પ્રેમસમાધિ
પ્રકરણ-50
સુમને કહ્યું "કાવ્યા કલરવ તમે લોકો ક્યારે લડો અને ક્યારે સંપી જાવ ખબરજ નથી પડતી હજી હમણાં તો મળ્યાં, ઓળખાણ આપી અને વર્તો છો એવું જાણે કે વરસોથી એકબીજાને ઓળખો છો”.
કલરવે કાવ્યાની સામે જોયું... કાવ્યાની આખોમાં ટીખળ સાથે પ્રેમનો ભાવ હતો.. બોલી “ભાઇબંધ તો તારો છે સુમન મારે તો હજી ઓળખાણ પણ પુરી નહીં થઇ હોય એને વારે વારે ઓછું આવી જાય છે બહુ નાજુક છે દીલનો” એમ કહીને હસીને ઘરમાં દોડી ગઇ.
સુમન અને કલરવ સાથે ઘરમાં પ્રવેશ્યા.. સુમને કહ્યું “કલરવ થોડી આખા બોલી છે પણ દીલની સાફ છે મારી બહેન.” કલરવે કહ્યું “તું વકીલાત ના કર હવે હું ઓળખી ગયો છું મને કંઇ ખરાબ નથી લાગ્યું..”
ત્રણે જણાં ઘરમાં આવી ગયાં એટલે રેખાએ દરવાજો બંધ કરી દીધો અને નોકરને કહ્યું “બધી બારીઓ બંધ કરી દે અને ધૂપ સળગાવી આખા બંગલામાં ફેરવી દે.” પછી ભાઉને પૂછ્યું “ભાઉ સાંજનું શું જમવાનું બનાવવાનું છે ?”
ભાઉએ કહ્યું “હવે છોકરાઓને પૂછવાનું હોય” ભાઉએ કહ્યું “બોલો બેટાં.. કાવ્યા.... સુમન શું જવાનું બનાવે ? સાંજ થઇ ગઇ છે વેળાસર જમી લેવાય...”
કાવ્યાએ કહ્યું “અમને નહીં મહેમાનને પૂછો એમને શું ખાવું છે ?” સુમને હસતાં કહ્યું. “હાં હાં બોલ કલરવ...” કલરવે કહ્યું "વાહ મહેમાન કહીને મને અજાણ્યો કહી દીધો... મહેમાન એટલે થોડા દિવસનો...”. ત્યાં કાવ્યાએ વાત કાપતાં કહ્યું “મારો એવો મતલબ નહોતો પણ..”
કલરવે કહ્યું “મતલબ શબ્દજ એવો છે જેને સમજવો અઘરો પડે... મતલબથીજ મતલબ રાખવો એવું જમાનો શીખવે... પણ મતલબ કાયમ રાખવો એ મારો સ્વભાવ છે કહીને હસ્યો પછી કહ્યું સાચું કહું વધુ સમય થયો ભાજીપાંઉ નથી ખાધાં.. છેલ્લે પાપા... માં.. નાનકી સાથે જુનાગઢમાં ખાખીનાં ભાજીપાઉ ખાધાં હતાં...” પછી એમ કહેતાં કહેતાં એનું ગળું ભરાઇ આવ્યું... એ ચૂપ થઇ ગયો.
રામભાઉએ રેખાને ઇશારો કરીને પછી કહ્યું “મહારાજને કહો મસ્ત પાંઉભાજી બનાવે.. છોકરાઓને એજ ખાવાં છે.” સુમને કાવ્યા સામે જોયું.. કાવ્યાએ કહ્યું “રસોઇ થાય ત્યાં સુદી ચાલોને ઉપર જઇને બેસીએ”. કાવ્યાને વાતો કરવાની મજા આવી ગઇ હતી. કલરવને ભૂતકાળ યાદ કરવો અઘરો પડી રહેલો...
સુમને કહ્યું “હવે ભાજીપાંઉનું નામ સાંભળીને મને તો પેટમાં ઊંદર દોડે છે મને ખૂબ ભૂખ લાગી છે. મેં ઘણાં સમયથી ભાજીપાંઉ નથી ખાધાં સાચુ કહું ? જુનાગઢનાં ખાખી ભાજીપાંઉ મીસ થાય છે. અહીંજ બેસીએ નીચે.. જમીને ઉપર જઇશું.”
કલરવે કહ્યું “ભલે પણ મને તો જુનાગઢજ મીસ થાય છે બધુ બહુ મીસ થાય છે... ખાખી ભાજીપાંઉ તો નિમિત્તજ છે”. કાવ્યાએ કહ્યું “જે યાદ કરતાં પીડા થાય એવી વાતો યાદ ના કરો પ્લીઝ... એવું તો મારે ય.. હું તો સાવજ એકલી...”
સુમન સમજી ગયો.. એણે કાવ્યાને બાથમાં લીધી એનું માથું ચૂમીને કહ્યું “સોરી બહેનાં.. સોરી દરેકનાં જીવનમાં કોઇને કોઇ કરુણ ઘટનાં છે દુઃખ છે પીડા છે તું તારી મોમથી... હું મારાં પાપાથી... છૂટો પડ્યો બંન્નેનાં...”. કલરવે કહ્યું, “હું તો સાવ અભાગીયો છું માં અને નાનકી ખોયાં અને પાપાનાં સગડ પણ નથી.”
સુમને કહ્યું “મારી માં મને કાયમ કહે કે મામા ના હોત તો આપણું શું થાત ? આપણે રખડી પડ્યાં હોત.” કાવ્યાએ કહ્યું “બસ હવે આવી દુઃખ પીડા આપનારી વાતો બંધ કરો પ્લીઝ. જીવનમાં હજી કોઇ શરૂઆત નથી થઇ અને....”
કલરવે કહ્યું "આ નવા શહેરમાં હું બધુ ભૂલવા આવ્યો છું જીવનની નવી દિશા કંડારવી છે જે થઇ ગયું પાછું સુધરવાનું નથી જે ગુમાવ્યા છે પાછા મળવાનાં નથી.... એક દુશ્મનીએ અમારું ઘર તારાજ કરી દીધું..”.
ત્યાં રામભાઉનાં મોબાઇલ પર રીંગવાગી... અને કાવ્યાએ જોરથી પૂછ્યુ" ભાઉ પાપાનો ફોન છે ?” રામભાઉએ સ્ક્રીન સામે જોઇને કહ્યું “ના દીકરા.”. એમ બોલી ફોન પર હેલો હેલો કરતાં દરવાજો ખોલી બહાર તરફ ગયા. રેખા ભાઉને બહાર જતો જોઇ રહી.
************
વિજયે નારણ સામે જોયું અને બોલ્યો “નારણ પન્ના.... આઇ મીન પન્ના સાલ્વે કોણ છે ડાર્લીંગ, સ્વીટી કરીને વાત કરે છે.” નારણે થોડાં ખચકાટ અને આશ્ચર્ય સાથે વિજય સામે જોઇને કહ્યું "કોણ જાણે કોણ છે ? શું કહેતી હતી ? શું કામ છે ?”
વિજયે કહ્યું "ખબર નથી પણ એટલી ચોક્કસ ખબર છે કે કોઇનાં કહેવાથી ફોન કર્યો છે પણ એની પાસે આ આપણાં નવાં નંબર કેવી રીતે આવ્યો ? હજી આ નંબર લીધે એક અઠવાડીયું થયું છે ખાસ અંગત માણસો સિવાય કોઇ પાસે આપણાં નંબર પણ નથી....”
નારણે ડ્રાઇવ કરતાં કહ્યું "ખબર નથી પડતી હવે ડુમ્મસ આવી ગયું છે હોટલ પર પહોંચી શાંતિથી વાત કરીએ હવે 2 મીનીટમાં હોટલ પર પહોંચી જઇશું..”
વિજય ઊંડા વિચારોમાં પડી ગયો.... એને મનમાં થયું.. આ બધુ શું ચાલી રહ્યું છે. હવે હોટલ પહોચીને મારી તપાસ કરવી પડશે. પછી એને યાદ આવ્યું. હોય એમ મોબાઇલ કાઢી એક નંબર ડાયલ કર્યો.
ડ્રાઇવ કરતાં નારણનું ધ્યાન પણ વિજયમાં હતું.. બોલ્યો “શું થયું ? કોને ફોન કર્યો ?” વિજયે હાથનાં ઇશારે શાંત રહેવા કહ્યું.. ત્યાં ગાડી વિજયની આવકાર હોટલનાં પોર્ચમાં ઉભી રહી.. દરવાન દોડતો ગાડી પાસે આવ્યો.
વિજયનો ફોન લાગ્યો સામેથી ફોન ઊંચકાયો વિજયે સતાવાહક અવાજે પૂછ્યું “વેરાવળ પહોચી ગયો ?” સામેથી રાજુ નાયકો બોલ્યો.. “યસ બોસ... 2-3 કલાક થયાં છે માલ ઉતારી રહ્યો છું તમારાં કહેવા પ્રમાણે 3 દિવસ અહીં છું.. પેમેન્ટ મળી જાય પછી તમે કહ્યું છે એમ ડ્રાય મટીરીયલ લઇને પાછો આવવા.....”
વિજયે કહ્યું "પેમેન્ટ બધુંજ લઇ લે. પછી થોડો વિચાર કરીને બોલ્યો.. એક કામ કર 2 ખોખા એડવાન્સ માંગી જો.. જે હોય એ "0" પર ડાયલ કરજે હું હમણાં ડુમ્મસ પહોંચ્યો છું... દમણ પહોંચવાનું છે તારે પણ.. હમણાં પોરબંદર નથી જવાનું સમજ્યો ?” ત્યાં હોટલમાંથી કોઇ દોડતું આવ્યું. વિજય પાસે આવીને......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-51