છપ્પર પગી ( ભાગ - ૫૬
———————————
પલ સમજીને પોતાના રૂમમાં પરત જતી રહે છે. લક્ષ્મી પોતાની જગ્યાએથી ઉભી થઈ પ્રવિણ જે ખુરશી પર બેઠો હોય છે ત્યાં નીચે બેસી એના સાથળ પર માથું ઢાળ્યું અને કહ્યુ, ‘કેમ એ રીતે જોતાં તા મારા સામું ? હુ તમારી એ જ લક્ષ્મી છું કંઈ બદલી નથી..!’
પ્રવિણે પુરા સન્માનથી જવાબ વાળ્યો, ‘લક્ષ્મી તું હવે એ લક્ષ્મી નથી રહી…તું તો હવે મારા માટે એક પ્રેરણા છે. તું લક્ષ્મી નથી રહી અમારા સૌ માટે મહાલક્ષ્મી છો. હું ક્યારેક એ પહેલાના દિવસો યાદ કરુ છું તો મને એમ થાય છે કે મને કયા જન્મના પૂણ્યનો બદલો ઈશ્વર આપી રહ્યો છે.તારા પગલાં જે દિવસથી ચાલી માં પડ્યા ત્યારથી આજ દિવસ સુધી મેં દુખ, દર્દ , પીડા કે અગવડતાનો સામનો સુદ્ધા નથી કર્યો. હું તો એક ત્યજી દેવાયેલ હતાશ યુવાન હતો જે માત્ર પોતાનુ અને મા બાપુનુ પેટ ભરાય એટલું ઝંખતો હતો. આટલી મોટી કૃપા થઈ, અપાર ઐશ્વર્ય, ધન દૌલત, નામ અને એથી પણ વિશેષ સંસ્કારોથી ભરપૂર જીવન… આ બધા માટે ઈશ્વરે તને જ નિમિત્ત બનાવીને અમારા માટે મોકલી હોય તેવું લાગે છે.’
હજી કંઈ પ્રવિણ બોલે એ પહેલાં લક્ષ્મીએ એના મોઢા પર હાથ મુકી દીધો, ‘બસ… ઈશ્વર કૃપાને સંભાળીને રાખીએ અને આપણે આ દિવસોનો સદ્ઉપયોગ કરી કોઈના ચહેરા પર થોડુ ઘણું પણ સ્મિત રેલાવીએ એ નિમિત્ત બનીએ એ જ મોટી ઈશ્વર કૃપા કહેવાય.. મને પણ તમે એ દિવસે ટ્રેનમાં ન મળ્યા હોત અને મારો વિશ્વાસ ન જીત્યા હોત તો હું પણ ક્યાં હોત..!!! એક છપ્પર પગીનું લેબલ લઈને ઘરે થી હળધૂત થઈ નીકળી હતી ને..! તમે, તેજલબેન, હિતેનભાઈ, શેઠાણી, મારો જીવ પલ, સ્વામીજી આ બધા ન મળ્યા હોત તો ? મને તો જીવતે જીવ સ્વર્ગ મળી ગયુ. બસ હવે તો જલ્દી મારા ગામમાં એ સ્કૂલ બની જાય તો મારે ગામ જવુ છે અને એ રૂણ ઉતારવું છે. મને સતત એ વિચારો આવે છે કે મારું એ ઘર, સાસુ, સસરા, પડોશીઓ, ગામ બધા કેમ હશે ..! એ ગામમાં એક સરસ સ્કૂલ શરૂ થઈ જાય અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન થાય અને શ્રેષ્ઠ નાગરિકો તૈયાર થાય તો ભવિષ્યમાં પણ કોઈ પણ આવા વહેમ, અંધશ્રદ્ધા કે અજ્ઞાનતાના વિષચક્રોમાં ન અટવાય અને નિયતી ને નિયતી તરીકે કે સ્વિકારતા થાય, સૌ કોઈ કર્મ આધિન રહી જીવન વ્યતિત કરે.’
પ્રવિણે કહ્યુ, ‘તું ચિંતા ન કર બહુ જ ઝડપથી એ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ જ ગયુ છે, ઈશ્વર ઈચ્છા હશે તો આવતા ગુરુવારે જ બન્ને જગ્યાએ ભૂમિપૂજન થઈ જશે.’
આટલી વાત કરી ત્યાં તો પ્રવિણના ફોન પર રીંગ રણકી.. સામે ફોન પર સરપંચ… ‘હેલો પ્રવિણ ડન થઈ ગયુ છે… બન્ને ગામમાં સરસ જમીન મળી ગઈ છે…તું કન્ફર્મ કર એટલે આવતા ગુરુવારે સવારે ભૂમિપૂજન અને બપોરે દસ્તાવેજ કરાવી લઈએ. તારો આર્કિટેક્ટ મિત્ર મૌલિક જોડે જ હતો અને એમણે આ બન્ને જગ્યા માટે એપ્રુવલ પણ આપી દીધું છે… બોલ ગુરુવારે કન્ફર્મ ?’
‘હું લક્ષ્મી જોડે વાત કરી ને કરુ તને ફોન..’
પ્રવિણે પુછ્યુ, ‘લક્ષ્મી શું કરીએ ? ગુરુવારે ફાયનલ કરી દઈએ કે ..!’
‘ના.. એકદમ હા ન કહેશો. મને તેજલબેન જોડે વાત કરી લેવા દો.’ પછી તરત લક્ષ્મીએ તેજલબેનને કોલ કરીને પુછ્યુ, ‘ જય શ્રી કૃષ્ણ… મા.. ક્યારે આવો છો તમે ? બુધવારે રાત્રે જ કે કોઈ ફેરફાર થયો ? તમે એક્સટેંડ કરવાના હતા તો હવે શું પ્લાન છે ?’
તેજલબેને જવાબ વાળ્યો, ‘કેમ બેટા… કેમ છો .. મજામાં કંઈ નહીં ને સીધુ જ આવુ પૂછે છે ? કંઈ થયુ ત્યાં ?’
‘ના ના કંઈ જ નથી… પણ બન્ને સ્કૂલ્સ માટે ભૂમિપૂજન કરવાનું ગુરુવારે કહે છે અને મારે તમારા બન્ને વગર એ નથી કરવું તમે ક્યારે આવો છો તે કહો પછી ફાયનલ કરીએ..’
ફોન સ્પીકર પર હતો, એટલે તેજલબેન કંઈ વિચારીને જવાબ આપે તે પહેલાં જ હિતેનભાઈએ કહ્યુ, ‘લક્ષ્મી તું હા કહી દે… અમારા પ્લાન ફિક્સ છે.. અમે બુધવારે સાંજે મુંબઈ ઉતરીએ જ છીએ અને પછી ટેક્ષી કરીને સીધા જ તારે ગામ પહોંચી જઈશું… આપણે ત્યાં જ મળીએ છીએ, તમે બધા પણ તમારી રીતે ત્યાં જવા નિકળી જ જજો.’
‘પણ તમે થાક્યા હશો ને સીધા જ ત્યાં ? તેવી રીતે શક્ય બનશે ?’
‘બેટા તું કંઈ લાંબુ ન વિચાર… આવતા ગુરુવારે જ ભૂમિપૂજન કરવું છે… દિકરી તારા જન્મદિવસે આ શુભ કાર્ય થાય એથી વિશેષ કયો સારો દિવસ હોય..! તારા અને પ્રવિણનુ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે, હવે એકપણ દિવસ મોડું નથી કરવું…’
‘તમને યાદ છે મારો જન્મદિવસ…હે ને ?’
‘કેમ યાદ ન હોય ? બેટા ..! તે કહ્યું હતું ને કે મારો જન્મદિવસ હવે હું ત્યારે જ મનાવીશ કે જે દિવસે મારું સ્કૂલનું સ્વપ્ન પુરુ થાય… તો દિકરી વર્ષોથી એ દિવસની અમે પણ રાહ જોઈ રહ્યા હતા… સારુ ચાલ હવે ફોન મુક અને તુ જલ્દીથી ત્યાં હા કહી દે..!’
હિતેનભાઈએ ફોન કટ કર્યો અને તરત જ એમનુ ગુરુવારથી આગળના દિવસોનું રોકાણ હતુ તે હોટેલને ફોન કરી બુકિંગ કેન્સલ કરાવ્યુ. તેજલબેને સસ્મિત હિતેનભાઈ સામે જોયું અને કહ્યુ, ‘દિકરી પહેલી વખત જન્મદિવસ મનાવશે તો કંઈ લઈ જઈએ એના માટે..!’
‘સાક્ષાત લક્ષ્મી સમી છે, શું આપીએ એને..?’ હિતેનભાઈએ વળતા સવાલે દ્વિધા રજૂ કરી.
‘કેમ..! એના આ હવનમાં આહુતિ તો અપાય જ ને ?’
તેજલબેને સંકેત કર્યો.
‘અરે હા.. કેમ નહી..! આપણે પાછળ છે પણ કોણ ? અને આટલું બધુ છે આપણી પાસે તો એ માટે નિમિત્ત પણ લક્ષ્મી જ બની છે ને… આપણે જે રકમ અલગ કાઢીને રાખીએ છીએ તે આપીએ. કેટલી હશે ? હિતેનભાઈએ અભિપ્રાય માંગ્યો હોય તેમ પુછ્યુ.
‘મેં થોડી બચત એમાં ઉમેરીને આપણાં અહીં આવતા પહેલાં જ એકવીસ લાખની એફ.ડી. કરાવી છે.એ રકમનો ચેક ભૂમિપૂજન વખતે જ દિકરી લક્ષ્મીને આપીએ. મને ઈચ્છા છે લક્ષ્મીની સ્કૂલની લાઇબ્રેરીના નિમિત્ત આપણે બનીએ.’ તેજલબેને પોતાની ઈચ્છા રજૂ કરી તો હિતેનભાઈએ તરત વાતને વધાવી લીધી.
આ તરફ લક્ષ્મી તુરંત સ્વામીજી જોડે ફોન પર વાત કરવા પ્રયત્ન કરે છે પણ સ્વામીજીનો ફોન વિશ્વાસરાવજી જોડે હોય છે, એટલે એમની જોડે વાત કરીને આ સમાચાર આપે છે અને પૂછે છે કે સ્વામીજી જોડે અત્યારે વાત કરવી શક્ય છે ?
વિશ્વાસરાવજીએ જણાવ્યું કે અહીંની ગવર્નમેંટનાં બે મિનિસ્ટર્સ સ્વામીજીને હોસ્પિટલ બાબતે સહાયની જરૂર હોય તો એ સંદર્ભે શુભેચ્છા મૂલાકાત માટે આવ્યા છે તો એ લોકો જાય કે તરત વાત કરાવુ.
પણ સ્વામીજી ધીમેથી વાત કરી રહેલ વિશ્વાસરાવજીની વાત જરાં સાંભળી હોય તેમ પૂછ્યું, ‘લક્ષ્મીનો ફોન છે ને ? લાવો વાત કરી લઉ.’
‘બોલ બેટા લક્ષ્મી કેમ અચાનક…!’
‘હા.. સ્વામીજી. આવતા ગુરુવારે બન્ને સ્કૂલનુ ભૂમિપૂજન અને જમીનનો દસ્તાવેજ વિગરે માટે જવાનુ છે તો ટ્રસ્ટ બનાવવા અંગે મને અને પ્રવિણને ઈચ્છા છે કે તમે ટ્રસ્ટમાં રહો તો …’
આટલું સાંભળ્યું કે તરત સ્વામીજીએ જણાવ્યું કે મને કે વિશ્વાસરાવને કોઈને પણ નહીં તમે લોકો જ રહો અને સ્થાનિક લોકોને પણ સહભાગી બનાવજો.’
લક્ષ્મીએ તુરંત પોતાના વકિલ શિવાંગભાઈને ફોન કર્યો અને કહ્યું કે આવતી કાલ સવાર સુધીમાં અમે નામનું લિસ્ટ મોકલી દઈશુ તમે ટ્રસ્ટ બનાવવા અંગે ડ્રાફ્ટ તૈયાર કરી રાખો અને શક્ય હોય તો તમે ગુરુવારે આવજો જ એવું ભાવપૂર્વક કહ્યુ.
હવે લક્ષ્મી પ્રવિણ જોડે ચર્ચા કરે છે કે કોની કોની મદદ લઈએ. ચર્ચાને અંતે એક લિસ્ટ તૈયાર કરીને એ બધા જોડે ફોનથી કન્ફર્મ કરી વકીલને વોટ્સએપ કરી દે છે અને ગુરુવારે પોતાના વતન જવાની તૈયારીઓ માટે વ્યસ્ત થઈ જાય છે.
ક્રમશઃ)
લેખકઃ રાજેશ કારિયા