We are just friends in Gujarati Moral Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | વી આર જસ્ટ ફ્રેન્ડ્સ

Featured Books
Categories
Share

વી આર જસ્ટ ફ્રેન્ડ્સ

વાર્તા:- વી આર જસ્ટ ફ્રેન્ડ્સ
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની






"સ્નેહ, આજે મને આવતાં મોડું થશે. કદાચ રાત્રે દસેક વાગી જાય. તુ અને બાળકો જમીને સુઈ જજો. મારે આજે ઑફિસમાં જ ડિનર લેવું પડશે. જર્મનીની એક કંપની સાથે આજે એક ડીલ ફાઈનલ કરવાની છે."

એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા અમિતે બૂટ પહેરતાં પહેરતાં પોતાની પત્નીને આ સંદેશો આપ્યો. સ્નેહ એટલે સ્નેહલતા. અમિત અને સ્નેહલતાનાં લગ્ન એમનાં માતા પિતાની પસંદગીથી થયાં હતાં. એ બંનેને જોઈને બધાંને એમ જ લાગે કે એમણે પ્રેમલગ્ન જ કર્યાં હશે. બંને વચ્ચે ખૂબ સારો મનમેળ. અમિતનું માનીએ તો જ્યારથી એની પત્ની એનાં જીવનમાં આવી છે, એણે દુઃખ જોયું નથી. ઉપરથી એની પત્નીનો પ્રેમ પણ એનાં પર અપાર હતો. એનાં ઘરને પણ ખૂબ સુંદર રીતે સચવાતું હતું. આથી જ અમિત એને સ્નેહલતાને બદલે સ્નેહ કહેતો હતો.

લગ્નનાં પંદર વર્ષ પછી પણ બંનેનાં લગ્ન હજુ હમણાં જ થયાં હોય એવું લાગતું હતું. એવું ન્હોતું કે સ્નેહ દેશી ઢબની હતી. એકદમ મોડર્ન. પણ એને એની મર્યાદાનું ભાન હતું. એક સન્નારીને શોભે એવો એનો પહેરવેશ હતો. એ ક્યારેય અમિતનાં કામમાં માથું મારતી નહીં કે એને ખોટી માંગણી કરીને હેરાન કરતી ન હતી. આજે અમિત ઉતાવળમાં હતો. એણે મિટીંગ માટેની તૈયારી કરવાની હતી. ઉતાવળમાં એ એની જરુરી કાગળોવાળી ફાઈલ જ ઘરે ભૂલી ગયો હતો. આથી સ્નેહ પોતે આજે એની ઑફિસે જઈને ફાઈલ આપી આવવાની હતી.

એ ઑફિસે પહોંચી અને અમિતને મળવા માટે રિસેપ્શન પર કહ્યું. રિસેપ્શન પર બેઠેલી છોકરીએ એની પાસે એની ઓળખ માંગી. સ્નેહ સમજી ગઈ કે અહીંયાં કોઈ એને ઓળખતું લાગતું નથી. આથી જ એણે પોતાની સાચી ઓળખ આપવાને બદલે એક કાગળ પર પોતાનું નામ લખી આપ્યું - 'સ્નેહ'. આમ તો અમિત મળતાવડા સ્વભાવનો હોવાથી સૌ કોઈ એને ઓળખતા. પણ આ રીતે કોઈ સ્ત્રી એને મળવા આવે એની કલ્પના પણ કરી ન હતી!

પેલી છોકરીએ આ કાગળ અમિતને બતાવ્યું અને અમિતે તરત જ એને અંદર મોકલવા કહ્યું. પેલી અચરજ સાથે એને જોઈ રહી. પછી બહાર જઈને એણે સ્નેહને અંદર મોકલાવી. અમિતે પૂછ્યું, "કેમ આવવું પડ્યું આજે?" એટલે કોથળીમાંથી ફાઈલ કાઢી એને બતાવતાં એ બોલી, "આ તમે ઘરે ભૂલી ગયા હતા. એટલે આપવા આવી છું. થયું કે સ્ટાફવાળાને ખબર નથી મારા વિશે એટલે થોડી મસ્તી કરી અને ઓળખ આપવાનાં બદલે કાગળ પર નામ લખી આપ્યું."

અમિત સમજી ગયો. લગભગ અડધો કલાક બેઠાં પછી સ્નેહ ત્યાંથી ચાલી ગઈ. અમિત એને ટેક્સીમાં બેસાડી પછી પાછો આવ્યો. સૌ કોઈ એને જોઈ રહ્યા હતા. આખરે એનાં ક્લાર્કથી ન રહેવાયું અને એણે પૂછી જ લીધું, "સર, એ છોકરી કોણ હતી? કેટલી સુંદર દેખાય છે! અમે તો સૌ કોઈ એને જોતાં જ રહી ગયા." અમિત હસ્યો અને માત્ર એટલું જ બોલ્યો, "વી આર જસ્ટ ફ્રેન્ડ્સ!"

પછી પોતાની કેબિનમાં જઈને એકલો એકલો ખુશ થતો હતો. પોતાની પત્ની પોતાનું કેટલું ધ્યાન રાખે છે એ બાબતથી અને સ્ટાફમાં આજે સૌ કોઈએ સ્નેહનાં દેખાવ અને મળતાવડા સ્વભાવના વખાણ કર્યાં એ જાણીને આજે એની ખુશી બેવડાઈ ગઈ હતી. હવે એને વિશ્વાસ થઈ ગયો કે મિટીંગ સફળ જ થશે.


પછી નીચેની પંક્તિઓ ગણગણતો એ પોતાનાં કામે વળગ્યો...
आए हो मेरी जिंदगीमे तुम बहार बनके........

એટલે જ કહેવાય છે કે પતિ પત્ની એકબીજાની સંપત્તિ ન બનતાં જો મિત્રો બનીને રહે તો એકબીજાને વધુ ઝડપથી સમજી શકે. પહેલી જ રાત્રે એકબીજાને પૂછી લેવાનું, "ફ્રેન્ડ બનીશ?" અને જવાબ 'હા' જ આપવાનો. આખી જિંદગી આ દોસ્તી નિભાવવાની.

સ્નેહલ જાની