ગતાંકથી....
રાતના તેણે પોલીસ કમિશ્નર ને બધી જ હકીકત જણાવી દેવા માટે અરજી તૈયાર કરી અને તે જ રાતના બદમાશે તેના પર તેનું જ ઝેરી ચક્કર મોકલાવ્યું અને પછી તે જાતે ત્યાં હાજર થયો. આકાશ ખુરાના પાસે બળજબરીથી તેણે કવર ખોલાવ્યું અને પછી એકદમ તેના શરીરને તે અડકાડી દીધું .પોલીસ કમિશ્નરવાળી અરજી લઈને તે પછી પોતે ત્યાંથી ભાગી ગયો .પણ ક્યાં રસ્તે ?
આકાશ ખુરાનાના બંગલાના ડ્રોઈંગ રૂમમાં જે ભોંયરુ હતું તે રસ્તે. એ ભોંયરાને ગટરવાળા ભોંયરાની સાથે જોડાણ હતું.અને તે રસ્તે જ તે ત્યાં આવ્યો ને પાછો જતો રહ્યો.
હવે આગળ....
લાલચરણ 'લોકસતા'નો છુપો માલિક પણ હતો પરંતુ માલિક તરીકે તેને બીજા એક વ્યક્તિનું નામ આપ્યું હતું કે જે હકીકતમાં તેની ટોળકીમાં જ ભળેલો હતો. વર્ષોથી તે આ પ્રકારનો ધંધો કરતો હતો. સભ્ય સમાજમાં બે ન્યૂઝ પેપર ના માલિક તરીકે ઓળખાવાની તેને મહત્વકાંક્ષા હતી. અને તેથી તે વારંવાર હરિવંશરાયને પૈસાની રકમો મદદરૂપે શોધી આપતો અને અમુક પાસેથી વ્યાજે અથવા તો બીજા પાસેથી 'લોન' તરીકે લાવ્યાનું કહેતો. આથી હરિવંશરાયને તેના ઉપર વિશ્વાસ બેઠો હતો. ભવિષ્યમાં હરિવંશરાયનું ન્યુઝ પેપર પોતાની માલિકીનું રહે તે માટે અગાઉથી જ બદમાશે ચાલાક રહીને તેનું એક વીલ રદ્દ કરાવી બીજું બનાવરાવ્યું હતું અને પોતાના એ જ વકીલમિત્ર રાયચૂરાની તેમાં મદદ લીધી હતી.ત્યારથી જ રાયચુરાને છુપી રીતે તેને પોતાની ટોળકીમાં લીધો હતો. પાકા રાયચુરાએ એક બીજા છ સાત જણની ગેંગ બનાવી તેનો અડ્ડો જમાવરાવી તેનું ઉપરીપદ લીધું હતું. તે ટોળીની લૂટોમાંથી બેશક સિક્કાવાળાને ઘણું મળતું હતું પણ તેનો ઉપરી રાયચૂરા હતો .એ વકીલ લાલચરણના કામોમાં ઘણો મદદગાર થતો હોવાથી તેને ગેંગ નો લીડર બનાવવામાં લાલચરણે વાંધો લીધો ન હતો.
"આકાશ ખુરાનાના તમામ ખાનગી કાગળિયાંની માહિતી બદમાશ મેળવતો રહ્યો હતો. તે કાગળિયામાંથી તેણે એક વાત શોધી કાઢી હતી, તે એ કે સર આકાશ ખુરાનાનો એક ભાઈ નામે રોહન ખુરાના છે અને તેની પુત્રી તેના મોસાળમાં ઉછરે છે. રોહન ખુરાનાનો વર્ષોથી કોઈ પત્તો ન હતો, તેમ જ આકાશ ખુરાનાના ઘરમાં કોઈ સ્ત્રી જીવીત ન હતી એટલે આકાશ ખુરાના એ ભત્રીજી નાં મોસાળિયાંને તેને ઉછેરવાનું કામ સોંપ્યું હતું. બદમાશ લાલચરણ વારંવાર તે છોકરીને મોસાળ જઈ તેની સ્થિતિની તપાસ કરતો રહેતો. અચાનક તે છોકરીના મોસાળિયાં કોરોનાની ભયંકર બીમારીમાં મરણ પામ્યા. છોકરીને તે પછી આકાશ ખુરાનાએ એક પત્ર મારફતે તેણે મુંબઈ બોલાવી પણ તે આવી ત્યારે બદમાશે બળજબરીથી આકાશખુરાનાની પાસે એમ જાહેર કરાવ્યું કે "મારી ભૂલ થઈ મેં કોઈને બદલે કોઈ છોકરીને બોલાવી . મારી ભત્રીજી તો બે વર્ષની હતી ત્યારથી મરણ પામેલી છે છતાં હવે જ્યારે એક અનાથ છોકરી મારે ત્યાં મારી આવી ભૂલથી આવી છે ત્યારે તેને સહાય આપવી, એ મારી ફરજ છે." તે છોકરી માસ્ટર સુધી ભણેલી હોવાથી આકાશ ખુરાનાએ તેને પોતાની સેક્રેટરી તરીકે નિમણૂક કરી.અમારા વાચકોની જાણ માટે અત્રે અમે જણાવીશું કે તે જ સન્નારી મિસ. શાલીની હતી. બદમાશે આકાશ ખુરાનાને ખૂબ ખૂબ દબાવી, ડરાવી -ધમકાવી કહ્યું હતું કે તેણે છોકરી તેની ભત્રીજી છે એ સાચી વાત કદાપી એને કહેવી નહિં .પણ આકાશ ખુરાનાનું હૃદય ડંખ્યા કરતું હતું તેથી એક વખત તેઓ છૂપી રીતે વકીલને મળ્યા અને તેની પાસે પોતાનું વસિયતનામું કરાવ્યું. જેમાં મિસ શાલીનીને પોતાના મિલકતની વારસદાર ઠરાવી. આકાશ ખુરાના ને તો એમ જ હતું કે એ વાતની બદમાશોને ખબર નથી. પણ વસ્તુતઃ તેમન હતું .જ્યાં તેઓ જાય ત્યાં બદમાશના છુપા મળતાવડા લોકો તેની પાછળ ફરતા રહેતા ગમે ત્યાં છુપાઈને તેની વાતચીત સાંભળતા. એ મુજબ વસિયતનામાંની બાબતમાં બદમાશે હકીકત મેળવી લીધી અને તે બાદ આકાશ ખુરાના ને ધમકાવી તેમની ડાયરીમાં લખાવી લીધું કે મિસ.શાલીની પર મને વહેમ છે તેથી તેને વારસાઈ હકમાંથી રદ્ બાતલ કરું છું અને રોહન ખુરાનાને વારસો આપવા ફરમાવું છું. આ ડાયરી આકાશ ખુરાના ના નામ મરતાં સુધી બદમાશે છુપાવી રાખી અને તેના મરણ બાદ જાહેર કરી, પોતે રોહન ખુરાના ના વેશમાં બહાર પડ્યો અને મિસ.શાલીનીને હેરાનપરેશાન કરી.
"સદ્ નસીબે મિસ.શાલીનીને લોક સેવકના તંત્રી પૃથ્વી નો ભેટો થઈ ગયો. પૃથ્વીએ હંમેશા તેને મદદરૂપ થવા વચન આપ્યું હતું .પરંતુ પૃથ્વી વારંવાર તેને મળી શકતો ન હોવાને બાબતે જ્યારે એક વાર લાગ મળ્યો ત્યારે મિસ.શાલીનીએ ઇન્સ્પેક્ટર ખાનની મદદ લીધી અને તે અમલદારે ભૈયાના વેશમાં ખૂબ જ ચાલાકીથી મિસ.શાલીનીનો બચાવ કર્યો.
"લાલ ચરણે સિક્કાવાળાની ટોળી ના રહેઠાણની ભેદી રચના એવી રીતે કરી હતી કે તેની ટોળી ક્યાં બેસે છે? અને તેમાં કોણ કોણ છે તેની જાણ કોઈપણ ને થાય જ નહિ .અટપટાં ભોંયરાઓનો સંબંધ એક મકાનમાંથી બીજા મકાનમાં અને એવી છુપી સ્વચો દ્વારા રાખ્યો હતો કે સાધારણ બુદ્ધિ વાળા ના ખ્યાલમાં તે ન જ આવી શકે; અને આથી જ તેણે પોતે એકવાર પૃથ્વીને 'સિક્કાવાળા'ની ટોળી ની શોધ માટે પ્રેર્યો હતો. તેના કમનસીબ કહો કે પૃથ્વીના ચઢતા સીતારાને યોગે કહો ગમે તે કહો ,પણ પૃથ્વીની બુદ્ધિની કસોટી કરવામાં તેણે ખરેખર જ મોટી થાપ ખાધી હતી. એક વખત હાથમાં લીધી તો તેનો પૂરો કસ કાઢ્યા વિના તે છોડવી જ નહિં એવા દ્રઢ નિશ્ચયવાળા પૃથ્વીએ તેમના ભોંયરાઓનો ભેદ શોધી કાઢ્યો હતો અને તેને મૂળથી જ શક રહ્યો હતો કે બદમાશ ટોળી ને અને લાલ ચરણને કંઈક સંબંધ છે .એ શક પરથી તેણે કેટલી રાતના ઉજાગરાને ત્રાસ વેઠીને તેમજ પોતાના જીવનાં જોખમ ખેડીને બદમાશ ટોળીને પકડવાની જહેમત ઉઠાવવા માંડી હતી. તેને અંગત રીતે અસહાય અને લાચાર બનાવી દેવા માટે જ બદમાશે શરૂઆતમાં તેના મૃતક પિતાની કાંઈ જ મિલકત બચી નથી એમ જણાવ્યું હતું; તેનું મકાન પણ વેચાવડાવ્યું હતું. હિસાબના ખોટા ચોપડા રાખ્યા હતા અને 'લોક સેવક'ને 'લોકસતા' સાથે જોડી દેવાની વારંવાર માંગણી કર્યા કરી હતી .જ્યારે પૃથ્વીએ તેની એ વાતને દાદ ન દીધી ત્યારે તેને 'લોક સેવક'ના કામદારોમાં અસંતોષની હોળી પ્રગટાવી હતી, પણ તેમાં તે ફાવ્યો નહિં .તેણે હરેશ નામના 'લોક સેવક'ના મુખ્ય માણસને ગૂમ કરીને પૃથ્વીને હેરાન કરવાનું કાવતરું રચ્યું હતું અને જ્યારે એકવાર વકીલ રાયચૂરા પશ્ચાતાપ ને પરિણામે અમારા રિપોર્ટરને બોલાવી તેના છુપાસ્થાનની ખબર આપી ત્યારે બદમાશે ખૂબ જ ચાલાકી થી તેને ખસેડી દીધો હતો .આ વિગત પ્રગટ થાય છે ત્યારે બદમાશે કરેલા એકરાર ઉપરથી અને ઇન્સ્પેક્ટર ખાનની મહામહેનતને પરિણામે હરેશને સાંતાક્રુઝ ખાતે આવેલા એક ઘાટીના ઘરમાંથી છુપાવેલો શોધી કાઢવામાં આવ્યો છે અને તે ફરીથી અમારા ન્યૂઝ પેપરમાં જોડાઈ ગયો છે.વકીલ રાયચુરાએ મૃત્યુ ની અંતિમ ક્ષણો માં કબુલ્યું ત્યારે નરાધમ બદમાશે એ પસ્તાયેલા વકીલને પણ એ ભેદી ચક્કર ના ઝેરથી મારી નાખીને ક્રુર માં ક્રુર કામ કર્યું હતું.
"પોલીસ ખાતા તરફથી અમને જણાવવાની ફરમાશ થઈ છે કે આ ટોળીમાં એકંદરે ત્રેવીસ માણસો હતાં .તે તમામને પકડવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય માણસ લાલચરણે પોતે પોતાના હાથે આપઘાત કર્યો છે. બદમાશોના કુટંબીઓ 'સૌભાગ્યવિલા' 'મલ્હાર વિલા' અને 'મંઝિલે બહાર'માં વસતાં હતાં.તેઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. એ ત્રણેય મકાનો વચ્ચે એક સળંગ ભોંયરું બદમાશોએ બનાવરાવ્યું હતું; જેમનો એક છેડો આકાશ ખુરાના ના ડ્રોઈંગ રૂમમાં હતો. એ ડ્રોઈંગરૂમની નીચેના ભોંયરાનું જોડાણ સર આકાશ ખુરાના ના મેદાનમાં આવેલા ભોંયરાની સાથે હતું. ચોગાનવાળા ભોંયરાની જમીનમાંથી એક ગજબ પ્રકારની છુપી સ્વીચ મારફત તેમાં જવાતું હતું .બદમાશોએ તેમાં પોતાની લૂંટના ઝવેરાતના પટારાઓ, રૂપિયા , આભુષણ ને કિંમતી વસ્તુઓ છુપાવ્યા હતા. એ તમામ પોલીસ ખાતાએ કબજે કરી લીધા છે .અને અમને જાહેર કરવાની ફરમાશ થઈ છે કે આ લુટારુ ખજાનો જાહેર પ્રજાને જોવા દેવા માટે પોલીસ સ્ટેશને ખુલ્લો રખાશે. જેઓ તેમાંનો માલ પોતાનો હોવાની સાબિતી આપશે તેઓને તે સંબંધી ખાતરી કરી લીધા બાદ તે પાછો પણ સોંપવામાં આવશે.
બદમાશ સિક્કાવાળા ની ટોળીના તરખાટ વિશે જાણવા માટે વાંચો આગળનો ભાગ.......
ક્રમશઃ...