અપરાધીને પકડવાની પોલીસ પોતાની પૂરી કોશિશ કરી રહી હતી. વિજય અને એની ટીમ રાત દિવસ બસ આ જ કેસને સોલ્વ કરવામાં લાગ્યા હતા. જેમ એક પછી એક પઝલ સોલ્વ થઈ રહ્યા હતા તેમ અચાનક જ બીજા પઝલો આવીને ઊભા રહી જતા હતા.
સૌથી વધારે ડર તો હવે બલરાજના ફેમિલીને લાગતો હતો. બલરાજની તો રાતોની નીંદર જ ઉડી ગઈ હતી. બેફામ ઘૂમતો બલરાજ હવે ઘરમાં જ પુરાઈને બેસી રહેવા લાગ્યો હતો. હાલત તો એવી થઈ ગઈ હતી કે એમણે ઘર બહારના વ્યક્તિઓ સાથે મળવાનું જ બંધ કરી નાખ્યું હતું. પરિવાર સિવાયના બીજા બધા વ્યક્તિઓને એ અપરાધીની નજરે જોવા લાગ્યો હતો. ડર અને ચિંતાના કારણે તેમની તબિયત પણ ખરાબ થવા લાગી હતી. એ તો બસ ભગવાનને પ્રાથના કરતો હતો કે જલ્દી આ અપરાધી પકડાઈ જાય અને એ ફરીથી ગામમાં પોતાનો હુકુમત ચલાવી શકે.
પોલીસની અવરજવર થવાને લીધે ગામના લોકોમાં બલરાજનો ડર ધીમે ધીમે ઘટવા લાગ્યો હતો. લોકો પોતાની મરજી અનુસાર જીવન જીવવા લાગ્યા હતા. છોકરાઓની સાથે હવે છોકરીઓ પણ મનમાં ડર રાખ્યા વિના સ્કૂલે જવા લાગી હતી. બલરાજના સરપંચ બન્યા પહેલા જેવી શાંતિ આ ગામમાં હતી એવી જ શાંતિ ચારેકોર ફરી વળી હતી.
કરીના લોકઅપમાં કેદ થઈ એના દસ દિવસ વિતી ગયા હતા. આ દસ દિવસ પછી એમને અફસોસ થયો કે એમણે જે કર્યું એ ખોટું કર્યુ હતું. પતિ વિના જીવન જીવવું એના માટે અઘરું બની રહ્યું હતું. એક બાજુ પતિને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ જીવન ભર સળિયા પાછળ જીવન વિતાવવાની સજા.
કરીના એ સપનામાં પણ નહોતું વિચાર્યું કે એમણે કોઈ દિવસ લોકઅપમાં કેદ થઈને રહેવું પડશે.
ચંદ્રશેખર સિંહ ચૌહાણ. ગામની અડધી જમીનનો માલિક હવે ઘરમાં બેસીને રાત દિવસ બસ રામધૂન બોલી રહી હતો.
" હે ભગવાન મેં જેટલા પણ પાપ કર્યા છે એ બધા માફ કરી દેજે, આજ પછી હું ક્યારેય કોઈની જમીન છીનવીશ નહિ..કોઈને દુઃખ આપીશ નહિ, હું ગૌ દાન કરીશ, ગરીબોને ભોજન કરાવીશ, સ્ત્રીઓની ઈજ્જત કરીશ...ઊંધા સીધા બધા કામ છોડી દઈશ બસ, ભગવાન મને આ ખૂનીથી બચાવી લેજો..." હાથ જોડતો ચંદ્રશેખર ભગવાનને પ્રાથના કરવા લાગ્યો.
થોડે દૂર ઊભી એની પત્ની સરિતા એ મનમાં કહ્યું.
" ઈશ્વર સામે પોતાના જીવનની ભીખ માંગવાથી હવે કઈ ફાયદો નથી, તે જે કર્મો કર્યા છે એનું ફળ તો તને અવશ્ય મળશે, હું નથી જાણતી કે એ ખૂની કોણ છે? પણ જે કોઈ પણ છે એ બરોબર ન્યાય કરી રહ્યો છે...મારું મન તો ચાહે છે કે એ તારા જેવા અપરાધીનું ખૂન કરી નાખે...કારણ કે તે જે આ ગામના લોકો સાથે કર્યું છે એવું તો કોઈ દુશ્મન પણ ન કરે.."
ચંદ્રશેખરની હાલત તો બલરાજ કરતા પણ વધારે ખરાબ હતી. રાતે સૂતા સમયે સપનામાં પણ એમને બસ લોહી લુહાણ થયેલું પોતાનું શરીર જ દેખાતું હતું. અડધી રાતે જાગીને ખુલ્લી મુકેલી બારીઓ બંધ કરી દેતો અને અંદરથી રૂમને તાળું પણ મારી દેતો. લાઈટ જો બંધ રાખી હોય તો એમને પણ ચાલુ કરીને જ સૂતો હતો.
સરિતા માટે આ બઘું એક હાસ્ય સમાન દ્ર્શ્ય હતું. કોઈ પોતાના કર્મોના ફળથી કેવો દૂર ભાગે છે, કેવી રીતે ધમપછાડા કરે છે? એનું સાક્ષાત ઉદાહરણ સરિતાએ પોતાની નજર સમક્ષ જોયુ હતું.
અંશ હવે થોડાક દિવસોથી ગુમસૂમ રહેવા લાગ્યો હતો. બહાર પોલીસની અવરજવર વધવાથી આગળનો પ્લાન બનાવવામાં મુશ્કેલી આવી રહી હતી. પરંતુ અંશ એકલો ન હતો એની સાથે હતો એનો હમદમ સાથી, એનો ભાઈ ખુદ કેશવ.
કેશવ અને અંશ બંને મળીને દરેક ઘટનાઓને અંજામ આપતા હતા. દરેક ખૂન પાછળ દિમાગ અંશનું હતું જ્યારે હાથોની કારીગરી કેશવની હતી. અત્યાર સુધીના આ ત્રણેય ખૂન ખૂબ ચોકસાઈપૂર્વક કર્યા હતા. પોલીસનું ધ્યાન કોઈ મોટા અપરાધી તરફ હતું. સતર વર્ષનો છોકરો પણ કોઈનું ખૂન કરી શકે એવા વિચારો તો સપનામાં પણ કોઈના દિમાગમાં આવી શકે એમ નહોતા.
કેશવ અને અંશની મુલાકાત પણ એક ચમત્કારથી ઓછી ન હતી. એમની મુલાકાત બે વર્ષ પહેલા રાતના અંધકારમાં થઈ હતી કે જ્યારે અંશ ખૂબ દુઃખી થઈને રડતો રડતો નદીમાં કૂદવા જઈ રહ્યો હતો.
ક્રમશઃ