હિમાચલનો પ્રવાસ - 6 (સફર પહાડોની)
તારીખ : 10, ડિસેમ્બર 2022
અગાઉના એપિસોડમાં જોયું કે અમે સમયસર ચંદીગઢ પહોંચી ગયા અને હિમાચલના પર્વતોની વચ્ચે સફરની શરૂઆત કરી.
અલક મલકની વાતો કરતા કરતા અને હિમાલયના પહાડોની સુંદરતા માણતા માણતા અમારી સફર ૧૨ વાગ્યા આજુ બાજુ બિલાસપુર પહોચી ચુકી છે. અહી બિલાસપુર શહેર માંથી પસાર થતા હળવો હળવો ટ્રાફિક જોવા મળ્યો. હિમાચલનું એવું સુંદર શહેર છે કે જ્યાં શહેરની સાથે સાથે પહાડોની પ્રકૃતિ પણ છે. બિલાસપુર થી ૨૦ કિલોમીટર આગળ જતા બરમાના પાસે ACC સિમેન્ટની એક વિશાળ ફેક્ટરી આવે છે. આટલા ઊંચા પર્વતોની વચ્ચે જવલ્લે જોવા મળે એવડી મોટી ઔધોગિક વસાહત છે. ૨૦૨૦ માં જયારે અહીંથી નીકળવાનું થયું ત્યારે રાત્રીનો સમય થઇ ગયો હતો જેથી ફેક્ટરીમાં લાગેલ લાઈટના લીધે ખુબજ સુંદર નજારો લાગતો હતો.
અમે ફેક્ટરી થી થોડા આગળ જઈને ઉપરના ભાગે બ્રેક લીધેલો, ત્યાંથી નીચે તરફ ફેક્ટરીનો નજારો સુંદર લાગતો હતો. ઊંચા ઊંચા પહાડોનો ની વચ્ચે ઉંચી મશીનરી દેખાઈ રહી હતી. આછા ધુંધળા વાતાવરણ વચ્ચે ફેક્ટરીની ચીમની માંથી નીકળતો ધુમાડો અલગ તરી આવતો હતો. જોવામાં તો આ દ્રશ્ય સુંદર લાગે પરંતુ પ્રકૃતિ પ્રત્યે લાગણી હોવાને લીધે થોડું દુખ પણ થાય કે ફેક્ટરીમાં થી થતું પ્રદુષણ થોડા-વત્તા અંશે આ પહાડો અને એની પ્રકૃતિને જરૂરથી દુષિત કરતું હશે. આજે જે ફેક્ટરીના અમે હોંશે હોંશે ફોટો લઈ રહ્યા હતા એ આગામી દિવસોમાં આખાય હિમાચલ પ્રદેશ અને દેશમાં મુખ્ય સમાચારની હેડલાઈન બની જવાની હતી.
ACC સિમેન્ટ વાડી હેડલાઈન આમતો તમે મારા આ પ્રવાસ વર્ણન પહેલા જ વાંચી લીધી હશે. છતાં રહસ્ય પરથી પડદો ઉપાડી લવ અને સંક્ષેપમાં માહિતી આપી દવ. તમને સૌને જાણ હશે કે તારીખ ૮-૧૨-૨૦૨૨ ના રોજ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચુંટણીનું પરિણામ જાહેર થયું. ગુજરાતમાં જંગી બહુમતી થી સતાપક્ષ ફરી સત્તામાં આવ્યો અને હિમાચલના લોકો એ બદલાવને પસંદ કરી વિરોધ પક્ષને પસંદ કર્યો. નવી સરકાર અને ફેક્ટરીના મેનેજમેન્ટ વચ્ચે કોઈ વિવાદને લઈને મેનેજમેન્ટ દ્વારા ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અને આજ મોટા સમાચાર બની ગયા. જેના માટે ઘણી વાટાઘાટો અને ચર્ચાઓ થઈ, જેમાં ખુદ મુખ્યમંત્રી સુક્કુંજી પણ સામેલ હતા અને અંતે એનો નિવેડો પણ આવી ગયો. આજે હું જયારે આ લખી રહ્યો છું ત્યારે તો આ વિવાદનો અંત આવ્યો એને પણ ઘણા દિવસ થઇ ગયા છે અને ફેક્ટરી ચાલુ પણ થઇ ગઈ છે.
અમારી સફરનો સમયગાળો જોતા અમને લાગી રહ્યું હતું કે અમે આરામથી ૫ વાગ્યા આજુ બાજુ મનાલીની સુંદર વાદીઓમાં પહોચી જઈશું અને ગરમા ગરમ ચાની ચુસ્કીઓ માણતા હોઈશું. પરંતુ હંમેશા આપડું ધાર્યું નથી થતું અને જે થવાનું હોય એનું કાંઈ જ્ઞાન પણ નથી હોતું. એટલે જ તો આપડે ત્યાં કહેવત પ્રચલિત છે “ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે”
રસ્તામાં સુંદરનગર નામનું શહેર આવ્યું, જે આમતો મંડીનો એક ભાગ છે. તે નામ મુજબ ઘણું સુંદર દેખાઇ રહ્યું હતું. રોડની બન્ને બાજુ વૃક્ષની હારમાળા અને ત્યાર બાદ ત્યાનું માર્કેટ દેખાઈ રહ્યું હતું. સમય લગભગ દોઢેક વાગ્યાનો થવા આયો હતો, મધ્યમ મધ્યમ ટ્રાફિક જણાઈ રહ્યો હતો. વાતવરણ તડકા વાળું હતું. સુંદરનગરની બહાર નીકળતા પહેલા કુત્રિમ રીતે બનાવેલ સુંદર તળાવ આવે છે. જે બિયાસ નદીના પાણીથી બનેલ છે. પંડોહ ડેમનું પાણી થોડું આ બાજુ વાળવામાં આવ્યું છે જેથી આ તળાવ બન્યું છે. પાછળના પર્વતોનું પ્રતિબિંબ પાણીમાં દેખાઈ રહેલ હોવાથી ખુબજ નયનરમ્ય લાગતું હતું. રોડ તરફના કિનારે દીવાલ અને એની ઉપર જાળી લગાવેલ છે જેથી ગાડીમાં બેઠા બેઠા સરખું દેખાતું નથી કારણકે જાળી અડચણ રૂપે થાય છે.
મંડી પહોંચતા પહેલા હરીશભાઈ (અમારા ડ્રાયવર) ના મોબાઈલમાં એમના મિત્રનો ફોન આવેલો કે મંડી - મનાલી રોડ પર જામ હોવાની શક્યતા છે. જ્યારે મંડી પહોંચ્યા ત્યારે ત્યાં એક પોલીસ અંકલને રોડની પરિસ્થિતિ વિશે પૂછ્યું તો તેઓ એ જણાવ્યું કે મુખ્ય રસ્તો બંધ છે. એમાં થયું એવું કે હાઇવે નું કામ પ્રગતી માં છે તો એને લઈને અમુકવાર મોટા પર્વત તોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવતા હોય છે, એ દિવસે આવોજ કંઈક બ્લાસ્ટ કરતા તૂટેલ પથ્થરો રોડ પર આવી ગયા હતા જેથી રોડ બ્લોક થઈ ગયો હતો. જેને સાફ કરી ચાલુ કરવામાં કદાચ વધુ સમય પણ લાગી જાય જેથી અમે બીજા રસ્તે થી મનાલી જવાનું નક્કી કર્યું. જેનું નામ વાયા કંડી- કટોલા રોડ કહેવાય છે. જે રસ્તા વિશે હરીશભાઈ સારી રીતે જાણતા હતા. મંડી થી મનાલી જવાનો રસ્તો મંડીમાં દાખલ થતા પહેલા જ સીધો આવી જાય જે રસ્તો કુત્રિમ ભુસ્ખલનને કારણે બંધ હતો. કંડી-કટોલા વાળો રસ્તો બિયાસ નદીના કિનારે કિનારે મંડીથી બહાર નીકળતા ઉપરની તરફ જાય છે એ રસ્તા ઉપર અમે અમારી સફરની શરૂઆત કરી.
ઉપરના ભાગ થી મંડીમાં નદીના કિનારે સુંદર પૌરાણિક પંચવકત્ર મહાદેવનું સુંદર મંદિર દ્રશ્યમાન થઇ રહ્યું હતું. જેનું બાંધકામ 16 મી સદીના પૂર્વાધમાં કરવામાં આવ્યું હતું. સુકેતી અને વ્યાસ નદીના સંગમ સ્થળ પર આવેલ આ પૌરાણિક મંદિર ખુબજ સુંદર લાગતું હતું અને એને જોઈ મનમાં એવો ભાવ ઉભરી આવતો હતો કે ત્યાં જઈને શિવજીના દર્શન કરીને પાવન જરૂર થવું જોઈએ પરંતુ સમયનો અભાવ હોવાથી ત્યાં જવાય એમ હતું નહીં જેથી દૂરથી શિવજી અને નદીના પવિત્ર જળને પ્રણામ કરીને આગળ વધ્યા.
હવે પછીનો રસ્તો ખુબજ દુર્ગમ હતો અને પ્રવાસ રોમાંચક બની રહેવાનો હતો. કારણકે સિંગલ પટ્ટી રોડ હતો જેમાં એક પવર્ત ચડીને ઉતરવાનો હતો....તો એ પહાડોની રોમાંચક સફર આવતા એપિસોડમા...
હવે પછીની મુસાફરી આગળના ખંડમાં...
ક્રમશ:
©-ધવલ પટેલ
ટુર પેકેજ માટે નીચેના સંપર્ક માટે :
વોટ્સએપ : 09726516505
#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#himachal
#tripwithdhaval
#sabaramtijunction
#trainjourneyvlog
#trainjourney
#manalitrip