છપ્પર પગી ( ભાગ - ૫૭ )
———————————
જે દિવસની લક્ષ્મી અને પ્રવિણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવતીકાલે હતો.મુંબઈથી નિકળી ગુજરાત પહોંચવાનું હોવાથી આજે બુધવારે બપોર પછીથી જ નિકળી જવાનું વિચાર્યું. પ્રવિણ, લક્ષ્મી, પલ, રાકેશભાઈ અને ડ્રાઈવર આ પાંચેય વ્યક્તિઓ એક કારમાં બેસીને જવા માટે નિકળી જાય છે. બીજી તરફ વકિલ શિવાંગભાઈ, આર્કિટેક્ટ મૌલિકભાઈ પણ પોતાની રીતે વહેલી સવારે પ્રવિણના વતનના ગામે પહોંચી જાય એ રીતે નિકળી રહ્યા છે. તેજલબેન અને હિતેનભાઈ પણ સીધા જ ટેક્ષી કરી પહોંચશે.
લક્ષ્મી પોતાની કારની બેક સીટ પર ડાબી બાજુએ, જે હંમેશા એની પસંદની જગ્યા હતી તે તરફ બેસી કારના મોટા સાઈડ વ્યુ ગ્લાસથી સરી જતા વૃક્ષોની હારમાળાઓ, ખેતરો, રસ્તા, લોકોને જોઈ રહી હતી..એનુ વાતો માં ધ્યાન ન હતુ, જ્યારે પ્રવિણ અને રાકેશ વાતો કરતા સમય પસાર કરી રહેલાં અને પલ પોતાના આઈપેડ પર પોતાની નવી કંપની અંગે કંઈ કામ કરી રહી હતી. લક્ષ્મી સામાન્ય રીતે મુસાફરી દરમ્યાન બહારનું કંઈ ખાવાનું પસંદ ન કરે અને જોડે હોય તેને શક્ય હોય ત્યાં સુધી ખાવા પણ ન દે એટલે ઘરનું બનાવેલ અથવા ફ્રુટ, ડ્રાયફ્રુટ, નટ્સ વાળી ચોકલેટ્સ વિગરે જોડે હોય જ. પરંતુ આ વખતે રાકેશભાઈ જોડે હતા અને એ બહારનું ચટ્ટાકેદાર ખાવાનું પસંદ કરે અને શક્ય હોય તો ચૂકે પણ નહી. એને બધા જ હાઈવે પર કે કયા વિસ્તારમાં શુ સરસ વખણાય તે ખબર જ હોય.
હવે રાત્રે ૮ વાગવા આવ્યા એટલે રાકેશથી ન રહેવાયુ એટલે તરત પૂર્વભૂમિકા બાંધવાનું શરૂ કર્યુ..
‘લક્ષ્મીભાભી ભૂખ નથી લાગી?’ ઘરે કેટલાં વાગે જમો છો?
લક્ષ્મીને પણ રાકેશભાઈનો સ્વભાવ બરોબર ખબર એટલે એમણે મજાક ચાલુ કરી, ‘ભાઈ મુસાફરી દરમ્યાન ખાવાનું જ ન હોય.. અને આમ પણ મને ગીતાભાભીનો ફોન હતો જ કે એમને કશું જ બહારનું ખાવા ન દેશો.. એટલે ગીતાભાભી જોડે નથી તો મારે જ તમારું ધ્યાન રાખવાનું હોય ને ..! સિંગ છે, દાળીયા છે, ફ્રુટ છે એ લઈ લો.. પછી સૂઈ જાઓ, ચાલુ કારે પેટ બહુ ભરેલ સારુ નહી.’
પ્રવિણ બરોબર હસ્યો અને કહ્યુ, ‘જો ભાઈ આજે તું જાણ ને તારી ભાભી જાણે મને વચ્ચે ન પાડીશ’
‘ભઈ તારી જરૂર પણ નથી, આ ડ્રાઈવર મારી જોડે જ છે ને મને મન થશે ત્યાં બ્રેક મરાવીશ..!’
પ્રવિણે જોરથી હસીને કહ્યુ, ‘બહુ ખાંડ ન ખાઈશ ભૂદેવ, લક્ષ્મી જોડે હોય તો ડ્રાઈવર સાહેબ મારું પણ ન માને લક્ષ્મી કહેશે એટલું જ કરશે.’
રાકેશ પરિસ્થિતિ પામી ગયો એટલે ઈમોશનલ બની ને કહ્યુ, ‘જુઓ, ભાભી બ્રાહ્મણ ભૂખ્યો સારો નહીં અને આમેય તમે કેટલું પવિત્ર કાર્ય કરવા જઈ રહ્યા છો એમાં પણ મારા જેવો બ્રાહ્મણ તૃપ્ત થાય તો તો સોનામાં સુગંધ ભળે..!’
લક્ષ્મીએ કહ્યુ, ‘સારુ ભાઈ.. હુ તો મજાક કરું છું. મારા નિયમો મારા પુરતા તમને ન ફોર્સ કરાય..!’
આ સાંભળીને પ્રવિણે છણકો કર્યો ને બોલ્યો, ‘ઓહો… એવું ? તારા પુરતું જ એમ..! બિજા માટે નહીં એમને !’
‘હા.. બિજા માટે નહી… પણ તમે કોઈ બિજુ નથી.. મારા પોતાના જ છો.. એટલે છૂટ ન મળે!’
આ મીઠી નોંક ઝોંક સાંભળી પલે ગણગણવાનુ ચાલુ કર્યુ, ‘ઓ મેરે સનમ..ઓ મેરે સનમ… દો જિસ્મ મગર ઈક જાન હૈ હમ..’ અને પછી હસવા લાગી એટલે લક્ષ્મીએ એને ટપલી મારીને કહ્યું, ‘બેસ છાની માની.. બહુ દોઢી ન થઈશ.. તારો વારો આવશે એટલે જોજે તુ પછી..’
‘હમમમ.. પણ મારે તો લગ્ન જ નથી કરવા ને..!’
થોડી વાર હસીને બધા શાંત થયા એટલે રાકેશે કહ્યુ,
‘ભાભી હવે હમણાં હાઈવે પર એક સરસ જગ્યા આવે છે ત્યાં રોકાઈએ અને પેટપૂજા કરી લઈએ’
‘હા.. રોકાઈએ પણ તમે પેટપૂજા કરજો.. હું તો મારી પાસે છે એ જ લઈશ.’
‘અરે ભાભી એ જગ્યા એકવાર આવવા તો દો અને તમે જૂઓ પછી, આજે તમે પણ ત્યાં જ જમશો જો જો.’
‘નો વે…ચાચુ. મા ને બહાર હાઈવે પર જમે..! નોટ પોસીબલ.’
‘ જો જે બેટા તું આજે. લક્ષ્મીભાભી અમૂક હોટેલમાં તો જમે જ છે.. સ્ટ્રીક્ટલી બહારનું ખાતાં જ નથી એવું તો નથી જ ને..! એટલે આજે આ જગ્યાએ તો જમશે જ..
… બસ બસ…ડ્રાઈવર સાહેબ આગળ ‘જય શ્રી રામ’ મોટા અક્ષરે લખેલ દેખાય છે, ત્યાં ઉભી રાખજો.’
એ જગ્યા આવી ગઈ. કાર ને બ્રેક લાગે છે, બધા બહાર નિકળે છે અને જૂએ છે તો….
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા