HUN ANE AME - 29 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 29

Featured Books
Categories
Share

હું અને અમે - પ્રકરણ 29

અવની રાકેશની બહેન છે એ વાત બધાને ખબર પડી. રાત્રે અવની સાથે મોડે સુધી વાતો કર્યા પછી ઘેર જતા સમયે દરેકે ગુડ નાઈટ અને સ્વીટ ડ્રિમ્સ કહ્યું. તો અવની અને રાકેશ પણ ઘરના મુખ્ય દરવાજે બધાને વિદાય આપવા આવી ગયા. દરવાજે ઉભા રહી સૌ અલગ પડી રહ્યા હતા. અહમ અને પલ્લવી ગયા, મયુરે ગુડ નાઈટ કહ્યું અને અંતે વારો શ્વેતાનો આવ્યો. આડી અવળી નજર કરતા તેણે રાકેશને કહ્યું, "ઠીક છે તો... અં!... ગુડ નાઈટ એન્ડ..."

અવની તેને વિચારતા જોઈ બોલી, "એન્ડ?"

તો શ્વેતાએ કહ્યું, "અં... એન્ડ, કાલે મળીયે..."

અવની બોલી, " કાલે તો સન્ડે છેને, હોલી ડે."

શ્વેતાએ કહ્યું, "હા એટલે મારો કહેવાનો અર્થં છે સોમવારે, ને કાલે કોઈ કામ હોય તો કાલે પણ આવી શકું છું."

"ના એની કોઈ જરૂર નથી. વી વીલ મેનેજ, હાં!" અવની બોલી. બધાના ગયા પછી અવની એક નાનકડી મુસકાન સાથે રાકેશ તરફ જોવા લાગી.

"શું થયું? કેમ મારી સામે જોઈને હસે છે?" રાકેશે આશ્વર્ય વ્યક્ત કરતા પૂછ્યું.

"સમજાય છે."

"શું?"

"એજ કે રાધિકા તમને કેમ ગમવા લાગી હશે?"

"અચ્છા. પાગલ મગજ."

"એય, શું બોલ્યો..." કહી અવની રાકેશની પાછળ થઈ અને રાકેશ તે ન પકડી શકે એટલે ગાર્ડનમાં આમ તેમ દોડવા લાગ્યો.

"મને પાગલ કહે છે! મારામાં મગજ છે અને તારી કરતા સારું..." ચીડાયેલી અવની રાકેશની પાછળ દોડતી હતી. મોહન બહાર આવ્યો તો તેને વચમાં લઈ તે બચવા લાગ્યો.

"હા પાગલ, પાગલ પાગલ..." એ એને ખિજવતો જાય અને અવની એને પકડવા દોડતી જાય.

પોતાની બારીમાંથી રાકેશના ખાલી મકાનમાં જોતી રાધિકાએ આજે સામેના મકાનમાં પોતાના પાડોશી એવા રાકેશને અવની સાથે આ રીતે પકડમ પકડી કરતાં જોઈ મનમાં આનંદ થયો. પોતાની બારી બંધ કરતા તે મનમાં કહી ઉઠી, "ગુડ નાઈટ"

બીજા દિવસે વહેલી સવારે રાકેશ જાગીને બહાર આવ્યો તો મોહન તેના માટે ચાનો કપ લઈને આવ્યો.

"લ્યો રાકેશભાઈ!" તેણે કપ આગળ કરતા કહ્યું.

"ઘણા સમયે તમારા હાથની ચા આવી છેને કંઈ મોહનભાઈ."

"હા..., મોકો તો અમને પણ ઘણા સમય પછી મળ્યો છે તમારી સેવાનો." મોહને કહ્યું.

"અચ્છા, અવની ક્યાં ગઈ છે અત્યારમાં?"

"કહ્યું નથી, મને લાગે છે મેડમ અહીં એટલામાં ક્યાંક મંદિરે ગયા હશે."

રાકેશ મનમાં બોલ્યો, "થઈ ગયું મોહન પુરાણ શરૂ. હાહ..." લાંબો શ્વાસ લઈ તેણે સમાચાર પત્રિકા ખોલી. એટલામાં અવની દોડતી અંદર આવી.

"ભાઈ, ભાઈ..."

એના સાદ સાંભળી પેપર વાળીને પાછું મૂકી તે ઉભો થઈ ગયો અને તેને પૂછવા લાગ્યો; "શું થયું?"

અવનીએ એક ન્યુઝ પેપર તેના હાથમાં આપ્યું, "આ જુઓ."

ટુચકારા સાથે તે બોલ્યો, "અવની! પેપર આવી ગયું છે. હું વાંચવાની તૈય્યારી જ કરતો હતો. શું તું પણ! આ મયુરે પેપરવાળાને કહી સબસ્કિપ્શન ભરી દીધું છે."

"અરે એમ નહીં ભાઈ, અંદર તો જુઓ શું છે? ત્રીજું પાનું ખોલો."

રાકેશે પેપરનું ત્રીજું પાનું જોયું તો એમાં એના વિશે છપાયેલું હતું. અવની આગળ બોલી; "ત્રીજા પાનાની પહેલી હેડલાઈન્સમાં તમારું નામ છે."

રાકેશે આ વાંચ્યું અને અવનીના ચેહરા પર એ ન્યૂઝની ખુશી હતી. કોઈ પત્રકારે રાકેશની જાણ મેળવી એના વિશે લખ્યું અને પેપરના ત્રીજા પાનાની પહેલી હેડલાઈન્સ અને સમાચાર આ રીતે છપાયા:

એક સફળ બિઝનેસ-મેનની સફળ કહાની: મિ.રાકેશ (honor of S. M. Digital)

સુરત|

મિસ્ટર રાકેશ પટેલ પોતાના બિઝનેસમાં એટલા સફળ છે કે તેઓએ જોત જોતામાં આજથી આઠેક વર્ષ પહેલા એક કમ્પનીમાં જૉડાતાની સાથે તેના પાયા મજબૂત કર્યા. 'S. M. Digital' ની કમ્પનીમાં એક ઓપરેટર તરીકે શરૂઆત કરી મોહનશેઠનો પ્રોજેક્ટ સફળ બનાવ્યો. આ વાતથી ખુશ થઈ મોહનશેઠના પ્રત્યવર્તી શ્વેતા સોનીએ એને સીઈઓ બનાવ્યા અને ત્યારબાદ 'S. M. Digital' દેશની સૌથી મોખરાની કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રી બની.

તેઓએ પોતાના કામની સાથે સાથે ગીતા સ્ટુડીઓની શરૂઆત કરી અને તેને પણ સફળ બનાવ્યો. છેલ્લા સાત વર્ષમાં આ સ્ટુડીઓએ અનેક સફળ પ્રોજેક્ટ કર્યા છે. આમતો મિસ્ટર રાકેશ એકલા રહેતા હતા પરંતુ જાણવામાં આવ્યું છે કે તેઓની સાથે હાલ કોઈ રહે છે જેને તે પોતાની બહેન કહે છે. તેઓ બંને મુંબઈથી સદાને માટે સુરત પરત ફર્યા છે.

ન્યુઝ પેપરમાં છપાયેલા આ સમાચાર સૌ સુધી પહોંચ્યા. જેમાં રાકેશે પોતાની કંપની માટે કરેલા સંધર્ષો અને તેની સફળતાનાં કામોની વિસ્તૃત માહિતી આપેલી હતી. આ સિવાય તેના સ્ટુડિયોએ કરેલા તમામ પ્રોજેક્ટ પણ તેમાં દર્શાવવામાં આવ્યા હતા. આ સમાચાર પેપરની સાથે ઘર ઘર સુધી પહોંચ્યા. એવામાં રામનંદન કે પછી આલોક સોસાયટી પણ બાકાત નહોતા. લલ્લુકાકાના ઘરમાં આનંદ પ્રસરી ગયો અને નીરવે પોતાનો ભાઈ ક્યાં છે તેની શોધખોળ શરુ કરી. હિતેશે કોઈ આડી અવળી રીતે તેની ભાળ મેળવી લીધી. નીરવનો ફોન આવ્યો કે તરત જ તે બંનેએ રાકેશ પાસે જવાનું નક્કી કર્યું.

સવારમાં આ પેપર જોઈ મયુરે રાધિકાને વાત કરી. તે બંને પણ એટલા જ ખુશ થયા કે રાકેશ વિશેની આવી માહિતી ન્યુઝ પેપેરમાં છપાઈને આવી છે. પરંતુ રાધિકાને આ ખુશી સાથે એક ડર પણ લાગવા લાગ્યો. 'પેપર તો બધા ઘેર જાય છે. જો આ સમાચાર ભાઈના હાથમાં આવશે અને તેને ખબર પડશે કે રાકેશ આજે પણ અમારી સાથે રહે છે, તો?' આવા ડરથી તેણે પોતાના ઘેર ફોન કર્યો અને આડી અવળી વાત કરી જાણવાની કોશિશ કરી.

"શું કરે છે રાધિકા? કેટલા સમય પછી તે ફોન કર્યો!" વનિતાએ ફોન ઉંચકતા કહ્યું.

"બસ મમ્મી તમારા સમાચાર પૂછવા જ ફોન કર્યો છે. ઘેર શું કરે છે બધા?" રાધિકાએ પૂછ્યું.

વનિતા કહે, "બસ રોજની જેમ રોજનું કામ."

"અને ભાઈ?"

"ભાઈ તો વહેલી સવારમાં ફેક્ટરીના કામથી જતો રહ્યો." વનિતા બોલી.

રાધિકાને આશ્વર્ય થયું, "કેમ એટલો જલ્દી?"

વનિતાએ જવાબ આપ્યો: "ખબર નથી પણ ફોન આવેલો કે ફેક્ટરીનું એક મશીન બગડી ગયું છે, એટલે."

રાધિકાએ ઘણો સમય સુધી વાતો કરી પણ તેને એવું કશું ન લાગ્યું કે મહેશને એના વિશે ખબર હોય. આખરે એણે પોતાનું મન શાંત કર્યું.

દર વખતની જેમ નીરવ પોતાના ભાઈને મનાવવા અને ઘરે આવવાનું નિમંત્રણ આપવા હિતેશની સાથે આવી ગયો. આ વખતે તે એકલો નહોતો, પણ એની સાથે એની બહેન અવની પણ હતી એટલે રાકેશને વધારે માન ખાવા જેવું રહ્યું જ નહિ. નીરવે અવની વિશે પેપરમાં જેટલું વાંચ્યું એટલી જ તેને ખબર હતી. પરંતુ રાકેશને મળ્યા પછી તેણે અવનીની ગેરહાજરીમાં નીરવ અને હિતેશને ગાર્ડનમાં લઈ જઈને અવનીની તમામ હકીકત કહી સંભળાવી.

આ વખતે નીરવે પણ વધારે જોર ન કર્યું અને માત્ર એટલું જ બોલી શક્યો, "રાકેશ, આ વખતે હું તને વધારે તો કંઈ નહિ કહી શકું. પણ નિર્ણય હું તારા પર છોડું છું. જો તારી ઈચ્છા થાય તો અવનીને લઈને ઘેર આવી જાજે. મમ્મી-પપ્પાને પણ સારું લાગશે."

"શું કહ્યું મમ્મી-પપ્પાએ, તેઓ ન આવ્યા?" રાકેશે પૂછ્યું.

"આવવાની ઈચ્છા તો તેઓની પણ હતી. મનાલીની તબિયત થોડી સારી નહોતી. એટલે તારા ભત્રીજા યેશુનુ ધ્યાન રાખવા તેઓ ઘરે રહ્યા છે."

એક હળવી હસી સાથે રાકેશ બોલ્યો; "હું મારી લાઈફમાં કેટલો બીજી થઈ ગયો! કે મારા સગા ભત્રીજાને મે આજ સુધી માત્ર ફોટામાં જ જોયો છે. ઘણો મોટો થઈ ગયો હશેને?"

નીરવે કહ્યું, "હા, છ વર્ષનો." ને બંને ભાવવિભોર બની હસવા લાગ્યા.

પોતાની જૂની યાદોને તાજી કરતા હિતેશ અને નીરવ સાથે વાતો કરતા તે ત્રણેય અંદર ગયા. અવનીએ તેઓની સાથે મુલાકાત કરી અને નીરવને આખા ઘરના સમાચાર પૂછ્યા. તે બંનેએ તેઓને આવવાનું કહી નીકળી ગયા અને અવની અને રાકેશે પણ તેઓને મુલાકાત કરવા આવશે એવું પ્રોમિસ કર્યું.

રાકેશની જિંદગીમાં શું થઈ રહ્યું છે તેની પળે પળની ખબર રાધિકાને રહેતી. અવની માટે આખા શહેરમાં સૌથી સારી રીતે જાણીતું અને સૌથી નજીક એવું કોઈ હતું તો તે રાધિકા જ હતી. તેને કોઈ પણ કામ હોય તો રાધિકા પાસે આવી જતી. ને તેને પણ તેની મદદ કરવી ખુબ ગમતી. રાધિકાના કોરા હૈયામાં આખરે સંતોષનો ઓડકાર જો આવ્યો હતો. એને રાકેશના ગયા પછી સાત વર્ષ તેના જવાની નહિ પણ તે એકલો છે તેની ચિંતા હતી. હવે તેનું ધ્યાન અવની રાખે છે એવા વિચારે તેને એક રીતે શાંતિ મળી.

સવારે જે રીતે રાધિકાનો ફોન આવ્યો તે પરથી વનિતાને એના પર શંકા ગઈ. અને સાંજે જેવો જ મહેશ ઘેર આવ્યો કે તેણે વાત કરતા કહ્યું, "આ રીતે તેનો ફોન કોઈ દિવસ નથી આવ્યો. તે સૌથી વધારે તારા માટે પૂછતી હતી. ભાભી શું કરે છે કે બીજી બધી વાત તો તેણે કરી જ નહિ. બસ ભાઈના સમાચાર પૂછ્યા અને ફોન મૂકી દીધો. હું કહું છું, કાલે તું રાધિકા પાસે એક આંટો મારી લે. કોઈ ગડબડ તો નથીને. એના ફોન પછી મારૃં મન મુંજાય છે."

મહેશે કહ્યું, "તું ચિંતા નૈ કર મમ્મી. કાર્તિકે પણ મને વાત કરી કે ઘણા સમયથી બહેન પાસે નથી જવાયુ. અમે બંને કાલે પહેલા ત્યાં જશું અને પછી ફેક્ટરીએ."

વનિતા બોલી; "ભગવાન કરે બધું સારું હોય."

બીજા દિવસે મહેશ અને કાર્તિક બંને રાધિકાને ઘેર આવી પહોંચ્યા. તેઓ રાધિકા સાથે વાતો કરતા બેઠા હતા. તેના સમાચાર પૂછી તેઓએ નક્કી કર્યું કે બધું બરાબર છે અને રાધિકાએ અમસ્તા જ ફોન કરેલો. આખરે તેની મુલાકાત લઇ બંને ભાઈ જવા માટે નીકળે છે. દરવાજે પહોંચે છે તેવાંમાં સામે તેને અવની દેખાય છે. અવની બાઈક ચલાવતા શીખી રહી હતી. પણ તેનું ધ્યાન ન રહેતા બાઈક જઈને બંને ભાઈ સાથે અથડાય ગઈ. કોઈને વધારે વાગ્યું નહિ કારણ કે તેની સ્પીડ ઓછી હતી. પરંતુ અવનીએ આ અંગે તેની માફી માંગતા કહ્યું,

"ઓહ, આઈ એમ સો સોરી, હું શીખી રહી છું ને મારું ધ્યાન જ ના રહ્યું."

"ઇટ્સ ઓકે, અમને લાગ્યું નથી." કાર્તિકે તુરંત જ કહ્યું.

અવનીએ ફરી પૂછ્યું, "સાચે જ તમને કશું થયું નથી તો નથીને? મારુ ઘર અહીં સામે જ છે તમે આવો હું..."

કાર્તિકે તેની વાત વચ્ચે અટકાવતા કહ્યું, "ના ના, એની કોઈ જરૂર નથી. તમારી સ્પીડ ઓછી હતી એટલે કંઈ થયું નથી. તમે અહીં સામે જ રહો છો?"

"હા. આ સામે દેખાય છે તે મારુ ઘર છે." અવનીએ નમ્રતાથી જવાબ આપ્યો.

હસીને કાર્તિક બોલ્યો; "ઓહ, તમારી સામેનું જે ઘર છે તે મારી બહેન નું છે."

"એટલે તમે...?"

"આ મહેશભાઈ છે અને હું કાર્તિક, રાધિકા અમારી બહેન છે."

"અચ્છા!" કહી અવનીએ મોં થોડું લટકાવી દીધું. તે વધારે ન બોલી અને પોતાના ઘરમાં જતી રહી. કાર્તિકને તેની સાથે આ રીતે વાતો કરતા જોઈ મહેશે કહ્યું, "ચાલો હવે, પછી ફરીથી આવજો." તે સમજી ગયો કે કાર્તિક અવનીની સુંદરતાને જોતા જ તેમાં ડૂબી ગયો છે. તેની બહેનના ઘરનું બહાનું મળી ગયું. ક્યારેક ભૂલથી ભૂલો પડતો કાર્તિક હવે બહેનના ઘરે ફરજીયાત ભૂલો પાડવા લાગ્યો. તે રાધિકાના ઘરની પહેલા સામેના ઘરમાં નજર કરતો જાય. અવનીને તેની આ નજર ખટકવા લાગી. તેણે કોઈને જાણ ના કરી પણ પોતાના ભાઈને કહેતા પહેલા રાધિકા સાથે વાત કરવાનું તેને યોગ્ય લાગ્યું.

આમેય એટલો સમય તેઓને થઈ ગયો કે રાધિકા અને અવનીના મન મળી ગયેલા. અવની તેના અને pપોતાના ભાઈ વિશે બધું જાણતી હોવા છતાં ચૂપ હતી. રાકેશે પણ તેને ઘણીવાર સમજાવી એટલે રાધિકા મયુર સાથે નવા રસ્તે જઈ રહી હતી. પરિસ્થિતિ ફરી સામાન્ય બનવા લાગી. પણ એવામાં અવની તરફ ખેંચાય રહેલ કાર્તિકની રાધિકાને જાણ થઈ. અવનીએ તેને વાત કરી પણ નિરર્થક હતી. રાધિકા કાર્તિકને કશું કહી શકે તેમ ન હતી. તેણે ઉલ્ટી અવનીને સલાહ આપી કે તે કાર્તિક પર વધારે ધ્યાન ન આપે. અવની આ વાતને સમજતી હતી કે તેનું માન ઘરમાં ઓછું છે. એવામાં એની વાત મનાશે પણ કોણ? એ સાચું કહે છે. એમ વિચારી અવનીએ કાર્તિકથી શક્ય એટલા છેટા રહેવાના પ્રયત્નો ચાલુ રાખ્યા.

તે કોઈને કોઈ બહાને રાધિકાને ઘેર આવી જતો અને રજાનો દિવસ તો તે મયુર સાથે જ વિતાવતો. તેનું કારણ પણ અવની જ હતી. મયુર આ વાતથી તદ્દન અજાણ હતો અને રાકેશ કાં તો ઓફિસે હોય અંથવા ઘેર હોય તો ડ્રિંક્સ લઈને બેસાદ્ય થયેલો રહેતો. તેની દારૂની લત દિવસેને દિવસે વધી રહી હતી અને ઘરમાં તેનું ધ્યાન ઘટી રહ્યું હતું. હવે આ આખી સ્થિતિની જાણ રાધિકા અને અવનીને જ હતી. પણ પહેલી વાર જ્યારે મહેશ આવેલો ત્યારે તેણે પણ કાર્તિકની આ હરકતને ઓળખી લીધી હતી. તે જાણતો હતો કે કાર્તિકનું બહેન અને બંનેવિને મળવાનું શું કામ વધુ રહ્યું છે. એકવાર રજાના દિવસમાં ફઈ અને હકુકાકાનો પરિવાર આવેલો. બધા બેસેલા હતા એવામાં કાર્તિક અચાનક ઉભો થઈને જવા લાગ્યો. તેને બહાર જતા જોઈ મહેશે પૂછ્યું, "કાર્તિક! આજે ક્યાં જાય છે?"

તેણે જવાબ આપ્યો, "જીજાજી પાસે બેસવા જાઉં છું."

"હજુ થોડા દિવસ પહેલા તો ગયેલો." મહેશે ફરી પૂછ્યું.

"હા ગયેલો. પણ ફરીથી, થયું બહેનને અને જીજાજીને મળી લઉં."

મહેશ બોલ્યો, "તો પછી એક કામ કરીને, અમે બધા પણ આવીયે. આપણે સાથે મળીને જઈએ."

તે કશું ના બોલ્યો પણ મહેશે બધાને તૈય્યાર કરી લીધા. મહેશને કાર્તિકની વાત ખબર હતી. એટલે તેણે જાણી જોઈને બધાને સાથે લીધા. તેના મનમાં એ જ વિચાર આવતો હતો કે "કાર્તિકની ઉંમર લગ્નની થઈ ચુકી છે. સામે અવની પણ ખુબ સુંદર અને સારી છે. કાર્તિકને મન અવની ગમી ગઈ છે તો રાધિકા થકી અવનીનું માંગુ નંખાવીએ. જો બધા સાથે હશે તો વાત નો વજન પડશે." આ જ વિચાર સાથે તેણે સૌને તૈય્યાર કર્યા અને બધાને લઈને રાધિકાને ઘેર આવી પહોંચ્યો. પણ અવની રાકેશની બહેન છે એ મહેશ કે કાર્તિક બેમાંથી કોઈ જાણતું ન હતું.