Chhappar Pagi - 59 in Gujarati Women Focused by Rajesh Kariya books and stories PDF | છપ્પર પગી - 59

Featured Books
Categories
Share

છપ્પર પગી - 59

છપ્પર પગી ( ભાગ - ૫૯)
———————————
પ્રવિણે બહાર નીકળીને પુછ્યુ કે શું થયુ તો બાજુમાં પાનનો ગલ્લો હતો તેમાં એક યુવાન છોકરો બેઠેલ હતો એણે કહ્યું, ‘અરે.. કંઈ નહી… તમતમારે નીકળી જાવ ઈનું તો આ રોજ નુ સે.. ગાંડી સે બિચારી… રોજ આમ જ ભાઈગ ભાઈગ કરે સે..!’
પ્રવિણે મંદિર તરફ બે ડગલાં આગળ વધી ને જોયું તો એ સ્ત્રી આધેડ હોવા છતાં ઉંમર કરતા વધારે વૃદ્ધ દેખાતી હતી. બે ચાર જગ્યાએ ફાટેલ પંજાબી ડ્રેસ, ગળામાં ને હાથમાં ચાર પાંચ કાળી દોરીથી બાંધેલ માદળિયાં, ઘસાઈ ગયેલ સ્લીપર્સ, મંદીરના ઓટલે પડેલ અડધું ખાધેલ બિસ્કિટનું પેકેટ સાથે ઉંડી જતી રહેલ આંખો સાથે આ નવાંગતુક આ પુરષને એકીટશે જોઈ જ રહે છે અને અચાનક જ રાગડો તાણીને બોલી ઉઠે છે,
‘હું તો અમેરિકા જાઈશ… અમેરિકાઆઆ. હું તો અમેરિકા જાઈશ અમેરિકાઆઆઆઆ…’
પ્રવિણને સહેજે વાર ન લાગી અને તરત બોલી ઉઠ્યો, ‘જિનલ…? તું… !!?’
જિનલે તો સાંભળ્યું કે ન સાંભળ્યું પણ કંઈ રિસ્પોન્સ ન આપ્યો અને એક સાથે બે બિસ્કીટ ખાતાં ખાતાં ફરી રાગડો તાણ્યો,
‘હું તો અમેરિકા જાઈશ… અમેરિકાઆઆ. હું તો અમેરિકા જાઈશ અમેરિકાઆઆઆઆ…’
પણ પ્રવિણનો એ શબ્દ સાંભળી પૂજારી બોલ્યા,
‘હા સાહેબ… આ જિનલ જ છે, પણ તમે કેવી રીતે ઓળખો આને…! લાગો છો તો બહારના, પહેલી વાર જોયાં તમને..!’
‘હા..’ વધારે કંઈ જ જવાબ આપ્યા વગર તરત પાછો ફરી ઉતાવળે પગલે પ્રવિણ પોતાની કારમાં બેસી ગયો જોરથી દરવાજો અનાયાસે જ બંધ થઈ ગયો અને કહ્યુ, ‘જવા દે ભરત…’
‘સારૂ.. પ્રવિણભાઈ… લો આ આપણે તો હંકારી કોઈ ને ક્યાંય રોકાવાનું હોય તો કહેજો, બાકી હું તો હવે ચા પીવા મારે માટે રોકીશ.’ એમ કહી ભરતે કારનું એક્સલરેટર દબાવ્યુ અને તરતજ ગતી તેજ થઈ ગઈ… એક તરફ કારની અને બિજી તરફ પ્રવિણનાં હાર્ટબીટની..!
પ્રવિણના એકદમ જ બદલાઈ ગયેલ હાવભાવ લક્ષ્મીથી સહેજ પણ છૂપા ન રહ્યા એટલે એમણે તરત ડ્રાઈવર ભરતને કહ્યુ, ‘ભાઈ કાર ઉભી રાખજો.. મને વોમિંટીંગ જેવું થાય છે.’
ભરતે કાર ઉભી રાખી.લક્ષ્મી કારની ડાબી બાજુએ બેઠેલ હોય તરત દરવાજો ખોલીને ઉતરી જાય છે અને છ સાત ડગલાં પાછળ ચાલીને રોડ પરના ઝાડને હાથ અઢેલીને ઉભી રહે છે.
પ્રવિણે પણ વાર ન લગાડી. પાણીની બોટલ લઈને નીચે ઉતરી લક્ષ્મી પાસે જઈ વાંસા પર હાથ ફેરવે છે અને કહે છે, ‘સોરી ઉતાવળમાં તને એવોમિન આપવાનું ભૂલી ગયો.. થોડું સારુ લાગે પછી લઈ લે, એટલે આગળ પછી નોસીયા ન થાય.’
લક્ષ્મીએ કહ્યું, ‘મેં જમીને તરત લઈ જ લીધી હતી.’
‘અરે તો પણ કેમ નોસીયા થાય છે …? આવું તો પહેલી વાર બન્યું..! સારુ કંઈ નહી.થાય તો થવા જ દે જે, પછી સારું લાગશે.’
‘પ્રવિણ મને વોમિટીંગ નથી થતી. તારી જોડે વાત કરવા જ નીચે ઉતરી છું. પલ નીચે ઉતરે તે પહેલા જલ્દી કહી દે… કેમ પેલી સ્ત્રીને જોઈને તારા હાવભાવ બદલાઈ ગયા..? કોણ હતી એ સ્ત્રી..? ઓળખે છે તું એને ?’
‘ના.. નથી ઓળખતો… ચાલ આપણે જઈએ વહીંતર કસમયે પહોંચીશુ આપણે.’ પ્રવિણે ટાળતો હોય તે રીતે જવાબ આપ્યો અને પોતાના ડગ કાર તરફ વાળ્યા.
એકદમ જ લક્ષ્મીએ પ્રવિણનો હાથ પકડીને ખેંચી રાખ્યો અને કહ્યુ, ‘પ્રવિણ તમને ખબર છે જ કે તમે ક્યારેય જૂઠું નથી બોલતા, તો કેમ આજે..!? બોલો કોણ હતી એ સ્ત્રી..?’
‘જિનલ..!’
‘તો કેમ મને ન જણાવ્યુ ત્યારે ? હું સમજી શકું છું કે તમે કેમ ઈગ્નોર કર્યું. પણ પ્રવિણ આપણી માનવતા મરી પરવારી છે..? એ જિનલ તમારા માટે કે બીજા સૌ કોઈ માટે પછી હશે પણ છે તો એક માણસ ને ? આપણે કોઈને પણ આ સ્થિતીમાં ન છોડીએ…’
‘પણ લક્ષ્મી.. એ જિનલ છે..! વિચાર તો ખરા કે કેમ..!’
લક્ષ્મીએ એને આગળ બોલતાં અટકાવ્યો અને કહ્યું, ‘બેસો તમે કારમાં.’
બન્ને કારમાં બેસે છે એટલે લક્ષ્મીએ તરત કહ્યુ, ‘ભરતભાઈ કાર પાછી લઈ લો પેલાં મંદીર પાસે…!’
પ્રવિણે કહ્યુ, ‘લક્ષ્મી પ્લીઝ જરા…’
‘ના… પ્રવિણ કંઈ જ વિચારવાનું વધારે નથી, આપણે માત્ર માનવતા દાખવવાની છે, મારું કામ પણ એ જ છે.હાલ તો શું થઈ શકે તે વિચારીએ, આગળનું સમય પર છોડી દઈએ.’
કારની અંદર બેઠેલ અન્ય કોઈ આ બાબત સમજી નથી શકતા, એટલે દ્વિધાભરી નજરે અરસપરસ જોઈ રહે છે, કાર મંદીર પાસે પરત ફરે છે. પણ પેલી સ્ત્રી ત્યાં નથી, એટલે પૂજારીને પુછતા ખબર પડે છે કે એની મા આવી ને હમણાંજ લઈ ગઈ.
લક્ષ્મી અને પ્રવિણ કારમાંથી ઉતરી જાય છે અને પલને કહે છે કે થોડી વાર રાહ જૂઓ ત્યાં આવી જઈશું. એ બન્ને જિનલના ઘરે પહોંચે છે, જિનલની મા એ એને રૂમમાં પુરી દીધી હતી…એ અરસામાં આ બન્ને એમના ઘરે પહોંચે છે. જિનલની મા પ્રવિણને ઓળખી નથી શકતી એટલે પુછે છે કે કોનું કામ છે ? તો લક્ષ્મીએ તરત જ સમયસૂચકતા વાપરીને કહ્યું,’અમે માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તેવા લોકો માટે કામ કરીએ છીએ અને જરૂરી સહાય પુરી પાડીએ છીએ.. અમને ખબર પડી કે તમારી દિકરીને તકલીફ છે તો તમને મળવા અને જાણવાં આવ્યા છીએ કે શું તકલીફ છે… અમે કંઈ મદદ કરી શકીએ ?’
‘હા… બુન તમારો પાડ માનું કે તમી કાંઈ મદદ કરો તો.. અમે હવ આન થી કંટારી ગ્યા સીએ..આ સોળી નું કાંઈ દવાદારૂ થાય તો ને કાંઈ હધરે તો હારું.. બાકી હુ હવે ક્યાં હુધી જીવવાની… મને તો એની બવ સિંતા થાય સે..’
‘પણ થયું છે શું એને ?’
‘હાહરે થી દખ થ્યું સે બુન.. અમરિકા ઈને પૈણાવી તી.. હગા માં જ કયરુ તુ પણ સોળી ને દખ દેવામા કાંઈ બાકી નથ રાઈખુ.. અરધી ગાંડી તો ન્યાં જ થઈ ગઈ તી ને પસી આંય મેલી ગ્યા સ… ઈનો બાપેય હવે નથ ને હુ એકલી સુ બુન.. દાડા નથ જાતા.. આમની આમ ગામમાં ફઈરા કરે સ..હુ કરવુ બુન હમજાતુ જ નઈથ..’
આખી વાત પ્રવિણ અને લક્ષ્મી ટૂંકમા સમજી ગયા. પ્રવિણ જોડે ધીમેથી કંઈક ચર્ચા કરીને લક્ષ્મીએ જિનલની મા ને કહ્યું, ‘……!!!

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા