Sapnana Vavetar - 47 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 47

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

સપનાનાં વાવેતર - 47

સપનાનાં વાવેતર પ્રકરણ 47

" મમ્મી પપ્પા દાદા દાદી અંકલ મારે તમને એક ગંભીર સમાચાર આપવાના છે. કૃતિને બ્લડ કેન્સર થયું છે અને ગઈ કાલથી લીલાવતી હોસ્પિટલમાં કેમોથેરપી પણ ચાલુ કરી છે. શ્રુતિ અત્યારે ઘરે રહીને એની સંભાળ રાખી રહી છે. પરંતુ તાવ ચાલુ થઈ ગયો છે અને ક્યારેક લોહીવાળી ઉલ્ટી પણ થતી હોવાથી હવે એને હોસ્પિટલમાં એડમિટ કરવી જ પડશે. લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવાની હોવાથી એને હું અહીં થાણા લાવી શકું એમ નથી. બસ મમ્મીને લેવા માટે જ હું અહીં આવ્યો છું. " અનિકેત એકી શ્વાસે બોલી ગયો.

અનિકેતની વાત સાંભળીને ઘરમાં સોપો પડી ગયો. પરિવારના બધા જ સભ્યો કૃતિ વિશેના આ સમાચારથી સ્તબ્ધ થઈ ગયા. કૃતિને આટલી નાની ઉંમરમાં બ્લડ કેન્સર !!

"અનિકેત તું શું વાત કરે છે ! હજુ ૧૫ દિવસ પહેલાં જ હું અહીં આવ્યો છું. એ પહેલાં તો ફ્લેટમાં તારી સાથે જ હતો. એ વખતે કૃતિમાં થોડી નબળાઈ આવી હોય એવું મને લાગતું હતું પણ પંદર જ દિવસમાં આટલી બધી એ બિમાર પડી ગઈ ? " મનીષભાઈ આઘાતથી બોલ્યા.

"હા અંકલ. કૃતિની બિમારી ઝડપથી આગળ વધતી જાય છે. લીલાવતી હોસ્પિટલમાં ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો અને કેમોથેરપી પણ ચાલુ કરાવી દીધી. " અનિકેત બોલ્યો.

" આ તો બહુ જ આઘાત જનક સમાચાર છે બેટા. રાજકોટથી કૃતિની પસંદગી મેં પોતે જ કરેલી છે અને આ બે વર્ષમાં એણે આખા પરિવારને પોતાનો કરી લીધો છે. એને આ ઉંમરે કેન્સર થશે એની તો કોઈ કલ્પના જ કરી શકાતી નથી. મારાથી હવે રહેવાતું નથી હું તારી સાથે જ અત્યારે એને જોવા માટે આવું છું. " ધીરુભાઈ શેઠ બોલ્યા.

" અમે બધાં જ આવશું પપ્પા. આવા સમાચાર સાંભળ્યા પછી એક મિનિટનો પણ વિલંબ ના કરાય. " પપ્પા પ્રશાંતભાઈ બોલ્યા.

" હંસા... તમે તમારાં કપડાંની બેગ તૈયાર કરો. તમારે તો એની સાથે જ રહેવાનું છે. શ્રુતિ તો હજુ બાળક ગણાય. એની સંભાળ રાખવાની જવાબદારી આપણી છે. " ધીરુભાઈ બોલ્યા.

" દાદા મેં હજુ રાજકોટ કોઈને વાત નથી કરી. અને વાત કઈ રીતે કરવી એ મને કંઈ ખબર પડતી નથી. તમે જરા રાજકોટ કૃતિના મમ્મી પપ્પાને અને દાદાને વાત કરી લેજો ને !" અનિકેત બોલ્યો.

" એની તું ચિંતા ના કર. હું શાંતિથી રાજકોટ પણ વાત કરી લઈશ. અત્યારે સૌથી પહેલાં મને કૃતિને મળી લેવા દે. " ધીરુભાઈ બોલ્યા.

લગભગ અડધા કલાક પછી હંસાબેન કપડાં બદલીને અને બેગ તૈયાર કરીને બહાર આવ્યાં. અનિકેતની સાથે એની જ ગાડીમાં દાદા ધીરુભાઈ અને પ્રશાંતભાઈ બેસી ગયા. ઘરની બીજી ગાડીમાં મનીષભાઈની સાથે હંસાબેન અને દીકરી શ્વેતા ગોઠવાઈ ગયાં.

બંને ગાડીઓ ફ્લેટમાં એક સાથે જ પહોંચી. બધા સાથે જ પાંચમા માળે ગયા અને ડોરબેલ વગાડ્યો. શ્રુતિએ દરવાજો ખોલ્યો.

" હમણાં જ લોહીની વોમિટ થઈ છે. તાવ પણ ઘણો છે. મેં દવા આપી દીધી છે પરંતુ જીજુ દીદીને હવે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાં પડશે. " શ્રુતિ અનિકેતની સામે જોઈને બોલી.

" હા હું એમ્બ્યુલન્સ બોલાવી લઉં છું. એને હવે વધારે દિવસ ઘરે રાખી શકાય નહીં. મમ્મી પણ આવી ગયાં છે એટલે હોસ્પિટલમાં એની સાથે રહેશે." અનિકેત બોલ્યો અને એની સાથે બધા જ મેમ્બરો કૃતિ સૂતી હતી એ બેડરૂમમાં ગયા.

સ્વામીજીની કૃપાના કારણે કૃતિ મનથી ભલે મજબૂત હતી, સ્થિતપ્રજ્ઞ હતી પરંતુ ખોરાક ના લેવાના કારણે શરીર ઓગળી ગયું હતું. તાવ ચાલુને ચાલુ રહેતો હતો એટલે ચહેરો પણ કરમાઈ ગયો હતો. શરીર ઉપર લાલ લાલ દાણા ઉપસી આવ્યા હતા.

કૃતિની આવી હાલત જોઈને ઘરના તમામ સભ્યો સ્તબ્ધ થઈ ગયા. શું આ એ જ કૃતિ છે !!

" કૃતિ બેટા ચિંતા કરીશ નહીં. અમે બધા આવી ગયા છીએ. તારે ડરવાની કોઈ જરૂર નથી. હવે કેન્સર પણ મટી જાય છે. તું તો યુવાન છે. તું કેન્સરને હરાવી દઈશ જોજે. " ધીરુભાઈ આંસુઓને દબાવી રાખીને બોલ્યા.

અનિકેતે ફોન કર્યો હતો એટલે અડધા કલાકમાં જ એમ્બ્યુલન્સ આવી ગઈ. એમ્બ્યુલન્સમાં કૃતિની સાથે અનિકેત, હંસાબેન અને શ્રુતિ ગોઠવાઈ ગયાં. ધીરુભાઈ પ્રશાંતભાઈ મનીષભાઈ અને શ્વેતા પાછળ ને પાછળ ગાડીમાં લીલાવતી હોસ્પિટલ ગયાં.

અનિકેતે સ્પેશિયલ રૂમની માગણી કરી અને એ જ પ્રમાણે કૃતિને કેન્સર વોર્ડમાં સ્પેશિયલ રૂમમાં લઈ જવામાં આવી. અનિકેતે નીચે કાઉન્ટર ઉપર કૃતિની કેસ ફાઈલ તૈયાર કરાવડાવી જેમાં ડોક્ટર તરીકે ડો. શ્રોફનું નામ લખાવ્યું.

સ્પેશિયલ રૂમમાં દાખલ થયા પછી તાત્કાલિક જ નર્સે આવીને હાથમાં ઇન્જેક્શન માટેની વીગો લગાવી દીધી અને બીપી ફિવર વગેરેની નોંધ કરી. ૧૫ મિનિટ પછી જુનિયર ડોક્ટર આવ્યો. એણે બ્લડ રિપોર્ટ અને બાયોપ્સી રિપોર્ટ પણ જોઈ લીધો.

એણે તાત્કાલિક નર્સને પાઈન્ટ ચડાવી કૃતિને બે ઇન્જેક્શન આપી દેવાનું કહ્યું. નર્સે તરત જ કૃતિને ગ્લુકોઝનો બાટલો ચડાવી દીધો. એક ઇન્જેક્શન બાટલામાં મિક્સ કર્યું અને એક ઇન્જેક્શન વીગોમાં જ આપી દીધું.

સ્પેશિયલ રૂમ હતો એટલે બધાએ વારાફરતી કૃતિની મુલાકાત લીધી અને પછી બધા બહાર જઈને બેઠા.

" હવે અહીં રોકાવાનો તો કોઈ મતલબ નથી. વધુમાં વધુ બે વ્યક્તિ એની સાથે રહી શકશે. હંસા અને શ્રુતિ બંને રોકાય છે એટલે પછી આપણે લોકો વધારે નહીં રોકાઈ શકીએ. થાણાથી રોજ રોજ અહી આવવાનું અનુકૂળ નથી એટલે આપણે બધા અનિકેતના ઘરે જ રોકાઈએ. અત્યારે થાણા જઈને જરૂરી કપડાં વગેરે લઈ આવવાં પડશે. " ધીરુભાઈ શેઠ બોલ્યા.

" હા પપ્પા તમારી વાત સાચી છે અને અહીં રસોઈ માટે શંકર મહારાજ પણ છે. હંસા અને શ્રુતિ માટે બે ટાઈમ ટિફિન પહોંચાડી દઈશું. " પ્રશાંતભાઈ બોલ્યા.

હંસા સાથે વાત કરીને બાકીના સભ્યો થાણા જવા નીકળી ગયા અને સાંજ સુધીમાં જરૂરી કપડાં વગેરે લઈને બધા પાછા આવી ગયા.

બીજા ૧૦ દિવસ પસાર થઈ ગયા. કેમોથેરપી લેવા છતાં કૃતિની તબિયત બગડતી જતી હતી. કૃતિને પોતાને અંદરથી પીડા ઘણી ઓછી હતી પરંતુ શ્વેતકણો અને પ્લટલેટ્સ એકદમ એબનોર્મલ થઈ ગયા હતા. વારંવાર તાવ આવી જતો હતો. લોહીની ઉલ્ટીઓ થતી હતી. કૃતિની હાલત સીરિયસ થતી જતી હતી. ડોક્ટરને પોતાને પણ આશ્ચર્ય થતું હતું. દવાઓ કે કેમોથેરપી જોઈએ એવો રિસ્પોન્સ આપતાં ન હતાં. કૃતિને તાત્કાલિક આઈસીયુ માં દાખલ કરવી પડી.

કૃતિને વધુ દિવસ સુધી પીડા સહન કરવી ના પડે એટલા માટે થઈને હિમાલયવાળા સ્વામીજીએ જ કૃતિની માંદગીને ટૂંકી કરી દીધી હતી ! મૃત્યુ નિશ્ચિત જ હતું એટલે સ્વામીજી એને વધુ રિબાવવા માગતા ન હતા.

પરિવારના બધા સભ્યો રોજ એક વાર કૃતિની ખબર કાઢી જતા હતા અને એ બધા પણ ચિંતામાં હતા. હવે તો રાજકોટ હરસુખભાઈને જાણ કરવી જ પડશે.

એ જ દિવસે રાત્રે નવ વાગે ધીરુભાઈ શેઠે હરસુખભાઈને ફોન કર્યો.

" જય મહાદેવ હરસુખભાઈ. મુંબઈથી ધીરુભાઈ બોલું. "

" હા બોલો શેઠિયા." હરસુખભાઈ બોલ્યા.

" હરસુખભાઈ એક માઠા સમાચાર આપવાના છે. તમારે તાત્કાલિક મુંબઈ આવવું પડશે. કૃતિની તબિયત સારી નથી અને એ લીલાવતી હોસ્પિટલમાં છે. ફેમિલી સાથે જ આવજો. " ધીરુભાઈ માંડ માંડ આટલું બોલી શક્યા.

" શું વાત કરો છો ધીરુભાઈ ! મારી કૃતિની તબિયત ખરાબ છે અને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે ? શું થયું છે એને ? અને ક્યારથી બીમાર પડી ? હમણાં ૧૫ દિવસ પહેલાં તો મારી સાથે સરસ વાત કરી હતી. " હરસુખભાઈ બોલ્યા.

" હરસુખભાઈ તમે લોકો જલ્દી હવે આવી જાઓ. " કહીને ધીરુભાઈએ ફોન કટ જ કરી દીધો.

હરસુખભાઈ એકદમ આઘાતમાં સરી ગયા. ધીરુભાઈ કંઈ વાત કરતા નથી. ફોન પણ કાપી નાખ્યો. શું થયું હશે કૃતિને ! તાત્કાલિક ફેમિલી સાથે મુંબઈ આવવાનું કહે છે. વાત તો એકદમ સિરિયસ લાગે છે !

એમણે તરત જ મનોજ અને આશાને બધી વાત કરી." મુંબઈથી ધીરુભાઈ વેવાઈનો ફોન હતો. કૃતિને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરી છે અને આપણને બધાને તાત્કાલિક મુંબઈ બોલાવ્યાં છે. શું થયું છે એ કહેતા નથી. વહેલામાં વહેલી તકે મુંબઈ જવાની તૈયારી કરો. "

મનોજ આશા અને કુસુમબા બધાં જ એકદમ ટેન્શનમાં આવી ગયાં. કૃતિને શું થયું હશે ?

આશાબેને તરત જ પોતાની દીકરી શ્રુતિને ફોન કર્યો.

" અરે બેટા હમણાં ધીરુભાઈ શેઠનો ફોન હતો અને અમને બધાંને તાત્કાલિક મુંબઈ આવવાનું કહ્યું છે. કૃતિને શું થયું છે ? કેમ એને દાખલ કરવી પડી ? " આશાબેન બોલ્યાં.

" મમ્મી તમે લોકો બસ જલ્દી આવી જાઓ. દીદીની તબિયત જરા પણ સારી નથી. " કહીને શ્રુતિએ પણ ફોન કાપી નાખ્યો. એનામાં આગળ બોલવાની હિંમત જ ન હતી. ગળે ડૂમો ભરાઈ ગયો હતો. મમ્મી સાથે વાત કરતાં એણે રડવાનું માંડ માંડ રોકી રાખ્યું હતું.

આશાબેન હવે ગભરાઈ ગયાં. મારી વહાલી દીકરીને શું થયું હશે ! શ્રુતિ પણ કંઈ કહેતી નથી. તાત્કાલિક જવું પડશે.

" શ્રુતિ પણ વધારે કંઈ કહેતી નથી. આપણે તાત્કાલિક નીકળી જઈએ" આશાબેન રડમસ અવાજે બોલ્યાં.

" અત્યારે હવે કોઈ ટ્રેનની ટિકિટ મળશે નહીં. ફ્લાઈટ પણ કાલે બપોરે મળે. આપણે આપણી ગાડી લઈને જ નીકળી જવું પડશે." મનોજભાઈ બોલ્યા.

એમણે રઘુને બોલાવી લીધો. બે કલાકમાં બધી તૈયારી કરીને રાત્રે ૧૧ વાગે આખો પરિવાર મુંબઈ જવા માટે નીકળી ગયો.

બીજા દિવસે બપોરે ૧:૩૦ વાગે એ લોકો હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાં ગયા પછી જ એમને ખબર પડી કે કૃતિને તો બ્લડ કેન્સર છે અને ક્રિટિકલ સ્ટેજ આવતું જાય છે. પોતાની લાડકી દીકરીની આવી હાલત જોઈને આશાબેન તો બેભાન જ થઈ ગયાં. ત્યાંના રેસિડેન્ટ ડોક્ટરે એમને તત્કાલ ઇન્જેક્શન આપીને સૂવાડી દીધાં.

આ આઘાત હરસુખભાઈ અને મનોજ માટે પણ નાનો ન હતો. હરસુખભાઈ ની તો એ લાડકી દીકરી હતી. પુરુષ હોવાને કારણે અને મેચ્યોર હોવાના કારણે એ ભાગી તો ના પડ્યા પરંતુ આઘાત તો એમને બહુ જ લાગ્યો. એક પિતા તરીકે મનોજભાઈ પણ મોટા આઘાતમાં સરી ગયા. માંડ માંડ રુદનને રોકી રાખ્યું.

એકાદ કલાક પછી આશાબેન ભાનમાં આવી ગયાં. એમની વહાલી દીકરી કૃતિને બ્લડ કેન્સર થયું છે અને કેસ સિરિયસ છે એ જોયા પછી ભાનમાં આવ્યા પછી પણ આશાબેનને ચેન ન હતું. નર્સ આઈસીયુ માં જવા દેતી ન હતી છતાં પણ બે હાથ જોડીને એ પોતાના દીકરી પાસે ગયાં અને એના માથે વહાલથી હાથ ફેરવ્યો.

હોસ્પિટલમાં તો બધા રોકાઈ શકે એમ હતા નહીં એટલે અનિકેત શ્રુતિ સિવાય બધાંને પોતાના ફ્લેટમાં લઈ આવ્યો. કૃતિનાં મમ્મી આશાબેન ઘરે જવા માગતાં ન હતા. પરંતુ અનિકેત એમને જમાડવા માટે જબરદસ્તી સમજાવીને ઘરે લઈ આવ્યો. રસ્તામાં કોઈ જ જમ્યું ન હતું. રાજકોટથી બધા મુંબઈ આવવા માટે ગાડીમાં નીકળ્યા છે એવી વાત ફોન ઉપર થઈ ગઈ હતી એટલે શંકર મહારાજે બધાની રસોઈ કરી દીધી હતી.

વેવાઈ આવવાના હતા એટલા માટે ધીરુભાઈ લોકો પણ જમ્યા ન હતા એટલે બધા સાથે જ જમવા બેસી ગયા. જમવાની કોઈને પણ ઈચ્છા ન હતી છતાં જમ્યા વગર ચાલે તેમ પણ ન હતું. બધાએ જે ભાવે તે ખાઈ લીધું.

" ધીરુભાઈ આ શું થઈ ગયું ? લગ્નને હજુ બે વર્ષ પણ થયાં નથી ત્યાં કૃતિની આવી હાલત ! " જમતાં જમતાં હરસુખભાઈ બોલ્યા.

" શું કહું હરસુખભાઈ ! કૃતિની પસંદગી મેં જ કરી હતી. લગ્ન પછી પણ અમે એને દીકરીની જેમ રાખી હતી. એ બંને સુખી થાય અને આગળ વધે એટલા માટે અમે એ લોકોને આ નવા ફ્લેટમાં પણ શિફ્ટ કર્યાં. શ્રુતિ માટે પણ એક કરોડનો શોરૂમ ખરીદીને એને સેટ કરી દીધી ત્યાં અચાનક કૃતિએ અમને બધાને ચિંતામાં મૂકી દીધા." ધીરુભાઈ બોલ્યા.

"મારા રાજકોટના જાણીતા જ્યોતિષી ગૌરીશંકર શાસ્ત્રીએ મને ચોખ્ખી ના પાડી હતી કે કુંડળીઓ મળતી નથી અને જો આ લગ્ન કરશો તો અનિકેત કુમારનો ભારે મંગળ કૃતિને નડી જશે. મેં કૃતિને ઘણી સમજાવી પણ એ ન માની. એની તો એક જ જીદ હતી કે લગ્ન કરીશ તો અનિકેત સાથે જ. વિધિના વિધાનને કોણ ટાળી શકે ? " હરસુખ્ભાઈ બોલ્યા.

" તમારી વાત સાચી છે હરસુખભાઈ ભાવિ ભાન ભૂલાવે છે. એટલા માટે તો આપણે છેક ઉજ્જૈન જઈને મંગલનાથ મહાદેવની પૂજા કરાવીને ત્યાં જ લગ્ન કર્યા. " ધીરુભાઈ બોલ્યા.

બંને વેવાઈ વચ્ચે મંગળને લઈને પાછી કોઈ આડી અવળી ચર્ચા ન શરૂ થાય એટલા માટે અનિકેત વચ્ચે પડ્યો.

" હવે એ બધી ચર્ચાનો અત્યારે કોઈ મતલબ નથી. જે થઈ ગયું તે થઈ ગયું. અત્યારે આપણે માત્ર કૃતિ વિશે જ વિચારવાનું છે. આપણે બધાએ એ સારી થઈ જાય એના માટે પ્રાર્થના કરવાની છે. એની પીડા ઓછી થાય એના માટે થઈને મેં અહીંના એક શાસ્ત્રીજીને મહામૃત્યુંજયના સવા લાખ જાપ કરવાનું પણ કાલે સાંજે કહી દીધું છે. " અનિકેત બોલ્યો.

" એ કામ તેં બહુ સારું કર્યું બેટા. મંત્રોમાં ઘણી તાકાત હોય છે. " ધીરુભાઈ બોલ્યા.

" હું પણ અમારા ગૌરીશંકર શાસ્ત્રીને અત્યારે જ સવા લાખ મહામૃત્યુંજય જાપ કરવાનું કહી દઉં છું કે વહેલી તકે તે ચાલુ કરાવી દે. " હરસુખભાઈ બોલ્યા.

જમી રહ્યા પછી અનિકેતે શ્રુતિ માટે મહારાજ પાસે ટિફિન ભરાવી દીધું.

" બે બેડરૂમ ખાલી છે અને તમને બધાને રાતનો ઉજાગરો પણ છે. તમે લોકો આરામ કરો. સાંજે ફરી પાછા આપણે હોસ્પિટલ જઈશું. " અનિકેત રાજકોટથી આવેલા મહેમાનો સામે જોઈને બોલ્યો અને એ પોતે ટિફિન લઈને હોસ્પિટલ ગયો.

હોસ્પિટલમાં શ્રુતિ અત્યારે એકલી હતી. અનિકેતે જઈને એમના હાથમાં ટિફિન આપ્યું.

" શ્રુતિ તું હવે જમી લે. સવારનું તેં કઈ ખાધું જ નથી. હું જરા અંદર કૃતિ પાસે ચક્કર મારી આવું. " અનિકેત બોલ્યો.

" જીજુ તમારા લોકોના ગયા પછી ડૉ. શ્રોફ ચેક અપ માટે આવ્યા હતા. એમણે તમને મળવા માટે કહ્યું છે. તમે સૌથી પહેલાં એમને મળી આવો. " શ્રુતિ બોલી.

અનિકેત તરત જ ઓંકોલોજિસ્ટ ડૉ. શ્રોફની ચેમ્બરમાં ગયો.

" યસ ડોક્ટર હું અનિકેત. મારી વાઇફ કૃતિ આઈસીયુ માં એડમિટ છે. " અનિકેત બોલ્યો.

" હા મેં જ તમને બોલાવ્યા છે. હવે જુઓ કૃતિબેનનો કેસ થોડોક સિરિયસ થતો જાય છે. એમની સ્પ્લીન અને લીવર એનલાર્જ થઈ ગયાં છે. એમને એનીમિયાની પણ અસર છે. અને સૌથી ચિંતાનો વિષય એ છે કે પ્લેટલેટ પણ એબનોર્મલ થઈ ગયા છે. આપણે હવે કાલથી એમને રેડીએશન ટ્રીટમેન્ટ આપવી પડશે. બ્લડ પણ ચઢાવવું પડશે. " ડૉ.શ્રોફ બોલ્યા.

" ડોક્ટર મેં તો આખો કેસ તમને સોંપી દીધો છે. તમને જે યોગ્ય લાગે તે કરી શકો છો. પૈસાનો કોઈ પ્રોબ્લેમ જ નથી." અનિકેત બોલ્યો.

" હું જાણું છું અનિકેતભાઈ પરંતુ દરેક સ્ટેજે અમારે તમારી સંમતિ લેવી જ પડે. આ એક પ્રોટોકોલ છે. " ડોક્ટર હસીને બોલ્યા.

અને બીજા દિવસથી કૃતિને રેડીએશન ની ટ્રીટમેન્ટ ચાલુ કરી. સ્વામીજીએ કૃતિમાં કરેલા માનસ પરિવર્તનના કારણે આ બધી જ પ્રક્રિયા કૃતિ સાક્ષી ભાવે જોઈ રહી હતી અને સંપૂર્ણપણે નિર્ભય બની ગઈ હતી. કૅન્સરના આ ભયંકર રોગના કારણે જે પીડાનો અનુભવ થવો જોઈતો હતો એ પણ ઘણો ઓછો થતો હતો !

અનિકેત સિવાય ઘરનાં બધાંને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે કૃતિ ના તો ગભરાતી હતી કે ના તો કોઈ ફરિયાદ કરતી હતી. ઘણીવાર તો આ રોગમાં એટલી પીડા થતી હોય છે કે વ્યક્તિ પથારીમાં ઉછળતી હોય છે અને એને સતત ઈન્જેક્શન આપવાં પડે છે ! જ્યારે અહીં તો કૃતિ બધી વેદનાઓથી સંપૂર્ણપણે નિર્લેપ હતી. સ્વામીજીએ અદભુત કૃપા કરી હતી એના ઉપર.

બે દિવસ પછી કૃતિએ એના દાદાને પોતાની પાસે બોલાવ્યા. હરસુખભાઈ કૃતિની નજીક જઈને ઊભા.

" દાદા મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરજો. મને લાગે છે કે મારો સમય પૂરો થઈ ગયો છે. તમે મને બહુ જ પ્રેમ આપ્યો છે. નવા જનમમાં પણ હું તમારા ઘરે જ જનમ લેવા માગું છું. મારા ગયા પછી શ્રુતિને મુંબઈમાં જ રહેવા દેજો દાદા. " કૃતિ બોલી.

" અરે દીકરી આવું ના બોલ. તને કંઈ જ થવાનું નથી. હવે તો તારી ભારે ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી છે. દવાઓની અસરના કારણે તને આવા બધા વિચારો આવે છે. આવા ગાંડાઘેલા વિચારો કર્યા વગર શાંતિથી સૂઈ જા. " હરસુખભાઈ બોલ્યા પરંતુ માંડ માંડ એમણે રુદનને રોકી રાખ્યું.

કૃતિની આવી વાતથી એ ખૂબ જ ગમગીન બની ગયા. એમને હવે અંદરથી લાગી ગયું કે કૃતિ કદાચ હવે નહીં બચી શકે !

કૃતિએ બે દિવસ સુધી ઘરના તમામ સભ્યોને વારાફરતી પોતાની પાસે બોલાવી માફી માગીને આવી રીતે જ રડાવી દીધા.

છેલ્લે એણે લગભગ સાંજે સાત વાગે નર્સને કહીને સંધ્યાકાળે અનિકેતને પોતાની પાસે બોલાવ્યો. " અનિકેત તમે તો મારી જાન છો. મને મૃત્યુ બહુ નજીક દેખાય છે. મારી એક વાત માનશો ? "

" હા બોલને ડાર્લિંગ. તારી કોઈપણ ઈચ્છા હું પૂરી કરીશ." અનિકેત બોલ્યો.

" મારા અસ્થિને ઋષિકેશ ગંગા નદીમાં એ જ્ગ્યાએ પધરાવજો જ્યાં તમને સ્વામી વ્યોમાનંદ મળ્યા હતા. મને એ સ્વામીજી આજે વહેલી સવારે સપનામાં મળ્યા હતા અને તમારા વિશેની બધી જ વાત એમણે મને કરી હતી. તમે સૂક્ષ્મ જગતમાં ગયા હતા એ પણ એમણે મને કહ્યું. અત્યારે તમારા એ મોટા દાદા પણ મારી સામે જ ઊભા છે. " કૃતિ બોલી.

અનિકેત કૃતિની વાતો સાંભળીને ખૂબ જ લાગણીશીલ બની ગયો. એનું હૈયું ભરાઈ આવ્યું.

" જો ઈશ્વર તને એની પાસે બોલાવવા જ માગતો હોય અને મોટા દાદા તને લેવા માટે આવ્યા હોય તો હું તને રોકવા માંગતો નથી કૃતિ. આપણા ઋણાનુબંધ કદાચ પૂરા થઈ ગયા. જો તને કંઈ થશે તો તારાં અસ્થિનું વિસર્જન ઋષિકેશમાં પવિત્ર ગંગા નદીમાં જ થશે." અનિકેત બોલ્યો.

એ પછી કૃતિને જોરથી એક ખાંસી આવી. ખાંસી એટલી બધી લાંબી ચાલી કે કૃતિ અડધી બેઠી થઈ ગઈ અને એણે અનિકેતનો હાથ પકડી લીધો.

એ ખાંસીની સાથે જ કૃતિના પ્રાણ એક આંચકા સાથે બહાર નીકળી ગયા ! કૃતિનો નિષ્પ્રાણ દેહ અનિકેત તરફ ઢળી પડ્યો !!

અનિકેત બધું જ સમજી ગયો. એ કૃતિના દેહને વળગીને નાના બાળકની જેમ ચોધાર આંસુએ રડી પડ્યો. એની વહાલી પત્ની કૃતિ એને હંમેશને માટે છોડીને ચાલી ગઈ હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)