ્યા નથી’ કે ‘તમે તો બહુ ઘસાઓ છો પણ જેના માટે ઘસાઓ છો એ લોકોને તમારી કદર નથી’ કે ‘તમને યોગ્ય તક ન મળી અથવા કેટલાક લોકોનો સપોર્ટ ન મળ્યો નહિતર તમે ક્યાંના ક્યાં હોત’ તો આમાંથી મોસ્ટ ઓફ સેન્ટેન્સીસ માટે તમે દિલથી હકારમાં માથું ધૂણાવો કે નહિ? ‘સાવ સાચી વાત છે, આજ સુધી મને કોઈ સમજી જ શક્યું નથી’ એ સો માંથી નવ્વાણું લોકોને ફીટ બેસતું વાક્ય છે. અમારો સોશ્યલ ઓબ્ઝર્વર મિત્ર પણ કંઈક એવી જ વાત કરતો હોય એવું અમને લાગ્યું. અમે સૌએ એકબીજા સામે તાકી લીધા પછી ફરી એની સામે જોયું.
ત્યાં અમારા જિજ્ઞાસુ મિત્રે પૂછ્યું, “એમાં ‘હાથી જીવે તો લાખનો અને મરે ત્યારે સવા લાખનો’ વાળી કહેવત ક્યાં ફીટ બેઠી?” અમે સૌએ એક નજર જિજ્ઞાસુ પર નાંખી અને ફરી સોશ્યલ ઓબ્ઝર્વર મિત્ર પર ટેકવી. એણે પેલા જિજ્ઞાસુ પર નજર ટેકવતા એક ઊંડો નિઃશ્વાસ મૂકી કહ્યું, "જયારે તારું કે આપણામાંથી કોઈનું અવસાન થશે ને ત્યારે આપણા ઉઠમણાંમાં, વ્હોટસએપમાં કે ફેસબુકમાં આપણને અપાતી શ્રદ્ધાંજલિમાં લોકો એ બધાં જ વાક્યો લખશે જે સાંભળવા આપણે ઘણાં વર્ષોથી તડપી રહ્યા છીએ." કહી સહેજ અટકી ઉમેર્યું, "મતલબ કે આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણી કિંમત કોડીની કરવા વાળા લોકો, આપણા અંગતો, પરિચિતો જ આપણા મર્યા પછી આપણું અને આપણી જિંદગીનું મૂલ્ય કરોડોની કિમતનું આંકશે."
ઓહ, હાથી વાળી કહેવત અમે કદી અમારા માટે તો વિચારી જ નહોતી ! હવે બે મિનિટ માટે, તમે છેલ્લે અટેન્ડ કરેલા દશેક ઉઠમણાંમાં બોલેલા કે સાંભળેલા વાક્યો કે ફેસબુક-વ્હોટ્સેપમાં આપેલી શ્રદ્ધાંજલિના શબ્દો બહુ ઈમાનદારીથી અને બારીકાઇથી યાદ કરો. પિતાના મૃતદેહ સામે બેઠેલો રડમસ પુત્ર કે પતિની અર્થી જતી જોઈ રડતી પત્ની કે ભાઈને કાંધ આપતી વખતે આંસુ લૂછતો સગો ભાઈ મોટા અવાજે કે મનોમન ‘જનાર સ્વજન’ માટે જે ઈમાનદાર વાક્યો ખરા હૃદયથી બોલતો હોય છે એનું આખું લીસ્ટ જો કોઈ પણ કિંમતે મૃતકને મરતા પહેલા વંચાવી કે સંભળાવી શકાય તો એના ‘દિવ્ય આત્મા’ને ‘પરમ શાંતિ’ જીવતો જીવત મળી જાય એવું તમને નથી લાગતું? "ભૂલ ક્યાં થાય છે ખબર છે?" જિજ્ઞાસુ મિત્રે આખી વાતનું મસ્ત તારણ કાઢતા કહ્યું, "આપણે જે વાક્યો વ્યક્તિને ‘જીવતે જીવત’ કહેવા જોઈએ એ ‘કહેતા નથી’ અને જે ‘ન કહેવા જોઈએ’ એ ગાઈ વગાડીને કહીએ છીએ." અમે સૌ કેટલીયે ક્ષણો સુધી ગહન મનન-ચિંતન કરતા બેસી રહ્યા.
મિત્રો, આપણી આસપાસ જેટલા સ્વજનો છે એમના આત્મા ‘દિવ્ય’ છે એવો અહેસાસ, શું એમના મર્યા પછી જ આપણને થશે? શું એ ખરેખર ઘણું ઘસાઈ રહ્યા છે અને આપણે એના માટે ‘ઘણું’ કરી શક્યા નથી એ અહેસાસ એ ‘જીવતા’ છે ત્યારે જ કરી લેવાની અને એ બદલ ખરા દિલથી એમને ‘સોરી’ કહેવાની ઈમાનદાર પરિપક્વતા કે હિમ્મત આપણે ન બતાવી શકીએ? એમના મર્યા પછી એમના માટે આપણે જે પોઝીટીવ બાબતો ગોતી ગોતીને બોલવાના કે વિચારવાના છીએ એ બધી બાબતો એમના જીવતે જીવત એમની સામે વ્યક્ત કરતા આખરે આપણને રોકી કોણ રહ્યું છે? ઈગો, રિવાજો કે કોઈ તર્કો-કુતર્કો?
મિત્રો, આજનો રવિવાર એક પ્રયોગ તો કરી જુઓ. તમારા તમામ સ્વજનો, ઘરના સભ્યોથી શરુ કરી મિત્રો, પરિચિતો, સગાં, સંબંધીઓના નામનું લીસ્ટ બનાવી દરેક વિશે શ્રદ્ધાપૂર્વક એક-બે વાક્યો, જે એમના ગયા પછી બોલવા જેવા લાગે એવા ઈમાનદાર, સાચુકલા એક-બે વાક્યો તૈયાર કરી લો. ગમે તેવો ઈગો, રિવાજ, કુતર્ક આડો આવે એને બાજુએ મૂકી ‘પેલા દિવ્ય આત્મા વાળા સ્વજન’ ને તમારા આ ઈમાનદાર વાક્યો કહી જુઓ અથવા વ્હોટસેપ કરી જુઓ. એ ભલે મજાક ઉડાવે, આશ્ચર્ય અનુભવે કે ગુસ્સો કરે પણ તમે એના જીવતે જીવત એની કદર કરી શક્યા, એને સાચી રીતે સમજી શક્યા એ બદલ એની ભીતરે જે ‘જીવવા માટેની શ્રદ્ધા’ અને ‘પરમ શાંતિ’ નિર્માણ થશે એ ‘એના ગયા પછી પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના’ કરતા અનેક ગણી વધુ ‘મૂલ્યવાન શ્રદ્ધાંજલિ’ હશે એવું મારું તો માનવું છે. તમે શું માનો છો?
હેપી સન ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હો...!)
(ગઈકાલની લોકસત્તા-જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત "શબ્દકમળ" કૉલમનો લેખક શ્રી કમલેશ જોષીનો લેખ "મૂલ્યવાન શ્રદ્ધાંજલિ")