Aapghatna Vichar Aave Tyare in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | આપઘાતના વિચારો આવે ત્યારે...

Featured Books
Categories
Share

આપઘાતના વિચારો આવે ત્યારે...

ધંધામાં મોટી ખોટ આવે, પરીક્ષામાં કે નોકરીમાં નિષ્ફળતા મળે, નજીકની વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મનુષ્યો દુઃખના માર્યા આપઘાત કરવાનું વિચારે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહેતા કે “મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઈ આપઘાત કરાય? આપઘાતના ફળ બહુ કડવા છે.” આજકાલ ભણેલા ગણેલા યુવાનો ‘મારી ગર્લફ્રેન્ડે કે મારા બોયફ્રેન્ડે મને દગો દીધો, બીજા સાથે ફરે છે’ કહીને આઘાતમાં, ડિપ્રેશનમાં આવી જાય છે, અને મરી જવાનું વિચારે છે. જીવન એટલું સસ્તું છે કે કોઈ વ્યક્તિ માટે વેડફી દેવાય? એ સમયે ઊલટું પોઝિટીવ લેવું કે સારું છે લગ્ન પહેલા ખબર પડી, લગ્ન પછી બીજા સાથે લફરું કર્યું હોત તો શું થાત? એક વ્યક્તિએ દગો દીધો તો બીજું કોઈ મળશે, ને કંઈ નહીં તો સંસારથી વૈરાગ આવી જશે, પણ એમાં આપઘાત કરવાની શું જરૂર? કારણ કે, પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આત્મહત્યાનું રૂટ તો એવું હોય છે કે એણે કોઈ અવતારમાં આત્મહત્યા કરી હોય ને, તો એના પડઘા સાત અવતાર સુધી રહ્યા કરે!” જેમ એક બોલ આપણે ત્રણ ફૂટ ઊંચેથી નાખીએ, પછી એનો અઢી ફૂટનો, બે ફૂટનો, દોઢ ફૂટનો, પછી એક ફૂટનો એમ ટપ્પા પડ્યા કરે તે જ રીતે. એટલે આપઘાત કરવાનો તો વિચાર પણ ન કરાય, કારણ કે તેનાથી ભયંકર અધોગતિ બંધાય!

જગતમાં બે વસ્તુ છે. અહં પોષાવો યા ભગ્ન થવો. જ્યાં પોતે માનની આશા રાખે ત્યાં અપમાન થાય, માન સંબંધી બધી આશાઓ તૂટી પડે, ત્યાર પછી અહંકાર ભગ્ન થઈ જાય. કોઈ વ્યક્તિને પ્રેમને બદલે જ્યાં ને ત્યાં તિરસ્કાર મળ્યા કરે તો પ્રેમ ભગ્ન થઈ જાય છે, તેમ માન મળવાનું તો દૂર રહ્યું પણ અપમાન મળ્યા કરે તો માનભગ્ન થાય. અંતે કોઈ જગ્યાએથી અહંકારને જરાય પોષણ મળે તેમ ના હોય, ત્યારે જબરજસ્ત સફોકેશનમાં આવીને છેવટે તે આત્મહત્યા કરે. કોઈનો અહંકાર બહુ સેન્સિટિવ હોય, તે વાત વાતમાં સેન્સિટિવ થઈ જાય, સામો કંઈક શબ્દ બોલ્યો કે તરત એની અસર થઈ જાય. જે વિકલ્પોને આધારે જીવન જીવવાનું બળ મળતું હતું, તે ખલાસ થવાથી આગળનું દેખાય નહીં, અંધારું ઘોર થઈ જાય, એટલે પણ માણસ આપઘાત કરવાનું વિચારે છે. જે હોય તે આપણે નભાવી લેવું જોઈએ. સંસાર એટલે જેમતેમ નભાવીને કાઢવા જેવી જગ્યા. કારણકે અત્યારે કળિયુગમાં ક્યાંય સેફસાઈડ (સલામતી) છે નહીં.

આપઘાતનો ગુનો માથે લઈને ભવોભવ રખડવું, એના કરતાં નિરાંતે જીવવું! પૂર્વે કરેલા ગુનાઓનું ફળ ભોગવવાનું છે. દેવું પૂરું થઈ રહ્યું છે, ત્યારે જેમ તેમ કરીનેએડજસ્ટથઈને ટાઈમ પસાર કરી નાખવો. એમ કરવાથી પંદર, વીસ પચ્ચીસ વર્ષેય દેવું પૂરું થશે ને ઉકેલ આવશે. આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાથી કર્મોનું દેવું કંઈ પૂરું નથી થઈ જતું. આવતે ભવે પાછું આપણી સાથે આવે છે. આજે નહીં તો કાલે, દેવું ચૂકવવાનું છે તો આજે કેમ નહીં! એક વખત આપઘાત કર્યો હોય તેના સંસ્કાર પડે, તે સાત-આઠ ભવ પછી જાય છે. એટલે કોઈ ખોટા સંસ્કાર પડવા ના દેવા. ગમે એટલું દુઃખ હોય તો તે સહન કરવા, પણ આપઘાત ના કરવો. આવા સમયે વિચારોનું વહેણ બદલીને તેને ભક્તિ, ધર્મ કે જ્ઞાનમાં વાળવું. જેમને જીવવાનો રસ રહ્યો હોય તેમણે તો આર્મી જોઈન કરી લેવી, જેથી ખુમારીથી મરીએ ને કોઈને કામ તો લાગીએ!

બીજો ઉપાય છે જીવનનો હેતુ બદલી નાખવો. સંસારના સુખ-દુઃખ માટે જીવન જીવવાનું નથી, પણ આત્માની ઓળખાણ માટે, મોક્ષ માટે જીવવાનું છે. પોતે પોતાનું અનંત સુખનું ધામ એવું સ્વરૂપ અનુભવે, પછી કોઈ દુઃખ અડે નહીં. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કેઆપઘાત કરવાનું થાય ત્યારે મને યાદ કરજે ને મારી પાસે આવજે.” તેઓશ્રી એમ પણ કહેતા કે હું દુનિયાના દુઃખો લેવા આવ્યો છું. તમારા સુખ તમારી પાસે રહેવા દો. તમારા દુઃખો મને સોંપી દો.” પરમ પૂજ્ય દાદાશ્રીની કૃપા તો મનના રોગોના, વાણીના રોગોના, દેહના રોગોના એવા સર્વ પ્રકારના દુઃખોના અંતરાયોને તોડનાર છે. તેઓશ્રી પાસે સાચી સમજણ મેળવીને ઘણા લોકો આપઘાત કરવાના સંજોગોમાં ઉકેલ મેળવીને પાછા ફર્યા છે. સાચા જ્ઞાની પુરુષ મળી જાય પછી દુષ્કર લાગતું જીવન ધન્ય ધન્ય બની જાય છે!